*એક નિર્ણય*. વાર્તા... ૨૧-૩-૨૦૨૦
અમુક સંજોગો જિંદગીમાં એવાં બની જાય છે કે વ્યક્તિ એવાં નિર્ણય લઈને એકાંત પસંદ કરે છે અને બધું જ હોવાં છતાંય એકાકી બની જીવે છે....
આ વાત છે મણિનગરમાં રહેતાં એક પરિવારની...
અરવિંદ ભાઈ અને આરતી બેન બન્ને પતિ-પત્ની એ મહેનતથી મણિનગરમાં એક જાણીતી સોસાયટીમાં બે માળનું મકાન બનાવ્યું હતું જે આરતી બહેન નાં નામ પર હતું...
અરવિંદ ભાઈ એક કંપનીમાં જોબ કરતાં હતાં..
જ્યારે આરતી બેન શિક્ષીકા હતાં..
અરવિંદ ભાઈ અને આરતી બહેન ને બે દિકરાઓ જ હતા..
મોટો સંજય...
અને
નાનો પરાગ...
બાળકોને ભણાવ્યા અને ગણાવ્યા..
સંજય કોલેજમાં લેક્ચરર હતો...
પરાગ શિક્ષક બન્યો...
સંજયને નાનપણથી જ જોડે રમતી પૂજા જોડે પ્રેમ હતો એટલે ઘરમાં વાત કરી...
અરવિંદ ભાઈ અને આરતીબેન પૂજા નાં ઘરનાં ને વાત કરીને બન્નેનાં લગ્ન કરાવી દીધા.....
પૂજા પણ કોલેજમાં પ્રોફેસર હતી...
સંજય અને પૂજા નાં લગ્ન પછી અરવિંદભાઈ ને એક રાત્રે છાતીમાં દુખાવો ઉપડતા દવાખાને ૧૦૮ માં લઈ જતાં રસ્તામાં જ મૃત્યુ પામ્યા..
આરતીબેન આ આઘાત ને છોકરાઓ માટે થઈને વિસારે પાડયો...
એક વર્ષ પછી પરાગને નાતની છોકરી હીના સાથે લગ્ન કરાવ્યા...
હીનાએ ઘરમાં પગ મૂકતાં જ પોતાની અસલિયત બતાવવાની ચાલુ કરી...
લવ મેરેજ હતાં પૂજાના તો પણ એણે પોતાનો પૂરેપૂરો પગાર આરતી બેન નાં હાથમાં આપતી અને એમાંથી એક હજાર રૂપિયા જ પેટ્રોલ નાં લેતી...
હિનાને કહ્યું પૂજા એ કે .... આ ઘરનો બધોજ વહીવટ મમ્મી સંભાળે છે તો તારાં મમ્મી નાં ઘરનાં દાગીના તું સાચવવા મમ્મી ને આપી દે...
હિનાએ તરતજ મોં બગાડીને કહ્યું કે મને મારી વસ્તુઓ સાચવતાં આવડે છે અને મારી મમ્મી એ કહ્યું છે કે બેટા દાગીના તારી જ પાસે રાખજે..
આમ કહીને એ બેગ લઈને પરાગ નાં રૂમમાં જતી રહી...
આરતીબેન અને પૂજા અને બીજા સગાંવહાલાં તો જોતાં જ રહી ગયાં...
હિનાએ લગ્ન ને છ મહિના માં તો ઘરને કુરુક્ષેત્ર નું મેદાન બનાવી દીધું...
પરાગને શું થયું હતું કે હિનાની દરેક વાતને સમર્થન આપતો...
અને એનો જ પક્ષ લેતો...
સંજય અને પૂજા ને બન્ને ને સવારે કોલેજમાં જવાનું હોય એટલે એ વહેલા ઉઠી ને એમની અને આરતીબેન ની ચા મૂકે એટલે હિના ઉઠીને કકળાટ કરે કે અમારાં બે ની ચા બનાવતા જોર આવે છે...
બીજા દિવસે ચા મૂકે તો કહે મને ઠંડી ચા ગરમ કરીને પીવાની આદત નથી આમ કહીને ચા ઢોળી દેતી અને નવી મૂકતી...
આવું એ દરેક વસ્તુઓમાં કરતી...
