Laalni raninu aadharcard - 1 in Gujarati Fiction Stories by Vijay Raval books and stories PDF | લાલની રાણીનું આધારકાર્ડ - 1

Featured Books
Categories
Share

લાલની રાણીનું આધારકાર્ડ - 1

પ્રકરણ – પ્રથમ/૧

‘હાય હાય હું તો હાળું એમ સમજતી’તી કે, તારામાં ઉપર ઉપરથી સાધુડાના અને પછી માંહ્યલામાંથી શેતાનના લખણ દરશન દેશે, પણ તું તો લ્યા આખોને આખો ઓલા ભોળા ભગતની ભેંશ જેવો નીઈકળ્યો. હા.. હા.. હા ...આ જો હવે હું તો એય ને આ લૂગડાં ઉતારીને સૂતી પડી છું. તમ તારે તારા જે કઈ અભરખાના ઉભરા જાઈગા હોય ઈ પુરા કરી લે.’

આટલું બોલી ત્યાં જ....
બેડરૂમની બાલ્કનીને અડીને આવેલા થાંભલાની સ્ટ્રીટલાઈટના આછા પ્રકાશમાં પેલીને માત્ર નામ પૂરતાં અંડર ગારમેન્ટમાં બેડ પર ઉંધી પડેલી જોઇને અચાનક તેણે બેડરૂમની લાઈટની સ્વીચ ઓફ કરી એટલે પેલીએ પૂછ્યું.

‘અલ્યા.. પણ આ હાવ આમ અંધારું ઘોર કેમ કયરું તેં?’
‘પણ.. પણ..મને શરમ આવે છે. મેં કયારેક કોઈ અજાણી સ્ત્રી સાથે આ રીતે કોઈ દિવસ..’ પેલો શરમાતા શરમાતા આટલું માંડ બોલ્યો.
‘હા.. હા.. હા.. એટલે તું અંધારામાં જ ગોળીબાર કરવાનો એમ ને? અને આમ પણ ખાવા બેઠાં હોઈ ને તઈં લાઈટ જતી રે' તોય મોઢાનો કોળીયો તો મોઢામાં જ જાય ને!. હા હા.. હા.. મને એવું લાગે છે કે તારા લૂગડાં અને શરમ, ઈ પણ મારે જ ઉતારવાના છે કે શું? તો તો એનો ચારજ હું અલગથી લઈશ હોં. હા.’
પેલી સાવ નફ્ટાઈથી બોલી.

‘તું તો સાવ કેવી બેશરમ બાઈ છો?' ધીમા અવાજમાં પેલો બોલ્યો.

‘મરદ.. આ હંધોય ઉપકાર તારા જેવી મરદ જાતનો છે હય્મજ્યો? અલ્યા, તેં મને હું અયાં નાગી કરીને મારી આરતી ઉતારવા બોલવી છે?’ અટાણે શરમની ક્યાં પત્તર ફાડે છે તું? હાલ, હવે જે વટથી મૂછે તાવ દઈને મને અહીં લાયવો છે, તો ઉતાર તારી મરદ જાતનું પાણી એટલે પછી તને કઉં કે તારા જેવા વરુ, બંધ બારણે લાચારીનો લાભ લઈને અમારી જાતને બેશરમ કરવા હાટુ આ રૂપિયાના નોટુની પથારી કરીને, તેની ગરમી અને ચરબીનું પાણી દેખાડે છે ને, તઈં તો આ તમારા જેવા હારા ઘરની બેનું, દીકરયુંની લાજ ઢાંકેલી રે' છે. હમ્યજ્યો?' પેલીની દુઃખતી રગ દબાઈ એટલે છંછેડાઈને બોલી.

અને આટલું સાંભળ્યા પછી પેલાની અંદરના જન્મજાત પુરુષત્વનો દૈત્ય, એવા ફૂંફાડા મારતો પેલી તૂટી પડ્યો કે જાણે કંઇક દિવસોના દુકાળમાંથી આવેલો કોઈ ભૂખ્યો ડાંહ માણસ, છપ્પન ભોગ જોઇને તરાપ મારે, એ રીતે તૂટી પડ્યા પછી થોડી જ વારમાં તેની હાલત હવા નીકળી ગયેલા ફુગ્ગા જેવી થઇ ગઈ.



