GAAL SANHITA in Gujarati Comedy stories by Haresh Trivedi books and stories PDF | ગાળ સંહિતા

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

ગાળ સંહિતા

ભાષામાં ગાળનું મહત્વ શું? શા માટે તેને બધા નકારે છે અને અપશબ્દ કહે છે ? ગાળો બધા ઉચ્ચારીને અથવા મનમાં તો બોલે જ છે. માત્ર ગાળ આપવાના ગુના બદલ પોલીસ સ્ટેશનમાં કોઈ એફઆઈઆર નોંધતું નથી. કારણકે તેનાથી કોઈ શારીરિક કે દેખીતી સ્થૂળ હિંસા થતી નથી. માનસિક ભલે થાય. ગાળને માનસિક થયેલ સુક્ષ્મ હિંસા તરીકે ગણી શકાય. પણ તેની કોઈ સ્થૂળ અસર કે સ્વરૂપ નથી. સિવાય કે તેના શાબ્દિક સ્વરૂપને લખો અથવા પ્રિન્ટ કરાવો.

મગજમાં ચડેલ ગુસ્સાને ગાળનાં માધ્યમથી દૂર કરી શકાય અથવા સામા પક્ષે શાંત બેઠેલને પણ ગુસ્સે કરી શકાય. ઘણીવાર ગંદામાં ગંદી ગાળ કરતા પણ ઉચ્ચારેલ કડવા વેણની અસરકારકતા વધી જાય. સુક્ષ્મ સ્વરૂપની ગાળ પણ ભયંકર સ્થૂળ પરિણામ લાવી આપે. એક એવી પણ દલીલ છે કે જેમ સમાજમાં પ્રોસ્ટીટ્યુશનની વ્યવસ્થા અનેક મહિલાઓને હવસનો શિકાર બનાવતા અટકાવે છે તેમ ગાળ સ્વરૂપે નીકળતો ગુસ્સો અનેક હિંસા અટકાવે છે.

સંવાદમાં જ્યારે ગાળ ભળે ત્યારે તેની અસરકારકતા વધી જાય. જેને અંગ્રેજીમાં ઇફેકટીવ કોમ્યુનિકેશન કહેવાય. લોકો આપણી વાત ધ્યાનથી સાંભળે. આપણે પ્રાંત પ્રમાણે જોઈએ તો જે ગાળ સુરતીઓ માટે સામાન્ય છે તે જ સૌરાષ્ટ્રમાં જીવન મરણનો પ્રશ્ન થઇ જાય. સુરતમાં ગાળ વાતચીતમાં જીવંતતા લાવે. સૌરાષ્ટ્રમાં વ્યક્તિ ગાળનો અર્થ કાઢીને તેની કલ્પના કરે કે મારી માં – બહેન સાથે ખરેખર આ આવું કૃત્ય કરે? તોતો હું કેમ સહન કરી શકું? જેથી ત્યાં માથા વાઢી નાખે તેવું ધીંગાણું થઇ જાય. જેથી તેઓ કહે છે કે જીવનમાં ગમે તે થાય પણ કોઈની ગાળ તો નહિજ ખાવાની. લાફો ખાઈ લઈશ પણ માં-બાપ કે કુટુંબને ગાળતો નહિજ પડવા દઉં.

હવે વિચારો કે અમુક પ્રોફેશનમાં ગાળ આવડવી તે લાયકાત છે. પોલીસ સ્ટેશનમાં બહુજ સુસંસ્કૃત ભાષામાં રીઢા ગુનેગાર સાથે વાત કરીને ગૂનો કબુલ કરાવી શકાશે? અથવા આ મૂળભૂત આવડત ના અભાવે તે નોકરીમાં કેવીરીતે ટકી શકશે. અથવા વસુલીનું કામ રાખનાર કે કરનાર માણસ બહુ જ પ્રેમથી કહે કે “આપી દયોને ભલા માણસ, આવું શું કરો છો?” તો ઉઘરાણી કેટલાં ટકા પાકશે?

