Putra in Gujarati Short Stories by Rupal Vasavada books and stories PDF | પુત્ર

Featured Books
Categories
Share

પુત્ર



સાંકડી,ગીચ ગલીઓમાં, છાજલીઓ પર અને દરવાજે, પ્લાસ્ટિકના વાસણોમાં પાણી ભરેલું હતું. એના પર છાપરાંની કિનારીઓમાં જામેલું વરસાદી પાણી ટપકી, નિરવ શાંતિમાં ખલેલ પહોંચાડી રહ્યું હતું. આખા દિવસની મજૂરી અથવા રખડપટ્ટી પછી થાકેલો ગરીબવર્ગ ગમે તેમ ઓરડીમાં, સાંકડમોકડ સમાઈને ઊંઘ લેવા મથી રહ્યો હતો. એક ખોરડામાં ઝાંખો પ્રકાશ પથરાયેલો હતો. બારણાં પાસે એક ટૂંટિયું વળેલો પડછાયો છાના ડૂસકાં ભરી રહ્યો હતો.

મોડી સાંજે પારકાં ઘરનાં કામ કરી, ઘરે આવીને જ્યારે રમા દીકરીને જમાડતી હતી ત્યારે વિફરેલા પતિએ કારણ વગર ધોલ ધપાટ કરી. નાસીને તે વિધવા માતાની ઓરડી પર આવી. પડખાંમાં વાગેલા ઘા કરતાંય, આ પતિની રોજની મારપીટની ટેવ વધુ દર્દ આપતી હતી. રાતના સૂનકારમાં પોતાનું ભવિષ્ય કેટલું ધૂંધળું છે એ વિચારે તે વધુ વ્યથિત હતી. ઘરખર્ચ રમા ઉપર જ ચાલતું એમ કહી શકાય. પતિ અડધો પગાર આપતો. બાકીનો ઉડાવતો. હવે એનું વિશ્વ પોતાની દીકરી અને માતા પૂરતું જ સીમિત થવા લાગેલું.

રમાની આંસુથી ધૂંધળી બનેલી નજર સામેના ઘર પર અટકી. એ ઘરમાં પુત્રના મોતનો આઘાત પડઘાયા કરતો હતો. જુગાર પાછળ દેવું કરી સુરેશ નામનો એક શખ્સ આપઘાત કરી મૃત્યુ પામેલો. સુરેશ ઘરમાં હોય ત્યારે મહદઅંશે રાડો પાડયા કરતો. કકળાટ કરતા દિકરાથી કદાચ માબાપ છૂટ્યાની લાગણી અનુભવતા હશે એ ધારણા જરા પણ ખોટી નહોતી. ઘરે પાછાં જવું કે નહિ.... આવનારી સવાર કેવી ઉગશે વગેરેની કલ્પના કરતી રમા ઉંબરા પાસે જ ઢળી પડી.

આંખ ખુલી ત્યારે ખાસ્સું અજવાળું પથરાઈ ચૂક્યું હતું. પોતે શારીરિક અને માનસિક રીતે એટલી હદે થાકેલી હતી કે નાના મોટાં વાહનોના અવાજ, સાર્વજનિક શૌચાલય જવા કે નાહવા નીકળેલા લોકોની લડાઈઓ, પાણીની લાઇનમાં ઉભેલા લોકોની ગાળાગાળી, કશું કાને ન પડ્યું.

સફાળા બેઠાં થઈ જોયું તો કાયમ બનાવતી એ જ સમયે એની મા રોટલા ટીપી આગમાં શેકતી હતી. પુત્ર ભાગી જતાં જાતજાતનું કામ કરી એનો ઘરડો ચહેરો વધુ સખત અને રુક્ષ બની ગયેલો. કદી ન ખસનારી નિરાશા અને દુઃખની રેખાઓ માના મોં પર બેચાર વાર રાહત પામતી દેખાતી જ્યારે તે ગરમ રોટલો રમાની દીકરીને ખવડાવતી.

એક બટકું રોટલો અને પા વાડકી કડક, પાતળી ચા લઈ રમા ફરી ઉંબરે આવી. સામેના બારણે કોઈ શોક કે વિષાદ ન દેખાયો. સુરેશની મા ધોયેલાં કપડાં બહાર નાખી રહી હતી. પિતા ધીમા અવાજે કોઈ ગીત ગણગણતા હતા. આ તરફ રમાના પતિએ રમાને પાછી બોલાવવા કોઈ હલચલ આદરી નહોતી.

ઘણી વખત મન થતું કે પતિ સાથે રહી જીવન બરબાદ કરવાં કરતાં, માતા સાથે એના સિલાઈ કામની ફેક્ટરીએ જઈ કામ કરવું સારું. માતા પુત્રી શું કામ એકબીજાનો સહારો ન બની શકે જ્યારે ઘરનો પુરુષવર્ગ જ ગેરલાયક હોય. પોતાને એક પુત્ર હોય તો સારું રહે એ રમાની કલ્પના પણ હવે આંસુ વડે ધોવાઈ ગઈ હતી.

ગરીબ વર્ગ આજે પણ પુત્રને તારણહાર માને છે. પતિ, પુત્ર ને ભાઈના ત્રાસ વેઠતી એ જ વર્ગની મહિલાઓ જો એકવાર આ પુરુષવર્ગનો બહિષ્કાર કરે તો કેટલાય દુઃખનો અંત આવી જાય. ઘરનો મહત્વનો સ્થંભ આજે પણ ઘણાં ઘરોમાં આ દિવસરાત મજૂરી કરતી અભણ અથવા ઓછું ભણેલી મહિલાઓ છે.

રમાએ નિર્ણય લઈ લીધો છે. રમા માતાની અને માતા રમાની જીવાદોરી બની શાંતિથી જીવન જીવવા તરફ વળી છે. આવનારી પેઢીને રમાની પુત્રી એક જુદા સક્ષમ અવતાર સાથે મળશે જે ભાઈ, પતિ કે પુત્ર એવા કોઈની પીડા દાયક સ્મૃતિ સાથે નહી ઉછરી હોય. પેઢીઓથી પુત્રને, પુરુષોને જ અંતિમ સહારો માનતો ગરીબ અને દુઃખી વર્ગ, પુત્ર જ સર્વસ્વ એવી ભ્રમણામાંથી ઉગરે એવા અનાયાસ પ્રયાસ તરફ રમાએ પ્રયાણ કર્યું છે.

રૂપલ વસાવડા