aaj na samayni nakkar vaastvikta in Gujarati Motivational Stories by BHAVIN HEART_BURNER books and stories PDF | આજ ના સમય ની નક્કર વાસ્તવિકતા

Featured Books
Categories
Share

આજ ના સમય ની નક્કર વાસ્તવિકતા

*આજ ના સમય ની નક્કર વાસ્તવિકતા*

અને.. ભેંસ વેચી દિધી.
એય બુધિયા સાહેબે મોબાઈલમાં લેશન મોકલ્યું છે તે કરી નાંખજે અને કાલે વ્હોટ્સએપ માં ફોટો પાડી લેશન મોકલી દેવાનું છે.સાહેબે મોબાઈલમાં જે લિંક મોકલી છે તેનો વીડિયો યુ ટ્યૂબ માં જોઈ સ્વાધ્યાય ચોપડામાં લખવાનું કહ્યું છે.આટલું કહી મગનીયો સાઇકલ પૂરપાટ દોડાવી ગયો.બુધીયો મોં બગાડી પાદરેથી ઘરે આવ્યો.
'ક્યારનો મોઢું લટકાવી કેમ બેઠો છે?'સવિતાએ બુધિયાને એકખૂણામાં બેઠેલો જોઈ પૂછ્યું.'કંઈ નહીં 'બુધિયાએ રડમસ અવાજે જવાબ વાળ્યો.સવિતા એકદમ બુધિયા પાસે આવીને માથે હાથ મૂકયો અને શરીર નરમગરમ તો નથી ને એમ ચેક કર્યું.મા નો હાથ માથે પડતાજ બુધિયો હિબકે ચડ્યો.સવિતા ગભરાઈ ગઈ અને એકદમ એકનાએક દીકરાને છાતીએ વળગાડી દીધો.'શું થયું બેટા?'એકદમ લાગણીશીલ અવાજે સવિતાએ પૂછ્યું.કોઈએ તને કાંઈ કહ્યું છે?મિત્રો સાથે ઝઘડો થયો?બુધિયાએ દયામણા અવાજે કહ્યું.'મા એવું કાંઈ બન્યું નથી.મારે કોઈની સાથે ઝઘડો પણ થયો નથી .'સવિતા આ સાંભળી ભડકી ગઈ.અવાજ થોડો ઊંચો થયો અને બોલી.'ક્યારનો એકબાજું બેઠો છે.ભણવાનું કોઈ કામ કરતો નથી.સવારે બહારથી આવ્યો ત્યારથી મોં ચડાવી કેમ બેઠો છે?જા જઈને ભણવા બેસ.'ભણવા બેસ શબ્દ સાંભળતાજ બુધિયો એકદમ ધૂંધવાઈ ગયો અને બોલ્યો:'કેમ કરી ભણવા બેસું?અમારા સાહેબ લેશન રોજ વ્હોટ્સએપ માં મોકલે છે.રોજ અભ્યાસના વીડિઓ મોકલે છે.હવે આપણા ઘરે રહેલા ડબલામાં નથી વ્હોટ્સએપ આવતું કે નથી યુ ટ્યૂબ આવતી?હું કેવી રીતે ભણું?હું કેવી રીતે લેશન જાણી શકું?કેવી રીતે લેશન મારા સાહેબને મોકલી શકું?મારા બધા મિત્રોના ઘરે મોટો ટચસ્કિન વાળો ફોન છે અને આપણાં ઘરે આ ઠાઠીયું ડબલુ.બોલ મા હું શું કરું?કેવી રીતે અભ્યાસ કરું અને કેવી રીતે મોટો સાહેબ બનીશ?'
સવિતા આટલું સાંભળી પોતાની આર્થિક સ્થિતિ માટે આજ પહેલીવાર ભગવાનને વઢવા લાગી.મનોમન કાળિયા ઠાકરને સંભળાવ્યું:'હે મારા વાલા, તે આજ કેવો દી દેખાડ્યો કે મારે એકના એક છોરાને ભણાવવામાં હું પહોંચી નથી વળતી.'તાજી દૂઝણી થયેલી એકમાત્ર ભેંસના સહારે પેટનું ગાડું ગબડાવતી સવિતા ના આંખમાંથી આંસુ સારી પડ્યા.
