VAHUE VAGOVYA MOTA KHORDA - 5 in Gujarati Classic Stories by Arvind Gohil books and stories PDF | વહુએ વગોવ્યા મોટા ખોરડા - ૫

Featured Books
  • You Are My Choice - 41

    श्रेया अपने दोनो हाथों से आकाश का हाथ कसके पकड़कर सो रही थी।...

  • Podcast mein Comedy

    1.       Carryminati podcastकैरी     तो कैसे है आप लोग चलो श...

  • जिंदगी के रंग हजार - 16

    कोई न कोई ऐसा ही कारनामा करता रहता था।और अटक लड़ाई मोल लेना उ...

  • I Hate Love - 7

     जानवी की भी अब उठ कर वहां से जाने की हिम्मत नहीं हो रही थी,...

  • मोमल : डायरी की गहराई - 48

    पिछले भाग में हम ने देखा कि लूना के कातिल पिता का किसी ने बह...

Categories
Share

વહુએ વગોવ્યા મોટા ખોરડા - ૫








કરણુંભા તેમના વિચારોમાં ઊંડા ઉતરતા જતા હતા. આજથી દસ વર્ષ પહેલાં બનેલી ઘટના એમની આંખો સામે ફરી તાજી થતી હતી. કરણુંભા અને હમીરભા વચ્ચેનું વેર આમ તો છ-છ પેઢીથી ચાલ્યું આવતું હતું. પણ, જેમ કોઈ ઘટાટોપ વૃક્ષને સમયસર પાણી આપવામાં ના આવે તો તે સુકાઈ જાય, તેમ જો કોઈ દુશ્મની હોય અને તેના યોગ્ય સમયે તીખારા ના થાય તો તે પણ વૃક્ષની જેમ સુકાવા લાગે છે. છેલ્લી બે પેઢીથી આ વેર આવા જ એક વૃક્ષની માફક સુકાતું જતું હતું. ભલે, કરણુંભા અને હમીરભા વચ્ચે કોઈ વ્યવહાર નહોતો પણ જયારે પ્રસંગોપાત ભેગા થતા તો રામ રામ કરતા અને સાથે કહુંબા પાણી પણ કરતા. પણ આ સુધરતો સંબંધ,એ વિધાતાને નહિ ગમ્યો હોય જે દેવલના દુર્ભાગ્યનું નિર્માણ કરતી હશે. અને કદાચ એટલે જ એક નાનકડા બનાવે એમની દુશ્મની પાછી જીવતી કરી નાખી.

સેજકપરની એક છોકરી હતી જેનું નામ ઝમકું હતું. જેને સુલતાનપુરમા પરણાવેલી. નાતે નાનું વરણ હતું એટલે ગામની બહાર નાના નાના ઝુંપડા જેવા મકાન બનાવી આખા સમાજ સાથે ઝમકુનો પરિવાર પણ રહેતો હતો. ઝમકુના પતિનું નામ વીઠલ હતું. વિઠલ મજૂરીકામ કરતો પણ એના એકલાથી ઘરનું ગુજરાન ચાલે એમ નોહતું એટલે ઝમકું પણ દાડી કરવા જતી અને સાથે ત્રણ-ચાર બકરીઓ પણ રાખતી. ઝમકું એટલે કુદરતની કળાનો બેનમૂન નમૂનો, નાનપણથી મજૂરી કરેલી એટલે વર્ણ તો શ્યામ થઈ ગયેલો પણ કસાયેલું શરીર એની સુંદરતાની સાક્ષી પૂરતું હતું. શ્યામવર્ણની આ છોકરી નમણી બહુ લાગતી. કહેવાય છે કે સ્ત્રી-પુરુષ બંનેનો ચહેરો એની હડપચી એટલે કે દાઢી પરથી નમણો લાગે છે. એવી જ રીતે ઝમકુની નમણાશ પણ એની હડપચી ઉપરથી ખીલી ઉઠતી હતી. પહેલેથી જ સેજકપરનું મીઠું પાણી પીધેલું એટલે જીભની મીઠાશ તો હતી જ. એની સાથે એના વ્યક્તિત્વને ઉજાગર કરતું એનું નિર્દોષ હાસ્ય. પુરા સમાજમાં ઝમકું બધાને બહુ વ્હાલી લાગતી. પણ કોઈકને કણાની જેમ ખૂંચતી પણ હતી.

