VEDH BHARAM - 8 in Gujarati Fiction Stories by hiren bhatt books and stories PDF | વેધ ભરમ - 8

Featured Books
Categories
Share

વેધ ભરમ - 8

અશ્વિને આપેલ તેના કર્મચારીની ડીટેઇલ્સનું લીસ્ટ રિષભે શાંતિથી જોયુ અને પછી કહ્યું “આમા તમારા બધા જ કર્મચારી આવી ગયા છે ને? કોઇ નામ બાકી તો નથી રહી ગયું ને?”

“હા, બધા જ કર્મચારી આવી ગયા છે. મે ચેક કરીને જ તમને આપ્યુ છે.” અશ્વિને કહ્યું.

“તો પછી આમા નિખીલ જેઠવાનું નામ કેમ નથી?” રિષભે સીધો જ પ્રહાર કરતા કહ્યું.

આ સાંભળી અશ્વિનના ચહેરાનો રંગ ઉડી ગયો અને તે થોથવાતા બોલ્યો “એ તો એવુ છે કે તે અમારો કાયમી કર્મચારી નથી. કોન્ટ્રાક્ટ પર કામ કરે છે. એટલે તે કર્મચારીના લીસ્ટમાં નથી.”

“મે તો તમને તમારા બધા કર્મચારીની વિગત આપવા કહેલુ તે પછી કાયમી હોય, કોન્ટ્રાક્ટ પર હોય કે રોજમદાર હોય.” આટલુ બોલી પછી રિષભ થોડુ રોકાયો અને પછી એકદમ કડજ શબ્દોમાં બોલ્યો “જો અશ્વિનભાઇ તમે જેટલુ છુપાવશો એટલો અમારો શક તમારા પર વધશે. અમે નથી ઇચ્છતા કે અમારે તમને ખોટી રીતે હેરાન કરવા પડે. પણ જો તમે સહયોગ નહીં આપો તો પછી એ યાદ રાખજો કે હું પણ કાઠીયાવાડી જ છું મારી મહેમાનગતિ પણ જોરદાર જ હોય છે.”

આ સાંભળી અશ્વિન એકદમ ઠંડો પડી ગયો અને બોલ્યો “ના, સાહેબ એવુ કંઇ નથી. પણ આ તો ધ્યાન બહાર રહી ગયું.”

“કદાચ તમારાથી એ પણ ધ્યાન બહાર રહી ગયુ હશે કે તમે એકાદ અઠવાડિયા પહેલા એક પાર્ટીમાં દર્શનને મારી નાખવાની ધમકી આપી હતી.” રિષભે એકદમ ધીમેથી કહ્યું.

આ સાંભળી અશ્વિન ધ્રુજી ગયો અને બોલ્યો “અરે સાહેબ એ તો ઝગડો થઇ ગયો હતો એટલે આવેશમાં બોલી ગયો હતો. એમ કંઇ હું કોઇનું ખૂન થોડો કરી નાખુ.”

આટલુ બોલી તે રિષભનો પ્રતિભાવ સાંભળવા રોકાયો પણ રિષભને ખબર હતી કે ક્યારેક મૌન પણ હથીયાર તરીકે કામ આપે છે.

રિષભ કંઇ બોલ્યો નહી તેનાથી અશ્વિન વધુ ગભરાઇ ગયો અને બોલ્યો “શું સાહેબ તમે એવુ માનો છો કે મે દર્શનનું ખૂન કર્યુ છે?”

“હજુ સુધી તો એવુ માન્યુ નથી પણ તમે આજ રીતે માહિતી છુપાવતા રહેશો તો મારે તે દિશામાં પણ વિચારવુ પડશે.” રિષભે એકદમ કડક ભાષામા કહ્યું.

“અરે સાહેબ, દર્શન અને મારે દુશ્મની હતી તે કબૂલ પણ તેના લીધે હું તેનુ ખૂન કરી નાખુ એટલો બુધી વગરનો માણસ હું નથી. આ તો એક પ્રોફેશનલ દુશ્મની હતી તેમા વાર પણ પ્રોફેશનલી જ કરવાનો હોય. તેમા કંઇ કોઇ ખૂન ના કરી નાખે. બીલીવ મી દર્શનના મોત સાથે મારે કોઇ લેવાદેવા નથી.” અશ્વિને એકદમ ગળગળો થઇ ગયો.

“જો અમે તો માત્ર સબૂત પર જ ભરોશો કરીએ છીએ. પણ તમે જો કોઇ વાત છુપાવશો તો તે તમારા માટે જ પ્રોબ્લેમ ઉભો કરશે એટલે હવે તમે મને સીધી રીતે તમારા જેટલા પણ કર્મચારી હોય તેનુ લીસ્ટ આપી દો. અને હા આ નિખીલ જેઠવા ક્યાં મળશે? અમારે તેને મળવુ છે.”

