Pishachini - 6 in Gujarati Horror Stories by H N Golibar books and stories PDF | પિશાચિની - 6

Featured Books
Categories
Share

પિશાચિની - 6

(6)

ડીંગ-ડોંગ ! ડીંગ-ડોંગ ! ! ડીંગ-ડોંગ ! ! ડૉરબેલ વાગી ઊઠી અને જિગરના માથે સવાર થયેલી અદૃશ્ય શક્તિ શીના બોલી ઊઠી કે, ‘‘જિગર ! બહાર પોલીસ આવી છે ! વિશાલના ખૂનીને શોધવા માટે ! ! ઊભો થા અને દરવાજો ખોલ ! ! !’

એટલે જિગર પોતાની જગ્યા પર સજ્જડ-બંબ થઈ ગયો. તેની નજર સામે સબ ઈન્સ્પેકટર બાજવાનો પ્રભાવશાળી ચહેરો તરવરી ઊઠયો. ‘મેં પ્રેસ અને ટી. વી.વાળાઓ સામે કહેલું ને કે, હું ખૂનીને વહેલી તકે પકડી લઈશ ! જો, મેં તને પકડી લીધો ને !’ કહેતાં સબ ઈન્સ્પેકટર બાજવા તેને ઢસડીને ઘરની બહાર ખેંચી જતો હોય એવું દિલ કંપાવનારું દૃશ્ય તેની નજર સામેથી પસાર થઈ ગયું, ત્યાં જ અત્યારે ફરી તેના કાને ડૉરબેલનો અવાજ સંભળાયો, ડીંગ-ડોંગ ! ડીંગ-ડોંગ ! ! ડીંગ-ડોંગ ! ! !

આ વખતે વધુ ઉતાવળે ડોરબેલ વાગી હતી.

‘જલદી દરવાજો ખોલ, જિગર !’ જિગરના માથેથી અદૃશ્ય શક્તિ શીનાનો અવાજ સંભળાયો : ‘...નહિતર સબ ઈન્સ્પેકટર બાજવા દરવાજો તોડીને પણ અંદર આવશે !’

જિગરે છાતીમાં એક ઊંડો શ્વાસ ભર્યો. દરવાજો ખોલ્યા વિના છૂટકો નહોતો. તે પરાણે ઊભો થયો. ‘તેણે આમ હિંમત હારી જવાની જરૂર નથી. તેણે હિંમત રાખવાની જરૂર છે. અદૃશ્ય શક્તિ શીના ભલે ગમે તે કહેતી હોય અને તેના મોબાઈલ ફોનમાં ભલે તે વિશાલનું ખૂન કરતો હોય એવું રેકોર્ડિંગ થયેલું હોય પણ તે નિર્દોષ છે, એ એક હકીકત છે ! તે સબ ઈન્સ્પેકટર બાજવાને સમજાવવાનો પ્રયત્ન કરશે !’ વિચારતાં તેણે વળી એક ઊંડો શ્વાસ લીધો અને દરવાજાની સ્ટોપર ખોલીને દરવાજા ખોલ્યો.

સામે....

....સામે સબ ઈન્સપેકટર બાજવા ઊભો નહોતો.

-સામે માહી ઊભી હતી. માહીના ચહેરા પર ગભરાટ લિંપાયેલો હતો.

‘જિગર !’ તેને હાથથી બાજુ પર હડસેલતાં માહી અંદર દાખલ થઈ ગઈ : ‘જલદી દરવાજો બંધ કર.’

જિગર દરવાજો બંધ કરીને માહી તરફ ફર્યો.

‘...ગજબ થઈ ગયો !’ કંપતા અવાજે બોલતાં માહી સોફા પર બેસી પડી : ‘તને...તને વિશાલ વિશે ખબર પડી ? !’

‘હ...હ...હા !’ જિગરે કહ્યું : ‘મેં...મેં હમણાં થોડીક વાર પહેલાં જ છાપામાં વાંચ્યું.’

