છેલ્લે આપણે જોયું કે રાઘવ, ત્રિષા અને વિરાજ અલગ અલગ ચાઇના જવા માટે રવાના થાય છે. રાઘવ અને ત્રિષા તાઇવાન થઈ ચાઇના જવાના હતા, જ્યારે વિરાજ વાયા હોંગકોંગ ચાઇના જવાનો હતો.
હવે આગળ.....
********
વિરાજ આગલી રાત્રે જ દિલ્હીથી નીકળી ગયો હોવાથી તે રાઘવ અને ત્રિષા તાઇવાન પહોંચે એના એક દિવસ પહેલા જ હોંગકોંગ પહોંચી ગયો હતો. આમપણ એ બધાને ભેગા તો હર્બિનમાં જ થવાનું હતું.વિરાજ હજુ એક કે બે દિવસ માટે હોંગકોંગમાં જ રોકાણ કરવાનો હતો, એટલે જ તો તે વહેલો પહોંચી ગયો હતો. તે હોંગકોંગમાં પોતાના માટે સપોર્ટ તથા ચાઇનામાં પણ સપોર્ટ અને મદદ મળી રહે એ માટેની વ્યવસ્થા યોગ્ય છે કે નહી તે ચકાસવા માંગતો હતો.
એ લોકોએ હોંગકોંગ પર પસંદગી એ માટે ઉતારી હતી, કારણ કે હોંગકોંગમાં 'વન નેશન, ટુ પોલીસી' સિસ્ટમ લાગું હતી. એ નીતિ પ્રમાણે હોંગકોંગ ચાઇનાનો જ એક ભાગ હતો, પરંતુ પોતે એક સ્વાયત્ત પ્રદેશ પણ હતો. ચાઇનાના બધા નિયમ કાનૂન હોંગકોંગમાં લાગું પડે નહીં.
વિરાજ એજ સિસ્ટમનો લાભ લેવા ઈચ્છાતો હતો. તે અહીં એક શેલ કંપનીનો રિપ્રેન્જટેટીવ બની કંપની વતી ડીલ કરવા આવ્યો હતો. તેના પ્લાન મુજબ તે જે કંપની સાથે ડીલ કરવા આવ્યો હતો એ પણ ડમી કંપની જ હતી. પરંતુ ઓન પેપર તે કંપનીની ઓફિસ હોંગકોંગ અને પ્લાન્ટ હર્બિનમાં દર્શાવવામાં આવ્યા હતા. આથી ડીલ ફાઈનલ કરવાના બહાને વિરાજ પ્લાન્ટ જોવાની માંગણી કરે અને એ બહાને ચાઇનામાં પ્રવેશ મેળવે.
તેમજ તે પોતાના પરત ફરવા માટેની વ્યવસ્થા પણ કરવા માંગતો હતો. અને કદાચ રાઘવ તથા ત્રિષા પણ તેની સાથે જ પરત ફરે તો તે વિકલ્પ માટે પણ પહેલાથી જ વ્યવસ્થા કરી રાખવી જરૂરી હતી. કેમકે હર્બિન હોંગકોંગ અને તાઇવાન બન્નેથી દૂર આવેલું હતું. અને હર્બિનથી પરત ફરવા માટે આખા ચાઇનાને ફરી પાર કરવું પડે, માટે પૂરતી વ્યવસ્થા કરવી જરૂરી હતી.
વિરાજ એક દિવસ હોંગકોંગમાં રોકાઈ પોતાના માટેની પૂરતી વ્યવસ્થા કરી બીજા દિવસે હોંગકોંગથી ગ્વાંગજાઉ અને ત્યાંથી હર્બિન જવા માટે રવાના થાય છે.
