રોકેટવિજ્ઞાનનાં પિતા:ડો.વિક્રમ સારાભાઈ
12મી ઓગ્ષ્ટ-30મી ડિસેમ્બેર
ઈ.સ. 1919નાં ઓગષ્ટ માસની 12મી તારીખે બળેવનો પવિત્ર દિવસ હતો અને આ પવિત્ર દિવસે જ સારાભાઈ પરિવારમાં એક બાળકનો જન્મ થયો. આ બાળક તે જ ભવિષ્યના મહાન સ્વપ્નદ્રષ્ટા વિજ્ઞાની ડો. વિક્રમ સારાભાઈ. મા બાપની હુંફ, શિક્ષકોનું માર્ગદર્શન તથા પાંચ બહેનો અને બે ભાઈઓની સાથે વિક્રમભાઈનો ઉછેર થયો. સુંદર વાતાવરણમાં વિક્રમના વ્યકિતત્વનું ધડતર થયું અને યોગ્ય કેળવણીના પાયા નાંખવામાં આવ્યા હતા. દેશની સ્વાતંત્ર્ય ચળવળ ચાલતી હોવાથી મહાત્મા ગાંધીજી, જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, એની બેસંટ, રવીન્દ્રનાથ ટાગોર, સરોજીની નાયડુ, સી.વી.રામન જેવી અસાધારણ વ્યકિતઓના સહવાસમાં વિક્રમભાઈની વિદ્યાર્થી અવસ્થા પસાર થઈ. કવિવર રવીન્દ્રનાથ ટાગોર વિક્રમભાઈના મસ્તકનું અવલોકન કરીને જણાવ્યું હતું કે આ બાળક ભવિષ્યમાં મહાન વિભુતિ બનશે.
ઈ.સ. 1937માં આર.સી.ટેકનિકલ હાઈસ્કુલ દ્વારા મેટ્રિક્ની પરીક્ષામાં પાસ થઈને ગુજરાત કોલેજમાં ઈન્ટર સાયન્સ સુધીનો અભ્યાસ પૂરો કરીને વિક્રમભાઈ ઈંગ્લેંડની કેમ્બ્રિજ યુનિવર્સિટીની સેંટ જહોન્સ કોલેજમાં વધુ અભ્યાસ માટે દાખલ થયા. વિધ્યાર્થી તરીકે વિક્રમભાઈ એ ગણિત અને વિજ્ઞાનમાં ધણોજ રસ હતો.1940માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ગણિત અને વિજ્ઞાન વિષયો લઈને ટ્રિપોઝ મેળવી આગળ અભ્યાસ કરતા હતા ત્યાજ બીજુ વિશ્વયુધ્ધ શરૂ થવાથી તે ભારત પાછા ફર્યા અને ભારતમાં બેંગ્લોરની જાણીતી વિજ્ઞાન સંસ્થા ઈન્ડિયન ઈન્સિટયુટ ઓફ સાયન્સમાં નોબલ વિજેતા સર સી.વી. રામનના માર્ગદર્શન હેઠળ અભ્યાસ શરૂ કર્યો હતો. અનુસ્નાતક તથા પી.એચ.ડી.નાં અભ્યાસ માટે બ્રહ્મકિરણો એટલેકે કોસ્મીક રેઝમાં સંશોધન શરૂ કર્યુ હતું. 1945માં બીજા વિશ્વયુધ્ધનાં અંતે આવ્યા બાદ વિક્રમભાઈ કેમ્બ્રિજ જઈને પી.એચ.ડી. સંશોધન કાર્ય શરૂ કર્યુ અને 1947માં બ્રહ્મકિરણો વિષયમાં પી.એચ.ડી.ની ડિગ્રી મેળવી 1947માં 28 વર્ષની વયે ભારત પાછા ફર્યા ત્યારબાદ ભૌતિકશાસ્ત્રના વિષયમાં સંશોધન માટેની સંસ્થા સ્થાપી વિજ્ઞાની તરીકેની કારકિર્દી શરૂ કરી.આ લેબોરેટરીમાં બે વિભાગો શરૂ કરવામાં આવ્યા હતાં હવામાન વિષયક ભૌતિક વિજ્ઞાન અને બ્રહ્મકિરણો વિષયક વૈજ્ઞાનિક સંશોધનની શરૂઆત કરવામા આવી. ડો.રામનાથન પ્રથમ વિભાગના વડા અને ડો. સારાભાઈ દ્વિતીય વિભાગના વડા નિમાયા. ઈંટરનેશનલ જીઓફિઝિકલ વર્ષની તૈયારી દરમિયાન ડો. સારાભાઈ અને ડો. રામનાથને વૈજ્ઞાનિક સંશોધન માટે એક દરખાસ્ત આંતરરાષ્ટ્રિય સમિતિને રજુ કરી અને પી.આર.એલ. આંતરરાષ્ટ્રિય વૈજ્ઞાનિક સંશોધન માટેનું એક મહત્વનું કેન્દ્ર બન્યું.