સાંજે ભેંસ ચારી ઘરે આવેલા નાથાએ સવિતાની લાલ આંખો જોઈ પૂછ્યું.'બુધિયાની બા શું થયું?'ચબરાક સવિતા પામી ગઈ.એકદમ મોં હસતું રાખી બોલી.' કાંઈ નહીં'.'તો આંખો લાલ કેમ છે?'નાથાએ એક્દમજ પૂછી લીધું.અને સવિતાએ આખો દિવસ રોકી રાખેલા આંસુ એના કહ્યામાં ન રહ્યા.નાથો બેબાકળો બની સવિતાની લગોલગ બેસી ગયો.નાથાના ખભે માથું ઢાળીને સવિતા એ સવારથી બનેલી બધી ઘટના એકજ શ્વાસે સંભળાવી હળવીફૂલ બની ગઈ.નાથો ભારેખમ.
પડખા ફેરવી ફેરવી માંડમાંડ રાત પસાર કરી.સવાર થતા નાથો ભેંસ દોહી દૂધ ડેરીએ ભરાવી ભેંસ ચરાવવા ઉપડી ગયો.આજ ભેંસ ચરાવતા ચરાવતા મન ચકરાવે ચડ્યું.કાંઈક મનમાં નક્કી કરી પોતાના ભેરુઓ ને ભેંસનું ધ્યાન રાખવાનું કહી ગામમાં આવ્યો.ગામમાં આવી સીધો ગરબડદાસ મુખીના ઘરે પહોંચ્યો.મુખી હીંચકે ઝૂલી રહ્યા હતા.નાથાને જોઈ હસી આવકાર આપ્યો.નાથો નીચે બેઠો અને ભોંય ખોતરવા લાગ્યો.મુખીએ એની સામે જોઈ બોલ્યા:'બોલ ભાઈ કેમ આવ્યો છે?'મુખીના શબ્દોએ નાથાને ઊંચું જોવા મજબૂર બનાવ્યો.ત્રુટક ત્રુટક શબ્દોએ નાથાએ મુખીને પોતાની તમામ આપવીતી સંભળાવી અને દીકરાને ભણાવવા માટે મોબાઈલ ફોન લાવવા માંટે થોડા રૂપિયાની માંગણી કરી.પૈસાની વાત સાંભળતાજ મુખીના હાવભાવ બદલાઈ ગયા. ભાઈ નાથા તને ખબર તો છે કે અત્યારે સમય કપરો ચાલે છે.નોકરી ધંધાના કોઈ ઠેકાણા છે નહીં.કોઈની પાસે કોઈ કામધંધો છે નહીં.પૈસા કયાય છેજ નહીં.અને તારી પાસે છે શું કે હું તને પૈસા ધીરુ?એક ડોબું છે.ભાઈ હું તને મદદ નહીં કરી શકું.ઉપરથી મુખીએ મફતમાં સલાહ પણ આપી દીધી કે આવા ખોટા ખર્ચા ન કરાય.કાલથી તારા બુધિયાને મારા ખેતરે મજૂરીએ મોકલી દેજે ખાવા જોગ બેપૈસા મજૂરી આપી દઈશ.આટલા શબ્દોએ નાથાના કાનને સળગાવી દીધા.સડાક કરતો ઉભો થઇ બે હાથ જોડી ઘરની બહાર નીકળી ગયો.
મુખીના ઘરેથી નીકળી પોતાની ભેંસ જ્યાં ચરતી હતી ત્યાં જવા નીકળ્યો અને રસ્તામાં આવતી બુધિયાની શાળામાં અનાયાસે પગ વળી ગયા.
'આવો આવો નાથાભાઇ'સાહેબે હસીને આવકાર આપ્યો.નાથો સંકોચાઈ સાહેબ સામે બે હાથ જોડી ઉભો રહ્યો.સાહેબે પૂછ્યું.'બુધિયાને ઘરે અભ્યાસ કેવો ચાલે છે?રોજ દૂરદર્શન પર આવતા કાર્યક્રમ જોવે છે?અને હા હું દરરોજ તમામ બાળકોને યુ ટ્યૂબની લિંક મોકલું છું જેથી બાળકો ઘરે બેઠા શીખી શકે.શાળા બંધ છે પણ શિક્ષણ નહીં.તમે એકજ એવા વાલી છો કે જેના ઘરે એન્ડ્રોઈડ ફોન નથી.તમે ફટાફટ ફોન લાવી નાંખો જેથી તમારું બાળક વર્ગમાં બીજાથી પાછળ રહી ન જાય.