‘મારે ત્યાં તો વહેલી સવારે પોલીસ આવી હતી, ત્યારે જ મને ખબર પડી ગઈ હતી !’ માહી થરથરતી હતી : ‘...છેલ્લે, ગઈકાલે સાંજે મનેે વિશાલે નેચર ગાર્ડન પર મળવા માટે બોલાવી, ત્યારે તેણે મને મોબાઈલ ફોન કર્યો હતો અને એટલે એના મોબાઈલ ફોન પરના મારા છેલ્લો નંબર જોઈને પોલીસ મારા સુધી પહોંચી હતી. પોલીસે મને પૂછપરછ કરી હતી, એટલે મેં કબૂલી લીધું હતું કે, ‘‘હું છેલ્લે નેચર ગાર્ડનમાં વિશાલને મળી હતી અને પછી ત્યાંથી નીકળી ગઈ હતી.’’ માહી એકીશ્વાસે બોલી રહી હતી : ‘‘પોલીસે મને એવી પૂછપરછ કરી હતી કે, ત્યાં અમારી બીજા કોઈની સાથે વાતચીત કે મુલાકાત થઈ હતી ? !’’ એટલે મેં ના પાડી હતી. તું મારી પાસે આવ્યો હતો અને આપણી વચ્ચે વાતચીત થઈ હતી એ વાત મેં પોલીસથી છુપાવી લીધી. મને બીક લાગી કે, પહેલાં આપણી વચ્ચે પ્રેમસંબંધ હતો એ વાત જો પોલીસ જાણશે અને તેં જ વિશાલ પાસેથી મને પાછી પામવા માટે વિશાલને મારી નાંખ્યો છે, એવી શંકા કરશે તો....’

‘...આ તેં સારું કર્યું !’ એક તો સબ ઈન્સ્પેકટર બાજવા આવ્યો નહોતો, પણ માહી આવી હતી અને વળી માહીએ પોલીસ પૂછપરછમાં તેની સાથેની મુલાકાતની વાત છુપાવી લીધી હતી એ વાતની જિગરે રાહત અનુભવી.

‘હા, પણ જિગર !’ માહી એ રીતના જ ગભરાટભર્યા અવાજે બોલી : ‘મને ડર છે કે, પોલીસ પોતાની તપાસ ચાલુ રાખશે અને એમાં કયાંક જો કોઈએ તને મારી સાથે જોયો હશે અને એ તારા વિશે પોલીસને કહી દેશે તો ? !’

‘...તો...? !’ અને જિગર પગથી માથા સુધી કાંપી ઊઠયો.

‘...તો મારું કહેવું છે કે, તું દિલ્હી છોડીને મુંબઈ રહેવા માટે ચાલ્યો જા.’

‘પણ..પણ !’ જિગર બોલી ઊઠયો : ‘આ કેવી રીતના બની શકે ? ! રાતોરાત એક શહેર છોડીને બીજા શહેરમાં આમ વસવા માટે દોડી જવું એ કંઈ રમત વાત....’

‘તું...,’ માહી તેની વાતને કાપી નાંખતાં બોલી : ‘....તું મને ચાહે છે ને, જિગર ? !’

‘લે, આ પણ કંઈ પૂછવાની વાત છે, માહી ? !’

‘બસ તો પછી..,’ માહી બોલી : ‘હું કહું છું એમ કર. મારું મન કહે છે કે, તું આ શહેર છોડીને ચાલ્યો જાય એમાં જ તારી ભલાઈ છે.’

જિગર માહી તરફ જોઈ રહ્યો. આ વિશે વિચારી રહ્યો.

‘જિગર !’ માહી બોલી : ‘વધુ વિચાર ન કર. એકવાર અહીં વિશાલનો ખૂનકેસ ઠંડો પડશે એટલે પછી હું તારી પાસે મુંબઈ આવીશ !’

‘સાચે જ !’

‘હા !’ માહી બોલી : ‘અને...અને હું તારી સાથે લગ્ન કરીશ !’