1960માં ડો. વિક્રમ સારાભાઈએ ભારત સરકાર સમક્ષ ભારતીય અવકાશ કાર્યક્રમ શરૂ કરવાની એક દરખાસ્ત મુકી. 1962માં ઈન્ડિયન નેશનલ કમિટિ ફૉર્ સ્પેશ રીસર્ચની સ્થાપના થઈ અને પી.આર.એલ.ને ભારતીય અવકાશ કાર્યક્રમનું વડું મથક ગણવામાં આવ્યું જેમાં ડો. વિક્રમ સારાભાઈને આ રાષ્ટ્રિય સમિતિના અધ્યક્ષ નિયુકત કરવામાં આવ્યા.1963ના નવેમ્બરની 21મીએ પ્રથમ રોકેટ સફળતાપુર્વક છોડવામાં આવ્યું. દક્ષિણ ભારતમાં કેરાલા રાજ્યના ત્રિવેન્દ્રમ શહેરની નજીક આવેલા થુમ્બા નામના સ્થળની ભારતના રોકેટ લોન્ચીગ સ્ટેશન માટે પસંદગી થઈ. 1968માં ફેબ્રુઆરીમાં આ મથક સંયુકત રાષ્ટ્રસંધને અર્પણ કરવામાં આવ્યું, ત્યારબાદ ત્રિવેન્દ્રમ ખાતે સ્પેશ સાયન્સ એન્ડ ટેકનોલોજી સેન્ટર નામે સંસ્થાની ડો. સારાભાઈએ સ્થાપના કરી.
1967માં અમદાવાદમાં એક્ષપેરીમેન્ટલ સેટેલાઈટ કોમ્યુનિકેશન અર્થ સ્ટેશન ESCESની યુનાઈટેડ નેશન્સ ડેવલોપમેન્ટ પ્રોગ્રામની સહાયથી સ્થાપના કરવામાં આવી. આ સંસ્થા કુત્રિમ ઉપગ્રહ સાથે સીધા સંપર્કમાં રહીને સંદેશા વ્યવહારના પ્રયોગો કરવામાં આવતા હતા. મદ્રાસ નજીક શ્રી હરિકોટા નામના સ્થળે શ્રી હરિકોટા રેન્જ નામની સંસ્થાની સ્થાપના કરી જ્યાંથી સેટેલાઈટ લોંચીગ વ્હિકલ જેવા પ્રયોગો હાથ ધરવામાં આવે છે. 1969માં ઈન્ડિયન સ્પેશ રીસર્ચ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના કરવામાં આવી,જેના અધ્યક્ષ તરીકે ડો. વિક્રમ સારાભાઈની પસંદગી થઈ અને પી.આર.એલ.ને ઈસરો સંસ્થાનું વડું મથક બનાવવામાં આવ્યું.
1967-68માં NASA સાથે વાટાધાટ કરી ડો. વિક્રમ સારાભાઈએ ટી.એસ.-6 ભારતને એક વર્ષ માટે શિક્ષણાત્મક પ્રયોગ હેઠળ 5000 ગામડાઓમાં ઉપગ્રહ દ્વારા સીધા પ્રસારણથી ટેલીવિઝન દ્વારા શિક્ષણ પહોચાડવાની યોજના તૌયાર કરવામાં આવી. 1966માં ડો. હોમીભાભાનું દુ:ખદ અવસાન થતાં તેમની જવાબદારી ડો. વિક્રમ સારાભાઈને સોંપવામાં આવી અને ફકત ભારતીય અવકાશ કાર્યક્રમના વડા જ નહીં પરંતુ ભારતીય અણુ શકિતપંચ તથા ઈલેકટ્રોનિકસ કમિટિના પણ અધ્યક્ષ હતા.કલકતામાં વેરીયેબલ એનર્જી સાયકલોટ્રોન પ્રોજેકટ તથા ફાસ્ટ બ્રીડર રીએકટર, કલ્પક્કમ, મદ્રાસ એ વિક્રમ સારાભાઈના અથાગ પ્રયત્નોથી ઉભી થયેલી સંસ્થાઓ છે, આ ઉપરાંત ઈલેકટ્રોનિકસ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડની હૈદરાબાદમાં અને સાથે સાથે ભાભા એટોમિક રીસર્ચ સેન્ટરમાં ઈલેકટ્રોનિકસ પ્રોટોટાઈપ એન્જિનિયરિંગ લેબોરેટરી સ્થાપી. 1965માં ડો. સારાભાઈ પી.આર.એલ.નાં અધ્યક્ષપદે નિયુકત થયાં.
