પ્રેમ..આખરે ફરી એ જ લાગણી, ફરી એ જ અહેસાસ અને ફરી પલકને પ્રેમ થઈ ગયો હતો. જેને ખૂબ ઇગ્નોર કર્યો એ જ છોકરા રુદ્ર સાથે. કેટલો નાનો શબ્દ છે આ પ્રેમ, પણ તેમાં કેટલું સમાયેલું છે, ચિંતા, દિલનું સુકુન, ખુશી વહેંચવાની બાબત હોઈ કે પછી દુઃખમાં હમેશા સાથ આપવાનો હોઈ... પ્રેમમાં બધું જ શક્ય છે માત્ર બે પવિત્ર દિલ જોવા જોઈએ. આમ પલકને રુદ્ર ખૂબ જ ગમવા લાગ્યો હતો, કોલેજમાં હોઈ કે હોસ્ટેલ તેના મનમાં હવે માત્ર રુદ્ર જ હતો. બંને ક્યારેક પાર્ક તો ક્યારેક થિયેટર , ક્યારેક મંદિર તો ક્યારેક આશ્રમ જતા. બંનેને હવે એકબીજા સાથે રહેવાની આદત પડવા લાગી હતી.
ક્યારેક તો પલક કોલેજના બોરિંગ લેકચરમાં કલાસની બહાર નીકળી આજુબાજુના સુંદર વાતાવરણની સાથે રુદ્રને યાદ કરી લેતી તો ક્યારેક ફોન પર જ ઘણીબધી વાતો થયા કરતી. પલક માટે રુદ્ર હવે તેની જિંદગી બનવા લાગ્યો હતો, શિયાળાની સવારમાં બારી પાસે બેસીને ચાનો કપ લઈને રુદ્રને જ વિચાર્યા કરતી, રુદ્રને મળ્યા બાદ ફરી હોસ્ટેલ આવી મનમાં તેને જ નિહાળ્યા કરતી, રુદ્ર સાથે જ જિંદગી વિતાવવાનું સપનું જોતી, બેઠી બેઠી જ રુદ્રના વિચારોમાં ખોવાયેલી રહેતી,સવારે ઉઠીને આંખ ખુલતાથી લઈને સૂતી વખતે આંખ બંધ થવા પર રુદ્રને જ જોતી પલક હવે રુદ્રને પ્રેમ કરવા લાગી હતી.બંનેનો જીવ એકબીજામાં વસવા લાગ્યો હતો, હવે જાણે એકબીજા વિના રહેવું શક્ય નહોતું. દિવસો બસ આમ જ જતા હતા.
દિવસો આમ જ પસાર થવા લાગ્યા હતા, રુદ્રનું ઘર પલકની હોસ્ટેલની નજીક જ હતું,માટે બંને ઘણી વખત સાથે જ રહેતા. જેની અને પલક માટે હવે કોલેજના આ છેલ્લા દિવસો હતા, બંનેને એમ.કોમની છેલ્લી પરીક્ષા આપવાની હતી. જેની અને પલકની મિત્રતામાં હવે સાથે રહેવાનું શક્ય નહોતું પરીક્ષા બાદ બંને પોતપોતાના ઘરે જ જવાની હતી. બસ હવે એક મહિનો જ બાકી હતો..
પલક અને જેનીને હવે કોલેજ છોડીને જવાનું યાદ આવતા જ આંખમાં આંસુ આવી જતા હતા, કેન્ટીનની મસ્તી અને કોલેજના એ દિવસો.. કેમ ભુલાય. ક્યારેક શીખવા મળ્યું હોઈ તો ક્યારેક કોઈને શીખડાવવાનો મોકો મળ્યો હોઈ, ક્યારેક ડાટ તો ક્યારેક વખાણ થયા હોઈ, ક્યારેક ઝઘડો થયો હોઈ તો ક્યારેક મિત્રતા ગાઢ બની હોઈ.. બંને માટે આ કોલજની યાદો અને હોસ્ટેલમાં સાથે રહેવાના દિવસો ઘણા ખાસ રહેવાના હતા. બહુ યાદગાર ક્ષણો હતી આ બધી જ.
દિવસો આમ જ પસાર થવા લાગ્યા, આખરે પરીક્ષા નજીક હતી. થોડા દિવસની રજા બાદ પરીક્ષા શરૂ થવાની હતી, પલક હવે થોડા દિવસ રુદ્રને નહોતી મળવાની અને બહુ વાત પણ ન થતી અને રુદ્ર પણ ખૂબ જ સમજદાર હતો. તે પલકને ખૂબ નહિ પૂરેપૂરી સમજતો હતો અને બીજી તરફ પલક પણ રુદ્રને જ તેનું જીવન માનતી. આમ તો સબંધો બહુ આસાનીથી બની જતા હોઈ છે પણ ક્યારેક ગેરસમજણ તો ક્યારેક ઝઘડાઓ લીધે તે ટકી રહેતા નથી. ક્યારેક રૂપ જોઈને પ્રેમ થાય છે તો ક્યારેક રૂપિયા જોઈને પ્રેમ થાય છે, પણ આ પ્રેમ પલંગ સુધીનો જ હોય છે, માણસ તેના મનની જરૂરિયાત સંતોષવા પ્રેમને બદનામ કરી દેતો હોઈ છે, પણ પલક અને રુદ્ર આ દેખાડાવાળા નાટકોથી બહુ દૂર હતા. બંને એકબીજાને પુરેપુરા સમજતા હતા એટલે શંકા નામનો શબ્દ જ નહોતો આવતો. બંનેનું જાણે એક જ સપનું બની ગયું હતું કે, " સ્થિતિ ગમે તે હોઈ, પ્રેમ કર્યો છે તો નિભાવીશું જ."
વધુ રસપ્રદ કહાની વાંચો આગળના ભાગમાં..