Journalisam as a profession in Gujarati Philosophy by Siddharth Maniyar books and stories PDF | પત્રકાર એક એવી કારકીર્દી જેની હંમેષ ઉપેક્ષા થાય છે

Featured Books
Categories
Share

પત્રકાર એક એવી કારકીર્દી જેની હંમેષ ઉપેક્ષા થાય છે


હાલની કોરોના વાઇરસની મહામારીની પરિસ્થિતી હોય કે પછી, પૂર, ભૂંકપ, આગજની દરેકમાં પત્રકારો જ સતત ફરજ બજાવે છે. પત્રકારત્વમાં ના દિવસ જોવાનો હોય છે ના રાત, ના પરિવાર ના મિત્રો, ના વાર ન તહેવાર છતાં પણ લોકો તો એમ જ માને છે કે, પત્રકારોને તો ઝલસા જ હોય છે. હાલની પરિસ્થિતીમાં લોકો ડોક્ટર્સ, પેરામેડિક સ્ટાફ અને પોલીસ જવાનોને કોરોના વોરીયર્સ કહીને તેમનો આભાર માને છે. જ્યારે ભૂંકપ અને પૂર જેવી કુદરતી આફતના સમયમાં પોલીસ કે પછી સેનાના જવાનોનો આભાર માનતા હોય છે. પરંતુ આ લોકોને બધી સાચી અને સચોટ માહિતી આપતા પત્રકારો તો જાણે કશું કરતાં જ ન હોય તેમન તેમની સતત ઉપેક્ષા થતી હોય છે. લોકોનું માનવું છે કે, પત્રકારે કશું કરવાનું ક્યાં હોય છે ? સરકાર આપે તેટલું લખવાનું અને લોકો પાસે દાદાગીરી કરી ----- લઇ લેવાનું. હવે, એમને કોણ સમજાવે કે, ભાઇ એક વખત પત્રકાર બનીને જોશો તો જ ખબર પડશે એક પત્રકારની સાચી વેદના.

કરફ્યૂ જેવી સ્થિતીમાં સેના કે પછી અર્ધ સૈનિક દળના જવાનો પત્રકારોને ઓળખતા નથી હોતા. તેવા સમયે માર પણ ખાવો પડતો હોય છે. પૂરના પાણી કે ભૂકંપના આંચકા પણ પત્રકારને ઓળખતા નથી હોતા કે અમને કોઇ અસર ન થાય. પૂરના ગળાડૂબ પાણીમાં પત્રકાર પોતાની ફરજ નિભાવતા હોય છે. હાલની વાઇરસની મહામારીમાં પણ પત્રકારો જીવના જોખમે જ પોતાની ફરજ નિભાવી રહ્યા છે. છતાં પણ લોકોને ક્યાં તેમની કદર છે. ફેસબુકની વોલ હોય કે પછી ટિકટોક હોય કે ઇન્સટાગ્રામ માત્ર ડોક્ટર્સ, પેરામેડિક સ્ટાફ અને પોલીસ જવાનોનો આભાર માનવામાં આવી રહ્યો છે. ખરેખર તે લોકો પોતાની ફરજ નિષ્ઠા પૂર્વક નિભાવી રહ્યા છે. એટલે જ આપણે સુરક્ષીત છીએ.

આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના માનમાં જ થાળી અને તાળી વગાડવાનું કિધુ. જે ખબર ને લોકો સુધી પહોંચાડી પત્રકારોએ, થાળી અને તાળી વગાડાયા બાદ તે ખબર તમને આપી પત્રકારોએ. એટલું જ નહીં રોજે રોજના ખબર તમને આપે છે પત્રકારો. તે ઉપરાંત સમાજ સેવા કરતાં લોકોની સેવા ભાવના, લોકોની વેદના, ભૂખ્યાને ભોજન નથી મળતું તે સહિતની અનેક ખબરો પત્રકારો જ તમને પુરી પાડે છે. તેમાંથી અનેક પર તો સરકાર દ્વારા તાત્કાલીક પગલાં લઇ સુવિધાનો અભાવ હોય તો તે દૂર કરાવામાં આવતો હોય છે. શું લાગે છે તેમને પત્રકારોને બધું ઘરે બેઠા મળી જાય છે?
તેનો જવાબ છે ના

