“એ ઉભા રીયો, ઉભા રીયો, તમને કવ છું”,
ગઈકાલે સાંજે દૂધ લેવા જતી હતી ત્યાં રસ્તામાં પાછળથી અવાજ સંભળાયો અને સામેથી આવતા બહેને કહ્યું, “પેલી છોકરી તમને બોલાવે છે.”
મેં પાછળ ફરી ઈશારાથી એને થોભવાનું ન કહ્યું હોત તો એ રોડ ક્રોસ કરવા જતાં કોઈની કાર સાથે ભટકાઇ ને ઇજાગ્રસ્ત થઈ હોત.
મારા તેની પાસે પહોંચતા જ તે પાંચેક વર્ષ ની બાળકી હાંફતી હાંફતી બોલવા લાગી,
“ તમને ક્યારનીય બોલાવું છું, ઊભાય નય રેતા.”
“બોલો ને, શું કહેવું છે?”
“ તમને યાદ નય હોય,”
“હા, બરાબર છે”
“ તે દી તમે આવી રીતે આઈથી હાઇલા જાતાતા ને, કેડબરી પાઈનેપલ ની મોટી બધી ચોકલેટ,”
એક ક્ષણમાં અચાનક ઘણા મહિનાઓ પહેલાની ઘણી ઘટનાઓ સડસડાટ પલકારામાં યાદ આવી ગઈ. અને મેં તેને કહ્યું,
“હા.”
અને એ બોલી,
“ તે દી મારો નાનકો ભઈ બવ રોતો તો, તમે ઊભા રીયા, માથે હાથ મુઈકો, એનું રોતું મોઢું લુયું અને મારા ભઈને ઈ મોટી બધી ચોકલેટ આઈપી તી, તમે ઠેકું બોઇલા તા, ઈ રોતો બંદ થ્યો એટલે તમે મને ઈ કેમ રોવે છ? ઇ પૂઈછું તુ, મેં એને માઇરુ તુ, એટલે તમે મને ભઈ ને મારવાની ના પાઇડી તી,
“હા, યાદ આવ્યું, ઠેકું નહીં, થેંક્યું”.
“પછી તમે વયા ગયા તા ને અમે ઘરે ગયા, ઘરે પાછો રોવા મઈન્ડો, ઓલા દોઇકતર પાસે લઈ ગયા તા,
“દોઇકતર નહીં ડોકટર ને? દવાખાને ગયા હતા ને?”
“હા, ઈ જ, ન્યા લઈ ગયા તા”
“કેમ?, ભાઈને શું થયું હતું?”
“ ઈ કેતા તા, એને ડાબી તીસ થ્યું છે, એને જનમથી જ હઇસે,”
“ડાબી તીસ એટલે ડાયાબિટીસ જ ને ?”
“ હા, ઈ જ, ઈ જ ઘટી ગ્યું તું, કેતા તા ભઈએ ઈ ચોકલેટ નો ખાધી હોત તો ત્યારે ઈ મરી જાત. તે દી થી હું એને કોઈ દી મારતી નથી, હું મારું ને ઈ મરી જાય તો ? , તમારું ઠેકું હો, મારો ભઈ બચી ગ્યો છે,”
“ એ ચોકલેટ મારા બેસ્ટ ફ્રેન્ડએ મને આપી હતી”
“ ફેદ એટલે સુ?”
“ફ્રેન્ડ એટલે ભેરૂ ”
“ તો એનેય ઠેકું, તમે અમારું બવ હારૂ કઈરુ છ, ભગાન તમારા બેયનું બવ હારૂ કરે.”
“ થેંક્યું, આજે તારો ભાઈ ક્યાં છે?”
“ ઘરે છ ”
“ સોરી, આજે ચોકલેટ નથી, પારલે - જી ગ્લુકોઝ બિસ્કીટ છે, ચાલશે ?”
“ દોડસે, લે, મારા ભઈ સાટુ હું દુકાને ઈ લેવા તો જાતી તી”
તેના હાથમાં બિસ્કીટ આપતા કહ્યું, “ થેંક્યું.”
એ હરખાઈને બોલી, “ ઠેકું.”
એને હસતી કૂદતી જતા જોઈને મારા મોંમાંથી અનાયાસે એક શબ્દ સરી પડ્યો,
“ ઋણાનુબંધ”.
હું ક્યારેય ચોકલેટ્સ ખાતી જ નથી, છતાં પણ મારાં બેસ્ટ ફ્રેન્ડ એ મારા માટે પ્રેમથી ચોકલેટ ખરીદી હતી, મહાપ્રયાસે અને પરાણે મને આપી હતી.
અને મેં તે ચોકલેટ અનાયાસે એક નાનકડા અઢી વર્ષના બાળકને રડતો શાંત કરવા માટે આપી હતી જેનાથી એનું જીવન બચ્યું અને તે ચોકલેટ તેના નવજીવન નું શુભ કારણ બની. અને તેની નાનકડી બહેને અમને અંતરના આશીર્વાદ આપ્યા હતા.
ઋણાનુબંધ ઘણા અદભૂત હોતા હોય છે.
કહે છે ને કે આપનારનો અને લેનારનો ભાવ શુદ્ધ પ્રેમ હોય તો એ ભાવ કોઈને જીવનદાયી બને જ છે.
પ્રેમ અખૂટ મહાસાગર છે, જેટલો વહેંચીએને એટલો વધતો જ જાય.
વ્હાલને હંમેશા વહેંચતા રહેવુ, કોઈના આશીર્વાદ લાગે ત્યારે આપણુ જીવ્યું સાર્થક બની જતુ હોય છે.
ધન્યવાદ, Thank you.
#VBD
#ask2vidhi