એકવાર ઝમકું ખેતરેથી ઘેર પાછી આવતી હતી. એની સાથે ત્રણ બકરીઓ તથા થોડો ચારો અને એક નાની દાંતરડી કેડમાં રાખેલી હતી. ત્યાં અવાવરું રસ્તામા એમના જ સમાજનો એક છોકરો જેનું નામ શંકરો, તેણે ઝમકું નો મારગ રોકીને ખરાબ માંગણી કરી. ઝમકુ તો તરત જ કેડમાંથી દાતરડી કાઢી ઉભી રહી ગઈ અને કહ્યું "જો એક ડગલું પણ આગળ વધ્યો તો આ તારી મા સગી નહિ થાય". શંકરો તો બીકનો માર્યો નીકળી ગયો પણ આ વાત તેને દાઢમાં રાખી. શંકરાએ ગામમા ઝમકુંના ચારિત્ર્ય વિરુદ્ધ અફવાઓ ફેલાવવાનું ચાલુ કર્યું. જેની સૌથી વધુ અસર વિઠલ પર પડી. એમના સુખી દામ્પત્યજીવનમાં તિરાડ પડવા લાગી. રોજ રોજ મારકૂટ અને ઝઘડા વધવા લાગ્યા. એક દિવસ ઝઘડાએ હદ વટાવી દીધી. સવાર સવારમાં જ ઝમકુંને ખૂબ મારી અને એટલાથી દાઝ ના ઓલવાતા ગરમ થયેલા તાવેથાના ડામ હાથ પર દઈને ઘરની બહાર કાઢી મૂકી. જ્યારે ગુસ્સો મગજ પર હાવી થઈ જાય અને મન કામ કરવાનું બંધ કરી દે ત્યારે થાક પણ નથી લાગતો. ઝમકું પણ ગુસ્સામાં ને ગુસ્સામાં સેજકપર તરફ ચાલતી થઈ ગઈ. આખો દિવસ અને રાત ઝમકું ચાલતી જ રહી. સવારે સાતેક વાગ્યે એ સેજકપર પહોંચી.

