Bhoyrano Bhed - 3 in Gujarati Thriller by Yeshwant Mehta books and stories PDF | ભોંયરાનો ભેદ - 3

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

ભોંયરાનો ભેદ - 3

ભોંયરાનો ભેદ

યશવન્ત મહેતા

પ્રકરણ – ૩ : બે ખલાસી

વળતી સવારે વિજય વહેલો પાંચ વાગ્યામાં જાગી ગયો. ટીકૂ તો મોં-માંથે રજાઈ ઓઢીને ઊંઘતો હતો. વિજયે એને ઢંઢોળ્યો. હડબડાવ્યો. અઢી ડઝન બૂમો પાડી. ટીકૂ માંડ માંડ જાગ્યો અને આંખો ચોળતો બેઠો થયો.

વિજયે એની પીઠે જોરદાર ધબ્બો મારી દઈને કહ્યું, ‘ઊઠ, એય ઊંઘણશી ! વહેલી સવારે દરિયે નહાવા જવું છે ને !’

ટીકૂની ઊંઘ માંડ માંડ ઊડી. એ બબડ્યો, ‘અત્યારના પહોરમાં નહાવાનું ?’

વિજય કહે, ‘નહાવાની ખરી મઝા અત્યારના પહોરમાં જ છે. વહેલી પરોઢને આપણા બાપદાદા બ્રાહ્મમુહૂર્ત કહેતા હતા અને તપસ્વી લોકો આ મુહૂર્તમાં જ નાહવાનું પસંદ કરતા.’

‘પણ હું તપસ્વી નથી ને !’

‘વિદ્યાર્થી તો છે ને ! દરેક વિદ્યાર્થી તપસ્વી હોવો જોઈએ. નહિતર વિદ્યા સાંપડે નહિ. લે ઊઠ હવે !’

વિજયે ટીકૂને ધરાર ઉઠાડ્યો અને દરિયાકાંઠે ખેંચ્યો.

હજુ ચારે બાજુ ઘેરું અંધારું ફેલાયેલું હતું. આકાશમાં થોડાક તારા ટમટમ ટમકતા હતા અને અંધારા સામે ટક્કર લેવા કોશિશ કરતા હતા – આઝાદી માટે લડતા મુઠ્ઠીભર લડવૈયાઓની જેમ ! પણ એમની કોશિશ નકામી હતી. અધૂરામાં પૂરું દરિયાના પાણીમાંથી રાતભર નીકળેલી વરાળો ઠંડીને કારણે ઝાકળના થર જેવી બનીને જામી ગઈ હતી. એટલે દસ હાથ છેટે પણ જોઈ શકાય એમ નહોતું.

એમ છતાં વિજય તો એકદમ પહેરણ કાઢીને પાણીમાં ખાબકી પડ્યો. એ બોલ્યો, ‘આવી જા, ટીકૂ ! યાહોમ કરીને ઝુકાવી દે !’

ટીકૂ સખત અદબ ભીડીને ઊભો જ રહ્યો. ‘ના, ના ! હું તો અહીં ઊભો ઊભો જ ઠરી ગયો છું. ઠંડા પાણીમાં પડું તો ઠીકરું થઈ જાઉં !’

વિજય કહે, ‘એ જ તારી ભૂલ છે. શિયાળામાં નદી-તળાવ-દરિયાનાં પાણી ઊલટાનાં હૂંફાળાં હોય છે. એક વાર હિંમત કરીને ઝુકાવી દો પછી વાંધો નહિ !’

એટલે પછી ટીકૂને પણ હિંમત આવી. એ પણ દરિયામાં ખાબકી પડ્યો. અને ખરેખર એની ટાઢ ઊલટાની ઊડી ગઈ. એને છીછરાં પાણીમાં છબછબિયાં કરવાની અને ડુબકીઓ મારવાની મઝા આવી ગઈ.

બંને છોકરા ધીરે ધીરે વધુ ને વધુ ઊંડા દરિયામાં આગળ વધતા જતા હતા. ટીકૂની હિંમત પણ વધતી જતી હતી.

આવી રીતે એણે એક વાર ડુબકી મારી હતી. એ જ વેળા આચાનક...

‘ખબરદાર ! ટીકૂ ! જલદી આ બાજુ આવતો રહે !’

