નકશાનો ભેદ
યશવન્ત મહેતા
પ્રસ્તાવના
જ્ઞાનના પપ્પા પુસ્તકાલયમાંથી એક પુસ્તક વાંચવા લાવ્યા. જ્ઞાનને એમાંથી એક અજબ ચિતરામણ મળ્યું – જાણે કોઈક મકાનનો કે યંત્રનો નકશો હોય. એ જ કાગળની પાછલી બાજુએ કેટલાક શબ્દો ઉપસેલા હતા. આ બંને ચીજો ભેદી હતી. એ નકશાનો ભેદ ઉકેલવા જ્ઞાન, મનોજ, મિહિર, વિજય અને બેલાની મંડળી કેવાંકેવાં સાહસો ખેડે છે, કેવીકેવી ચતુરાઈ કરે છે, અને છેલ્લે મનોજ કેવું જીવલેણ સાહસ ખેડે છે, એની વાર્તા ‘નકશાનો ભેદ’માં કહેવાઈ છે. હિંસા, રક્તપાત વગેરે જેવાં બજારુ ડિટેક્ટિવ વાર્તાઓનાં તત્વોથી મુક્ત આ કિશોર સાહસકથા છે. કિશોર વાચકોમાં બુદ્ધિ, તર્કશક્તિ, સાહસિકતા અને સાદી સમજણ કેળવે એવી આ કથા એટલી તો રસભરી અને હસતી-રમતી શૈલીએ લખાઈ છે કે વાંચનાર રસતરબોળ બની જાય.
‘નકશાનો ભેદ’ના લેખક આજના ગુજરાતી બાળ-કિશોર સાહિત્યના પ્રથમ હરોળના લેખક છે. એમની લખાવટ અને ભાષા અને વિષયવસ્તુ એવાં સરસ હોય છે કે આપણા તમામ વિદ્વાનોએ એમની પ્રશંસા કરી છે.
******
પ્રકરણ – ૧ : ભેદી નકશો
એનું નામ મનોજ.
પણ એને ખાલીખાલી મનોજ કહો તો માઠું લાગી જાય. એને તમારે ડિટેક્ટિવ મનોજ કહેવો પડે. ડિટેક્ટિવ જેવો જ એનો ઠસ્સો. એવી જ એની ઝીણી નજર. એવી જ એની તર્કશક્તિ. અને સાચા ડિટેક્ટિવની જેમ જ એની સહાયકોની ફોજ ! બધા સહાયકોનો ઉપરી અને આગેવાન મનોજ. કંપનીનું નામ મનોજ એન્ડ કંપની, ડિટેક્ટિવ એજન્સી.
મનોજ....સૉરી, ડિટેક્ટિવ મનોજ પોતાના સહાયકોને આસિસ્ટન્ટ ડિટેક્ટિવ કહે. એ દરેકનાં પાછાં અલગ-અલગ ખાતાં.
આસિસ્ટન્ટ ડિટેક્ટિવોમાં એક હતો વિજય. એ મનોજ એન્ડ કંપનીનો બહાદુર જણ હતો. રોજ અખાડામાં જાય. શરીર કસે. મલ્લકુસ્તીનો મહારથી અને કરાટેનો કુંગ-ફૂ !
બીજો હતો મિહિર. એ વૈજ્ઞાનિક હતો. એજેન્સીનું ભેજું એ હતો. ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને એવા બીજાં દોઢેક ડઝન શાસ્ત્રોનો એ જાણકાર.
ત્રીજો આસિસ્ટન્ટ જ્ઞાન. એ પણ પુસ્તકિયો કીડો. આખો વખત વ્યાસ, વાલ્મીકિ, હોમર, શેક્સપિયર, મુનશી અને મેઘાણી વાંચ્યા કરે. સામાન્ય જ્ઞાન તો એનું જ. નાઇજરિયાના બધાં રાષ્ટ્રપ્રમુખોનાં નામ એને મોઢે હોય અને વર્તમાન રાષ્ટ્રપ્રમુખના અંગત સચિવનું નામ પણ એ જાણે ! જ્ઞાન અઢી વરસનો હતો ત્યારથી રામાયણ વાંચતો, અને છ વરસનો હતો ત્યારે ચશ્માં પહેરતો.