‘તું..તું મારી સાથે લગ્ન કરીશ ? !’ જિગર બોલી ઊઠયો : ‘...પણ તારા પપ્પા....!’

‘....એ વખતે આપણે બધું જોઈ લઈશું.’ માહી બોલી : ‘....પણ અત્યારે તું મને એ વાયદો કર કે, તું વહેલી તકે આ શહેર છોડીને મુંબઈ ચાલ્યો જઈશ.’

‘ઠીક છે.’ જિગરે માહીની વાત કબૂલ કરી.

‘થૅન્કયૂ !’ માહી સોફા પરથી ઊભી થઈ : ‘ચાલ, હું જાઉ છું !’ અને માહી દરવાજા તરફ આગળ વધી ગઈ.

‘બસ, માહી ! તું જાય છે ? !’ જિગર પ્રેમભીના અવાજે બોલ્યો.

માહી ઊભી રહી ગઈ. તે જિગર તરફ ફરી. તે ઘડીભર જિગર સામે જોઈ રહી અને પછી પાછી દોડી આવીને જિગરને વળગી પડી, ધ્રુસકે-ધ્રુસકે રડી પડી.

જિગરની આંખો પણ ભરાઈ આવી. ‘માહી !’ જિગરનો અવાજ ગળગળો થઈ ગયો : ‘આપણે બન્ને પહેલાં જ એક થઈ શકયાં હોત, જો હું પૈસાદાર હોત !’

‘...મને પૈસા નહિ તું જોઈએ, જિગર !’ માહી રડતાં-રડતાં જ બોલી અને જિગરથી અળગી થઈ.

‘ચાલ હું નીકળું છું.’ માહીએ પોતાના આંસુ લૂંછયા : ‘વહેલી તકે તું અહીંથી નીકળી જજે. તું મને ફોન ન કરીશ. અહીં બધું થાળે પડશે એટલે હું જ તને સામેથી ફોન કરીશ.’ અને આટલું કહેતાં જ માહી ઝડપી ચાલે મેઈન દરવાજાની બહાર નીકળી ગઈ.

જિગરે દરવાજો બંધ કર્યો અને પોતાના માથે સવાર થયેલી અદૃશ્ય શક્તિ શીના સાથે વાત કરી : ‘ શીના ! તું તો કહેતી હતી ને કે, વિશાલના ખૂનીને શોધવા માટે સબ ઈન્સ્પેકટર બાજવા આવી પહોંચ્યો છે ?’

‘હું તો તારી સાથે મજાક કરતી હતી, જિગર !’ શીનાનો હસતો અવાજ સંભળાયો.

‘આવી મજાક કરાતી હશે ? !’ જિગર સોફા પર ફસડાયો : ‘મારો તો જીવ જ નીકળી જાત.., પણ...’ જિગરે પૂછયું : ‘મને નેચર ગાર્ડનમાં ચકકર જેવું લાગ્યું હતું અને મારી આંખ સામે અંધારાં છવાયા હતાં એ પછી મને શું બન્યું હતું એની કંઈ જ ખબર નથી. પછી હું વિશાલનું ખૂન કેવી રીતના કરી શકું ? અને....અને હું વિશાલનું ખૂન કરું છું એવું મારા મોબાઈલ ફોનમાં રેકોર્ડિંગ કેવી રીતના થયું ? !’

‘...એ જ તો મારી કમાલ છે, જિગર !’ જિગરના માથા પરથી શીનાનો હસતો અવાજ સંભળાયો : ‘...પણ ખેર, અત્યારે હવે આ કેમ થયું ? અને પેલું કેમ થયું ? એની વાતો અને ચર્ચા કરવાનો સમય નથી. સબ ઈન્સ્પેકટર બાજવા મેનેજર ધવન અને વિશાલના ખૂનીને શોધી કાઢવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. એવામાં તારું અહીં રહેવું એ જોખમી છે. તારે શહેર છોડીને ચાલ્યા જવું જોઈએ. મને માહીની વાત બરાબર લાગે છે, તારે મુંબઈ ચાલ્યા જવું જોઈએ.’

