Corona kathao - 9 in Gujarati Fiction Stories by SUNIL ANJARIA books and stories PDF | કોરોના કથાઓ - 9 - વતન કી રાહ પે..

Featured Books
Categories
Share

કોરોના કથાઓ - 9 - વતન કી રાહ પે..

વતન કી રાહ પે..

એક બાજુ પીક લોકડાઉનના દિવસો- બધાં જ ઘરમાં કેદ અને દુનિયા સુમસામ. અને બીજી બાજુ મારા ઘરમાં ગેસ ગીઝરમાં પાણી લઈ જતી પ્લાસ્ટિકની લાઈન ગરમીથી ફાટી. એક નળમાં પણ પાણી ખૂબ ધીમું અને પાણી કરતાં હવા સુ.. કરતી નીકળ્યા કરે. પ્લમ્બરની તાત્કાલિક જરૂર પડી. મકાન બનતું હતું ત્યારના વિશ્વાસપાત્ર પ્લમ્બર રામતીર્થને ફોન કર્યો. આમ તો એ બધા પોતાનાં રાજ્યમાં ચાલ્યા ગયા હોય.

રામતીર્થ હવે ગુજરાતી બની ચુકેલો. ફોન લઈ કહે લોકડાઉન ઉઠે કે તરત આવું.

લોકડાઉનનો અંતિમ તબક્કો હળવો હતો. રામતીર્થ ફરી ફોન કરતાં તરત આવ્યો. કહે પાર્ટ્સ મળે એ માટે હાર્ડવેરની દુકાન ખુલે એટલે મેળ પડે. શ્રીમતીએ પૂછ્યું કે તું દેશમાં નથી ગયો? એ કહે મારો દેશ ગુજરાત. ને મારાં છોકરાં પણ અહીં ભણે છે. નીકળું ને અવાય નહીં તો? કદાચ પરીક્ષા પણ જુલાઈ આસપાસ લે તો છોકરો રાખડી પડે. આ મારો આસિસ્ટન્ટ (પ્લમ્બર પણ પોતાની સાથે મજૂરી કામ કરવા આસિસ્ટન્ટ રાખે છે!) શ્યામતીર્થ માંડ પહોંચ્યો અને રસ્તે ફસાઈ ગયો. એની બૈરી નાના બાબાને લઈને પાછળ નીકળી તો છે, જે થાય એ ખરું. રામજીની ઈચ્છા!

અમારું કામ થિંગડાં મારવા જેવું લોકડાઉનમાં જ કરી આપ્યું.

અનલોક 1 ખુલ્યું. એક સવારે રામતીર્થ પોતાની બાઇકની પાછળ ડોક્ટર કમ્પાઉન્ડરને પકડાવે તેવી ચામડાની કાળી બેગ પકડાવી એક ટાઈટ જીન્સ પહેરેલા યુવકને લાવ્યો. ઘરમાં આવતાં જ શ્રીમતીએ તેમનું ભવ્ય સ્વાગત સેનિટાઈઝરથી હાથ ધોવરાવી કર્યું. રામતીર્થ તો હમણાં કહ્યું તેમ ગુજરાતી તરીકે વટલાઈ ચુકેલો. શ્રીમતીની કહે,"પાઈપનો ટુકડો આ શ્યામતીર્થ કાઢીને હાર્ડવેરની દુકાને લઈ જાય ને આવે એટલે ફીટ કરી દઉં." શ્યામતીર્થને બિહારી લહેકામાં કહે " અપને ઘરકા હી કામ હૈ રી. યું જા ઓર યું આ."

શ્યામતીર્થ બતાવ્યું તે કામ કરવા લાગ્યો અને 'એનો શેઠ' રામતીર્થ બીજો ઓર્ડર પતાવવા ચાલ્યો. પૈસા એ જ વળતાં લઈ જવાનો હતો. 'ઘરકા કામ'ના પૈસા ક્યાં ભાગી જવાના હતા!

શ્રીમતીએ શ્યામતીર્થને પૂછ્યું, "આપ તો બિહાર ચલે ગયે થે ના! કૈસે પહુંચે! કૈસા રહા વહાં?"

શ્યામતીર્થ કહે "બાત મત પૂછો આંટી. (બે હાથ આકાશ તરફ જોડી) કીશનજી કી કિરપા કિં આ ગએ ઔર જીંદા આયે. મૌત ભી માનોં છુ કે ચલી ગઈ."