ચોથા આસિસ્ટન્ટનું નામ બેલા. એ ઘણી ચબરાક અને ચાલક છોકરી. દરેક વાત એને ઝીણી કાંતવા જોઈએ. જ્યારે ને ત્યારે શંકાઓ કરતી રહે. છોકરાઓને એની શંકાખોરી ગમે તો નહિ જ, પરંતુ એની શંકાઓને કારણે કોઈ પણ કેસની જુદીજુદી ને નવીનવી શક્યતાઓ નજર સામે આવે. એટલે સૌ એની શંકાખોરી ચલાવી લે. ખુદ બેલનો દાવો એવો કે છોકરાઓ બધા મૂરખ અને મોટ-નજરા હોય છે. આ ‘મોટ-નજરા’ શબ્દ એણે પોતે ઉપજાવી કાઢેલો. એનો અર્થ એવો કે છોકરાઓને હંમેશા મોટુંમોટું દેખાય, પણ ઝીણી બાબતો એમની નજર બહાર ચાલી જાય. પરંતુ છોકરીઓ ઝીણી-નજરી હોય. આ શબ્દ પણ એનો પોતાનો ઉપજાવેલો; પરંતુ એમ કેસેટની શોધ પછી વિડીઓ કેસેટની નવાઈ નહિ, તેમ મોટ-નજરાની શોધ પછી ઝીણી-નજરીની નવાઈ નહિ. જો કે બેલને આ શબ્દ વધારે ગમે. એ કહ્યા કરે કે અમે છોકરીઓ જે ઝીણી નજર ધરાવીએ છીએ તેનો તમારા છોકરાઓમાં દુકાળ છે. બેલાની આવી વાતોને ડિટેક્ટિવ મનોજ ચિબાવલાવેડા કહે. પરંતુ બેલાની ઝીણી નજર સદાય ઉપયોગી બને, એટલે એને કંપનીમાં કાયમ રાખવામાં આવે.
મનોજ એન્ડ કંપનીનું માન છોકરાંઓમાં ઘણું. કઈ કેટલાંય છોકરા-છોકરીઓ એમાં જોડવા માટે વલખાં મારે, પરંતુ ડિટેક્ટિવ મનોજ એમને નાપાસ કરતો રહે. એ કહે કે જેમ સિંહોનાં ધણ ન હોય એમ ડિટેક્ટિવોનાં ટોળાં ન હોય. આ તો ‘સ્પેશિયલ’ ધંધો છે. રેંજીપેંજીના કામ નહિ.
એલિસ બ્રિજની વચગાળાની એક જૂની સોસાયટીમાં મનોજનું ઘર. એની હેઠળનું ભોયરું એ મનોજ એન્ડ કંપનીનું હેડક્વાર્ટર. બધી મીટિંગો ત્યાં થાય. કોઈ વાર હાથ ઉપર કેસ ન હોય તો અઠવાડિયે એક વાર સૌ ભેગાં થાય. જો કેસ હોય તો હેડકવાર્ટર ચોવીસે કલાક ધમધમતું રહે.
ભોંયરાના એ રૂમમાં ડિટેક્ટિવ એજન્સીનાં બધાં સાધનો આમતેમ પડ્યાં હોય. દીવાલે-દીવાલે પુસ્તકોના ઘોડા. એમાં શેરલોક હોમ્સથી માંડીને કનુ ભગદેવ સુધીના લેખકોનાં ડિટેક્ટિવ પુસ્તકો ખીચોખીચ ભરેલાં. વચ્ચેના મેજ ઉપર બિલોરી કાચ, ટૉર્ચ, હાથ-મોજાં, જૂની ચાવીઓના ઝૂડા, ખીલા, હથોડી, પકડ, ડિસમિસ જેવાં સાધનોનો ગંજ ખડકાયેલો રહે. ડિટેક્ટિવ મનોજ એના બાપની ઉતરેલી ખુરશી પર બિરાજે. આસિસ્ટન્ટોએ બાંકડા પર બેસવાનું.
