rang badalti duniya in Gujarati Moral Stories by Dr.Sharadkumar K Trivedi books and stories PDF | રંગ બદલતી દુનિયા

Featured Books
Categories
Share

રંગ બદલતી દુનિયા

આજે તમે અને તમારા પતિ નિરવ,સમાજનું આદર પાત્ર નામ છો.લોકો તમને સન્માનની નજરે જુએ છે.જયાં જાઓ છો ત્યાં લોકો તમને મદદ કરવા તૈયાર છે.એવા લોકો કે જે તમને કશું માનતા ન હતાં,એ આજે તમને એમનું ગૌરવ માને છે,નિરાલી.
એ સંધર્ષનો સમય તમને યાદ છે,જ્યારે તમે ગરીબ નિરવ સાથે તમારા માતા-પિતાની ઉપરવટ જઈને લગ્ન કરેલાં.
લોકો એ નીરવ અને તેના પરિવાર વિશે તમારા મમ્મી પપ્પાની એ હદ સુધી કાનભંભેરણી કરેલી કે નીરવ સાથે છોકરીના લગ્ન કરવા એના કરતાં એને ઝેર પીને મારી નાંખવી સારી. અરે, નીરવના એક દોસ્ત કે જે તમારા ઘર સાથે સારો સંબંધ ધરાવતાં હતો,એણે તમને આવીને કહેલું
'નીરવને તેં શાના આધારે પસંદ કર્યો છે?એને ઘરબાર નથી,એના પપ્પા દેવાદાર છે.ટયુશન કરી ખાતો છોકરો તને ખવડાવશે શું?જરા વિચાર'
નીરવને નજીકથી ઓળખતાં,અને એમના બંને છોકરાંઓને ભણવા નીરવ પાસે મૂકતાં એક સજજ્ને તમારા ઘરે આવી કહેલું
'આવા પરિવારમાં દીકરીને દુઃખી થવા ન મૂકશો'
આવા તો અનેક લોકોએ તમારા પ્રેમલગ્નનો વિરોધ કરેલો.તમારા બંનેની મક્કમતાના કારણે તમે એક થયાં.છતાં સમાજ તમે બંને કયારે છૂટા પડો એની રાહ જોઈ રહ્યો હતો.
તમને મળતાં લોકો કહેતાં નીરવના પપ્પાએ અમારા પાસેથી આટલા રુપિયા ઉછીના લીધાં છે આપ્યાં નથી.તમે બંને જણે એ યાદી બનાવવાનું નકકી કરેલું.કુલ રકમ પચાસ હજારથી વધારે ન હોતી.પણ આવા લોકો તમને મળી જતાં.નીરવના સગાઓ પણ ખાનગીમાં કહેતાં
'શું જોઈને આ ઘરમાં આવી?'
તમે શાંતિથી જવાબ આપતાં
'નીરવને જોઈને.'
તમારા સગા પણ કહેતાં'હજૂ પણ પાછી આવતી રહે,તને બીજી જગ્યાએ પરણાવી દઈશું.આખી જિદંગી ભૂખમાં કાઢે એના કરતાં છૂટાછેડા લઈ આવતી રહે અમે રાજરાણીની જેમ રાખે એવા ઘરમાં તારા બીજા લગ્ન કરાવી દઈશું'
તમે કહેતાં,'હું નીરવની હ્દય સામ્રાજ્ઞી છું,મારે કોઈની રાજરાણી નથી થવું'
નીરવ ખાનગી નોકરી કરતાં-કરતાં સરકારી નોકરી મેળવવા પ્રયત્ન કરતો હતો,પણ એને શરુઆતના તબ્બકે નસીબનો સાથ ન હતો મળતો,એ નિષ્ફળ જતો હતો.તમે કોઈને કહેતાં
'નીરવ હોંશિયાર છે,પણ નસીબ સાથ નથી આપતું'
