Suryoday - ek navi sharuaat - 17 in Gujarati Fiction Stories by ધબકાર... books and stories PDF | સૂર્યોદય - એક નવી શરૂઆત... - ભાગ :- ૧૭ 

Featured Books
Categories
Share

સૂર્યોદય - એક નવી શરૂઆત... - ભાગ :- ૧૭ 

ભાગ :- ૧૭

આપણે સોળમાં ભાગમાં જોયું કે સાર્થક પોતાના CA મિત્ર અભય સાથે મળી એકાઉન્ટ કન્સલ્ટેશન ઓફિસ ખોલે છે. સૃષ્ટિ પણ સાર્થકને આ કામમાં પોતાના મિત્ર રાકેશની મદદથી ફાઇનાન્સિયલ હેલ્પ કરે છે. પાયલ અને સૃષ્ટિ એને સાથ આપવા ત્યાં જોબ ચાલુ કરે છે. હવે જોઈએ આગળ સૃષ્ટિના જીવનમાં કેવા વળાંકો આવે છે.

*****

સૃષ્ટિ અને સાર્થક નવી ઓફિસમાં ખુબજ મહેનત સાથે કામ કરી રહ્યા હતા અને પોતાના ક્લાયન્ટને પણ ચોકસાઇથી ધ્યાન આપી રહ્યા હતા. સાથે એમને આમ એકબીજા સાથે સમય આપવો પણ ખુબજ ગમી રહ્યો હતો. આમને આમ ત્રણ મહિના વીતી ગયા પણ માત્ર ખર્ચાઓ નીકળી રહ્યા હતા. કોઈજ બચત થઈ રહી નહોતી અને એના કારણે સ્ટ્રેસ પણ વધી રહ્યો હતો. એક તરફ સાર્થકના CA મિત્ર અભયના નખરા વધી રહ્યા હતા ત્યારે બીજી તરફ સૃષ્ટિના મિત્ર રાકેશને વ્યાજ આપવું મુશ્કેલ થઈ રહ્યું હતું.

રાકેશ સાથે સૃષ્ટિએ પોતાનું કામ બરાબર ચાલતું હોવાની વાત અને હમણાં પૈસા ના આપી શકવાની મજબૂરી જાહેર કરી. રાકેશે પણ સૃષ્ટિની ધારણા પ્રમાણે જ કહ્યું કે, "મેં ક્યા પૈસા કે વ્યાજ માંગ્યા છે. જેમ આવે એમ આપતી રહેજે, આ બાબતે કોઈજ ચિંતા કરવાની જરુર નથી. એક્દમ નિશ્ચિંત બની તું તારા કામમાં ધ્યાન પરોવ. જીવનમાં ઉપર નીચે તો ચાલ્યા કરે. થોડા સમયમાં બધુંજ બરાબર થઈ જશે."

બીજી તરફ સાર્થકને જેની ઉપર વિશ્વાસ હતો એ CA મિત્ર અભય સતત ઇન્વેસ્ટમેન્ટ સામે પ્રોફિટ નથી આવી રહ્યો એ કહી સાર્થકનું પ્રેશર વધારી રહ્યો હતો. અને સાથે સાથે એ પણ સંભળાવી રહ્યો હતો કે એણે જે સ્ટાફ રાખ્યો છે એનો પગાર જ એટલો ઊંચો છે કે ક્યાંથી એમને પ્રોફિટ થાય. ધંધામાં સંબંધ બાજુ ઉપર મૂકીને પોતાના ધંધાનું જ હિત વિચારવાનું હોય એવી સલાહ પણ આપતો હતો.

સાર્થક માટે આ ખુબજ મોટી કટોકટીની પળ આવીને ઊભી રહી ગઈ. ઓફિસનું ભાડું, સ્ટાફનો પગાર અને અન્ય ખર્ચાઓ તો દર મહિને આવીને ઉભા હતા અને આવક વધી રહી નહોતી. મુશ્કેલીમાં વધારો તો ત્યારે થયો કે સાર્થક જે મ્યૂઝિકલ ગ્રુપમાં જતો હતો એના બે ગ્રુપ પડી ગયા અને હમણાંથી એ કામ પણ બંધ થયું સાથે આવક પણ.

સાર્થકના બંને મિત્રો પોતપોતાનું અલગ મ્યૂઝિકલ ગ્રુપ બનાવવા જઈ રહ્યા અને કારણ એક જ હતું આવક વધારવી હતી. સાર્થક પણ વિચારમાં પડ્યો અહીં બધાને એકજ વાતની પડી છે કે આવક કઈ રીતે વધે. સમયની સાથે સાથે બીજા બધાજ મૂલ્યોનું ધોવાણ થઈ રહ્યું છે અને માત્ર એકજ મૂલ્ય બચ્યું છે આવક અને ફાયદાના ધોરણો ઉપર સંબંધો આગળ વધારવા. સાર્થકને પણ અત્યારે પૈસા જ વધુ મહત્વના લાગી રહ્યા હતા આથી સાર્થકે બંને મ્યૂઝિકલ ગ્રુપના મિત્રોને કહી દીધું કે તમે બંને મારા મિત્રો છો એટલે મારા માટે કોઈને પણ ના પાડવી યોગ્ય નથી. એટલે મેં એવું નક્કી કર્યું છે કે જે મને વધુ પૈસા આપશે એના મ્યુઝિકલ ગ્રુપ સાથે હું જોડાયેલો રહીશ.