આ હેડક્વાર્ટર આજે જીવંત બની ગયું હતું. મનોજે આજે એક કટોકટીકાલીન બેઠક બોલાવી હતી. વિજય, જ્ઞાન અને બેલા આવી ગયાં હતાં. મિહિર હજુ દેખાતો નહોતો. આજ્ઞા અપાયા પછી જો કોઈ આસિસ્ટન્ટ ન આવે તો મનોજ નારાજ થઈ જતો. પરંતુ આજે એને નારાજ થવાની ફુરસદ નહોતી. એક નવા જ કેસનું પગેરું મળ્યું હતું, અને એના વિચારમાં જ એ ઊંચોનીચો થઈ રહ્યો હતો. એની આંખોમાં એક અજાયબ ચમક આવી ગઈ હતી. એ બોલ્યો, “આપણા આસિસ્ટન્ટ ડિટેક્ટિવ જ્ઞાનને એક અજબ પગેરું મળ્યું છે. પહેલી નજરે જ એ કોઈ મોટા કાવતરાનો ભાગ લાગે છે. જ્ઞાન, તારી શોધની આ બધાને વાત કર.”
બેલા તરત જ બોલી ઊઠી, “પણ બધાને આવવા તો દે ! હજુ મિહિર નથી આવ્યો. તું કહે છે એવા મોટા કાવતરાનો કેસ હોય તો એની અને એની વૈજ્ઞાનિક પ્રયોગશાળાની જરૂર પડશે ને !”
મનોજે ડોકું ધુણાવ્યું. “મિહિર આજે આવી શકે એમ નથી. એનો ફોને હતો કે આજે એણે ઘેર રહેવું પડશે. વીમા કંપનીના ઇન્સ્પેક્ટર સાથે અગત્યની વાતચીત કરવાની છે.”
વિજય અને બેલાને આ વીમા ઇન્સ્પેક્ટરવાળી વાતમાં ઘણો રસ પડી ગયેલો લાગ્યો. બેલાએ પૂછ્યું, “વીમા કંપનીના ઇન્સ્પેક્ટર સાથે મિહિરને વળી શી વાત કરવાની હોય ?”
મનોજ કહે, “એ લોકોને ત્યાં પાણીનું પૂર કેમ આવ્યું એની વાત કરવાની છે.”
વિજયે પૂછ્યું, “ઘરમાં પાણીનું પૂર ? એના એકલાના ઘરમાં પૂર કેવી રીતે આવે ? સાબરમતી છલકાય તો તો આખા શહેરમાં પૂર આવે !’
મનોજે વાત સમજાવી : “પૂર એમના બાથરૂમમાં આવ્યું હતું. આપણો મિહિર પોતાની એક નવી શોધનો પ્રયોગ કરતો હતો. પૂર આવવાનાં થાય ત્યારે એની ચેતવણી આપે એવી ઇલેક્ટ્રિક એલાર્મ સીસ્ટમ એણે શોધી હતી. બાથરૂમમાં અમુક પાણી છલકાય એટલે એના ઓરડામાં ઘંટડી વાગી ઊઠે એવી એ શોધ હતી. એણે તો બાથરૂમના બારણાને લાપી વડે સજ્જડ બંધ કરી દીધું અને અંદરની ચકલી ચાલુ રાખી. જોકે એની શોધમાં કશીક કચાશ રહી ગઈ હશે. એટલે એના ઓરડામાં ઘંટડી વાગી જ નહિ. બગીચામાં શાક વીણતાં એનાં મમ્મીએ બાથરૂમની બારીમાંથી પાણી છલકાતું જોયું ત્યારે જ પેલા પૂરની ખબર પડી ! એમણે દોડાદોડ જઈને બાથરૂમનું બારણું ઉઘાડ્યું અને જાણે પૂરના પાણી ધસે એમ બાથરૂમના પાણી આખા ઘરમાં ધસી ગયાં... પણ હમણાં મિહિરના પ્રયોગોને એક કોર મૂકો. જ્ઞાન, તેં જે પગેરું શોધી કાઢ્યું છે એની વાત કર.”