સમય થયો હશે સવારના આશરે ૧૧ વાગ્યાનો અને એ સમયે એમ.જી. રોડ પરના ભરચ્ચક ટ્રાફિકમાંથી ધીમી ગતિએ ચાલી જતી એક ઠીકઠાક કંડીશનની વ્હાઈટ એમ્બેસેડરની ડ્રાઈવીંગ સીટ પર, તેની આગવી સ્ટાઇલમાં બન્ને પગ પોહળા કરીને બેઠેલાં તેના લંગોટિયા યાર ચુનીલાલને રણજીતે પૂછ્યું.

‘એલા.. ચુનિયા, તેં ઓલી મારી કિડનીની દવા ક્યાં મેલી છે?’

ટ્રાફિકના કારણે થૂંકવાની તક ન મળતાં, ડાબી બાજુનાં ગલોફામાં ક્યારના દબાવી રાખેલા પાનના અમૃતરસના આસ્વાદથી ભરેલુ ચુનિયાનું મોઢું જોઇને એવું લાગતું હતું કે જાણે કોઈ ઓવરફલો થવા જઈ રહેલા જળાશય માટે જેમ ડેમના દરવાજા ઉઘાડે, એમ ટ્રાફિકનું ધ્યાન રાખતાં કારની ગતિ સ્હેજ ધીમી પાડીને ચાર આંગળ દરવાજો ખોલીને ચુનીલાલે ચુસાઈ ગયેલાં રસાસ્વાદને થૂંકતા એવું લાગ્યું કે જાણે રીતસર કોગળો કર્યો હોય. અને એ પછી દાઢીએથી નીતરતાં ટીપાંને તેના મેલાં ઝભ્ભાની બાંયથી લુંછતા બોલ્યો.


‘એ.. પડી લ્યા, તારી સીટ નીચે.’
રણજીતે વાંકા વળીને સીટ નીચે હાથ ફેરવતા વ્હીસ્કીનું અડધિયું હાથમાં આવતાં
તેમાં જોયું તો માંડ બે ઘૂંટડા જેટલી જ વ્હીસ્કી પડી હતી. તરત જ ઢાંકણું ઉઘાડીને એક જ શ્વાસે ગટગટાવીને બોલ્યો.
‘આઆઆઆહહહ.. હવે કંઇક કાળજામાં ઠંડક થઇ ચુનિયા.’

એટલું બોલતા જ કારથી ૧૦ મીટર આગળ સાધારણ ઘરની દેખાતી બે યુવતીની બાજુમાં ઉભેલી કમરેથી સ્હેજ વળી ગયેલી એક આધેડ સ્ત્રી તરફ રણજીતની નજર પડતાંવેંત જ રીતસર રણજીતે રાડ પાડી.
‘રોક રોક રોક.. ચુનિયા જલ્દી ગાડી રોક.’
એક સેકંડ માટે તો ચુનીલાલ પણ ડઘાઈ ગયો, કે અચાનક આને શું ભૂત વળગ્યું!
એટલે સિફતથી ચુનીલાલે કારને રોડની ડાબી તરફ લઈને જેવી કારની ગતિ ધીમી કરી, ત્યાં રણજીતને ચાલતી કારે ઉતરીને રઘવાયા થઈને ઊંધી દિશામાં દોડતાં જોઇને થોડીવાર માટે તો ચુનીલાલને પણ ખ્યાલ ન આવ્યો કે શું થઇ રહ્યું છે!
સ્હેજ વળેલી કમરે દોડતા દોડતા આવીને રણજીત પેલી આધેડ સ્ત્રીની પાછળ ચુપચાપ ઊભો રહીને તેને ધ્યાન પૂર્વક જોતો જ હતો, ત્યાં જ તરુણાએ એક રીક્ષા થોભાવી અને તેની સહેલી અને તેની મમ્મીને રીક્ષામાં બેસાડતાં બોલી,

‘ધારા, તું મારી મમ્મીને સહીસલામત રીતે ઘરે ઉતારી દેજે અને હું સાંજ પડતાં પહેલાં ઘરે આવી જઈશ. મા તું ચિંતા ન કરીશ હોં.’

