nirdhosh sambandh in Gujarati Short Stories by Mrigtrishna books and stories PDF | નિર્દોષ સંબંધ

Featured Books
Categories
Share

નિર્દોષ સંબંધ

જ્યારે આખું શહેર નિદ્રામાં ગરકાવ હતું ત્યારે આકાશે ગોળા વરસાવ્યા અને આખું શહેર તહેસનહેસ. ક્ષણભરમાં શાંતિપૂર્ણ વાતાવરણ લોકોની ચીસો, ઉંહકારા, રૂદન અને દોડાદોડીના અવાજોથી ભરાઈ ગયું.

કોઈ ના બચ્યું, દુશ્મનોએ શહેરમાં ઘૂસી અર્ધમૃત લોકોને પણ મૃત્યુને ઘાટ ઉતારી દીધા. લૂંટ ચલાવી, સંપત્તિ લૂંટી બીજા શહેર અને કસ્બાઓને તબાહ કરવા જતાં રહ્યાં. એકવખત ધમધમતું, જાહોજલાલીવાળું શહેર આજે સ્મશાનવત એક લાચાર બુઢ્ઢા સમાન પડ્યું છે.

ત્યાં જ એક મહેલ સમાન ઘરનાં કાટમાળમાંથી એક નાનું માનવબાળ બહાર નીકળ્યું. એણે ચારે તરફ નજર કરી, જાણે કોઈને શોધી રહ્યું છે પણ કોઈ નજરે ના ચઢતાં ફરી કાટમાળમાં વિલિન થઈ ગયું. અંદર જઈને એણે પેટ પર હાથ મૂકી વિક્ષિપ્ત થયેલી રસોઈ તરફ દોટ મૂકી. આ એ જ જગ્યા, જ્યાં એને ભૂખ લાગતી ત્યારે એ દોડી જતો. ત્યાં એક નિશ્ચેતન સ્ત્રી પડી છે, ચહેરો ઓળખાયો એટલે તેને ઢંઢોળી કહ્યું, "મા, ભૂખ.... મા... ખાવું."
આવું એણે કેટલીયવાર કહ્યું, પણ પહેલાંની જેમ એ સ્ત્રી ના ઉઠી તે ના જ ઉઠી. એટલે રડતાં રડતાં ગુસ્સામાં એ ઉભો થયો. ડબ્બાઓ ફંફોસી જે મળ્યું એ ખાવા લાગ્યો. તૂટેલા મટકામાંથી જે ડોહળાયેલુ પાણી દેખાયું તે પીધું અને થાકી માના મૃતદેહ પાસે સૂઈ ગયું.

બીજા દિવસે પરોઢિયે એને કોઈનો રડવાનો અવાજ આવ્યો, એ અવાજ ધીરે-ધીરે નજીક આવતો હતો એ ઉભો થઈ કાટમાળમાંથી ડોકિયું કરી જોવા લાગ્યો. એણે જોયું કે એક એનાં જેવુું જ બાળક રડી રહ્યું હતું. ખબર નહી શું થયું એના મનમાં, એ કાટમાળમાંથી બહાર નીકળી એ રડતાં બાળક તરફ ગયો અને એને ભેટી પડ્યો જાણે કે એનાં આંતરમને એને કહ્યું હોય કે તું એકલો નથી આ પણ છે તારી સાથે. બંને મનભરીને ખૂબ રડ્યાં.

રડીને થાક્યા... હવે ભૂખ લાગી એટલે કાટમાળ ખૂંદતા વળી પાછા રસોડાં તરફ આવ્યાં. માને ફરી ઉઠાડવાનો પ્રયત્ન કર્યો પણ માના ઉઠી... ફરી કંઈક મળ્યું એ બંને એ ખાધું.... હવે પાણી પીવું હતું પણ પાણી નહોતું.... બીજો છોકરો એને ખેંચીને બહાર લઈ આવ્યો અને થોડી દૂર એક પરબ જેવું હતું ત્યાંથી પાણી પીધું.