“સાહેબ, તે તો અમારા માટે કોન્ટ્રાકટ પર કામ કરે છે. તે અમારી ઓફિસ પર બહુ ઓછો આવે છે. તે સાઇટ પર જ મોટાભાગે હોય છે. તે અત્યારે અમારી નવી સાઇટ પર કામ કરે છે.” અશ્વિને લંબાણથી જવાબ આપ્યો.

“ઓકે, તો તમે અમને તેનો કોન્ટેક્ટ નંબર, ઘરનુ સરનામુ અને તમારી નવી સાઇટનું સરનામુ આપો..”

રિષભની વાત સાંભળી અશ્વિને બેલ મારી નવ્યાને બોલાવી અને નિખીલ જેઠવાની બધી જ માહિતી અને તેની નવી સાઇટનું સરનામુ અને કોન્ટેક્ટ નંબર આપવા કહ્યું. થોડીવારમાં નવ્યાએ આવી એક કાગળ અશ્વિનને આપ્યુ. કાગળની વિગત જોઇને અશ્વિને કાગળ રિષભને આપ્યો.

રિષભે કાગળ જોઇને હેમલને આપ્યો અને બોલ્યો “અશ્વિનભાઇ તમે કાલે રાત્રે કયાં હતાં?”

આ સાંભળી અશ્વિને કહ્યું “કાલે મોડી રાત સુધી હું ઓફિસમા જ હતો. નવી સાઇટનું લે આઉટ પ્લાન બનાવવતો હતો. અને પછી ઘરે જતો રહ્યો.” અશ્વિને કહ્યું.

“અહી તમારી સાથે કોઇ હતુ?” રિષભે ઉલટ તપાસ લેતા પુછ્યું.

“ના કાલે બધો જ સ્ટાફ જતો રહ્યો હતો. આમપણ હું સ્ટાફને ખોટો ક્યારેય રોકતો નથી.” અશ્વિને કહ્યું.

“તમે અહીથી કેટલા વાગે ઘરે ગયા હતા?” રિષભે પુછ્યું.

“લગભગ રાત્રે બાર વાગે ઘરે ગયો હતો.” અશ્વિને કહ્યું.

“તમારા પત્નીને ખબર હશે ને કે તમે કાલે મોડી રાતે ઘરે આવ્યા હતા?” રિષભે એકદમ ધીમેથી કહ્યું.

તેની પાછળનો મતલબ અશ્વિન સમજી ગયો એટલે બોલ્યો “ના, સર મારે ઘણીવાર કામના લીધે મોડુ થાય છે એટલે મારી પાસે ઘરની એક ચાવી હોય છે. મે કાલે પણ તે ચાવીથી ઘર ખોલ્યુ હતુ, અને સુઇ ગયો હતો. તે લોકોએ તો મને સવારે જ જોયો હશે.” અશ્વિની વાત સાંભળી રિષભને એવુ લાગતુ હતુ કે કઇક તો છે જે અશ્વિન છુપાવે છે. પણ તે શું છુપાવે છે? અને શુ કામ છુપાવે છે? જે હોય તે શોધવુ પડશે. પછી થોડુ વિચારી રિષભે પુછ્યું “તમે નિખીલને છેલ્લે ક્યારે મળ્યા હતા?”

આ સાંભળી અશ્વિન થોડો રોકાયો અને પછી બોલ્યો “બે દિવસ પહેલા મારી નવી સાઇટ પર મળ્યો હતો."

આ સાંભળી રિષભ ઊભો થયો અશ્વિન સાથે હાથ મિલાવતા બોલ્યો “તમારા સહયોગ બદલ ખૂબ ખૂબ આભાર. પણ હવે તમે અમને જાણ કર્યા વિના આ શહેર છોડશો નહીં.” આ સાંભળી અશ્વિન એકદમ ઠંડો પડી ગયો અને બોલ્યો “ઓકે, સર.” અને પછી રિષભ અને હેમલ ત્યાંથી નીકળી ગયાં.

રિષભ જ્યારે પોલીસ સ્ટેશન પર પહોંચ્યો ત્યારે વસાવા અને અભય તેની રાહ જોઇને બેઠા હતા. રિષભ ઓફિસમાં દાખલ થયો તેની પાછળ જ અભય હેમલ અને વસાવા પણ આવ્યા. રિષભે ત્રણેયને જોઇને કહ્યું “પેલા ચાનો ઓર્ડર આપો પછી વાત કરીએ.” આ સાંભળી હેમલ બહાર ગયો અને પાચેક મિનીટ પછી ચા વાળા સાથે દાખલ થયો. ચા પીધા પછી રિષભે કહ્યું “હા, બોલો શું નવુ જાણવા મળ્યું?”

