Angarpath-63. Last Episod in Gujarati Fiction Stories by Praveen Pithadiya books and stories PDF | અંગારપથ. પ્રકરણ-૬૩. અંતિમ અધ્યાય.

Featured Books
  • ભાગવત રહસ્ય - 104

    ભાગવત રહસ્ય-૧૦૪   દેવહુતિ કહે છે-આપ સત્સંગ કરવાની આજ્ઞા આપો...

  • ખજાનો - 71

    "ત્યાં સુધી મિત્રો સાંભળો અહીં જે દુકાનદાર છે તે મારો ખાસ મિ...

  • મૃગજળ

    આજે તો હું શરૂઆત માં જ કહું છું કે એક અદ્ભુત લાગણી ભરી પળ જી...

  • હું અને મારા અહસાસ - 107

    જીવનનો કોરો કાગળ વાંચી શકો તો વાંચજો. થોડી ક્ષણોની મીઠી યાદો...

  • દોષારોપણ

      अतिदाक्षिण्य  युक्तानां शङ्कितानि पदे पदे  | परापवादिभीरूण...

Categories
Share

અંગારપથ. પ્રકરણ-૬૩. અંતિમ અધ્યાય.

અંગારપથ.

પ્રકરણ-૬૩.

પ્રવીણ પીઠડીયા.

અંતિમ અધ્યાય.

“મારે તેને મારવી ન હતી, પરંતુ હું મજબૂર હતો. તેને જીવિત રાખવાનો મતલબ મારો પોતાનો સર્વનાશ હતો.” રાયસંગા એકાએક બોલી ઉઠયો. “વળી તે સામે ચાલીને આવી હતી. એ મોકો ચૂકવાનો તો કોઈ સવાલ જ ઉભો નહોતો થતો. તે બીચ ઉપર ભટકી રહી હતી. મને ખ્યાલ આવ્યો હતો કે એ રક્ષા જ છે. તુરંત મે મારાં માણસોને હુકમ કર્યો અને તેને ઉઠાવીને યોટ ઉપર લઈ આવ્યાં હતા.”

“શું કર્યું હતું તે તેની સાથે…?” અભિમન્યુ દિલમાં આગ સળગી. તે ક્રોધથી થરથર ધ્રૂજતો હતો. પળવારમાં તેને બધું જ સમજાઈ ગયું હતું કે રક્ષા કેવી રીતે રાયસંગાની ચૂંગલમાં ફસાઈ હતી.

“મેં ઘણી સમજાવી હતી તેને. તે માંગે એટલી રકમ આપવાની ઓફર કરી હતી. બદલામાં તેણે ફક્ત પોતાનું મોઢું બંધ રાખવાનું હતું. પણ તેણે મને ધમકી આપી. મને ખબર હતી કે તે મારું કંઈજ બગાડી શકવાની નથી છતાં હું કોઈ જોખમ લેવા માંગતો નહોતો એટલે મારે તેને ખતમ કરી નાંખવી પડી. પછી તેને સમુદ્રમાં ફેંકી દીધી હતી. મને હતું કે સમુદ્રની ગહેરાઈમાં હંમેશને માટે તે ગુમ થઇ જશે પરંતુ… તે બચી ગઈ.” રાયસંગા એકજ શ્વાસે બોલી ગયો હતો.

અભિમન્યુનાં જડબા આપસમાં ભિડાયા. તેની રગોમાં દોડતું લોહી એકાએક ઉફાળાં મારવાં લાગ્યું. તેની નજરો સામે હોસ્પિટલનાં બેડ ઉપર ઘાયલ અવસ્થામાં સુતેલી રક્ષા ઉભરી આવી. તેના શરીરે પડેલા અસંખ્ય ઘાવ અને એ ઘાવમાંથી વહેતું લોહી દેખાતું હતું. કેટલી બેરહમીથી તેને ટોર્ચર કરવામાં આવી હશે એ ખ્યાલ જ તેના હદયમાં દાવાનળ સળગવવાં પૂરતો હતો. આ જગતમાં એક રક્ષા જ તેનું સર્વસ્વ હતી. તેની માં… તેનો પરીવાર… તેનું વિશ્વ… બધું જ એક તેની બહેનમાં આવીને સમાઈ જતું હતું. એ રક્ષાને રાયસંગા જેવા રાક્ષસે હાથ લગાવવાની જૂર્રત કરી હતી, તેને દોજખની યાતનાં પહોંચાડી હતી એ વિચારે જ તેનો પારો સાતમાં આસમાને પહોંચ્યો હતો.