તે કામ કરતો હતો તે ધ્યાન રાખવા સામે ઉભેલી શ્રીમતીએ તેને વાતોમાં રોક્યો. તે કામ કરતો કરતો વાત કરી રહ્યો.

"માતાજી, યહાં ન તો કામ મિલતા થા ન ઠીક સે ખાના. ઘર ભી ગંદગી કે પાસ સંકરી રૂમમેં. પુરા દિન બેઠે રહકર ગટર કી બાસ લેના. કુછ દોસ્ત યાર બિહાર જાને નિકલ પડે. મેરે પાસ બાઇક હોતી તો બીવી ઔર બચ્ચેકો બિઠાકે ચલ દેતા. હેરાન હો ગયા."

તેનાં મોંમાંથી ડૂસકાં જેવું નીકળી ગયું. તેણે શર્ટની બાંયથી આંખો લૂછી. પાણીનો ધોધ અટકાવી શકતો પ્લમ્બર તેની આંખોનું પાણી વહેતુ રોકી શક્યો નહીં. તેણે ઉભા થઇ પાણી પીધું.

હવે તેણે બિહારી હિંદીમાં કહેલ વૃતાંત હું તેના શબ્દો ગુજરાતીમાં મૂકીને કહીશ.

"શું વાત કરું માતાજી? જવું તો મારે પણ શરૂમાં નહોતું. કામ બધાં બંધ. અમે તો રોજનું કમાઈ રોજનું ખાનારા. તો પણ થોડી ઘણી જે બચત હતી તેમાંથી કસીકસીને ચારેક દિવસ ચલાવ્યું. એક દોઢ વર્ષનો બાબો અને ઘરવાળી. બાબા માટે દૂધ તો લાઈનમાં ઉભી મળતું પણ પેટ ખાવા તો માંગે ને? અને આખો દિવસ સાવ બેકાર બેસી જૂનો ટ્રાન્ઝિસ્ટર સાંભળ્યા ક્યાં સુધી કરવો? આખરે ફૂડ પેકેટ માટે લાઈનોમાં ઉભવું શરૂ કર્યું. એક બાબાને લઈને ઘેર રહે અને એક ઉભે. ક્યારે ફૂડપેકેટની ગાડી આવી ને ગઈ અને ક્યાં ઉભી તે અમારી જેવા લોકો દોડે એટલે ખબર પડે. ધક્કા મુક્કીમાં મળે તો મળે નહીંતો ભૂખ્યા.

એમાં ઘરવાળીને ખૂબ ભૂખ લાગવા માંડી. સવારે ઊલટીઓ થઈ. વાસી ખવાયું હશે. ઘેર ચૂલો હતો પણ ન લાકડાં ન રેશન. ડોક્ટરો બધા બંધ. કોણ દવા આપે? ઘર પાસે હરસિદ્ધ મેડિકલમાંથી 18 નંબર વાળા સાહેબે પૈસા આપ્યા તે ઉલ્ટીની દવા લઈ આવ્યો. ફેર ન પડ્યો. પછી અમને વતનનાં ઘેર જાવા નીકળ્યાં ત્યારે ખબર પડી કે બાબો મોટો ભાઈ બનવાનો હતો. એ જીવને પણ આ લોકડાઉનનો ટાઈમ જ મળ્યો?

અમારી દશા કૂતરાંથી પણ ખરાબ હતી. કૂતરાંને તમે વધેલી રોટલી આપો તે લેવા દરવાજે આવવા લોકડાઉન ન નડે. અમને એ પણ નડે. એકાદ વખત તો ઘરવાળી મેમસાહેબોએ ફેંકી દીધેલી રસોઈ ઉકરડા પાસેથી ગાય ખાય એ પહેલાં લઈ આવી. આસપાસથી સાંઠીકડાં વીણી ચૂલો સળગાવી એ જ એંઠવાડ ગરમ કરીને ખાધો. ફૂડ પેકેટ કરતાં સારો હતો. શેઠિયાઓએ ફેંકી દીધેલો.

