aanu j naam prem - 2 in Gujarati Fiction Stories by તેજસ books and stories PDF | આનું જ નામ પ્રેમ - ભાગ-2

Featured Books
Categories
Share

આનું જ નામ પ્રેમ - ભાગ-2

નમસ્તે મિત્રો,

આ વાર્તા છે પૂજન અને મિસ્ટર રાજનની તેઓની જીવનના કૉલેજ કાળના પ્રેમની અને શહેર પ્રત્યેના યાદોની.

વાર્તામાં અત્યાર સુધી આપણે જોયું કે પૂજન પોતાની કેરિયર માટે અગત્યની ડિલની તૈયારી કરતો હોય છે, મિસ્ટર રાજન એના બિઝનેસ રિપોર્ટ અને આવડતથી પ્રભાવિત થયા છે અને પોઝિટિવ રિસ્પોન્સ આપે છે. બંને જણા વચ્ચે લંચ સમયે વાત નીકળે છે કોલેજની. બંને અમદાવાદના કૉલેજ કાળની સમાન લાગણીની વાત કરતા હોય છે. હવે આગળ...

એકાએક 30 વર્ષોના સૂકા પાંદડા ઉડીને જતા રહ્યા અને સાથે સાથે મિસ્ટર રાજન પણ સુંદર બની ગયા... ફકત સુંદર.

યુનિવર્સિટી બસ સ્ટેન્ડ પાસે ઘણાબધા વિદ્યાર્થીઓનું ટોળુ ઊભું હતું અને બસની સુવિધા બહુ ઓછી હતી. જેવી દુરથી આવતી બસ દેખાઈ છોકરાઓ બૂમો પાડવા લાગ્યા અને ડ્રાઈવરે ટોળાના હુલ્લડ ને કારણે બસ ના ઊભી રાખી.

પછી શરૂ થઈ પકડા-પકડી, અમુક છોકરાઓ અને છોકરીઓ જોખમ લઈને પણ બસ પકડવા દોડવા લાગ્યા. અચાનક એક ગભરાયેલી હરણી જેવી છોકરી પણ આ દોડમાં શામિલ થઇ ગઈ. એક હાથમાં થોડી ચોપડીઓ હતી અને બીજા હાથેથી ગુલાબી ચૂનરી સરખી કરતી પાકીટ સંભાળતી દોડી રહી હતી. ડ્રાઈવરે બસની ગતિ થોડી ધીમી કરી બધા ચડી ગયા પણ પેલી હરણી હજી પણ બસમાં ચઢવામાં મહેનત કરી રહી હતી.

એટલામાં ક્યાંકથી એક ઠંડી લહેરખી લઈને એક છોકરો આવ્યો અને છોકરીને મદદ કરી જેથી છોકરીએ બસમાં પગ મૂકી દીધી પણ ડ્રાઈવરે ગતિ વધારી દીધી. બિચારો છોકરો પોતાની બસ ચૂકી ગયો.

બીજા દિવસે પણ એજ સમય, એજ ટોળુ અને એજ બસનું ઊભી ના રેહવું. ફરીથી દોડપકડ ચાલુ થઈ, છોકરી એ ફરી દુપટ્ટા સાથે મહેનત કરતા પેલા છોકરાની મદદથી બસમાં પગ મૂક્યો અને છોકરો બસ ચૂકી ગયો.

ત્રીજા દિવસે બસ આવી અને સ્ટેન્ડ પર ઊભી રહી. છોકરી બસમાં ચઢી અને છોકરા માટે જોવા લાગી. એટલામાં બસ ચાલુ થઈ અને અચાનક છોકરી બસમાંથી નીચે ઉતરી ગયી અને બસનો પીછો કરવા લાગી. બસ પકડવા પાછળ દોડતી છોકરીને જોઈને ફરી છોકરો ટોળામાંથી પ્રગટ થયો. છોકરીએ દોડવાનું બંધ કર્યું અને છોકરા તરફ ફરીને ઊભી રહી ગઈ.

છોકરી: "ઓ હેલ્લો, કોણ છે અને મને 2 દિવસથી કેમ મદદ કરી રહ્યો છે?"
"હ્ હ્ હું તો બસ પકડવા પાછળ દોડી રહ્યો હતો. એમ પણ મદદ કરવી એ ગુનો થોડી છે? મારી બસ આવી ગયી. આવજો." બોલતો સુંદર દોડીને બીજી બસમાં ચડીને જતો રહ્યો.

બીજા 3 દિવસ પછી જ્યારે સુંદર કેન્ટીનમાં હતો, એજ હરણી સામે આવીને ઊભી રહી ગયી. સહજ સ્મિત સાથે એણે કીધું. મારું નામ પ્રજ્ઞા છે."
સુંદર: "મને ખબર છે. હું સુંદર છું."
પ્રજ્ઞા: "સુંદર તો હું પણ છું, એકલી હું જ નહી બધા કહે છે. જો બે સુંદર વ્યક્તિઓ થોડી વાત કરે તો મજા આવે."
સુંદર સામે દોસ્તીનો હાથ લંબાવતા ટેબલ પર સાથે બેસવા પૂછયું.

બસ પછી તો કોફી, લંચ, અભ્યાસ, દોસ્તી, મસ્તી અને પ્રેમ. એક પછી એક પ્રકરણ એવા આયોજનબદ્ધ આકાર લઈ રહ્યા હતા.