“તડાક…” અચાનક એક કડાકાનો અવાજ આવ્યો અને રાયસંગાની ભયાનક ચીખથી સમગ્ર યોટ ખળભળી ઉઠી. એ એટલી ભયંકર ઝડપે બન્યું હતું કે ઘડીક તો કોઈને સમજાયું નહી કે અચાનક શું થયું અને તે ચિખ્યો કેમ..? પરંતુ ક્ષણનાં ચોથા ભાગમાં સ્પષ્ટ થયું હતું કે એ હરકત અભિમન્યુએ કરી હતી. કેબિનમાં અજબ ટેબ્લો પડયો હતો અને રાયસંગાનાં હાથમાંથી ગન છટકીને ફર્શ ઉપર પડી હતી. એ સાથે જ ચારુંએ પણ હરકત કરી નાંખી હતી. તે સચેત હતી અને આવી જ કોઈ ક્ષણનો તેને ઈંતજાર હોય એમ રીતસરની હવામાં ઉછળી અને કોઈ કુશળ કલાબાજની જેમ તેની આગળ ઉભેલા રાયસંગાનાં બન્ને માણસોની પીઠ ઉપર ઝિંકાઈ હતી. તે બન્નેને ધક્કો લાગ્યો અને તેઓ હાથ ફેલાવીને નીચે ખાબક્યાં. કેબિનમાં એકાએક જ ભૂચાળ આવ્યો હોય એવી જબરજસ્ત આંધાધૂંધી ફેલાઈ ગઈ અને પછી તો રીતસરની ધમાચકડી મચી ગઈ. કેબિનનું વાતાવરણ એકાએક જ ગરમ થઇ ઉઠયું હતું.

રાયસંગા એકધારો ચીખી રહ્યો હતો. તેના ગળામાંથી ભયંકર દર્દનાક અવાજો નિકળતા હતા જાણે તે મરવા પડયો હોય. તેની આંખોમાંથી આપોઆપ પાણી ઉભરાઇને ગાલ ઉપર દડવા લાગ્યું હતું. તે સમજી નહોતો શકતો કે એકાએક તેને શું થયું અને આટલું ભયંકર દર્દ કેમ ઉભર્યું! પરંતુ… એ માટે અભિમન્યુ જવાબદાર હતો. તેના જહેનમાં રક્ષાનો માસૂમ ચહેરો છવાયેલો હતો. રાયસંગાએ તેની સાથે કેવો ઘાતકી વ્યવહાર કર્યો હશે એ વિચારે જ તેના રુંએ-રુંએ આગ લાગી હતી. તેના દિમાગમાં ભયંકર વિસ્ફોટો સર્જાતા હતા અને… રાયસંગા વધું કંઈ બોલે એ પહેલા તેણે તેનો ગન પકડેલો હાથ પોતાના બન્ને હાથની હથેળીઓમાં જકડી લીધો હતો. વિજળીનો ચમકારો થાય એથી પણ વધું ઝડપે અભિએ રાયસંગાનો ગન થોભેલો હાથ કાંડેથી પકડયો હતો અને તે કંઈ કરે એ પહેલાં ભયંકર ફોર્સથી પાછળની તરફ મરડી નાંખ્યો હતો. એ હરકત ભયાનક હતી. જાણે કોઈ સૂકા લાકડાની ડાળખીઓને ખાલી તોતિંગ બળનાં આધારે જ તોડી નાંખવા માંગતું હોય એવી એ હરકત હતી. રાયસંગાનું કાંડું એક કડાકા સાથે તેના જોઈન્ટમાંથી ખડયું હતું અને તેના મોઢામાંથી રાડ ફાટી પડી હતી. એક જ ઝટકે તેનો હાથ નકામો થઇ ગયો હતો. તેનું કાંડું અને હથેળી… બન્ને જાણે અલગ હોય એમ આગળનો ભાગ લબડી પડયો હતો. તેના દિમાગમાં એકાએક શૂન્યાવકાશ છવાયો હતો અને જ્યારે એ શૂન્યાવકાશ હટયો ત્યારે બેફામ ચીખતો, ચીલ્લાતો તે સોફામાં આળોટવા લાગ્યો હતો. અભિમન્યુનાં એકજ વારે તે પરાસ્ત થઇ ગયો હતો.

બરાબર એ ક્ષણે જ ચારું પેલા બન્ને માણસોની બરાબરની મરમ્મત કરતી હતી. જેવા તે બન્ને નીચે પડયા કે ચારુંએ તેમને ઠમઠોરવા શરૂ કરી દીધા હતા. તેઓ રીતસરનાં ધરબાઈ ગયા હતા. એક તો કેબિનમાં શું ચાલે છે અને તેમણે શું કરવાનું છે એનો કોઈ અંદાજ નહોતો. ઉપરથી થોડીવાર પહેલા જ તેનો બોસ દૂર્જન રાયસંગા તેમની ઉપર ચીલ્લાઈ રહ્યો હતો તેમાં તેમનાં મગજ ખરાબ થઇ ચૂકયા હતા. એવા સમયે જ કોઈ વાવાઝોડાની માફક કેબિનમાં ઘૂસી આવ્યું હતું અને તેઓ કંઈ સમજે એ પહેલા તેમની ઉપર તૂટી પડયું હતું એટલે તેઓ સાવ હતપ્રદ બની ગયા હતા. ચારુંનાં ભારેખમ પોલીસ બૂટની દરેક ઠોકરે તેમનો આત્મવિશ્વાસ તળિયે આંબતો હતો અને તેઓએ લગભગ શરણાગતી સ્વિકારી લીધી હતી. એ સીલસીલો લગભગ પંદર મિનિટ સુધી ચાલતો રહ્યો. ચારુંનાં બૂટની ઠોકરોથી તેમના ચહેરા તૂટયા હતા અને શરીરનો તો જાણે સોથ નિકળી ગયો હોય એમ તેઓ પસ્ત થઇને ફર્શ ઉપર પડયા પડયા કરાહતાં હતા. ચારું અટકી ત્યારે તે બન્નેનો ખેલ ખતમ થઇ ચૂકયો હતો. તેઓ હવે કોઈ કામનાં રહ્યાં નહોતાં. પરસેવે રેબઝેબ હાંફતી ઉભેલી ચારુંનાં દેદાર પણ વિચિત્ર થયા હતા. તેણે પોતાની ફરજમાં આજે પહેલી વખત કોઈને આટલી બેરહમીથી ફટકાર્યાં હશે. ઘડીભર માટે તે પોતાનાં અનિયંત્રિત ચાલતાં શ્વાસોશ્વાસને ઠીક કરતી ઉભી રહી અને પછી અભિમન્યુ તરફ આગળ વધી હતી.