એ વિજયની બૂમ હતી. ધુમ્મસઘેરા દરિયા ઉપર કોણ જાણે ક્યાંથી એક હોડી આવી પહોંચી હતી. એ ત્રણ-ચાર મીટર દૂર સુધી પહોંચી ગઈ ત્યાં સુધી છોકરાઓને દેખાઈ પણ નહોતી. એ સરસરાટ કરતી ધસી આવી અને ટીકૂ તરફ જ આવી. જો ટીકૂ સહેજ અસાવધ રહે તો એનું માથું હોડી સાથે અફળાઈ-ટીચાઈ જાય.

પણ એણે જેવું પાણીમાંથી ડોકું બહાર કાઢ્યું એવી જ વિજયની બૂમ સાંભળી. એ ઝડપથી એક બાજુ સરી ગયો.

એ તો બચી ગયો, પણ હોડી બચી ન શકી. હોડી હંકારનારાઓએ પણ વિજયની બૂમ સાંભળી હતી. આગળ છોકરાઓ નાહી રહ્યા છે એવો એમને ખ્યાલ આવી ગયો હતો. એમણે અચાનક હોડીનું સુકાન મરડ્યું અને અંધારાને કારણે દિશાનું ભાન ન રહ્યું. હોડી સરસરાટ કરતી કિનારાની રેતી ઉપર ચડી ગઈ અને અટકીને ઊભી રહી ગઈ.

વિજય કહે, ‘જો, બિચારાઓને બરાબર દેખાયું નહિ અને હોડી કાંઠે ચડી ગઈ !’

ટીકૂ કહે, ‘એનો વાંધો નહિ ! મારે માથે ચડી જાય એને બદલે રેતમાં ચડી છે ! ચાલ, હવે આપણે એમને હોડી તરતી કરવામાં મદદ કરીએ.’

‘તારી વાત સાચી છે. ચાલ.’

બંને છોકરા હોડી પાસે ગયા. હોડી સાત-આઠ મીટર લાંબી હતી. વચ્ચે એક કેબિન હતી અને એમાં મોટર હતી. એટલે કે મોટરથી ચાલનારી આ હોડી હતી. એક બાજુ માછલી પકડવાની જાળ પણ હતી.

હોડીમાં બે માણસો ઊભા હતા. એક દાઢીમૂછવાળો હટ્ટોકટ્ટો માણસ હતો. એણે માથા ઉપર કોઈ કપ્તાને ફેંકી દીધેલી જૂની-ફાટેલી કપ્તાન-ટોપી પહેરેલી હતી. બીજો માણસ પાતળિયો હતો. એણે બંધ ગળાનું આખી બાંયનું સ્વેટર પહેર્યું હતું એટલે વળી ઓર પાતળિયો દેખાતો હતો. એણે માથા ઉપર ઊનની વાંદરા-ટોપી પહેરી હતી. બંને જણા ગુસ્સાની બબડાટી કરતા હતા અને નીચે ઊતરીને હોડીને ખસેડવાની કોશિશ કરતા હતા. પણ હોડી ચસકતી નહોતી.

વિજયે કહ્યું, ‘ઊભા રહો, અમે મદદ કરીએ.’

અને બેથી ભલા ચાર, એ નિયમ મુજબ હોડી આખરે સરકી. રેતી ઉપરથી પાણીમાં ઊતરી અને તરતી થઈ. એટલી વારમાં પેલા બંને માછીમારો બબડાટી કરવા સિવાય કશું બોલ્યા નહોતા. હોડી તરતી થઈ છતાં એમણે છોકરાઓનો આભાર માનતો એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહિ.

નાનો ટીકૂ મૂળે વાતોડિયો છોકરો. એને થયું કે આ માછીમારો સાથે જરાક વાત કરીએ. એ બોલ્યો, ‘આવી અંધારી રાતે તમે માછલી પકડવા ગયા હતા ?’

દાઢીવાળો બોલ્યો, ‘જવું પડે.’

એ કડક રીતે બોલ્યો હતો. જાણે આગળ વાત કરવાની એની ઈચ્છા ન હોય.

તોય ટીકૂ તો બોલ્યો, ‘કેટલીક માછલી પકડી ?’

‘થોડીક !’

આમ કહીને દાઢીવાળાએ હોડીની મોટર ચાલુ કરી. મોટર ધમધમાટ કરતી ગાજી ઊઠી.