આમને આમ સમય પસાર થઈ રહ્યો હતો અને સાર્થકની મુશ્કેલીઓ વધી રહી હતી. પણ મુખ્ય આધાર સૃષ્ટિ હજુ એકદમ અકબંધ સાથ આપી રહી હતી ને એથી જ સાર્થક હજુ પણ લડી રહ્યો હતો. આ જ સમયમાં એના બંને મિત્રોએ પોતાના મ્યૂઝિકલ ગ્રુપ માટે બીજા જ માણસને લઈ લીધો. એમના મતે સાર્થકના વધુ પૈસા માંગવા એ નખરા વધી ગયા હતા એવું હતું. આથી સાર્થક માટે એ રસ્તો હમેશાં માટે બંધ થઈ ગયો હતો.

આ જ અરસામાં ટેન્શનમાંને ટેન્શનમાં સાર્થકની ગાડીને અકસ્માત થયો. સદનસીબે સાર્થકને કાંઈ વાગ્યું નહોતું પણ ગાડીને નુકશાન થયું હતું. કહેવાય છે ને પડતાંમાં પાટુ એમ ફરી એક નવો ખર્ચ આવીને ઉભો રહ્યો. સાર્થકને આમ ગાડી લઈ ઘરે જવાય એવું નહોતું અને સાર્થકના પપ્પા પણ સાર્થકના નવી ઓફિસના અવિચારી ઉતાવળા પગલાંથી નારાજ હતા. આથી એણે સૃષ્ટિને ફોન કર્યો. સૃષ્ટિ અકસ્માતનું સાંભળી એકવાર તો ડરી ગઈ પણ પછી સાર્થકને કાંઈજ નથી થયું એ વાતની રાહત થઈ. એણે સાર્થકને કહ્યું કે, "તું એક કામ કર... ગાડી લઈ ગેરેજમાં જા હું પૈસાની જોગવાઈ કરી લેતી આવું છું." એ પોતાની પાસે રહેલા પૈસા લઈ સાર્થક જોડે પહોંચી ગઈ અને આખરે સાંજ થતાં જ ગાડી સરખી થઈ જતાં બંનેના જીવમાં જીવ આવ્યો અને એ લોકો પોતપોતાના ઘરે ગયા.

"લડી લઈશ હર મુશ્કેલી સામે, જો તું સાથ આપે તો,
જિંદગી લાગશે થોડી આસન, જો તું સાથ આપે તો.
કર્યો છે એક પ્રયત્ન કંઈ કરીને આગળ વધવાને,
સફળ થવું એજ અંતિમ ધ્યેય, જો તું સાથ આપે તો."

સૃષ્ટિની ફાઇનાન્સિયલ હાલત પણ ધીમેધીમે બગડી રહી હતી. એક તરફ દીકરી મનસ્વી ૧૨ સાઇન્સમાં આવી હતી એના ખર્ચા અને બીજી તરફ પગારના ઠેકાણા નહોતા. એટલું ઓછું હોંય તો ફરી પાછો આ સાર્થકનો અકસ્માત. બહુ સમયથી સૃષ્ટિએ પોતાના પતિ નિરવની મદદ પણ નહોતી લીધી એટલે એ તરફ હાથ લાંબો કરવો પણ યોગ્ય લાગતો નહોતો. જોકે એનું પણ એક ઠોસ કારણ હતું. એકવાર નિરવે એને કહ્યું હતું કે, "આ બધું હું તમારા માટે જ તો કરી રહ્યો છું. મારે ક્યાં એકલાને આ સાથે લઈને જવાનું છે." ત્યારે સૃષ્ટિએ પણ સંભળાવી દીધું હતું કે, "મારે તમારા પૈસાની કોઈજ જરૂર નથી. એ તમેજ કમાઓ અને તમેજ વાપરો." અને ત્યારથી સૃષ્ટિ અને સાર્થક વચ્ચે એકજ ઘરમાં રહેતા હોવા છતાં એકબીજાના હઠાગ્રહને કારણે આર્થિક વ્યવહાર બંધ હતો.

