VEDH BHARAM - 9 in Gujarati Fiction Stories by hiren bhatt books and stories PDF | વેધ ભરમ - 9

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

Categories
Share

વેધ ભરમ - 9

જીપ ઉમરા પોલીસ સ્ટેશનથી વરાછા તરફ દોડી રહી હતી. દર્શનનુ મૃત્યુ ઉમરા પોલીસ સ્ટેશનની હદમાં થયુ હતુ, એટલે આ કેસ ઉમરા પોલીશ સ્ટેશનનો ગણાય. આમ છતા દર્શન અને તેને લગતા બધા જ વ્યક્તિઓ સુરતના સામેના છેડે વરાછા વિસ્તારમાં રહેતા હતા એટલે બધી તપાસ કરવા ત્યાં જ જવુ પડતુ. જોકે અમુક કેસ એવા હાઇ પ્રોફાઇલ હોય છે કે તેને કોઇ પોલીસ સ્ટેશન કે વિસ્તારની હદ નથી નડતી. દર્શન જરીવાલ સુરતનુ એક એવુ નામ હતુ કે જેનુ મૃત્યુ થાય એ જ એક મોટા સમાચાર બની જાય. એટલે જ કમિશ્નરે સાવચેતી રુપે તેના બેસ્ટ ઓફિસર એવા એસ.પી રિષભ ત્રિવેદીને આ કેસ પર કામે લગાડી દીધા હતા. પણ કહેવાય છે ને કે ગુનો ઉકેલવા માટે પોલીસને ગુનેગાર કરતા એક કદમ આગળ વિચારવુ પડે છે. અત્યારે રિષભ પણ ગુનેગાર કરતા એક કદમ આગળ નીકળવા માટે મહેનત કરી રહ્યો હતો. આજ સવારે જ એક ન્યુઝ ચેનલે આ કેસને સી.બી.આઇને સોપી દેવો જોઇ તેવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. ત્યારે રિષભે મનોમન જ તે એન્કરને ગાળ આપી હતી. સાલાઓ એ.સી ચેમ્બરમાં બેસીને વાત કરવી સહેલી છે. એકવાર લોહીના ફુવારા ઉડતા જોવ તો ખબર પડે કે ખૂનના કેસની તપાસમાં પણ જાનનુ જોખમ રહેલુ હોય છે. કેટલીય જાતના પ્રેસર વચ્ચે કામ કરવુ પડતુ હોય છે. ગુનેગાર શુ પોતાના કપાળ પર લખીને ફરે છે કે મે ખૂન કર્યુ છે. હજુ તો કેસને પુરા બે દિવસ નથી થયા ત્યાં તો તે લોકોને રિઝલ્ટ જોઇએ છે. સાલાઓ આ રીપોર્ટરોને જ કેસ સોપી દેવો જોઇએ. રીષભે મનોમન રીપોર્ટરને ગાળો આપી અને ચેનલ બદલી નાખી. ત્યાં બીજી ચેનલ પર તેના આશ્ચર્ય વચ્ચે એક સુખદ ન્યુઝ ચાલતા હતા. બીજી ચેનલવાળો રિપોર્ટર આ કેસના ઇન્વેસ્ટીગેસન ઓફિસર રિષભ ત્રિવેદીની ખાસીયતો અને તેણે સોલ્વ કરેલા કેસ વિસે માહિતી આપતો હતો અને સરકારે રિષભની કરેલી નિમણૂકના વખાણ કરી રહ્યો હતો. વચ્ચે ટી.વી સ્ક્રીંન પર રિષભનો ફોટો પણ તે લોકોએ બતાવ્યો હતો. આ જોઇ રિષભને પણ નવાઇ લાગી. આ લોકો પણ ખરા છે હજુ મે કેસ સંભાળ્યો તેને પુરા 36 કલાક નથી થયા, ત્યાં આ લોકો પાસે મારી બધી જ માહિતી આવી ગઇ. જે હોય તે, તેને તેનુ કામ કરવા દો મારે મારુ કામ કરવાનું છે એમ કહી રિષભે ટીવી બંધ કરી દીધુ અને નહાવા જતો રહ્યો.

