બધા લોકો ખુશ હતા. હવે યામન પરથી દુઃખો દૂર ભાગી ગયા હતા. રાજા માહેશ્વરે નિયાબી અને એમના મિત્રોનો આભાર માન્યો અને એમને મહેલમાં મહેમાન બનાવી રાખવામાં આવ્યા. કંજ પણ એમની સાથે જ હતો. બીજા દિવસે નાલીનનું માથું ધડથી અલગ કરી દેવામાં આવ્યું. ને ખોજાલના હાથપગ કાપીને જંગલમાં નાંખી દેવામાં આવ્યો. યામનમાં હવે ચારેતરફ ખુશીઓ જ ખુશીઓ હતી.
રાજા માહેશ્વર: રાજકુમારી નિયાબી તમે તમારા દાદાની પરંપરા જાળવી. ને તમારી દાદાની જેમ તમે પણ યામનની મદદે આવ્યા. એ માટે હું આપનો ખુબખુબ આભારી છું.
નિયાબી: રાજા માહેશ્વર તમારે આભાર માનવાની કોઈ જરૂર નથી. અમે જે પણ કઈ કર્યું એ અમારી ફરજમાં આવતું હતું. ને પછી કંજ સામે જોઈને કહ્યું, ને બીજું અમે અમારો મિત્રધર્મ નિભાવ્યો છે. ને મિત્ર માટે તો કઈ પણ. કેમ ઓનીર બરાબર ને?
ઓનીરે નિયાબી સામે જોઈને કહ્યું, જી રાજકુમારી બિલકુલ બરાબર. મિત્ર માટે તો કંઈપણ.
કંજ ગળગળો થઈ ગયો ને બોલ્યો, હું તમારા બધાનો ખૂબ આભારી છું. તમે મારા પર ભરોસો કરી મારી મદદ કરી. ખુબ ખુબ ધન્યવાદ આપ સૌનો. કંજે પોતાનું માથું નીચે નમાવી દીધું.
આ જોઈ ઝાબી બોલ્યો, અરે કોઈ વાંધો નહિ કંજ. અમે તો તારી સાથે યામનની પ્રજાની પણ મદદ કરી છે. ને સાચું કહું તો અમે અમારી મદદ કરી છે. કેમ અગીલા બરાબર?
અગીલા: હા અન્યાય જોઈને ચૂપ રહેવાનું અમને ફાવતું નથી કંજ. એટલે અમે એની સામે થયા વગર રહી શકતા નથી. પછી ભલે જે થવાનું હોય એ થાય.
રાજા માહેશ્વર: તમારા જેવા દિલદાર લોકોના લીધે જ આજે પણ આ પૃથ્વી ટકી રહી છે. નહિ તો પાપ અને પાપીઓની ક્યાં અહીં કોઈ કમી છે?
રાંશજ: હા બરાબર છે. યામન અને યામનની પ્રજા આ માટે હંમેશા તમારી ઋણી રહેશે.
રાજા માહેશ્વર કંજ તરફ જોઈને બોલ્યાં, કંજ હું તારો પણ આભારી છું. આજે તારા કારણે આ શક્ય બન્યું. તારી સાથે જે અન્યાય થયો એના માટે હું દિલગીર છું.
કંજ તરત જ બોલી પડ્યો, અરે રાજા માહેશ્વર તમારે માફી માંગવાની કોઈ જરૂર નથી. તમે ક્યાં કઈ કર્યું છે? તમારી કોઈ ભૂલ નથી.
રાજા માહેશ્વર: ના કંજ આ મારી જ ભૂલ હતી. પણ હવે મેં એને સુધારી લીધી છે. ને એટલે મેં એક નિર્ણય કર્યો છે. હું હવે ઘરડો થઈ ગયો છું. યામનને સંભાળી શકું એટલી તાકાત હવે મારામાં રહી નથી. ને એટલે હું હવે આ રાજગાદી તને સોંપી રહ્યો છું. તું યામનનો નવો રાજા છે.
આ સાંભળી ત્યાં હાજર હતા એ બધા સ્તબ્ધ થઈ ગયા. કંજ પોતે સુન્ન થઈ ગયો.
રાંશજ: હા કંજ હવે યામનની જવાબદારી તારા આ મજબૂત ખભાઓ પર છે.
ઓનીર અને ઝાબીએ ખુશીના માર્યા કંજને ઉંચકી લીધો. નિયાબી, અગીલા અને માતંગી પણ ખુશ થઈ ગયા. બધાએ કંજને અભિનંદન આપ્યા.
