Love Revenge - 24 in Gujarati Love Stories by S I D D H A R T H books and stories PDF | લવ રિવેન્જ - 24

Featured Books
  • शून्य से शून्य तक - भाग 40

    40== कुछ दिनों बाद दीनानाथ ने देखा कि आशी ऑफ़िस जाकर...

  • दो दिल एक मंजिल

    1. बाल कहानी - गलतीसूर्या नामक बालक अपने माता - पिता के साथ...

  • You Are My Choice - 35

    "सर..."  राखी ने रॉनित को रोका। "ही इस माई ब्रदर।""ओह।" रॉनि...

  • सनातन - 3

    ...मैं दिखने में प्रौढ़ और वेशभूषा से पंडित किस्म का आदमी हूँ...

  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

Categories
Share

લવ રિવેન્જ - 24


લવ રિવેન્જ

પ્રકરણ-24

“હવે ગરબાં પ્રેક્ટિસ શરૂ નથી કરવી....!?” ત્રિશા બધાંને ઉદ્દેશીને બોલી.

લંચ કર્યા પછી બધાં કોલેજનાં ડ્રામાં સ્ટુડિયોમાં ગોળ સર્કલ બનાવીને બેઠાં હતાં. ડ્રામાં સ્ટુડિયો એક વિશાળ લંબચોરસ મોટો રૂમ હતો. છતમાં મોટી અનેક ફોકસ લાઇટ્સ લાગેલી હતી. સામે વચ્ચેની એક દીવાલને અડીને મોટું સ્ટેજ હતું. જે અત્યારે ઉપયોગમાં નાં લેવાનું હોઇ કાળાં પડદાં વડે ઢાંકેલું હતું. સ્ટેજની સામે પ્રેક્ષકોને બેસવાની ચેયર્સ હટાવીને ચારેય બાજુની દીવાલને અડાડીને એક હરોળમાં મૂકી દેવાઈ હતી. જેથી નવરાત્રિનાં ગરબાંની પ્રેક્ટિસ માટે સ્ટુડન્ટ્સને જગ્યાં મળી રહે. ડ્રામાં સ્ટુડિયોમાં અન્ય સ્ટુડન્ટ્સ પણ ગરબાંની પ્રેક્ટિસ કરી રહ્યાં હતાં.

“કોઈને આઇડિયા છે.....!?” અંકિતાની બાજુમાં બેઠેલી કામ્યા બોલી “આજે સાંજે ગરબાંમાં સિંગર કોણ છે….!”

“કોઈ આઇડિયા નથી....!” કામ્યાની સામે અને લાવણ્યાની જોડે બેઠેલો પ્રેમ બોલ્યો.

“અમ્મ.....! સિડને પૂછું....!?” લાવણ્યાએ તેનો ફોન હાથમાં ધરીને નાનાં બાળક જેવુ મોઢું બનાવી બધાંની સામે જોયું.

“હાં...બસ....! તારે તો બા’નું જોઈએ....! એની જોડે વાત કરવાનું...!” લાવણ્યાની ડાબી બાજુ બેઠેલી અંકિતાએ લાવણ્યાને ચિડાવી “હજી થોડીવાર પે’લ્લાંજ તો તે વાત કરી એની જોડે...!”

“અરે....! પણ હું તો સિંગરનું પુછ્વાં માટે ફોન કરવાનું કે’તીતી....!” લાવણ્યા ભોળી બનતી હોય એમ બોલી.

“આ...હાં....હાં....!” અંકિતાએ તેનાં ચાળાં પાડ્યાં “બઉ શાણી હો તું તો...!”

“અંકલી....! બઉ થ્યું હોં અવે....!” લાવણ્યા છેવટે ચિડાઈને બોલી.

કામ્યા, પ્રેમ સહિત બધાં મલકાઈ રહ્યાં.

“હાં..હાં.. સારું....! કરીલે....કરીલે એને ફોન....!” અંકિતાએ ટોંન્ટમાં કહ્યું.

સ્માઇલ કરતાં-કરતાં લાવણ્યાએ તરતજ સિદ્ધાર્થને નંબર જોડવાં લાગ્યો.

“જોતો ખરી...!” લાવણ્યાની સ્માઇલ જોઈને અંકિતાએ કામ્યા અને ત્રિશા સામે જોઈને કહ્યું “કેવી સ્માઇલ કરે છે આ છોકરી...! વાત એને કરવી છે...! અને પાછું બા’નું આપડું કાઢે છે...!”

બધાં મલકાઈને લાવણ્યાને જોઈ રહ્યાં. લાવણ્યાએ ઘુરકીને એક નજર અંકિતા સામે જોયું. પોતાનાં કાને ફોન માંડી લાવણ્યા સિદ્ધાર્થનાં ફોન ઉઠાવવાંની રાહ જોઈ રહી.

“હાં બોલ લવ....!” સિદ્ધાર્થે ફોન ઉઠાવતાંજ કહ્યું.

“હં....હાં....જાન...!” લાવણ્યાથી બોલાઈ ગયું અને તેણે એક નજર પહેલાં અંકિતા બાજુ અને પછી કામ્યા, ત્રિશા તરફ નાખી “આઈ મીન સિડ....! અ....!”

“નાં...નાં...બોલને જાન છે તારી તો બોલને...બોલ...!” અંકિતા લાવણ્યાને ફરી ચિડાવવાં લાગી.

“એ કામ્યા તું આને કઇંક કે’ને.....!” ફોન કાને માંડેલો રાખી લાવણ્યાએ ચિડાઈને અંકિતા સામે જોયું અને કામ્યાને કહ્યું.

“અરે...અ....! શું યાર અંકિતા તું પણ....!” કામ્યા છેવટે બોલી. જોકે તે પણ મલકાઈ રહી હતી.

“હેલ્લો....! હાં....! સોરી હાં....સિડ...!” સિદ્ધાર્થને વેઇટિંગમાં રાખવાં બદલ લાવણ્યા બોલી “આ અંકિતા ….!”

“ઇટ્સ ઓકે લવ....!” સિદ્ધાર્થ વચ્ચે બોલ્યો “બોલ....! શેનાં માટે કૉલ કર્યો...!?”

“અમ્મ....! આજે ગરબાંમાં કોણ સિંગર આવવાનું છે...!?” લાવણ્યાએ પૂછ્યું.

“અ....! એક મિનિટ હોં.....!” સિદ્ધાર્થ બોલ્યો.

લાવણ્યા ફોન કાને ધરીને સાંભળી રહી.

“હાં....! ઐશ્વર્યા મજમુદાર.....!” કેટલીક ક્ષણો પછી સિદ્ધાર્થે કહ્યું.

“હેં ....!? સાચે...!?” લાવણ્યા ચોંકી અને ખુશ થઈ બધાંની સામે જોતાં બોલી.

અંકિતા સહિત બધાં હવે તેની સામે કાન સરવાં કરીને જોઈ રહ્યાં.

“હાં....!” સામેથી સિદ્ધાર્થે કહ્યું.

“કોણ આવનું છે....! જલદી બોલ….!?” અધિરી થયેલી અંકિતા વચ્ચે બોલી.

“ અરે.....! ઐશ્વર્યા મજમુદાર.....!” લાવણ્યાએ આંખો મોટી કરીને પહેલાં અંકિતા અને પછી બીજાં બધાં સામે જોઈને કહ્યું.

“વા.............વ....!” અંકિતા મોટેથી લેહકો લઈને બોલી “જલસો પડી જશે....! એની માને....!”

“હાય .....હાય આ છોકરીને શું થયું છે....!?” કામ્યા હવે અંકિતાની બોલવાની ભાષાં ઉપર હસી પડીને બોલી.

લાવણ્યા સહિત બધાં મલકાઈ રહ્યાં.

“હેલ્લો...! લવ....!? હું મૂકું ફોન....!?” સામેથી સિદ્ધાર્થે પૂછ્યું.

લાવણ્યાએ નાનાં બાળકોની જેમ ઢીલું મોઢું કરીને પહેલાં કામ્યા સામે અને પછી અંકિતા સામે જોયું.

“શું થ્યું.....!?” અંકિતાએ લાવણ્યાના ઢીલાં મ્હોં સામે જોઈને કહ્યું.

“હું વાત કરીને આવું.....!?” લાવણ્યાએ સાવ બાળકોની જેમ મોઢું બનાવીને પૂછ્યું.

“હાં ....તો....!? અમારી સામેજ કરને....!” અંકિતાએ જાણી જોઈને લાવણ્યાને ચિડાવી.

“એ....!” જોડે બેઠેલી ત્રિશાએ અંકિતાની પીઠ ઉપર એક ધબ્બો માર્યો “ડોબી....! શું તું પણ....! લાવણ્યા....!” ત્રિશાએ લાવણ્યાની સામે જોયું “તું જાં.....! વાત કરીલે.....!”

પલાંઠીવાળીને બેઠેલી લાવણ્યા સ્મિત કરીને ઉતાવળે ઊભી થઈ ગઈ અને ઝડપથી ડ્રામાં સ્ટુડિયોની સામેની દીવાલે બનેલાં સ્ટેજની જોડે આવતી રહી. આજુબાજુ કોઈ બીજું સ્ટુડન્ટ નથી એ જોઈને લાવણ્યા હવે સિદ્ધાર્થ સાથે સહેજ ધિમાં સ્વરમાં વાત કરવાં લાગી.

“સિડ....! સ...સોરી જાન....! તને વેઇટ કરાવાં માટે....!” લાવણ્યા ઢીલાં સ્વરમાં બોલી.

“કોઈ વાંધો નઈ લવ....!” સિદ્ધાર્થ પ્રેમથી બોલ્યો “બોલને શું વાત કરવી’તી તારે...!?”

“અમ્મ....! સિડ....! બ...બે વાગી ગ્યાં....!” લાવણ્યા કચવાતાં- કચવાતાં બોલી “ત...તું કેટલાં વાગે આઈશ....!?”

“ઓહો લવ....!” સિદ્ધાર્થે એક ઊંડો શ્વાસ ભર્યો અને કેટલીક ક્ષણો મૌન થઈ ગયો.

લાવણ્યા આતુરતાંપૂર્વક તેનાં પ્રતીભાવની રાહ જોઈ રહી.

“હું ટ્રાય કરુછું.....! શક્ય હોય એટલાં વે’લ્લાં આવવાંની....!” થોડીવાર પછી સિદ્ધાર્થે કહ્યું.

“સ.....સારું....!” લાવણ્યા માંડ બોલી અને આજુબાજુ ડફોળીયાં મારી કોઈછે તો નઈ એ જોવા લાગી “અ....અમ્મ...!”

“લવ....!? કઈં કેવું છે તારે....!?” સિદ્ધાર્થે પૂછ્યું.

“એ તારો નઈ થાય.....!” લાવણ્યાને તેની મમ્મી સુભદ્રાબેનનાં શબ્દો યાદ આવી ગયાં અને તેની આંખ ભીંજાઇ ગઈ.

“ડ......ડ....ડર લાગે છે ....!” લાવણ્યા માંડ બોલી “બ....બઉ ડર લાગે છે....!”

“અચાનક શું થઈ ગ્યું લવ....!?” સિદ્ધાર્થે ચિંતાતુર સ્વરમાં પૂછ્યું “હજી બે મિનિટ પે’લ્લાં તો તું બધાં જોડે હસતી-રમતી’તી....!”

લાવણ્યા કઈં બોલી નાં શકી.

“એ તારો નઈ થાય.....!નઈ થાય...!” સુભદ્રાબેનનાં શબ્દોનાં પડઘાં હવે જાણે તેનાં કાનમાં સંભળાતાં હોય એવું તેને લાગ્યું અને તેની આંખમાંથી પાણી વહેવાં લાગ્યું.

“તું રોવે છે....!?” લાવણ્યાનાં ડૂસકાંનો સ્વર સંભળાતાં સિદ્ધાર્થે પૂછ્યું “અચાનક શું થઈ ગ્યું લવ....! બોલતો ખરી....!?”

“ક....કઈં નઈ...!” લાવણ્યા પરાણે બોલી.

“મને હવે ચિંતા થાય છે લવ....! બોલને યાર....!?”

“ન...નઈ તું....તું.....ચિંતા ના કરને....!અ...એવી કોઈ વાત નથી....!”

“એવી કોઈ વાત નથી...!?” સિદ્ધાર્થે પૂછ્યું “એટ્લે કોઈક તો વાતછેને....!? બોલને લવ શું વાત છે....!?”

“તું મારો થઈ જા....! બસ....તું મારો થઈજા....!” ગળામાં આવી ગયેલાં શબ્દો લાવણ્યા ઇચ્છવાં છતાં નાં બોલી શકી.

“લવ....! શું વાત છે કે’ને.....!?” સિદ્ધાર્થે ફરી પૂછ્યું.

“નાં.....! નાં....! પે’લ્લાં તું તારી વાત કઈશ....! પછી હું મારી કઈશ....!” લાવણ્યા બાળકની જેમ સહેજ નારાજ સૂરમાં બોલી “તું....તું....ફટાફ્ટ કામ પતાવને ....! અ....અને જલદી-જલદી આવને....!”

“અરે....! કે’ને લવ ….! શું વાત છે....!?”

“કોઈ વાત નથી ....કીધુંને....! તું બસ જલ્દી કામ પતાવને…..!” લાવણ્યા બોલી.

બંને થોડી ક્ષણો મૌન થઈ ગયાં.

“સારું....! ચલ....! મૂકું ફોન....!?” થોડીવાર સુધી મૌન રહ્યાં પછી છેવટે સિદ્ધાર્થ બોલ્યો.

લાવણ્યા કઈંપણ બોલ્યાં વગર સૂચક મૌન જાળવી રહી.

“લવ....!? મૂકું ફોન...!?” લાવણ્યાએ કઈંના બોલતાં સિદ્ધાર્થે પૂછ્યું.

“વ....વે’લ્લો આવજે હોં....!” છેવટે લાવણ્યા પરાણે ઢીલાં સ્વરમાં બોલી “બ..બાય...!”

“બાય....!” સિદ્ધાર્થે કૉલ કટ કર્યો.

ઢીલી થઈ ગયેલી લાવણ્યા કેટલીક ક્ષણો સ્ટેજ પાસેજ ઊભી રહી.

છેવટે સિદ્ધાર્થનાં વિચારોથી મુક્ત થવાનો પ્રયત્ન કરતી-કરતી તે પાછી ટોળુંવળીને બેઠેલાં ગ્રૂપનાં ફ્રેન્ડ્સ તરફ આવવાં લાગી.

“અરે...! આટલી જલ્દી વાત પતી ગઈ....!?” ગ્રૂપની નજીક આવી ગયેલી લાવણ્યાને જોઈને અંકિતાએ રમૂજ કરી.

લાવણ્યાએ ઘુરકીને તેની સામે જોયું.

“અંકલી તું કેમ એની પાછળ પડી ગઈ છું....!?” કામ્યાએ હસીને અંકિતાને ટોકતાં કહ્યું.

