Happy Rakshabandhan in Gujarati Motivational Stories by Shailesh Joshi books and stories PDF | હેપ્પી રક્ષાબંધન

Featured Books
Categories
Share

હેપ્પી રક્ષાબંધન

આજે રક્ષાબંધન છે.
રીના પોતાના ભાઈ રોનકને રાખડી બાંધવા માટે, પૂજાની થાળી તૈયાર કરી રહી છે.
રીનાની મમ્મી સવારના ઘરકામમાં વ્યસ્ત છે.
રીનાના પપ્પા, ગઇકાલે પૂરા ફેમિલી સાથે ભાઈ રોનક માટે બાઇકનાં શોરૂમ પર જઈ રોનકની પસંદનુ જે બાઇક લેવાનું નક્કી કરીને આવ્યાં હતાં, તે બાઇક લેવા બાઇકનાં શોરૂમ પર ગયા છે.
ઘરે પપ્પાની કે બાઇકની ?
રાહ જોતો રોનક, બાઇક માટે અધીરો થઈ, પપ્પા બાઇક લઇને ક્યારે આવે તેની રાહ જોતો, ઘરના દરવાજામાંજ ઉભો છે.
રોનકને આમ અધીરાઈમા જોઇ, રીનાને તેની મમ્મી કહી રહી છે કે...
મમ્મી : રીનાબેટા, જોતો ખરી, તારા ભાઈનો બાઇક માટેનો હરખ તો જો.
રોનકમા આજે પોતાના નવા બાઇકને લઇને વધારે પડતો ઉત્સાહ દેખાઈ રહ્યો છે, અને ઉત્સાહ કેમ ન હોય ?
હજી હમણાં જ એણે 18 વર્ષ પૂરા કર્યા છે, અને તેણે નવી-નવી કોલેજ પણ હમણાંજ ચાલુ કરી છે.
સાથે- સાથે તેનુ નવું ટુ- વ્હીલરનુ લાયસન્સ પણ હમણાંજ આવ્યુ છે.
અને આજે, આજે પપ્પાએ તેને તેની પસંદની બાઈક પણ લઈ આપી છે.
એટલે તો આજે એ ક્યારનોય પપ્પા શોરૂમમાંથી પોતાની પસંદ કરેલ બાઈક લઇને આવે, એની રાહ જોતો 50વાર ઘરના દરવાજા પાસે જઈ આવ્યો છે.
એટલામાં તેના પપ્પા બાઈક લઈને આવી પહોંચે છે.
પપ્પા : જો રોનકબેટા, તારી પસંદનું બાઈક આવી ગયું.
રોનક બાઇક પાસે દોડે છે.
પપ્પા : અરે, ઉભો રહે બે મિનિટ. પહેલા બહેન પાસે રાખડી બંધાવ, અને પછી રીનાને કહે કે,
એક રાખડી બાઇકને પણ બાંધે.
બાઇક આવવાથી અત્યારે રોનકનો ઉત્સાહ બેવડાઈ ગયો છે.
તે દરવાજામાંથી જ...
રોનક : રીના કેટલીવાર ?
રીના : બસ આવી, પહેલા તુ અહી આવીજા, એટલે તને રાખડી બાંધી દઉં અને પછી તારા બાઇકને
રોનક દરવાજામાંજ ઊભો-ઉભો બાઇક સામે જોતાં-જોતાં
રોનક : અરે તું અહીં આવીનેજ બાંધી દે ને રાખડી.
પપ્પા : રોનક, બેટા અહીંયા બહાર ઉભા-ઉભા રાખડી ના બંધાય.
આવ ઘરમાં આવ, અને રીના પાસે શાંતિથી રાખડી બંધાવ. ખોટી ઉતાવળ ન કર.
મને ખબર છે, તારે બાઇક લઇને રીના માટે ગિફ્ટ લેવા જવું છે.
રીના : પપ્પા એને મારા માટે ગિફ્ટ લેવા જવાની કોઈજ ઉતાવળ નથી.
એ બહાને એને નવા બાઈક ની રાઈડ લેવાની ઉતાવળ આવી છે.
પપ્પા : ભાઈ હવે તારું જ છે આ બાઇક. હવે રોજ તારેજ ચલાવવાનું છે, અને સાંભળ આટલો બધો વાહનનો મોહ સારો નહીં. એને તો એક સાધન તરીકેજ વાપરવાનું હોય.
તારી ઉંમર પ્રમાણે તારો હાલનો ઉત્સાહ હું સમજી શકું છું બેટા, પણ જો વાહન હંમેશા ધીરેજ ચલાવવાનું અને ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરવાનું સમજ્યો.
રોનક મોઢું બગાડે છે, અને મનમાં જ, થઈ ગયા શરૂ.
રોનક રાખડી બંધાવવા ઘરમાં આવે છે.
રીના ભાઈના કપાળે ચાંલ્લો કરી, ચોખા લગાવી, ભાઈ રોનકને રાખડી બાંધે છે, અને ભાઈની આરતી ઉતારે છે. તેમજ આશીર્વાદ આપે છે.
પરતું રોનકના હાથ અને ખભા સાથે-સાથે પગ પણ અત્યારે જે હલનચલન કરી રહ્યા છે, એમાં સાફ દેખાઈ રહ્યું છે કે, ક્યારે આ વિધી પતે, અને ક્યારે તે અહીથી બાઈક લઈને બહાર નીકળે.