કંજ: રાજા માહેશ્વર હું આપનો આભારી છું. પણ હું એ માટે લાયક નથી. મને રાજકાજમાં કઈ સમજ પડતી નથી.
રાંશજ: કંજ એની તું ચિંતા ના કર હું અને રાજા માહેશ્વર તારું માર્ગદશન કરીશું. તું એક ઉત્તમ રાજા બનીશ.
કંજ: પણ મને.......
કંજ ને વચ્ચે જ અટકાવતા રાજા માહેશ્વર બોલ્યાં, કંજ તારાથી ઉત્તમ કોઈ નથી યામનની રાજગાદી માટે. ને યામનની પ્રજા પણ આ વાત સહર્ષ સ્વીકારશે. હું આવતીકાલે આ વાતની જાહેરાત પ્રજા વચ્ચે કરવાનો છું.
એ પછી કંજ કઈ બોલી ના શક્યો. બીજા દિવસે રાજા માહેશ્વરે કંજને નવો રાજા ઘોષિત કરી દીધો. ને યામનની પ્રજાએ પણ એને સહર્ષ સ્વીકારી લીધો. બધી બાજુ બસ ખુશીઓ જ હતી. હવે યામનમાં કઈ કામ બચ્યું નહોતું. એટલે નિયાબીએ ત્યાંથી પ્રસ્થાન કરવાનું કહ્યું.
જ્યારે કંજને આ વાતની ખબર પડી ત્યારે એ તરત જ એ લોકો પાસે આવ્યો.
ઝાબીએ કંજને જોઈ કહ્યું, રાજા કંજ આપનું સ્વાગત છે.
પણ કંજ સીધો નિયાબી પાસે ગયો ને નમ્રતાપૂર્વક બોલ્યો, મેં સાંભળ્યું કે તમે લોકો અહીંથી જવાનું વિચારી રહ્યા છો?
નિયાબી: હા કંજ હવે અહીં કોઈ કામ નથી. હવે અમે અહીંથી જઈશું.
કંજ એકદમ ઉદાસી સાથે બોલ્યો, પણ રાજકુમારી હજુ તો તમે મહેમાનગતિ પણ પૂરેપૂરી માણી નથી. ને જવાની વાત કરી રહ્યા છો? થોડો સમય રોકાઈ જાવ.
નિયાબીએ કંજની સામે જોતા કહ્યું, કંજ હવે ના રોકીશ. તને જ્યારે જરૂર પડે અમને યાદ કરજે. અમે જરૂર આવીશું. પણ હવે જવાનો સમય થઈ ગયો છે.
કંજ નિરાશ થઈ ગયો. એ ઝાબી અને ઓનીર પાસે ગયો. એ બંનેએ એના ખભે હાથ મૂકી સાંત્વન આપ્યું.
કંજ: ઓનીર તે અને ઝાબીએ મને કહ્યું હતું કે જો હું કોઈ યુવતીને પસંદ કરું તો તમે એને મેળવવા મારી મદદ કરશો. તો શુ તમે મદદ કરશો?
આ સાંભળી ઓનીર અને ઝાબી ઉભા થઈ ગયા. બધાના ચહેરા પર આશ્ચર્ય સાથે ખુશીના ભાવ આવી ગયા. અગીલા એની પાસે જઈ બોલી, અરે વાહ ખૂબ સરસ વાત કરી. બોલ કોણ છે એ નસીબદાર જે યામનની રાણી બનવા જઈ રહી છે? કોઈ નસીબદાર લાગે છે.
કંજે અગીલા સામે જોઈ કહ્યું, તું. તું છે એ નસીબદાર.
કંજની વાત સાંભળી અગીલા માંડ માંડ સ્થિરતા જાળવી શકી. એણે ગુસ્સા સાથે કંજની સામે જોયું.
અગીલા કઈ બોલે એ પહેલા જ ઓનીર બોલ્યો, કંજ તે આ પહેલા કહ્યું નહિ?
કંજ: સમય જ ના મળ્યો ઓનીર. ને હવે સમય બચ્યો નથી. હું અગીલાને પસંદ કરું છું. જો એ તૈયાર હોય તો.....
પણ એ આગળ કઈ બોલે એ પહેલા અગીલા બોલી, હું તૈયાર નથી.
