ભાગ 22
પ્રકરણ 9
શોર્ટકટથી દુર રહો
એક છોકરાને ડોક્ટર બનવાનો ખુબ શોખ હતો. તે બીજા બધા ડોક્ટરોની આવક અને લોકો દ્વારા અપાતુ સમ્માન જોઈ તે રાત દિવસ એવાજ વિચાર કરતો કે હું પણ ડોક્ટર બનુ અને લોકો પણ મને આ રીતે ખુબ સમ્માન આપે.
એક બાજુ તે ડોક્ટર બનવા માગતો હતો પણ બીજી બાજુ તે ડોક્ટર બનવા માટે જે કઠીન પરીશ્રમ કરવો પડે તેનાથી તે દુર ભાગતો હતો, આળસ કરતો હતો. પોતાની આવી આળસને કારણે તે બધુજ શોર્ટકટ અપનાવીને મેળવવાનો પ્રયત્ન કરતો હતો. તેની આવી વિચારસરણીને કારણે તે બારમા ધોરણમા નકલ કરીને કે ગમે તેમ કરીને પાસ થઈ ગયો અને ડોક્ટર બનવા મેડીકલ લાઈનમા પ્રવેશ પણ મેળવી લીધો. હવે મેડીકલમા પ્રવેશ મેળવ્યા બાદ પણ તે પોતાની શોર્ટકટ લેવાની કુટેવમાથી બહાર આવ્યો નહી અને બધા શીક્ષકો કે પ્રીન્સીપલને પણ લાંચ રીશ્વત આપીને મહેનત કર્યા વગર પાસ થવા લાગ્યો અને આ રીતે છેવટે તેણે ડોક્ટરની ડીગ્રી પણ મેળવી લીધી. તે આટલેથી પણ ન અટક્યો અને પોતાના પૈસાના જોરે મોટુ દવાખાનુ પણ નાખી દીધુ.
હવે એક દિવસ એક છોકરાનો અકસ્માત થયો. તે ગંભીર રીતે ઘવાઈ ગયો હતો. તેનો અકસ્માત જયાં થયો હતો તેની બાજુમાજ આ ભ્રષ્ટાચારી ડોક્ટરનુ દવાખાનુ હતુ એટલે તેને ત્યાં લઈ જવામા આવ્યો. પણ હવે આ ડોક્ટરતો ભ્રષ્ટાચાર કરીને મહેનત કર્યા વગર પાસ થયો હતો એટલે તેને ઓપરેશન કરવાનુતો દુર તેનેતો વ્યવસ્થીત ટાંકા લેતા પણ ન'તુ આવળતુ. આ પરીસ્થિતિને કેવી રીતે હેન્ડલ કરવી તેનો વિચાર કરવામાને કરવામા ઈલાજ કરવામા મોડુ થવા લાગ્યુ અને પેલો છોકરો મૃત્યુ પામ્યો.પોતાના લીધે કોઈ વ્યક્તી મૃત્યુ પામ્યો છે તેવો વિચાર આવતા તેને ઘણુ દુ:ખ થયુ. પછી તે ઓપરેશન રૂમની બહાર નીકળી પેલા છોકરાના પીતાને મળવા ગયો તો સામે ઉભેલા માણસને જોઈને તે દંગ રહી ગયો. તેને સમજાતુ ન'તુ કે હવે હું તેમને કેવી રીતે વાત સમજાવુ કારણકે સામે ઉભેલો વ્યક્તી એજ આચાર્ય હતો કે જેને રીશ્વત આપીને પોતે ડોક્ટર બન્યો હતો.
અહિ જો પેલા આચાર્યએ શોર્ટકટથી પૈસા કમાવાની લાલચ ન રાખી હોત અને પેલા વિદ્યાર્થીએ શોર્ટકટથી પાસ થઈ ડોક્ટર બનવાનો રસ્તો ન અપનાવ્યો હોત કે તે પોતાની મહેનતે ડોક્ટર બન્યો હોત તો કદાચ તે પેલા છોકરાનો જીવ બચાવી શક્યો હોત.