પત્રકારોને પણ સમાચાર શોધવાની મહેનત કરવી પડે છે. તેમને પણ જીવના જોખમે હોસ્ટિપલમાં જવું પડે છે, રેડઝોન વિસ્તારમાં ફરવું પડે છે. લોકોને મળવું પડે છે. કેમેરામેન તો કદાચ પણ સોશિયલ ડિસ્ટસિંગનું પાલન કરી શકતા હશે, પરંતુ માઇક લઇને ફરતા પત્રકારોએ તો વ્યક્તિની નજીક જ ઊભા રહેવાનું હોય છે. પત્રકાર પ્રિન્ટના હોય કે પછી ચેનલના હોય બધાની વેદનાઓ તો એક સરખી જ હોય છે. સવારથી ઘરેથી ટિફિન લઇને નિકળ્યા પછી ક્યારે ઘરે પહોંચીશું તેની ખબર હોતી નથી. ઘરે ગયા પછી ફરી નહીં જ નિકળવું પડે તેની ખબર હોતી નથી. પહેલા કહ્યું તેમ, પત્રકારોને ના દિવસ જોવાનો હોય છે ના રાત, ના પરિવાર ના મિત્રો, ના વાર ન તહેવાર. તેમ છતાં અમે અમારી ફરજ નિભાવી સમાજ પ્રત્યેની અમારી ફરજ નિભાવતા જ રહીએ છીએ.

કોરોનાની મહામારીમાં બીક તો અમને પણ લાગે છે. પરંતુ અમારો પત્રકારત્વનો ધર્મ અમને ઘરે બેસવા દેતો નથી માટે જ ગમે તેટલી બીક લાગે પણ નોકરી તો કરીએ જ છીએ. ઘરેથી નિકળતા પત્ની કે પછી બાળક ઘણી સલાહ આપે છે. તે બધી જ સાંભળીએ છીએ અને તેનું પાલન કરવાનો પ્રયાસ પણ કરીએ છીએ. તેમ છતાં રાતે ઘરે જઇએ ત્યારે બાળક દોડીને નજીક આવે તો તેનાથી દૂર ભાગીએ છીએ. પત્ની નજીક આવે તો તેને પણ અડકવાની ના પાડવી પડે છે. કદાચ વાઇરસ આવી ગયો હોય તો માટે જ ઘરમાં જઇ સીધા જ પહેરેલા કપડે પાણી નાંખી નાહવું પડે છે. પછી જ બીજી વાત.... કારણ કે અમને પણ અમારો પરિવાર તેટલો જ વ્હાલો છે જેટલો તમને છે.

બાકી બધા ફિલ્ડની જેમ અમારા પત્રકારત્વમાં પણ અનેક બહેનો, માતાઓ, ભાભી, પત્નીઓ ફરજ બજાવે છે. તે પણ આજની કપરી પરિસ્થિતીમાં પોતાની ફરજ પ્રત્યે એક પિતા, ભાઇ અને પતિ જેટલી જ નિષ્ટા રાખે છે. જેમને એક પત્રકાર તરીકે મારા કોટી કોટી વંદન.....

મિત્રો એક પત્રકારના જીવનની વ્યથા વ્યક્ત નથી કરતો માત્ર હકીકત જણાવી રહ્યો છું. હાલની પરિસ્થિતીમાં ડોક્ટર્સ, પેરામેડિક સ્ટાફ અને પોલીસ જવાનો માટે આપ જેટલું કરો તેટલું ઓછું છે, પરંતુ તેની સામે પત્રકાર માટે કંઇ ન કરો તો કઇ નહીં પરંતુ તેની ઉપેક્ષા ન કરી ઘર આંગણે આવેને તો એક ચ્હા પિવડાવી દેજો. કારણે કે પત્રકારોને જેટલો પ્રેમ પોતાની પેન કે માઇક અને કેમેરાથી હોય છે તેટલો જ પ્રેમ ચ્હાથી હોય છે. માટે તેમનો આભાર ન માનો તો કંઇ નહીં પણ ચ્હા પીવડાવશો તો તે તમારો આભાર જરૂર માનશે.

બાકી આપ મારા મિત્રો છો અને રહેવાનો જ છો ત્યારે એક પત્રકારનો આભાર ન માનો તો વાંધો નહીં પણ ઉપેક્ષા ન કરતાં તેટલી જ આશા સાથે મારી વાતને વિનમું છું.

આભાર