એ સમયે રાયસંગા પોતાનો લબડતો હાથ બીજા હાથમાં પકડીને સોફામાં આળોટતો હતો. તેનો જીવ તેના ગળામાં આવીને સલવાયો હતો. તેને ઝટકા લાગતાં હતા. કાંડામાં થતા લવકારાઓને કારણે વારેવારે તે ઉછળતો હતો. પરંતુ… તે સખત જીવ હતો. બહું જલદી તેને કળ વળી હતી અને તેણે પોતાની આંખો સ્થિર કરી હતી.

“મને… મને… જવા દે. તું… ચાહે એ હું તને… આપીશ. પણ… પ્લિઝ… રહેમ.” તે રીતસરનો કરગરવા લાગ્યો. સાથોસાથ તેની નજર નીચે ફર્શ ઉપર પડેલી ગન ઉપર આવીને અટકી હતી.

“આવી જ હાલત તે મારી બહેનની કરી હશે નહિં..! એ પણ તારી પાસે આમ જ કરગરી હશે. અને તેં શું કર્યું હતું તેની સાથે..? અરે એ છોડ, કેટલાં માસૂમ, નાના બાળકોને તેં જીવતેજીવ નર્કની યાતનાઓ આપીને મોતને ઘાટ ઉતાર્યા છે એનો હીસાબ છે તારી પાસે…? તારી જેવા જલ્લાદોને તો એક નહીં, હજ્જારો વખત જીવતાં જ ચામડી ઉતારીને મારી નાંખીએ તો એ સજા પણ ઓછી પડે. અને તું મારી પાસે દયાની ભીખ માંગે છે હરામખોર.” અભિમન્યુનો અવાજ ક્રોધથી થરથર ધ્રૂજતો હતો. તેના જીગરમાં ભયંકર આંધી ઉઠતી હતી.

જ્યારથી તેણે ગોવામાં પગ મૂકયો હતો ત્યારથી એક જ સવાલ તેને પરેશાન કરી રહ્યો હતો કે આખરે કોણે, અને શું કામ કોઈએ તેની બહેન રક્ષાને મારવાની કોશિશ કરી હતી…! એ સવાલનો જવાબ શોધવા સમગ્ર ગોવાને તેણે રીતસરનું ધમરોળી નાંખ્યું હતું આજે એ જવાબ તેને મળ્યો હતો. તેની બહેન નિર્દોષ હતી. તેને તો ખબર પણ નહોતી કે તે કેવા દલદલમાં ફસાઈ ગઈ હતી. ચોક્કસ તેણે તેમાથી બહાર નિકળવાનાં પ્રયત્નો કર્યા હતા પરંતુ ડગ્લાસ, સંભાજી અને રાયસંગા જેવા રાક્ષસોની ચૂંગલમાંથી બચવું એટલું આસાન નિવડયું નહોતું. અરે… હોસ્પિટલમાં કોમામાં જતાં જતાં પહેલા પણ તેણે ’જૂલી’ નું નામ ઉચ્ચારીને એક ’હિન્ટ’ આપવાની કોશિશ પણ કરી હતી પરંતુ તેનો મતલબ અત્યાર સુધી કોઈને સમજાયો નહોતો એ કમભાગ્ય હતું. પરંતુ હવે બધું જ ક્લિયર થઈ ચૂકયું હતું. રાયસંગાએ રક્ષાને મારીને સમુદ્રમાં ફેંકી દીધી હતી. એ પછી ડગ્લાસ અને આમન્ડાએ તેને ખતમ કરવાની ભરપૂર કોશિશો કરી હતી. એ તમામનો બદલો તે આજે લેવા માંગતો હતો. તેની બહેનનાં એક-એક ઝખમનો હિસાબ તે કરવા માંગતો હતો. તેના જહેનમાં રાયસંગાનો સર્વનાશ છવાયેલો હતો અને એ સીવાય અત્યારે તેને કશું જ દેખાતું નહોતું. ફરીથી તેના દાંત ભિંસાયા, હાથની મુઠ્ઠીઓ વળી… અને રાયસંગાનાં ચહેરા ઉપર એક વજનદાર મુક્કો રસિદ કરી દીધો.