આમ ક્યારેય પણ સફળતા શોર્ટકટથી મેળવવી જોઈએ નહી કારણકે આવી સફળતા બહુ લાંબો સમય ટકતી હોતી નથી. તેના દુષ્ટ પરીણામો એકને એક દિવસતો ભોગવવાજ પડતા હોય છે.
દરેક વ્યક્તી સફળતા મેળવવા પ્રયત્નશીલ હોય છે, પોતાની શક્તીઓ મુજબ તેઓ પ્રયત્ન કરતાજ હોય છે પરંતુ લોકો જ્યારે જળપથી અને ઓછી મહેનતે બધુ મેળવી લેવાની લાલચમા આવી ખોટા અને શોર્ટકટ જેવા રસ્તાઓ તરફ આકર્ષાઇ જતા હોય છે અને ન કરવાના કામ કરી બેસતા હોય છે ત્યારે તેઓ સફળતા મેળવી શકતા હોતા નથી અને જો મળે તો તે લાંબો સમય ટકતી હોતી નથી કારણ કે અસત્ય, અપરાધ, અને શોર્ટકટ ક્યારેય છુપા રહી શકતા નથી, તે ક્યારેકને ક્યારેક તો સપટી પર આવતાજ હોય છે અને જ્યારે તે સપાટી પર આવતા હોય છે ત્યારે કરેલા દરેક કાર્ય પર પાણી ફેરવી દેતા હોય છે. આ રીતેતો છેવટે આપણા હાથમા કશુજ બચતુ હોતુ નથી, તે ઉપરાંત સજા કે બદનામી સહન કરવી પડતી હોય છે તે અલગ. એટલેકે અનીતિ, અસત્ય કે શોર્ટકટના રસ્તેથી બેવળી માર ખાવાનો સમય આવતો હોય છે. આમ સફળતા મેળવવા માટે કોઈજ શોર્ટકટ હોતો નથી. તેના માટેતો દરેક વ્યક્તીએ હાર્ડવર્ક કે સ્માર્ટવર્ક કરવુ જરુરી બનતુજ હોય છે.
અનીતિ, દુરાચાર કે અસત્યથી મેળવેલી સફળતા, સફળતા કરતા નિષ્ફળતા વધુ કહેવાતી હોય છે કારણકે વ્યક્તી જ્યારે જીવનની ફિલસુફી સમજવામા નિષ્ફળ જતો હોય છે ત્યારેજ તે આવા પગલાઓ ભરવા પ્રેરાતો હોય છે. આ રીતે જીંદગીથી હારેલો માનવી તીગળમો કરીને ગમે તેવી સફળતા મેળવી લે તો પણ તે હારેલોજ ગણાતો હોય છે કારણ કે તે જીંદગીના સાચા સુખને ક્યારેય પામી શકશે નહી. દા.ત. કોઇ વ્યક્તી ચોરી, લુંટફાટ, ભ્રષ્ટાચાર, અન્યાય છેતરપીંડી કે હત્યા કરીને પોતાના કામમા સફળ થઇ જાય તો શું તમે તેઓને સફળ વ્યક્તી માનશો? શું તેઓની પીઠ થાબળશો? શું તેના આવા પરાક્રમોથી તમે પ્રેરણા મેળવશો? નહી મેળવો કારણકે આ રીતે મેળવેલી સફળતા, સફળતા કરતા નિષ્ફળતા વધુ ગણાતી હોય છે કારણકે વ્યક્તી જ્યારે માનસીક રીતે પળી ભાંગતો હોય છે, તેના વિચારો કુંઠીત થઇ જતા હોય છે કે તેની બુદ્ધી નષ્ટ થઇ જતી હોય છે ત્યારેજ તે આવા શોર્ટકટ વાપરવા મજબુર થતો હોય છે. આ રીતેતો વ્યક્તી ગમે તેટલી સફળતા મેળવી લે તો પણ તે શાંતીથી ઉંઘી કે મળેલી સફળતાને માણી શકતો હોતો નથી કારણકે તેના