બીજા દિવસે સવારના સાત વાગ્યે વિજયને તેના કોલેજ ફ્રેન્ડનો કોલ આવ્યો. કોલમાં વિજયના મિત્રએ તેને કોલેજ આવવા જણાવ્યું હતુ. તેથી વિજય તૈયાર થઇ આઠ વાગ્યાની બસમાં જામનગર આવી ગયો અને દસ વાગ્યા પહેલા કોલેજ પહોંચી ગયો. તે કોલેજમાં તેના મિત્રો સાથે વાતો કરી રહ્યો હતો એવામાં તેના ફોનમાં મેસેજ આવ્યાની રીંગ વાગી. વિજય મેસેજ જોઇને મિત્રોથી થોડો દૂર ચાલ્યો ગયો. નિશા વોટ્સેપમાં વિજયને મેસેજ કરી રહી હતી,
“તમે ક્યાં છો?”
“કોલેજમાં છું.”
“ત્યાં ફોન યુઝ કરવા દે છે?”
“હા”
“ઓહો. સરસ!”
“હા. બોલ બીજું.”
“આજ શનિવાર છે તો હું સાડા ત્રણ વાગ્યે સ્ટેશન આવીશ. તમે મારો વેઇટ કરજો.”
“કેમ કોઈ ખાસ કામ છે?”
“હા કામ છે. પહેલા તો શનિવારની રાહ જોતા હતા ને તો આજ શું થયું? આજ કેમ પૂછો છો કે કામ છે કે નહિ?”
“બસ એમજ. હવે ક્યાં પહેલા જેવા દિવસો રહ્યા છે!”
“હા ઓકે દિકા જાણું છું હમણાથી તમને ટાઈમ નથી આપતી એટલે નારાઝ છો પણ આજ તો હું તમારી સાથે આવવાની છું તો આ બધું વિચારવાનું છોડી દો અને સ્ટેશને મારો વેઇટ કરજો. ઓકે?”
“હા વેઇટ કરીશ. તુ લાઈફમાં આવી ત્યારથી એક જ વસ્તુ તો શીખ્યો છું. વેઇટ કરવાનું.”
“હવે નારાઝ ન થાવ ઓકે? બાય દીકા. આઈ લવ યુ.”
“હા બાય. લવ યુ ટુ બેબી.”
નિશા સાથે ચેટ પૂરી થઇ એટલે વિજયે લકીને કોલ કર્યો,
“ભાઈ મને સ્ટેશને વેઇટ કરવાનો મેસેજ આવ્યો છે બોલ શું કરુ?”
“ભાઈ મને પણ એમ જ કહ્યું છે. વાત પૂરી થઈ તેનો થોડોક જ સમય થયો.”
“એક કામ કર હવે તુ પણ સ્ટેશને વેઇટ કરજે. એ સ્કૂલેથી આવે એટલે આજ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખીએ. યાર હવે થાકી ગયો છું. કદી સપનામાં પણ ન હતું વિચાર્યું કે નિશુ મારી સાથે આમ કરશે.”
“ભાઈ હું પણ કંટાળી ગયો છું. આ કરવા શું માંગે છે એ જ નથી સમજાતું. ઠીક છે હું હમણાં તેની સાથે જ તેના ગામની બસમાં આવું છું. આજ ભલે રોકાવું પડે પણ આ મેટર પતાવો છે.”
“હા હું પણ એ જ ચાહું છું. જેમ બંને એમ આ મેટર પતાવો છે. હું સ્ટેશને વેઇટ કરીશ તારો. બાય.”