તરુણાની વાતચીત પરથી રણજીતને એટલો અંદાજો આવી ગયો કે પેલી આધેડ સ્ત્રી આ યુવતીની મા છે, અને પેલી બીજી યુવતી તેની કોઈ સહેલી હશે.
તરુણા હજુ ત્યાં જ ઊભી હતી. એટલે રણજીતે તેનાં લેંઘાના ખિસ્સામાંથી વધેલા, ચોળાયેલા થોડા પેમ્પલેટ કાઢીને એક પછી એક ત્યાં આજુબાજુમાં ઊભાં રહેલાં લોકોના હાથમાં આપવા લાગ્યો અને અંતે તરુણાનાં હાથમાં પણ આપ્યું.
એટલે કુતુહલવશ તરુણાએ પૂછ્યું.
‘આ શેની જાહેરાત છે કાકા?’
‘એ ને દીકરા, આ છે ને તે હમણાં થોડા દા'ડામાં ચૂંટણી આવશે એટલે તમારા જેવા પરમાણીક અને જોશવાળા નવજુવાનીયાવની અમારી પાલટીને અને આ દેશને ખુબ જરૂર છે. એટલે તો હું આ ધોમધખતા તાપમાં રખડી, છોરાં ને છોડિયુંને ભેળા કરીને પાલટીની સેવા કરું છું. આ તમને ભાળીને એમ થયું કે કદાચને તમને અમારી વાતમાં રસ પડે.’ આટલું બોલતા તો રણજીતનું ગળું સુકાઈ ગયું.

‘પણ કાકા, આમાં ફક્ત તમારી સેવા જ કરવાની કે પછી..’
હજુ તરુણા આગળ કંઈ બોલવા જાય એ પહેલાં એક બાજુ છાંયડામાં તરુણાને બોલાવીને રણજીતએ કહ્યું,
‘જો દીકરા આ અંદરની વાત છે. તમે જેવું કામ આપો, એવાં અમે દામ આપીએ.
આ મેવાવાળી સેવા છે, સમજી? બાકી ઉપરવાળાએ બધાને પેટ આપ્યા છે તેનો ખ્યાલ તો રાખવો પડેને દીકરા.’

‘આ વાત તમે મુદ્દાની કરી કાકા. તો એમ કરો, હું આવતીકાલે વિચારીને તમને કહું. તમે મને તમારો મોબાઈલ નંબર આપો.’
તરુણા પર્સમાંથી તેનો મોબાઈલ કાઢતાં બોલી.

‘હવે શું લેવાને મારી મજાક કરે છે દીકરા? હું રહ્યો સાવ દેશી માણહ મને આમાં કંઈ જાજી ગતાગમ પડે નઈ. આ લે તું જ કાઢી લે આમાંથી નંબર.’ એમ કહીને રણજીતે તેનો મોબાઈલ તરુણાને આપ્યો. એટલે તેણે નંબર સેવ કર્યો અને તરુણાએ તેનો નંબર રણજીતને પેમ્પલેટ પાછળ લખીને આપતાં કહ્યું,' આ મારો નંબર છે.હું આવતીકાલે તમારો કોન્ટેક્ટ કરીશ.’ આટલું બોલીને ચાલતી થઇ રહેલી તરુણાને રોકતા રણજીત બોલ્યો
‘અરે.. તમારું નામ પૂછતા તો હું સાવ ભૂલી જ ગયો’
‘જી, તરુણા.’
‘એ મારું નામ રણજીત. પણ તમારે તો મને કાકા જ કહેવાનું. હોં ને? અને સાંભળો, તમને જો ખરેખર પાલટીમાં જોડવામાં રસ હોય તો મને કે'જો, બધોય વહીવટ મારા હાથમાં જ છે. તમારી ગણતરી પરમાણે હું ગોઠવી દઈશ. બાકીનું બધુય સેટિંગ હું કરી દઈશ. તેની તમે જરીયે ફિકર ન કરતાં.’
‘એ હા.’ આટલું બોલીને તરુણા નીકળી ગઈ.

