અગિયાર
“ના... ના... ના... એમ કાઈ હું તમારા પપ્પાને મળીને આવી વાતો થોડી કરું? એ પોલીસ કમિશનર છે.” ઉભા ઉભા જ વરુણ બંને હાથ જોરથી હલાવીને ઉભો ઉભો નકારમાં ડોકું હલાવીને બોલ્યો.
“કેમ પોલીસ કમિશનર છે તો એ માણસ નથી? એ કોઈના પિતા નથી? અનુભવી નથી?” સોનલબાએ ઠંડકથી જવાબ આપ્યો.
“પણ કેવું લાગે? આઈ મીન... તમે તો મારી મુશ્કેલી વધારી દીધી મારી બેન.” વરુણ હજી પણ ઉભો જ હતો અને એના ચહેરા પરની ચિંતા વધી ગઈ હતી.
“પહેલા તો તું બેસી જા અને પછી મારી વાત શાંતિથી સાંભળ. મારી વાત પત્યા પછી તારે જે નિર્ણય લેવો હોય તે લેજે, તેને બદલવા હું તને ફોર્સ નહીં કરું ઓકે?” સોનલબાએ વરુણ તરફ હાથ લંબાવીને એને એની ખુરશી પર બેસવાની વિનંતી કરી.
વરુણ જાણેકે કમને એની ખુરશી પર બેસતો હોય એ રીતે ધીમે ધીમે બેઠો.
“જો, એ મારા પપ્પા છે, એટલે પહેલીવાર તો એ કે હું એમને તારા કરતા વધુ જાણું છું, બરોબર?” સોનલબાએ વરુણને સવાલ કર્યો.
“બરોબર.” વરુણ ફક્ત આટલું જ બોલ્યો અને હકારમાં ડોકું હલાવ્યું.
“ઓકે, બીજું, કે તારા મનમાં કે પછી કોઇપણ સામાન્ય વ્યક્તિના મનમાં પોલીસ વિષે સારી ખરાબ એવી કોઈ છબી જરૂર હોય છે અને એમાંય મારા પપ્પા તો વળી આ શહેરના પોલીસ કમિશનર છે, એટલે કદાચ તને હિન્દી ફિલ્મોના કડક પોલીસ કમિશનરની ઈમેજ દેખાઈ હોય તો એ તારો વાંક નથી.” સોનલબા થોડો સમય રોકાયા.
“હમમ...” વરુણ બોલ્યો.
“પણ ટ્રસ્ટ મી, મારા પપ્પા અત્યંત લાગણીશીલ વ્યક્તિ છે, પણ ઘરમાં. એમની એક ખાસ વાત વિષે તને આજે નહીં કહું પણ કાલે તું અમને મળીશ ત્યારે એમના એ ખાસ સ્વભાવ વિષે જાતે જ સરપ્રાઈઝ મેળવી લેજે. અને હા, જ્યારે કોઈ ગુનેગારનો મામલો હોય ત્યારે એ બહુ કડક હોય છે. હું ગેરંટી લઉં છું વરુણ કે પપ્પા માત્ર તને સલાહ જ નહીં આપે પરંતુ આ મુલાકાત બાદ તું એમનો દીવાનો પણ થઇ જઈશ.” સોનલબાએ સ્મિત કર્યું.
ત્યાંજ વેઈટર બંને માટે ઓરેન્જ જ્યુસ લઈને આવ્યો અને પોતાની ટ્રે માંથી બંને ગ્લાસને વારાફરતી ટેબલ પર મુક્યા.
“તમારે કોઈજ ગેરંટી લેવાની જરૂર નથી, કારણકે તમે સાચા જ છો. પણ હા તમે કહ્યું એમ કે દરેક સામાન્ય વ્યક્તિના મનમાં પોલીસ વિષે એક ખાસ ઈમેજ હોય છે અને હું પણ એનો શિકાર હોઈ શકું છું, પણ કદાચ અંકલને મળ્યા પછી મારો એમના પ્રત્યે કે પછી પોલીસ પ્રત્યેના વિચાર બદલાઈ પણ જાયને?” વરુણે પણ હવે સ્મિત કર્યું અને પોતાની નજીક પડેલો જ્યુસનો ગ્લાસ ઉઠાવ્યો અને પોતાના હોઠ પર માંડ્યો.