હતાં તો બંને બાળકો જ ને, ધીરે-ધીરે બંને એકબીજા સાથે રમવા લાગ્યા, તોફાન કરવા લાગ્યા. ત્યાં જ એમને ચાર પાંચ સૈનિકોએ ઘેરી લીધા.. એમનાં પર બંદૂકો તાકી પણ એ બંને તો હસતા ચહેરે સૈનિકોને જોઈ રહ્યા. જાણે કહી રહ્યા હોય.... સારું થયું તમે આવ્યાં.. અમે બંને એકલા જ હતાં.

સૈનિકો રાહ જોઈ રહ્યા હતાં એમનાં ઉપરી અધિકારીના આદેશની... ઉપરી આવ્યાં, બાળકોને જોયા. શું કરવું એ ના સમજાતાં બંનેને સાથે લઈ આવવા કહ્યું.

બંનેને એક દિવાલના છાંયડે બેસાડી દેવાયાં. ભલે દુશ્મન પણ સૈનિકો હતા તો માણસો જ ને. એક-બે સૈનિકો એમની પાસે થોડું પાણી અને ખાવાનું મૂકી પોતાના કામ પર ગયા.

થોડા સૈનિકોએ મોટો ખાડો ખોદવાનો હતો, બીજા સૈનિકોએ પડી ભાંગેલા મકાનોમાંથી શવો શોધી, બહાર કાઢી ખાડા સુધી લાવવાનાં હતાં. કેટલાક સૈનિકો કફન અલગ કરતા હતાં જેથી લાશોને કફનમાં વીંટી દફનાવી શકાય.
આ જગ્યાનો વિધ્વંસ અને સાફ કરવાની જવાબદારી પણ સૈનિકોને જ સોંપવામાં આવી હતી. સૈનિકો પોતાનું કામ કરી રહ્યા હતાં અને આ બંને એમનાંથી બેખબર પગ પર પગ ચડાવીને બેઠા બેઠા કોઈ બે મોટા સમ્રાટોની જેમ એમની ભાષામાં ચર્ચા કરી રહ્યા હતાં.

ત્યાં એમણે જોયું કે એક સૈનિક પાણીની બોટલો એક પછી એક ખોલી પાણી શોધી રહ્યો હતો.
એક બાળક ઉભું થયું, હાથમાં પાણીની બોટલ લીધી અને તરસ્યા સૈનિક તરફ દોડ્યું.. એને નાના નાના પગોથી ટુચુક ટુચુક દોડતા જોઈ ઘણાં સૈનિકોના ચહેરા પર સ્મિત ફરી વળ્યું પણ એ તો બધાંને પાર કરી તરસ્યા સૈનિક પાસે જઈ પાણીની બોટલ લંબાવી ઉભું રહી ગયું અને બોલ્યું, "ભૂ....ભૂ..."
પેલા સૈનિકે બોટલ લઈ પાણી પીધું અને વાંકા વળીને એ બાળકનાં માથે પ્રેમથી હાથ ફેરવી સ્મિત કર્યું, જવાબમાં બાળકે હાસ્ય વેર્યુ અને આખું વાતાવરણ હાસ્યથી ભરાઈ ગયું.