ત્યારબાદ રણજીત કારમાં આવીને ગોઠવતાં જ બોલ્યો.
‘અલ્યા ચુનિયા પે'લાં મને પાણી પા. ગળું સુકાઈ ગયું મારું તો બાપલા.’
પાણીની બોટલ આપતાં ચુનીલાલે પૂછ્યું
‘પણ તું જે રીતે હળી કાઢીને ધોળતો ગયો, તે કે તો ખરા, કે ઈવડું ઈ હતું કોણ?’
સડસડાટ પાણીની બોટલ ગટકાવીને આસુરી ઓડકાર ખાતાં રણજીત બોલ્યો
‘લોટરી.’
‘લોટરી? એટલે શું? હું કંઈ હમજ્યો નઈ આમાં.' નવાઈ સાથે ચુનીલાલે પૂછ્યું.
‘ઈ પછી તને નિરાંતે કઈશ. અટાણે તું ઝટ શેઠની ઓફિસે ગાડી જાવા દે પે'લાં, હાલ!’
એ પછી ચુનીલાલે કાર ચુંટણી કાર્યાલય તરફ હંકારી.

તરુણા.
દેખાવમાં સાધારણ અને વાને થોડી શ્યામળી. ૨૨ વર્ષીય તરુણાએ બાપ કોને કહેવાય એ ફક્ત કિસ્સા, કહાનીમાં અથવા તો ફિલ્મ અને ટી.વી.ના પડદે જોયેલું કે સાંભળેલું. અને તરુણા સમજણી થઇ ત્યારે એકવાર તેની મા દેવિકા પાસે જીદ કરતાં દેવિકાએ આક્રોશમાં આવીને તેની જાત પરનો કાબુ ગુમાવીને પારાવાર ગુસ્સામાં હાથ ઉગામીને બાપની વ્યાખ્યા એવી સજ્જડ રીતે સમજાવી દીધી કે તે દિવસની ઘડી પછી, બાપ માટે ક્યારેય તરુણાએ એક શબ્દ નહતો ઉચાર્યો.
અભણ અને એકલી દેવિકાએ તરુણાને જન્મ આપ્યા પછી બન્ને એકબીજાનાં સહારે પડતાં આખડતાં વિપરીત સમય અને સંજોગ સામે બાથ ભીડ્યાનાં બે દાયકા બાદ ફરી એકવાર આ શહેરમાં ડો. અવંતિકાના સહયોગથી હજુ એક અઠવાડિયા પહેલાં જ પગ મુક્યો હતો. ડો.અવંતિકા તરૂણાના જન્મ પહેલાંથી જ દેવિકા સાથે આકસ્મિક રીતે ઋણાનુબંધથી જોડાયેલા. જે ડો.અવંતિકા હાલમાં જ અમેરિકા સ્થાયી થયાં. તરુણાને જ્યારથી દુનિયાદારીનું ભાન થયું ત્યારથી તેની આવડત મુજબ, નાનાં મોટાં કામ કરીને ઘરની આર્થિક જવાબદારી તેણે સંભાળી હતી. અભ્યાસ પ્રત્યે પહેલેથી જ તેની અરુચિનાં કારણે, ખપ પુરતું લખતાં વાંચતા શીખ્યા પછી શાળાએ જવાનું છોડી દીધું. ધીમે ધીમે દુનિયાના તમામ રંગો જોઇને તરુણા જાતે ઘડાઈને ભણતર કરતાં ગણતર વધુ શીખી ગઈ. અમુક સંજોગોમાં તેની સુઝબુઝ જોઇને તો દેવિકાને પણ નવાઈ લાગતાં, જયારે તે પૂછતી ત્યારે તરુણા છલોછલ આત્મવિશ્વાસ સાથે જવાબ આપતી.


‘મરદ... મરદ! મા, મરદ. જો કોઈ એકલી સ્ત્રીને આ મરદની કહેવાતી દુનિયામાં જીવવું અને જીતવું હોયને તો જયારે જરૂર પડે ત્યારે મરદને બે પગની વચ્ચે આંટી મારીને રાખતાં આવડવું જોઈએ.’

તરુણાને જે દિવસે એ વાતનો અહેસાસ થઈ ગયો કે આ દુનિયામાં તેને કોઈપણ સંજોગોમાં એકલા હાથે જ લડવાનું છે, તે દિવસથી તેણે તેનાં શબ્દકોષમાંથી ડર શબ્દ હંમેશ માટે ડીલીટ કરી નાખ્યો. તરુણાનો સૌથી મોટો કુદરતી જન્મજાત ગુણ હતો તેની કોઠાસૂઝ.