મનમા સતત પકળાઇ જવાનો ડર કે કંઈક ખોટુ કર્યુ છે તેવો અપરાધભાવ સતત તેને અંદરથી કોરી ખાતો હોય છે. માટે જો તમે તમારી સફળતાને ખુલા દિલથી જાહેરમા એન્જોય કરવા માગતા હોવ, પોતાના પર ગર્વ કરવા માગતા હોવ કે શાંતીથી જીવનની સુખ સાહ્યબીઓ ભોગવવા માગતા હોવ તો શોર્ટકટથી સફળ થવાને બદલે એવો રસ્તો પસંદ કરવો જોઈએ કે જે તમને નિષ્ફળ થવા છતા પણ સંતોષ આપાવે તેમજ કરેલા કામની નિખાલસતાથી પ્રસંસા અપાવે. આ રીતે જ્યારે તમે તમારા પ્રયત્નોમા નૈતીકતા અને આધ્યાત્મીકતા નામની બે પાંખો જોડી દેતા હોવ છો ત્યારે તમને ઉંચે આકાશમા ઉંચી ઉડાન ભરતા કોઇજ રોકી શકતા હોતા નથી. અહી એક વાત ખાસ સમજવા જેવી છે કે નીતિથી કરેલા કામમા નિષ્ફળતા મળે તો પણ આપણા કાર્યની નોંધ લેવાતીજ હોય છે, આપણા પ્રયત્નોના વધુ વખાણ થતા હોય છે કારણકે લોકોને આપણી નૈતીકતા અને કાર્યપદ્ધતી સ્પર્ષી જતી હોય છે. આ રીતે નિષ્ફળ થવા છતા પણ સફળ વ્યક્તીઓ જેટલુ માન મહત્વ મેળવી શકાતુ હોય છે અને તેઓની હરોળમા પણ બેસી શકાતુ હોય છે. માટે નિષ્ફળ થવાથી અપમાનીત થવાનો ડર અને શોર્ટકટ લેવાના વિચારોને મનમાથી કાઢીજ નાખો અને એવા રસ્તેથી આગળ વધવાનો પ્રયત્ન કરો કે જેમા સફળતાની સાથે સાથે સુખ, સંતોષ, શાંતી અને સમ્માન એમ બધુજ મળી રહેતુ હોય.
તમારે મોટી સીડી ઉપર ચડવુ હોય તો શું તમે સીધાજ પહેલે પગથીયેથી ઠેકડો મારીને ઉપર પહોચી શકશો? અથવાતો શું તમે એક સાથે ૪-૫ પગથીયા ચડી શકશો ? અને જો તેમ કરવા જશો તો શું થશે ? પગ દુખી જશે કે પડી જશો ખરુ ને !! આમ ઉપર ચડવા માટે જેટલા જરુરી છે અથવા તો જેટલા આપેલા છે તેટલા સ્ટેપ્સતો તમારે લેવાજ પડે. જો તેટલા સ્ટેપ્સની તમે અવગણના કરો તો પાછુ આપણનેજ વધારે નુક્શાન થતુ હોય છે. આજ નિયમ જીવનના દરેક ક્ષેત્રમા લાગુ પડતો હોય છે એટલેકે જો તમારે સફળતા મેળવવી હોય તો તેના માટે જેટલા જરૂરી હોય તેટલા સ્ટેપ્સ તો તમારે લેવાજ પડે. જો તેમ ન કરો તો વહેલા થાકી જવાનો, પડી જવાનો કે નુકશાની સહન કરવાનો વારો આવતો હોય છે. આમ શોર્ટ્કટ એ કાર્યને સરળ નહી પરંતુ ઔર વધારે જટીલ અને ગુંચવાળા યુક્ત બનાવી દેતુ હોય છે, પછી તેના પરીણામોથી બચવા વ્યક્તીની બધીજ શક્તીઓ વગર કારણે ખર્ચાઇ જતી હોય છે. સફળતા મેળવવા ઇચ્છુક વ્યક્તીએ આ વાતને બરોબર સમજી લેવી જોઇએ નહીતર તે નકામી પ્રવૃતીઓ કે અવળા માર્ગોમા ગુંચવાઇને રહી જતો હોય છે અને છેવટે મોટી નુક્શાની સહન કરી નિષ્ફળતાનો સમનો કરવો પળતો હોય છે.