એટલે જ્ઞાને પોતાની શોધ-કથા કહેવા માંડી.
“મારા પિતાજી લાયબ્રેરીમાંથી એક પુસ્તક લાવ્યા હતા. પુસ્તક મોરોક્કો દેશ વિષેનું હતું. એમને આફ્રિકાના ઈતિહાસ અને ભૂગોળમાં ખૂબ રસ છે. ઘણી વાર આફ્રિકાની સફર કરવાની યોજનાઓ પણ ઘડે છે અને...”
એકાએક વિજયે પૂછ્યું, “નુકસાન કેટલુંક થયું છે ?”
જ્ઞાનને પૂછ્યું, “શાનું ? હજુ પ્રવાસ તો કર્યો નથી !”
વિજય કહે, “હું એની વાત નથી કરતો. હું તો મિહિરના પૂરની વાત કરું છું.”
વિજયે એવો સવાલ પૂછ્યો કે તરત ખુરશીમાં બેઠેલા મનોજે ગળું ભરડ્યું. કોઈ ડાઘિયા જેવો અવાજ એના ગળામાંથી નીકળ્યો. એની આંખોમાંથી તણખા ઝરતા હોય એવું લાગ્યું. પરિણામે વિજય શિયાવિયા થઈ ગયો અને શરમનો માર્યો નીચું જોઈ ગયો.
મનોજે ગુસ્સાથી કહ્યું, “વિજય ! તું ડિટેક્ટિવ બનવાને માટે નાલાયક છે. જે માણસ હાથ ઉપરના કેસને બદલે બીજબીજા વિચારો કર્યાં કરે છે એ કદી ડિટેક્ટિવ તરીકે સફળ થતો નથી. હા, જ્ઞાન ! તું તારી વાત ચાલુ રાખ.”
જ્ઞાને આગળ ચલાવ્યું, “મે ગઈ કાલે પિતાજીની એ ચોપડી ઉથલાવવા માંડી અને આ ચબરખી મળી.”
આમ કહીને જ્ઞાને પોતાના ગજવામાંથી કાગળની એક ચબરખી કાઢીને ટેબલ ઉપર મૂકી. એના બે છેડા સીધા અને બે કરકરા હતા. એને અર્થ એમ કે કોઈ મોટા કાગળમાંથી એ ફાડવામાં આવી હતી. એની ઉપર કશુંક નકશા જેવું દોરેલું હતું.
એ જોઈને બેલા બબડી, “આમાં શું છે ? આ તો કોઈ નવરા માણસે બેઠાબેઠા કશાકની આકૃતિ દોરી છે. એમાં ગુનો ક્યાં આવ્યો ?”
બેલા બોલી એટલે વિજય બોલ્યો, “અલ્યા મનોજ ! શું નવરા બેસી કાગળ ચીતરવાને તું ગુનો ગણે છે ?”
એ સાંભળીને મનોજનો ચહેરો લાલચોળ બની ગયો. જાણે હમણાં જ હોળી રમીને આવ્યો હોય અને ચહેરો કોઈએ ગુલાલ-ગુલાલ કરી મૂક્યો હોય.
અને ગુસ્સે થયેલો જોઈને બેલાએ ઓર ચિડવવા માંડ્યો, “આ એસ. સી. આર. શું છે, મનોજ ? એ શું ‘સીક્રેટ’ કે ‘ટોપ સીક્રેટ’ નું ટૂંકું રૂપ લાગે છે તને ? શું આટલી એક ચબરખી બતાવવા માટે તેં અમને અહીં સુધી દોડાવી માર્યાં ?”