રોજ રોજ કંઈ ને કંઈ બહાનું કરીને ઘરમાં ઝઘડો કરતી...
કંટાળીને એક રવિવારે સંજયે પરાગને કહ્યું કે આ હિના આમ કેમ કરે છે???
પરાગ કહે આ ઘરનાં બે ભાગલા...
મારી અને હિનાની ઈચ્છા છે ...
પરાગ અને સંજય માં બે વર્ષ નો જ તફાવત હતો..
એટલે ... પરાગ..
સંજય ને તુકારે જ બોલાવે..
પરાગ સંજય ને કહે...
તું તારું કરી લે અમે અમારું કરી લઈએ...
અને હા એક વાત સાંભળી લે મમ્મી અમારી સાથે જ રહેશે..
સંજય કહે પણ ભાગલા પાડ્યા વગર શાંતિથી રહી શકાય અને બીજું મમ્મી તો મારી સાથે જ રહેશે...
પૂજા કહે આપણે ચર્ચા કરીએ છીએ પણ આ મમ્મી ચૂપચાપ છે એમની ઈચ્છા તો પૂછો???
તમે બન્ને જણાં જાતે શાં માટે નક્કી કરો છો...
બધાએ આરતીબેન સામે જોયું એમની આંખો માં આંસુ તગતગી રહ્યા હતા....
પૂજાએ પાણી લાવીને આરતીબેન ને પીવડાવ્યું...
આરતીબેન પરાગ ને જ સીધો સવાલ કર્યો કે..
પરાગ મારે બંન્ને જોડે રેહવુ હોય તો???
પરાગ કહે એ શક્ય જ નથી મમ્મી...
અમારે નથી રહેવું...
આરતીબેન કહે તો આ બે માળનું મકાન છે એક ઉપર રહો ને એક નીચે રહો એટલે મારા જીવને પણ શાંતિ...
પરાગ અને હિના એકસાથે એ પણ શક્ય જ નથી...
ઉપર નીચે રહીને અમારે તો વેઠ જ કરવાની ને...
તમે ભાગલા જ પાડો...
આરતીબેન ને બન્ને દિકરાઓ વ્હાલા હતાં પણ સંજય વધુ વ્હાલો હતો અને સંજયને પણ આરતીબેન જ વહાલાં હતાં...
ઘરમાં સન્નાટો છવાઈ ગયો...
થોડીવાર વિચાર્યા પછી આરતીબેને એક નિર્ણય સંભળાવ્યો...
સંજય અને પરાગ સાંભળો...
તમે બન્ને કમાવ છો...
આ ઘર મારાં નામ પર છે અને હું મરીશ પછી મારી વસયિત પ્રમાણે જ મળશે...
અત્યારે એના કોઈ ભાગલા નહીં પડે...
તમે બન્ને ભાઈઓ ભાડાનાં મકાન માં રહેવા જતાં રહો...
હું આ ઘરમાં એકલી રહીશ મને કોઈની જરૂર નથી...
તો બોલો ક્યારે ખાલી કરો છો આ ઘર???
સંજય અને પૂજાએ તો બહુ સમજાવ્યા આરતીબેન ને પણ એ નાં માન્યા...
પરાગ અને હિનાની જીદ હતી ભાગલા માટે ની એટલે બોલ્યા વગર પોતાના રૂમમાં જતાં રહ્યાં...
એક મહિનામાં ઘર ખાલી થઈ ગયું...
બન્ને જુદા રહેવા ગયા...
આજે આરતીબેન એકલાં જ હતાં..
આજે નવા ઘરમાં પૂજા અને હિનાની પહેલી જ રસોઈ હતી...
જ્યારે આરતીબેન ને પણ આજે ઘણા સમયે આવું એકલાં માટે પહેલીવાર જ રસોઈ હતી...
આરતીબેને અરવિંદભાઈ ને ભાવતી બધીજ રસોઈ બનાવી અને અરવિંદ ભાઈ નાં ફોટા પાસે ધરાવતા બોલ્યા ચલો આજથી હવે આપણે બે એકલાં અને હવે આપણાં આ ઘરમાં આપણે ભાવતી રસોઈ બનાવી ને જમીશું....
ભાવના ભટ્ટ અમદાવાદ....