માટે યાદ રાખો કે આ દુનિયાના દરેક કામ જ્ઞાન, બુધ્ધી, ચાતુર્ય, આવળત, સામર્થ્ય, ઇચ્છા શક્તી, આત્મવિશ્વાવસ, ધ્યાનશક્તી અને સતત પ્રયત્નો દ્વારાજ શક્ય બનતા હોય છે. જો તમે આ અષ્ટ સીદ્ધીઓ પ્રપ્ત કરી લેશો તો પછી તમારી ઇચ્છા મુજબ દરેક કાર્ય થઇનેજ રહેશે, પછી તમારે શોર્ટ્કટ જેવા રસ્તાઓનો વિચાર સુદ્ધા કરવાની જરુર રહેશે નહી.
સફળતા મેળવવા માટે વિવિધ શક્તીઓ રૂપી મુળીયાઓ ઉંડે ઉતારવા પડતા હોય છે, તેના માટે સમય આપવો પળતો હોય છે, ધીરજથી સતત પ્રયત્નો કરવા પળતા હોય છે ત્યારે તેની પ્રાપ્તી થતી હોય છે. સફળતા મેળવવા માટે કોઇ શોર્ટકટ હોતો નથી તેમ છતા શોર્ટકટથી સફળતા મેળવવામા આવે તો તે વધારે ટકતી હોતી નથી. જેમ કોઇ વૃક્ષને જડપથી ઉગાળવા માટે કોઇ સ્થળેથી ઉખેળીને કોઇ બીજા સ્થળે શોર્ટકટથી રોપવામા આવે તો તે વૃક્ષ તે જગ્યાએ ઉભુ તો રહી જતુ હોય છે પણ વાવાજોળા કે અન્ય મુસીબતો સામે તે ટકી શકતુ હોતુ નથી કારણકે તેના મુળીયા જમીનમા ઉંડા ઉતરેલા હોતા નથી જ્યારે નાના છોળવામાથી થયેલા વૃક્ષના મુળીયા જમીનમા ખુબ ઉંડે ઉતરી ગયા હોવાથી તેની પકળ એટલી બધી મજબુત બની ગઇ હોય છે કે પછીતો તે દરેક પ્રકારની આફતો સામે ટકી શકતુ હોય છે. કહેવાનો મતલબ એટલોજ છે કે તમે કોઇપણ કામ કરો તેને પુરતો સમય આપો. જેટલો સમય તમે મહેનત કરશો તેના પ્રમાણમા તમને સફળતા પ્રાપ્ત થશે, એટલેકે ઓછો સમય આપશો, ઓછી મહેનત કરશો તો થોડુ અને વધારે મહેનત કરશો તો વધારે ફળ પ્રાપ્ત થશે. તમે ઓબ્ઝર્વેશન કરશો તો ખ્યાલ આવશે કે શોર્ટકટ કરતા લાંબા રસ્તામા વધારે જોવા જાણવા અને શીખવા મળતુ હોય છે, આખોય રસ્તો કાપતી વખતે જે અનુભવ થતા હોય છે તે સમગ્ર જીવનને બદલી આપનારા હોય છે, જીવનને એક નવીજ શરુઆત આપનારા હોય છે. આવા અનુભવો પ્રાપ્ત કરેલી વ્યક્તી વધુ જળપથી સફળતા મેળવી શકતા હોય છે કારણ કે હવે તેના જીવન વિશેના તમામ ખ્યાલો, માન્યતાઓ સંપુર્ણ વિકસી ચુક્યા હોય છે, તેણે બુદ્ધી અને અનુમાનશક્તી વાપરીને કામ કરેલુ હોય છે તેથી તેની આવળતોની ધાર ખુબજ તીક્ષ્ણ થઇ ગઈ હોય છે જે વળી પાછી બીજી મોટી સફળતા અપાવી શકે છે.