શામજીભાઈ એટલે કે ઝમકુંના પિતા હજુ મજૂરીએ જવાની તૈયારી કરતા હતા. એ ફાટેલા-તૂટેલા અને મેલા ઘેલા કપડાંવાળો માણસ ખભે પાવડો નાખી, કપાસની સાઠીઓ અને ઘાસના બનેલા બારણાને આડું કરતો હતો. એ ડગમગતા અને જર્જરિત દેહને બારણું બંધ કરવું જ કઠિન લાગતું હતું. ત્યાં ઝમકુંને આવતી દીઠી. પોતાની દીકરીને જોતા જ હૈયું ભરાઈ ગયું. બાપ તો બાપ છે ને! એ રાજા હોય કે રંક, પછી આમીર હોય કે ગરીબ, બાપ દીકરીનો પ્રેમ તો અદભુત હોય છે. એક-એક વર્ષથી સુકાયેલો વ્હાલનો વીરડો ફરી વહેવા લાગ્યો. એમનું હૃદય આજે બળતાથી થતા ઉજાસ જેવું હતું. દીકરી આવવાની ખુશી તો હતી જ પણ અચાનક આવવાનો ઉચાટ પણ હતો. ઝમકું તો આવતાની સાથે જ દોડીને શામજીભાઈને બથ ભરી લીધી અને મોટે મોટેથી રડવા લાગી. એક દીકરી પોતાની માં ને સારી મિત્ર માને છે અને એની આગળ હૃદય ખોલીને વાત કરે છે. પણ જો હૃદય ખોલીને રોવાનું મન થાય તો બાપના ખભા સિવાય સારી જગ્યા એકેય ના હોય. પહેલી નજરે તો શામજીભાઈને એવું લાગ્યું કે ઘણા સમયે બાપનું મોઢું જોયું એટલે પોતાના પ્રેમનો ઉભરો ઠાલવે છે. એ બાપનો ધ્રૂજતો હાથ દીકરીની પીઠ પર ફરતો હતો અને ઝમકુને શાંત કરવાની કોશિશ કરતા હતા. અચાનક એમનો હાથ લાકડીના મારના નિશાન પર અટકાઈ ગયો. મનમાં એક ધ્રાસકો છૂટ્યો. ઝમકુને છાતી પરથી અલગ કરીને ઉતાવળે પૂછી લીધું "શુ થયું બેટા, મને કેમ બરડા પર મારના નિશાન હોય એવું લાગે છે?" . નાની નાની આવતી પવનની લહેરખીઓમાં ઉડતા સફેદ વાળ અને ધ્રૂજતી દાઢી સાથે એ બુઢ્ઢો બાપ ઝમકુને વિસ્મયતાથી પૂછી રહ્યો હતો. એના ચહેરા પર એક અલગ જ પ્રકારની ચિંતા છવાઈ ગઈ હતી. "કંઈ નહીં બાપા એ તો......." આટલું બોલતા બોલતા ઝમકું હાથથી આંખો લૂછવાની કોશિશ કરે છે. ત્યાં તો શામજીભાઈની નજર એના ડામ દીધેલા હાથ પર પડી જાય છે. "શુ કંઈ નહીં?, આ બધું શુ છે?,ઝટ બોલ બટા! આ ચિંતામાં કદાચ તારા બાપાનો જીવ જતો રહેશે" એ માણસ પોતાની દીકરીના બંને બાવડા પકડી થોડી હચમચાવી દીધી. પછી એ ડામના ઘાવ જોવા લાગ્યો. ચોવીસ કલાક થઈ ગયેલા એ ઘાવ સાવ કોચવાય ગયા હતા."બેટા! મેં મારી દીકરીને મહેંદીવાળા હાથે મોકલી હતી, આવા ઘાવવાળા હાથ સાથે નહિ, બેટા, જે હોય તે સાચેસાચુ કહી દે. અને જો સાચું નહિ કહે તો આ તારા બુઢ્ઢા બાપનું મરેલું મોઢું ભાળીશ". હવે શામજીભાઈની આંખો છલકાઇ હતી. એ ચિંતાતુર ચહેરા ઉપર એક નવી જ જવાની ફૂટતી જતી હતી. ઝમકું પણ બાપના સમ સાંભળીને મનથી ભાંગી પડી. તે હૈયાનો ભાર હલકો કરવાની કોશિશ કરતી હતી અને એટલે જ એ ધ્રૂસકા ભરતી ભરતી ફરી એના બાપને વળગી પડી. એક સામાન્ય માનવ સ્વભાવ છે કે અચાનક જ ખૂલેલું હૃદય એવા શબ્દોનો સેલાબ લાવે છે કે જે સ્વજન માટે અસહ્ય હોય છે. "હેં... બાપા! મારે તો માં નહિ એટલે હું કોને કહું?, બાપા મારી વાત કોણ સાંભળે?, નહિ માં કે નહીં મારો માડીજાયો ભઈ, બાપા! હું....હું.... નભઈ ત્યારે આ બધા મને મારે....ને, હેં.... બાપા.. મારે એક ભાઈ હોત તો કેટલું સારું હતું, ઇ મને આમ માર પડવા દેત?."ઝમકું તો ધ્રૂસકા ભરતી બોલ્યે જ જતી હતી. પણ આ બધા શબ્દોથી શામજીભાઈ નું હૃદય ચિરાય ગયું હતું. ઝમકું જ્યારે નવ મહિનાની હતી ત્યારે શામજીભાઈના પત્નીનું દેહાંત થઇ ગયું હતું. ઝમકુને ઉછેરીને શામજીભાઈએ જ મોટી કરેલી. આજે ઝમકુના આ શબ્દો શામજીભાઈને કાંટાની માફક ખૂંચતા હતા. એ ડગમગતો દેહ ધીરે ધીરે સ્થિર થવા લાગ્યો હતો. આજે આ ધરતી પણ પોતાની જગ્યા ના છોડી શકે એટલી જોરથી એમનો પગ દબાતો જતો હતો, વાંકુ વળેલું ખોળિયું ટટ્ટાર થવા લાગ્યું હતું, જાણે કુદરતે દસ વર્ષ પાછા ખેંચી લીધા હોય એવો જુવાન માણસ થઈ ગયો હતો. એટલામા જ હમીરભા શામજીભાઈને ઘેર આવ્યા.