“અરે શું યાર....!?” અંકિતાએ પહેલાં કામ્યા અને પછી લાવણ્યા સહિત બધાં સામે જોઈને કહ્યું “છેલ્લી નવરાત્રિ છે...! થોડું મજાક-મસ્તી તો જોઈએજને....!”

“છેલ્લી નવરાત્રિતો તું એવીરીતે બોલે છે કે કોલેજ પૂરી થયાં પછી આપડે કોઈ મલવાંનાંજ નાં હોય....!” સામે બેઠેલો પ્રેમ બોલ્યો.

“શરત લગાવ....!” અંકિતાએ તેની હથેળી આગળ કરીને કહ્યું “કોલેજ પૂરી થયાં પછી કોઈ કોઈને નથી મળવાનું...!”

“લાવણ્યા.....!?” પ્રેમે લાવણ્યાની સામે જોયું “શું કે’વું તારું...!?”

“અરે એમાં એને શું પૂછે છે....!?” અંકિતા બોલી “હજુ એનુંજ નક્કી નથી કે સિદ્ધાર્થ એને મળશે કે નઈ મળે....!”

“એ....અંકલી...! શું તું પણ...!” કામ્યાએ છણકો કરીને અંકિતાને ટોકી.

અંકિતા પોતે પણ હવે લાવણ્યાનો ચેહરો જોઈને અટકી ગઈ.

લાવણ્યાની આંખ ભીંજાઇ ગઈ હતી. માંડ પોતાનું રડવાનું કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરી રહેલી લાવણ્યાનાં હોંઠ ધ્રુજવા લાગ્યાં અને તે અંકિતાની સામે દયામણું મોઢું કરીને જોઈ રહી.

“I’m sorry....! I’m sorry” અંકિતા તરતજ ઘૂંટણીયે ચાલીને લાવણ્યાની નજીક સરકી ગઈ “લાવણ્યા....! આમ જો ....! મારી સામે જો...!”

અંકિતાએ હવે પ્રેમથી લાવણ્યાનો ચેહરો પોતાની તરફ કર્યો. લાવણ્યા નીચું મોઢું કરીને રડું-રડું થઈ ગઈ હતી. રડવાનું રોકવાનો પ્રયત્ન કરતી હોવાને લીધે તેને હવે ડૂસકાં આવવાં લાગ્યાં.

“કઈં પણ બોલી કાઢે છે યાર તું.....!” પ્રેમ પણ હવે લાવણ્યાની જોડે આવીને બેસી ગયો અને અંકિતાને ઝાટકતો હોય એમ બોલ્યો.

“તો શું...!?ચૂપજ નથી રે’તી....!” ત્રિશા બોલી.

ત્રિશા પણ હવે લાવણ્યાની એક બાજુ બેસીને તેણીની પીઠ ઉપર હાથ ફેરવી રહી. કામ્યા પણ આવી ગઈ. બધાં હવે ટોળુંવળીને લાવણ્યાની આજુબાજુ બેસી ગયાં.

“સોરી....! મારાંથી ફ્લો-ફ્લોમાં બોલાઈ ગયું...!” અંકિતા ઢીલું મોઢું કરીને બધાંની સામે જોઈને બોલી પછી લાવણ્યા સામે જોયું “સોરી....! લાવણ્યા....! I’m so sorry….!”

“શું સોરી....!” કામ્યાએ વધુ એકવાર છણકો કર્યો “તને હું ક્યારની કે’કે કરું છું “બંધ થાં.... બંધ થાં”....! તો પણ તને નઈ સમજાતું....!”

“ મ.....મમ્મી.....મમ્મી પણ કે’તીતી....!” લાવણ્યા સાવ દયામણું મોઢું કરીને ડૂસકાં લેતી-લેતી કામ્યા સામે જોઈને બોલી “ક...કે.....! એ મારો નઈ થાય....! સિદ્ધાર્થ મને નઈ મલે....!”

“અરે....!” કામ્યાની આંખ ભીંજાઇ ગઈ અને તેણે લાવણ્યાને ગળે વળગાળી દીધી “એવું કઈં નઈ થાય....! તું ચિંતાના કર...હમ્મ....!” કામ્યા હવે તેણી પીઠ પસવારી રહી.

“એ મારો નઈ થાયને....!?” લાવણ્યા છેવટે રડી પડી અને કામ્યાને વધુ સખતરીતે વળગી પડી.

“એ તારોજ થશે....!” અંકિતા બોલી અને લાવણ્યાનાં બાવડાં ઉપર હળવેથી તેનો હાથ ફેરવી રહી.

પ્રેમ અને ત્રિશા પણ ભીંજાયેલી આંખે તેણીની સામે જોઈ રહ્યાં.

બધાં ભેગાં મળીને લાવણ્યાને સમજાવતાં રહ્યાં અને શાંત કરાવવાનો પ્રયત્ન કરતાં રહ્યાં.

“સોરી સોરી હો...! હું મોડો પડ્યો...!” બધાં ટોળુંવળીને લાવણ્યાની આસપાસ બેઠાંજ હતાં ત્યાંજ પાછળથી રોનકનો અવાજ સંભળાયો “અરે શું થયું તને....!?”

આવતાંવેંતજ રડી રહેલી લાવણ્યાને જોઈને રોનકે તેની સામે નીચે બેસતાં પૂછ્યું. બધાં હવે રોનકની સામે જોવાં લાગ્યાં.

“અરે....! કઈંનઈ....!” લાવણ્યાની એક બાજુ સહેજ પાછળ બેઠેલી ત્રિશા વાત વાળતાં બોલી “હવે વાત પૂરી થઈ ગઈ....!”

લાવણ્યા પોતાનું મોઢું લૂંછવાં લાગી.

“પણ તું આટલો મોડો કેમ આયો...!?” કામ્યા છણકો કરતાં બોલી “આ સવા બે વાગ્યાં...! કઈં ભાન પડે છે...!?”

“અરે મારી બેન યાર....! જવાદેને....!” રોનક માથું ધૂણાવીને બોલ્યો.

“કેમ...!? શું થયું તારી બે’નને....!?” લાવણ્યાએ હવે પોતાનો સ્વર સ્વસ્થ કરતાં પૂછ્યું.

“અરે એને ચણિયાચોલી બદલાવાં જવું’તું....!” રોનક એજરીતે અકળાયેલાં સ્વરમાં બોલ્યો “મારો આખો દિવસ પૂરો કરી નાંખ્યો...! અને પાર્લરની બહાર બે કલ્લાક બેસવું પડ્યું એ જુદું...!”

“aww ચો ચ્વિટ.....!” લાવણ્યા સિવાય બધાંજ એક સાથે રોનકના ચાળાં પાડવાં લાગ્યાં.

ગ્રૂપમાં આવી કોઈપણ વાત હોય તો બધાંજ એક સાથે આજરીતે એકબીજાની ઉડાવતાં. લાવણ્યાથી પરાણે હસાઈ ગયું. બધાંએ તેની સામે જોયું. રોનકે પણ જોયું.

“સિદ્ધાર્થને લગતી કોઈ વાત હશે...!” રોનકે મનમાં વિચાર્યું અને માંડ હસેલી લાવણ્યાનું મૂડ પાછું ખરાબ ના ત્યાં એટ્લે પૂછવાનું માંડી વાળ્યું.

“હવે ગરબાં પ્રેક્ટિસ ચાલુ કરીએ...!?” રોનકે બધાંની સામે જોઈને પૂછ્યું “અને સાંજે સિંગરમાં કોણ છે..!?”

“ઐશ્વર્યા મજમુદાર....!” પ્રેમ બોલ્યો.

“અરે વાહ....! મારું મન....મોહી ગયું....!” રોનક મોટેથી લહેકો લઈને સિંગર ઐશ્વર્યા મજમુદારની વોઇસમાં (નવેસરથી) ગવાયેલો એ ફેમસ ગરબો ગાવાં લાગ્યો “મારું મન મોહી ગયું...! મારું મન મોહી ગયું....! કે તને એ......! તને ઝાતાં ઝોઈ પનઘટની વાટેએ.....! મારું મન મોહી ગયું....! ચાલો હવે....!” રોનક ઊભો થતાં બોલ્યો “આમ ઠોયાંની જેમ શું બેઠાંછો....! કોઈ નવો સ્ટેપ ગરબાનો વિચારો...!”

રોનકને જોઈને વારાફરતી બધાં ઊભાં થવાં લાગ્યાં. લાવણ્યા હજી બેસી રહી. અંકિતા પણ તેણીનો હાથ પકડીને બેસી રહી અને તેની સામે જોવાં લાગી.

બધાં ઊભાં થઈને હવે નીચે બેઠેલાં લાવણ્યા અને અંકિતા સામે જોઈ રહ્યાં.

લાવણ્યાએ બધાંની સામે જોઈને પરાણે સ્મિત કર્યું અને ઊભી થઈ.

“બેબી સ્ટેપ ગરબાં કરીએ...!?” લાવણ્યાએ કહ્યું અને તેનાં વાળ સરખાં કરવાં લાગી.

“બેબી સ્ટેપ ગરબાં.....!?” લગભગ બધાંએ એકસાથે નવાઈથી પૂછ્યું.

“હાં....!” લાવણ્યા થોડાં સ્વસ્થ સ્વરમાં બોલી “આ ગરબાં ઉપર બેબી સ્ટેપ ગરબાં મજા આવશે...!”

“પણ બેબી સ્ટેપ ગરબાં કેવાં હોય મેં તો પેલ્લીવાર સાંભળ્યુ...!?” પ્રેમ નવાઈપૂર્વક પૂછી રહ્યો.

“મેં પણ હોં....!” કામ્યા સૂર પુરાવતાં બોલી.

“બહુ સિમ્પલ છે....!” લાવણ્યા હવે એકદમ સ્પષ્ટ સ્વરમાં બોલી “કોઈ નાનું બેબી હોય...! એ આ ગરબાના લીરિક્સ ઉપર કેવીરીતે ગરબાં કરે...!?” લાવણ્યાએ બધાંની સામે જોયું અને કહ્યું “બસ એજરીતે...!”

“તું એક-બે સ્ટેપ કરને......!” હવે અંકિતા બોલી.

“જો ....!” લાવણ્યા હવે શીખવાડવાં લાગી “મારું મન મોહી ગયું” એ લાઇન હોય તો આરીતે સ્ટેપ કરશું....!”

----


“હાશ.....! મઝા આવી ગઈ હો યાર આ બેબી સ્ટેપ ગરબાંમાં તો....!” ત્રિશા બોલી.

લગભગ કલ્લાકેક જેવુ ગરબાં પ્રેક્ટિસ કર્યા પછી બધાં પાછાં ટોળું વળીને બેઠાં. લંચબ્રેક પૂરો થઈ જતાં ડ્રામાં સ્ટુડિયોમાં સ્ટુડન્ટ્સની સંખ્યા ઓછી થઈ હતી. જોકે લાવણ્યાના ગ્રૂપની જેમજ કેટલાંક અન્ય ગ્રૂપના સ્ટુડન્ટ્સ પણ હતાં જેઓ લેક્ચર છોડીને હજીપણ ગરબાં પ્રેક્ટિસ કરી રહ્યાં હતાં. લાવણ્યાનું મૂડ હવે ફ્રેશ થઈ ગયું હતું.

“હાય લાવણ્યા....!” બધાં વાતો કરી રહ્યાં હતાં ત્યાંજ ડ્રામાં સ્ટુડિયોનાં દરવાજા તરફ પીઠ કરીને બેઠેલી અંકિતાની પાછળ વિવાને આવીને ઊભાં રહેતાં કહ્યું “ગરબાં પ્રેક્ટિસ પૂરી...!?”

વિવાને બધાંની સામે જોઈને પાછું લાવણ્યા સામે જોયું. નીચે બેઠેલાં બધાં હવે વિવાન સામે જોઈ રહ્યાં. અંકિતાએ પણ તેનું મોઢું પાછું ફેરવી નજર ઊંચી કરીને વિવાન સામે જોયું.

“આ તારું ગ્રૂપ નથી....!” અંકિતાએ એમજ નીચે બેસીને તેની સામે જોતાં-જોતાં કહ્યું “તું રસ્તો ભટકી ગ્યો લાગે છે...!”

“તું તો એવું બોલે છે જાણે હું બોર્ડર ક્રોસ કરીને ભૂલીથી પાકિસ્તાનમાં આવી ગ્યો હોવ...!” વિવાને અંકિતાથી સહેજ દૂર અને લાવણ્યાની જોડે બેસતાંજ કહ્યું.

બેસતી વખતે વિવાને અંકિતાની સામે જોયું અને તેની “કાનુડાં” જેવી નટખટ સ્માઇલ કરી.

“બાપરે....!” કોલેજનાં સૌથી હેન્ડસમ છોકરાં વિવાનની સ્માઇલ જોઈને ત્રિશાથી બોલી પડાયું. વિવાન સહિત બધાંએ તેની સામે જોયું.

“સોરી બોલાઈ ગયું....!” ત્રિશાએ વાત વાળતાં કહ્યું.

“વેલકમ વિવાન....!” લાવણ્યા સ્મિત કરીને બોલી અને તેણે અંકિતા સામે જોયું.

વિવાને સ્મિત કરીને લાવણ્યા સામે જોઈને અંકિતા સામે જોયું.

“મારી સામે શું જોવે છે...!?” અંકિતા અકળાઈને બોલી “એણે તને વેલકમ કીધું છે...! મેં નઈ....!”

“તું કેમ આટલો બધો ગુસ્સો કરે છે......!?” લાવણ્યા હવે રમતિયાળ સ્મિત કરતી-કરતી અંકિતાને ચિડાવતી હોય એમ બોલી “એ બિચારો હજીતો આવીને બેઠો પણ નથી...!”

“પણ હું એજ પૂછું છું કે એનું અહીંયાં શું કામ....!?” અંકિતા હવે વધુ અકળાઈને બોલી “આપડાં ગ્રૂપમાં નથી એ...!”

“અરે યાર તું ઓવર રીએક્ટ કેમ કરે છે...!?” સામે બેઠેલો રોનક બોલ્યો “આપડાં ગ્રૂપમાં નથી....! આપડી કોલેજમાંતો છેને...!?”

“હાસ્તો....!” લાવણ્યા એજરીતે સ્મિત કરતાં બોલી “અને કોલેજનો સૌથી હેન્ડસમ છોકરો છે...!”

“કોણ....!?” અંકિતાએ અજાણ બનીને પૂછ્યું.

“વિવાન....! બીજું કોણ...!” લાવણ્યાએ તેણે વધુ ચિડાવી.

“હી..હી...! હેન્ડસમ...!?” અંકિતાએ વિવાન સામે જોઈને તેની મશ્કરી કરી “ત્રણ વર્ષમાં એકેય છોકરીએ એની સામેતો જોયું નથી....! અને પાછો હેન્ડસમ...!?”