રિષભ વિચારમાં ખોવાયેલો હતો ત્યારે જીપ વળાંક લઇ રેલ્વે સ્ટેશન પાસેના ગરનાળા નીચે પસાર થઇ. રિષભે જોયુ તો જીપ ધીમે ધીમે ટ્રાફીકમાં આગળ વધી રહી હતી. હેમલે એકાદ મિનિટમાં જ જીપને વરાછામાં આવેલ સૌથી મોટા ફ્લાય ઓવર પર જવા દીધી. આ સાથે જ જીપ ફુલ સ્પીડમાં દોડવા લાગી અને રિષભ પણ પાછો વિચારમાં ખોવાઇ ગયો. ગઇકાલે તે જ્યારે કમિશ્નરને મળવા ગયેલો ત્યારે રિષભે કમિશ્નરને કેસની તપાસ વિશે માહિતી આપી હતી. આખી વાત સાંભળી કમિશ્નરે કહ્યું “જો રિષભ મને ખબર છે કે કેસ સોલ્વ કરવો કંઇ રમત નથી પણ, મારા પર ઉપરથી ઘણુ પ્રેશર છે. એટલે જેમ બને તેમ જલદી કોઇક પરીણામ આપણે લાવવુ પડશે, નહીતર કેસ સી.બી.આઇને સોપી દેવામાં આપશે. તેમા તારી અને મારી બંનેની નામોશી છે. મને તારા પર પૂરો ભરોશો છે. તારે જે જોઇએ તે મને કહે પણ મારે ઝડપથી પરીણામ જોઇએ.” અત્યારે પણ કમિશ્નરના તે શબ્દો રિષભને યાદ આવતા હતા. જીપ મોટા વરાછામા દાખલ થવાના સવજી કોરાટ બ્રીજ પરથી પસાર થઇને જમણી બાજુ વળી તાપી કિનારે આગળ વધી. આ વિસ્તારમાં લક્ઝુરીયસ ફ્લેટ્સ આવેલા હતા. તાપીના કિનારાનુ લોકેશન મળતુ હોવાથી આ ફ્લેટ્સની કિંમત ખૂબ ઊંચી હતી. થોડા આગળ જઇને “શિવાલીક ગોલ્ડ” લક્ઝુરીયશ ફ્લેટ્સના મેઇન એન્ટ્રેન્સ પાસે જીપ ઊભી એટલે સીક્યોરીટી ગાર્ડ દોડતો પાસે આવ્યો. હેમલે તેની સાથે વાત કરી એટલે પેલા ચોકીદારે ગેટ ખોલી નાખ્યો. આમતો ગેસ્ટ પાર્કીંગ બહાર હતુ પણ શહેરના એસ.પીને ચોકીદાર આ કહી શકે એમ નહોતો. ગેટ ખુલતા હેમલે જીપને આગળ લઇને પાર્કીંગમાં પાર્ક કરી અને બંને નીચે ઉતર્યો. ફ્લેટ્સની આજુબાજુ રીસોર્ટ જેવી ફેસીલીટી આપતુ ક્લબ હાઉસ બનાવવામાં આવ્યુ હતુ. તેના તરફ રિષભે એક ઉડતી નજર નાખી અને બંને લીફ્ટ તરફ આગળ જતા હતા ત્યાં પેલો સિક્યોરીટી ગાર્ડ એક રજીસ્ટર લઇને આવ્યો. હેમલે તેમાં બધી વિગતો ભરી આ રજીસ્ટર અહીં આવતા વિઝીટર્સની માહીતી માટે હતુ, જેમા વિઝીટર્સનું નામ મોબાઇલ નંબર, હોસ્ટનો બ્લોક નંબર, વિઝિટર્સના વાહનનો નંબર અને આવવા જવાનો સમય આ બધી વિગતો લખવાની હતી. હેમલે રજીસ્ટર્સ લઇ નામ અને નંબર લખી દીધા અને રજીસ્ટર્સ પાછુ આપતા કહ્યું “અમે દર્શન જરીવાલને ત્યાં જઇએ છીએ બાકીની વિગત તમે ભરી દેજો.” આ સાંભળી પેલા સીક્યોરીટી ગાર્ડે રજીસ્ટર હાથમાં લઇ કહ્યું “ઓકે સર”. ત્યારબાદ રિષભ અને હેમલ લીફ્ટમાં દાખલ થયા અને છઠ્ઠા માળ પર ગયા.