“ઓહ…” રાયસંગા ફરીથી ચીખી ઉઠયો. તેના મોઢામાં ખારાશ ઉભરાઈ. એ તેનું પોતાનું જ લોહી હતું. તેના દાંતની પંક્તિઓ એક જ પ્રહારમાં હલી ગઈ હતી અને તેમાથી લોહી નીકળવું શરૂ થયું હતું. અભિમન્યુ હવે રોકાવા માંગતો ન હોય એમ તેણે ફરી હાથ ઉગામ્યો. પરંતુ… રાયસંગાની નજરો ક્યારની યોટની ફર્શ ઉપર પડેલી ગન ઉપર હતી. તેને સમજાઈ ગયું હતું કે જો તેણે અહીથી જીવિત બહાર નીકળવું હશે તો કોઈપણ ભોગે એ ગન હાથવગી કરવી જ પડશે. તે એવા કોઈ મોકાની ફીરાકમાં હતો જ્યારે એ ગન તેની પહોંચમાં આવે. તેને એ મોકો તરત મળ્યો હતો. અભિમન્યુનો બીજો મુક્કો તેના ચહેરાને ક્ષપ્ત-વિક્ષિપ્ત કરે એ પહેલાં એકાએક જ તેણે સોફા ઉપર બેઠા-બેઠા જ ટૂંટિયું વાળ્યું. પોતાના બન્ને પગ ભેગા કર્યા અને હતી એટલી તાકાત એકઠી કરીને અભિમન્યુની છાતીમાં લાત ફટકારી દીધી. એ સાવ અનાયાસે અને અણધારું બન્યું હતું. અભિમન્યુ અસાવધ હતો. તે એક ધક્કાથી પાછળ ખસ્યો. તેના પગ પાછળ તરફ લથડયાં. એ સાથે જ રાયસંગા સીધો થયો હતો અને તેણે કાંડાથી ખડી ગયેલો હાથ છોડીને બીજા હાથે ગન ઉઠાવી લીધી હતી. એ એટલી ભયાનક ઝડપે બન્યું કે અભિમન્યુ કંઈ સમજે એ પહેલા ફરીથી તે ગન પોઈન્ટ ઉપર આવી ગયો હતો. રાયસંગાનો લબડતો હાથ ભયંકર લવકારા મારતો હતો. મહા-મહેનતે તેણે ગન સ્થિર કરી હતી. હવે આ મોકો તે ચૂકવા માંગતો નહોતો. તેણે પોતાનામાં હતી એટલી બધી તાકાત એકઠી કરી, દાંત ભિંસ્યાં અને ટ્રીગર ઉપર આંગળી દબાવી દીધી. “ધાંય….” ગન ફાયરનો અવાજ યોટની એ નાનકડી અમથી કેબિનમાં ગુંજી ઉઠયો. એ સાથે જ ચારું દોડી હતી. તેને એમજ લાગ્યું કે રાયસંગાએ છોડેલી ગોળીથી અભિમન્યુ વિંધાઈ ગયો છે. તેનાં પેટમાં ફાળ પડી હતી અને રીતસરની તે અભિમન્યુ તરફ ધસી ગઈ હતી. પરંતુ મામલો કંઈક અલગ જ બન્યો હતો.

અભિમન્યુ રાયસંગાએ ઠોકેલી લાતથી પાછળ ધકેલાયો હતો અને અસાવધ બન્યો હતો. પણ તેના માટે આવી પરિસ્થિતિનો સામનો કરવો બહું સામાન્ય બાબત હતી. આંખનાં પલકારે તેણે રાયસંગાને ગન ઉઠાવતા અને ટ્રીગર દબાવતાં જોઈ લીધો હતો. એ સાથે જ તેના શરીરે ઓટોમેટિક રિએક્ટ કર્યું હતું. તેનો હાથ આપોઆપ લંબાયો હતો અને હથેળી રાયસંગાએ પકડેલી ગનની નોબ ઉપર દબાઈ ચૂકી હતી. એ સીવાય બીજો કોઈ રસ્તો નહોતો તેની પાસે. રાયસંગાએ ટ્રીગર દબાવ્યું અને… એક ધમાકો થયો. એ સાથેજ અભિમન્યુની હથેળીમાં ભગદળ પડયું. તેની હથેળીનું લોહી અને માંસનાં લોચા હવામાં ઉડયાં. એકજ ધડાકે તેની હથેળી વિંધાઈ ગઈ હતી. પરંતુ તેની બીજી જ ક્ષણે એક ભયાનક આશ્વર્યજનક ઘટના બની ગઈ. રાયસંગા કોઈ હરકત કરે એ પહેલા તેની ખોપરી વિંધાઈ ગઈ હતી. તેની આંખોમાં આશ્વર્ય ઉભરે… એવું કેમ કરતા થયું એ તેની સમજમાં આવે… એ પહેલા તેનું શરીર નિશ્વેત બનીને સાફા ઉપર ઢળી પડયું હતું. એ ભયાનક બર્બરતાની સિમા સમાન દ્રશ્ય હતું. તેના કપાળની બરાબર વચ્ચેથી લોહીની ધાર ફૂટી હતી અને સોફાનાં મુલાયમ કવરમાં ભળી હતી. ક્ષણનાં ચોથા ભાગમાં તેના શરીરમાંથી પ્રાણ ઉડી ગયા ગયા હતા. ખુદ અભિમન્યુ પણ એક વખત તો ડઘાઈ ગયો. તેણે એટલું ફાસ્ટ રિએક્ટ કર્યું હતું કે ઘડીક તો તેને પણ પોતાની ઉપર વિશ્વાસ આવ્યો નહોતો. તે આંખો ફાડીને સોફા ઉપર આડા પડેલા રાયસંગાને જોઈ રહ્યો. એ દરમ્યાન ચારું ધડકતા દિલે તેની પાસે દોડી આવી હતી અને તેને વળગી પડી હતી.

