જન્માષ્ટમી ની રજા માં કોલેજ ના 6 મિત્રો; હિમેશ, નૈમિષ, યશ, અર્પિતા, આરઝૂ અને પંક્તિ; દીવ ની ટ્રીપ પર જઈ રહ્યા હતા. તે લોકો એ ભાડે થી વાહન ની વ્યવસ્થા કરી હતી. હિમેશ ડ્રાઇવ કરી રહ્યો હતો. બધા મજાક મસ્તી કરતા પોતાના સફર ને એન્જોય કરી રહ્યા હતા.
“આ ઈકો કાર ક્યાંથી મેનેજ કરી?” આરઝૂ એ પૂછ્યું.
“એ તારે ક્યાં જોવાનું છે. છેલ્લે હિસાબ કરીશું ત્યારે સમજી લઈશું!” હિમેશે કહ્યું.
“અરે! પૈસા ની વાત નથી કરતી એ. આવી ખટારા ગાડી ક્યાંથી લાવ્યો એમ પૂછે છે.” પંક્તિ એ કહ્યું.
“ગાડી બરાબર ચેક કરીને તો લાવ્યો છે ને? પેટ્રોલ ને હવા ભરેલી છે ને? ક્યાંક વળી પંચર ના પડે.” યશે કહ્યું.
“બસ આ જ તારો વાંધો. જ્યારે હોઈ ત્યારે નેગેટિવ જ વિચારતો હોઈ છે તું.” નૈમિષે કહ્યું અને બધા હસવા લાગ્યા. યશ કંઈ જ ના બોલ્યો.
થોડી વાર પછી ગોંડલ માં સાચે ગાડી માં પંચર પડ્યું. બધા એ યશ ને ખરી ખોટી સંભળાવી. મજાક ના જ સ્વર માં પણ યશ ને ઘણું સાંભળવું પડ્યું. અર્પિતા એ તો મજાક માં એને “કાલી જુબાન વાળો” કહી દીધો. યશ થી આ જરા પણ સહન ના થયું પણ એ કંઈ બોલ્યો નહીં. પંચર રીપેર કરાવીને એ લોકો એ ફરી થી સફર શરૂ કરી.
“અહીંયા વરસાદ આવ્યો લાગે છે.” ગોંડલ થી થોડીક આગળ જતાં હિમેશે કહ્યું.
“ભગવાન કરે આપણી ટ્રીપ માં વરસાદ ના આવે. નહિતર આખી ટ્રીપ ની મજા બગડશે.” યશે કહ્યું.
“યાર આ કેટલો નેગેટિવ છે! પોઝિટિવ વિચાર તો પોઝિટિવ થશે.” અર્પિતા એ કહ્યું.
“સાચી વાત છે! તારું નામ યશ કોણે રાખ્યું? તારું નામ તો ‘નો’ હોવું જોઈતું હતું.” નૈમિષે કહ્યું અને બધા ખડખડાટ હસવા લાગ્યા. હવે યશ ના સહનશક્તિ ની હદ આવી ગઈ હતી, પણ તે ગુસ્સે થવા કરતા એણે બધા ને પ્રેમ થી પૂછ્યું,
“પોઝિટિવ હોવું અને નેગેટિવ હોવું એ બંને વચ્ચે નો તફાવત કોઈ સમજાવશે મને?” કોઈએ જવાબ ના આપ્યો.
“ચાલો કોઈ વાંધો નહીં, નેગેટિવ હોવું એટલે શું એ કોઈ સમજાવશે?” યશે પૂછ્યું.
“અહીં બધા તારા જેટલા હોશિયાર નથી, તને અમારું કહેલું ખોટું લાગ્યું હોઈ તો બોલી દે.” પંક્તિ એ કહ્યું.
“એ પછી ની વાત છે. આપણે મિત્રો છીએ એટલે એકબીજા ની મસ્તી કરવી સ્વાભાવિક છે, પણ હું ખૂબ જ તાર્કિક વ્યક્તિ છું, અને મિત્ર હોવાના નાતે એકબીજા ને સાચી અને સારી સલાહ દેવી આવશ્યક છે.” યશે કહ્યું.