ત્રિષા અને રાઘવ પણ તાઇવાન પહોંચી ત્યાંથી સીધા હર્બિન જવા માટે રવાના થાય છે. ત્રિષાને તાઇવાન માટે ડાયરેક્ટ ફ્લાઇટ હતી, જ્યારે રાઘવ વાયા સિંગાપુર થઈ તાઇવાન પહોંચવાનો હતો. માટે ત્રિષા અહીં રાઘવ કરતાં પાંચ કલાક પહેલાં પહોંચી ગઈ હતી. અહીં પણ તેને એક વાર બીજી કોઈ જગ્યાએ ભાગી જવાનો વિચાર આવ્યો, પરંતુ દિલ્હીમાં ચેન્નાઈની ફ્લાઇટ વાળી ઘટના અને પોતાના પિતાની યાદ આવતા તેણે એ વિચાર માંડી વાળ્યો.તે આ પરાયા મુલ્કમાં હાથે કરી કોઈ મુશ્કેલી વહોરવા નહતી માંગતી.ખાસ તેને તેના પિતાની ચિંતા હતી. કેમકે તેઓ બોસના કબ્જામાં હતા.
રાઘવ તાઇવાન પહોચ્યો ત્યાં સુધી તેણે એરપોર્ટમાં જ રહેવાનું હતું. તેને રાઘવ આવે નહીં ત્યાં સુધી એરપોર્ટની બહાર નીકળવાની સખ્ત મનાઈ ફરમાવવામાં આવી હતી. તેના મુખ્ય બે કારણો હતા. ત્રિષા બહાર નીકળી કોઈ પાસે મદદ માંગે અથવા તો કોઈ કારણોસર તેની ઓળખ છતી થઈ જાય, તે મિશન માટે બાધારૂપ બની શકે. અને કદાચ જો કોઈ દુશ્મનને તેમના મિશનની જાણ થઈ હોય તો તે એરપોર્ટ પર તો ત્રિષા પર આસાનીથી હૂમલો ના કરી શકે, પરંતુ એરપોર્ટની બહાર તેના પર જાનનો ખતરો હોય.
રાઘવના આવ્યા બાદ તરત જ તે લોકો શાંઘાઈ જવા માટે બીજી ફ્લાઇટમાં નીકળી ગયા. શાંઘાઇથી તેઓ બાયરોડ હર્બિન પહોંચવાના હતા.
દિલ્હીથી નીકળ્યાને પાંચમા દિવસે ત્રિષા, રાઘવ અને વિરાજ ત્રણેય હર્બિનમાં સાથે હતા. અત્યાર સુધી તેઓ અલગ અલગ હોટેલમાં રોકાયા હતા. પરંતુ હવે મિશનના મુખ્ય આયોજનમાં તેમનું સાથે રહેવું જરૂરી હતું. તેમજ ત્યાંના સ્થાનિક લોકો સમક્ષ તેમનો સામનો ઓછો થાય એ જરૂરી હતું. કેમકે એ લોકો સ્થાનિક લોકોમાં ભળી જાય તેવું તેમનું રંગ હોય, રૂપ, દેખાવ, ભાષા કંઈ જ નહતું. હા, એક બાબત હતી જે તેમના માટે ફાયદાકારક હતી. તેઓ જે જગ્યા વિશે માહિતી મેળવવા આવ્યા હતા એ હર્બિનની વાયરસ રિસર્ચ લેબોરેટરીમાં દેશ વિદેશના લોકો આવતા રહેતા. જેથી સ્થાનિકોને એ વાતની કોઈ નવાઈ નહતી. પણ રાઘવ, ત્રિષા અને વિરાજ જેટલી કાળજી રાખે એ તેમના માટે જ સારૂ હતું.
એ લોકો શહેરથી દૂર એક પોશ વિસ્તારમાં આવેલી શાનદાર વિલામાં હતા. જેનો ઇંતજામ વિરાજે કર્યો હતો. આ વિલા જેકના ઘરથી લગભગ પાંચસો મીટર દૂર હતી. જેકે વિરાજના કહેવાથી જ આ રીતની વ્યવસ્થા કરી હતી.
હકીકતમાં જેક હોંગકોંગની આઝાદી માટે ચળવળ ચલાવતા સંગઠનનો સભ્ય હતો. અને હોંગકોંગ તથા હર્બિનમાં એજ સંગઠન વિરાજ અને રાઘવની મદદ કરવાનું હતું. કેમકે ચાઇના જેવા દેશ સામે લડવા માટે તેમને અઢળક નાણાંની જરૂર પડે, જે આ મદદના બદલામાં બોસ તરફથી તેમને મળવાના હતા.
