janmdivas in Gujarati Short Stories by Parul books and stories PDF | જન્મદિવસ

The Author
Featured Books
Categories
Share

જન્મદિવસ

આજે સવારે નિશા રોજ કરતાં થોડી વહેલી ઊઠી ગઈ હતી.નાહી ધોઈ ને પછી કિચનમાં ગઈ.ગૅસ પર ચા મૂકતાં મૂકતાં વિચારી રહી હતી કે વિજય ને તો કદાચ યાદ જ નહિ હોય કે આજે મારો બર્થ ડે છે.ચા ઉકાળવા મૂકી નિશા અંદરની રૂમમાં ગઈ જ્યાં ભગવાનનું મંદિર હતું.નિશા બે હાથ જોડી ભગવાન સામે ઉભી રહી પ્રાર્થના કરવા લાગી.અગરબત્તી ,દીવો કરી પાછી કિચનમાં ગઈ.ચા અને નાશ્તો ટેબલ પર મૂકી વિજયને બોલાવા ગઈ.વિજય તૈયાર થઈ બહાર આવતો જ હતો.નિશાને જોઈ બોલ્યો "શું વાત છે,આજે નવી સાડી પહેરી છે ,કંઈ ખાસ દિવસ લાગે છે."વિજય ને સામેથી યાદ નથી કરાવવું એવું વિચારીને બોલી "બસ એમ જ,આજે મન થયું."વિજય જરા ઉતાવળમાં હતો.
ફટાફટ ચા-નાશ્તો કરી ઓફિસ જવા માટે નીકળી ગયો.નિશાએ ઘણી જ કોશિશ કરી કે યાદ કરાવ્યા વગર વિજય એને બર્થ ડે વિશ કરે.પણ વિજય એમનેમ જ નીકળી ગયો.જલ્દી જવાનાં ચક્કરમાં ભૂલી ગયો હશે એમ વિચારી નિશા કામે વળગી ગઈ.વિજય ને યાદ આવશે તો મેસેજ કરશે યા તો મોબાઇલ કૉલ કરશે એવું અનુમાન કરી મનને મનાવતી રહી.મમ્મી,પપ્પા ,ભાઈ,બહેન બધાંએ કૉલ કરી વિશ કરી લીધું.જેટલાં પણ ફ્રેન્ડ્સ હતાં બધાંએ મેસેજ કરી વિશ કર્યું પણ વિજયને જ યાદ નહોતું.
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
આખો દિવસ નિશા વિજયનાં કૉલ કે મેસેજની રાહ જોતી રહી.પણ બર્થ ડે વિશ કરવા માટે ન તો વિજયનો કૉલ આવ્યો કે ન તો મેસેજ.નિશા મનમાં વિચારતી રહી કે મેરેજ પછી આ પહેલો બર્થ ડે છે.વિજય ને કેમ યાદ નથી આવતું એ જ સમજણ નથી પડતી.પોતે જ પાછી મન વાળી લે છે કે હશે કોઈ કામનું ટેન્શન.સાંજે ટી.વી. જોઈ રહી હતી ત્યારે મોબાઇલની મેસેજ ટોન વાગી.નિશાએ જોયું તો વિજયનો મેસેજ હતો.મેસેજમાં હતું કે 'મારા માટે રાતની રસોઈ નહિ બનાવતી.'એટલે કે વિજય માટે.નિશાએ ઓ.કે.કરીને રીપ્લાય આપી દીધો.હવે વિજય માટે એની નારાજગી વધી રહી હતી.'રાતના આવે તો વાત જ કરીશ નહિ 'એવું એનાં મનમાં થયું.સીરીયલ પતી એટલે રસોઈની તૈયારી કરવા માટે જેવી કિચનમાં જઈ રહી હતી કે એનો મોબાઈલ વાગ્યો.જોયું તો વિજયનો જ કૉલ હતો."હૅલો" થોડાં નારાજ સ્વરે નિશા બોલી.સામેથી વિજયે પૂંછ્યું "શું કરે છે?" નિશાએ જવાબ આપ્યો "ટી.વી.જોતી હતી,ને પછી કિચનમાં જઈ રહી હતી ત્યાં તારો કૉલ આવ્યો."વિજયે કહ્યું "અચ્છા,સાંભળ મારાં ડ્રૉઅરમાં એક ગ્રીન એનવલપ છે કે નહિ એ જો અને મને કૉલબૅક કર.બહુ જ જરૂરી પેપર્સ છે અંદર."નિશા બોલી "હા ઠીક છે."કહી એ અંદર ગઈ.ડ્રૉઅર ખોલી અંદર એનવલપ શોધે છે.ગ્રીન કલરનું એનવલપ હાથમાં લઈ વિજયને કૉલ કરે છે.વિજય કૉલને રીસીવ કરતો નથી પણ એનો મેસેજ આવે છે કે 'ઓપન ઈટ.'
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
નિશા એનવલપ ખોલીને જુએ છે તો અંદર એક સરસ મજાનું બર્થ ડે કાર્ડ હોય છે.નિશાની નારાજગી ખુશીમાં બદલાતી જાય છે. હરખથી એનાં ચહેરા પર લાલી પથરાવા લાગે છે.કાર્ડ વાંચવા માટે ખોલે છે તો અંદર એક કાગળ મળે છે.જેમાં બર્થ ડે વિશ સાથે વિજયે લખ્યું હોય છે કે આઠ વાગ્યા આસપાસ તૈયાર રહેજે આપણે બહાર જવાનું છે.નિશા ની ખુશીનો પાર ન હતો.નિશાને માન્યમાં જ નહોતું આવતું કે અંતર્મુખી વિજય એને આવી રીતે સરપ્રાઇઝલી બર્થ ડે વિશ કરશે.નિશા ઘણી જ ખુશ થઈ ગઈ હોય છે.નાહીને પછી જ તૈયાર થવાનું વિચારી ન્હાવા માટે એ બાથરૂમમાં જાય છે. તૈયાર થઈ જ રહી હોય છે ત્યાં ડૉરબેલ વાગે છે.નિશા દરવાજો ખોલે છે અને સામે વિજય ઉભો હોય છે.વિજય નિશાને જોતો જ રહી જાય છે.નિશા પર્પલ ડ્રેસમાં ખૂબ જ સુંદર દેખાતી હોય છે.
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
વિજય નિશા ને એક ફાઇવ સ્ટાર હોટેલ લ‌ઈ જાય છે. જ્યાં વિજયે મિત્રો સાથે મળી નિશા માટે સરપ્રાઈઝ પાર્ટી રાખી હોય છે.નિશા ઘણી જ ખુશ થાય છે. બધાં ખૂબ જ એન્જોય કરે છે. રાત્રે ઘરે આવી વિજય નિશાને એક સુંદર સોનાનું બ્રેસલેટ ગિફ્ટ કરે છે.નિશા પોતાની ખુશી વ્યક્ત કરતાં વિજય ને કહે છે "તું મને આવી રીતે સરપ્રાઈઝ પાર્ટી અને સરપ્રાઈઝ ગિફ્ટ આપીશ મેં વિચાર્યું જ નહોતું.ઓહ! આઇ એમ સો હેપ્પી ટુડે.આઇ લવ યુ."વિજય નિશા સામે હસી ને પોતાની બાહોમાં લ‌ઈ લે છે."આઇ લવ યુ ટુ"એ પણ નિશાને સામો રિપ્લાય કરે છે.