"અલા શામજી! ક્યાં મરી ગયો. હાલ ભઈ હાલ! કેટલીવાર?, જા ને ભઈ તું પહોંચીસ તો સાંજે પાણી વાળવાનું પૂરું થશે બાકી તો કાલે પણ ત્યાં જ જવું પડશે." હમીરભા ખડકી બહારથી જ બૂમો પાડતા આવતા હતા. જ્યારે તેઓ ફળિયામા પહોંચ્યા ત્યારે તેમને ઝમકુને જોઈ "અરે! ઝમકી...લે! ક્યારે આવી ,અરે... મારી છોડી કેવી રૂપાળી લાગે છે. બટા બધું ખુશળ મંગળ તો છે.....ને.., કેટલા સમયે જોઈ તને.... લે". હમીરભા તો ઝમકુને માથે હાથ ફેરવવા લાગ્યા. એમને એ પોતાની દીકરી જેવી જ હતી. શામજીભાઈ હમીરભાના ખેતરનું બધું કામ કરતા હતા. બદલામા હમીરભા શામજીભાઈને બે ટંકનું ખાવાનું, લૂગડાં લતા, અને જરૂર મુજબ રૂપિયા પણ આપતા હતા. ઝમકુને મોટી કરવામાં સેજલબાનો ફાળો પણ હતો. ઝમકુના લગ્ન સમયે બધો ખર્ચ હમીરભાએ જ આપેલો હતો. " હમમ... હવે સમજ્યો કે શામજી આટલો મોડો કેમ પડ્યો. પોતાની મૂડી આવી ગઈ હોય પછી તું શું કામ ઘરની બહાર પગ મુક.. કેમ...અલ્યા!" હમીરભા શામજીભાઈ સામે જોઈ મીઠા હાસ્ય સાથે બોલતા હતા. "સારું ઝમકું અમે ખેતર જઈએ છીએ, બપોરનું ભાત લઈને તું જ આવજે, અને એ સમયે તારા બાપા પાસે બેસી લેજે અને મારી સાથે પણ વાત કરી લેજે, ત્યાં સુધી તું મારા ઘરે જા તારી બા પાસે બેસજે એ પણ કેટલી રાજી થશે તને જોઈને. દેવલને પણ ગમશે. રોકાવાનું છે ...ને હમણાં?" હમીરભાને તો આ ઘટનાની કંઈ ખબર જ નથી એટલે એ તો બોલ્યે જતા હતા. ઝમકું એકદમ ચુપ હતી. શામજીભાઈ પણ મૂંઝવણમાં હતા કે કઈ રીતે કહેવું. પછી શામજીભાઈ જ બોલ્યા "બાપુ, તમારાથી શુ છુપાવવાનું!" હમીરભાનું ધ્યાન શામજીભાઈ તરફ ખેંચાયું " કેમ શુ થયું,રૂપિયા જોઈએ છે?, કંઈ તકલીફ છે? જે હોય તે બોલ. ઝટ બોલ શુ થયું?" હમીરભા તો ફટાફટ બોલવા લાગ્યા. "ના બાપુ, એવું નથી પણ આ જ્યારથી આવી ત્યારથી રૂંવે છે. અને હું નભાઈ અને મારે માં નહિ એવા ન બોલવાના શબ્દો બોલે છે. એનો બરડો તો જુવો. બહુ મારી છે, મારી દીકરીને... અને પાછા એ નાલાયકે એના હાથ પણ દઝાડયા છે." હવે હમીરભાનું ધ્યાન ઝમકું તરફ ખેંચાયું અને શરીર ઉપરના બધા ઘા જોયા. આ બધું જોઈને તો એમનું લોહી ગરમ થઇને વહેવા લાગ્યું. "ઝમકું પુરી વાત કર શુ થયું?". એકસાથે જ બોલી ગયા. ઝમકુએ બધી માંડીને વાત કરી. હમીરભા દુઃખી થઈ ગયા અને શામજીભાઈની આંખો તો છલકાઈ ગઈ.