જિગર થોડીક પળો ચુપ રહ્યો-વિચારી રહ્યો અને પછી બોલ્યો : ‘...એટલે તું પણ મારી સાથે આવીશ ? !’

‘...સવાલ જ નથી ને !’ તેના માથા પરથી શીનાનો અવાજ સંભળાયો : ‘તું મને ગમે છે એટલે તો હું તારી પાસે આવી છું. હું તને છોડીને નહિ જાઉં ! અને...’ શીનાનો અવાજ આગળ સંભળાયો : ‘...અને તું પણ તો મને છોડીને નહિ જઈ શકે !’

જિગરે એક નિસાસો નાંખ્યો. શીના તેને ફાયદો કરાવી રહી હતી, પણ શીનાને દર મહિને એક માણસનું લોહી પીવા જોઈતું હતું એ વાત..., એ વાત તેને બેચેન કરનારી હતી.

‘જિગર ! તું આડું-આવળું વિચારવાનું બંધ કર, અને ઊભો થા.’ જિગરના માથેથી શીનાનો અવાજ સંભળાયો : ‘...જલદી જરૂરી સામાન પેક કર અને મુંબઈની ટ્રેન પકડ.’

‘હા, પણ...,’ જિગર ચિંતાભર્યા અવાજે બોલ્યો : ‘...મુંબઈમાં હું કયાં રહીશ ? ! ત્યાં હું શું કરીશ ? !’

‘હું છું ને તારી સાથે !’ તેના માથા પરથી શીનાનો અવાજ સંભળાયો : ‘પછી તારે કોઈ વાતની ચિંતા કરવાની કયાં જરૂર છે ? !’

‘હં !’ કહેતાં જિગર ઊભો થયો અને મુંબઈ જવા માટે જરૂરી સામાન પેક કરવાના કામે લાગ્યો.

દૃ દૃ દૃ

રાતના દસ વાગ્યા હતા. જિગર ટ્રેનના ફર્સ્ટ કલાસના ડબામાં બેઠો હતો.

ડબામાં, પહેલા કમ્પાર્ટમેન્ટમાં એક પતિ-પત્ની પોતાના બે થી દસ વરસના ત્રણ બાળકો સાથે બેઠા હતા. ટી. સી. ટિકિટ ચેક કરીને ગયો એ પછી જિગર એ ફેમિલીની બાજુના કમ્પાર્ટમેન્ટમાંથી ઊઠીને બીજી બાજુના દરવાજા નજીકના કમ્પાર્ટમેન્ટની સીટ પર બેસી ગયો હતો.

ટ્રેન મુંબઈ તરફ દોડી રહી હતી, અને જિગરના મગજમાં એટલી જ ઝડપે વિચારો દોડી રહ્યા હતા.

‘અદૃશ્ય શક્તિ શીના તેની જિંદગીમાં આવી એ પછી તેની જિંદગી રાતોરાત પલટાઈ ગઈ હતી. શીનાએ તેને એક મહિનામાં કયાંનો કયાં પહોંચાડી દીધો હતો. અને શીનાએ તેને કરેલા વાયદા પ્રમાણે માહી તેની સાથે લગ્ન કરે એવી સ્થિતિ સર્જાઈ હતી.

‘જોકે, એમાં માહીના ફિયાન્સ વિશાલનું ખૂન થયું હતું અને એનું લોહી શીનાએ જ પીધું હતું, એ વાતમાં કોઈ શંકા નહોતી.

‘શીના દર મહિને એક માણસનું લોહી પીતી હતી એ વાતે જિગરને બેચેન બનાવ્યો હતો. આનો મતલબ શીના ખતરનાક હતી, પણ એ પણ તો એક હકીકત હતી કે હજુ સુધી શીનાએ તેને કોઈ નુકસાન પહોંચાડયું નહોતું. શીનાએ તેને ફાયદો જ કરાવી આપ્યો હતો.