આ સાંભળી કંજ નિરાશ થઈ ગયો. પણ ઓનીરે બાજી સંભાળતા અગીલાને કહ્યું, અગીલા ઉભી રે. એને વાત તો પુરી કરવા દે. એ શુ કહે છે એ તો સાંભળ.
અગીલા ગુસ્સા સાથે બોલી, જે વાતનું કોઈ ભુત કે ભવિષ્ય ના હોય એના વિશે ચર્ચા કરવી અયોગ્ય છે ઓનીર. ને પછી એ ત્યાંથી નીકળી ગઈ.
કંજ નિરાશ થઈ ગયો. ઝાબીએ કંજના ખભા પર હાથ મુક્તા કહ્યું, ભાઈ બરાબર ફસાયો. આ અગીલા છે. તારે તો હવે બરાબર પાપડ વણવા પડશે એને મનાવવા. આશા રાખું કે તું સફળ થાય.
ઓનીરે ઝાબીની મારતા કહ્યું, ઝાબી એને પરેશાન ના કરીશ. ને કંજ તું બિલકુલ ચિંતા ના કરીશ. હું અગીલા જોડે વાત કરીશ.
કંજે માથું હલાવી હા કહ્યું. પછી બધા પોતપોતાના કામમાં લાગી ગયા. અગીલા આખો દિવસ કોઈની સામે ના આવી. એ હજુ ગુસ્સામાં હતી. સંધ્યાકાળે એ અગાસી પર ડૂબતા સૂરજને જોઈ રહી હતી. ત્યાં નિયાબી અને માતંગી આવ્યા.
નિયાબી: કેટલો સરસ લાગે છે ડૂબતો સૂરજ નહિ?
અગિલાએ નિયાબી સામું જોતા કહ્યું, હા ખૂબ સુંદર લાગે છે. એની લાલીમાં અદ્દભુત છે.
નિયાબી: હા આ લાલીમાં આવનાર કાલની આશા આપે છે આપણને.
અગીલા: હા આવનાર કાલ જેની કોઈને ખબર નથી. એના ગર્ભમાં શું સમાયેલું છે?
નિયાબી: તો પછી જે આવનાર કાલ જાણીતી અને પોતાની લાગતી હોય એને સ્વીકારી લેવી જોઈએ.
અગીલાએ નિયાબીની સામે જોયું. નિયાબી એને જ જોઈ રહી હતી.
નિયાબી: આમ શુ જોવે છે? હું કંજની વાત કરું છું. તારી આવનાર કાલમાં કોઈતો હશે જ તારો જીવનસાથી. પણ એ કોણ છે એ તને ખબર છે?
અગીલા: ના નથી ખબર. પણ એનો મતલબ એ નથી કે હું ...
એ આગળ કઈ બોલે એ પહેલા નિયાબી બોલી, શુ મતલબ છે અગીલા? કંજ સારો વ્યક્તિ નથી? તું એને ઓળખતી નથી? એ કોઈ અપરાધી છે? તને પ્રેમ નથી કરતો? એની કોઈ ઓળખ નથી? શુ નથી એની પાસે?
અગીલા: બધું જ છે એની પાસે. ને એ એક સારો નહિ પણ ખૂબ સારો વ્યક્તિ છે. પણ હું એને લાયક નથી. હું જંગલમાં રહી મોટી થઈ છું. મને જંગલની બહારની દુનિયાનો વધુ કોઈ અનુભવ નથી. હું ખુલ્લા આકાશ અને વિશાળ ધરતી પર પોતાની મનમરજીથી જીવવા માંગુ છું. મને આ રાણીઓ વાળા નીતિનિયમો નહિ ફાવે. હંમેશા માનમર્યાદા અને સૈયંમમાં રહેતા નહિ ફાવે. હું મારા લોકો, ઝાબી, ઓનીરથી અલગ થવા નથી માંગતી. હું એ લોકોની સાથે રહેવા માગું છું.
નિયાબી: કેમ? તું ઝાબી કે ઓનીર ને પસંદ કરે છે?
અગીલા તરત જ બોલી પડી, ના...ના...રાજકુમારી એવું કઈ નથી. એ બંને મારા મિત્રો છે. હું નાનપણથી જ એમની સાથે રહીને મોટી થઈ છું. એ લોકો મને અને હું એમને સારી રીતે સમજી શકું છું.