રણજીત.
આશરે પંચાવન વર્ષીય અવિવાહિત રણજીત.
એક પારંગત, અઠંગ, અનુઠા તકસાધુનાં અનન્ય વ્યક્તિત્વની ઓળખ એટલે રણજીત. લુચ્ચાઈનો ગુણધર્મ તેનાં લોહીનાં ઘટકમાં હતો. પૈસાનો પરમ પુજારી. કોઈની પણ સેવા માટે અડધી રાત્રે દોડી જાય પણ.. પછી તકનો લાભ લઈને સિફતથી તે સેવાની બે ગણી કિંમત પણ વસુલ કરી લેતાં, સ્હેજ પણ આંખની શરમ ન રાખે. માંડ પાંચ સાત ચોપડી ભણેલો. પણ તેના ગુઢ શકુનીશાસ્ત્રથી એકવાર તો કોઈ બુદ્ધિશાળી ખેરખાંને પણ આંટીમાં લઇ લે. રણજીત દરેક ક્ષેત્રની નીચતામાં નિપુણ. પણ, સ્ત્રીની લંપટલીલાથી તે કાયમ દુર રહેતો.
ચુનીલાલ તેના બાળપણનો ગોઠીયો ખરો. પણ હજુ તેને રણજીતના હરામીપણાનો ચેપ નહતો લાગ્યો. અને આમ પણ તેને બે ટાઈમના રોટલા સિવાય બીજી કોઈ ચિંતા પણ નહતી. આમ જુઓ તો તે રણજીત પર નિર્ભર હતો. રણજીત અને ચુનીલાલ બંનેમાં માત્ર એક જ સામ્ય કે, બન્ને સામજિક દ્રષ્ટિએ બ્રહ્મચારી.


રણજીત સાથેની આકસ્મિક મુલાકાત બાદ ઘરે આવ્યા પછી, રાત્રે દેવિકાની બાજુમાં ભોંય પથારીમાં પડ્યા બાદ તરુણા, રણજીતનાં બેવકૂફી ભર્યા વિદુષક વેડાં સાથેની વર્તુંણુકને યાદ કરતાં મનોમન હસવા લાગી. તરુણાને રણજીતની શબ્દજાળ પાથરવાની ઢંગ જરા વિચિત્ર લાગી. એ સિવાય તરુણાએ ખાસ માર્ક કર્યું કે, રણજીતની નજર તેની મર્યાદામાં હતી. રણજીતની દ્રષ્ટિમાં સ્હેજ પણ અશ્લીલતા ડોકાઈ નહતી. આવાં જાતજાતનાં વિચારો સાથે સુવાનો પ્રયત્ન કરવા જતી હતી, ત્યાં જ દેવિકાએ પૂછ્યું
‘શું થયું દીકરા, તારા કામકાજનો કંઈ મેળ પયડો?
‘પડ્યો નથી મા! પણ, લાગે છે કે પડી જશે.’ તરુણા બોલી.
‘હાચુ કઉં દીકરા, આ તો તું જીદે ચડી કે મોટાં સે'રમાં જઈયે. પણ મને તો આ સે'ર અને સે'રનાં માણહ, બેઉની બઉ બીક લાગે. તું આ આવડા મોટા સે'રમાં એકલી કેમની પો'ચી વળીશ?’
‘મા, હું અહીં મારા સપનાંનો પીછો કરતાં આવી છું. મારા સપના આ શહેરથી પણ મોટા છે. તારી વાત સાચી છે. અહીં... ના અહીં નહીં, બધે જ જ્યાં જ્યાં ભયનું સામ્રાજ્ય છે ત્યાં, સૌને ખબર હોવા છતાં પણ લાખો લોકો તેનાં ગજા મુજબનાં સપનાં પુરાં કરવાં કતાર લગાવીને ઊભા છે. અને જ્યાં ગળપણ હોય ત્યાં કીડી મકોડાં તો આવવાનાં જ ને મા! લાગે છે કે મને આ શહેરની તાસીર બહુ જલ્દી માફક આવી જશે, એટલાં માટે કે મને ડર અને ભયથી લગાવ છે.’
‘તારી વાતુંમાં તો મને જરીએ હમજણ નથ પડતી’
પડખું ફરીને સુઈ જતાં દેવિકા બોલી.
એ પછી ક્યાંય સુધી ઊંડા વિચારોમાં ગરકાવ થઈને કાલ્પનિક કેનવાસ પર, બકેટ લીસ્ટ જેવા ચિતરાયેલા તેના સપનાંમાં અસ્સલ હકીકતની લગોલગ લાગે તેવા રંગો પૂરતા પૂરતા ઊંઘી ગઈ.