મનોજે ત્રાડ પાડી : “શટ અપ ! કોઈ પણ વસ્તુનું પૂરેપૂરું નિરીક્ષણ કરી લીધા વગર સારા ડિટેક્ટિવો નિર્ણય કરતા નથી. તમે ચક્રમો તો ચબરખીની એક બાજુ જોઈને જ બકવાસ કરવા લાગ્યાં ! જ્ઞાન, એમને ચબરખીની બીજી બાજુ બતાવ !”
જ્ઞાને ચબરખી આંગળા વચ્ચે રમાડતાં કહ્યું, “પહેલાં તો મનેય ખબર નહોતી કે ચબરખીની પાછળ કશું હશે. પણ આ નકશાને હાથમાં પકડીને જોતાં લાગ્યું કે કાગળ અહીંતહીં ઉપસેલો છે. પાછળની બાજુએ કશાક લખાણની નિશાનીઓ હતી. આ ચબરખીને નીચે રાખીને ઉપર બીજા કાગળમાં કોઈકે બોલપેન વડે ભાર દઈને કશુંક લખાણ લખેલું હશે. એના અક્ષર આ કાગળમાં પડી ગયેલા. એટલે મેં શેડિંગ પેન્સિલ ફેરવીને એ અક્ષર ઓળખવા કોશિશ કરી. જ્યાં અક્ષરો લખાવાને કારણે કાગળમાં દાબ આવેલો તે ભાગ સફેદ રહ્યો. લો, તમે જાતે જ વાંચી લો.”
આમ કહીને, વિજયી સરદારની અદાથી, જ્ઞાને ચબરખી ઉથલાવી. બેલા અને વિજય એમાં કાળી શેડિંગ પેન્સિલના ધાબાં વચ્ચે ઊપસેલા સફેદ અક્ષરો ઉકેલવા એકસાથે ઝૂક્યાં. એમની ઉતાવળ એટલી હતી કે બંનેના માથાં ટીચાઈ ગયાં. છતાં વેદના ભૂલીને એમણે અક્ષરો ઉકેલવા માંડ્યા.
વાક્યો તૂટક હતાં. ક્યાંક શબ્દો પણ અડધા હતા. કારણ કે મૂળ કાગળને ફાડી નાખવામાં આવ્યો હતો.
લખાણ નીચે મુજબનું હતું :
હેલું કામ બની જશે.
નિ-રવિ બહારગામ છે.
૨૭મી ઓગસ્ટ ઠીક રહેશે.
કીટ બરાબર યાદ રાખી
શો ફાડી નાખજે.
ચબરખી વાંચી લીધા પછી બેલા અને વિજયે માથાં ઊંચાં કર્યાં ત્યારે બેયના ચહેરા ગંભીર હતા. આંખોમાં ક્યાંય મસ્તીમજાકનો અણસાર નહોતો અને હોઠ સિવાઈ ગયા હતા ! એમને આ ચબરખી અને આ નકશાનું મહત્વ હવે સમજાયું લાગતું હતું.
બેલા બોલી ઊઠી, “કોઈ માણસ શનિ-રવિ બહારગામ છે અને એને ત્યાં ચોરી કરવાનું સહેલું બની જશે, એવો આ ચિઠ્ઠીનો મતલબ લાગે છે. બરાબર ને, મનોજ ?”
મનોજે માથું ધુણાવ્યું. બેલા અને વિજય હવે લાઈન પર આવી ગયાં એથી એનો ગુસ્સો પણ ઓગળી ગયો હતો. એ કહે, “બરાબર છે, બેલા. આ જ્ઞાન અને હું ક્યારનાય આ ચિઠ્ઠીનો મતલબ ઉકેલવાની કોશિશ કરીએ છીએ. અમને એટલું સમજાયું છે કે કોઈક શનિ અને રવિવારે બહારગામ જવાનું છે અને ત્યાં ચોરી કરવા માટે સત્તાવીસમી ઓગસ્ટ ને શનિવાર ઉત્તમ દિવસ છે એવું આ ચિઠ્ઠી લખનારે કોઈકને જણાવ્યું છે. આજે ચોવીસમી ઓગસ્ટ તો થઈ. એટલે ત્રણ દિવસ પછી સત્તાવીસમી આવે.”