અંતે એ દિવસ આવી ગયો જ્યારે અંતિમ પરિક્ષા પૂરી થઈ. હવે એ બધા માટે એમનું પ્રોફેશનલ વિશ્વ રાહ જોતું હતું.

સુંદર: "હું કાલે સવારે મારા ગામ કે જે તમિલનાડુ રાજ્યમાં છે ત્યાં જવા નીકળું છું. મારા પિતાજી મને લેવા આવ્યા છે અને એક સંબંધીને ત્યાં રોકાયા છે. કાલે સવારે 6 વાગ્યે મારી ટ્રેન છે."
પ્રજ્ઞા: "સાચવીને જાજે, પાછો ક્યારે આવીશ? પપ્પા લગ્ન માટે પૂછતાં હોય છે. એમને શું કહીશ?"
સુંદર: "જલ્દી જ આવી જઈશ. મારે આપણી વાત પણ મારા ઘરે કરવાની છે. તો અત્યારે ઘરે જાઉં છું તો કરી જ લઈશ. મારી રાહ જોજે."
પ્રજ્ઞા: "સારું. ધ્યાનથી જાજે અને જલ્દી ખુશ ખબર લઈને આવ એટલે મારે ઘરે વાત કરીએ."
એ દિવસે સુંદર ખૂબ ખુશ થઈને પાછા આવવાના રંગીન સપનાઓ સાથે ગયો. પરંતુ એને ક્યાં ખબર હતી એ પછી આ શહેરમાં પાછું આવવાનું જ નહી થાય.

એવું નહોતું કે એણે પ્રયાસ નહોતો કર્યો. પણ જીંદગી નામની રમતમાં એના પાછા આવવાના બધા પાસા ઉંધા પડતા હતા. પાછા એ સમયે કોમ્યુનિકેશન પણ આટલું સરળ નહોતું ને... એક ઉદગાર સાથે એ યાદ આવીને ઊભી રહી ગઈ.
"મિસ્ટર રાજન, આપણે નીકળીએ?" પૂજનના પ્રશ્ન સાથે સુંદર ફરી વર્તમાન સમયમાં આવી ગયા.
મિસ્ટર રાજન: "હા હા, ચાલો નીકળીએ."
પૂજન: "હવે આપનો શું પ્રોગ્રામ છે?"
મિસ્ટર રાજન: "હું હજી ૨-૩ દિવસ આ શહેરમાં રહીશ અને પછી પાછા બેંગલુરુ માટે રવાના થઈશ."
પૂજન: "ખૂબ સરસ છે. હું તમારા રોકવાની વ્યવસ્થા બેસ્ટ હોટેલ માં કરી દઉં છું અને તમારા માટે ક્યાંય જવું હોય તો ગાડીનું પણ થઈ જશે."
મિસ્ટર રાજન: "તમારે તકલીફ પડશે. એના કરતાં ગાડીનું હું મારી રીતે કરી લઈશ."
આનાકાની છતાં પૂજને એમના માટે હોટેલ અને ગાડીની વ્યવસ્થા કરી દીધી અને પોતાની ઓફિસ પાછો ફર્યો.
પૂજન આજે આ વ્યક્તિને મળીને એમનાથી થોડો પ્રભાવિત હોય એવું લાગ્યું. સાથે એને મિસ્ટર રાજનની વાતમાં રસ પણ પડ્યો. કામ પતાવી એણે મિસ્ટર રાજન ને ડિનર માટે આમંત્રણ આપ્યું. સામેના છેડે થી નિમંત્રણ સ્વીકારાઈ ગયું.

પૂજન આ શહેરમાં 3બેડ, હૉલવાળા ઘરમાં આમતો એકલો જ રહેતો હતો, પણ એને આ ઘરમાં ક્યારેય એકલું નહોતું લાગતું. પણ આજે જ્યારથી ઘરમાં પગ મૂક્યો એકલો છે એવી પ્રતિતિ થતી હતી. વિચારોમાં આજે પ્રાંજલ એને વારંવાર યાદ આવી રહી હતી.

ઘડિયાળમાં આઠના ટકોરા સાથે એણે તરત તૈયાર થઈને ગાડી હોટેલ તરફ વાળી. જ્યાં મિસ્ટર રાજન એની ડિનર માટે રાહ જોઈ રહ્યા હતા.
પૂજન સાથે થોડી વાત કરી બંને ગાડીમાં સવાર થયા. પૂજન ઔપચારિક રીતે શરૂઆત કરતા પૂછયું જમવામાં શું ફાવશે?
મિસ્ટર રાજને હસીને જવાબ આપ્યો "માણેકચોક જઈએ?" પૂજન આશ્ચર્ય સાથે જોઈ રહ્યો અને થોડીવારમાં ગાડી શહેરના મોટા રસ્તા છોડીને નાની ગલીઓમાં પસાર થઈ રહી હતી.

મિત્રો,
આ અંકમાં આપને સુંદરની યાદોને જાણવાની તક મળી.
આવતા અંકમાં આપને જોઈશું પૂજનની યાદો શું છે. પ્રજ્ઞા અને સુંદરની આગળ કથા કેમ આકાર લે છે.

આ અંકને અહી વિરામ આપીએ... તમને આ અંક કેવો લાગ્યો, તમારા અભિપ્રાય અને સૂચનો જણાવી શકો છો.
Email:tejdhar2020@gmail.com
Insta: tejdhar2020