"કોઈ વાંધો નહિ બેટા, પાંચ-સાત દિવસ અહીં રોકાઈ જા, જો વિઠલ લેવા આવે તો ભલે , નહિતર પછી હું જ મુકવા આવીશ અને વિઠલને પાઠ ભણાવીશ, તું જરાય ચિંતા ના કર, તારે એવું થોડું બોલાય કે મા નહિ. તારી સેજલબા નથી?, બબ્બે બબ્બે બાપ છે. તું શાંતિથી રહે, અને આપડા ઘરે જા અને ત્યાં વિહામો કર. થાકી ગઈ હશે! આખી રાત ચાલી છે તું! અને ભાતનું ભીખુને કહેતો જાવ છું એ આપી જશે, તું ના આવતી,અને શામજી! તું પણ ચિંતા મૂકી દે .... હું છું ને......જરાય ફકર કરીશ નહિ.....ચાલ આપણે ખેતર જઈએ અને ઝમકી તું મારા ઘરે જા. સાંજ સુધી ત્યાં જ રહેજે." હમીરભા એકસાથે ઘણુંબધું બોલી ગયા. જેથી ઝમકું અને શામજીભાઈનો જીવ હેઠો બેઠો કારણ કે એક મોટા માણસનો દિલશો મળી ગયો હતો.

હમીરભા, શામજીભાઈ અને ઝમકું ત્રણેય ઘરની બહાર નીકળી ગયા. શામજીભાઈ અને હમીરભા ખેતર બાજુ રવાના થયા અને ઝમકું હમીરભાના ઘર બાજુ હાલતી થઈ. હમીરભા ભીખુભાના ઘરે ગયા. " અલા ભીખુ, શું કરેશ" બહારથી જ સાદ કર્યો. ભીખુભાને આવતા થોડી વાર લાગી. શરીર મોટું એટલે ડેલીમાંથી માંડ નીકળી શક્યા. ભીખુભા બહાર આવ્યા એટલે શામજીભાઈ તો તરત જ હમીરભા પાછળ લપાય ગયા કારણ કે ભીખુભાને ટેવ હતી કે વાતો કરતા કરતા પીઠ ઉપર ધબ્બો મારી દેતા જે શામજીભાઈ ખમી શકે એમ નોહતું. " આવ! મારા જીગરના કટકા આવ!" આટલું બોલતા તો હમીરભાને ધબ દઈને પીઠ ઉપર એક હાથ મારી દીધો. શામજીભાઈ તો જેમ વાંદરો કૂદે એમ કુદીને આઘા જતા રહયા. " એય... કાલમુખા, રાવણના ભઈ , આમ તારો ભા કોઈ મારે!?.. " હમીરભા તો હસતા હસતા પીઠ પર હાથ ફેરવતા ભીખુભાને કહેવા લાગ્યા. "હવે તું જે કહે એ, બાકી મારો ભાઈ તો તું છે" આવું બોલી ભીખુભા આડકતરી રીતે હમીરભાને રાવણ કહેતા હતા. "આવ! આવ! ચા પીવી" હસતા હસતા ભીખુભાએ હમીરભાને આવકારો દીધો. " ના ભાઈ ના! ચા નથી પીવી, પણ કામથી આવ્યો હતો. આજે બપોરનું ભાત મારા ઘરેથી ખેતર પહોંચાડવાનું છે. તો સમયસર પુગાડી દેજે. અને જો તારે પણ હારે ખાવાનું હોય તો તારા ઘરેથી લેતો આવજે. ભાગ નો પડાવતો. હાહરા ! રાક્ષસ જેવો ખાવા બેસ એટલે કોઈનો વારો જ નથી આવવા દેતો." હમીરભા દાંત કાઢતા કાઢતા ભીખુભાને કામ ચીંધતા હતા. " ના....ના હું તો ખાઈને જ આવીશ પણ આ તો તમારી ભેગું બે...ક કોળિયા ખઈ લઇશ. " . આવી મિત્રતાની મશ્કરી સાથે બન્ને અલગ પડ્યા.