“એ હેલ્લો...!?” વિવાન હવે ચિડાઈને બોલ્યો “હું કોઈને ભાવ નથી આપતો ઓકે....!”

“હમ્મ....! લાફો મારીને ગાલ લાલ રાખવાનો નઈ...!?” અંકિતા હવે તેને વધુ ચિડાવવાં લાગી “કે પછી દ્રાક્ષ ખાટી છે....એમ...!?”

“બે યાર આ તો જો...!?” વિવાને લાવણ્યાની સામે જોયું.

બધાં હવે મલકાઈ રહ્યાં હતાં.

“સાચી વાત છે હો વિવાન...!” લાવણ્યાએ વિવાનની સામે જોઈને તેની આંખ મીંચકારી “અંકિતાને પણ કોઈ ભાવ નથી આપતું....!”

“ઓયે....! હું કોઈને ભાવ નથી આપતી...!ઓકે...!” અંકિતા અદાથી તેનાં વાળ ઝાટકીને બોલી.

“કે પછી દ્રાક્ષ ખાટી છે...!?” હવે વિવાન સ્મિત કરીને અંકિતાનાં ચાળાં પાડતાં બોલ્યો.

“ના...ના....! લાફો મારીને ગાલ રાખવાનો...!” લાવણ્યા પણ હવે અંકિતાનાં ચાળાં પાડવાં લાગી.

“અરે તું મારી ફ્રેન્ડ છે કે એની યાર....!?” અંકિતા હવે અકળાઈ ગઈ.

“કેમ...કેમ....!?” લાવણ્યા હવે તેની આઈબ્રો નચાવતી બોલી “Test your own medicine baby….!ક્યારની મને ચિડાવતી’તી”

“તો તું બદલો લઇશ એમ...!?”

“અરે એમાં બદલો શું....!?” કામ્યા બોલી “તું બધાંને ચિડાવે એ ચાલે.....! પણ તને કોઈ ચિડાવે એ ના ચાલે...!? લાવણ્યા....!” કામ્યાએ લાવણ્યાની સામે જોયું “દે ઘુમાકે....! ચિડાવ તું તારે એને...!”

“અરે એ એકલી શું કરવાં.....!” રોનકે સૂર પુરાવ્યો “હુંય અંકિતાના ત્રાસનો ભોગ રોજ બનું છું....! હુંય ચિડાઈશ....!”

“હું પણ...!” પ્રેમ બોલ્યો.

­બધાં હવે ભેગાંમળીને અંકિતાને ચિડાવવાં લાગ્યાં.

----


“ટ્રિંગ....! ટ્રિંગ....! ટ્રિંગ....!” બધાં મસ્તી કરી રહ્યાં હતાં ત્યાંજ લાવણ્યાનાં ફોનની રિંગ વાગી. લાવણ્યાએ તેનાં ડ્રેસનાં ખીસ્સાંમાંથી તેનો મોબાઇલ કાઢ્યો.

“સિડ....!?” મોબાઇલની સ્ક્રીન ઉપર સિદ્ધાર્થનો નંબર જોઈને લાવણ્યા બબડી અને બધાંની સામે જોયું.

“જોયું....!?” અંકિતા ફરી હવે મસ્તીનાં મૂડમાં આવી ગઈ “સે’જેય ધરપત નથી આં છોકરાંને ….!”

“બસ હવે....! તું ફરી એની પાછળ નાં પડી જઈશ....!” કામ્યા બોલી અને તેણે લાવણ્યા સામે જોયું.

“હું વાત કરીને આવું...!” કહીને લાવણ્યા પાછી ઊભી થઈ અને ઉતાવળાં પગલે સ્ટેજ બાજુ જવાં લાગી.

“હાં....! બોલને જાન....!” સ્ટેજ તરફ જતાં-જતાં તેણીએ ફોન ઉઠાવીને કહ્યું.

“શું કરે છે...!?” સામેથી સિદ્ધાર્થે કહ્યું.

“શું કરતી હોઉ....!? તનેજ યાદ કરતી’તી....!” લાવણ્યા હવે સ્ટેજ પાસે આવીને ઊભી રહી ગઈ “બોલને કેમ ફોન કર્યો....!”

“બસ....!એમજ....!” સિદ્ધાર્થ બોલ્યો “તારી ચિંતા થતી’તી....!”

“Aww…! માલું બેબી....!” લાવણ્યા કાલી ભાષામાં બોલી.

ડ્રામાં સ્ટુડિયોમાં પ્રેક્ટિસ કરી રહેલાં કેટલાંક સ્ટુડન્ટ્સનું ટોળું હવે સ્ટેજ પાસે આવીને ઊભું રહેતાં લાવણ્યા હવે સ્ટેજની પાછળ બનેલાં દરવાજાં તરફ ચાલી ગઈ.

“હી...હી...! તું આરીતે કેમ બોલતી હોય છે....!” સિદ્ધાર્થે સ્મિત કરીને પૂછ્યું.

સ્ટેજની પાછળનાં દરવાજેથી બહાર નીકળી લાવણ્યા હવે કોરિડોરમાં આવી ગઈ. થોડું આગળ ચાલીને તે ડાબી બાજુ લેડિઝ વૉશરૂમ તરફ જવાં કોરિડોરમાં વળી ગઈ.

સિદ્ધાર્થ સાથે વાત કરતી-કરતી લાવણ્યા છેવટે લેડિઝ વૉશરૂમમાં પ્રવેશી. એક દીવાલે લાગેલાં મોટાં કાંચવાળાં વૉશ બેસિનની સામે લાવણ્યા ઊભી રહી કાંચમાં પોતાનું પ્રતિબિંબ જોતાં-જોતાં સિદ્ધાર્થ સાથે વાત કરવાં લાગી.

“સાહેબ....!” સિદ્ધાર્થનાં ફોનમાં લાવણ્યાને કોઈકની બૂમ સંભળાઈ.

“અરે ....! મને બોલાવે છે...! ચાલ પછી વાત કરું...!” સિદ્ધાર્થે કહ્યું “મૂકું ફોન..!”

“નાં....! નઈ મૂકવાનો....!” લાવણ્યા નાનાં બાળકની જેમ બોલી.

“જો છે ...! તું પોતે નાનાં બેબીની જેમ જિદ્દ કરે છે ‘ને પાછી મને “બેબી-બેબી” કે’છે”

“થોડીવાર વાત કરને પ્લીઝ....!” લાવણ્યા એજરીતે બોલી.

“અરે મને બોલાવે છે....! કામ પતાવીને મારે તને મલવું છે....! મૂકવાંદેને….!” સિદ્ધાર્થ બોલ્યો.

“જલદી આવજેને બેબી....!” લાવણ્યા પ્રેમથી બોલી.

“હાં...હાં....! હું બને એટલું જલદી આવુંજ છુ....! હોં બાય...!”

“બાય....!” લાવણ્યાએ કમને કૉલ કટ કર્યો અને ફોન તેનાં ડ્રેસનાં પોકેટમાં મૂક્યો.

કેટલીક ક્ષણો સુધી એમજ ઊભાં રહીને કાંચમાં પોતાનું પ્રતિબિંબ જોઈ રહ્યાં પછી લાવણ્યાએ છેવટે વૉશ બેસિનનો નળ ચાલુ કરી પોતાનું મોઢું ધોવાં માંડ્યુ.

“પાણીથી મોઢાં ઉપર લાગેલાં ડાઘતો ધોવાઈ જશે...! પણ કેરેક્ટર ઉપર લાગેલાં ડાઘ કેવીરીતે ધોવાશે....!?”

લાવણ્યા નીચું નમીને મોઢું ધોઈ રહી હતી કે ત્યાંજ તેને નેહાનો અવાજ સંભળાયો. તેણે ચોંકીને સીધાં થઈ પહેલાં કાંચમાં જોયું. નેહાનું પ્રતિબિંબ તેમાં દેખાતાં લાવણ્યાએ પાછાં ફરીને તેની સામે જોયું.

“શ....શું....!?” નેહાની હાજરીથી ફફડી ઉઠેલી લાવણ્યાથી માંડ-માંડ બોલાયું.

“અરે....!? કેમ આમ સાવ અજાણી બને છે...!?” નેહાએ વેધક સ્વરમાં ટોંન્ટ મારતાં કહ્યું.

લાવણ્યા કઈંપણ બોલ્યાં વગર મૂંઝાઇને તેની તરફ બીતાં-બીતાં જોઈ રહી. તેણીનાં માથે હવે પરસેવાંની હળવી બુંદો બાઝવાં લાગી અને તેનાં હ્રદયનાં ધબકારાં ધીરે-ધીરે વધવાં લાગ્યાં.

“શું વાત છે....!?” નેહાએ હવે લાવણ્યાને પગથી લઈને માથાં સુધી જોતાં કહ્યું “આજકાલ તું આમ બઉ ટ્રેડિશનલ- ટ્રેડિશનલ કપડાં પે’રવાં લાગી છે....!?હમ્મ...!?”

“સ....સિડ……! સિદ્ધાર્થને હું બઉ એક્સપોઝ થાય અ....એવાં કપડાં પે’રું એ ન....નઈ ગમતું....!” થોથવાતી જીભે લાવણ્યા બોલી. ડરીને તે હવે વૉશબેસિન તરફ પાછાં પગલે સહેજ ખસી.

“ઓ...ઓ....! સિડ.....! એમ...!? તો તું આ બધું સિદ્ધાર્થ માટે કરી રહી છે એમ...!?” નેહાએ તેનો સ્વર વધુ વેધક કરી ટોંન્ટ માર્યો.

કશું પણ બોલ્યાં વગર લાવણ્યા એમજ ઊભી રહી અને ધ્રૂજવાં માંડી.

“તને શું લાગે છે....!?” નેહા હવે એકદમજ લાવણ્યાની નજીક આવી ગઈ અને તેનો વેધક સ્વર હવે કઠોર કરીને તેનાં ચેહરાંને લાવણ્યાનાં ચેહરાંની એકદમ નજીક લાવીને બોલી “ કે તું કપડાંથી તું આ શરીરને ઢાંકીને તારાં કેરેક્ટર ઉપર લાગેલાં એ ડાઘને પણ ઢાંકી દઇશ....! હમ્મ..!?”

લાવણ્યા કઈંપણ બોલ્યાં વગર ગભરાઈને જોઈ રહી.

“કપડાંથી તું તારું શરીર ઢાંકી દઇશ....! પણ તારાં પાસ્ટને....! કેમની ઢાંકીશ...!?” નેહાએ હવે કુટિલ સ્મિત કર્યું “ખબર છેને...! કેટલાં જોડે સૂઈ ચૂકી છું તું...!?”

લાવણ્યાની આંખ ભીંજાઇ ગઈ અને તેનાં હોંઠ ધ્રૂજવાં લાગ્યાં. રૂંધાયેલાં સ્વરમાં માંડ-માંડ તે બોલી શકી “સ.....સિડ.....સિદ્ધાર્થને બ....બધું ખબર છે....! મ્મ....મેં એને બધું ક.....કઈ દીધું’તું....!”

“વાહ....! એટ્લે તને એમ લાગે છે કે તે તારાં ચિતરાયેલાં પાસ્ટ વિષે એને બધું કઈ દઈને તે મોટી ધાડ મારી દીધી એમ....!? નેહા લાવણ્યાની વધુ નજીક આવી.

“તને એમ લાગે છે કે તું આવાં કપડાં પે’રીશ....! સિદ્ધાર્થને બહુ આમ...આમ લાડ લડાવીશ....!” પોતાનો સ્વર સહેજ વધુ ઊંચો કરી નેહા બોલી “તો સિદ્ધાર્થ તને અપનાવી લેશે....! એમ...? તારી જોડે મેરેજ કરી લેશે...!? એમ...!?”

લાવણ્યાની આંખો હવે ભીંજાઇ ગઈ.

“લૂક એટ યુ લાવણ્યા....!” નેહાએ સુરેશસિંઘની જેમ તુચ્છ નજરે લાવણ્યાને જોયું અને તેનું બાવડું સખત રીતે પકડીને વૉશબેસિનની દીવાલ ઉપર લાગેલાં કાંચ બાજુ ફેરવી. લાવણ્યા કાંચમાં પોતાનાં પ્રતિબિંબને જોઈ રહી.

“what are you….! હા....!?” નેહાએ અણગમાંભર્યા સ્વરમાં કહ્યું “you are a sl*t લાવણ્યા....! you are a b**ch….a wh*re….!”

“અ.....આવું ન....ના...!”

“you are a garbage લાવણ્યા....!” નેહાએ કાંચમાં લાવણ્યાની સામે જોઈ રહીને કહ્યું “ કચરો છે તું.....!”

“ you are a sl*t ....! you are a b**ch….a wh*re….!” કાંચમાં પોતાનાં પ્રતિબિંબને જોઈ રહેલી લાવણ્યાનાં મનમાં હવે નેહાનાં એ વેધક શબ્દોનાં પડઘાં પડવાં લાગ્યાં.

“તને લાગે છે કે તું સિદ્ધાર્થનાં લાયક છે...!હમ્મ...!?” નેહાએ કાંચમાં જોઈ રહીને લાવણ્યાને પૂછ્યું “અરે તું તો એની રખેલ બનવાંનાં પણ લાયક નથી....!”

લાવણ્યા હવે ભાંગી પડી અને તેની આંખમાંથી પાણી વહેવાં માંડ્યુ.

“એ રોયલ ફેમિલીનો છે લાવણ્યા....!” નેહાએ હવે તેની પકડ લાવણ્યાનાં બાવડાં ઉપર વધુ કસી “એનાં ઘરનાં ડસ્ટબીન પણ તારાં કેરેક્ટર કરતાં વધું સાફ હશે...!”

“....આમ જો મારી સામે...!” નેહાએ હવે ઉદ્ધત રીતે લાવણ્યાની દાઢી પકડી તેનું મોઢું પોતાની બાજુ ફેરવ્યું “કીચડ છે તું.....! અને તને સ્પર્શ કરીને સિદ્ધાર્થનાં હાથ પણ ગંદા થયાં છે...!”

લાવણ્યાએ શરમથી તેનું માથું નીચું ઝુકાવ્યું. નેહાએ ફરીવાર તેનું મોઢું ઉદ્ધતરીતે તેની સામે કર્યું.

“તે સિદ્ધાર્થને સ્પર્શ કરીને એનું કેરેક્ટર અભડાવ્યું છે લાવણ્યા....!” નેહાએ હવે ભારોભાર નફરતથી કહ્યું “એક સીધાં-સાદાં છોકરાંને અભડાવ્યો છે....!”

“ન....ને..નેહા....આવું...!”

“તું લાયક નથી એનાં....! યાદ રાખજે....! અને એનાંથી દૂર રે’જે હવે....!” નેહાએ જાણે ચેતવણી આપતી હોય એમ ફરીવાર લાવણ્યાનું બાવડું પકડી તેણીને ખેંચીને કહ્યું “તું એનાં જોડે કે એનાં ઘરમાં શોભે એવી નથી....! દૂર રે’જે એનાથી....! સમજી...!”