“માયગોડ અભિ… ઓહ… તું સલામત છે…!!” અપાર આશ્વર્ય અને આઘાતથી તે દિગ્મૃઢ બની ગઈ હતી. ફાટી નજરોથી તે સોફા ઉપર પડેલા રાયસંગાનાં મૃતદેહને જોઈ રહી. તેણે અભિમન્યુને બથમાં ભરી લીધો અને પોતાની મુલાયમ છાતીમાં તેનું માથું ચાંપી દીધું. તેનું હદય ભયાનક ગતીથી ધડકતું હતું. તે ગભરાઈ ગઈ હતી. પ્રથમ તો તેને એવું જ લાગ્યું કે રાયસંગાએ છોડેલી ગોળીથી અભિમન્યુ વિંધાઈ ગયો છે. એ વિચારે જ તેનો જીવ તાળવે આવીને ચોંટયો હતો અને કંઈપણ વિચાર્યા વગર તે દોડી આવીને તેને વિંટળાઈ પડી હતી. પરંતુ અભિમન્યુ સલામત છે અને જીવિત છે એ ખ્યાલે તેના જીગરમાં અજીબ શાંતાં વળી હતી. આપોઆપ જ તેની આંખોમાંથી હરખનાં આંસું ઉભરાવા લાગ્યાં હતા. હદયનો ફફડાટ ઓછો થયો હતો. તેને વિશ્વાસ નહોતો થતો કે અભિમન્યુએ એ કેવી રીતે કર્યું…! કોઈ આટલું ઝડપી કેવી રીતે રીએક્ટ કરી શકે..!

પરંતુ હકીકતમાં એ બન્યું હતું… કોઈના જહેનમાં વિચાર પણ ન ઉભરે એટલી ભયાનક ઝડપે એ બન્યું હતું. રાયસંગાની ખુલ્લી આંખોમાં હજુંપણ એનો આઘાત છવાયેલો સ્પષ્ટ દેખાતો હતો. ગન હાથમાં આવી એ સમયે તેનો આત્મવિશ્વાસ ફરીથી જાગી ઉઠયો હતો. સહેજે સમય ગુમાવ્યાં વગર તેણે ફાયર પણ કરી દીધો હતો પરંતુ… સામે અભિમન્યુ જેવો તેજતર્રાર અફસર હતો. તેને પરાસ્ત કરવો લગભગ નામૂમકિન સમાન હતું. તે કોઈ મશિનથી પણ ફાસ્ટ હતો. તેણે પોતાની હથેળી સીધી જ ગન પોઈન્ટ ઉપર દબાવી દીધી હતી કારણ કે તેની પાસે બચવાનો એ એકજ રસ્તો બાકી બચતો હતો. જો બીજી કોઈ હરકત કરી હોત કે સહેજે હલ્યો હોત તો ગનમાંથી છૂટેલી ગોળીથી એ ક્ષણે જ તે વિંધાઈ ગયો હોત. એવી પરિસ્થિતિમાં તેનું મગજ હાઈ એલર્ટ ઉપર પહોંચી ગયું હતું. સેકન્ડનાં સોમાં ભાગનું પૃથ્થકરણ આપોઆપ થતું હતું અને એ પ્રમાણે ઓટોમેટિક તેનું શરીર રિએક્ટ કરતું હતું. ગન શોટથી બચવાનો જે રસ્તો સૂજયો હતો એ તેણે અપનાવ્યો હતો અને સાથોસાથ… બીજા હાથથી રાયસંગાની ગન પકડીને ખેંચી લીધી હતી અને સીધી જ ગોળી તેના કપાળ વચ્ચે ધરબી દીધી હતી. રાયસંગાએ સ્વપ્નેય નહી વિચાર્યું હોય કે તેનું મોત આવી રીતે થશે. એક ધમાકો થયો અને રાયસંગા ત્યાંજ, સોફામાં ઢળી પડયો. તેનો ખેલ ખતમ થઇ ગયો. આંખનો પલકારો પણ ઝબકાવાનો મોકો તેને મળ્યો નહી અને તેની ખોપરીમાં ગરમ લોઢું ઉતરી ગયું હતું. તેની પાપણો હેઠળ વિસ્મયનો મહા-સાગર ઉમટયો હતો અને ખૂલ્લી આંખોએ જ તે મૃત્યુને ભેટયો હતો. ગોવાનો સર્વેસર્વા… જેના નામ માત્રથી ભલભલાનાં ગાત્રો શિથિલ થઈ જતા… જેના નામની આણ ગોવાને થંભાવવા પૂરતી હતી… જે ગોવાનો બાપ ગણાતો હતો… એવી વ્યક્તિ તેના આખરી સમયે બહુ વિચિત્ર મોતે મર્યો હતો. તેના મોતથી ગોવાનાં ઈતીહાસનું એક ઓર અંધકારભર્યું પાનું બંધ થયું હતું.