વિજય હજુ ચબરખીને ધ્યાનથી જોઈ રહ્યો હતો. એણે પૂછ્યું, “આ ‘કીટ’ નો મતલબ શો છે ?”
મનોજે ખભા ઉલાળ્યા.
બેલા બોલી ઊઠી, “એ કોઈક શબ્દનો અર્ધો ભાગ લાગે છે. કદાચ “બિસ્કીટ” શબ્દ હોય. હમણાં હમણાં દાણચોરોની બહુ બોલબાલા છે. કોઈકના ગોલ્ડ બિસ્કીટ ચોરી લેવાના હોય કે ગોલ્ડ બિસ્કીટ ક્યાંક પહોંચાડવાનાં હોય.”
વિજય બોલી ઊઠ્યો, “ગોલ્ડ બિસ્કીટ જ હશે ! કોઈ દાણચોરોના સરદારે પોતાના સાગરીતને ચિઠ્ઠી લખી હશે. બસ, એને શોધી કાઢીએ એટલે ફતેહ !”
પણ વિજય આટલા ઉત્સાહથી ફતેહની વાત કરતો હતો ત્યારે જ બેલાનું મોઢું એકદમ સોગિયલ બની ગયું હતું. એ વિજયના ચાળા પાડતી બોલી, “લ્યો બોલ્યા, બસ ફતેહ ! અબે બુધ્ધુ, આ દાણચોરીની વાત હોય કે ચોરીની, પણ એ ક્યાં કરવાની છે અને કોણ કરવાનું છે ? એ શોધ્યા વગર તું શાની ફતેહ કરીશ, રાખ અને ધૂળની ? માળા છોકરાઓનાં ભેજાં જ ઉતાવળાં !”
બેલાની વાત સાંભળીને વિજયના કરતાં મનોજને વધારે ખોટું લાગી ગયું. બેલા સામે ડોળા ફાડીને એ બોલ્યો, “ડિટેક્ટિવ આસિસ્ટન્ટ બેલા ! તમારી વાત સાચી છે કે કોયડો ઘણો અઘરો છે અને ક્યાં તપાસ કરવી, એની આપણને ખબર નથી. પરંતુ યાદ રાખ, કે હાથમાં એક પગેરું હોય એટલે ક્યાંથી સંશોધન શરૂ કરી જ શકાય છે.”
બેલાએ છણકો કર્યો, “ પણ અહીં ક્યાંથી સંશોધન શરૂ કરવું ?”
મનોજ કહે, “આપણી પાસે એક નકશો છે અને એક માણસના હસ્તાક્ષરનો નમૂનો છે, બરાબર ? કોઈ પણ હસ્તાક્ષરનિષ્ણાત આપણને એ ક્યા માણસના હસ્તાક્ષર છે એ કહી શકે. એ માણસ કેવો છે, એ પણ આ નિષ્ણાતો કરી શકે છે.”
વિજય કહે, “બરાબર, બરાબર ! આપણે હસ્તાક્ષરનિષ્ણાતને મળીએ. પણ ક્યાં નિષ્ણાતને મળીશું ? છે કોઈ તારા ધ્યાનમાં ?”
મનોજ કહે, “ધ્યાનમાં જ છે. આપણો મિહિર ! એના રૂમમાં મે હસ્તાક્ષરશાસ્ત્રનાં બે ડઝન થોથાં જોયાં છે. એ જરૂર આ ચબરખીનો ભેદ ઉકેલી આપશે. ચાલો, એને ઘેર જઈએ.”
*#*#*