સાર્થક અને એના CA પાર્ટનર અભય સાથે પણ હવે મતભેદ વધી રહ્યા હતા. આખરે છ માસિક હિસાબો કરવા બેઠા ત્યારે તે બંને મિત્રો વચ્ચેનો મતભેદ એક્દમ ચરમ સીમા પાર કરી ચૂક્યો હતો. પાર્ટનર અભયનું સાર્થકને વારંવાર કહેવું કે તે ઊંચા પગાર આપ્યા, તારામાં નવા ક્લાયન્ટ લાવવાની આવડત નથી ને એ બધુંજ સાર્થકને તકલીફ આપી રહ્યું હતું. આખરે એ જ મીટીંગમાં ગુસ્સામાંને ગુસ્સામાં સાર્થકે પોતાની પાર્ટનરશીપ છૂટી કરવાનું અભયને જણાવી દીધું અને થયેલા કરાર મુજબ એના ભાગમાં અત્યારે આવતા પૈસા પાછા આપવા પણ જણાવી દીધું. સામે અભયે કહ્યું કે, "અત્યારે પૈસાની જોગવાઈ નથી. બે ત્રણ મહિનામાં તારા ભાગના પૈસા મળી જશે અને હવે હું આ ઓફિસ સંભાળીશ."

આ વાત સાર્થકે સૃષ્ટિને કરી તો એ પણ ગુસ્સે થઈ અને પછી પ્રેમથી સમજાવ્યું કે, "સાર્થક જ્યાં સુધી બીજી આવક ઊભી ના થાય ત્યાં સુધી તો જેમ તેમ કરી આ ચલાવે રાખવું હતું. આખરે તારા મહિનાના ખર્ચાઓ ઉપરાંત થોડું તો મળતું જ હતું. હશે ત્યારે જે થયું એ અત્યારે તું ચિંતા ના કર આપણે જોઈએ કાંઈક."

સાર્થકે કહ્યું કે, "હું બીજી નોકરી શોધી રહ્યો છું અને જુના એક મ્યુઝિકલ ગ્રુપ ચલાવતા મિત્રને પણ કહ્યું છે એટલે એ પણ કામ આપશે એવું લાગે છે. અને તું પાછી જોબ ચાલુ રાખજે જેથી તને કોઈ તકલીફ ના પડે."

આ સાંભળી સૃષ્ટિ બોલી કે, "શું એ તારો મિત્ર મને હવે જોબ ઉપર રાખશે.!?"

સાર્થક તરત જ બોલ્યો, "હા, સૃષ્ટિ કેમ નહીં રાખે.? આમપણ તારા અને પાયલ જેવું ચીવટતાથી કામ કરી શકે એવા માણસો મળવા મુશ્કેલ છે, માટે એ રાખશે."

પાયલ અને સૃષ્ટિ જાણે કાંઈજ બન્યું ના હોય એમ નોકરી ઉપર દરરોજ જતાં હતાં. અભય પોતાના બીજા કામમાં વ્યસ્ત હોય એટલે ઑફિસ ઓછો આવ્યો હતો. હાજરી પુરવા માટે બાયોમેટ્રીક મશીન મૂક્યું હતું અને live feed સાથે CCTV પણ... એટલે અભય ક્યાંયથી પણ ઓફિસમાં નજર રાખી શકતો હતો. આમતો અભયનું વર્તન પાયલ અને સૃષ્ટિ સાથે એક્દમ નોર્મલ રહેતું, છતાં હમેશાં એવું થતું કે શું ખબર ક્યારે આ નોકરીમાંથી કાઢી મૂકે આથી એ અવઢવ સાથે નોકરી કરી રહ્યા હતા પણ બંને એ દિવાળી પછી નવી નોકરી શોધી આ બદલી લેવી એવું નક્કી કરી રાખ્યું હતું.

"પ્રયત્ન ચાલુ છે, એમ હાર નહીં માનું,
જાણું અઘરું છે, એમ હાર નહીં માનું."

*****

સાર્થકને ફરી નોકરી મળશે?
સૃષ્ટિની નોકરી શું આમજ ચાલુ રહી શકશે?
સૃષ્ટિ અને સાર્થક, રાકેશના પૈસા અને વ્યાજ કઈરીતે આપી શકશે?
સૃષ્ટિના જીવનમાં બીજા શું ઉતાર ચડાવ આવશે?

આ બધા સવાલોનો જવાબ અને એક દીકરી, પત્ની, સ્ત્રીના સપનાઓ અને હકીકતને જાણવા આ વાર્તા વાંચતા રહો. મિત્રો અને સ્નેહીઓ તમારો પ્રતિભાવ ખુબજ મહત્વનો છે. પ્રતિભાવ ચોક્કસ આપતા રહેજો.

Whatsapp :- 8320610092
Insta :- rohit_jsrk

મિત્રો અને સ્નેહીઓ મારી પ્રથમ નવલકથા "અનંત દિશા" ના ૧ થી ૨૧ ભાગ આપને એકસાથે વાંચી અનુભવવા ગમશે. બીજી ટૂંકી વાર્તા આકાશ અને અન્ય વાર્તા, કવિતાઓ પણ વાંચવી ગમશે.

સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
સદા સંબંધો મહેકાવતા રહો...
જય શ્રી કૃષ્ણ...

©રોહિત પ્રજાપતિ