હા, એક સજ્જન અને સુસંસ્કૃત વ્યક્તિ તરીકે અથવા આજુબાજુના લોકોની આમાન્યા રાખવા કે તમારી છાપ સારી રાખવા તમે ગાળની બાહ્ય અસરકારકતા ઓછી કરવા માત્ર ગુસ્સામાં બેવકૂફ, સાલો, હરામી જેવા શબ્દોનો પ્રયોગ કરી મન મનાવી શકો પણ મનમાં? તમારો ચહેરો તો ચાડી ખાશેજ કે તમે શું બોલ્યા.

મારા એક વડીલ શબ્દ બદલીને કહેતા કે “અરે આમાંતો આપણે ચંદ્રુ બની ગયા.” એક પ્રાંતની સામાન્ય વાત બીજા પ્રાંત માટે અસામાન્ય બની જતી હોય છે. આપણે જેમ ગુજરાતમાં જ સુરત અને સૌરાષ્ટ્ર વચ્ચેનો ભેદ જોયો તેમ એક રાજ્યનાં ઘણાં લોકોની સરનેઈમ અંગે વિચારજો. ત્યાંતો મહદઅંશે ગામના નામ પાછળ કર લગાવીને અટક બને છે એટલે ઘડીક તો આપણને એમ થાય કે સાલ્લુ આખું ગામ જ આવું? તેઓ જે ઉત્સાહ અને ગૌરવથી પોતાનાં નામ સાથે વિશેષણ ઉમેરતાં હોય તેમ અટક બોલતાં હોય છે તેથી સારી વ્યક્તિની મહત્વની વાતમાં પણ આપણા ચહેરા પર હાસ્યની સુરખી આવી જાય. પરંતુ ત્યાં તો તે સર્વ સ્વીકૃત અને સામાન્ય હોય છે. બીભત્સ પણ એક રસ છે અને તેની અભિવ્યક્તિ કોઈપણ અપશબ્દનો ઉપયોગ કર્યા વગર પણ કલાત્મકરીતે થઇ શકે છે ત્યારે અમૂક અભિવ્યક્તિમાં ગાળનો પ્રચુર માત્રામાં અસ્ખલિત ઉપયોગ થાય છે.

હમણાં વેબસિરીઝ બહુ ચાલે છે અને તેને સેન્સરશીપ નડતી નથી. એટલે દિલ ખોલીને બોલાય છે અને લોકો માણે છે. સ્ટેન્ડ અપ કોમેડીમાં છોકરીઓ પણ બિન્દાસ્ત બોલે છે. એમને પણ એમની સ્વતંત્ર અભિવ્યક્તિનો હક્ક છે. હું પણ મારા યુવાન મિત્ર સાથે ચર્ચા અને ચિંતા કરતો હતો. મેં કહ્યું કે આ પરિવાર સાથે કેમ જોઈ શકાય? આમાં દાદા-દાદી, દીકરો-વહુ અને તેના સંતાનો જોતાં હોય અને ટાબરિયો આવે કે દાદા દાદા “......” આને શું કહેવાય. અથવા એ પણ આ અપશબ્દનો ઉપયોગ કરીને આપણને નવાજે તો આપણી હાલત શું થાય? તો કહે તમારો આજ તો પ્રોબ્લેમ છે. બધું તમારે પરિવાર સાથે જ જોવું છે, તમારાં માટે કોઈ અલગ પસંદગી રાખવી જ નથી કે જ્યાં તમને પણ મઝા આવે. બધાની ચિંતામાં તમારા જીવનનો લુફ્ત શા માટે ગૂમાવો છો. આ પ્લેટફોર્મ પર બધાજ સિલેકશન છે. પરિવાર સાથે જોવું હોય તો રામાયણ, મહાભારત છે અને બાળકો માટે કાર્ટૂન સીરીઝ પણ છે. માથાકૂટ મુકીને બધાં પોતપોતાની મઝા માણોને.