સમય થયો હશે રાત્રીના ૨:૩૦ નો. રણજીતની પણ ઊંઘ ઉડી ગઈ હતી. એટલે અડધી બીડીની ઝૂડી ખતમ કરી નાખ્યા પછી પણ હજુયે તેના મોઢામાં ભરાવેલી ઓલવાઈ ગયેલી બીડીને સળગાવવા માચિસ ન મળતાં, ફળીયામાં ઢાળેલા સિંદરીવાળા ખાટલામાં ઘસઘસાટ ઊંઘતા ચુનીલાલના તકિયા નીચેથી માચિસ લઈને બીડી સળગાવ્યા પછી, તેનાં દિમાગમાં પણ વિચારોના ગોટે ગોટા ઊઠવા લાગ્યા. તરુણાને જોયા પછી તેને ક્યાંય ચેન નહતું પડતું. અત્યાર સુધીમાં તો રણજીતે તેનાં મગજમાં કંઇક મનસુબા ઘડી કાઢ્યા હતાં. બસ, એક જ વિચાર આવ્યો, કે ક્યારે સવાર પડે અને કોઈ પણ બહાને તરુણાનો કોન્ટેક્ટ કરું. અંતે શારીરિક અને માનસિક થાકથી કંટાળીને ચુનીલાલની બાજુના ખાટલામાં પડતાં પહેલાં ખીંટીએ ટાંગેલા બંડીના ખિસ્સામાં પડેલું વ્હીસ્કીનું અડધું ચપટું ગટગટાવી ગયો.

સવારે તરુણાની આંખ ઉઘડી ત્યારે દેવિકા તેની પથારીમાં નજરે ન પડતાં તે સમજી ગઈ કે નિત્યક્રમ મુજબ નજીકમાં આવેલા રામદેવપીરનાં મંદિરે બેઠી માળા ફેરવતા મનોમન ભજન ગણગણતી હશે. રણજીત સાથેની મુલાકાતને લઈને ગઈકાલ મોડી રાત સુધી તેના મગજમાં મંડાયેલી ચોપાટના પાસા ફેંકી ફેંકીને થાકેલાં માનસિક થાકની અસરથી હજુ પણ તેને પથારીમાંથી ઊઠવાનું મન નહતું થતું.
છતાં પણ પરાણે ઉઠીને કામે વળગી ગઈ.


આશરે ૧૧:૩૦ એ તરુણાના મોબાઈલની રીંગ રણકી. સ્ક્રીન પર જોતા જ તરુણાની ધારણાં સાચી પડી. તે રણજીતનો જ કોલ હતો. તેણે કોલ રીસીવ ન કર્યો. બે મિનીટ પછી ફરી રણજીતની રીંગ આવી. છતાં પણ રીસીવ ન કર્યો.

એ પછીના એક કલાકમાં રણજીતએ ૬ વખત કોલ કરવાના પ્રયત્ન કર્યા પણ નિષ્ફળ. તરુણાએ ઘડેલી, તેની વ્યૂહરચના મુજબ માંડેલી ચોપાટ મુજબ જ પાસા પડવા લાગતા તેને જરા હિંમત આવી ગઈ.

‘તરુણા, તારે આજે કામ હાટુ કઈ બા'ર નથ જાવુ? ’ ખાટલે બેસીને ફાટેલી ગોદડી સીવતાં સીવતાં દેવિકા બોલી.
‘કામ તો હવે ઘરે આવશે મા. મને એવો ભાસ છે કે આ શહેરમાંમાં પગ મુકતા જ કિસ્મતના ચક્કર હવે સીધી દિશામાં દોડવા લાગ્યા છે.’
‘ઠીક છે દીકરા, પણ હમ્ભાળ રાખજે ને હંધુય હમજી વિચારીને ક્યરજે.’ દેવિકા બોલી.