નિયાબી: અગીલા સ્ત્રીના જીવનમાં એકવાર તો એવો સમય આવે જ છે કે એણે પોતાનું બધું છોડી કોઈ એક વ્યક્તિ પાસે જવાનું જ હોય છે. કંજ જાણીતો છે. એ તને અને તારા મિત્રોને જાણે છે. અમને બધાને ઓળખે છે. એટલે તારા માટે એની સાથેનું જીવન સરળ થઈ જશે. એ તને સારી રીતે સમજી શકશે. તું પ્રયત્ન તો કરી જો એને સમજવાનો. કદાચ કઈક સારું પરિણામ મળે.
અગીલા: રાજકુમારી એમાં કઈ નહિ મળે. કંજને માત્ર દુઃખ જ મળશે. ને હું એને દુઃખી કરવા નથી માંગતી. એક તરફી પ્રેમ માણસને નિરાશ કરી દે છે. ને એટલે હું કંજને કોઈ આશા બધાંવા નથી માંગતી.
નિયાબીએ અગીલા સામે ધારી ધારી જોયું પછી ખૂબ જ શાંતિથી બોલી, કેમ ઓનીર નિરાશ છે? દુઃખી છે?
નિયાબીની વાત સાંભળી માતંગી અને અગીલા બને સ્તબ્ધ થઈ ગયા. બંને સમજી રહ્યા હતા કે નિયાબી શુ કહી રહી હતી. પણ એવું કેવી રીતે બન્યું એ અચરજ હતું.
નિયાબીએ સ્મિત સાથે કહ્યું, કેમ આમ જોઈ રહ્યા છો મને? તમને શુ લાગે છે? હું ઓનીરની મારા પ્રત્યેની લાગણીઓને જોઈ નથી શકતી? સમજી નથી શકતી? સમજુ છું. બસ અત્યાર સુધી એટલે ચૂપ હતી કે હું મારી જાતને એની એ લાગણીઓને લાયક બનાવવાનો પ્રયત્ન કરી રહી હતી.
અગીલા એકદમ ઉત્સાહ સાથે બોલી, એટલે તમે એવું કહી રહ્યા છો કે તમે પણ......
નિયાબી: હા હું પણ ઓનીરને અને એની લાગણીઓ બંનેને સમજુ છું. બસ પોતાની લાયકાત અને યોગ્ય સમયની રાહ જોઈ રહી હતી.
ત્યાં અચાનક પ્રગટ થઈને ઝાબી બોલ્યો, અરે વાહ મજા આવી ગઈ. આખરે ઓનીરને સફળતા મળી ગઈ.
આમ અચાનક ઝાબીની જોઈ ત્રણેય જણ આશ્ચર્યચકિત થઈ ગયા. ને ઝાબીની સામે જોવા લાગ્યા.
ત્રણેયને જોઈ ઝાબી બોલ્યો, આમ શુ જોઈ રહ્યા છો? પાછળ જુઓ. બીજા લોકો પણ છે હાજર.
ત્રણેયે પાછળ ફરી જોયું. ઓનીર અને કંજ પણ ત્યાં હાજર હતા. બંનેના ચહેરા પર સરસ સ્મિત હતું.
અગીલા દોડીને ઓનીર પાસે ગઈ ને બોલી, તે સાંભળ્યું રાજકુમારી નિયાબીએ શુ કહ્યું?
ઓનીરે અગીલા સામે જોયું. પછી નિયાબી સામે જોયું. એ ઓનીરની સામે જોઈ રહી હતી. ઓનીરે માથું હલાવી હા કહ્યું. પછી બોલ્યો, ને એ પણ જે તે કહ્યું.
કંજે અગીલાની સામે જોઈ કહ્યું, અગીલા હું તારી પરિસ્થિતિ સમજી ગયો. તું ચિંતા ના કર. તું તારી રીતે જેટલો સમય જોઈએ એટલો સમય વિચારવા માટે લઈ લે. હું તારા જવાબની રાહ જોઈશ. ને હા એવું બિલકુલ નથી કે જવાબ 'હા' જ હોય. 'ના' હોય તો પણ મને કોઈ વાંધો નથી. પણ હા હું એટલી ખાતરી જરૂર આપીશ કે જવાબ 'હા' હશે તો તારી કોઈપણ સ્વતંત્રતા પર કોઈ બંધીશ નહિ હોય. તું સંપૂર્ણ રીતે સ્વતંત્ર હોઈશ. તું ઈચ્છીશ એ બધું જ કરી શકીશ. તું ઈચ્છીશ તો હું યામનમાં જ એક જંગલ ઉભું કરી દઈશ તારી ખુશી માટે.