રાતે નાનો રૂમ ને નાનો ટેબલફેન. એ પણ બગડ્યો. મેં ખોલીને ફીટ તો કર્યો પણ એની મોટરમાં જ વાંધો હતો. ક્યાંય પાર્ટ ન મળે. બાબો જે રોવે! એને ઊંઘ ન આવે એટલે મા ને હેરાન કરે. અમે બીજા કેટલાક સાથે ઘર બહાર સૂતાં તો પોલીસ આવીને ઘરમાં જવા કહી ગઈ. નાનું છોકરું જોઈ પકડ્યા નહીં. બેચાર પાડોશીઓને તો પકડી ગઈ.

અમે નજીક નજીક રહેતા વીસેક બિહારીઓ અને પચીસ યુપીવાળાઓએ નક્કી કર્યું કે અહીં મરીએ એ કરતાં ચાન્સ લઈએ. ઘેર જતાં રસ્તામાં મરીએ.

એક ભર બપોરે તડકે અમે સાઈકલો હતી તે તેના ઉપર બાકી ચાલતા નીકળી પડ્યા. ચરણલાલ નામે પાડોશી પાસે ઓટોરિક્ષા હતી પણ ગુજરાતની લિમિટ ક્રોસ ન થાય.

જો રાતે નીકળીએ તો પોલીસનો ભેટો જલ્દી થઈ જાય. બપોરે તેઓ છાંયો ગોતી બેઠા હોય.

માથે એપ્રિલનો તાપ અને બળબળતા બપોરની લુ. એક દુકાનની બહાર સડેલા કાંદા વેરાયા હતા તે મેં લઈ લીધા ને બીજાઓને કહ્યું કે આનાથી લુ નહીં લાગે.

કોઈ શાક ભરીને જતો ટેમ્પો મળ્યો. વડોદરા બાયપાસ કરી દાહોદ તરફ. ચડવા પડાપડી થઈ. પેલાએ એમપીની બોર્ડર સુધી ત્રણ હજાર એકના કહ્યા. મેં ઠરાવી બે ના સાડાચાર કરાવ્યા. એ તો ઘેર મોકલવા માર્ચમાં હોળી પતી એટલે લાવેલો એ હતા. ટેમ્પામાં કોથળાઓ વચ્ચે છુપાઈને બેસવાનું હતું. બે ડોશીઓ હતી એને આગળ ભરાઈને બેસવા કહ્યું. પોલીસ નડિયાદ પાસે અને વડોદરા નજીક મળી ત્યાં દૂરથી જોઈ ડોશીઓને ઉતારી દીધી. આગળ જઈ ઉભો. ડોશીઓ કોઈ રીતે જલ્દી આવી ગઈ.

એ તો કહો અમે દેખાયાં નહીં. એમાં ભૂખનો માર્યો બાબો પોલીસ નજીક હતાને જ રોયો. પોલીસને લાગ્યું કે પાછળ મોટી ટ્રકમાંથી અવાજ આવે છે. એને રોકી એટલી વારમાં અમે નીકળી ગયાં.

પછી ચાલવું શરૂ કર્યું. રેલના પાટે પાટે. થોડો લાંબો રસ્તો કરી રતલામમાં ગામમાંથી નીકળ્યા. બેચાર બેચાર કરીને. એક જગ્યાએ પારલેનાં બિસ્કિટ વેંચતા હતા એ પેકેટ લીધું. એ તો જણદીઠ એક પેકેટ આપે. ઘરવાળી એક બિસ્કિટ ખાઈ ભૂખી રહી. બાબાને ખવરવાય એટલે.

અમે રોજ રાતે અને ઠંડા પહોરે ખેંચાય એટલું ખેંચી કાઢી ચાલતાં હતાં. બપોર નજીક હોય ત્યારે કોઈ ગામ આવે તો ફૂડ પેકેટ માટે જઈએ પણ ત્યાંના લોકો અમને મારીને કાઢી મૂકે. રસ્તે ખીજડાની બુંદી, બોરડીનાં બોર અને ક્યાંક કાચી કેરી કે પાટા પર વેરાયેલા કાચા ઘઉં ચાવી ચાલ્યા કર્યું. રોજ આઠેક કલાક ખરું જ. એ તો રોજ મહેનત મજૂરી કરી હોય એટલે તાકાત હોય. એ પણ પહોંચવું જ પડશે એવું નક્કી કરેલું એટલે.બધા જ થાક્યા ભૂખ્યા ચાલે રાખતા હતા.