અને હવે સમય થયો સાંજના ૭ વાગ્યાનો. તરુણાએ મોબાઈલ લઈને ગણતરી કરી તો રણજીતના ૨૭ મિસ્ડ કોલ્સ. તરુણાને થયું કે હથોડો મારવાનો સમય આવ્યો, એટલું લોઢું તો હવે ગરમ થઇ જ ગયું છે. એટલે ૮ વાગ્યા પછી રણજીતને કોલ કર્યો.
‘ હેલો.’
‘હેલો, એ તરુણા બોલું છું કાકા, કેમ છો?.’ સાવ ઠંડા અવાજમાં તરુણાએ પૂછ્યું.
થોડીવાર તો રણજીતને એમ થયું કે આ છોકરી જો અત્યારે સામે હોત તો બે-ચાર ઊંધા હાથની ચડાવી દીધી હોત પણ પળમાં બધો જ ગુસ્સો ગળી જતાં બોલ્યો.
‘મને તો સારું છે દીકરા, પણ તું કેમ છે? તેં ફોન ન ઉપાડ્યો તો થયું કે તારી તબિયત તો સારી છે ને દીકરા? ઈ ચિંતામાં ને ચિંતામાં કોલ ક્યરા દીકરા.’
‘હા, ઈ તમારા કોલ મેં હમણાં જ ઘેર આવી ત્યારે જોયા. હું સવારથી જ ઘેરથી નીકળી ગઈ’તી કામ ગોતવા હાટુ. તે છેક હમણાં, બસ હાલ જ આવીને તમારાં આટલા બધા કોલ જોયા તો થયું કે ચાલ પેલા કાકા હારે વાત કરી લઉં.’
‘અરે દીકરા આ તું કેવી વાતું કરે. અને તારે બીજે કશે કામ ગોતવા જવાની હવે શું જરૂર છે? તારો આ કાકો હજુ જીવતો બેઠો છે હોં.’
ચુનિયાને ઇશારાથી બીડી સળગાવીને આપવાનું કહેતા બોલ્યો.

રણજીતના ઇરીટેટ કરતાં સંવાદોને માઇન્ડમાંથી સ્કીપ કરીને બોલી.
‘હા, પણ કાકા તમે કંઈ ચોખવટ કરીને વાત કરો તો મને કઈ ગતાગમ પડે ને. મને તમારાં આ ચુંટણીના કામમાં કંઈ સૂજ ન પડે. અને બે દાડા પછી તમે મને ૨૦૦ રૂપરડી હાથમાં પકડાવીને કાઢી મેલો તો હું ક્યાં જાઉં, બોલો?’

‘ઈ હંધીયે ઉપાધી તું મેલ એક બાજુ. જો મારી વાત સાંભળ. તારી જે ગણતરી હોય ઈ મને આ ઘડીએ જ કઈ દે. એટલે હું હંધુય એ પરમાણે તને ગોઠવી દઉં. બોલ પછી તને શેની ચિંતા છે?' બીડીનો કસ ખેંચતા રણજીત બોલ્યો.

‘ઈ તો મારે વિચારવું પડે. એમ કરોને, તમે કલાક પછી કોલ કરોને.’
તરુણા આંખ મટકાવતા બોલી.
‘તે એમાં શું લે, કલાક રહીને કરું લ્યો. ઠીક સે.’ આટલું સાંભળીને તરુણાએ કોલ કટ કર્યા પછી રૂમની બહાર ઓસરીમાં જઈને ઓટલે બેઠા પછી વિચારરથના ચક્રો ગતિમાન કરતાંની સાથે મનોમંથનનો દોર પણ શરુ થયો.