વિજય કોલેજમાં તેના મિત્રોને કામનું બહાનું આપી ફટાફટ સ્ટેશને આવી ગયો. સાડા અગિયાર થયા એટલે નિશાના ગામની બસ આવી એટલે નિશા અને લકી બંને સાથે બસમાંથી ઉતર્યા. તે બંને એકબીજા સાથે વાતો કરતા આવી રહ્યા હતા. વિજય બસની સામેની બાજુ જ રાહ જોઈ રહ્યો હતો. તેણે બંનેને સાથે જોયા. વિજયને એ જોઈ નિશા પર ગુસ્સો તો આવ્યો પણ તેણે તેની જાતને કાબુમાં રાખી. નિશાનું ધ્યાન વિજય પર પડ્યું એટલે તે ફટાફટ લકીથી દૂર થઇ ગઈ અને આગળ ચાલવા લાગી. વિજય તેની સામે તેને આવતા જોઈ રહ્યો. નિશા વિજયથી નજરો છુપાવી તેની બાજુમાંથી પસાર થઇ તેની સ્કૂલ તરફ ચાલવા લાગી. લકી પણ ધીમે ધીમે ચાલતો વિજય પાસે આવી ગયો અને બોલ્યો,
“હવે તને વિશ્વાસ થઇ ગયો હશે જ કે હું કાલે અમારા રિલેશનશીપ વિશે જૂઠું ન હતો બોલતો. બરાબરને?”
“હા”
“તો હવે તારો શું કરવાનો વિચાર છે?”
“હવે શું થાય? તેને તારા વિશે પૂછીશ તો એ માત્ર એમજ કહેશે કે તુ બસ તેનો ફ્રેન્ડ છે અને આ એકનું એક વાક્ય સાંભળીને હું થાકી ગયો છું પણ તેમ છતાં હું છેલ્લી વખત તો પૂછીશ જ. આજ મારે નિશા પાસેથી જ સાંભળવું છે કે તુ તેના માટે શું છો? હું અત્યારે તેની પાછળ જાવ છું. તુ પણ મારી પાછળ ધીમે ધીમે આવજે. જો એ મને સાચું ન કહે તો હું તને ઈશારો કરીશ. તુ ત્યાં આવી જજે. તુ તેની સામે હોઈશ તો એ સાચું બોલશે જ.”
“ઠીક છે. જા ફટાફટ નહિતર એ સ્કૂલે પહોંચી જશે તો તુ વાત નહી કરી શકે.”
વિજય ઉતાવળા પગે નિશા પાછળ ગયો. નિશા તેની સ્કૂલથી થોડી જ દૂર હતી. વિજય તેની પાસે દોડીને ગયો અને તેની પાસે પહોંચતા બોલ્યો,
“નિશુ. ઉભી રે. મારે વાત કરવી છે.”
“અત્યારે નહિ. મારે મોડું થાય છે. આપણે સાડા ત્રણે મળીએ.”
“ના અત્યારે જ.”
“પ્લીઝ સમજો. આપણે બસમાં વાત કરશું.”
“તુ સમજતી કેમ નથી મારી લાઈફની લાગી ગઈ છે. તારા માટે તો આ બધું મજાક જ છેને?” વિજય જોરથી ગુસ્સો કરતા બોલ્યો.
“પ્લીઝ તમે ધીમે બોલો.”
“તુ મને બસ જવાબ આપ.”
“પણ હું કઈ વાતનો જવાબ આપું?”
“જે હું તને ઘણા સમયથી પૂછતો આવું છું અને દર વખતે તે એ વાતનો ખોટો જવાબ જ આપ્યો છે. આજ મારે સાચું સાંભળવું છે.”
“હા પણ શું?”
“તુ અને લકી રિલેશનશીપમાં છો કે નથી?”
“મેં તમને કેટલી વખત કહ્યું કે અમે બંને જસ્ટ ફ્રેન્ડ છીએ. તમને મારા પર...”
“છો કે નથી?” વિજયની આંખોમાં પહેલી વખત નિશા પ્રત્યે ગુસ્સો હતો.
“પણ તમે...”
“છો કે નથી? હા કે ના?”
નિશાએ કદી વિજયને ઊંચા અવાજે બોલતા સાંભળ્યો પણ ન હતો પણ આજ તે વિજયના અલગ રૂપને જોઈ રહી હતી. નિશા જાણતી હતી કે લકીએ વિજયને બધું જ કહી દીધું છે. હવે તેના બહાના વિજય સાંભળશે નહી એ નિશાને ખાતરી થઇ ગઈ હતી. નિશાએ વિજયથી નજરો ફેરવી લીધી અને હકારમાં માથું હલાવ્યું. એ જોઈ જાણે વિજયના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય એમ વિજય બસ નિશા સામે જોઈ રહ્યો અને તેની આંખોમાં આંસુ આવી ગયા. તેનો અવાજ ધીમો થઇ ગયો અને તે ધીમા અવાજે બોલ્યો,
“અત્યાર સુધી હું તારી દરેક વાતને સાચી માનતો હતો અને તુ...”