“યાર હવે અહીં લેક્ચર ના દે! બધા ની મજા બગડશે!” આરઝૂ એ કહ્યું.
“હવે કોણ નેગેટિવ વાત કરે છે?” યશે કહ્યું.
બધા એકબીજા સામે જોઈ રહ્યા.
“આજ મારો તર્ક છે. આજકાલ બધા લોકો જજમેન્ટલ થઈ ગયા છે. થોડીક વાત થઈ નથી ને બધા એ વ્યક્તિ ને જજ કરી લે છે, પણ આપણે આપણી જાત ને ક્યારે જજ કરીએ છીએ?” યશે કહ્યું. હવે એને બધા ગંભીરતા થી સાંભળી રહ્યા હતા.
“મારું માનવું છે કે થોડા ઘણા અંશે આપણે બધા નેગેટિવ છીએ. આ કુદરત ની કરેલી રચના છે. બસ આપણે એ નેગેટિવિટી ને આપણી પર હાવી ના થવા દેવી જોઈએ. આપણા માંથી ઘણા ને ખબર નથી કે પોઝિટિવ હોવું કે નેગેટિવ હોવું એટલે શું? અને જેને ખબર છે એ ગોખેલા જવાબો હશે. આપણે તરત કોઈને નેગેટિવ કહી દેતા હોઈએ છીએ કાં પછી એની વિચારધારા ને નેગેટિવ કહી દેતા હોઈએ છીએ, પણ રોજિંદી જીવન માં આપણે પણ એવા અનેક વિચારો મન માં લઇ આવતા હોઈએ છીએ.”
“પોઝિટિવ અને નેગેટિવ ની વાત આવે એટલે સૌથી પહેલા એક ઉદાહરણ સામે આવે, એક કાચ નો ગ્લાસ જેમાં અડધું પાણી ભરેલું છે અને અડધું ખાલી છે. જે એમ જોવે અને વિચારે કે અડધો ગ્લાસ ભરેલો છે એ પોઝિટિવ અથવા તો optimist વ્યક્તિ અને જે એમ જોવે અને વિચારે કે અડધો ગ્લાસ ખાલી છે એ નેગેટિવ અથવા pessimist વ્યક્તિ. આ કેસ માં જો મને પૂછવામાં આવે તો હું એમ જ કહીશ કે ગ્લાસ અડધો ખાલી છે, પણ એનો મતલબ એ નથી કે હું નેગેટિવ વિચાર વાળો કે pessimist વ્યક્તિ છું. મને એક આખા ગ્લાસ પાણી પીવાની તરસ છે તો મને અડધા થી ચાલશે જ નહીં. જો એ ગ્લાસ માં અડધો ગ્લાસ ખાલી છે એમ કહીને એ અડધો ગ્લાસ પણ પાણી ના પીવું તો શાયદ હું નેગેટિવ હોઈ શકું. પરંતુ જો એ અડધા ખાલી ગ્લાસ ને જોઈને એને પૂરો કરવાનો પ્રયત્ન કરું તો કોઈ મને નેગેટિવ કહેશે ખરા?”
“વાત એ જ છે. મારી વિચારસરણી એવી છે જો મને નેગેટિવ વિચાર ના આવે તો એ તો મને ખુબ જ વાંધાજનક લાગે. જો હું એમ ના વિચારું કે આ વખતે પરીક્ષા માં મને ઓછા માર્ક્સ આવશે તો હું એવી મહેનત કરી જ ના કરી શકું. આ વિચારીને જો હું કંઈ ના કરું તો હું નેગેટિવ કહેવાય શકું, અને એ જ વિચારીને જો હું ચિંતા માં રહું તો એ ભી નકામું. બંને વચ્ચે ની જે જગ્યા છે એ Thought Process રાખીએ એ જ સારું.”