“ઓહ અભિ…” ચારુની નાભીમાંથી ડૂસકા નીકળતા હતા. તે એટલી ગભરાઈ ગઈ હતી કે વધું બોલી પણ શકતી નહોતી. તેના જીગરમાં અજીબ સ્પંદનો થતાં હતા અને અભિમન્યુની હાલત જોઈને તેનું દિલ બેસતું જતું હતું.

અભિમન્યુની હથેળીનાં ફૂરચા ઉડી ગયા હતા. તેમાથી એકધારું લોહી વહીને નીચે ટપકતું હતું. એક તો ડગ્લાસ સાથેની લડાઈમાં ઓલરેડી તે ખરાબ રીતે ઘાયલ હતો, તેમાં આ મરણતોલ ઘાવ ઉમેરાયો હતો. બેવડા મારથી, બેવડા આઘાતથી તેની આંખો આગળ અંધારું છવાતું જતું હતું. તે કોઈ ઉંચા ગોળ ફરતાં ચગડોળમાં બેઠો હોય અને આખું જગત ગોળ-ગોળ ફરતું હોય એવું અનુભવતો હતો. તેનું માથું જબરજસ્ત રીતે ભમતું હતું. તે રીતસરનો હવામાં ઉડી રહ્યો હોય એવી અનુભૂતી થતી હતી. આખરે શરીર થાક્યું હતું અને અજબ પ્રકારની તંદ્રાએ તેને પોતાની આગોશમાં સમાવી લીધો હતો. તેણે તેનું માથું ચારુની છાતીમાં ઓર જોરથી દાબી દીધું. ચારુની સુંવાળી, લીસી, પરસેવાથી ભીની થયેલી ચામડીમાં અજબ ઠંડક હતી. તેની છાતી અહર્નિશ તપતા સૂરજની ઉપર છવાતાં વરસાદી વાદળોની માફક સ્વર્ગનો અદકેરો અનુભવ કરાવતી હતી. તે એ મુલાયમ ગોદમાં હંમેશને માટે સૂઈ જવા માંગતો હોય એમ પોતાની આંખો બંધ કરી અને એ અવસ્થામાં જ બેહોશીની ગર્તામાં ખોવાતો ગયો. તે ક્યારે બેશુધ્ધ થઈને ઢળી પડયો એનો ખ્યાલ પણ રહ્યો નહી. તે એક લાંબી પ્રગાઢ નિંદ્રામાં ખોવાઈ ગયો હતો. ત્યારે રક્ષાનાં ગુનેહગારોને નશ્યત કર્યાનો અપાર સંતોષ તેના ચહેરા ઉપર પથરાયેલો હતો.

એ સમયે યોટ ઉપર બપોરનો તડકો પથરાવો શરૂ થયો હતો. સમુદ્ર ઉપરથી વહેતી ખારી, ઉષ્ણ, શીતળ હવામાં એક પ્રકારનો અજંપો ભળેલો હતો જે ધીરે-ધીરે ઉકળાટમાં ફેરવાઈ રહ્યો હતો. ચારુંએ વીલીને ફોન કર્યો અને તેને યોટ ઉપર બોલાવી લીધો. વીલી તો યોટની અંદરની હાલત જોઈને જ ડઘાઈ ગયો હતો પરંતુ અત્યારે એવો આઘાત વ્યક્ત કરવાનો સમય નહોતો. તેણે અને ચારુએ ભેગા મળીને અભિમન્યુને બીજા સોફામાં વ્યવસ્થિત રીતે સુવરાવ્યો. તેની હથેળી ઉપર રૂમાલ બાંધ્યો જેથી વહેતું લોહી બંધ થાય. ચારુ તેની બાજુમાં સોફા ઉપર બેઠી અને અભિમન્યુનું માથું ફરીથી પોતાના ખોળામાં લીધું. તેણે વીલીને પોલીસચોકીએ ફોન લગાડવા કહ્યું અને પોલીસ ફોર્સને એમ્બ્યૂલન્સ સાથે જલદી અહી પહોંચવાનો મેસેજ આપ્યો. એ દરમ્યાન ગોદમાં સૂતેલા બેશુધ્ધ અભિમન્યુનાં વાળમાં અપાર સ્નેહથી તેનો હાથ ફરતો હતો. તેની આંખોમાં અભિમન્યુનો ઘાયલ ચહેરો જોઈને ઝાકળ છવાતું હતું. એ દશામાં જ કોણ જાણે કેટલો સમય તે બેસી રહી હશે. આખરે, એમ્બ્યૂલન્સની સાયરનનો અવાજ સંભળાયો હતો અને સાથોસાથ ઢગલાબંધ પોલીસજીપોની ધરધરાટી તેના કાને પડી હતી. એ અવાજ સાંભળીને એકાએક તેના જીવમાં જીવ આવ્યો હતો અને તે બહાર દોડી ગઈ હતી. સમુદ્ર કીનારે, જેટ્ટી નજીક, કિનારાની ભીની રેતીમાં પોલીસજીપનો થડકલો લાગ્યો હતો. સાથે એમ્બ્યૂલન્સ અને ડોકટરોનો કાફલો પણ હતો. એ જોઈને ચારુનાં હદયમાં હર્ષની હેલી ઉઠી. હવે તેનો અભિમન્યુ સુરક્ષિત હતો એ ખ્યાલે ફરીથી તેની આંખો છલકાઈ ઉઠી.