હજી જો આ વાતને બરોબર સમજવી હોય તો તમે એક પ્રયોગ કરી જુઓ. તમે એવા રસ્તેથી એક વખત ચાલીને જવાનો પ્રયત્ન કરો કે જે રસ્તે તમે કાયમ વાહન લઇને જતા હોવ. તમે જેવા તેજ રસ્તેથી ચાલીને જવાનો પ્રયત્ન કરશો કે તરતજ તે રસ્તો તમને કંઇક અલગજ લાગશે, તમે બરોબર નીરીક્ષણ કરી વધુ માહીતી મેળવી શકશો, તે ઉપરાંત તમને તેમા કેટલુય નવુ જોવા જાણવા મળશે, નવુ શીખવા મળશે, કંઇક નવોજ અનુભવ થશે, ચાલતા ચાલતા તમારા વિચારોને નવીજ પાંખ મળશે, અનેક પ્રકારના નવા વિચારો સ્ફુરવા લાગશે અને આમ તમારા વિચારો નાનુ એવુ પણ કંઇક પરીણામ લાવી બતાવશે, પછી તે આદેશ, નિર્ણય, સંકલ્પ કે લાગણી એમ કંઇ પણ હોઇ શકે. કહેવાનુ તાત્પર્ય એટલુજ છે કે સ્ટેપ બાય સ્ટેપ ધીરજથી આગળ વધવાથી વ્યક્તીને કંઇક નવુ જોવા જાણવા કે શીખવા મળતુ હોય છે જેથી તેના જ્ઞાન, આવળત અને અનુભવમા વધારો થતો હોય છે, વ્યક્તીના વિચારો મેચ્યોર બનતા હોય છે જેથી તેની નિર્ણય શક્તી વધતી હોય છે. આમ વ્યક્તીનુ જ્ઞાન, આવળત, અનુભવ, પરીપક્વતા, અને નિર્ણય શક્તીમા વધારો થવાથી અને આવા બધાજ પરીબળો ભેગા થવાથી વ્યક્તી મહાન સફળતા પ્રાપ્ત કરવા સક્ષમ બનતા હોય છે. માટે હવે જ્યારે પણ તમને શોર્કટ લેવાનુ મન થાય ત્યારે એ વાતનો જરૂરથી વિચાર કરજો કે જો હું શોર્કટ લઇશ તો એવા તમામ જ્ઞાન કે અનુભવથી વંચીત રહી જઇશ કે જે મારા જીવનને આદર્શ બનાવી મારા તમામ સપનાઓ પુરા કરવા સક્ષમ હોય.
જો તમે તમારા મગજ અને વિચારશક્તીનો વિકાસ કરવા માગતા હોવ તો શોર્ટકટો લેવાથી બચો, તેના આધારેજ જીત મેળવવાની લાલચથી દુર રહો કારણકે શોર્ટકટથી કામ કરનારા લોકો કદાચ પોતાના કામમા સફળ થઈ જાય તો પણ ફરી પાછી કોઇ ગેરેન્ટી આપી શકાતી નથી કે ફરી પાછા તેઓ જીતી શકશે. જ્યારે મહેનત કરીને, સંપુર્ણ પ્રેક્ટીસ કરીને કામ કરનાર વ્યક્તીની વારંવાર જીતવાની શક્યતા ખુબ વધી જતી હોય છે કારણકે તેઓને પોતાના જ્ઞાન, આવળત અને સમજશક્તીનો ઉપયોગ કરીને ઉપાયો શોધતા આવળતુ હોય છે. આવુ પેલા શોર્ટકટવાળા લોકો શીખી શકતા હોતા નથી જેથી તેઓ આમ તેમ હવાતીયા મારતાજ રહી જતા હોય છે.