કંજની વાત સાંભળી અગીલા એને ટગર ટગર જોવા લાગી. ત્યાં ઝાબીએ એને હળવો ધક્કો મારતા કહ્યું, હવે બોલ બીજી શુ ઈચ્છા છે? રાજા કંજ પોતાની રાણી માટે એ પણ કરશે.
અગીલાએ ઝાબીની મારતા કહ્યું, બંધ કર બોલવાનું. મારી કોઈ ઈચ્છા નથી. હું કોઈને મારા માટે કઈ બદલવાનું ના કહી શકું. જે છે એ બધું બરાબર છે.
ઓનીરે અગીલાની સામે જોઈ પૂછ્યું, જો બધું બરાબર જ હોય તો આગળ કઈ વિચારી શકાય?
અગીલાએ ઓનીરની સામે જોઈ કહ્યું, થોડો સમય જોઈશે.
અગીલાનું વાક્ય સાંભળી બધા ખુશ થઈ ગયા. ઓનીરે તો એને ગળે લગાવી લીધી. કંજના ચહેરા પર લાલીમા છવાઈ ગઈ. ઓનીરે નજર ઉંચી કરી નિયાબી સામે જોયું. એ પણ સરસ સ્મિત સાથે ઓનીરને જોઈ રહી હતી. પછી નજર હટાવતા એણે કહ્યું, માતંગી આવતીકાલે રાયગઢ જવાની તૈયારીઓ કરો. આપણે હવે ઘરે પાછા જઈશું.
ખુશી સાથે માતંગી બોલી, જી રાજકુમારી. હમણાં જ તૈયારીઓ કરાવું છું.
એ પછી નિયાબી, અગીલા, ઝાબી, માતંગી અને ઓનીર કંજ અને યામનની વિદાય લઈ રાયગઢ જવા નીકળી ગયા. રાયગઢ પહોંચી અગીલા અને માતંગીએ દાદી ઓનાને નિયાબી અને ઓનીરના સબંધની વધામણી આપી. દાદી ઓના ખૂબ ખુશ થઈ ગયા. રાજા કેરાકને પણ આ શુભ સંદેશો મોકલવામાં આવ્યો.
થોડા જ સમયમાં રાજા કેરાક રાયગઢ આવ્યા. એમની સાથે અગીલાના માતાપિતા પણ આવ્યા હતા. અગીલાએ કંજની વાત એમને કરી અને પોતાની સહમતિ દર્શાવી. ચારેતરફ ખુશીઓનો માહોલ છવાઈ ગયો. એક જ માંડવા નીચે ઓનીર - નિયાબી અને કંજ - અગીલાના ધામધૂમથી લગ્ન લેવાયા. ને એમનું મધુર લગ્ન જીવન શરૂ થયું.
ઝાબી રાજા કેરાક સાથે પોતાની જાદુઈનગરીમાં પાછો જતો રહ્યો. માતંગી રાયગઢની સેનાપતિ બની પોતાની ફરજ નિભાવવા લાગી. દાદી ઓના અને દેવીસિંહજી આ લોકોને પોતાના અનુભવનો લ્હાવો આપી જીવન જીવવામાં મદદ કરવા લાગ્યા.
કંજ અને અગીલા, ઓનીર અને નિયાબી એ સાથે મળી પોતાના જીવન સાથે પોતાના રાજ્યના લોકોના જીવનને પણ સંભાળી લીધું.
💐💐💐💐💐💐 સમાપ્ત 💐💐💐💐💐💐
(વાચકમિત્રો આ સાથે મારો, તમારો અને નિયાબીનો સાથ અહીં પૂરો થાય છે ✋✋✋. આશા છે કે હું અને નિયાબી તમને એક સારી અને રસપ્રદ વાંચન સામગ્રી પુરી પાડવામાં સફળ રહ્યા હોઈશું. દરેક વાચકમિત્રોનો ખુબ ખુબ આભાર મને પ્રોત્સાહન પૂરું પાડવા બદલ 🙏🙏🙏🙏🙏. આશા છે કે ભવિષ્યમાં પણ તમારો સાથ સહકાર મને મળતો રહેશે. 😊)
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
મુશ્કેલ પરિસ્થિતિમાં હિંમત રાખો, પરિવારની સાથે રહો, સ્વસ્થ રહો, ખુશ રહો.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