@@@

“ઓહ… રક્ષા… ક્યાં છે… તું…? જો… તારાં ગુનેહગારોને મેં… ઓહ… ચારું… રક્ષા… હું… હું… તને ચાહું છું ચારું… ઓહ… રક્ષા… તને ચાહું છું.” અભિમન્યુ એકધારું રક્ષા અને ચારુનાં નામનું વારાફરતી રટણ કરી રહ્યો હતો. તેના હોઠ અસંબધ રીતે ફફડતા હતા. તેની બંધ પાપણો હેઠળ અજબ હલચલ મચી હતી. હોસ્પિટલનાં કમરાની દિવાલે સળગતી ટ્યૂબલાઈટનો સફેદ પ્રકાશ તેને કનડતો હોય એમ વારેવારે તેની આંખો ખુલતી અને બંધ થતી હતી. દવાનાં ભારેખમ ડોઝની અસર હેઠળ છવાયેલી તંન્દ્રામાં તેને રક્ષા અને ચારુંનાં ચહેરાઓ દેખાતાં હતા.

“હાં અભિ, હું પણ તને ચાહું છું. તું બસ.. જલ્દીથી ઠીક થઈ જા. પછી આપણે રક્ષા પાસે પણ જઈશું. તને ખબર છે, ડોકટરો કહ્યું છે કે તે જલ્દી સાજી થઈ જશે.” ચારું તેના પલંગનાં મથાળે બેસીને તેના પાટા મઢયાં ચહેરા સામું જોઈ રહી હતી. પાછલાં બે દિવસથી તે બેહોશની હાલતમાં હોસ્પિટલમાં દાખલ હતો. ડોકટરો ભારે જહેમતથી તેની સારવાર કરી રહ્યાં હતા પરંતુ તેના ઘાવ એટલા જટિલ હતા કે એક વખત તો તેમને પણ આંચકો લાગ્યો હતો કે કોઈ વ્યક્તિ આવી પરિસ્થિતિમાં જીવિત કેમ બચી શકે..? પરંતુ તેઓ નહોતા જાણતા કે અભિમન્યુ સખત જીવ હતો. તેનું શરીર અને મન એટલું મજબૂત હતું કે ગમેતેવી ભીષણ પરિસ્થિતિમાં પણ તે સર્વાઈવ કરી શકે. બે દિવસ બાદ આજે તેણે થોડો પ્રતીભાવ આપ્યો હતો એ જોઈને ચારુનાં હદયમાં ઉમળકો છવાયો હતો અને આંખોમાં હર્ષનાં આંસુ ઉભર્યાં હતા. તે અભિમન્યુને ચાહવા લાગી હતી અને અભિમન્યુની આંખોમાં પણ તેણે એ ચાહત નીહાળી હતી.

@@@

સમગ્ર ગોવા સ્તબ્ધતામાં સરી પડયું હતું. ગોવાનાં પોલીસ ડિપાર્ટમેન્ટને… અંધારી આલમને… રાજકિય ગતીવીધીઓને… જાણે કોઈ ગહેરા સન્નાટાએ પોતાની ગિરફ્તમાં જકડી લીધા હોય એમ બધું જ એકાએક થંભી ગયું હતું. કોઈને સમજમાં નહોતું આવતું કે આવી પરિસ્થિતિમાં શું કરવું જોઈએ..? રક્ષા, જૂલીયા, સંભાજી ગોવરીકર, રોબર્ટ ડગ્લાસ, આમન્ડા, સંજય બંડુ, ઈન્સ્પેકટર કાંબલે, પેટ્રીક, રંગાભાઉ, વામન શેખ, આલમ કાદરી, ડેરેન લોબો, સુશિલ દેસાઈ, ચારું દેશપાંડે, વીલી, કમિશ્નર અર્જૂન પવાર, જનાર્દન શેટ્ટી, દૂર્જન રાયસંગા અને ’જૂલી’… આ તમામ લોકો એકાએક જ દેશનાં અખબારોની હેડલાઈન બની ગયા હતા. અને એ બધાની ઉપર શીરમોર્ય હતો… ભારતીય સૈન્યનો એક ઝાંબાંજ અફસર અભિમન્યુ સૂર્યવંશી. તેણે એકલા હાથે ગોવાને ધમરોળીને એકદમ ચોખ્ખું કરી નાંખ્યું હતું. તેના નામનો પડઘો આજે ગોવાની ગલી-ગલીમાં ગૂંજી રહ્યો હતો. ખાસ કરીને રંગાભાઉની બસ્તીમાં આજે જશ્નનો માહોલ હતો. બસ્તીનાં બાશિન્દાઓની આંખો હર્ષથી છલકાતી હતી. તેમને માટે તો અભિમન્યુ કોઈ દેવદૂત બનીને આવ્યો હતો. ગોવાનાં સન્નાટામાં બસ એકજ નામ ગુંજતું હતું… અભિમન્યુ સૂર્યવંશી. હાં તેણે ઘણાં જવાબો આપવા પડે એમ હતાં પરંતુ એના માટે લોબો અને સુશિલ દેસાઈએ ઓલરેડી બધી તૈયારીઓ કરી રાખી હતી.