“સોરી.”
“શું ખામી હતી મારામાં કે તારે બીજાને સ્વીકારવાની જરૂર પડી? મેં તને કહ્યું હતુ ને કે તને હું પસંદ ન હોય તો હું તારી લાઈફમાંથી ચાલ્યો જઈશ. મને દૂર કરવા માટે આ બધુ કરવાની શું જરૂર હતી? માત્ર એક વખત મને તારી લાઈફમાંથી નીકળી જવા કહ્યું હોત તો હું ખુશી ખુશી ચાલ્યો ગયો હોત.”
“મેં ક્યાં કહ્યું કે તમારામાં કોઈ ખામી છે?”
“તો તે શા માટે આ બધું કર્યું?”
“મને નથી ખબર. પ્લીઝ તમે અત્યારે અહીંથી ચાલ્યા જાવ. મારી સ્કૂલ આવી ગઈ છે અને ગાર્ડ તમને મારી સાથે જોઈ જશે તો મારા ઘરે કોલ કરી તમારા વિશે જણાવી દેશે. પ્લીઝ તમે જાવ. હું બસમાં તમારી સાથે વાત કરીશ.”
વિજય વધારે કંઈપણ બોલે એ પહેલા નિશા તેની સ્કુલના મેઈન ગેટ તરફ ચાલવા લાગી. એ જોઈ વિજય પણ સ્ટેશનના રસ્તે ચાલવા લાગ્યો. તે થોડે આગળ પહોંચ્યો કે લકી તેને સામે આવતો દેખાયો. લકી અને વિજય સાથે ચાલતા ચાલતા સ્ટેશને પહોંચી સ્ટેશનના બાંકડા પર બેઠા. લકીએ વિજયને પૂછ્યું,
“નિશાએ શું કીધું?”
“તેણે સ્વીકારી લીધું કે તુ જે ગઈકાલે કહેતો હતો એ સાચું છે.”
“તો હવે શું કરવું છે?”
“એ જ જે નક્કી થયું હતુ.”
“શું?”
“નિશા નક્કી કરશે કે તેને કોણ જોઈએ છે?”
“ઠીક છે. જોઈએ શું થાય છે? આમય આપણી પાસે બીજો વિકલ્પ પણ નથી.”
વિજય અને લકી વાતો કરી રહ્યા હતા એવામાં સંજય ત્યાં આવી ગયો. તેણે વિજયને તેની સાથે જી. જી. હોસ્પિટલ આવવા કહ્યું. સંજયને ઘણા સમયથી કોઈ ચામડીનો રોગ થયો હતો અને તેના ઈલાજ માટે તેને જી. જી. હોસ્પિટલ જવું હતું. વિજય એકદમ નિરાશ થઇ ગયો હતો. જાણે તે અંદરથી જ તૂટી ગયો હતો પણ એ મિત્રતા માટે સંજય સાથે જવા તૈયાર થઇ ગયો. વિજય બાંકડા પરથી ઉભો થયો અને લકીને સ્ટેશન પર નિશાનો વેઇટ કરવાનું કહી સંજય સાથે હોસ્પિટલ જવા રવાના થઇ ગયો. બંને મિત્રો ચાલતા ચાલતા અડધી કલાકે જી. જી. હોસ્પિટલ પહોંચ્યા. બંને મિત્રો થોડીવાર સુધી ચામડીનો વિભાગ શોધતા રહ્યા અને એક દર્દીની મદદથી તે ચામડીના વિભાગમાં પહોંચી ગયા. ડોક્ટર રજા પર હોવાથી સંજયને મંગળવારે આવવા જણાવવામાં આવ્યું એટલે બંને મિત્રો રિક્ષામાં સ્ટેશન આવી ગયા. વિજયે જોયું તો બાંકડા પર લકી ન હતો. તેથી તેણે લકીને કોલ કર્યો,
“લકી. ભાઈ તુ ક્યાં છે? અમે સ્ટેશને પહોંચી ગયા છીએ.”