હું અને ઘરવાળી વારાફરતી બાબો તેડતાં હતાં. ઘરવાળીની હાલત ખરાબ થવા માંડેલી. બે જીવસું હતી ને?

એમ ને એમ અમે બારેક દિવસ ચાલ્યા કર્યું.

એમાં સતના પાસે લૂંટારાઓ મળ્યા. અમારી ગરીબો પાસે શું હોય? બાયડીઓએ જે પાતળી સોનાની બંગડીઓ પહેરેલી એ ઉતરાવી લીધી. મારે તો આ રામતીર્થ શેઠે અપાવેલી બગસરાની ખોટી પણ ચમકતી હતી. અમને મારીને છેલ્લા જે પૈસા બચેલા એ લૂંટી લીધા. મેં વળી બીજા પાંચ છ સાથીઓને કહી જે નોટો બચેલી એ, માતાજી, માફ કરજો. હગવા ઠેકાણે અંદર છુપાવી દીધી. એ લોકોએ અમારાં કપડાં પણ ઉતારી તપાસ કરેલી. કોઈએ બનીયનના ચોર ખિસ્સામાં ને કોઈએ જાંગીયામાં છુપાવેલા એ પણ લૂંટી લીધા. અમે વીસેક અને એ દસેક પણ અમારામાં છ તો બાયડીઓ. બાકીના ચૌદમાં બે તો પંચાવન ઉપરના. અમે બધા ભૂખ્યા થાક્યા. તો પણ મારા થેલામાં પાઈપના કટકા હતા તેનાથી લડ્યો. મને મારી જ પાઇપ માથામાં મારી. જુઓ આ નિશાન. બળેલું કપડું લગાવેલું લોહી બંધ કરવા.

તો પણ એમ કહો અમે બચી ગયા. એક યુપી તરફ જતું જૂથ સલામત રીતે એમપી ક્રોસ કરી ગયું તો યુપીમાં આવતાં પોલીસે દંડા મારી કેદ કરી લીધા. ત્યાં પણ નજીક નજીક અને ભૂખ્યા રાખ્યા હોઈ થોડા લોકોને કોરોના થઈ ગયો. તેમાંના ચાર તો મરી ગયા. બાકીના જેલ કહો કે આઈસોલેશન, એમાં પડ્યા રહ્યા.

આગ્રા તરફ જતું એક જૂથ ઝાંસી પાસે લૂંટાયું. આગળ પૈસા વગર ભૂખ્યા તરસ્યા ચાલ્યા કર્યા. રાતે મહારાષ્ટ્ર બોર્ડરમાં લાંબો સમય એકલાં લાલ સિગ્નલ જોઈ થાકીને પાટા નજીક સુતા. કોઈ કહે છે પાટા ઉપર સુતા એટલે ટ્રેને કચરી નાખ્યા. અમારા ગામ પાસેનો એક કહે કોઈ પાટા ઉપર સુવે એવા મૂર્ખ નહોતા. ઝાંસી પાસે લૂંટાઈને કઈં જ નહોતું ને મહસરાષ્ટ્રમાં મળ્યા નક્સલવાદીઓ. ખાલી હાથે તેઓ લડવા ગયા પણ ટ્રેઇન્ડ નક્સલવાદીઓ સામે શું ચાલે? એમના હાથ પગ બાંધી પાટા ઉપર મૂકી દીધેલા. કઈ ન મળ્યું અને લડ્યા, બે ચાર નજીકના ગામ તરફ ભાગ્યા એ પોલીસને કહી દે એટલે. સમાચાર તો એમ જ આવ્યા કે ટ્રેઇન નીચે 16 માણસો કપાઈ ગયા.

રસ્તે ગુડ્ઝ ટ્રેઇન ક્યાંક ઉભેલી મળતી તો એમાં ચૂપચાપ ચડી જતા.

અમે અલ્હાબાદ તો પંદર દિવસમાં પહોંચી ગયા. હવે બે દિવસ. યુપીની સરકાર સ્ટ્રીકટ નીકળી. જે આમ પોટલાં બાંધી જતા દેખાય એને પકડીને પુરી જ દે. એમાં અમે સાંભળ્યું કે યુપી - બિહારની સરહદ સીલ કરી. ગમે તેમ કરી બિહારમાં પહોંચવું. પછી ગામ દૂર નહોતું.