@@@

એ સમયે… રક્ષા હજું પણ ભાનમાં આવી નહોતી. પરંતુ ડોકટરોને આશા હતી કે બહુ જલ્દી રીકવર કરશે અને અભિમન્યુને મળી શકશે.

@@@

પૂરા પાંચ દિવસ પછી અભિમન્યુની હાલત સુધારાં ઉપર આવી હતી અને તેને રક્ષાનાં કમરામાં લઈ જવામાં આવ્યો હતો. એ ક્ષણ તેના જીવનની અનન્ય ક્ષણ હતી. આજે તે પોતાની બહેન રક્ષા સામે મસ્તક ઉંચું કરીને ઉભો રહી શકે તેમ હતો. તેણે તેને જે વચન આપ્યું હતું એ નિભાવ્યું હતું. તેના ગુનેહગારોને ભયાનક દોજખની સજા આપી હતી. રક્ષા ભલે અત્યારે બેભાન અવસ્થામાં સૂતી હોય, પરંતુ તે જાણતો હતો કે ક્યાંક ઉંડે ઉંડે પણ એ તેને જોઈ શકતી હશે. તેનાં જીગરમાં ચોક્કસ અજબ શીતળતાં છવાઈ હશે.

(સમાપ્ત)

@@@

“અંગારપથ” પૂરા ૬૩ (ત્રેસઠ) એપીસોડ પછી આજે વિરમે છે. એટલે કે લગભગ એક વર્ષની આપણી આ સહીયારી સફર આજે સમાપ્ત થશે. આશા છે કે આપ સહું મિત્રોને “અંગારપથ” ગમી હશે.

આ કથાનકનાં તમામ પાત્રો, સ્થળો, ઘટનાઓ આમ તો કાલ્પનિક છે, મારાં જ દિમાગની ઉપજ છે છતાં… ઘણી વખત એવું લાગતું કે જાણે તેઓ મારી આસપાસ ફરી રહ્યાં છે. મને દોરી રહ્યાં છે, તેમની કહાની મને સંભળાવી રહ્યાં છે. એ અહેસાસ ઘણોજ આહલાદક રહ્યો હતો. ઘણી વખત આ નવલકથા લખતાં લખતાં હું થાક્યો છું, કંટાળ્યો છું… ઈવન કે અંતનો આ ભાગ મેં ત્રણ વખત ડિલિટ કરીને ફરીથી લખ્યો છે પરંતુ આખરે એક પરમ સંતોષ સાથે કહાનીને સમાપ્ત કરી રહ્યો છું ત્યારે… ફરી આવીજ કોઈ નવી સફરમાં ચોક્કસ પાછાં મળીશું એની ખાતરી આપું છું.

ત્યાં સુધી અલવિદા મિત્રો. આવીજ રીતે વાંચતાં રહેજો અને સરાહતાં રહેજો.

આપનાં કોઈ સજેશન હોય કે કોઈ મેસેજ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખજો અથવા મારાં વોટ્સએપ નં- ૯૦૯૯૨૭૮૨૭૮ પર જણાવજો.

અને હાં… આ નવલકથા તમને કેવી લાગી એ ચોક્કસ જણાવજો. એક લેખક માટે એ બહું જરૂરી હોય છે કે તેના સર્જનનો પ્રતીભાવ મળે. એનાથી તેને આગળ વધવાનો જૂસ્સો મળતો હોય છે. તો તમને જે અનુભવાયું હોય એ, સારું કે ખરાબ… મને ચોક્કસ જણાવજો.

“અંગારપથ” પેપરબેક તરીકે, એટલે કે બુક ફોર્મેટમાં બહુ જલ્દી આપનાં હાથમાં આવશે. જો કોઈ બુક ખરીદવા માંગતું હોય તો મને પર્સનલમાં મેસેજ કરજો. આ પહેલા મેં લખેલી બધી જ બુક્સ પુસ્તક તરીકે ઓલરેડી ઉપલબ્ધ છે જ. જેવી કે…

નો રીટર્ન.

નો રીટર્ન-૨.

નસીબ.

અંજામ.

નગર.

અર્ધ અસત્ય.

ફરીથી… ધન્યવાદ મિત્રો.

--પ્રવીણ પીઠડીયા.

@@@