એ બોટલ પાછી લઈ ગયું, પછી બંને બાળકો એ કંઈક વાત કરી અને ખુશ થતાં થતાં ખાલી બોટલો લઈ પાણીની પરબ તરફ દોડ્યાં.... ધીમે ધીમે બોટલો ભરી બે-બે બોટલો જેમ તેમ કોણીથી છાતીએ દબાવી કામ કરતા સૈનિકો પાસે જઈ એમને "ભૂ....ભૂ..." કરી પાણી આપવા લાગ્યાં. પહેલાં તો બધાંએ એમને જોયાં ન જોયાં કરી ધ્યાન ના આપ્યું પણ પછી સૈનિકો એમની પાસેથી બોટલ લઈ પાણી પીવા લાગ્યા અને એ બંને સાથે મસ્તી કરવા લાગ્યા. કેટલાક સૈનિકો એમને ડરાવી દૂર રાખવા પ્રયત્ન કરવા લાગ્યા કેમકે એમ તો લાશોને કપડાંમાં ઢાંકેલી હતી પણ એમને ડર હતો કે લાશો જોઈ બંને બાળકો ગભરાઈ ના જાય.
કેટલાક સૈનિકો ગમગીન થઈ ગયા હતાં કે આમના જેટલાં કેટલાંય બાળકો મૃત્યુની ગોદમાં સૂઈ ગયા છે આ યુદ્ધના કારણે, એમને નફરત થઈ પોતાના કામ પર... પણ ફરજ અને દેશથી ઉપર કંઈ નથી હોતું. થોડીવારમાં જ એ બંને પાછા આવ્યાં, "ભૂ...ભૂ..." કરતાં અને બધાંને પાણી પાવા લાગ્યાં.
જમતી વખતે પણ એ બંને બધાંને પાણી પિવડાવા આવ્યાં. કેટલાક સૈનિકોએ એમને પોતાની પાસે બેસાડી ખવડાવ્યું. બધાં થોડીવાર આરામ કરવા બેઠાં..... જોયું તો બંને બાળકો થાકીને એમને આપેલી સાદળી પર સૂઈ ગયા હતાં.
એમને સૂતેલાં જોઈ ઘણાં સૈનિકોને એમનાં બાળકો યાદ આવ્યાં, એમની આંખો ભીની થઈ ગઈ. દુશ્મનાવટ ભૂલાઈ ગઈ અને આ બંને પર વ્હાલ ઉભરાયું. ઘણી વાર એમની માને યાદ કરી રડતાં ત્યારે એમને યેનકેન પ્રકારે શાંત કરતા સૈનિકો.
અમૂકને લાગ્યું, બાળકોને અહીં ના રાખવા જોઈએ, એમને એમની દેશની સરકારને સોંપી દેવા જોઈએ. અમૂક સૈનિકો એમને સાથે રાખવા માંગતા હતાં. અમૂક માટે એ દુશ્મનો હતાં પણ બંનેની પરવાહ બધાને હતી. અહીં, કેમ્પમાં તો જાણે એક અજાણી દુનિયા વસી ગઈ હતી. આમને આમ અઠવાડિયું વીતી ગયું હતું.

શહેર સાફ થઈ ગયું હતું, બસ થોડાં અવશેષો બાકી રહ્યા હતાં અને એ બે બાળકો....

આજે કેપ્ટન આ બંને બાળકો માટેનો ફેંસલો લઈને આવ્યા હતાં એટલે બધાં સૈનિકો કામ છોડી એમની સામે બેસી ગયાં.
બંને રોજની જેમ જ ત્યાંથી થોડે દૂર રમતાં હતાં...

"શું હશે ઉપરી અધિકારીઓનો ફેંસલો?" બધાં ચિંતામાં હતાં.

"અધિકારીઓએ એમનાં દેશની સાથે વાટાઘાટો કરી હતી પણ એ લોકો એવું માને છે કે, આપણે આપણાં જાસૂસ ત્યાં ઘૂસાડવાનો પ્રયાસ કરીએ છીએ. આ બંને મોટા થઈ આપણાં દેશ માટે જાસૂસી કરશે એવું એમનું માનવું છે એટલે એમણે આ બાળકોને સ્વીકારવાનો ઈનકાર કરી દીધો છે માટે ઉચ્ચ અધિકારીઓએ, આ બંનેનો ફેંસલો આપણાં પર છોડ્યો છે. તમે જ કહો, હવે શું કરવું એમનું?" કેપ્ટને કહ્યું.
કોઈકે કહ્યું, "મારી નાંખો."
"નાનાં નાનાં અબુધ બાળકો છે. હું આ નહીં જ થવા દઉં." બીજાએ વિરોધ નોંધાવ્યો.
"આ દુશ્મનો છે. મોટા થઈને આપણાં દેશનું જ નુકસાન કરશે. સાપ અને દુશ્મન ઉગતાં જ ડામવા સારા." પહેલાંએ સમજાવ્યું.
"આ બંનેએ મોટા થઈને આપણાં દેશને નુકસાન કરવાનો પ્રયત્ન કર્યો તો હું જાતે જ એમને મારી નાંખીશ પણ હમણાં આ બંનેને કંઈ નહીં થવા દઉં." બીજાએ કહ્યું.