‘શીના હકીકતમાં કોણ હતી ? ! એ એક અલા-બલા-પિશાચિની હતી ? અસલમાં એ કેવી લાગતી હશે ? ! શું અંગ્રેજી ફિલ્મોમાં જોવા મળે છે, એવી એ ભયાનક હશે ? શું એનો ચહેરો કદરૂપો હશે ? ! એના દાંત લાંબા ને મોઢાની બહાર નીકળી આવેલા હશે ? ! એના હાથના નખ લાંબા અને અણીદાર હશે ? !’

‘જિગર !’ જિગરના માથેથી શીનાનો અવાજ સંભળાયોે : ‘શું વિચારમાં પડી ગયો છે ? !’

‘મને એવો વિચાર આવ્યો કે, તું કેવી લાગતી હશે ? !’ જિગરે કહ્યું.

શીનાનો હસવાનો અવાજ સંભળાયો : ‘પછી તેં અનુમાન કર્યું કે, હું કેવી લાગતી હોઈશ ? !’

જિગરે કોઈ જવાબ આપ્યો નહિ.

‘સાચું કહે, તારા મગજમાં એવો વિચાર આવ્યો ને કે, હું ખૂબ જ ભયાનક લાગતી હોઈશ !’

જિગરે શીનાના આ સવાલનો જવાબ ખાઈ જતાં સવાલ કર્યો : ‘શીના ! હું તારો અવાજ સાંભળી શકું છું એમ શું હું તને જોઈ ન શકું ?’

‘જિગર !’ શીનાનો હસવાનો અવાજ સંભળાયો, ‘શું તારે ખરેખર મને જોવી છે ?!’

‘હા !’ જિગરનું હૃદય ધડકી ઊઠયું.

‘...તો તારી આંખો બંધ કર, અને....’ શીનાનો અવાજ આવ્યો : ‘....કલ્પનાની આંખે મને જો.’

જિગરે આંખો મીંચી અને એ સાથે જ તેની બંધ આંખો સામે તેના માથા પર સવાર થયેલી શીના તરવરી ઊઠી. તેણે ધારી હતી એના કરતાં શીના એકદમ જુદી જ દેખાતી હતી. શીના ભયાનક નહિ, પણ બલાની ખૂબસૂરત દેખાતી હતી. શીના લાંબી-પાતળી હતી. એનો ચહેરો ગોળ હતો અને આંખો મોટી-મોટી અને માંજરી હતી. એના કાળા અને રેશમી વાળ ખૂબ જ લાંબા હતા. એ પોતાના લાલ હોઠ વંકાવીને મુસ્કુરાઈ રહી હતી.

‘બોલ, જિગર !’ શીનાએ જિગરને પૂછયું : ‘હું કેવી લાગું છું ? !’

‘તું કોઈ પ્રેતાત્મા કે અલાબલા જેવી બિલકુલ લાગતી નથી.’ જિગરે કહ્યું.

શીના ખિલખિલ હસી પડી, ત્યાં જ ટ્રેન ધીમી પડી.

જિગરે આંખો ખોલી અને બારી બહાર નજર નાંખી. કોઈ સ્ટેશન આવ્યું હતું. ટ્રેન ઊભી રહી. ચોથી પળે જ તેના ડબાનો દરવાજો ખોલીને એક ઊંચો-તગડો યુવાન અંદર આવ્યો અને તેની બાજુના કમ્પાર્ટમેન્ટમાં ચાલ્યો ગયો.

ટ્રેન પાછી ઊપડી અને પાછી પોતાની સ્પીડ પકડી, એ સાથે જ જિગરના કાને શીનાનો અવાજ સંભળાયો : ‘જિગર !’

જિગરે આંખો મીંચી અને કલ્પનાની આંખે જોયું તો શીના તેને બાજુના કમ્પાર્ટમેન્ટ તરફ આંગળી ચીંધતાં કહી રહી હતી : ‘હમણાં સ્ટેશન પરથી ચઢીને બાજુના કમ્પાર્ટમેન્ટમાં જે યુવાન ગયો ને, એને તેં જોયો ને ? !’