નેહાએ લાવણ્યાનું બાવડું ઝાટકીને તેણીને સહેજ ધક્કો માર્યો અને પાછી ફરીને વૉશરૂમમાંથી બહાર નીકળી ગઈ.

આઘાતથી હતપ્રભ થઈ ગયેલી લાવણ્યા હવે કાંચમાં તેનું પ્રતિબિંબ જોવાં લાગી.

“you are a garbage”

“ કચરો છે તું.....!”

નેહાનાં એ વેધક શબ્દ બાણ હવે તેનાં કાનમાં ફરી ગુંજવાં લાગ્યાં.

“એનાં ઘરનાં ડસ્ટબીન પણ તારાં કેરેક્ટર કરતાં વધું સાફ હશે...!”

“કીચડ છે તું.....! અને તને સ્પર્શ કરીને સિદ્ધાર્થનાં હાથ પણ ગંદા થયાં છે...!”

“તે સિદ્ધાર્થને સ્પર્શ કરીને એનું કેરેક્ટર અભડાવ્યું છે”

“તું એનાં જોડે કે એનાં ઘરમાં શોભે એવી નથી....!”

“કીચડ છે તું.....! અને તને સ્પર્શ કરીને સિદ્ધાર્થનાં હાથ પણ ગંદા થયાં છે...!”

ક્યાંય સુધી લાવણ્યાનાં મનમાં નેહાની એજ વાતો ઘૂમરાઈ રહી અને લાવણ્યા કાંચમાં પોતાનાં પ્રતિબિંબને જોતી રહી. ધીરે-ધીરે તેણીની આંખોમાંથી પાણી વહેવાં લાગ્યું. તેનાં ધબકારાં વધી જતાં તેનાં ઉરજોની ગતિ વધી ગઈ.

----


“અરે...!? આ છોકરી ક્યાં જતી રઈ..!?” ડ્રામા સ્ટુડિયોનાં સ્ટેજની જોડે લાવણ્યા ઊભેલી નાં દેખાતાં અંકિતાએ એ તરફ જોઈને કહ્યું.

“વાત કરતાં-કરતાં બા’ર જતી રહી હશે...!” પ્રેમ પણ એ તરફ જોઈને બોલ્યો.

“હમ્મ....!” અંકિતાએ હુંકારો ભર્યો.

“હું....! થોડો ફ્રેશ થઈને આવું....!” વિવાન હવે ઊભો થતાં બોલ્યો.

“હમ્મ...!” અંકિતાએ હુંકારો ભર્યો.

વિવાન હવે ડ્રામા સ્ટુડિયોનાં મુખ્ય દરવાજા તરફ જવાં લાગ્યો.

ત્રિશા વિવાનને દરવાજાની બહાર નીકળતો જોઈ રહી.

“અંકિતા...! તારે વૉશરૂમ નથી જવું...!?” વિવાન સ્ટુડિયોની બહાર નીકળતાંજ ત્રિશાએ અંકિતા સામે આંખો નચાવીને કહ્યું.

“ના....! કેમ….!?” અંકિતાએ ધડ દઈને કહી દીધું.

“ડોબી છે તું.....!” ત્રિશાએ ચિડાઈને મોઢું મચકોડીને કહ્યું.

“તો તું જા....! અને જોડે એને લેતીજા....!” હવે કામ્યાએ ત્રિશા સામે આંખો નચાવીને કીધું.

ત્રિશા એની વાતનો અર્થ પામી ગઈ અને તરતજ ઊભી થઈ ગઈ. અંકિતા અબુધ બનીને બેયને જોઈ રહી હતી.

“ચાલ એય....!” ત્રિશાએ અંકિતા સામે ચપટી વગાડીને કીધું “મારે ફ્રેશ થવું છે...!”

“શું નાટક છે આ બધુ....!?” અંકિતાએ ચિડાઈને પહેલાં ત્રિશા સામે અને પછી કામ્યા સામે જોયું જે મલકાઈ રહી હતી.

“ચાલ હવે....!” ત્રિશાએ નીચા નમીને અંકિતાનું બાવડું પકડીને તેને ઊભી કરવાં માંડી.

“શાંતિથી ઝપવા નઈદે તું નઈ....!” અંકિતા છેવટે ઊભી થઈ અને ત્રિશા જોડે જવાં લાગી.

-----


“અરે.....! આ કોણ રડે છે.....!?” જેંટ્સ રેસ્ટરૂમ તરફ જતાં વિવાન લેડિઝ રેસ્ટરૂમનાં બ્લોક જોડેથી પસાર થઈ રહ્યો હતો ત્યાંજ તેણે લેડિઝ રેસ્ટરૂમ તરફથી કોઈ છોકરીનાં રડવાનો અવાજ સાંભળ્યો.

“આતો....!” રડનાર એ છોકરીનાં એ અવાજને ઓળખતો હોઈ વિવાન મૂંઝાઈને વિચારી રહ્યો “અરે આ તો લાવણ્યાનો અવાજ છે....!”

વિવાન હવે ચોંકી ગયો અને તરતજ લેડિઝ રેસ્ટરૂમ તરફ જવાં લાગ્યો.

“અરે આ છોકરો લેડિઝ રેસ્ટરૂમ બાજુ કેમ વળી ગયો...!?” વિવાનની પાછળ થોડે દૂર કોરિડોરમાં આવી રહેલી ત્રિશા બોલી.

“શું ખબર…!?” અંકિતા અચરજભર્યા સ્વરમાં ખભાં ઉછાળીને બોલી “ચાલ જલદી....! જોઈએતો ખરાં....!”

બંને હવે ઉતાવળાં પગલે એ તરફ જવાં લાગ્યાં.

ઉતાવળાં પગલે વિવાન હવે લેડિઝ રેસ્ટરૂમનાં દરવાજામાંથી અંદર દાખલ થયો.

“અરે લાવણ્યા....!” વૉશબેસિનની દીવાલને અડીને નીચે બેઠેલી લાવણ્યાને જોઈને વિવાન હેબતાઈ ગયો. ડૂસકાં લેતી-લેતી લાવણ્યા રડી રહી હતી.

“શું થયું તને...!? કેમ રડે છે યાર....!?” વિવાન તરતજ લાવણ્યાની જોડે ઘૂંટણીયે બેસી ગયો “બાપરે તારો ચેહરો તો....!?”

ચિંતાતુર સ્વરમાં વિવાને લાવણ્યાનાં ચેહરા સામે જોયું જે રડી-રડીને આઈલાઇનરથી ખરડાઇ ગયો હતો.

“શાંત થા યાર....! શું થયું તને....!?” વિવાને લાવણ્યાનાં ખભે હાથ મૂક્યો.

“વ.....વિવાન.....! વ....વિવ...!” ડૂસકાં લેતી-લેતી લાવણ્યાએ બોલવાંનો પ્રયત્ન કર્યો.

“હાં....હાં.....! તું શાંતથા પે’લ્લાં.....!” વિવાન હવે લાવણ્યાનાં ચેહરા પરનાં આંસુઓને લૂંછતો-લૂંછતો તેણીને શાંત કરાવાંનો પ્રયત્ન કરવાં લાગ્યો.

“અરે તું લેડિઝ રેસ્ટરૂમમાં શું ક....!” અંકિતાએ અંદર દાખલ થતાંજ વિવાનને જોઈને કહ્યું. વિવાનને નીચે લાવણ્યા જોડે બેસેલો જોઈ તે ચોંકીને અટકી ગઈ. પાછળ ત્રિશા પણ હતી.

“અરે લાવણ્યા...! શું થયું તને....!?” અંકિતા પણ ચિંતાતુર ચેહરે નીચે બેસી ગઈ.

“અંકિતાં....અંકિતા....! હું...! એનાં લાયક નઈ....! હું...હું..એનાં લાયક નઈ...!?” ડૂસકાં લેતી-લેતી લાવણ્યા હવે બબડાટ કરવાં લાગી.

“શું બોલે છે તું....!? અચાનક શું થઈ ગયું તને...!? કેમ રડે આટલું બધુ....!?” અંકિતાએ લાવણ્યાને શાંત કરાવાં તેનાં માથે હાથ મૂક્યો “ત્રિશા....!” અંકિતાએ તેની જોડેજ નીચે બેસેલી ત્રિશા સામે જોયું “જા....! જલદી કેન્ટીનમાંથી એક પાણીની બોટલ લઈ આવ....!?”

“હાં....!” ત્રિશા બોલી અને ઊભી થઈને વૉશરૂમની બહાર દોડી ગઈ.

“લાવણ્યા....!? આમજો મારી સામે....!?” અંકિતાએ તેણીનું મોઢું તેનાં બંને હાથમાં પકડીને તેની તરફ ફેરવ્યું “શું થયું....!? હમ્મ...!? કેમ રોવે છે....!? કે’ મને...!”

“હું.....હું...સ....સિદ્ધાર્થનાં લાયક નથી....!” લાવણ્યા રડતાં-રડતાં બોલવાં લાગી “એનાં ઘરમાં હું....હું....સૂટ નાં થાઉં.....!”

“લાવણ્યા શું બોલે છે તું આ બધુ....!?” અંકિતાએ ચિંતાતુર સ્વરમાં પૂછ્યું.

જોડે બેઠેલો વિવાન પણ એવાંજ ચેહરે તેણીની સામે જોઈ રહ્યો.

“ત.....તને ખ...ખબર છે....!? એ...એનાં ઘ...ઘરનાં ડસ્ટબીન પ...પણ મ્મ...મારાં કરતાં વધારે સાફ છે....!”

“હાય...હાય....! શું બોલે છે તું આ બધુ....!?” અંકિતાએ હેબતાઈને પોતાનાં મોઢાંને ઢાંકી લીધું “કોણે કીધું તને આ બધુ....!?”

“લાવણ્યા....!” વિવાન પણ હવે હતપ્રભ થઈને તેણી સામે જોઈ રહ્યો “શું બોલે છે યાર...! આ બધુ....!”

“હું....હું....સાચું કઉ છું...!?” બબડાટે ચઢેલી લાવણ્યા હવે બંને સામે વારાફરતી જોઈને ભારપૂર્વક બોલી “હું...હું....ક.....કેટલાં છ.....છોકરાં જોડે......!

“લાવણ્યા પ્લીઝ શાંતથા....! આવું બધુ કેમ બોલે છે તું....!?” અંકિતાએ ભીનાં સ્વરમાં કહ્યું.

“હું....હું....કીચડ છું....!” લાવણ્યા બોલી.

વિવાન ફાટી આંખે તેણી સામે જોઈ રહ્યો. અંકિતાએ ફરીવાર પોતનું મ્હોં દબાવ્યું.

“હાય બાપરે ....આ બાધું શું બોલે છે....!?” અંકિતાની આંખ ભીંજાઇ ગઈ અને તેણીએ લાવણ્યાનું માથું પકડીને તેની છાતીમાં દબાવી દીધું “બંધથા યાર....!”

“કીચડ છું....!” લાવણ્યા ફરી રડી પડી અને ડૂસકાં લેવાં માંડી “મ્મ....મેં સિદ્ધાર્થનું કેરેક્ટર અભડાવ્યું છે....! મ...મને હાથ લગાડીને ....એનાં ...એનાં હાથ ગંદા થયાં છે...!”

“બસ કર લાવણ્યા....! કેમ આવું બધુ બ.બોલે છે....!” અંકિતા પણ હવે રડી પડી.

“અ....અંકિતા....! મેં....મેં....એ છોકરાંને અભડાઈ દીધો....! અભડાઈ દીધો એ....એને...!” લાવણ્યા હવે વધુ બબડાટ કરવાં લાગી “હું...હું....તો એની...એની ર....રખેલ પણ બનવાં લાયક નથી....!”

“બાપરે ….!?” અંકિતાને હવે આઘાત લાગી ગયો “બંધથા...! આ બધુ કોણે કીધું તને...!?”

“રખેલ...રખેલ પણ બનવાં લાયક નથી....!” લાવણ્યા તોપણ બબડાટ કરતી રહી.

“વિવાન....!” અંકિતા હવે રડી પડી “આને સમજાયને....! જોતો આ શું બોલે છે....!?”

લાવણ્યા હવે તેનું મોઢું તેનાં હાથમાં દબાવીને રડી રહી હતી.

“લાવણ્યા ....!” ઈમોશનલ થઈ ગયેલાં વિવાને માંડ પોતાની ઉપર કંટ્રોલ કર્યો અને તેનો સ્વર સખત કરીને હવે લાવણ્યનો ચેહરો પોતાનાં બંને હાથમાં પ્રેમથી પકડ્યો “આમજો મારી સામે...! જો...!”

ડૂસકાં લઈને રડી રહેલી લાવણ્યાએ વિવાનની સામે જોયું.

“સિદ્ધાર્થને તારાં પાસ્ટ વિષે બધું ખબર છેને...!? બોલ...!?” વિવાને લાવણ્યાની આંખોમાં આંખો નાંખીને પૂછ્યું “એને બધું ખબર છેને....!?”

અંકિતાની આંખમાંથી હવે પાણી વહી રહ્યું હતું.

“હાં...હાં....! મ...મેં...મેં...એને બધુંજ કીધું’તું....!” લાવણ્યા વિવાન તરફ નાનાં બાળકની જેમ હકારમાં ડોકું ધૂણાવીને બોલી “અ.....એને બ.....બ....બધું ખબર છે....! મેં બધું કીધું’તું…! સાચે...! બધું સાચું ક....કઈ દીધું’તું...!”

“અને છતાંય એણે તને એકસેપ્ટ કરી લીધીને....!?” વિવાને એજરીતે લાવણ્યાની આંખોમાં જોઈને મૃદુ સ્વરમાં કહ્યું.

લાવણ્યાને સમજાવી રહેલાં વિવાનની સામે અંકિતા ભીની આંખે જોઈ રહી.

“બોલ....! એણે કોઈ દિવસ તારાં પાસ્ટ સામે કે પછી પાસ્ટનાં કોઈપણ અફેયર સામે વાંધો લીધો....!?” વિવાને ફરીવાર પ્રેમથી પૂછ્યું “એણે તારાં કેરેકટર સામે કોઈ દિવસ આંગળી ચીંધી....!? કે પછી એ વિષે કોઈ ઓબ્જેક્શન લીધું....!? હમ્મ....! બોલ...!?”

“ન....નાં.....!” લાવણ્યા વિવાન સામે શૂન્યમનસ્ક જોઈ રહીને બોલી. તેનાં ડૂસકાં હવે શાંત થવાં લાગ્યાં “એ તો એટલો ઈનોસન્ટ છે....! કે કોઈ દિવસ મને એવું કઈં નઈ કે’તો...! એણે કદીપણ મારાં પાસ્ટ સામે કોઈ વાંધો નઈ લીધો....! કદી કશું નઈ કીધું.....! એણેતો....એણેતો મને કશું પૂછ્યું પણ ન’તું....! મેં જ સામેથી એને મારો પાસ્ટ કઈ દીધોતો....! અને...એણે...!” લાવણ્યાની આંખ સામે હવે સિદ્ધાર્થનો ઈનોસન્ટ ચેહરો તરવરી ઉઠ્યો “એણે તો હું જેવીછું એવીજ એકસેપ્ટ કરી લીધી....!”