સૌ પ્રથમ શંકાની સૂચિની શરૂઆત કરતાં વિચાર આવ્યો કે, બની શકે કે કદાચને ડોસો મને રૂપિયાની લાલચ આપીને આસાનીથી તેનું બિસ્તર ગરમ કરવાની તજવીજમાં હોય. પણ જો તેનો માત્ર એ જ મનસુબો હોય તો તેના માટે આવડાં મોટાં શહેરમાં હું એક જ થોડી છું? અને ઉપરથી હું વળી એવી રૂપાળી પણ ક્યાં છું? અને એ મુદ્દા તરફ તેણે કોઈ ગર્ભિત ભાષા અથવા દ્વિઅર્થી શબ્દોમાં પણ વાત કરવાની ચેષ્ઠા નથી કરી. તો પછી ફક્ત પાંચથી સાત મીનીટની મુલાકાતમાં આટલા કોલ કરીને આટલો આગ્રહ શા માટે કરતો હશે? એક વાર મળી લેવામાં શું વાંધો છે? તેલ અને તેલની ધાર જોઇને આગળનું વિચારીએ. રખેને આ શહેરમાં મારા કિસ્મતનું બંધ તાળું ખોલવા માટે રણજીત નિમિત માત્રની કુંચી બનીને આવ્યો હોય, એવું પણ શક્ય છે.
હજું આગળ વિચારે ત્યાં જ રીંગ વાગતાં જોયું તો રણજીતનો કોલ. એટલે એકદમ સ્વસ્થ થઈને કોલ રીસીવ કરતાં બોલી.

‘હા, કાકા બોલો.’
‘હવે છેલ્લે શું વિચાર કયરો દીકરા, કે પછી હજુ લગી તારું મન નઈ માનતું?’
‘ના, કાકા એવું કઈ નથી પણ..’ આગળ બોલતા તરુણા અટકી ગઈ.
‘પણ, શું એ કઈશ?’ અધીરાઈથી રણજીતએ પૂછ્યું.
‘મૂળ વાત રૂપિયાની છે કાકા. કેટલા રૂપિયા? કયારે આપે? કોણ આપે? બસ એ કઈ દિયો તો બાકી પછી મારે આગળ કંઈ પૂછવું નથી કે વિચારવું પણ નથી, બોલો.’ તરુણાએ છેલ્લું તીર છોડ્યું.

‘જો તને હું રોજના ૩૦૦ રૂપિયાની સગવડ કરી દઈશ. અને તને જો મારા પર ભરોહો ન આવતો હોય તો દસ દિવસના...રોકડા રૂપિયા ૩૦૦૦ પેલા તારા હાથમાં મેલી દઉ, પણ આ વાત તારે બીજા કોઈની પાહે નઈ કરવાની. હવે બોલ.’
રણજીતએ બ્રહ્માસ્ત્ર છોડ્યું.

‘હમ્મ્મ્મ.. કાકા, હવે તમારી આ વાત કઈક મારા ભેજામાં ઉતરે એવી છે. તો બોલો હવે મારે શું કરવાનું છે ઈ કયો?’ ખુશ થતાં તરુણા બોલી.
‘તને મેં જે ઓલું જાહેરાતનું ફરફરિયું આયપું છે ને, ઈમાં ઓફીસનું સરનામું છે.
ન્યા તું સવારે ૧૦ વાગે પુગી જા જે બસ. તું આવ પછી બાકીની વાત તને હું હમજાવી દઉ.’
‘ઠીક છે કાકા, હું ફોન રાખું છું’ એમ બોલીને તરુણાએ કોલ કટ કર્યો.
તરુણા અને રણજીત બંનેએ પોતપોતાની વિચારશક્તિ મુજબના રચેલા વ્યૂહરચનાનાં આકાશમાં ઈમેજીનેશનનાં ઇન્જીનમાં ઈચ્છાનું ઇંધણ ભરીને ઉડવા લાગ્યા. એકતરફ તરુણાને, તેનાં ચરિત્રને સ્હેજ પણ દાગ લગાવ્યા વિના કોઈપણ ભોગે પુરુષપ્રધાન સમાજમાં તેની એક મોભાદાર અલગ છાપ ઊભી કરવા માટે તેના સપનાંનો પીછો કરવાની તાલાવેલી હતી.

તો આ તરફ રણજીતને તેની જાણ બહાર વર્ષોથી દટાયેલા અને અચાનક હાથ લાગેલા કુબેરના ખજાનાને કોઈપણ ભોગે રોકડી કરવાની તલબ હતી.


વધુ આવતાં રવિવારે...