દાઢીવાળો ટીકૂની દરેક વાતને કાપી નાખતો હોવાથી ટીકૂ ઢીલો પડી ગયો. એ નીચે માથે રેતી જોવા લાગ્યો.

એકાએક એ બોલી ઊઠ્યો, ‘જુઓ ! વિજય ! આ શું છે ? એ હોડીવાળા ભાઈઓ ! ઊભા રહેજો ! જુઓ, તમારું શું પડી ગયું છે ?’

સૌએ નીચે રેતીમાં નજર કરી. આછા અંધારામાં પણ રેતીમાં પડેલી એક ચીજ દેખાઈ આવતી હતી. એ એક ઘડિયાળ હતી !

ઘડિયાળ નવીનક્કોર હતી અને ચમકતી હતી. એને કાંડે બાંધવા માટેની સાંકળ પણ ચમકી રહી હતી. ટીકૂએ તે ઉપાડી લીધી અને કહ્યું, ‘આ ઘડિયાળ પાણીમાં ન પડી તે સારું થયું. નહિતર હાથ જ ન લાગત. લો, તમારી જ છે ને ?’

એમ કહીને ટીકૂ આગળ ચાલ્યો. હોડીની પાસે જઈને એણે હાથ લાંબો કર્યો.

એકાએક જાણે કોઈ સમડી મીઠાઈનાં પડીકાં પર ઝડપ મારે એમ દાઢીવાળાએ ઝડપ મારી અને ટીકૂના હાથમાંથી ઘડિયાળ ઝૂંટવી લીધી. એટલું જ નહિ, આભાર-ઉપકારનો એક અક્ષરેય બોલ્યા વગર એણે હોડીની મોટર ચાલુ કરી દીધી અને ઘમઘમાટ કરતી હોડી હંકારી મૂકી.

બિચારો ટીકૂ ! એ તો એકદમ ખસિયાણો જ પડી ગયો. કોઈકે એના હાથમાં પેંડો મૂકીને વળી છીનવી લીધો હોય એવું એને લાગી આવ્યું. એ બબડ્યો, ‘ગજબના વિચિત્ર અને અકોણા આદમી છે આ માછીમારો ! એણે ઘડિયાળ મારા હાથમાંથી ઝૂંટવી લેવાની શી જરૂર છે ?’

વિજય કહે, ‘આ દરિયા ઉપર જિંદગી ગાળનાર લોકો કદાચ આવા જ અણઘડ બની જતા હશે. એમાં વળી આપણે કારણે એમની હોડી કાંઠે ચડી ગઈ, એટલે ગુસ્સામાં હશે.’

પણ ટીકૂની વાર્તારસિક ખોપરીમાં વિચારોની ગાડી જુદે જ પાટે ચાલતી હતી. એ આગળ બબડ્યો, ‘વિજય ! તું માન કે ન માન, પણ મને આમાં કશોક ભેદ લાગે છે. પેલી ઘડિયાળ નવીનક્કોર હતી. એની સાંકળી સોનાની હતી. આવી ઘડિયાળ માછીમારો પાસે ન હોય. અને એક બીજી વાત તારા ધ્યાનમાં આવી ખરી ? એ લોકોની હોડીમાં માછલી તો એકેય નહોતી ! આપણે એમને પૂછ્યું કે, તમે કેટલીક માછલી પકડી, ત્યારે પણ એમણે જવાબ ઉડાડી દીધો હતો... મને લાગે છે કે આ લોકો જરૂર ઘડિયાળોની દાણચોરી કરતા હશે...!’

વિજય પાછો પાણીમાં પડ્યો હતો. એ બોલ્યો, ‘અરે ટીકૂડા ! તારા દિમાગમાં ચોરો, ચાંચિયા અને દાણચોરો જ હડિયાપાટી કરતા લાગે છે. બીજું કશું તારા દિમાગમાં કદી પેસે છે કે નહિ ? હવે દાણચોરોને પડતા મૂક અને આવ, પાછો પાણીમાં આવી જા ! જો, પેલી હોડીને ખસેડવા જતાં આખાં શરીરે કાદવ ને રેતી લાગ્યાં છે.’

આમ, વિજયે ટીકૂને ધમકાવ્યો, એટલે ટીકૂએ બબડાટ બંધ કરી દીધો. એ પણ દરિયામાં પાછો કૂદી પડ્યો અને નહાવા લાગ્યો.