આ બાજુ ઝમકું હમીરભાના ઘરે પહોંચી. સેજલબા હજુ શિરામણના વાસણ ધોતા હતા. સાતેક વર્ષની દેવલ પણ સેજલબા પાસે બેઠી હતી અને વધુ પાણી ઢોળી વાસણ ધોવાનું શીખતી હતી. એટલા ઝમકુનું આગમન થયું. "બા" ખાલી આટલા શબ્દોએ તો ઝમકુનો ડૂમો ભરાઈ ગયો બીજો શબ્દ નીકળી ના શક્યો. આંખોમા ઝરઝરીયા આવી ગયા. " અરે ઝમકી! તું! ... આવ બેટા આવ! અરેરે... મારી છોડી સાવ છોતા જેવી થઈ ગઈ છે. આવ બેટા બેસ." સેજલબા તો રાજી રાજી થઈ ગયા. ક્યારેક બોલતા એ સેજલબા આજે એક ખેતમજૂરની દીકરી પર વ્હાલનો વરસાદ વરસાવતા હતા. એક ખેતમજૂરની દીકરી પર આટલો પ્રેમ... એ સેજલબાના સ્વભાવની સાક્ષી પૂરતો હતો. હવે સેજલબાનું ધ્યાન ઝમકુના પગ પર ગયું. જે ચોવીસ કલાક ચાલીને આવ્યા હતા. અને ખુલ્લા પગ હતા એટલે વાગેલા કાંટાથી લોહી પણ નીકળતું હતું. અને ત્યાં તો દઝાયેલા હાથ પણ દેખાયા. કોઈપણ વ્યક્તિને પારખવામાં સ્ત્રી બહુ માહેર હોય છે. એ કોઈ પણ વ્યક્તિને પગથી શરૂ કરી માથા સુધી જુવે છે. જ્યારે પુરુષ જે બતાવવામાં આવે તેના પર જ નજર કરે છે. એટલે જ હમીરભા અને શામજીભાઈને ઝમકુના ઘવાયેલા પગ ના દેખાયા. "ઝમકી! બેટા આ બધુ શુ છે?" સેજલબાના હૃદયના ધબકારા વધી ગયા. એ ગભરાયેલા અવાજે એટલું જ પૂછી શક્યા. ઝમકુંએ વિગતવાર વાત કરી. સેજલબાને પોતાની દીકરીનું દુઃખ હોય એમ મગજ ફાટવા લાગ્યું.
એટલામા ........

"બા, આ ઝમકી બુનને કુને મારી?, સાસરે જાય ઈને આમ મારે?, તો મને પણ મારશે?" વચ્ચે એકદમ કાલીઘેલી ભાષામાં દેવલ બોલી ઉઠી. એના આ નિર્દોષ સવાલોએ ઝમકું અને સેજલબાનું ધ્યાન દોર્યું. આવું બોલતી એ દેવલને એ વાતનો ખ્યાલ નહતો કે આગળની એની જિંદગીમાં આ જ બનાવ વળાંક લાવશે.

આ બનાવના ત્રુટક ત્રુટક તથા દિઠેલાં અને અણદીઠેલાં દ્રશ્યો ખાટલામાં સુતેલા કરણુંભાના મગજમાં ઘૂમતા હતા. થોડું એમનું ગળું સૂકાઈ ગયું હતું એટલે ખાટલામાં બેઠા થઈને નીચે પડેલા ત્રામ્બાના લોટામાંથી પાણી પીધું અને પાછા એ જ વિચારોમાં ખોવાઈ ગયા...........



ક્રમશ: ....... ...

નોંધ: ટિપ્પણ ની બહુ જરૂર નથી લાગતી છતાં ના સમજાય
તો પૂછી લેવું.



લેખક: અરવિંદ ગોહિલ.