તે લોકો જ્યારે દર્શનના ઘરે બ્લોક નં- 602 પર પહોચ્યા ત્યારે ત્યાં આઠ દશ વ્યક્તિઓ બેઠેલા હતા. દર્શનના મૃત્યુનો શોક આખા ઘરમાં છવાયેલો હતો. રિષભને આવેલો જોઇને એક વ્યક્તિ ઊભી થઇને બહાર આવી. તે દર્શનના કાકા ગોરધનભાઇ હતા. ગોરધનભાઇ ફાર્મહાઉસ પર આવેલા એટલે રિષભને ઓળખતા હતા. તે આવ્યા એટલે રિષભે તેને કહ્યું કે “અમારે દર્શનના ફેમીલીની થોડી પૂછપરછ કરવી છે. જો અત્યારે અનુકૂળ ન હોય તો અમે કાલે આવીશુ.” આ સાંભળી ગોરધનભાઇએ કહ્યું “એક મિનિટ ઊભા રહો હું પૂછી લઉ.” એમ કહી તે અંદર ગયાં અને સામે વ્હિલચેર પર બેસેલા વ્યક્તિ સાથે વાત કરી પાછા આવ્યા અને બોલ્યા “તમે અત્યારે પૂછપરછ કરી શકો છો.” આ સાંભળી રિષભ અને હેમલ અંદર ગયા તેને જોઇને અંદર બેઠેલા માણસોમાંથી થોડા ઊભા થઇને બહાર જતા રહ્યા. ગોરધનભાઇએ પેલા વ્હિલચેર પર બેઠેલા વ્યક્તિની ઓળખાણ આપતા કહ્યું “આ દર્શનના પપ્પા વલ્લભભાઇ છે.” આ સાંભળી રિષભે તેની સામે હાથ જોડી કહ્યુ “સોરી મને ખબર છે કે અત્યારે તમારા પર ખૂબ મોટી આપતિ આવી છે. તમે જે ગુમાવ્યુ છે તે તો હું પાછુ આપી શકુ એમ નથી પણ, હું તમને ખાતરી આપુ છુ કે દર્શનના ખૂનીને હું ગમે તેમ કરીને પકડી પાડીશ.” આટલુ બોલી તે થોડુ રોકાયો અને પછી આગળ બોલ્યો “આ માટે મારે તમારા બધા પાસેથી થોડી માહિતી જોઇએ છે. જો તમને કોઇ વાંધો ન હોય તો ઘરના દરેક સભ્ય સાથે મારે થોડી એકાંતમાં વાત કરવી છે.” આ સાંભળી વલ્લભભાઇએ કહ્યું “ભલે સાહેબ તમે જે કંઇ પૂછવુ હોય તે પૂછી શકો છો.” અને પછી ગોરધનભાઇ સામે જોઇને કહ્યું “ગોરધન સાહેબને પાછળના ગાર્ડનમાં બધી વ્યવસ્થા કરી આપ.” આ સાંભળી ગોરધનભાઇ ઊભા થયા અને ઘરમાં અંદર ગયા.