“બસતો પછી....!” વિવાને હળવું સ્મિત કર્યું અને લાવણ્યાનાં બંને ગાલ પ્રેમથી લૂંછયા “જો એણે તને એકસેપ્ટ કરી લીધી છે....! તો પછી બીજા કોઈને કોઈજ હક નથી તારાં કેરેક્ટર સામે આંગળી ચીંધવાનો....!હમ્મ...!”

લાવણ્યાએ હળવું સ્મિત કર્યું અને વિવાન સામે ભીની આંખે જોઈ રહી.

“તારાં કેરેક્ટર સામે કે પછી તારાં પાસ્ટ સામે....!” વિવાને લાવણ્યનાં વાળની લટો સરખી કરીને કહ્યું “જો કોઈને પણ વાંધો લેવાનો હક હોય....! તો એ હક ફક્ત સિદ્ધાર્થનેજ છે....! કેમકે એને તારી જોડે રે’વાનું છે....! એકસેપ્ટ એને તને કરવાની છે....! અને એ એકસેપ્ટ કરી ચૂક્યો છે....! તું જેવી છે એવીજ....! તો પછી હવે ચિંતા છોડ....! અને આ નવરાત્રિની એક એક ક્ષણ કોઈપણ જાતનાં ખચકાટ વિના કે ડર વિના....! એની જોડે જીવીલે.....! માણીલે….! હમ્મ...!”

લાવણ્યા હવે પ્રેમથી વિવાન સામે જોઈ રહી. લાવણ્યાને જોઈને અંકિતાએ તેની આંખો લૂંછવાં માંડી.

“અને આટલી રોમેન્ટીક નજરે મારી સામે નાં જોઈ રહીશ....!” વિવાને હવે તરતજ તેનો સ્વર બદલ્યો અને તેનું કાતિલ સ્મિત રેલાવીને ટીખળભર્યા સ્વરમાં બોલ્યો “નઈતો હું અંકિતાને લાઇન મારવાનું છોડીને તને લાઇન મારવાનું ચાલુ કરી દઇશ...!”

“what…..!” અંકિતાએ ચોંકીને પેહલાં લાવણ્યા સામે પછી વિવાન સામે જોયું “તું મને લાઇન મારતો’તો....!?”

“અરે....એટ્લે એવું નઈ....!” વિવાનની જીભ થોથવાઈ ગઈ “લાઇન મારોતો’તો...એટ્લે....!અ....! લાવણ્યા....!” વિવાને હવે લાવણ્યા સામે જોયું “અરે કે’ને આને….!’

“અરે એમાં એ શું કે’વાની...!?” અંકિતાએ હવે અકળાઈને કીધું “આમ મારી સામે જોઈને બોલ....! મને લાઇન મારવાની હિમ્મત કેમની થઈ તારી...!?”

“હિમ્મત....!?” વિવાન સહેજ ગભરાયો હોય એમ બોલ્યો “લાવણ્યા આતો જો....! કેવું બોલે છે....!?”

“કેવું બોલેછે એટ્લે...!?” અંકિતાએ હવે વિવાનને હળવેથી ધક્કો માર્યો. ઘૂંટણવાળીને નીચે બેઠેલાં વિવાનનું બેલેન્સ જતાં તે રેસ્ટરૂમની ફર્શ ઉપર સાવ નીચે બેસી ગયો.

“અરે આ તો જો...! કેવી ડેંન્જર છે...!” વિવાને લાવણ્યા સામે જોઈને કહ્યું.

“ડેંન્જર કે’છે મને પાછો....!” અંકિતાએ હવે વિવાનના પગે જોરથી પંચ કર્યો.

“અરે યાર તું તો છોકરી છે કઈં....!” વિવાન બોલ્યો.

“અરે બસ કરો બેય જણાં....!” બેયની “ફાઇટ”માં વચ્ચે પડતાં લાવણ્યા બોલી. તેણે અંકિતાનો હાથ પકડી લીધો “શું નાનાં બાળકોની જેમ ઝઘડો છો....!”

“કોણ ઝઘડે છે...!?” રેસ્ટરૂમના દરવાજા બાજુથી અવાજ આવ્યો. બધાંએ એ તરફ જોયું. એ કામ્યા હતી. પાછળ , રોનક અને પ્રેમ પણ હતાં.

“લાવણ્યા....!?” કામ્યા હવે લાવણ્યાની નજીક આવી ગઈ અને નીચે બેસતાં બોલી “શું થયું...!? કેમ આમ નીચે બેસી છે....!? તું રડતી’તી....!?”

“હાં....!” પાછળ ઊભેલી ત્રિશા બોલી.

“તને પાણીની બોટલ લેવાં મોકલી’તીને....! તું બધાંને લઈ આવી...!?” અંકિતાએ ઘુરકીને ત્રિશાની સામે જોયું.

“અરે પણ.....!”

“અંકિતા....! તું કેમ આમ બધાંને કરડવાં દોડે છે...!?” લાવણ્યાએ હવે અંકિતાના ખભે ટપલી મારી.

“નાનપણમાં કૂતરું કઈડી ગ્યું હશે....!” વિવાન અંકિતાની ઉડાવતાં બોલ્યો.

“હી...હી...હી....!” લાવણ્યાથી ખડખડાટ હસી પડાયું.

“તું...!” લાવણ્યાને હસતાં જોઈને અંકિતા અટકી ગઈ. તેને ભાન થયું કે વિવાને બહું સરળતાથી લાવણ્યાનું ધ્યાન ડાઈવર્ટ કરી દીધું હતું.

“હવે બોલ્યો છેને....! તો તને કઈડી જઈશ...!” અંકિતા નકલી ગુસ્સો કરતી હોય એમ વિવાન સામે હાથ કરીને બોલી.

“અરે બસ હવે....!” લાવણ્યાએ હવે ફરીવાર તેનો હાથ પકડી લીધો “બંધ કર...!”

“અરે પણ તું આમ કેમ બેઠી’તી....!?” સામે બેઠેલી કામ્યાએ મુંઝાયેલાં ચેહરે પૂછ્યું “શું ચાલેછે આ બધું.....!?”

“અરે કઈં નઈ....!” લાવણ્યા બોલી “બધું પતી ગયું હવે....! અને વિવાન....! તું લેડિઝ ટોઇલેટમાં શું કરે છે...!?”

“અરે....!?”

“અને પ્રેમ...! રોનક...!” વિવાન આગળ બોલે એ પહેલાંજ લાવણ્યાએ સામે ઉભેલાં પ્રેમ અને રોનકની સામે જોયું “તમને લોકોને પણ શરમ નથી આવતી....!? ચાલો નીકળો બા’ર”

લાવણ્યા હવે ઊભી થઈ ગઈ. વિવાન, કામ્યા અને અંકિતા પણ જોડે ઊભાં થઈ ગયાં.

“અરે પણ અમને તો ત્રિશા લઈ આવી....!” મૂંઝાયેલો પ્રેમ અને રોનક હવે લેડિઝ રેસ્ટરૂમની બહાર નીકળવાં લાગ્યાં.

“તને અલગથી કે’વાનું છે....!?” લાવણ્યાની જોડે હજીપણ ઉભેલાં વિવાનને અંકિતાએ ખખડાવતી હોય એમ કહ્યું “જાય છે કે પછી ટોઇલેટમાં પૂરી દઉં....!?”

“બે યાર આ છોકરી તો જો...!” વિવાને ફરીવાર લાવણ્યા અને કામ્યા સામે જોયું. બંને હવે મલકાઈ રહી હતી.

“શું ખાધું તું તારી મમ્મીએ....!?” વિવાને ટોંન્ટ માર્યો અને ત્યાંથી બહાર નીકળવાં લાગ્યો.

“લસણિયું મરચું....!” જઈ રહેલાં વિવાનને ઉદ્દેશીને અંકિતાએ ટોંન્ટમાં જવાબ આપતાં કહ્યું.

“એટ્લેજ આવી છું તું....!” જતાં-જતાં વિવાને મોઢું પાછું ફેરવીને કઈ દીધું અને રેસ્ટરૂમમાંથી બહાર નીકળી ગયો.

“બાપરે....! તું તો જબરી છે હોં....!” લાવણ્યાએ મોઢું બનાવતાં અંકિતા સામે જોઈને કહ્યું.

“તો શું...!? બિચારાંની પાછળજ પડી જાય છે....!” જોડે ઊભેલી ત્રિશા બોલી.

“હવે મને કે’ શું થયું’તું....!?” કામ્યાએ છેવટે લાવણ્યા સામે જોઈને પૂછ્યું.

“હાં....! મને પણ કે’….!” અંકિતા બોલી “આ બધી બકવાસ તને કોણે કહી....!?”

“શેની બકવાસ...!?” કામ્યાએ પૂછ્યું.

લાવણ્યાએ એક ઊંડો શ્વાસ ભર્યો ધિમાં સ્વરમાં બધી વાત કરવાં માંડી.

----


“બસ...બસ....!” કામ્યાએ તેનું મોઢું હાથ વડે ઢાંકીને કહ્યું “મ....મારે હવે આગળ નઈ સાંભળવું...!”

કામ્યાની આંખ ભીંજાઇ ગઈ. ત્રિશા, અંકિતા અને લાવણ્યાની આંખ પણ હવે ફરી ભીંજાઇ ગઈ.

“ત....તને પણ એવુંજ લાગે છે કે ....કે...હું કી...કીચડ છું....!? સિડના લાયક નથી....!?” લાવણ્યાએ કામ્યાનો હાથ પકડીને ઇમોશનલ સ્વરમાં પૂછ્યું.

“ના....! તારાં જેટલો પ્રેમ એને કોઈએ નઈ કર્યો હોય...!” કામ્યા ભીંજાયેલાં સ્વરમાં બોલી.

“હાસ્તો....!” હવે ત્રિશા તેની ભીંજાયેલી આંખનાં ખૂણા લૂંછતી બોલી “જો તું એનાં લાયક નથી...! તો ઓલી ચાંપલી તો એનાં બિલકુલ લાયક નથી....!”

“એણે એની લિમિટ ક્રોસ કરી દીધી આજે...!” કામ્યા અંકિતાની પાછળ મિરરમાં તાકી રહીને બોલી “નેહાએ જે કર્યું ….! એનાં વિષે સિદ્ધાર્થને કઈએ...!”

એટલું કહીને કામ્યાએ તેનાં જીન્સનાં પોકેટમાંથી તેનો મોબાઇલ કાઢવાં માંડ્યો.

“નાં....નાં....!” લાવણ્યાએ તેનાં હાથમાંથી મોબાઇલ લઈ લીધો “સિડને નઈ....! એને નઈ કેવું....! કશું નઈ...!”

“પણ કેમ....! લાવણ્યા...!” અંકિતા બોલી “નેહા બઉ વધુ પડતું બોલી ગઈ....! આવી ઇન્સલ્ટ થોડી ચાલે...!”

“ચ..ચાલે....! કોઈ વાંધો નઈ....!” લાવણ્યા બોલી.

“લાવણ્યા....!?” કામ્યાએ નવાઈપૂર્વક તેની સામે જોયું.

“તમે લોકો સમજતાં કેમ નથી...!?” લાવણ્યા આજીજીભર્યા સ્વરમાં બોલી “સ...સિડ...! એ ટેન્શનમાં આવી જશે....! એ ઓલરેડી કેટલી બધી પ્રોબ્લેમ્સથી ઘેરાયેલો હોયછે....! નાં...નાં...! મારે કઈં કેવું નથી એને....! અને તમારે પણ કઈં નઈ કેવાનું....!”

“પણ...!”

“મેં કીધુંને….! મારાં સમ....!” કામ્યા બોલવા જતી હતી ત્યાંજ લાવણ્યા વચ્ચે બોલી.

“હવે ચાલો....! છોકરાવો આપડી રાહ જોતાં હશે....!” લાવણ્યા બોલી અને રેસ્ટરૂમની બહાર નીકળી ગઈ.

કામ્યા અને અંકિતા એકબીજાંની સામે જોઈ રહ્યાં. થોડીવાર ઊભાં રહ્યાં પછી ત્રિશા રેસ્ટરૂમની બહાર જતી રહી.

“તને શું લાગે છે....!?” અંકિતાએ કામ્યા સામે જોઈને પૂછ્યું.

“એણે સમ આપ્યાં છે....!” કામ્યા બોલી.

“આજનો દિવસ જવા દઈએ....!” અંકિતા બોલી “કાલે સવારે વિચારીશું....!”

“હમ્મ...!” કામ્યા ફરીવાર મિરર સામે તાકી રહી.

કેટલીક ક્ષણો પછી બંને છેવટે રેસ્ટરૂમમાંથી નીકળી ગયાં.

---


ગ્રૂપનાં બધાં ફ્રેન્ડ્સ વિવાન સહિત હવે કેન્ટીન તરફ ચ્હા-નાસ્તો કરવાં જઈ રહ્યાં હતાં. બધાં કેન્ટીન તરફ જઈ રહેલાં કોરિડોરમાં ચાલી રહ્યાં હતાં.

જતાં-જતાં વિવાન સહિત બધાં અંકિતાની “ખેંચી” રહ્યાં હતાં. અંકિતા ચિડાઈને હવે થોડાં ઉતાવળાં પગલે બધાંથી સહેજ આગળ ચાલવાં લાગી હતી.

“આપણે એને બઉ તો નથી ચિડાઈને.....!?” વિવાને તેની જોડે ચાલી રહેલી લાવણ્યાને પૂછ્યું.

“ના...રે...!” લાવણ્યાએ સ્મિત કરીને આગળ કામ્યા અને ત્રિશાની જોડે ચાલી રહેલી અંકિતાની પીઠ તરફ જોઈને કહ્યું “અંકિતા બહુ સુલઝેલી છોકરી છે....! અને ઈમોશનલ પણ...! એને ખબર છે આપડે એની જોડે મસ્તી કરીએ છે...! એ પોતે બસ આ ટાઈમને એન્જોય કરી રહી છે...!”

“હમ્મ......!” વિવાને હકારો ભર્યો અને આગળ ચાલી રહેલી અંકિતાને જોઈ રહયો.

બધાં હવે કેન્ટીનમાં પ્રવેશવાં લાગ્યાં.

“અરે....! આટલી બધી ભીડ....!?” કેન્ટીનમાં પ્રવેશતાંજ વિવાન આજુબાજુ જોઈને બોલ્યો.

કેન્ટીન આખી કોલેજ સ્ટુડન્ટ્સથી ચિક્કાર ભરાઈ ગઈ હતી.