ધરપકડથી બચવા અમે એક સ્ટેશને રોકાઈ ગયા. ત્યાં શ્રમિક સ્પેશીયલો ચાલુ થઈ એમ ખબર પડી. અમે એક નાના સ્ટેશનના સ્ટેશનમાસ્તરને જ મળ્યા. જે લોકો પાસે આધાર કાર્ડ હતાં એની મુસાફરી ફિક્સ કરાવી. ગુજરાતથી આવતા ઘણા આગળ વારાણસી તરફ જતા હતા. આગળ સ્ટેશને ઉતારવાના હતા. મારી ઘરવાળીનું કોઈક રીતે ગોઠવાઈ ગયું. પેલી ડોશીઓ ને બીજી બાયડીઓ સાથે. કદાચ નાનું છોકરું જોઈ.

મને બીજાઓની જેમ ભૂખ ને થાકથી નબળાઈ લાગતી હતી. હવે બે દિવસ ચાલવાનું હતું પણ અમારાથી બે કલાક પણ ચલાય એમ નહોતું. ઘરવાળીને સ્ટેશને ફૂડ પેકેટ આપ્યું એ ઘણું ખરું બાબાને ખવરાવી બાકીનું પોતે સાવ થોડું ખાઈ નાની બોટલ આપેલી એમાંથી પાણી નાનો ઘૂંટડો ભરી બેઠી રહી. ડબ્બામાં ઉભવાની પણ જગ્યા નહીં. કહેવાયેલું કે ડબ્બામાં 40 લોકો જ લેશે પણ જે લોકો ઉતરે એ પહેલાં બીજા ચડે એનું શું? સખત ગરમી, ભૂખ, તરસ અને ગિરદી સાથે કંટાળેલા ને થાકેલા બાબાને છાનો રાખવો. ઘરવાળી નંખાઈ ગયેલી. એમાં ભૂખ્યા પેટે ગરમી લાગી એને ખૂબ તાવ ચડી આવ્યો. ગરમીને લીધે એટેક આવ્યો કે જે થયું- એ બેભાન થઈ ગઈ. આ તો ભારત છે ને લોકો ગરીબ પણ હમવતનીઓ હતા. ભોગ આપીને પણ બીજાને મદદ કરે એવા. એમણે ઘરવાળીના મોં પર પાણી છાંટયું. ઘરવાળી બે જીવસું, ભૂખી, તરસી, થાકેલી. કહે છે એકદમ તાવ ચડ્યો અને લો બીપી થવા માંડ્યું. એને લોકો ઉતરતા હતા તે નજીકના સ્ટેશને ઉતારી દીધી.

એણે છેલ્લો પાણીનો ઘૂંટડો બાબાને પાઈ દીધેલો. માંડ પાંચ છ ટીપાં. પોતે સાવ તરસી અને તાવ ભરેલી હતી.

એ બેત્રણ કલાક તડકે પ્લેટફોર્મ પર જ પડી રહી. બાબો રોતો રહ્યો. એમ લાગ્યું કે એ મરી ગઈ. મોંમાંથી ફીણ નીકળી ગયાં અને ડોળા પહોળા થઈ ગયેલા. કોઈ રેલવે પોલીસે એની નાડી જોઈ. સાવ બંધ. રેલવે એટલી સારી કે એની ઉપર કપડું ઢાંકી દીધું. માખીઓ એના મોં પર બેસતી હતી અને તરસથી ખુલ્લા મોંમાં પણ જતી હતી. તેનામાં ઉડાડવાની તાકાત નહોતી.

બાજુમાં બાબો રડતો રહ્યો અને થાકીને શાંત થઈ ગયો.

તેને મરેલી સમજી કોઈએ ફોટો પણ પાડી જ્યાં ને ત્યાં મોકલી દીધો. લાશને પોસ્ટમોર્ટમ પહેલાં તપાસવા રેલવેના ડોકટર આવ્યા. બાબો એની મા ને અડવા દેતો ન હતો. એ મા ને વળગી રડવા માંડ્યો. ઘરવાળીથી હાથ ઊંચો થતો ન હતો તો પણ આંગળીઓ હલાવી તેણે બાબાનો નાનો હાથ ફંફોસતાં પકડવા કોશિશ કરી. આંગળા હાલતાં જોઈ ડોક્ટરે ડોળાઓમાં ટોર્ચ ફેંકી નહીં. ઘરવાળીને રેલવે હોસ્પિટલમાં મૂકી બાબાને કોઈએ દૂધ પાયું.