વળી મારે પણ ઉપર આંકડા મોકલવાના હોય છે કે કેટલા બાળકો ફોનથી ભણે છે?સાહેબ એકજ શ્વાસે બધું બકી ગયા.બધો ઊભરાટ ઠાલવી દીધો.નાથો બીજું કાંઈ સમજ્યો નહી પણ એટલું સમજ્યો કે ફોન વગર બુધિયો વર્ગના બીજા બાળકો કરતા ભણવામાં પાછળ રહી જશે ડરતાં ડરતાં નાથાએ સાહેબને પૂછ્યું.'તે હેં સાહેબ ફોન ના હોય તો ભણવામાં પાછળ રહી જવાય?'સાહેબે ટટ્ટાર થઈ મોં ચાર આંગળ પહોળું કરી કહ્યું:'હા આજે જમાનો ડિજિટલ થઈ ગયો છે.બધુજ ઓનલાઈન થઈ ગયું છે.અભ્યાસક્રમ પણ ઓનલાઈન.સમય સાથે ચાલો નાથાભાઇ નહીંતર તમારો બુધિયો તમારી જેમ ઢોર ચારશે ઢોર.'નાથાએ વિનમ્ર થઈ સાહેબ સામે જોઈ ધીમેથી પૂછ્યું.'હેં સાહેબ તમારે વખતે આ ઓનલાઈન ઓનલાઈન હતું?'સાહેબને ચક્કર આવી ગયા.માંડમાંડ બોલ્યા.'એ જમાના એવું કંઈ નહોતું.'તે હેં સાહેબ તોય તમે ભણવામાં પાછળ ન રહ્યા અને મોટા સાહેબ કેમ બની ગયા?'બિચારા સાહેબ ઘણુંય સમજતા હતા કે આ બધા ખોટેખોટાં તાયફા છે પણ સાહેબ શબ્દ ગળી ગયા.સાહેબે હિંમત કરી જવાબ વાળ્યો.'જુઓ નાથાભાઇ હવે પહેલા જેવું નથી.આજે બધા બાળકોને બધુ આવડવુંજ જોઈએ.અમારા ઉપરના સાહેબોનો એવો ઓર્ડર છે .'નાથાએ નિસાસો નાંખી સાહેબને કહ્યું.'તો તો તમારા ઉપરી સાહેબ જે નિશાળમાં ભણતાં હશે ઇ નિશાળના બધા તમારા ઉપરી સાહેબ થિયા હશે ને .'બિચારા સાહેબ બોલે કે ચાલે.સૂનમૂન થઈ નાથા સામે જોઈ રહયા.નાથો સાહેબની પીડા પામી ગયો અને સીધો ભેંસ ભણી.
બુધિયો આજ બહુ ખુશ ખુશ છે.નવોનકોર મોબાઈલ લઈ સાહેબ પાસે વ્હોટ્સએપ ને બીજી બધી એપ્લિકેશન નંખાવા ગયો છે.સાહેબ પણ બહુ ખુશ છે કે આજે તેમના વર્ગના સો ટકા બાળકો પાસે મોબાઈલ ફોન છે.સો ટકા બાળકોના મોબાઈલમાં ઉપરથી કહેવામાં આવેલી બધી એપ્લિકેશન ઠાલવી દેવામાં આવી છે.સાહેબના માથેથી મણ નો બોજો હટી ગયો.
સવારે નાથો ઘરની બહાર તૂટેલી ખાટલી ઢાળી આડો પડયોપડ્યો ફૂટેલા નળિયાં અને પડું પડું થઈ રહેલી પછીત ની ચિંતામાં પડ્યો છે.ઘરમાં બુધિયો નવા ફોનમાં સાહેબે મોકલેલી લિંક ખોલી મોટા સાહેબ થવાના સપના જોઈ રહ્યો છે.સવિતા બિચારી બપોરે ખાવાનું બનાવવા શું કરવું તેની ચિંતામાં પડી છે.ત્યાંતો દૂરથી બૂમ સંભળાઈ.'એય નાથીયા આ જો સૂરજ માથે ચડવા આવ્યો લે હેડ ભેંસો ચરાવવા નથી આવવું?'નાથાએ ખાટલીમાં પડ્યાપડ્યા જવાબ વાળ્યો:'ના ભાઈ તમે જાવ મારે નથી આવવું?ચ્યમ અલ્યા તારે નથ આવવું?નાથાએ ફક્કડતાથી જવાબ વાળ્યો:'મેં ભેંસ વેચી દીધી છે.'

*જનક પટેલ (આચાર્યશ્રી)*

*(વાર્તાબીજ:-સત્ય ઘટના)*