આમ કરતાં કરતાં આ બંને સૈનિકો વચ્ચે થોડી ઝપાઝપી થઈ પણ અધિકારીના વચ્ચે પડવાથી બંને શાંત થયાં. બંને બાળકો માટે તો આ બે સૈનિકો વચ્ચેની રમત હતી માટે પાણીની બોટલો લઈ એ બંને સૈનિકોની નજીક ગયાં અને સ્મિત સાથે "ભૂ...ભૂ..." કરવાં લાગ્યાં.
એકે તો પાણી લઈ એમને વ્હાલ કર્યુ પણ બીજો સૈનિક એનાં બીજા સાથીઓ સાથે ત્યાંથી જતો રહ્યો.

સાંજે જમવા બેઠાં ત્યારે પણ આ બંને બાળકો "ભૂ...ભૂ..." કરી જમી રહેલાં સૈનિકોને પાણી પીવડાવી રહ્યા હતાં. બંને પેલાં નારાજ સૈનિકો પાસે પણ પાણી લઈને ગયાં પણ એમણે બાળકો તરફ જોયું પણ નહીં અને મોઢું ફેરવીને ખાવાનું ચાલુ રાખ્યું.

એટલામાં જેણે એમને મારી નાખવાનું કહ્યું હતું એને હેડકી ચઢી અને કોડિયો ગળામાં ફસાઈ ગયો..... બધાંએ પાણી પાણીની બૂમ પાડી તો તરત જ પેલાં બે બાળકો બોટલ લઈ દોડી આવ્યાં. એકે એ સૈનિકનું માથું પકડ્યું અને બીજું બોટલથી ધીમે ધીમે પાણી પીવડાવા લાગ્યું. પાણી પીવડાવી બંને એક માની જેમ એની છાતી અને પીઠ પસવારવા લાગ્યાં.
આ જોઈ બધાં સૈનિકોના ચહેરા પર હળવું સ્મિત ફરી વળ્યું. પેલાં સૈનિકે પણ સ્વસ્થ થઈ બંનેને ગળે લગાવી દીધાં.

પછી તો બંને બાળકો એમની સાથે જ રહ્યા. સ્કૂલે જવાની ઉંમરે એમને રેસિડેન્સ સ્કૂલમાં મૂકાયાં. અભ્યાસનો બધો જ ખર્ચ સૈનિકોએ ઊપાડી લીધો. દરેક રજાના દિવસોમાં અને વેકેશનમાં એમને કેમ્પ પર લવાય છે. બાળકો હજી પણ સૈનિકોને પાણી પીવડાવે છે, એમની સાથે મસ્તી કરે છે, નવું નવું શીખે છે, કુસ્તી કરે છે, રમે છે, પોતે પણ ખુશ થાય છે અને સૈનિકોને પણ ખુશીઓ આપે છે.

સૈનિકો અને આ બે બાળકોનાં સંબંધ વિશે તમે શું કહેશો?
અમૂક નિર્દોષ સંબંધો ખૂબ જ વિપરીત સંજોગોમાં જોડાય છે અને ટકી પણ રહે છે.

_______________________________
તા. ૨૬/૦૭/૨૦૨૦
- મૃગતૃષ્ણા