“ધેટ્સ ધ સ્પિરિટ ભઈલા! તો બોલ કાલે સવારે દસ વાગ્યે ફાવશે? શાહીબાગ, કમિશનરના બંગલે?” સોનલબાએ જ્યુસનો ઘૂંટડો પી ને વરુણને પૂછ્યું.
“ચોક્કસ, તમે ગાંધીનગરથી કેવી રીતે આવશો? હું તમને બસ સ્ટેન્ડ પર લેવા આવી જઉં પછી આપણે ભેગા જ જઈએ.” વરુણે સોનલબાને મહત્ત્વનો સવાલ કર્યો.
“ના, હવે હું આજે સીધી પપ્પાને ઘેર જ જઈશ. તું સીધો આવી જજે. હું સિક્યોરીટીને કહી રાખીશ. તું બંગલા પર પહોંચવાનો થાય એટલે મને કોલ કરી દેજે ઓકે?” સોનલબાએ વરુણના સવાલનો જવાબ આપ્યો.
“ઠીક છે, તો કાલે મળીયે, પ્લીઝ મને સાચવી લેજો.” વરુણે રીતસર આજીજી કરી.
“ગાંડો ન થા. મારા પપ્પા કાઈ રાક્ષસ નથી.” સોનલબા હસતાં હસતાં બોલ્યા.
જવાબમાં વરુણ પણ હસી પડ્યો.
બંનેએ પોતપોતાના ઓરેન્જ જ્યુસના ગ્લાસ ખાલી કર્યા. વરુણે બીલ ચુકવ્યું અને રેસ્ટોરન્ટની બહાર વરુણ અને સોનલબા એકબીજાના ઘર તરફ જવા છુટા પડ્યા.
==::==
વરુણે સોનલબાને તેમના પિતા અને અમદાવાદના પોલીસ કમિશનર કિશનરાજ જાડેજાને મળવાની હા તો પાડી દીધી, પરંતુ ઘરે પહોંચીને તે ફરીથી વ્યાકુળ થવા લાગ્યો હતો.
વરુણને એવો વિચાર આવતો હતો કે ક્યાંક સોનલબા સાથે ફક્ત બે-ત્રણ દિવસની ઓળખાણ હોવા છતાં તે પોતાની સાવ અંગત કહી શકાય તેવી વાત તેણે શા માટે તેમની સાથે શેર કરી દીધી? જો એમ ન કર્યું હોત તો એમના કમિશનર પિતાને મળવાનો કોઈ પ્રસંગ બન્યો જ ન હોતને?
વરુણ હવે પોતાને જ દોષ દઈ રહ્યો હતો કે તેણે કેમ પોતાની અંગત લાગણીને આમ તરતજ અને વગર વિચારે કોઈ બીજા સમક્ષ રજુ કરી દીધી. પરંતુ હવે તેની પાસે બીજો કોઈ રસ્તો પણ ન હતો. હવે તેનાથી પીછેહટ થાય એવું ન હતું. સોનલબા તેને કારણેજ ખાસ આજે ગાંધીનગર તેના કાકાને ઘરે ન જતા પોતાના પિતાને ઘરે ગયા હતા અને હવે જો વરુણ તેમને મળવાની ના પાડે તો સોનલબા ગુસ્સે તો થાય પરંતુ તેના કરતા તે દુઃખી વધુ થઇ જાય જે વરુણને બિલકુલ પસંદ પડવાનું ન હતું.
છેવટે વરુણે જે થશે તે જોયું જશે કે પછી વધુમાં વધુ સોનલબાના પપ્પા એના પર ગુસ્સે જ થઈને બે ચાર વખત વઢીજ નાખશેને? એમ વિચારીને પોતાનું મન મક્કમ કરી દીધું અને આવતીકાલે સવારે બરોબર દસ વાગ્યે તે સોનલબાના પિતા એટલેકે અમદાવાદ સીટી પોલીસ કમિશનર કિશનરાજ જાડેજાના આધિકારિક બંગલા પર પહોંચી જશે તે પ્રકારનો નિર્ણય તેણે કરી લીધો.