જેક એ સંગઠનનો ફક્ત એક સામાન્ય સભ્ય જ હતો. પરંતુ વિરાજેને વાત વાતમાં તેના પાસેથી એવી જાણકારી મળી જે તેના મિશનને એકદમ આસાન બનાવી દે તેમજ ખતરો પણ ઓછો થઈ જાય.
પરંતુ વિરાજને જેકની વાત પર પૂર્ણ ભરોસો નહતો, આથી તે પોતાની રીતે આ વાતની એકવાર ખાતરી કરી લેવા માંગતો હતો. અને ત્યાં સુધી રાઘવને પણ જણાવવાનું ઉચિત સમજતો નહતો, જે શાયદ તેની ગંભીર ભૂલ હતી.
હર્બિન આવ્યાને તેઓને ત્રણ દિવસથી વધારે સમય થઈ ગયો હતો. ત્રિષા હવે કંટાળી હતી, તેને ઘરમાં કેદીની જેમ પૂરાયેલા રહેવું ગમતું નહતું. રાઘવ અને વિરાજ તો લેબ વિશે તેમજ આસપાસના સ્થાનની અને પોતને જોઈતી માહિતી માટે બહાર જતા, પરંતુ ત્રિષાને તે વિલા છોડવાની બિલકુલ મનાઈ હતી. રાઘવ અને વિરાજ ત્રિષા માટે થઈ કોઈ રિસ્ક લેવા નહતા માંગતા.
ત્રિષાને બીજી તકલીફ એકલાપણાની હતી. આખો દિવસ તે વિલામાં એકલી જ હોય. રાઘવ અને વિરાજ આખો દિવસ બહાર જ હોય અને પરત ફરીને પણ મિશન વિશે ચર્ચા કરવામાં લાગી જતાં, જેમાંથી ત્રિષાને મોટેભાગે બહાર જ રખાતી. જેક દિવસમાં એક બે વાર આવી જતો, પરંતુ તે પણ કામ સિવાય ત્રિષા સાથે કોઈ ખાસ વાતચીત કરતો નહીં.
વિલામાં તેમની મદદ માટે અને નાના મોટા કામ કરવા માટે જેકે સત્તર અઢાર વર્ષની એક છોકરીની વ્યવસ્થા કરી હતી,જે શાયદ તેના સંગઠનમાં નવી સવી જોડાઈ હતી. પરંતુ તેને સ્થાનિક ભાષા જ આવડતી. ભાગ્યું તૂટ્યું ઇંગ્લીશ ક્યારેય બોલી લેતી. તેનાથી ત્રિષાનું કામ ચાલી જતું. પ્રારંભમાં બે દિવસ તો તે ત્રિષા સાથે વાત કરતી, પરંતુ તે પછી અચાનક સાવ બંધ કર દીધું. ત્રિષાએ જ્યારે બહુ જોર દઇ પૂછ્યું, ત્યારે તેણીએ જણાવ્યું કે તેને ત્રિષા સાથે વાત કરવાની મનાઈ કરવામાં આવી હતી. ત્રિષાને હવે શું કરવું સમજાતું નહતું. જાણે તે કોઈ અંધારિયા કૂવામાં પડી ગઈ હોય અને ફરી ક્યારેય બહાર નીકળવા ન પામવાની હોય એવી ગૂંગળામણ તેને થતી હતી.
********
વિરાજે રાઘવને પોતાને જાણવા મળેલી વાત ન કરી સહી કર્યું? શું ત્રિષા કંઈ નવું આયોજન કરી ભાગી છૂટશે? જાણવા માટે વાંચતા રહો 'અજાણ્યો શત્રુ'.
તમારા અમૂલ્ય પ્રતિભાવ તથા સુચનો આપવાનું ચુકશો નહીં.
Divyesh Koriya
Wh no. :- 9265991971
જય હિંન્દ.