હું નવમા ધોરણમાં ભણતો ત્યારે મારા ક્લાસમાં જય નામનો એક ખૂબજ હોંશિયાર છોકરો. તો બીજી બાજુ એક ન ભણનારી વંઠેલ ટોળકી. હું દહીં-દુધિયો એટલે મને જય સાથે પણ ફાવે અને ટોળકી સાથે પણ મઝા લઇ લઉં. ફ્રીઝમાંથી કાઢેલ એપલ જેવો એકદમ સરસ જય હંમેશા શાળામાં ફર્સ્ટ આવે પણ એને બરાબર ગાળ બોલતા ન ફાવે. સમજે, આવડે પણ એનો ઉચ્ચાર સ્પષ્ટ કરે જેથી ગાળના લહેજા પ્રમાણે થ્રો ન કરી શકે. એટલે એના મોઢામાં શોભે નહિ. ટોળકીનો લીડર ઘનીયો પ્રશ્ન લઈને આવ્યો કે આતો ન જ ચાલે. જય પણ આપણને ગમે છે, હોંશિયાર છે, સારો છોકરો છે પણ એને બરાબર ગાળ બોલતા નથી આવડતું. જીવનમાં માત્ર ભણવાની હોંશિયારીથી આગળ ન વધી શકાય. ગાળના એવાતો ગંદા ઉચ્ચારણ કરે કે એની આખી મઝા મરી જાય. આતો ગાળને પણ ગાળ દિધી કહેવાય, આપણે પણ એના હિતેચ્છુ છીએ. જેથી તેને બરાબર ગાળ બોલતા શીખવવું એ આપણી પણ ફરજમાં આવે. મોટો થઈને આવી રીતે ગાળ બોલશે તો લોકો તેના ઉપર હસશે અને મારશે. પછી અમારી ટોળકી રિસેશમાં સ્કુલથી આગળ અને ગામની બહાર તેર નાળા કરીને એક ખુલ્લી જગ્યાએ લઇ જતી અને રીતસરનું પ્રશિક્ષણ આપતી. આ પ્રશિક્ષણની મઝા લેવા હું પણ કુદી કુદીને જતો અને લુફ્ત ઉઠાવતો જે આજેય એક સંભારણું છે.

આપણે ગમે તેટલા મોટા થઈએ, બધાં માનપાનથી બોલાવે. કોઈ સર, મિસ્ટર કે શ્રીમાન કહે પણ જીવનમાં ગાળ દઈને બોલાવનાર કોઈ મિત્ર ન હોય તો સાલું બહુ ખોટ સાલે. જીવનની ગમેતેવી મુશ્કેલી, હતાશામાં પણ ગાળ દઈને મિત્ર જ આપણને કહી શકે “કે ‘........’, એમાં મૂંઝાઈ શું ગયો, હું બેઠો છુને” હૈયું ખોલીને હળવા થઇ શકીએ એવા મિત્રો પણ જીવનની એક મહામૂડી જ છે. પણ આવી નિખાલસ મિત્રતા તો આપણી પરિપક્વતા પહેલાજ સંભવે છે.

અહીં ગાળનો પ્રચાર પ્રસાર કરવાનો કોઈ આશય કે મારો કોન્ટ્રકટ નથી પણ ગાળને ભલે આપણે અપશબ્દ કહીએ પરંતુ તે દરેક ભાષાનું એક અભિન્ન અને અનિવાર્ય અંગ છે. જેમ બાળક બોલતા એની મેળેજ શીખી જાય પરંતુ ક્યારે ન બોલવું અને કેવીરીતે બોલવું તે સમજદારી શીખવે છે તેમ અપશબ્દો પણ ક્યારે અને કેમ બોલવા તેની સમય સુચકતા અને વિવેક કેળવવો પડે.

હરેશ ત્રિવેદી, અમદાવાદ

મો: ૯૩૨૭૦ ૪૮૩૭૦, Email: htrivedi3@gmail.com