“તું નવો લાગે છે....!” અંકિતા હવે તેની જોડે ઊભી હતી “અહીંયાતો રોજે આવીજ ભીડ હોય છે...!!”

“તું પે’લ્લેથીજ આવી રૂડ છું...!? કે પછી તે કોઈ કોર્સ કર્યો છે....!?” વિવાને ટોંટ મારતાં કહ્યું.

હસવાંનું માંડ દબાવી રહેલી અંકિતાએ છેવટે હસીને આડું જોઈ લીધું.

“ઈશારો...ઈશારો...મેં દિલ લેનેવાલે....!” લાવણ્યાએ અંકિતાને તેનો ખભો અથડાવ્યો અને તેને ચિડાવતી હોય એમ ગીત ગાતી-ગાતી આગળ ચાલી “બતાં યે હુનર તુને સીખાં કહાંસે....!”

“હવે બહુ થયું હોં....!” અંકિતા ઉતાવળાં પગલે લાવણ્યા પાછળ ભાગી. જતાં-જતાં તેણે એક નજર વિવાન સામે નાંખીને સ્મિત કર્યું.

વિવાનને અચરજ થયું અને તેણે પણ પ્રતીભાવમાં સ્મિત કર્યું.

એક ખાલી ટેબલ જોઈને બધાં ચેયર ખેંચી ટોળુંવળીને બેસી ગયાં.

“બોલો શું મંગાવું છે....!?” અંકિતા અને લાવણ્યાની વચ્ચે ચેયરમાં બેસતાં વિવાન બોલ્યો.

“કેમ....!? તું પાર્ટી આપે છે....!?” અંકિતાએ ટોંન્ટ મારીને કહ્યું.

“એમાં પાર્ટી શું....!?” વિવાન બોલ્યો.

“અરે ફરી શરૂ ના કરતાં બેય જણાં....!” સામે બેઠેલો રોનક બોલ્યો.

“હાં...! એક ચાંપલી ઓછી નથી આપડાં ગ્રૂપમાં....!” કામ્યાએ લાવણ્યાની સામે સૂચક નજરે જોઈને કહ્યું.

“નેહા રાઇટ....!?” વિવાને તેની આંખ ઝીણી કરીને પહેલાં લાવણ્યા અને પછી બીજાં બધાં સામે જોઈને કહ્યું.

“નામજ ના લઇશ એ ચાંપલીનું.....!” અંકિતા આકળાઈને બોલી.

“સોરી....!” વિવાન ધીમેથી બોલ્યો.

“ટ્રિંગ.....! ટ્રિંગ.....! ટ્રિંગ.....!” એટલાંમાં લાવણ્યાના ફોનની રિંગ વાગી.

લાવણ્યાએ ખુરશીમાં સહેજ સીધાં થઈને ટેબલ ઉપર મૂકેલાં તેનાં ફોનની સ્ક્રીનમાં દેખાતો નંબર જોયો.

“સિડ.....!” લાવણ્યા સહેજ મોટેથી બોલી અને તેનો ફોન ઉઠાવીને બધાંની સામે જોઈ રહી.

“અરે ફોન ઉપાડ કટ થઈ જશે.....!” કામ્યા બોલી.

“હેલ્લો....! હાં....! બોલને....જ....!” લાવણ્યા સિડને તેનાં પેટ નેમથી બોલાવવાંજ જતી હતી ત્યાંજ અટકીને ફરીવાર તેણે જોયું કે અંકિતા સહિત બધાં તેની સામે જોઈ રહ્યાં હતાં.

“શું થયું કેમ અટકી ગઈ...!?” સામેથી સિદ્ધાર્થે પૂછ્યું.

“નઈ...! બસ....! તું બોલને...!” લાવણ્યા સહેજ ધિમાં સ્વરમાં બોલી.

“હું કોલેજનાં ગેટ આગળ ઊભો છું....!” સિદ્ધાર્થ બોલ્યો “આવ જલદી....!”

“હેં સાચે....!?” લાવણ્યા ખુશ થઈ ગઈ અને ચેયરમાંથી સફાળી ઊભી થઈ નીચાંવળીને ટેબલ નીચેથી તેની બેગ લેવાં લાગી.

“અમ્મ...! સિડ છે....!” બેગ લઈને કેન્ટીનની બહાર જતાં-જતાં લાવણ્યાએ પાછાંવળીને અંકિતા સામે જોઈને બાળક જેવુ મોઢું બનાવીને પૂછ્યું “એ બા’ર ઊભો છે....! ગેટ પાસે....! જ...જઉં...!?”

“અરે કેમ....!? એ અંદર નઈ આવતો...!?” રોનકે પૂછ્યું.

“નાં....! મારે બા’ર જવું છે એની જોડે....!” લાવણ્યા બોલી “મ...મોડું થાય છે...! જઉં...!?”

“હાં....હાં...! તું જલદી જા.....!” અંકિતા સ્મિત કરીને બોલી.

લાવણ્યા પાછી ફારી અને ઉતાવળાં પગેલ કેન્ટીનની બહાર નીકળી ગઈ.

“હું આવી ગઈ હોં....!” લાવણ્યાએ સિદ્ધાર્થને ફોન ઉપર કહ્યું.

કોરિડોરમાં ઉતાવળાં પગલે ચાલતી-ચાલતી લાવણ્યા હવે કોલેજનાં બિલ્ડિંગની બહાર મેઇન ગેટ તરફ જતાં પેવમેંન્ટ ટ્રેક ઉપર આવી ગઈ.

કોલેજનાં મેઇન ગેટની બહાર તેણે સિદ્ધાર્થને તેનાં રોયલ એનફિલ્ડ જોડે ઉભેલો જોયો.

“સિડ....!” ઓલમોસ્ટ ગેટની બહાર પહોંચી ગયેલી લાવણ્યા સહેજ ઉતાવળાં સ્વરમાં બોલી.

સિદ્ધાર્થ તેની સામેજ જોઈ રહ્યો હતો. લાવણ્યા તરતજ કૂદીને તેને વળગી પડી.

“અરે....!?” સિદ્ધાર્થે લાવણ્યાને ઝીલી લઈને તેને આલિંગનમાં જકડતા કહ્યું “શું થયું....!?”

“કઈં નઈ....!ત... તને બઉ મિસ કર્યો....!” લાવણ્યા સિદ્ધાર્થની ચેસ્ટમાં તેનું માથું ભરાવીને બોલી “તું તો વે’લ્લાં વે’લ્લાં આવી ગ્યો....!” લાવણ્યાએ તેની સામે જોયું “હજીતો સાડાં ત્રણ થયાં છે....!?”

“તે ફોન ઉપર વાત અધૂરી મૂકીતો ....! તો મારું મનજ નાં લાગ્યું કશે....!” સિદ્ધાર્થ હવે લાવણ્યાની કમર ફરતે તેનાં હાથ ભેરવીને બોલ્યો.

“ઓહ બેબી....!સોરી....! મેં ત...તને ફાલતુમાં ટેન્શન આપી દીધી...!” લાવણ્યા ઢીલું મોઢું કરીને બોલી.

“બોલને શું વાત હતી....!?” સિદ્ધાર્થે પૂછ્યું.

“અરે...કોઈ ખાસ વાત ન’તી....!” લાવણ્યા તેનું માથું ધૂણાવીને બોલી “એતો બસ....! મારી મમ....!” લાવણ્યા ખચકાઈ “મ....મને એક ખરાબ સપનું આ’યુંતું....! એટ્લે મને ટેન્શન થઈ ગ્યું’તું બસ....!”

“સાચું....!?” સિદ્ધાર્થે આંખ ઝીણી કરીને પૂછ્યું

“હાં...હાં.... સાચું...!” લાવણ્યા નજર ચોરી કરતાં બોલી “તું જવાંદેને એ બધી વાત....! ચાલને જલદી...! તું વેલ્લો આયો છેતો ....! તો....આપડે ફટાફટ મારું કામ પતાવીને રિવરફ્રન્ટ જઈએ....! એટલો વધારે ટ...ટાઈમ સ્પેન્ડ કરવાં મલશે....!”

“સારું...! પણ ક્યાં જવું છે...!? એતો કે’….!?” બાઇકનાં લોકમાં ભરાવેલી ચાવી ઘુમાવીને સિદ્ધાર્થ બાઇક ઉપર બેઠો.

લાવણ્યા ઘોડો કરીને તેની પાછળ બેસી ગઈ.

“તને કીધું છેને....!” સિદ્ધાર્થે લાવણ્યાનાં બંને હાથ પકડીને પોતાની ચેસ્ટ ઉપર મૂક્યાં “તારે કાયમ મારી પાછળ આજરીતે બેસવાનું...!”

“હું બસ હાથ મૂકવાનીજ હતી....!” લાવણ્યાએ હવે તેની દાઢી સિદ્ધાર્થનાં ખભાં ઉપર ટેકવી અને સરકીને તેને ચીપકી ગઈ“ચાલ...! લૉ ગાર્ડન લઈલે...!”

“લૉ ગાર્ડન....!? કઈં લેવાનું રઈ ગ્યું કે શું....!?” બાઇકને ગિયરમાં નાંખીને સિદ્ધાર્થે બાઇક ચલાવી દીધું.

“હાં....!” લાવણ્યાએ સિદ્ધાર્થનાં કાને એક હળવી બાઇટ કરીને કહ્યું “કઇંક લેવાનું છે....!”

----


“શું લેવાનું છે એતો કે’...!?” સિદ્ધાર્થે તેનો હાથ ખેંચીને ચાલી આગળ ચાલી રહેલી લાવણ્યાને પૂછ્યું.

બંને ફરીવાર લૉ ગાર્ડન આવ્યાં હતાં. અગાઉની જેમજ બાઇક થોડે દૂર પાર્ક કરીને બંને ભીડભાડ ભર્યા નવરાત્રિના ચણિયાચોલી માર્કેટમાં ચાલી રહ્યાં હતાં. ભીડ વચ્ચેથી જગ્યાં કરતી લાવણ્યા સિદ્ધાર્થની સહેજ આગળ રહીને તેનો હાથ પકડીને તેને ખેંચતી હોય એમ ચાલી રહી હતી. છેલ્લી ઘડીની નવરાત્રિની ખરીદી માટે ભીડ એટલી જોરદાર જામી હતી કે સામેથી આવનાર કેટલીય છોકરીઓ-છોકરાંઓ તેમને કોઈવાર અથડાઇ-ઘસાઈ જતાં હતાં. આવીજ એક-બે છોકરીઓ સિદ્ધાર્થને અથડાઈ જતાં લાવણ્યા ચિડાઈ ગઈ હતી અને સિદ્ધાર્થને તેની પાછળ રાખીને તેનો હાથ ખેંચતી-ખેંચતી ચાલી રહી હતી.

“અરે પણ તું આ રીતે કેમ ચાલે છે....!?” લાવણ્યા જેરીતે તેનો હાથ પકડીને ચાલી રહી હતી તેથી હસીને સિદ્ધાર્થ બોલ્યો “મારી બોડીગાર્ડ હોય એમ....!”

“તો શું કરું....!?” લાવણ્યા અચાનક ઊભી રહી ગઈ અને સિદ્ધાર્થ તરફ પછી ફરીને અકળાઈને બોલી “જાણીજોઈને તને બધી ચાંપલીઓ અથડાઇને જાય છે તો....!?”

“અરે એવું કઈં નથી....!” સિદ્ધાર્થ તેને સમજાવતાં બોલ્યો “ભીડ કેટલી છે તું જોતો ખરી...!”

“કઈં ભીડ-બીડ નથી...!” સિદ્ધાર્થનાં મોઢાં ઉપર રમતિયાળ સ્મિત જોઈને લાવણ્યા વધુ ચિડાઈ “ઓલી બે ચાંપલીઓ રૂપાળી રોડની સાઇડે ચાલતી’તી.....! તને જોઈને એક જણીએ બીજીને કોણી મારીને ઈશારો કર્યો અને પછી....! અને પછી બેય ફૂટપાથ ઉપર આવીને તારી સામેજ ચાલી અને અજાણી બનીને સામેથી અથડાઇ...! મેં.....જોયું..! મને ખબર છે....!”

“અરે ..પણ તું કેમ આમ...!” સિદ્ધાર્થ બોલ્યો “તારે ક્યાં જરૂર છે એ બધી “ચાંપલીઓ”થી મારી ચિંતા કરવાની....!?”

“મારે તો તને એકજ “ચાંપલીથી” બચાવવો છે...!” લાવણ્યા સિદ્ધાર્થ સામે દયામણું મોઢું કરીને જોઈ રહી અને મનમાં નેહા વિષે વિચારી રહી.

“પાછું શું થયું....!? કેમ આમ ઢીલું મોઢું કરી દીધું....!?” સિદ્ધાર્થે લાવણ્યાનાં ગાલ ઉપર હાથ મૂકીને પૂછ્યું.

“એ જાણી જોઈને તને અથડાઇતી....!” લાવણ્યા એવુંજ મોઢું કરી ઢીલાં સ્વરમાં બોલી.

“અરે એવું નાં હોય....!”

“શું નાં હોય...!? એ બેય જણી તને કેવું જોતીતી મને ખબર છે....!” લાવણ્યા સહેજ ચિડાઈને બોલી.

“અરે એ રીતે છોકરાઓ જોવે.... છોકરીઓ નાં જોવે...!” સિદ્ધાર્થે દલીલ કરી.

“ એવું કોણે કીધું.....!?” લાવણ્યા હવે વધુ ચિડાઈ “તને ક્યાં ખબર છે....! તારાં જેવાં છોકરાઓને છોકરીઓ કેવીરીતે જોવે....!?”

“સારું.....! હવે શાંત થઈજ ચલ....!”

“કોઈ છોકરી તને એ રીતે જોવે....! એ મ....મને નઈ ગમતું...!” લાવણ્યાનો સ્વર હવે ઈમોશનલ થઈ ગયો.

“અરે...તું....કેમ....!”

“અને કોઈ તને છેડે....! તને એરીતે ટચ કરે એ બી મને નઈ ગમતું...!” લાવણ્યાની આંખ ભીંજાઇ ગઈ “કોઈ તને મારાંથી છીનવી લે તો....!?”

“અરે હું કોઈ નાનું બેબી છું...!” સિદ્ધાર્થ સહેજ આકળાયો “કે કોઈ મને ઉઠાવીને જતુંરે’....!?”

“બેબીજ છે તું....!” લાવણ્યાએ સિદ્ધાર્થનો ચેહરો પોતાનાં બંને હાથમાં પકડી લીધો “તને કઈં ખબર નઈ પડતી....!”

“ઓકે બાબા...! જવાદે હવે બસ....!” સિદ્ધાર્થે છેવટે હાર માની “હવે શું લેવાંનું છે એતો કે’ ....!”

“જો...જો....! કેવી વાત કાપી નાંખી...!” લાવણ્યા નારાજ સ્વરમાં બોલી.

“તો શું કરું...!? આ ભીડ તો જો....!” સિદ્ધાર્થે આમતેમ જોઈને કહ્યું “આવતાં-જતાં બધાં આપડને જોઈને જાય છે....!”