ત્યારે લોકો તમારી હાંસી ઉડાવતાં ને કહેતાં
'હોંશિયાર હોય તો સફળ કેમ નથી થતો?'
તમારા પાસે એ વખતે એનો જવાબ ન હતો.
નીરવને લઈને તમે જ્યારે પહેલી વખત તમે તમારા પપ્પાના ઘરે ગયાં ત્યારે,તેમણે તમને એકલાને જ ઘરમાં આવવા કહેલું,ત્યારે તમે રોકડું પરખાવેલું
'હવે એ મારા પતિ છે,હું એમની પાછળ છું.જો એ નહી તો હું પણ નહી.'
કમને તમારા પપ્પાને નીરવને અંદર આવવા દેવો પડેલો.નીરવને તો તમારાથી વધારે કશું ન હતું એટલે એ તો અપમાનનો ઘૂંટડો પી ગયેલો.
એ સમય હતો જ્યારે તમારા પેટે તમારું પ્રથમ સંતાન રહ્યું ત્યારે ડૉકટરને બતાવવા જવા ફીની રકમ પણ તમારા પાસે ન હતી.કોઈ ઉછીનું આપનાર પણ ન હતું.સરકારી દવાખાનામાં જઈ તમે મેડીકલ ચેકઅપ કરાવેલું.એક વખત કોઈ કામ અર્થે તમારા ભાઈની મદદની જરુર પડેલી ત્યારે એણે કહેલું,
'જાતે કર્યું છે તો જાતે ભોગવ'
નીરવની મહેનત રંગ લાવી.એ વર્ગ -1 અધિકારી બની ગયો.તમારા અને નીરવ પર અંભિનંદનનો વરસાદ
લોકો પોતાના પૈસે પેંડા લઈ તમારુ મોં મીઠું કરાવવા આવેલા.
તમને નીરવ સાથે લગ્ન કરવાની ના પાડનાર નીરવનો દોસ્ત અભિનંદન આપવા આવેલો અને નીરવનો દોસ્ત હોવા બદલ ગૌરવ વ્યકત કરતો હતો.તમને કહી ગયેલો,
'નિરાલી તે હીરો પસંદ કર્યો છે હીરો'
તમને નીરવ સાથે લગ્ન કરવાની ના પાડનાર સજજન એમના ઘરે લગ્ન પ્રસંગની કંકોતરી આપવા આવેલા.કંકોતરી પર લખેલું
'નીરવ સર અને નિરાલીબેન સહ પરિવાર'અને કહેલું
'નીરવભાઈ તમારે ચોકકસ હાજર રહેવાનું છે.તમે તો અમારી દીકરીને ભણાવી છે.એના ગુરુ તો હાજર હોવા જોઈએને?'
નીરવની બહેનના લગ્ન વખતે એનો ભાઈ પૂછવા આવેલો.
'નિરાલી,મદદની જરુર હોય તો કહેજે.સંકોચ ન રાખીશ'
તમે નીરવના પપ્પાએ ઉછીની લીધેલી રકમની યાદી મૂજબ રકમ ચૂકવવાની નીરવના પહેલા પગારમાંથી જ શરુ કરેલ,ત્યારે તમે જેને આપવા જતાં એ કહેતાં,
'ના,નીરવના પપ્પા અમારા સગા જ છે ને.સગાને સગા મદદ ન કરે તો કોણ કરે?અમે પૈસા પાછા લેવા માટે ન હોતાં આપ્યાં'
તમે લૉન પર મકાન લીધું ત્યારે તમારા પપ્પા ડાઉન પેમેન્ટ ભરવા રોકડ રકમ લઈને ઉભેલાં.
આવી તો અનેક ઘટના બનેલી જેમાં લોકોને તમે રંગ બદલતાં જોયાં હતાં.
રંગ બદલતી આ દુનિયા જોઈને તમે તમારી જાતને જ કહેલું,'દુનિયાની રીત નિરાળી,નિરાલી'