ડો. વિક્રમ સારાભાઈએ પોતાનું કાર્યક્ષેત્ર ફકત વૈજ્ઞાનિક સંશોધન અને રાષ્ટ્રીય વિકાસ ધડતર કાર્ય પૂરતું મર્યાદિત ન રાખતાં ઉધોગનાં ક્ષેત્રે પણ દેશનું આર્થિક માળખું ઉચું લાવવા વિક્રમભાઈએ મહત્વના પ્રદાન કર્યા હતા. વડોદરામાં સારાભાઈ કેમિકલ્સ નામે એક ઔધોગિક એકમની સ્થાપના કરી હતી, આ ઉપરાંત તેઓ શિક્ષણ, કળા અને આધુનિક વૈજ્ઞાનિક પધ્ધતિઓ દ્વારા માનવ કલ્યાણના કાર્યમાં પણ ખૂબજ ઉંડો રસ ધરાવતા હતા. અમદાવાદમાં ડો. સારાભાઈએ અનેક જાણીતી સંસ્થાઓ સ્થાપી જેમાં ફિઝિકલ રીસર્ચ લેબોરેટરી, અમદાવાદ ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝ રીસર્ચ એસોસિયેશન, ઈન્ડિયન ઈન્સિટટ્યુટ ઓફ મેનેજમેન્ટ, દર્પણ એકાદમી ફોર પરફોર્મિગ આર્ટસ, સ્પેશ એપ્લિકેશન સેન્ટર, કોમ્યુનિટિ સાયન્સ સેન્ટર, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેસન અને નહેરૂ ફાઉન્ડેશન ફોર ડેવલપમેન્ટ મુખ્ય છે.
એક મહાન સ્વપ્નદ્રષ્ટા વિજ્ઞાની ઉધોગપતિ તથા વિવિધ સંસ્થાઓના સ્થાપક તરીકે ભારતને આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી વિશ્વના વિકસિત દેશોની હરોળમાં ડો. વિક્રમ સારાભાઈએ પહોચાડયું. 1971નાં ડિસેમ્બરની 30 તારીખની વહેલી સવારે થુમ્બા રોકેટ મથકની નજીક કોવાલમ નામના સ્થળે ડો. વિક્રમ સારાભાઈનું અકાળે અવસાન થયું. “ મારા જીવનમાં મેં ત્રણ પ્રકારની ભુમિકા ભજવી છે, વિજ્ઞાની, ઉધોગપતિ અને સરકારી અધિકારી. હું ઈચ્છું કે મારા જીવનની છેલ્લી ભુમિકા શિક્ષક તરીકેની હોય.” ડો. વિક્રમ સારાભાઈનું આ અંતિમ સ્વપ્ન સાકાર ન થયું અને તેમણે ચિરવિદાય લઈ લીધી.
ભારત સરકારે ડો.વિક્રમ સારાભાઈને વૈજ્ઞાનિક સંશોધન માટે પદ્મભુષણ ખિતાબ એનાયત કર્યો અને મરણોતર પદ્મવિભૂષણ ખિતાબથી સમ્માનિત કર્યા. ઈંટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન સીડની દ્વારા ચન્દ્ર ઉપરના બેસલ ભાગને 'સારાભાઈ કેટર 'નામ આપી જ્યારે ભારતે બનાવેલ ચન્દ્રયાન-2નાં લેન્ડર્નું નામ ‘વિક્રમ’ આપી તેમનું બહુમાન કર્યુ શ્રી ઉમાશંકર જોશીના મતે “ દિકરો જાય ત્યારે ભારતમાતા રડે એવી વ્યકિત વિક્રમભાઈ બન્યા. ભારત વર્ષને ઉતમતાની કક્ષાએ મુકીને તેઓ વિદાય થયા છે.” ડો. વિક્રમ સારાભાઈની 100મી જન્મ જયંતિની ઉજવણી આખા ભારતમાં વિવિધ કાર્યક્રમો યોજી કરવામાં આવી રહી છે જે 12 ઓગષ્ટ 2020નાં રોજ થિરુવનંતપુરમ ખાતે સમાપ્ત થશે.