બંને જણા કલાકેક સુધી દરિયાનાં હૂંફાળા પાણીમાં નહાતા રહ્યા. પછી કપડાં પહેરીને ઘેર ગયા ત્યારે કકડીને ભૂખ લાગી હતી. છોકરીઓએ નાસ્તો બનાવી રાખ્યો હતો એની ઉપર બંને જણ ઝપટી પડ્યા. છોકરીઓએ પણ એમની સાથે દૂધ-નાસ્તો પતાવ્યાં. નાસ્તો કરતાં કરતાં જ વિજય અને ટીકૂએ પેલા માછીમારોની વાત છોકરીઓને કહી.

પછી ફાલ્ગુનીએ કહ્યું, ‘કાકા કહે છે કે ખોદકામમાં હમણાં તમારી મદદની જરૂર નથી. આ બાજુનાં ખેતર-પાદર જુઓ અને મજા કરો.’

ટીકૂ કહે, ‘તો ચાલો ઊપડીયે.’

મીનાએ પૂછ્યું, ‘કઈ બાજુ જઈશું ?’

વિજય કહે, ‘પહેલાં તો ભાટિયા ગામ જોઈ લઈએ. ત્યાંની બજાર, પોસ્ટ ઓફિસ, દવાખાનું, બધું ક્યાં છે એ જાણી લઈએ, એટલે ગમે ત્યારે જરૂર પડે તો ફાંફા મારવાં ન પડે.’

ફાલ્ગુની કહે, ‘આઈડિયા તો ફક્કડ છે ! મને લાગે છે કે રસ્તામાં આપણે શીલાને પણ મળતાં આવીશું. એ અહીં એકલી જ છે. આપણને જોઈને આનંદમાં આવી જશે.’

‘બરાબર, બરાબર !’ સૌ બોલી ઊઠ્યાં. હજુ સવારનો ઠંડો પહોર હતો. નવેક વાગ્યા હતા. સૂરજ ઊગ્યો હતો, પણ એનો તડકો તેજ લાગતો નહોતો. ઠંડા વાતાવરણમાં સૌએ કૂચ શરુ કરી. રસ્તામાં શીલાનું ઘર આવ્યું. ઝાંપે ઊભાં રહીને ફાલ્ગુનીએ બૂમ પાડી : ‘શી...લા...!’

પણ જવાબ ન મળ્યો. બીજી, ત્રીજી ને ચોથી બૂમનો પણ જવાબ ન મળ્યો એટલે ફાલ્ગુની કહે, ‘ઘેર કોઈ લાગતું નથી. શીલા કદાચ બહાર ગઈ હશે. આ ઘર આખું એને માથે છે. રસોઈ, સફાઈ, ખરીદી, બધું જ એને કરવાનું એટલે આપણી જેમ નવરી ન હોય !’

વિજય કહે, ‘ખેર ચાલો ! આપણો ગામ જોઈ આવીએ. પાછાં વળતાં વળી એને બૂમ પાડીશું. હશે તો મળીશું.’

શીલાના ઘર પછી ગામ છેટું નહોતું. બે-ત્રણ ખેતર વટાવ્યા પછી પાદર આવ્યું અને પછી ગામ પણ આવી ગયું. ગામના ઝાંપા આગળ જ નિશાળ હતી. એની બાજુમાં પોસ્ટ ઓફિસ, નાનકડું દવાખાનું અને પંચાયતની કચેરી હતાં. પંચાયતના મકાનમાં જ ગામના પોલીસ પટેલની પણ કચેરી હતી.

એ પછી બજાર શરૂ થતું હતું. ગામના પ્રમાણમાં બજાર સારું એવું મોટું હતું. કદાચ બાજુનાં નાનાં ગામડાંના લોકો પણ હટાણું કરવા ભાટિયા આવતાં હશે. વળી, ગામ દરિયાકિનારે હતું એટલે થોડોક દરિયાઈ વેપાર પણ ખરો. એટલે બજારમાં માણસો ખૂબ હતાં. હારબંધ નાની-મોટી હાટડીઓ હતી. કેટલીક મોટી દુકાનો પણ હતી.

એકાએક મીના બોલી ઊઠી, ‘જુઓ જુઓ ! શીલા એ ઊભી !’ મીનાએ ચીંધેલી દિશામાં સૌએ નજર કરી.

