વ્હાલી વનિતા
બધું કુશળ મંગળ હશે, તારું અને મારું મળવાનું બન્યું નથી પણ હું જલ્દી જ આવીશ, તારાં મુખ નેં નિહાળવા,તને બોલતી સાંભળવાં.
- તારો થનારો પતિ
પ્રવિણ.
ટપાલી એ આપેલ કવર માંની ટપાલ માં લખેલ દરેક શબ્દ વ્હાલ વરસાવતા હતા અને એ વ્હાલ નાં વરસાદ ની દરેક બુંદ થીં વનિતા મન માં મલકાતી અને આતો પહેલાં પ્રેમ નો પહેલો પત્ર , હૈયાં નો હરખ મુખ પર સ્મિત બની વહેતો હતો અને સુંદર ચહેરો લાવણ્યમય થઈ વધુ સુંદર લાગી રહ્યો હતો.
એક કોરી જમીન માં આજે પ્રેમ નું અંકુર ફૂટ્યું. ખેતરમાં કામ કરતાં એકલા એકલા પણ હસતી અને ખબર નહીં પોતે વગર કારણે શરમાતી
મન નાં માણીગરે મળવાં આવાનું કિધું છે પણ ક્યારે અને ક્યાં એવું કાંઈ કેવરાવયુ નહોતું
"ઈ મળવાં આવશે અને બાપુજી નેં નહીં ગમે તો, મને તો બા બાપુજી શરમ આવશે હું શું કરીશ એ આવશે ત્યારે ?એને હું ગમીશ તો ખરી ને અને એ પોતે કેવાં દેખાતાં હશે? માણસ ચોખવટ તો કરેને કે ક્યારે આવશે હવે બીજી ટપાલ લખશે કે એ પહેલાં જ આવી જશે 🤔 ક્ષણે ક્ષણે સેંકડો વિચારો આવતા અને જતા પણ દરેક વિચાર નું કેન્દ્ર બિંદુ તો ઈ જ હતાં વનિતા નાં પ્રવિણ.
ટપાલી કાકા રોજ બપોરે બે-અઢી વાગ્યે ટપાલ વેચવા નિકળે અને વનિતા રોજે ભરત ભરવાના બહાને ડેલીએ ખાટલો ઢાળીને બેસે પહેલી ટપાલ આવ્યાં નેં એક મહીનો થયા બાદ રોજ આવી જ રીતે રાહ જોવાતી ટપાલ ની અને મોભારે કાગડો બોલે તો આંખો કાગડોળે રાહ જોવા લાગતી અને લાજી ને લાલ થઇ જતી જાણે એ એનાં પ્રિતમ નાં આવવાનાં એંધાણ આપતો હોય.
વખત વિતતો ગયો પણ પછી ના ટપાલ આવી કે ના ટપાલ નો લખનાર.
સામી દેવદિવાળી આવી અને આવ્યાં લગ્ન ની તિથિ લેનાર.
આ નહીં ને આવતા વરસ ની વસંત પંચમી નાં શુભ મુહૂર્ત નાં દિવસે લગ્ન લેવાયાં અને ઉંમર નાની હોવાથી લગ્ન પછી વર્ષ પિયરમાં રોકાવા દેવાનો વાયદો કરવામાં આવ્યો.
_________________________
એક સેઢે પાડા ના કાંધ જેવી દોઢસો વિઘા પાણી વાળી જમીન નાં સુવાંગ હકદાર અને પંદર વર્ષ થી ગામના મુખી પદ પર ગામમાં વહીવટ કરતા મોભી ભગવાન પટેલ.સમાજ માં આગવું સ્થાન માત્ર ગામમાં જ નહીં આજુબાજુ ના પંથકમાં પણ એમની હાકલ વાગે ભલે ને ગમે એવું ધિંગાણું થયું હોય કે પછી નાની મોટી તકરાર, ભગવાન પટેલ ની બેઠક માં હાજરી દરેક વસ્તુ નું નિરાકરણ લાવી આપતી, એક મુખી નાં શોભે એવું ખમીર, ઘાટીલા સ્પષ્ટ અવાજે બોલવાની છટા સાથે એમનો શાંત અને કુનેહથી ભરપૂર સ્વભાવ દરેક વ્યક્તિ ને પોતાની વાત મનાવવા મજબુર કરતો. લોકો તેમની વાત તેમના હોદ્દા થી કે તે હોદ્દા ની બીક થી વધુ તેમના પ્રત્યે નાં સન્માન અને સત્યતા ને લીધે માનતા અને આવાં જ પ્રભાવ થી પ્રભાવિત થઈ વનિતા નાં બાપુ એ વનિતા નો હાથ મોટું ઘર અને મિલકત જોઈ પ્રવિણ માટે સોંપ્યો.
પરિવાર માં બાપા ગૌલોક પામ્યા એને વીસ નાં વહાણાં શાહી ગયા હવે બા પોતાની પત્ની અને ત્રણ દિકરા એમાં મોટા એક દિકરા ને પરણાયેલ હોવાથી એમના વહુ અને પોતાના નાના બે ભાઈઓ અને તેનો પરિવાર અને એક ખેતર નું રખોપાં માટે રાખેલ સાથી .આમ, સંયુક્ત પરિવાર માં એક સાથે સોળ જણાં રહેતા.
ભગવાન પટેલ નો મોટો દિકરો તો ચાર ચોપડી ભણીને એનાં કાકાઓ જોડે ખેતી માં મદદ કરાવતો અને ખેતી માં નવરાઈ હોય તો પોતાના બાપુજી નેં વહીવટ માં થોડાં હિસાબ કરાવતો તો નાનો તો હજુ દસેક વર્ષ નો અને ધરમાં સૌથી નાનો એટલે એની મા નો ખૂબ હેવાયો.
પ્રવિણ નાં જન્મ પછી પટલાણી ને બે કસુવાવડ થઈ ગયેલી એટલે આઠ વરસ પછી નાનકો જન્મેલ. વચલો પ્રવિણ રંગ રૂપે ભગવાન પટેલ ની બેઠી છબી ધરાવતો વીસ વર્ષ નો ફૂટડો યુવક, જોઈને જોનારની નજર ઠરે એવું નિરાળો દેહ.