bhootne jovani ichchha ketli bhayanak hoi shake ? - 3 in Gujarati Horror Stories by Darshini Vashi books and stories PDF | ભૂતને જોવાની ઈચ્છા કેટલી ભયાનક હોઈ શકે ?? - ભાગ 3

Featured Books
Categories
Share

ભૂતને જોવાની ઈચ્છા કેટલી ભયાનક હોઈ શકે ?? - ભાગ 3

સાંજના સમયે જ્યારે સૂરજની રોશની ગુમ થવાની તૈયારીમાં હોય અને શાંત વાતાવરણમાં દરિયાના પાણીના મોજાંનો અવાજ પણ કંપારી કરાવી જતો હોય તેવા વખતે પેલો ભુવો આવું બોલે તો ભલભલાનો પસીનો છૂટી જાય. દરિયાકિનારે તે સમયે જ્યંતી, ઠાકોર, છગન અને પેલો ભુવો એમ ચાર જણ જ ઊભાં હતાં છતાં ભુવો એવી રીતે વાત કરી રહ્યો હતો કે જાણે તેની સાથે બીજું પણ કોઈ છે. પરંતુ અત્યારે એવી સ્થિતિ હતી કે તેઓ ત્યાંથી પાછા વળીને ભાગી શકે તેટલી તેઓમાં તાકાત પણ નહતી કે નહોતી આગળ વધવાની તાકાત. પરંતુ હવે પરિસ્થિતિનો સામનો કરવા સિવાય કોઈ છૂટકો પણ હતો નહિ એટલે તેઓ ભગવાનના નામનું સ્મરણ કરીને આગળ વધ્યા.

ભુવો બોલ્યો, ' કેેમ શું વિચારો છો? ગઈકાલે તો બહુ વાઘ બનતાં હતાં ને ડરી ગયાં કે શું?' ભુવો જાણે પડકાર આપી રહ્યો હોય એમ બોલી રહ્યો હતો. તેની વાત સાંભળીને જ્યંતીનો જાણે ડર નીકળી ગયો હોય એમ બોલ્યો, ' ના ના હવે, અમે ડરી નથી ગયાં અમે તો
ખાલી વિચારમાં પડી ગયાં હતાં કે તમેે 'અમે' એવું કેેમ બોલ્યા?'
ભુવો હસતાંં હસતાં બોલ્યો, 'ડરો નહીં. નજીક આવો અને અહીં બેસો. ત્રણે મિત્રો ભુવાની નજીક તો જઈ રહ્યા હતાં પરંતુ તેઓ એક એક ડગ એવી રીતે માંડી રહ્યા હતાં જાણેે હમણાં એક ડગલુું આગળ વધશે અને જમીન નીચેેેથી સરકી જશે.

ત્રણે મિત્રો ભુવાની સામે બેસી ગયાં. બીજી બાજુ સાંજ ની રાત થવા લાગી હતી. ભુવાએ અગ્નિ પેટાવી. આજુબાજુ બધો સામાન પહેલાંથી જ તેણે ગોઠવી રાખ્યો હતો. કંકુ, રાખ, લાકડાં વગેરે પડ્યું હતું. પરંતુ આશ્ચર્યજનક વસ્તુ ત્યાં મૂકેલા વટાણા જણાયાં. કેમ કે આજસુુધી ક્યારે આવી બધી વસ્તુમાં અલગ અલગ રંગ ના વટાણાનો ઉપયોગ થતો હોય તેવું તેમણે ક્યારે સાંભળ્યું હતું નહીં. ભુવાએ વિધિ કરવાની ચાલુ કરી દીધી. જ્યંતી અને છગન આગળ બેઠાં હતાં પરંતુ ઠાકોર ગભરાતો હતો એટલે તે તેમની પાછળ બેઠો હતો. અને હાથમાં બાંધેલા ધાગને બીજા હાથેથી પકડીને ભગવાનના નામનું સતત સ્મરણ કરી રહ્યો હતો. જોકે, ગભરાટ તો જ્યંતી અને છગનને પણ હતો પરંતુ તેઓ તેના મુખ પર તેની રેખા લાવવા દેતાં હતાં નહિ. ભુવો ક્યારેક અચાનક જ જોર જોરથી મંત્રો બોલતો તો ક્યારેક શાંત થઈને ધ્યાનમાં બેસી જતો.

ત્રણે મિત્રોની ધીરજની પાળ હવે તૂટી રહી હતી. જ્યંતી ભુવાને પૂછવા જ જતો હતો ત્યાં ભુવાએ આંખ ખોલી અને બોલ્યો,' હવે તમે લોકો શાંતિથી સાંભળો હું શું કહેવા જઈ રહ્યો છું તે. મારી સાધના અત્યારે તેના અંતિમ તબક્કામાં છે. થોડી જ વારમાં તમે જેને જોવા આવ્યા છો તે તમારી નજર સમક્ષ આવી જશે. બસ, યાદ રહે તમારે તે સમયે ઘણી ધીરજ, શાંતિ અને સંયમ થી કામ લેવાનું છે બાકીનું હું સંભાળી લઈશ.' ભુવો જેમ જેમ બોલતો જતો હતો તેમ તેમ ત્રણે મિત્રોના હદયના ધબકરા તેજ બની રહ્યાં હતાં. અને ત્રણેને એવું લાગતું હતું કે જાણે આપણી ભૂત જોવાની ઈચ્છા કોઈ મોટી ભૂલ તો સાબિત નહીં થાયને? ત્યાંતો ભુવો ફરી બોલ્યો, ' સાંભળો, મહત્વની વાત કહેવાની તો રહી જ ગઈ. તમારી સામે જે વટાણા પડ્યાં છે તેને હાથમાં લઈ લો.' ત્રણે મિત્રોએ ત્યાં મૂકેલા વટાણા હાથમાં લઈ લીધાં. ભુવો બોલ્યો, ' અરે તમે તો ફક્ત લીલાં રંગના વટાણા જ હાથમાં લીધાં આ લાલ રંગના વટાણા પણ સાથે હાથમાં પકડી રાખો.' ત્રણે મિત્રો આશ્ચર્ય અને કુતુહલની વચ્ચે લાલ વટાણાના દાણા બીજા હાથમાં પકડે છે.

ભુવો ફરી આંખ બંધ કરે છે અને થોડીવારમાં ફરી આંખ ખોલે છે અને તરત આગમાં કંઈક નાખે છે અને આગમાંથી જોરદાર અવાજ સાથે ડરામણી અને અજીબ આકૃતિ બહાર આવતી મિત્રો જોઈ રહ્યાં છે.....
(ક્રમશ)