ટીકૂ બોલી ઊઠ્યો, ‘અને જુઓ ! શીલા સાથે પેલા બે માછીમારો ઊભા છે ! આજે પરોઢિયામાં આપણને દરિયાકાંઠે મળ્યા હતા એ જ એ માછીમારો છે. જો ફાલ્ગુની ! પેલો દાઢીવાળો છે ને, એણે જ મારા હાથમાંથી ઘડિયાળ ઝૂંટવી લીધેલી !’

મીનાએ બૂમ પાડી, ‘ઓ શીલા !’

એ બૂમ સાંભળતાં જ શીલા ચોંકી ઊઠી. એના ચહેરા ઉપર થોડોક ભય તરી આવ્યો. અને એની સામે ઊભેલા પેલા બંને જણા તો એકદમ નીચી મૂંડી કરીને ચાલતા જ થઈ ગયા !

શીલા ધીમે ડગલે એમની નજીક આવી. ફાલ્ગુની બોલી ઊઠી, ‘શીલા ! અમે તો તારે ઘેર જઈ આવ્યાં ! કેટલીય બૂમો પાડી.’

શીલા કહે, ‘મારે... છે ને... મારે થોડુંક કામ હતું... થોડીક ચીજો ખરીદવાની હતી... એટલે છે ને... હું હમણાં જ ગામમાં આવી...’

ટીકૂ બોલી ઊઠ્યો, ‘શીલા ! તારી સાથે વાતો કરતા પેલા બે માણસ હતા ને, એમને તું ઓળખે છે ? અમને લાગે છે કે એ દાણચોરો છે !’

ફાલ્ગુની એકદમ કહેવા લાગી, ‘ટીકૂ ! જરા બોલવાનું ભાન રાખ ! તું ઓળખે છે એ લોકોને ? કદાચ એ સીધાસાદા માછીમારો પણ હોય !’ આટલું કહીને ફાલ્ગુનીએ શીલા ભણી જોયું. શીલાનો ચહેરો એકદમ લેવાઈ ગયો હતો અને સફેદ પૂણી જેવો બની ગયો હતો.

એ અચકાતાં અચકાતાં બબડી, ‘એ લોકો... તમને કેવી રીતે એવું લાગ્યું... દાણચોરો...?’

એટલે ફાલ્ગુની એની વહારે આવી, ‘શીલા ! તું અચકાઇશ નહિ ! આ અમારો ટીકૂ તો છે જ મૂરખ ! એને દુનિયામાં ડાકુઓ અને દાણચોરો સિવાય કશું દેખાતું જ નથી ! બનેલું એવું કે વિજય અને ટીકૂ આજે પરોઢમાં દરિયે નહાવા ગયા હતા. ત્યાં એમણે આ બે જણાને જોયા હતા. ટીકૂએ માની લીધું કે એ દાણચોરો જ હશે.’

એમ બોલીને ફાલ્ગુની હસી પડી. એ ટીકૂની વાતને હસી કાઢવા માગતી હતી, જેથી શીલાની ભોંઠપ ઓછી થાય. શીલા જે લોકો સાથે વાતો કરતી હતી એ લોકો દાણચોરો છે એવું એને જ મોંએ કહીને ટીકૂએ બાફી માર્યું હતું. એ વાતને વાળી લેવા માટે ફાલ્ગુની કોશિશ કરતી હતી.

શીલા પણ એની સાથે આછું આછું હસવા લાગી. પછી એ બોલી, ‘આ લોકો તો ખાલી માછીમારો જ છે. મારા મામા એમને ઓળખે છે. એ લોકો ઘણી વાર અમારે ઘેર આવે છે.’

વિજયે પણ આ વાત ઉપર પરદો પાડવા માટે કહ્યું, ‘બરાબર, બરાબર ! અમારા ટીકૂભાઈની સોમાંથી નવાણું કલ્પનાઓ ખોટી જ પડે છે ! ચાલ, શીલા, તારે જે ખરીદવું હોય તે ખરીદી લે, પછી આપણે સાથે જ પાછાં વળીએ.’

આમ, ફાલ્ગુની અને વિજયે દાણચોરોવાળી વાત ટાળી દીધી. સૌનાં મન હળવાં થઈ ગયાં. શીલાએ બજારમાંથી થોડાક મરીમસાલા ખરીદ્યા. પછી બધાં હસતાં ને વાતો કરતાં ગામ બહાર નીકળ્યાં.

(ક્રમશઃ)