આ સાંભળી અભયે કહ્યું “પેલા ટેલીફોન બુથ પર તો એક વૃધ્ધ બેસે છે તેને કંઇ યાદ નથી કે કોણ ફોન કરવા આવ્યુ હતુ. મે ત્યાં આજુબાજુ તપાસ કરી પણ તે ગલીમાં કોઇ જગ્યાએ કેમેરા નથી. મને લાગે છે કે તે જે પણ છે તેણે સમજી વિચારીને જ આ ગલી અને ટેલીફોન બૂથ પસંદ કર્યુ છે.”

“પેલા કબીર વિશે કોઇ માહિતી મળી?” રિષભે પૂછ્યું.

“હા, સાહેબ તે કોઇ બિઝનેસમેન છે. જે બોમ્બેમાં આઇ.ટી કંપની ધરાવે છે. કદાચ દર્શનનો મિત્ર હોઇ શકે. પણ તેના વિશે બીજી કોઇ માહિતી મળી નથી.” અભયે વાત પૂરી કરી એટલે વસાવાએ કહ્યું “સાહેબ ફોરેન્સીક રીપોર્ટ આવી ગયો છે.. “બ્લેડ પાણીમા પડેલી હોવાથી તેના પર ફીંગર પ્રીન્ટ મળી નથી. જે જે વસ્તુ પર ફીંગર પ્રિન્ટ મળી છે તે બધી દર્શનની છે. એક દર્શનના બેડરૂમના દરવાજા પરથી એક ફીંગર મળી છે. અને સાથે દર્શનના બેડ પરથી કોઇ સ્ત્રીનો એક વાળ મળ્યો છે. તેના ડી.એન.એ ટેસ્ટ કરી લીધો છે. પણ મેચીંગ શોધવા માટે આપણી પાસે કોઇ શકમંદ હોવા જોઇએ. જેનો ડી.એન.એ ટેસ્ટ કરી ચેક કરવુ પડશે. અને ફીંગર પ્રીન્ટ સાથે મેચ કરવા પણ બીજા લોકોની ફીંગર પ્રીન્ટના નમુના જોઇશે.”

“મોબાઇલના ડેટામાંથી કંઇ નવુ જાણવા મળ્યું?” રિષભે પુછ્યું.

“હા, ઘણુ મળ્યુ. આ દર્શનના મોબાઇલમાં ઘણા બધા પોર્ન વિડીઓ મળ્યા છે અને એક છોકરી સાથે તેના ઘણા બધા અશ્લીલ ફોટા મળ્યા છે. એ સીવાય પણ ઘણા ફોટો હતા. તેનો ડેટા બધો આ પેન ડ્રાઇવમાં લઇ લીધો છે.” આમ કહી વસાવાએ એક પેન ડ્રાઇવ ટેબલ પર મૂકી.

“ઓકે તો હવે અભય તુ અને વસાવા અહીથી ફાર્મહાઉસ પર જાવ અને પેલા ચોકીદારને મળો કદાચ તેને કોઇ માહિતી મળી હોય. હવે કાલે જ મળીશુ.” રિષભે કહ્યું એટલે અભય અને વસાવા ઊભા થઇને જતા રહ્યા. ત્યારબાદ રિષભે હેમલને કહ્યું “તુ આ પેન ડ્રાઇવની કોપી કરી તારી સાથે લઇજા અને રાતે જોજે. કંઇ જાણવા મળે તો મને કહેજે.” પછી થોડુ રોકાઇને રિષભ બોલ્યો “એક કામ કર તું કોપી બનાવી લે પછી મને મળ. આપણે વાત કરવી પડશે.”

આ સાંભળી હેમલ ઓફિસની બહાર ગયો અને દશેક મિનિટ પછી પાછો આવ્યો અને એક પેન ડ્રાઇવ ટેબલ પર મુકતા બોલ્યો “આ લો મે એક કોપી મારી પાસે રાખી લીધી છે.”

રિષભ એક કાગળ જોઇ રહ્યો હતો એટલે કંઇ બોલ્યો નહી. થોડીવાર બાદ તેણે કાગળ બાજુમાં મુકી અને બોલ્યો “ચાલ હવે એ કહે કે આ બધા પછી તુ શું તારણ પર પહોંચ્યો છે?”