“તો કોઈ જોવે તો જોવે....! મારે તારી ઉપર હક પણ ના કરાય એમ....!?” લાવણ્યા નારાજ સૂરમાં બોલી.

“અરે તું ક્યાંથી ક્યાં વાત પોં’ચાડી દે છે...!? આપડે કઈંક લેવાં આયાંતાને અહિયાં....!?”

“બોલને ….! મારો કોઈ હક નઈને તારી ઉપર...!?” લાવણ્યાએ સિદ્ધાર્થની સામે જોઈ રહીને ભીની આંખે કાંપતા સ્વરમાં પૂછ્યું “નઈને...!?”

“લવ...! આપડે આ બધી વાતો રિવરફ્રન્ટ જઈને કરીએ તો નઈ ચાલે....!?” સિદ્ધાર્થે પ્રેમથી પૂછ્યું “આવતાં-જતાં બધાં આપડને જોવે છે...! મને એમ્બેરેસ ફીલ થાય છે....!”

સિદ્ધાર્થે આમતેમ નજર ફેરવીને દયામણી નજરે લાવણ્યાને કહ્યું. લાવણ્યા બે ઘડી તેની સામે જોઈ રહી. સિદ્ધાર્થના મોઢાં ઉપર તણાવ વધતો જોઈને લાવણ્યાનું મન કચવાયું.

“સારું....! ચાલ ફટાફટ....!” લાવણ્યા પાછી સિદ્ધાર્થનો હાથ પકડીને ખેંચવાં માંડી.

ચણિયાચોલી માર્કેટનાં એજ સ્ટૉલોમાં જોતાં-જોતાં લાવણ્યા સિદ્ધાર્થને તેની પાછળ ખેંચી રહી.

“અહિયાં....!” એક સ્ટૉલમાં છોકરાઓ માટે લગાવેલાં કુર્તાઓ જોઈને લાવણ્યા છેવટે સિદ્ધાર્થને અંદર ખેંચી ગઈ.

“અરે....!” સિદ્ધાર્થને નવાઈ લાગી.

“અંકલ...!” સ્ટૉલમાં અન્ય કસ્ટમરને કુર્તા બતાવી રહેલાં ભાઈને જોઈને લાવણ્યા બોલી “આમની સાઇઝમાં કુર્તો બતાવોને....!”

“હાં ...બેન...!”

“wait what….!?” સિદ્ધાર્થે હવે નવાઈથી આંખો મોટી કરીને પૂછ્યું “મારી સાઇઝ એટ્લે..!? મારાં માટે લેવાનો છે કુર્તો....!?”

“હાસ્તો વળી....!” લાવણ્યા બોલી અને સ્ટૉલની લોખંડની ફ્રેમ કરેલી દીવાલ ઉપર લાગેલાં કુર્તાઓ જોવાં લાગી “અંકલ...! બ્લેક કલરજ બતાવજો...! ઝરીવાળો...!”

“અરે પણ....! મારે કુર્તો શું કરવો છે....!?”

“શું કરવો છે એટ્લે....!? ટ્રેડિશનલ વગર ગરબા નઈ ગાવાં દેતાં....!” લાવણ્યા સહેજ નારાજ સૂરમાં બોલી.

“અરે પણ મને ક્યાં ગરબા આવડે છે...!?”

“એવું થોડી ચાલે....!? તે કીધું’તું કે તું...મારી જોડે ગરબા ગાઈશ....! નવરાત્રિ સેલિબ્રેટ કરીશ...!” લાવણ્યા હવે આજીજીભર્યા સ્વરમાં બોલી.

“હાં....! તો નવરાત્રિ તો સેલિબ્રેટ કરીશજને...! પણ મને ગરબા નઈ આવડતાં...! હું નઈ ગઉ....!”

“એવું થોડી ચાલે યાર...! તો...તો મારી જોડે ગરબા કોણ ગાશે...!? પ્રેમ....! રોનક બધાંને ગરબા આવડે છે....!” લાવણ્યા હવે નાનાં બાળકની જેમ જિદ્દે ચઢી.

“અરે પણ લવ....! મને તો બિલકુલ નથી આવડતાં....! અને હું ટ્રાય પણ કરુંતો....! હું ઊંચો આવો....! કેવો લાગીશ....!? બધાં હસસે મારી ઉપર....!”

“હું કઈં નાં જાણું....!” લાવણ્યા હવે માથું ધૂણાવવાં લાગી “તારે ગરબા ગાવાનાં એટ્લે ગાવાંનાં બસ....! અંકલ...!” લાવણ્યા હવે દુકાનવાળા ભાઈની સામે ફરી “તમે બતાવોને બ્લેકમાં....!”

----


“તું બઉ જિદ્દીલી છે હોં યાર.....!” સિદ્ધાર્થે તેનો હાથ પકડીને જોડે ચાલી રહેલી લાવણ્યાને કહ્યું.

સિદ્ધાર્થની ના છતાં પણ લાવણ્યાએ સિદ્ધાર્થ માટે કુર્તો ખરીદવાંની પોતની જિદ્દ પૂરી કરી હતી. લગભગ એક કલ્લાક જેટલું લૉ ગાર્ડનના માર્કેટમાં છ-સાત સ્ટૉલોમાં ફેરવ્યાં પછી લાવણ્યાએ છેવટે એક સ્ટૉલમાંથી બ્લેક કલરનો કુર્તો ગમાડયો હતો.

“પાંત્રીસો રૂપિયાનો તો કઈં કુર્તો હોતો હશે યાર....!” સિદ્ધાર્થ ફરી સહેજ ચિડાયેલાં સ્વરમાં બોલ્યો.

“હોય તોજ લોકો વેચતાં હોયને....!” લાવણ્યા તેની સામે જોયાં વગર બોલી.

“અને આખો કલ્લાક કરી નાંખ્યો.....!” સિદ્ધાર્થ હવે વધુ ચિડાયેલાં સ્વરમાં બોલ્યો.

બંને હવે ચાલીને સિદ્ધાર્થે પાર્ક કરેલાં તેનાં રોયલ એનફિલ્ડ પાસે આવીને ઊભાં રહ્યાં. આગલાં દિવસની જેમજ નવરાત્રિની ભીડને લીધે સિદ્ધાર્થે તેનું બાઇક ચણિયાચોલી માર્કેટથી થોડું દૂર પાર્ક કર્યું હતું.

“પાંચ વાગી ગ્યાં....!” સિદ્ધાર્થ તેનાં મોબાઇલની સ્ક્રીનમાં ટાઈમ બતાવતાં બોલ્યો “મારે તારી જોડે રિવરફ્રન્ટ જવું’તું.....!”

“હાં તો...મારે પણ જવુંજ છેને...! હું ક્યાં ના પાડું છું....! ચાલને....!”

“શું ચાલને....!?” સિદ્ધાર્થ મોઢું બગાડીને બોલ્યો “પંદર મિનિટ જવાની ને પંદર મિનિટ આવવાંની....! સાડાં પાંચ તો એમજ થઈ જશે....! તો શું અડધો કલ્લાક માટેજ જોડે રેવાનું...!?”

“Aww માલું બેબી.....!” લાવણ્યા વ્હાલથી સિદ્ધાર્થના ગાલ ઉપર હાથ મૂકીને બોલી “શું કામ આવો ગુસ્સો કરે છે....! હું છુંતો ખરાં તારી જોડે....! અડધો કલ્લાક શું કરવાં...!? તું કે’ ત્યાંસુધી રોકાઈશું....!”

“એકતો તું મને આરીતે “બેબી-બેબી” કે’વાનું બંધકર....!” લાવણ્યાનો હાથ પોતાનાં ગાલ ઉપરથી હટાવીને સિદ્ધાર્થ એવાજ ચિડાયેલાં સ્વરમાં બોલ્યો “એય પાછી તું આ રીતે કાલી ભાષાંમાં બોલે છે....! મને નઈ ગમતું....!”

“હું તો કેવાનીજ...! તું કેવો નાનાં બેબીની જેમજ ગુસ્સો કરે છે જોને...!” લાવણ્યાએ સિદ્ધાર્થનો ગાલ ખેંચ્યો.

“લાવણ્યા અ....!” સિદ્ધાર્થ હવે વીલું મોઢું કરીને તેની સામે જોઈ રહ્યો “મારે ખરેખર તારી જોડે વધારે ટાઇમ સ્પેન્ડ કરવો’તો યાર....!”

“તો....તો...! તું આમ અપસેટ કેમ થઈ જાય છે જાન....!” લાવણ્યા હવે ફરી સિદ્ધાર્થના ગાલ ઉપર હાથ મૂકીને બોલી “મેં કીધું તો ખરાં....! મારે પણ તારી જોડે ટાઈમ સ્પેન્ડ કરવો છે....! આપડે મોડાં સુધી રોકાઈશું...!”

“શું મોડાં સુધી રોકાઈશુ....!?” સિદ્ધાર્થ ફરી સહેજ ચિડાયો “છ વાગે તો તારે અહિયાં પાર્લરમાંજ પાછું તૈયાર થવાં આવવાંનું છે....! પાંચ તો વાગી ગ્યાં...!”

“નઈ આવું છ વાગે મારે...! હું સાત વાગ્યા સુધી રોકાઇશ બસ....!” લાવણ્યા બોલી “એમ પણ...! મારે ક્યાં સ્કીન વ્હાઇટનિંગની જરૂર છે....!? હું તો “મા...ખણ” જેવી નથી....!હમ્મ..!?”

લાવણ્યા જેરીતે તેની આઇબ્રો નચાવી લહેકો લઈને બોલી સિદ્ધાર્થથી પરાણે હસાઈ ગયું.

“ઓહો....! કેટલો ક્યૂટ લાગે છે....! હસને...હસ....!” લાવણ્યાએ ફરીવાર સિદ્ધાર્થના ગાલ ખેંચવાં માંડ્યાં.

“સ...અરે....ધીરે પણ....! આટલું જોરથી કોઈ ખેંચે....!” સિદ્ધાર્થે પરાણે લાવણ્યાનો હાથ છોડાવ્યો.

“ચાલ....! હવે જલદી....!” લાવણ્યાએ કુર્તાની બેગ એનફિલ્ડના હૂકમાં ભરાવી.

“હૂકમાં ના ભરાવીશ....!” સિદ્ધાર્થે કુર્તાની બેગ લીધી અને તેને વચ્ચેથી ફોલ્ડ કરી દઈને એનફિલ્ડ બાઇકની એક બાજુએ લાગેલી લેધરની ચોરસ મજબૂત બેગમાં મૂકી દીધી.

“જોડે લઈને ફરવું ના પડેને....!” બેગને લોક મારતો સિદ્ધાર્થ બોલ્યો.

બેગને લોક પણ આપેલું હતું જેની ચાવી બાઇકની ચાવીની ભેગીજ હતી. લોક મારી સિદ્ધાર્થે ચાવી સ્ટિયરિંગ લોકમાં ભરાવી લોક ખોલ્યું અને બાઇક ઉપર બેસી સેલ માર્યો. લાવણ્યા ઘોડો કરીને તેને ચીપકીને બેસી ગઈ.

“સીધુંજ લઈલે....! નળવાળાં સર્કલથી...! ગુજરાત કોલેજનો ઓવર બ્રિજછેને એની નીચેથી સીધું એલિસ બ્રિજ....!” લાવણ્યાએ સિદ્ધાર્થને રસ્તો બતાવવાં માંડ્યો.

“હાં....!હાં....મિસ GPS….!” સિદ્ધાર્થ તેને ચિડાવતાં બોલ્યો.

લાવણ્યાએ કીધાં પ્રમાણેના રસ્તે સિદ્ધાર્થે બાઇક મારી મૂક્યું.

----


“સિડ....! જાન....! કેમ ચૂપ-ચૂપ છે...!?” સિદ્ધાર્થનો હાથ પકડીને ચાલી રહેલી લાવણ્યાએ પૂછ્યું.

બંને રિવરફ્રન્ટનાં નીચેનાં ભાગે વૉક કરી રહ્યાં હતાં. સાંજનાં લગભગ સાડાં છ થઈ ગ્યાં હતાં. શિયાળામાં વહેલાં સૂર્યાસ્તને લીધે રિવરફ્રન્ટની લાઇટ્સ ચાલુ કરી દેવાઈ હતી. નવરાત્રિને લીધે રિવરફ્રન્ટ ઉપરપણ સુંદર લાઇટિંગ કરવામાં આવ્યું હતું. વરસાદનાં ભીનાં વાદળછાયાં વાતાવરણને લીધે રિવરફ્રન્ટનાં રોમેન્ટીક સુંદર માહોલમાં વધારો થયો હતો.

જોકે નવરાત્રીને લીધે અત્યારે ભીડ થોડી ઓછી હતી.

“સિડ....!” લાવણ્યા હવે ઊભી રહી અને સિદ્ધાર્થની સામે જોઈને બોલી “કેમ બોલતો નથી જાન....!?”

ત્યાંજ લાવણ્યાનો ફોન વાઇબ્રેટ થયો.

“તારો ફોન...!” સિદ્ધાર્થે ધિમાં સ્વરમાં કહ્યું.

“ખબર છે…! લાવણ્યા સિદ્ધાર્થની આંખોમાં જોઈ રહેતાં બોલી “કોઈ ડિસ્ટર્બ ના કરે એટ્લે વાઇબ્રેટ રાખ્યો છે....!”

“સાડાં છ થઈ ગ્યાં છે....! એ લોકો રાહ જોતાં હશે....!” સિદ્ધાર્થ બોલ્યો “અંકિતાનોજ ફોન હશે....! ચલ જઈએ....!”

એટલું બોલીને સિદ્ધાર્થ લાવણ્યાનો હાથ છોડવી ચાલવાં લાગ્યો.

“ના....નાં...! મારે નઈ જવું....!” લાવણ્યાએ સિદ્ધાર્થનો હાથ પકડીને ખેંચ્યો “મને કે’ને શું વાત છે....!? હું કયારની પૂછું છું...! તો કે’તો નથી...! બોલને....!”

લાવણ્યાનો ફોન ફરીવાર વાઇબ્રેટ થતાં તેણે ડ્રેસનાં ખીસ્સાંમાંથી ફોન કાઢીને સ્વિચ ઓફ કરવાં માંડ્યો.

“અરે એવું નાં કર....!” સિદ્ધાર્થ તેણીને એમ કરતાં રોકવાં માંડ્યો.

“અરે બધાં હેરાન કરે એ મને નઈ ગમતું....!” લાવણ્યાએ તોપણ તેનો ફોન સ્વિચ ઓફ કરીને તેનાં ડ્રેસનાં ખીસ્સાંમાં મૂકી દીધો “તારો ફોન આપ....! લાવ....!”

લાવણ્યાએ સિદ્ધાર્થનાં જીન્સનાં પોકેટમાં હાથ નાંખીને તેનો આઇફોન કાઢી લીધો.