“હવે આપણી જ વાત કરીએ તો જો આપણે સરખી રીત ના ગાડી માં પેટ્રોલ અને હવા ના ભરાવી હોઈ તો ક્યાંક તો ગાડી અટકી જ જવાની. જો મારું સાંભળીને તે ગાડી ની હવા ચેક કરી હોત તો આપણી જ હેરાનગતિ ઓછી થઈ જાત. વાત નેગેટિવ કે પોઝિટિવ ની નથી, વાત છે તકેદારી રાખવાની. બીજું, તમને લોકો ને શાયદ ખબર નહીં હોય તો બતાવી દવ કે મને વરસાદ ના પાણી ની એલર્જી છે. તો જો વરસાદ આવે તો મારી રજા ની મજા બગડે અને આની તૈયારી રૂપે હું રેઇનકોટ, છત્રી અને દવા સાથે રાખું તો એ એક તકેદારી નો હિસ્સો કહેવાય. એનું શું પરિણામ આવશે એ આપણને નથી ખબર, એ પહેલાં જ વિચારીને નિરાશ થવું એ નેગેટિવિટી કહેવાય. પરીક્ષા ના પરિણામ નું વિચારીને હું નિરાશ થઈ જાવ એ બીજો દાખલો છે. શાયદ આરઝૂ ને લેક્ચર ની એલર્જી હશે એટલે જ એણે પહેલા કહી દીધું કે મજા બગડશે. કાશ તકેદારી રૂપે તું રૂ ના પુમડાં લાવી હોત, તો મારા લેક્ચર થી બચી શકતી હતી.” બધા ખડખડાટ હસવા લાગ્યા.
“ના યાર તું સારી રીતે સમજાવે છે. જેમ તું ભણવામાં અમારી હેલ્પ કરે છે અને એમાં સમજાઈ જાય છે એમ જ. હવે તારી વાત ગળે ઉતરી ગઈ.” આરઝૂ એ કહ્યું અને બધા એ એની વાત માં સંમતિ દર્શાવી, અને બધા એ યશ ને Sorry કહ્યું.
“ના યાર, મને Sorry ની જરૂર નથી. તમે લોકો મારા વિચારો ને સમજો એ જ મહત્વપૂર્ણ છે. એ સાથે તમે મારી વાત માં સહમત થાવ એ ભી જરૂરી નથી. તર્ક-વિતર્ક, વાદ-વિવાદ તો મિત્રો માં થવા જ જોઈએ. જો મારી વાત થી તમને કંઈ ખરાબ લાગ્યું હોઈ તો Sorry.”
“ના યાર તે સાચી શીખ આપી. બહુ ઓછા દોસ્ત આવા હોઈ છે જે આટલા પ્રેમ અને સરળતા થી કોઈ વાત ને ગળે ઉતારી દે.” અર્પિતા એ કહ્યું. હિમેશ અને નૈમિષે પણ આ વાત માં હા કહ્યું.
“જોવા જઈએ તો પોઝિટિવ અને નેગેટિવ એ એક સિક્કા ની બે બાજુઓ છે. આપણે સિક્કા ની એક બાજુ જ ના જોવી જોઈએ. બંને તરફ સંતુલન રાખીને વિચારવું જોઈએ. અંગ્રેજી માં એક કહેવત છે, ‘Optimists build planes and Pessimists invent parachutes'. જો ઉદ્દેશ્ય સારો હોઈ તો આપણા સમાજ ને આ બંને પ્રકાર ની વ્યક્તિ ની જરૂર છે.” યશે કહ્યું, અને પોતાની બેગ માંથી પાણી ની બોટલ કાઢી પાણી પીવા લાગ્યો.
“ચાલો હવે 2 કલાક આરામ કરી લો બધા, એ પછી ધમાલ કરવાની છે દીવ પહોંચીને…” હિમેશે કહ્યું, અને બધા દીવ માં ધમાલ-મસ્તી કરવાના વિચાર કરીને જ થોડીવાર માટે આરામ થી સુઈ ગયા.
✍️ Anil Patel (Bunny)