રિષભની આ ખાશિયત હતી કે તે પહેલા તેના સહ કર્મચારી પાસેથી તેનો અભિપ્રાય માંગતો. તેનાથી બે ફાયદા થતા એક તો પોતે વિચાર્યુ છે તેના વિશે અભિપ્રાય મળતો અને સામેવાળો વ્યક્તિ કેટલો કાબેલ છે તે જાણી શકાતું. અત્યારે પણ તેણે હેમલનો અભિપ્રાય જાણવા પુછ્યુ હતુ. આ પ્રશ્ન સાંભળી હેમલ થોડીવાર વિચારમાં પડી ગયો અને પછી બોલ્યો “મને એવુ લાગે છે કે આ અશ્વિન કંઇક છુપાવે છે. તેણે જે કાલ રાત માટે વાત કરી તેમા કંઇક ખોટુ છે. અને મને તો પેલી નવ્યા પર પણ ડાઉટ છે.” હેમલનો અભિપ્રાય સાંભળી રિષભને હેમલની માણસ પારખવાની ક્ષમતા સારી લાગી. તેનો મત પણ હેમલ જેવો જ હતો પણ રિષભે આગળ પુછ્યું “ તો હવે તારા મતે આપણે શું કરવું જોઇએ? કાલે આપણે કઇ રીતે આગળ વધવુ જોઇએ?” રિષભે પુછ્યું.

આ સાંભળી હેમલને લાગ્યુ કે રિષભ તેની મજાક કરે છે એટલે તેને કહ્યું “શું સર તમે મારી મજાક કરો છો? કાલે તો તમે જે રીતે કહેશો તે જ રીતે આગળ વધીશું. તમારા જેટલી અમને થોડી ખબર પડે?”

આ સાંભળી રિષભે કહ્યું “હા, પણ જો તુ મારી જગ્યાએ હોય તો કંઇ રીતે આગળ વધે?”

રિષભના ચહેરા પરની ગંભીરતા જોઇ હેમલે કહ્યુ “સર, અત્યારે તો આપણી પાસે ઘણા છેડા છુટા છે. તે બધાને ભેગા કરવા પડશે. પહેલા તો દર્શનના ફેમિલી મેમ્બરની પૂછપરછ બાકી છે. પેલા નિખીલ જેઠવાને મળવાનું બાકી છે. અને નવ્યાએ કહેલુ તે છોકરી દર્શનની નવ્યા પહેલાની રિસેપ્સનિસ્ટ શ્રેયાને પણ મળવુ જોઇએ. આ ઉપરાંત પેલા કોલ લીસ્ટમાં મળેલ નામ કબીર કોઠારી કોણ છે તે પણ જાણવુ પડશે.” હેમલે પોતાનો અભિપ્રાય વિસ્તારથી કહ્યો.

આ સાંભળી રિષભના ચહેરા પર સ્મિત આવી ગયુ અને તે બોલ્યો “હેમલ તારી આ લાક્ષણીકતા મને ખૂબ ગમી કે તને કેસના બધાજ પાત્રો અને ઘટના યાદ છે. તું જરુર ખુબ સારો પોલીસ ઓફિસર બનીશ. એકવાત યાદ રાખજે કોઇ પણ કેસને સોલ્વ કરવા માટે કેસની બધી વિગત તમને નજર સામે દેખાતી હોવી જોઇએ. તારા અભિપ્રાય સાથે હું સંમત છું. આ બધા ટુકડા છુટા છવાયા છે તેને પેલા ભેગા કરશુ તોજ ચિત્ર કઇક સાફ થશે.” અને પછી થોડીવાર વિચારી રિષભે કહ્યું “કાલે આપણે દર્શનના ફેમિલીની પૂછ પરછથી જ શરુઆત કરીશું. આજે રાત્રે તું આ ડીવીડી જોઇ લેજે અને કંઇ ખાસ હોય તો મને કહેજે. ચાલ હવે નીકળીએ આજે બહુ કામ કર્યુ.” અને પછી હેમલ અને રિષભ સ્ટેશનની બહાર નીકળ્યા. રિષભ તેની જીપમાં બેઠો અને ડ્રાઇવરને કહ્યું “જિપને કમિશ્નર ઓફિસ લઇલે.”

-----------***************------------------****************-----------------------------

મિત્રો આ મારી ત્રિજી સસ્પેન્સ થ્રિલર નોવેલ છે. આ પહેલાની મારી બે નોવેલ “21મી સદીનું વેર” અને “વિષાદ યોગ” પણ સસ્પેન્સ થ્રિલર નોવેલ હતી. જો તમે આ નોવેલ હજુ સુધી ના વાંચી હોય તો તે તમે માતૃભારતી પરથી વાંચી શકો છો.

મિત્રો આ નોવેલ તમને કેવી લાગી છે તેનો પ્રતિભાવ મને મારા નીચે આપેલા વોટ્સએપ નંબર જરુરથી મોકલી આપશો. તમારા પ્રતિભાવ અને સલાહ સૂચન મારી નોવેલને વધુ સારી બનાવવા માટેની પ્રેરણા પુરી પાડે છે. જો તમને આ નોવેલ ગમી હોય તો તમારા સ્નેહી મિત્રોને તે વાંચવા માટે ભલામણ કરજો.

--------------------*****************------------***************---------------------

HIREN K BHATT

MOBILE NO:- 9426429160

EMAIL ID:- HIRENAMI.JND@GMAIL.COM