આટલી ચર્ચા પરથી હવે નક્કી આપણે કરવાનુ છે કે શોર્ટકટનો રસ્તો વાપરી દુ:ખી થવુ છે કે કાર્યને પુરતો સમય આપી મહાન સફળતા મેળવી બતાવવી છે. જો આવી સફળતા તમારે મેળવવી હોય, તેને ટકાવી રાખવી હોય કે પોતાના તમામ સપનાઓ પુરા કરી બાતાવવા હોય તો શોર્ટકટ જેવા રસ્તાઓને ભુલીજ જવો જોઈએ અને યોગ્ય ટેક્નીકનો સહારો લઇ આકરી મહેનત શરુ કરી દેવી જોઈએ કારણકે શોર્ટકટ એ ડુબતાને તણખલાનો સહારો હોય છે. તણખલાના સહારે કોઈ એક વખત બચી જાય તો તેનો મતલબ એમ નથી થતો કે તેઓને તરતા આવળી ગયુ છે અને હવે તેઓ દરીયો તરવા સક્ષમ બની ગયા છે. જો વ્યક્તી આવી ભુલ ભરેલી માન્યતામા આવીને ફરી પાછા પ્રયત્નો કરવા જાય તો એવી પુરેપુરી શક્યતા રહે છે કે તેણે ધોબી પછાડ ખાવી પડે. જે લોકોને ખુબ સારી રીતે તરતા આવળે છે તેઓતો વારંવાર ઉછળતા મોજા વચ્ચે પણ દરીયામા કુદી તેને પાર કરી શકતા હોય છે. જેને તરતા આવળે છે તેના માટેતો દરીયો પાર કરવો એ સામાન્ય બાબત બની જતી હોય છે પણ જેઓને તરતા શીખવુજ નથી અને દર વખતની જેમ કોઇ તણખલુ પકડીનેજ આગળ વધવુ છે તેવા લોકો જો તોફાનમા ફસાઇ જાય અને તેઓ જેના પર સવાર છે તે નાવ પલટી જાય તો પછી તેઓને ડુબતા કોઇજ બચાવી શકે નહી. આવા લોકો પોતાના વિચારશક્તીનો વિકાસ કરી શકતા હોતા નથી જેથી તેઓ મુશ્કેલીઓના સમયમા તેઓનુ મગજ કામ કરતુ બંધ થઈ જતુ હોય છે અને ધોબીપછળાટ ખાતા હોય છે. જાત મહેનતે આગળ આવનાર વ્યક્તીઓ સાથે આવુ બનતુ હોતુ નથી કારણકે તેઓ માટે આ બધુ સામાન્ય કે રોજીંદુ હોવાથી તેઓ ખુબ સરળતાથી મુશ્કેલીઓના ઉપાયો શોધી કાઢતા હોય છે. આમ શોર્ટકટથી કામ કરનારા લોકો પોતાના નાના એવા કામમા કદાચ સફળ થઈ જશે પણ જીવનના ઝંઝાવાતો સામે ટકી શકતા હોતા નથી જ્યારે પેલા આપબળે કામ કરતા લોકો ભલે પોતાના કામમા કદાચ નિષ્ફળ જાય તો પણ જીવનની મુશ્કેલીઓને પોતાની આવળત અને વિચારશક્તીઓનો ઉપયોગ કરીને જડબાતોડ જવાબ આપી શકતા હોય છે. માટે હવે નક્કી આપણે કરવાનુ છે કે તરતા શીખી ખુબજ આનંદ અને નિડરતાથી પોતાના કામ કરી બતાવવા છે કે ડરતા ડરતા તણખલાના સહારે આગળ વધવુ છે. ચોઈસ ઈઝ યોર્સ.