રિષભ અને હેમલ તેની પાછળ ગયા. તે લોકો એ જોયુ તો ફ્લેટની પાછળની બાજુ તાપી નદી પસાર થતી હતી તે બાજુ એક હોલ જેટલી જગ્યામાં ગાર્ડન બનાવેલુ હતુ. તેની સજાવટ એકદમ સુંદર હતી. ગાર્ડનની વચ્ચે એક જુલો હતો તેની પાસે બે ત્રણ ખુરશી પડેલી હતી. ગોરધનભાઇએ રિષભ અને હેમલને ખુરશીમાં બેસવા કહ્યુ. થોડીવાર બાદ વલ્લભભાઇ તેની વ્હિલચેરમાં આવ્યા અને અને રિષભ પાસે વ્હિલચેર ગોઠવી. રિષભે હવે વધુ સમય બગાડ્યા વિના સીધા મુદ્દાની વાત કરતા કહ્યું “ તમને કોઇના પર શંકા છે? અથવા કોઇ એવુ હોય કે જે દર્શનનુ ખૂન કરી શકે?” આ સાંભળી વલ્લભભાઇ થોડીવાર કઇ બોલ્યા નહી અને રિષભે પણ તેને સમય લેવા દીધો. થોડીવાર બાદ વલ્લભભાઇએ કહ્યું “જો બધા બિઝનેસ તે જ સંભાળતો હતો. એટલે તેને કોની સાથે દુશ્મની હતી અને મિત્રતા હતી તે મને ખબર નથી.” આ સાંભળી રિષભે કહ્યું “જો મને ખબર છે કે અત્યારે તમે માનસિક આઘાતની પરિસ્થિતિમાં છો પણ તમે મને ગમે ત્યારે સંપર્ક કરી શકો છો પણ એક વાત યાદ રાખજો તમે જે પણ માહિતી આપશો તે તમારા દિકરાના ખૂનીને શોધવામાં મદદ કરશે અને તે માહિતી એકદમ ગુપ્ત રહેશે.” પછી થોડુ વિચારીને રિષભે પુછ્યુ “ તમે કહો છો કે તેના દુશ્મન વિશે તમને ખબર નથી પણ, શું તમે એ પણ નહોતા જાણતા કે તમારા મિત્ર અને બિઝનેસ પાર્ટનરના દિકરા અશ્વિન સાથે તેને દુશ્મની હતી?” આ સાંભળી વલ્લભભાઇ થોડીવાર ચૂપ થઇ ગયા અને પછી બોલ્યા “જો દર્શન ભલે મારો દિકરો હતો છતા મારે એ કબુલ કરવુ પડશે કે તેમા ભૂલ દર્શનની જ હતી. તેણે અશ્વિનનો એક પ્રોજેક્ટ પડાવી લીધો અને તેમાંથી આ દુશ્મની ઊભી થઇ. મે પણ દર્શનને ઘણો સમજાવેલો પણ તેણે મારી વાત ન માની.”

“શું એવુ બની શકે કે આ અશ્વિને દર્શનનું ખૂન કર્યુ હોય?” રિષભે સીધુ જ પુછી લીધુ.

“ના, અશ્વિનને હું નાનપણથી ઓળખુ છું. તે કદી આવુ પગલુ ના ભરે.” વલ્લભભાઇએ એકદમ ભાર દઇને કહ્યું.

“પણ કદાચ તમને ખબર નહી હોય કે હમણા એક અઠવાડિયા પહેલા એક પાર્ટીમાં તેણે દર્શનને મારી નાખવાની ધમકી આપી હતી.” રિષભે કહ્યું.

“ના, એ મને નથી ખબર પણ હું અશ્વિનને બાળપણથી ઓળખુ છું. અશ્વિન જેવો સમજદાર છોકરો ક્યારેય આવુ કામ ન કરે.” પછી થોડુ રોકાઇને વલ્લભભાઇએ કહ્યુ “ શું તમને તેના વિરુધ્ધ કોઇ સબૂત મળેલા છે?”