રીના ભાઈરોનકની આરતી ઉતારી રોનકને મિઠાઈ ખવડાવે છે.
રોનક મીઠાઈ ખાતો-ખાતો બાઇક પાસે દોડે છે, અને દોડતા-દોડતાજ
રોનક : રીના, તુ એક રાખડી લઇને ફટાફટ બહાર આવ, અને બાઈકને પણ રાખડી બાંધીદે.
અને પછી તૈયાર થા ફટાફટ, તારી ગિફ્ટ લેવા જવાનું છે.
આટલુ બોલતા-બોલતા રોનક બહાર આવી, સ્ટેન્ડપરથી બાઇક ઉતારી, ચાલુ કર્યા સિવાય ઉપર બેસી પગથી ધક્કો મારી, બાઇક ઘરના દરવાજા સુધી લઇને, બહાર નીકળવાની પોઝિશનમાં બાઇક ઉભુ રાખે છે
પપ્પા : રોનક, બેટા હેલ્મેટ ?
રોનક : પપ્પા અહીં નજીક તો જવું છે.
એમા શુ હેલ્મેટ પહેરવાનું ?
પપ્પા : એમ ના ચાલે હો બેટા, આજે બોલતો નથી, પણ આગળ નહીં ચલાવી લઉં.
ત્યાં જ રીના આવે છે.
અહીં રોનક મોબાઇલમાં ઇયરફોન લગાવી, કોઈ ગમતું સોંગ સિલેક્ટ કરી મોબાઇલ ખિસ્સામાં મુકી વારંવાર, રીના આવી કે નહીં ?
તે જોઈ રહ્યો છે.
રીનાને આવતી જોતાજ, ચલ જલ્દી રાખડી બાંધ બાઈકના સ્ટેરીંગ પર, અને પછી થાળી મમ્મીને આપી દે, અને બેસ બાઈક પર, તારી પસંદની ગિફ્ટ લઈ આવીએ.
રીનાએ આવીને જોયું કે, ભાઈએ કાનમાં ઈયરફોન લગાવ્યું છે, અને મોબાઇલમાં સોંગ સિલેક્ટ કરી મોબાઇલ ખિસ્સામાં મૂકયો છે. અને એના હાવભાવ સોન્ગની મજા લઇ રહ્યા છે, અને હેલ્મેટ પણ પહેર્યું નથી.
રીના બાઈકને બાંધવા થાળીમાં જે રાખડી લઇને આવેલી, તે પૂજાની થાળી, રીના તેની મમ્મીના હાથમાં પાછી આપી દે છે, અને બાઇક પર બેસેલ ભાઈ રોનક પાસે આવે છે.
રીના ભાઈની નજીક આવી ભાઈને હમણાંજ બાંધેલ રાખડી ખોલવા જાય છે.
આ જોતાંજ રોનક અને તેના મમ્મી-પપ્પા એક સાથે
આ શું કરે છે રીના ?
રીના : પપ્પા, ભાઈ ને કહો કે, તેને જે હમણાં લાઇસન્સ મળ્યું છે, તે વ્હીકલ ચલાવવા માટેનું એક કાર્ડ માત્ર છે, લાઇસન્સ એ કંઈ સલામતીનું ગેરેન્ટી કાર્ડ નથી.
આ સાંભળી રોનક થોડો મજાકમાં
રોનક : પણ રીના, મારી વહાલી બેન, તે હમણાં તો મને રાખડી બાંધી અને આશીર્વાદ આપતા તે મને કહ્યુ કે, આ રાખડી મારી રક્ષા કરશે. તે મારા હાથમાં રાખડી બાંધી જ છે રક્ષા માટે,
તો પછી શું ચિંતા ?
પરંતુ બહેન રીના અત્યારે બિલકુલ મજાકના મૂડમાં ન હતી.
રીના : ભાઈ, મારી તને બાંધેલ રાખડી, અને મે તને આપેલા આશીર્વાદ, એતો તારા જીવનમાં ઓચિંતી અને અણધારી આવતી આફતો સામે તને રક્ષણ આપશે.
પરંતું...
"જે આફતો તે સામેથી આવકારી હોય, તેની સામે રક્ષણ નહીં આપે"
રોનકને બહેન રીનાએ કહેલ આ વાક્ય બરાબર સમજાઈ જાય છે.
તુરંત રોનક કાનમાંથી ઈયરફોન કાઢતા...
રોનક : પપ્પા પેલું હેલ્મેટ આપશો પ્લીઝ.
રોનક હેલ્મેટ પહેરી બેનરીનાને
રોનક : હવે તો બેસીશ ને ?
રીના ખુશ થઇ બાઇકને રાખડી બાંધી, ભાઈને ખભેથી પકડીને બાઇક પર બેસી જાય છે.
રોનક બાઇક ગેરમા નાંખતા પહેલા..
રોનક : રીનાબેન, મારી મોટી બહેન, આજ પછી હું,
ટુ- વ્હીલરમાં ઈયરફોન તો નહીં જ વાપરું, ઉપરાંત હેલ્મેટ સિવાય બાઇકને હાથ પણ નહી લગાવું.
રીના : બસ હવે, બહુ ડાહ્યો ના થઈશ, અને મને ગિફ્ટ અપાવ. બંને ભાઈ-બહેન મમ્મી-પપ્પાને બાય-બાય કરી ગિફ્ટ લેવા નીકળે છે.
મમ્મી-પપ્પા પણ હસતા-હસતા જઈ રહેલા પોતાના સંતાનોને જોઈ, બન્ને પર ખુશી અને ગર્વ મહેસુસ કરે છે.
દોસ્તો હેપ્પી રક્ષાબંધન