“અરે ...પણ...!”

“શ......! મારો ફોન સ્વિચ ઓફ આવશે તો એ લોકો હવે તને ફોન કરશે.....!” લાવણ્યા હવે સિદ્ધાર્થનો ફોન પણ સ્વિચ ઓફ કરીને પાછો આપ્યો.

“લાવણ્યા....શું યાર તું પણ....!” સિદ્ધાર્થે ફોન લઈને તેનાં ખીસ્સાંમાં મૂક્યો.

“હવે બોલ શું કેવું છે તારે...!?”

“મને તો કઈં નથી સમજાતું....! કઈરીતે કઉ....!?” થોડીવાર પછી સિદ્ધાર્થ મૂંઝાયેલાં ચેહરે બોલ્યો. તેની આંખો પણ સહેજ ભીંજાઇ ગઈ.

“અરે....! કેમ આમ...!? શું થયું તને...!?” સિદ્ધાર્થનો ઉતરી ગયેલો ચેહરો જોઈને લાવણ્યા પણ ચિંતાતુર સ્વરમાં તેનાં ગાલે હાથ મૂકીને બોલી “આવો સાવ અપસેટ નાં થઈ જઈશને....! તું આવો સારો નઈ લાગતો જાન.....!”

સિદ્ધાર્થ કઈંપણ બોલ્યાં વગર આમતેમ જોઈ રહ્યો. કેટલીક ક્ષણો એમજ વીતી ગઈ.

“મારે બરોડા જવાનું છે......!” થોડીવાર પછી સિદ્ધાર્થે લાવણ્યા સામે એજરીતે જોઈને તો સ્વર સરખો કરતાં કહ્યું.

લાવણ્યા ચોંકી ગઈ અને આઘાતથી તેની સામે મોટી આંખો કરીને જોઈ રહી. તેની આંખો ભીંજાઇ ગઈ.

“પણ...પણ....! મેં...મેં સોરી તો કીધું’તું.....!” લાવણ્યા તરતજ ઈમોશનલ થઈ ગઈ.

“લ.....લવ....એ વાત નથી...!” સિદ્ધાર્થ માંડ બોલ્યો.

“પણ....પણ....! તે પ્રોમિસ કર્યુંતું ને....! તું...તું નવરાત્રિ મારી જોડે સેલિબ્રેટ કરવાનો’તો ને....!?” લાવણ્યા હવે આજીજીભર્યા સ્વરમાં બોલી.

“મારી વાતતો સાંભળ લવ...! પ્લીઝ....!” સિદ્ધાર્થે લાવણ્યાની કમર ઉપર હાથ મૂક્યો “હું નવરાત્રિમાં તો અહિયાં જ છું...!”

“તો પછી....!?” લાવણ્યા હવે મૂંઝાઇને તેની સામે જોઈ રહી.

“દ....દિવાળી વેકેશનની વાત કરું છું....!” તણાવભર્યા સ્વરમાં સિદ્ધાર્થ તેનાં કપાળે હાથ ફેરવતાં બોલ્યો.

“હાં....તો એમ કે’ને…..!” લાવણ્યાનાં જીવને શાંતિ વળી “દિવાળીમાં તો બધાં પોતાનાં ઘરે જાયજને ....! બરોડા તારું ફેમિલી છે તો જવાનુંજ હોયને....! તું પણ શું....! નાનાં બેબીની જેમ આટલી વાતમાં આટલાં દિવસોથી મૂંઝાતો’તો...!”

સિદ્ધાર્થ કઈંપણ બોલ્યાં વગર દયામણી નજરે લાવણ્યા સામે જોઈ રહ્યો.

“તું....! તું ક્યારે જવાનો....!?” લાવણ્યાએ હવે સહેજ ઢીલાં સ્વરમાં પૂછ્યું.

“વેકેશન પડે એજ દિવસે....!” સિદ્ધાર્થ બોલ્યો “એટ્લે....! ત્રીજી તારીખે...!”

“ત...ત્રીજી એટ્લે....!” લાવણ્યા તેની આંગળીઓનાં વેઢાં ગણવાં માંડી “તો..તો હવે એકવીસ દિવસજ બાકી રહ્યાંને....!?”

“હાં....!લ....”

“પણ.....! પણ.... તું એટલો વે’લ્લો ઘરે જઈને શું કરીશ....!?” લાવણ્યા વચ્ચે બોલી “આઇ મીન દિવાળીતો દસ તારીખે છેને....!?”

“લાવણ્યા...! અ....!” સિદ્ધાર્થ પરેશાન નજરે આમતેમ જોઈ રહ્યો.

“સારું...સારું...! તું ...તું સ્ટ્રેસમાં ના આવીશ બસ....!” સિદ્ધાર્થનો પરેશાન ચેહરો જોઈને લાવણ્યા બોલી “પણ....! પણ....! તું આખું વેકેશન ત્યાં એકલો-એકલો શું કરીશ....!? દિવાળી પછીનાં વેકેશનનાં દિવસોમાં....! ત્યાં એકલાં...? વેકેશનતો ફ્રેન્ડ્સ જોડે સ્પેન્ડ કરવાની મઝા આવેને….!? તો તો...! તું દિવાળી પછી અહિયાં આવતો રે’જેને....! મારી જોડે...!?”

સિદ્ધાર્થે લાવણ્યા સામે ભીની આંખે જોયું.

“આઇ મીન....! બધાં ફ્રેન્ડ્સ અંહિયાં છે....! હ.....હું...પણ અહિયાંજ છુંને...! તો....તો મારી જોડે વેકેશન સ્પેન્ડ કરજેને...!? પ્લીઝ....!?”

સિદ્ધાર્થ બોલવાં મથી રહ્યો. લાવણ્યા વચ્ચે બોલતી રહી.

“સિડ....! આખું દિવાળી વેકેશન...! બાવીસ દિવસ....! હું...હું....તારાં વગર એકલી કેવીરીતે કાઢીશ....!?” લાવણ્યાનો સ્વર કાંપી ગયો “એ....એક દિવસ પણ ….! નઈ જ...જતો તારાં વગર....! તો...તો આખું વેકેશન કેમનું જશે....!? આવું નાં કરતોને....! દિવાળી પછી ફટાફટ આવતો રે’જેને...!”

“બસ....! લવ...! તું....અ....!” સિદ્ધાર્થની આંખ ફરી ભીંજાઇ ગઈ.

“તો ....તો....! એક કામ કરીએ....!” લાવણ્યા આજીજીભર્યા સ્વરમાં બોલી “એવું હોય તો...તું....તું બે-ત્રણ દિવસે એક દિવસ અમદાવાદ આવજેને....! મ્મ....મને મલવાં....! હોને...!?”

“લવ...!”

“તો....તો....વીકમાં એક દીવસ....!?” લાવણ્યા હવે વધુ ઈમોશનલ થઈ ગઈ “એક દિવસ તો આવજે...! આવું શું કરે છે...!? એક દિવસની તો વાત છે....!?”

“લાવણ્યા તું મારી વાત તો સાંભળ....!”

“તો...તો...! હું આવું ત...તને મલવાં....!?” લાવણ્યા હવે બબડાટ કરતી હોય એમ બોલે જતી હતી “હું...! સાવરે વે’લ્લાં નીકળી જઈશ....! પ...પછી આખો દિવસ તારી જોડે સ્પેન્ડ કરીને રાત્રે....પ..પછી આવતી રઈશ....!”

“હું તને રિવરફ્રન્ટથી જોધપૂર તારાં ઘેર એકલી જવાં નથી દેતો....!” સિદ્ધાર્થ સહેજ ચિડાયો “તો તને શું લાગેછે કે હું તને છેક બરોડા એકલી આવવાં દઇશ....! અને રાત્રે પાછી છેક ત્યાંથી એકલી જવાં દઇશ....!? એમ....!?”

“તો...તો તું તો કોઈ વાત નઈ માનતો....!” લાવણ્યા રડી પડી “તારે પણ નઈ આવવું....! ને મને પણ નઈ આવવાં દેવું....! તો તો...હું કેમની રઈશ...! મારે શું કરવાનું...!?”

“શાંત થા....લવ....!” સિદ્ધાર્થે લાવણ્યાને આલિંગનમાં જકડી લીધી “પ્લીઝ.....!”

કેટલીક ક્ષણો એમજ વીતી. આકાશમાં ઘેરાયેલાં કાળાં વાદળોમાં હવે વીજળીઓના ઝબકારાં શરૂ થયાં. થોડીવાર બાદ કાળાં વાદળોમાં ધીરે-ધીરે ગડગડાટ પણ શરૂ થયો.

“સિડ....!” થોડીવાર પછી લાવણ્યાએ રડવાનું બંધ કરી તેની સામે જોયું “જાન...સાચું કવ છું....! હું નઈ રઈ શકું આટલાં બધાં દિવસ....!”

“સોરી લવ.....!” સિદ્ધાર્થ સહેજ ઠંડા સ્વરમાં બોલ્યો.

“તો...તો...! વેકેશનનાં છેલ્લાં દિવસેતો પાછો આવતો રે’જે....!” લાવણ્યા બોલી “એક દિવસ તો સ્પેન્ડ કરજે મારી જોડે....! કોલેજ શરું થશે પછી આપડને ઓછો ટાઈમ મલશે....!”

“લવ....! હું....! અ....! પાછો નઈ આવું.....!” સિદ્ધાર્થે ધડાકો કર્યો.

“પ.....પાછો....પાછો ન...નઈ આવે એટ્લે....!?” લાવણ્યને હવે આઘાત લાગી ગયો તેણે સિદ્ધાર્થની ખભાં ઉપર હાથ મૂકી બેચેનીપૂર્વક તેનાં નખ ભેરવવાં માંડયાં.

“હું...ક...કાયમ માટે બરોડાં જવાનો છું....!” સિદ્ધાર્થ ભીંજાયેલાં સ્વરમાં બોલ્યો.

લાવણ્યા આઘાત પામીને તેની સામે જોઈ રહી. આકાશમાં ઘેરાયેલાં કાળાં વાદળોમાં હવે ગડગડાટ વધવાં લાગ્યો.

“પ...પણ....પણ...! તારે શું કરવાં જતું રે’વું છે....!?” લાવણ્યા ફરીવાર રડી પડી “મ્મ...મારી જોડે નઈ ગમતું....! આઈ મીન...અ... અહિયાં નઈ ગમતું તને....!?

“એવું નથી લવ....!”

“તો...તો પછી નાં જઈશને....! આ રીતે મ...મને એકલી મૂકીને કેમ જાય છે....!? મારી જોડે રે’ને....! ત...તારી કોલેજ....! હાં....! કોલેજ તો પૂરી કરીલે....!” લાવણ્યા હવે રઘવાઈ થઈને કોઈને કોઈ બહાનું કાઢી રહી “આવીરીતે ભ....ભણવાનું થોડી અધૂરું મુકાય....!”

“હું ત્યાંની ક....કોલેજમાં પૂરું કરી લઇશ લવ....!”

“પ...પણ આવું અચાનક કેમ જવું છે તારે....!?” લાવણ્યાએ રડતી આંખે પૂછ્યું.

“અચાનક નઈ લવ....!” સિદ્ધાર્થ ભીની આંખે લાવણ્યાની સામે જોઈને બોલ્યો “પ...પે’લ્લેથી ફિક્સ હતું....! કે....! નેહા “હાં” પાડે કે “ના”.....! દિવાળીમાં હું....પાછો બરોડાં જતો રઈશ....!”

“તું...તું...બઉ....જબરો છે....! મ્મ.... મને પ....પેલ્લાં ક....કીધું પણ નઈ....!” લાવણ્યાને હવે ડૂસકાં આવવાં લાગ્યાં “આવું કરાય....!?”

“સોરી લવ....! હું ક્યારનો કે’વાં માંગતો’તો પણ.....! શું કરું....!” સિદ્ધાર્થ લાવણ્યાનાં ગાલે હાથ મૂકીને બોલ્યો “પપ્પાં એ કીધું’તું કે ....! જો નેહા “હાં” પાડીદે તો....! તો દિવાળીમાં મેરેજ ગોઠવી દઇશું...! એટ્લે મારે બરોડાં જવાનું થાતજ....! અને જો ના પાડેતો...તો ક્યાંક બીજે છોકરી જોશે....! એટ્લે તો પણ મારે બરોડાં જવાનુંજ હતું....!”

“પ...પણ...!ન....નેહાએ ક...ક્યાં “હાં” પ..પાડી છે....! એણેતો ના પાડીને..!” લાવણ્યા હવે એજરીતે ફરી બહાનું કાઢી સિદ્ધાર્થને રોકવાં મથી રહી “તું....તું તારાં ઘરે એવું કે’ને ....કે...! તું ...તું હજીપણ એને મનાવી રહ્યો છું....! મ્મ...મારાં માટે થ...થોડું જુઠ્ઠું બોલને....! પ્લીઝ....! તું એને હજી મનાવે છે એમ કઈને કોલેજ પતે ત્યાંસુધી.....! ત્યાં સુધી મારી જોડે રે’ને....!”

સિદ્ધાર્થ હવે લાવણ્યા સામે સૂચક નજરે જોઈ રહ્યો. તેની આંખો હવે વધુ ભીંજાઇ.

“શું....થયું...!?” લાવણ્યા તેની આંખોમાં રહેલાં શબ્દોને વાંચવા મથી રહી “અ....આરીતે ક...કેમ જોવે છે....!? શું વાત છે...!? કે’ને...!?”

“હું જૂઠું નઈ બોલી શકું લવ....!” સિદ્ધાર્થ સહેજ ઠંડા સ્વરમાં બોલ્યો.

“મને ખબર છે....! તું બઉ ટ્રેડિશનલ છોકરો છે....! પ...પણ મારાં માટે થોડું જૂઠું બોલને...!” લાવણ્યા બાળકની જેમ દયામણા સ્વરમાં બોલી “એમ પણ....! નેહાએ તો ના પાડીજ છેને....! તો...તો ખાલી અડધુંજ જુઠ્ઠું બોલવાનું છેને...!”

“લવ....! દિવાળીમાં મારાં મેરેજ ફિક્સ થઈ ગ્યાં છે......!” સિદ્ધાર્થે ઠંડા સ્વરમાં ધડાકો કરતાં કહ્યું “નેહાએ હાં પાડી દીધી છે....!”

*****

નોંધ: “લવ રિવેન્જ” એક “True Story” છે. બધાંજ પત્રો વાસ્તવિક છે. લેખક પોતે પણ વાર્તાનું એક પાત્ર છે. વાર્તા લખવાં કેટલીક સાહિત્યિક છૂટછાટ લેવામાં આવી છે.

વાર્તામાં ઉપયોગમાં લેવાયેલી તમામ તસ્વીરો પ્રતિકાત્મક છે. લેખકનો તેનાં ઉપર કોઈ હકદાવો નથી.

આપના પ્રતિભાવો મેસેજમાં આવકાર્ય છે.

-J I G N E S H