“ના હજુ સુધી ખાસ તો કંઇ મળેલુ નથી પણ અમારા શકમંદની યાદીમાં તે જરુર છે.” રિષભે એકદમ સપાટ સ્વરે કહ્યું. અને પછી થોડુ રોકાઇને તે બોલ્યો “જો કાકા તમને કોઇના પર શક હોય તો તમે અમને કહી શકો છો.” આ સાંભળી વલ્લભભાઇ બાજુમાં જોઇ ગયા અને બોલ્યા “મને તો કંઇ ખાસ ખબર નથી કેમકે અમે તો અહીં રહેતા નથી. દર્શનને મારી સાથે બહું ફાવતુ નહોતુ એટલે અમે તો જુદા અમારા જુના મકાનમાં રહીએ છીએ.” આ સાંભળી રિષભને થોડી નવાઇ લાગી પણ ફેમીલી મેટરમા રિષભને ખાસ રસ નહોતો એટલે તેણે વલ્લભભાઇને વધુ કંઈ ન પૂછતા દર્શનના મમ્મીને પૂછપરછ માટે બોલાવ્યા. દર્શનના મમ્મીની હાલત જોઇને રિષભને તેની દયા આવી ગઇ. જે સ્ત્રીનો એકનો એક દિકરો મરી ગયો હોય તેની હાલત કેવી હોય તે તો તે જ સમજી શકે. દુનિયાનું કોઇ પણ દુઃખ તેની બરાબરી કરી શકે નહી. દર્શનના મમ્મી જયાબેનની હાલત પણ એવીજ હતી. તેને જોઇને જ ખ્યાલ આવી જતો હતો કે તેની માનસિક સ્થિતિ બરાબર નથી, છતાં રિષભે એક પ્રયત્ન કરી જોવાનુ નક્કી કર્યુ અને કહ્યું “જુઓ માસી મને ખબર છે કે તમારા ઉપર દુઃખનો પહાડ તુટી પડ્યો છે.આવા સમયે હું પ્રશ્નો પૂછુ એ તમને નહી જ ગમે પણ મારી ફરજ છે કે જેમ બને તેમ જલદી મારે તમારા દિકરાના ખૂનીને શોધી કાઢવો છે એટલે હું જે પુછુ તેનો સાચો જવાબ આપજો અને હું તમને વધુ હેરાન નહી કરુ.” આટલુ બોલી રિષભે જયાબેન સામે જોયુ પણ તેની આંખોમાં એક એવો ભાવ થીજી ગયો હતો જેમા કંઇ ફેરફાર થયો નહી એટલે રિષભે સીધુ પુછી લીધુ “માસી તમને કોઇના પર શક છે? એવુ કોઇ છે જે દર્શનનું ખૂન કરી શકે?”

આ સાંભળી જયાબેને એ રીતે દર્શન સામે જોયુ જાણે તે કોઇ બીજા ગ્રહ પરથી આવતો હોય. થોડીવાર એમજ તાકી રહ્યા બાદ જયાબેન બોલ્યા “આ કાળમુખી જ મારા દિકરાને ખાઇ ગઇ. પહેલા અમને તેનાથી અલગ કરી દીધા અને હવે તેનો જીવ પણ લઇ લીધો. આ જ છે ડાકણ જેણે મારા દિકરાને મારી નાખ્યો.” આ સાંભળી રિષભ ચોંકી ગયો પણ તેને સમજાયુ નહી કે જયાબેન કોના વિશે વાત કરે છે. છતા રિષભ વચ્ચે બોલી જયાબેનનુ માંડ માંડ ખુલેલુ મો બંધ કરી દેવા નહોતો માંગતો એટલે તે સાંભળતો જ રહ્યો અને જયાબેન તો જાણે આજુબાજુ કોઇ છે જ નહી તેમ અવિરત બોલી રહ્યા હતા. તેની આગળની વાત સાંભળતા રિષભને સમજાઇ ગયુ કે તે કોના વિશે વાત કરી રહ્યા છે. રિષભ પણ આ વ્યક્તિનુ નામ સાંભળી ચોંકી ગયો. જયાબેનની વાત હવે તેના વિલાપમાં બદલાઇ ગઇ હતી તે વાત કરતા કરતા રડતા હતા.

-----------***************------------------****************-----------------------------

મિત્રો આ મારી ત્રિજી સસ્પેન્સ થ્રિલર નોવેલ છે. આ પહેલાની મારી બે નોવેલ “21મી સદીનું વેર” અને “વિષાદ યોગ” પણ સસ્પેન્સ થ્રિલર નોવેલ હતી. જો તમે આ નોવેલ હજુ સુધી ના વાંચી હોય તો તે તમે માતૃભારતી પરથી વાંચી શકો છો.

મિત્રો આ નોવેલ તમને કેવી લાગી છે તેનો પ્રતિભાવ મને મારા નીચે આપેલા વોટ્સએપ નંબર જરુરથી મોકલી આપશો. તમારા પ્રતિભાવ અને સલાહ સૂચન મારી નોવેલને વધુ સારી બનાવવા માટેની પ્રેરણા પુરી પાડે છે. જો તમને આ નોવેલ ગમી હોય તો તમારા સ્નેહી મિત્રોને તે વાંચવા માટે ભલામણ કરજો.

--------------------*****************------------***************---------------------

HIREN K BHATT

MOBILE NO:- 9426429160

EMAIL ID:- HIRENAMI.JND@GMAIL.COM