“સોરી ભાઈ. તમે ગયા પછી મને કંટાળો આવતો હતો એટલે હું મારા ગામની બસમાં ઘરે આવી ગયો. તુ એક કામ કરજે જ્યારે નિશા આવે ત્યારે તુ મને કોલ કરી ફોન નિશાનો અવાજ સંભળાય એ રીતે રાખજે. જેથી એ જે જવાબ આપશે એ મને પણ ખબર પડશે.”
“તને કોલ કરીશ તો નિશાને ખબર પડી જશે. હું એક કામ કરીશ કે રેકોર્ડીંગ ઓન કરી નાખીશ અને અમારી વાત પૂરી થાય એટલે એ રેકોર્ડીંગ તને મોકલીશ. ઓકે?”
“ઓકે.”
લકી સાથે વાત પૂરી થઇ એટલે વિજય ફરી નિરાશ થઇ બાંકડા પર બેસી ગયો. તેને નિરાશ જોઈ સંજયે પૂછ્યું,
“વિજય સારું તુ અહી જ મળી ગયો પણ આજ તો તુ ન હતો આવવાનો અને આમ અચાનક?”
“હા ઘરે જ હોત જો મોજનો કોલ ન આવ્યો હોત. તેને કોલેજમાં થોડું કામ હતુ. હું બસ તેને કંપની આપવા આવ્યો હતો અને તને ખબર જ છે કે એમ ન હોત તોપણ હું આજ તને અહી જ મળ્યો હોત.”
“હા આજ તો શનિવાર છે એટલે તુ આવ્યા વગર ક્યાંથી રહે! હું એટલે જ આઈ.ટી.આઈમાંથી સીધો અહી જ આવ્યો હતો. મને ખાતરી હતી જ કે તુ આજ આવીશ જ.”
“હા તુ બધુ જાણતો જ હોય છે.” વિજય ધીમા અવાજે બોલ્યો.
“આજ તુ કેમ ઉદાસ છે? શું થયું? નિશા આજ નથી આવી?”
“આવી છે. મારી સાથે બસમાં પણ આવવાની છે પણ...”
“પણ શું?”
“પણ કદાચ આ મારી બેબી સાથેનો છેલ્લો શનિવાર હશે.”
“કેમ? તેનું રીડીંગ વેકેશન પડવાનું છે?”
“ના. બસ હવે એ મારી બેબી નથી રહેવાની. આજ પછી તો નહિ. કદાચ એવું ન પણ બને.”
“આ શું બોલે છે તુ? કંઇક સમજાય એમ બોલ.”
“એ જ કે લકીની વાત સાચી હતી કે નિશા તેની સાથે રિલેશનશીપમાં છે.”
“યાર તારા મગજમાં કોઈકે આ કચરો...”
“નિશાએ પણ સ્વીકારી લીધું છે. આજ જ્યારે મેં તેને આ વિશે પૂછ્યું તો તેણે હા પાડી.”
“તો હવે શું કરવાનો વિચાર છે?”
“સાચું કહું તો આત્મહત્યા કરવાનું વિચારું છું પણ એ પહેલા જાણવું છે કે નિશાને કોણ જોઈએ છે? બસ તેનો જવાબ લેવા અહી બેઠો છું.”
“હવે આવી મરવાની વાતો કરી છેને તો ભૂલી જઈશ કે તુ મારો મિત્ર છે. મને તારા પર હાથ ઉપાડવા મજબૂર ન કરતો. બસ એક આત્મહત્યાનું ધ્યાનમાં આવે છે. એ કેમ નથી જોઈ શકતો કે તારી પાસે આવી સુંદર લાઈફ પડી છે?”
“સંજય અંદરથી મરેલાને તુ કઈ રીતે મારી શકીશ?”
સંજય બસ વિજય સામે જોઈ રહ્યો...
To be continued…..