‘હા !’ જિગરે કહ્યું.

‘મને એ ગમી ગયો છે !’ શીના હસી : ‘એ હમણાં બાથરૂમ જવા માટે ઊભો થાય અને દરવાજા પાસે પહોંચે એટલે તું એને ધકકો મારીને ચાલુ ટ્રેને બહાર ફેંકી દેજે. હું એનું લોહી પીને પાછી તારા માથા પર આવી જઈશ.’

‘ના !’ બોલી ઊઠવાની સાથે જ િંજગરે પોતાની આંખો ખોલી નાંખી : ‘હું...હું આ કામ નહિ કરું. હજુ...હજુ ગઈકાલે રાતના જ તો તેં વિશાલનું ખૂન કરીને એનું લોહી પીધું છે. અને...અને તું તો કહેતી હતી કે, તારે મહિનામાં એકવાર માણસના લોહીની જરૂર પડે છે, પછી....’

‘હા, પણ મેં કહ્યું ને કે, મને આ યુવાન ગમી ગયો છે. મને લાગે છે કે, આનું લોહી ખૂબ જ મજેદાર હશે. વળી પાછું મને આવું મજેદાર લોહી પીવા મળે કે ન મળે ?!’ જિગરના માથેથી શીનાનો અવાજ સંભળાયો : ‘....એવું હશે તો હું આવતા મહિને લોહી પીવા માટે તારી પાસે કોઈ માણસને ખતમ નહિ કરાવુંં, બસ !’

‘ના !’ જિગર મકકમ અવાજે બોલી ઊઠયો : ‘હું આ કામ નહિ કરું !’ અને જિગર ઊભો થયો. એક નિર્દોષ યુવાનને ચાલુ ટ્રેને બહાર ફેંકી દેવાની શીનાની વાતથી જિગર બેચેન થઈ ઊઠયો હતો. ઍરકન્ડીશન્ડ ડબો હોવા છતાંય બેચેનીને કારણે તેના ચહેરા પર પરસેવો નીતરી આવ્યો હતો. તે ડબાના દરવાજા પાસે પહોંચ્યો. તેણે દરવાજો ખોલ્યો, એ સાથે જ પવન અંદર આવવા માંડયો. ટ્રેન રમરમાટ દોડી રહી હતી. જિગરે એક ઊંડો શ્વાસ લીધો અને તાજી હવા ફેફસામાં ભરી, ત્યાં જ તેની પાસેથી પેલો યુવાન પસાર થયો અને બાથરૂમમાં દાખલ થઈ ગયો.

‘જિગર !’ જિગરના માથેથી શીનાનો ઊતાવળિયો અવાજ સંભળાયો : ‘હું હવે તારા માથેથી ઊતરીને જાઉં છું. હમણાં એ યુવાન બાથરૂમમાંથી બહાર નીકળે એટલે તુરત જ એને બહાર ધકકો મારી દેજે.’

‘મેં તને ના પાડી ને કે, હું એને બહાર નહિ ફેંકું !’ જિગર બોલી ઊઠયો.

‘આમ તું ના પાડીશ એ હરગિઝ નહિ ચાલે.’ શીનાનો ધારદાર અવાજ સંભળાયો : ‘તારે મેં કહ્યું એમ કરવું જ પડશે !’

‘ના-ના-ના ! હું હરિગઝ નહિ કરું !’ જિગર મકકમ અવાજે બોલી ઊઠયો : ‘જા..., તારાથી.... તારાથી થાય એ કરી લે !’

‘એમ.., તો લે, જો !’ શીનાનો ગુસ્સાભર્યો અવાજ સંભળાયો અને એ સાથે જ જાણે જિગરને બે અદૃશ્ય હાથોએ પકડીને અધ્ધર ઉઠાવ્યો અને પવનવેગે દોડી રહેલી ટ્રેનની બહાર ફેંકી દીધો.......

( વધુ આવતા અંકે )