==::==
રવિવારે વરુણ રવિવારના તેના ઉઠવાના સમય કરતા વહેલો એટલેકે દસ વાગ્યાને બદલે સાત વાગ્યે ઉઠી ગયો. દરરોજ વહેલા ઉઠવા માટે ટેવાયેલા રાગીણીબેનને આ જોઇને આશ્ચર્ય થયું અને તેમણે વરુણને પૂછ્યું પણ ખરું, પણ વરુણે તેમને ક્રિકેટ કોચ સાથે મીટીંગ છે એમ કહી દીધું.
વરુણ પોતાના ઘરેથી નવ વાગ્યે પોતાના બાઈક પર સવાર થઈને શાહીબાગ તરફ રવાના થઇ ગયો. એના મનમાં કિશનરાજ જાડેજા તેની સાથે કેવું વર્તન કરશે એની ચિંતા પસાર થતા દરેક કિલોમીટરે વધવા લાગી. જેમ જેમ એ આશ્રમ રોડ પરના એક પછી એક સિગ્નલ વટાવતો ગયો એના હ્રદયના ધબકારા પણ વધવા લાગ્યા, એનું શરીર ફરીથી પરસેવો પરસેવો થવા લાગ્યું. ફરીથી તેને લાગવા લાગ્યું કે સોનલબાને બધું કહીને એણે ભૂલ કરી છે.
પરંતુ જેવું RTO સર્કલ આવ્યું કે વરુણે પોતાની બાઈકને એક પાનની વ્યવસ્થિતપણે સજાવેલી દુકાન પાસે ઉભી કરી દીધી. અહીં પાનવાળા પાસે તેણે પાણીની બોટલ માંગી. જેવી આ બોટલ પાનવાળાએ વરુણ સામે ધરી કે તરતજ એણે એ આખી બોટલ એક શ્વાસે ગટગટાવી દીધી.
વરુણને સારું લાગવા લાગ્યું અને ફરીથી તેણે મન મક્કમ બનાવ્યું કે જો કિશનરાજ જાડેજાને એની વાત સારી નહીં લાગે અને તેને વઢશે તો એ “સોરી! હવેથી ધ્યાન રાખીશ!” કહીને રવાના થઇ જશે.
વરુણે હવે મક્કમ મન સાથે બાઈકને કિક મારી અને સુભાષ બ્રીજ વટાવીને શાહીબાગ વિસ્તારમાં પ્રવેશ કર્યો. ગુગલ મેપ ઓન કરીને વરુણે કમિશનરનો બંગલો શોધ્યો અને અહીંથી રવાના થતા અગાઉ તેણે સોનલબાને કોલ કર્યો કે તે બહુ થોડાજ સમયમાં પોલીસ કમિશનરના બંગલા પર પહોંચે છે.
ફક્ત બે જ મિનીટમાં વરુણ અમદાવાદના પોલીસ કમિશનરના બંગલા પર પહોંચી ગયો. બહાર ઉભેલા પોલીસ સિક્યોરીટી ઓફિસરને પૂછીને પોતાનું બાઈક પાર્ક કર્યું. ઓફિસરને વરૂણનું નામ સોનલબા એ પહેલેથી જ આપી દીધું હતું એટલે વરુણે પુરાવા તરીકે જેવું પોતાનું ડ્રાઈવિંગ લાઈસન્સ દેખાડ્યું કે તેને અંદર પ્રવેશ મળી ગયો.
મોટા દરવાજાની અંદર ઘુસતા જ વિશાળ લોન હતી એમાંથી પસાર થઈને ભવ્ય કહી શકાય એવા બંગલા પર વરુણ પહોંચ્યો અને સોનલબા એમના સ્પેશિયલ સ્મિત સાથે એનું સ્વાગત કરવા ઉબા હતા.