મારો સસ્તો અને દિવસોથી ચાર્જ વગરનો મોબાઈલ તો લૂંટાઈ ગયેલો.

હું તો પટણા પહેલાં આવતાં મારે ગામ પહોંચી ગયો. બીજે જ દિવસે પોલીસ આવીને ઘેર કહે મારી ઘરવાળી મુઝફ્ફરપુર રેલવે પ્લેટફોર્મ પર મરેલી હાલતમાં મળી છે. કોઈ પબ્લિક વાહન ચાલે નહીં. ગામના મુખીયાની મીનીટ્રક લઈ અમે મુઝફરપુર ગયા. સ્ટેશનમાસ્તરે કોઈ બેકાર બેઠેલા મજૂરને હવાલે કરેલો બાબો સોંપી દીધો. ઘરવાળીને ગ્લુકોઝનો બાટલો ચડાવેલો.

લાશ જેવી ઘરવાળીને ટ્રકમાં લઈ અમે ગામ પહોંચ્યાં. ત્યાંના નજીકના ગામના સરકારી ડોક્ટરે જ કહ્યું કે તે બે જીવ વાળી છે ત્યારે મને ખબર પડી.

ગામડે અમે સચવાઈ તો ગયાં પણ કેટલા દિવસ? ત્યાં ગયા તો અમારામાં કહે છે, 'આગે ફુઆ પીછે ખાઈ' જેવું થયું. ઉનાળામાં કોઈ કામ ન મળે. અમે તો ત્યાં પણ ખેતમજૂર હતાં. જમીન હોત તો અહીં મજૂરીએ શું કામ આવત? જે થોડો બાજરો કે મકાઈનો લોટ હતો એમાંથી મારા મોટાભાઈ, ભાભીએ અર્ધા ભૂખ્યા રહી અમારું ચલાવ્યું. એમને પૈસાની ખૂબ જરૂર હતી પણ હું તો લૂંટાઈ ગયેલો. કહ્યું તેમ બચાવેલી છેલ્લી 500 ની નોટ તેમને આપી દીધી. મારી માએ વહુને સાચવી લીધી. બાબો ત્યાં બીજા માણસો જોઈ રમવા લાગ્યો. પણ એ ઘરના અને મારી ઘરવાળીનું પેટ ભરવા મારે અનલોક થયા ભેગું પાછી વળતી ટ્રેઇનમાં આવ્યા વગર છૂટકો ન હતો. સરકારે ત્યાં ને ત્યાં કામ આપવા કહ્યું પણ ક્યારે મળશે એ નક્કી નહોતું. એટલે હું આવી પહોંચ્યો. અમુક અંતર ટ્રેઇનમાં, અમુક ટેમ્પાઓમાં કે ટ્રકોમાં અને ફરી અમુક અંતર ચાલીને. ગુજરાતમાં તમારી પાસે રોટલો રળવા."

તે ફરી ડૂસકું ભરી રડવા લાગ્યો.

"માતાજી, ભગવાન આ કોરોના ફેલાવનારાઓની સાત પેઢી ખતમ કરી નાખે. ભારત એક છે તો અમે ગરીબો ફરી અહીં ગુજરાતમાં આવી પેટ તો ભરશું! બે પાંદડે ન થઈએ તો ભલે. પાનની એક કરચ તુલસીજીનો પ્રસાદ માની માથે ચડાવશું."

ત્યાં રામતીર્થ આવી પહોંચ્યો. છેલ્લો સ્ક્રુ ટાઈટ કરી, ગીઝર અને પાઇપ ચેક કરી કહે "ચલ બે શ્યામતીર્થ. વો બંગલાવાલે કી લાદી તોડકે પાઇપમેં ફોલ્ટ રીપેર કરના હૈ."

રામતીર્થે બાઇક સ્ટાર્ટ કરી. બન્નેએ માસ્ક ચડાવ્યા. 'માતાજી' એ 'સમજીને જે આપવાનું હોય' એ આપ્યું.

એક ભારતમાતા ઓટલે ઉભી શ્રમજીવી પુત્રની રામકહાણી સાંભળી સ્તબ્ધ ઉભેલી. શ્યામતીર્થે પોતાની મા ને આવજો કહેતો હોય તેમ હાથ હલાવ્યો.