આપણે ત્રીજા ભાગના અંતમાં જોયું કે ચંદુ મહેન્દ્ર ને સમજાવવા પ્રયત્ન કરે છે પરંતુ મહેન્દ્ર માનતો નથી અને ચંદુ ઉદાસ થઈ ઘર તરફ નીકળે છે. હવે આગળ વાત કરીએ... ચંદુ ઘરે આવે છે અને વિચારે છે કે મોટાભાઈ એ ભલે ના પાડી પરંતુ હું મારા નાના ભાઈ માટે થઈ અને અજયભાઇ સાથેના સબંધ અને વિશ્વાસ ને સાચવવા ગમે તે રીતે કાલે પૈસા ઉછીના લાવીને પણ અજયભાઇ ને આપી દઈશ અને સુરેશ ને પણ સમજાવીશ કે ભાઈ તું હવે ક્યાંક નોકરી કરવાનું શરૂ કરી દે.
સાંજે સુરેશ ઘરે આવે છે. ચંદુ સુરેશ સામે જોવે છે તો ચહેરો જાણે ગુસ્સે ભરાયેલ હોય એવો લાગતો હોય છે. ચંદુ સુરેશ ને બોલાવે છે સુરેશ અહીં આવ મારી પાસે બેસ મારે તને વાત કરવી છે. સુરેશ ગુસ્સા સાથે બોલે છે મારે તમારી સાથે કાંઈ વાત નથી કરવી અને હું હવે કાયમને માટે મોટાભાઈ ને ત્યાં રહેવા જાઉં છુ. ચંદુ મનમાં વિચારમાં પડી જાય છે કે આ કેમ આવુ વર્તન કરે છે? ચંદુ એને પુછે છે શુ વાત છે કેમ આમ ગુસ્સામાં છે? સુરેશ ગુસ્સા સાથે બોલે છે બધું જાણો છો તો પણ મને પૂછો છો બહુ સારા અને ભાઈ પ્રત્યેનો પ્રેમ દેખાડવાની જરૂર નથી. ચંદુ પણ સુરેશ નું આવુ વર્તન જોઈ ગુસ્સે થઈ પુછે છે શુ થયું એ કહીશ મને તો ખબર પડે? સુરેશ બોલે છે હું કાંઈ કહેવા નથી માંગતો હું જાઉં છુ બસ. ચંદુ કહે છે જ્યાં સુધી તું નહી કહે ત્યાં સુધી તને નહી જવા દઉં. સુરેશ જવાબ આપતા બોલે છે તો સાંભળો આજે તમારા કારણે થઈ તમારા મિત્ર અજયભાઇએ મને બજાર વચ્ચે લાફો માર્યો. આટલું સાંભળતા જ ચંદુ મનોમન મરી જાય એવો થઈ જાય છે ગળામાં ડૂમો બાઝી જાય છે કાંઈ બોલી નથી શકતો થોડી વાર એમનેમ સ્તબ્ધ થઈ ઉભો થઈ રહે છે અને પછી ધીમા અવાજે બોલે છે શુ અજયભાઇ એ તને લાફો માર્યો? સુરેશ - બહુ સારા ના બનશો એમને કહ્યું તારા ભાઈને પણ મળીને આવુ છુ કોઈ જવાબદારી લેવા તૈયાર નથી તારી. ચંદુ સુરેશ ને ભાઈ સાંભળ આજે શુ થયું અને તને કેમ લાફો માર્યો એ વાત કરું પછી તું જા મોટાભાઈ ને ત્યાં પણ સુરેશ સાંભળવા નથી ઉભો રહેતો અને ગુસ્સા સાથે બોલે છે હવે સાંભળવા જેવું બાકી જ શુ રહી ગયું છે જોઈ લીધો તમારો મારા પ્રત્યેનો પ્રેમ અને હા હવે ખોટી ભાઈઓ પ્રત્યે ની અને પરિવાર પ્રત્યેની લાગણીઓ ક્યાય બહાર ના દેખાડતા ફરશો. જાઉં છુ જય શ્રી ક્રિષ્ના કહી નીકળી જાય છે.
ચંદુ રોકી નથી શકતો કેમકે કે એ મનોમન એજ વિચારતો રહે છે અજયભાઇ એ મારા સાથે ના સબંધનું પણ માન ના જાળવ્યુ? શુ એક વખત પણ એમને વિચાર ના આવ્યો કે લાફો મારીશ તો આ લાફો ચંદુ ને વાગશે એતો જાણે છે કે હું મારા ભાઈઓ અને પરિવાર ને કેટલો પ્રેમ કરુ છુ તો પણ એમને આમ કેમ કર્યું હશે? અને હું પણ તો કાલે પૈસા લાવીને આપી દેવાનો હતો આટલું અચાનક કેવી રીતે થઈ ગયું? હું કેવી રીતે સુરેશ ને સમજાવું કે પુરી વાત શુ બની છે? એ તો સાંભળવા પણ તૈયાર નથી. અજયભાઇ ને પણ હવે શુ વાત કરુ? મહેન્દ્રભાઈ ને ત્યાં જાઉં અત્યારે પણ એમના ત્યાં જઈશ તો એ પણ ગુસ્સે થશે અને નઈ સાંભળે મારી કોઈ વાત. ચંદુ મનોમન મૂંઝાય છે કે શુ કરુ તો અજયભાઇ સાથેનો સબંધ પણ સચવાઈ જાય અને સુરેશ ને પણ સમજાવી શકાય...
વધુ વાત આગળ પાંચમા અને છેલ્લા ભાગમાં...