“આવ ભઈલા, કેમ છે?” વરુણ સોનલબાની નજીક પહોંચ્યો કે તરતજ એમણે એના ખબર પૂછ્યા.
“સાચું કહું? ખૂબ નર્વસ.” વરુણે સત્ય કહ્યું.
“શું તું પણ. મેં ગેરંટી આપી હતીને કાલે? તો પણ હજી તને મારા પર વિશ્વાસ નથી?” સોનલબાએ મોઢું ચડાવ્યું અને વરુણના નર્વસ થવા પર અણગમો વ્યક્ત કર્યો.
“સોરી...સોરી...સોરી.” વરુણે હાથ જોડ્યા.
“બસ હવે, કશું નહીં થાય, મેં કહ્યું હતુંને કે જ્યારે તું અહીંથી જઈશ ત્યારે બીજાઓની જેમ તું પણ પપ્પાનો દીવાનો થઇ જઈશ,” સોનલબાએ વરુણના ખભા પર હાથ મુકીને તેને પોતાની સાથે અંદર આવવાનો ઈશારો કર્યો.
“બસ અહીંથી જવાનું થોડીવારમાં થાય તો સારું.” હવે વરુણ મશ્કરી કરી રહ્યો હતો.
“બહુ સારું, આવ.” સોનલબાએ વિશાળ લિવિંગ રૂમના કલાત્મક ફર્નીચરમાંથી એક પર બેસવાનો વરુણને કહ્યું.
“અંકલ બીઝી તો નથીને?” વરુણે છેલ્લી છટકબારી શોધી.
“ના મેં એમને કાલે જ કહી દીધું હતું કે મારો ભાઈ આવે છે તમને મળવા અને તમને કશું પૂછવા એટલે સવારે દસ થી અગિયાર તમારે કશે જવાનું નથી. હમણાં જ આવ્યા છે કશેકથી બસ પોતાના રૂમમાં ફ્રેશ થઈને આવતા જ હશે.” સોનલબાએ કહ્યું.
ત્યાંજ એક વ્યક્તિ સોનલબાની પાછળથી પ્રવેશ્યો.
“બેનબા, સાહેબ આવે છે.” આટલું કહીને પેલો વ્યક્તિ જતો રહ્યો પરંતુ વરુણનું હ્રદય હવે જોરથી ધબકવા લાગ્યું, એને લાગ્યું કે ક્યાંક એનું હ્રદય ઉછળીને એના ગળામાં ન આવી જાય.
ત્યાંજ સોનલબાની પાછળથી કિશનરાજ જાડેજા, અમદાવાદ શહેરના પોલીસ કમિશનર રૂમમાં પ્રવેશ્યા, વરુણથી આપોઆપ ઉભા થઇ જવાયું અને તે કિશનરાજ સામે એકીટશે જોવા લાગ્યો.
કિશનરાજ લગભગ સાડા છ ફૂટના હતા. ગૌરવર્ણ, ભરાવદાર મૂછો અને તેમની ઉંચાઈ અને તેમનું કસરતી શરીર કોઈનું પણ ધ્યાન તેમના તરફ ખેંચવા માટે સક્ષમ હતું. ઘરમાં હતા એટલે સાદા ડ્રેસમાં જ હતા પરંતુ તેમ છતાં તે વરુણના મન પર ગજબની છાપ છોડી રહ્યા હતા. વરુણ પણ હવે પોતાનો બધો જ ડર ભૂલીને માત્ર કિશનરાજને જોવામાં વ્યસ્ત થઇ ગયો.
“બોલ બેટા, આવી ગયો તારો ભાઈ?” રૂમમાં પ્રવેશ કરવાની સાથે જ કિશનરાજ બોલ્યા અને પોતાનાથી લગભગ પાંચ થી છ ફૂટ દૂર ઉભેલા અને પોતાને જ અનોખા અહોભાવથી જોઈ રહેલા વરુણને તેની કદકાઠી અને તેના ચહેરાને જોઇને ઉભા હતા ત્યાંજ સ્થિર થઇ ગયા.
==: પ્રકરણ ૧૧ સમાપ્ત:==