પ્રકરણ-૫ લગ્ન વિષેનો નિર્ણય
રેવાંશ અને વૈદેહીની મુલાકાત હવે પૂર્ણ થઇ ગઈ હતી. રેવાંશનો પરિવાર વૈદેહીના ઘરેથી નીકળી અને ફરી પાછો પોતાના ઘરે આવી ગયો હતો. રેવાંશ હજુ કઈક દુવિધામાં હતો એવું એના ચેહરા પરથી સ્પષ્ટ લાગી રહ્યું હતું. વૈદેહીના ઘરેથી પાછા આવ્યા પછી બધાએ થોડીવાર આરામ કર્યો. લાંબો સફર કરીને બધાં ખુબ થાકી ગયા હતા એટલે સાંજે આજે કોઈને બહુ જમવાની ઈચ્છા નહોતી. રેવાંશના પિતાએ એની મમ્મીને જમવામાં વઘારેલી ખીચડી બનાવવા કહ્યું. મહેક અને એની મમ્મી બંને રસોઈની તૈયારી કરવા લાગ્યા.
મહેક ખીચડીમાં નાખવાનું શાક સમારી રહી હતી. અને એની મમ્મીએ દાળ ચોખા પલાળ્યા. રસોડામાં કામ કરતા મહેક બોલી, “મમ્મી, ભઈલાનું વર્તન કઈ સમજાતું નથી. એને વૈદેહી પસંદ પડી કે નહીં?” આવ્યા ત્યારનો કઈ જ બોલી નથી રહ્યો. મને તો વૈદેહી ખુબ ગમી ગઈ છે.”
“મને પણ વૈદેહી ખુબ ગમી જ ગઈ છે. આપણા ઘરમાં ખુબ શોભે તેવી છે. રેવાંશ ને પણ જરૂર ગમશે. જો એને નહિ ગમી હોય તો હું એને સમજાવીશ, મારી વાત એ જરૂર માનશે.” રેવાંશની મમ્મીએ કહ્યું.
થોડીવાર પછી ખીચડી બની ગઈ હતી. કુકર ઠરી ગયું એટલે રેવાંશની મમ્મીએ બધાને જમવા માટે બોલાવ્યા. બધાં રસોડામાં આસન પાથરીને જમવા બેઠા. રેવાંશ ના ઘરમાં હજુ ડાઇનીંગ ટેબલ નહોતું. અને એની મમ્મીને આમ પણ એ લેવાની ઈચ્છા પણ નહોતી કારણ કે, રેવાંશના મમ્મી સ્વચ્છતાના ખુબ આગ્રહી હતા. એ માનતા કે, જેટલી વસ્તુ ઘરમાં વસાવીશું એટલું જ વધુ કામ વધશે માટે વધારાની કોઈ જ વસ્તુ મારે વસાવવી નથી.
જમતી વખતે રેવાંશની મમ્મીએ વાત છેડી. એમણે રેવાંશને પૂછ્યું, “બેટા, વૈદેહી તને કેવી લાગી? મને અને મહેકને તો બહુ જ ગમી. આપણા ઘરમાં ખુબ શોભે એવી છે. જોઇને પણ મને તો એ છોકરી ખુબ જ ડાહીં લાગી. મને તો લાગે છે કે, તને પણ ગમી જ હશે.
અત્યાર સુધી ચુપ રહેલો રેવાંશ હવે બોલ્યો, “મમ્મી, મને વૈદેહી ગમી તો ખરા પણ...”
રેવાંશ હજુ પોતાની વાત પૂરી કરે એ પહેલા જ એની મમ્મી બોલી, “પણ શું દીકરા?”
રેવાંશ એ જવાબ આપ્યો, “છોકરી સારી છે પણ એ ડોક્ટર પણ નથી અને નોકરી પણ કરતી નથી. અને મારે કાં તો ડોક્ટર છોકરી જોઈએ અથવા તો કમાતી છોકરી જોઈએ છે. આ બે જ મારી પ્રાયોરીટી છે અને એ બેમાંથી એક પણ ગુણ એમાં નથી.”
હવે રેવાંશની મમ્મી એ એને સમજાવતા કહ્યું, “જો, દીકરા, બધું કઈ આપણી ઈચ્છા પ્રમાણે જ થતું નથી. છોકરી ભણેલી છે. એને પી. એચ. ડી. કરવાની ઈચ્છા છે,એ આપણે એને કરાવીશું. અને નોકરી તો એને મળી જશે અને નહિ મળે તો તું સક્ષમ છો એને નોકરી અપાવવા માટે એ તો સૌ કોઈ જાણે જ છે. ડોક્ટર ન હોય તો આપણે એને પી.એચ.ડી. કરાવીને ડોક્ટર બનાવી દઈશું. અને આમ પણ એણે ફોરેસ્ટ ઓફિસરની પ્રિલીમ પરિક્ષા તો પાસ કરી જ છે. એના ને તારા સિતારા ચમકતા હશે તો એ મુખ્ય પરિક્ષામાં પણ પાસ થઈ જશે. પછી ઇન્ટરવ્યુ વખતે જોઈશું. જો તને થોડીઘણી પણ છોકરી ગમી હોય તો તું હા પાડ. એક વખત એ આ ઘરમાં આવી જાય પછી આપણે એને જેમ ઢાળીશું એ પ્રમાણે એ ઢળી જશે.”
“સારું મમ્મી, તું જેમ કહે તેમ. તમને લોકોને વૈદેહી ગમી હોય તો મને કઈ વાંધો નથી. તમે એ લોકોને હા પાડી દેજો અને તમને યોગ્ય લાગે ત્યારે એમને આપણા ઘરે બોલાવી લેજો.
*****
વૈદેહીના ઘરમાં પણ ડાઇનીંગ ટેબલ પર કાંઈક આવી જ વાત થઇ રહી હતી. વૈદેહીને એના પિતાએ અને માતાએ બંનેએ પૂછ્યું, “રેવાંશ ગમ્યો તને?”
આ સવાલ પુછાતા જ વૈદેહીએ પોતાની નજર નીચી ઢાળી દીધી. એના માતાપિતાને વૈદેહીનો ઉત્તર મળી ગયો. એ વૈદેહીનો જવાબ હા છે એમ સમજી ગયા. વૈદેહીના ઘરમાં બધાં ખુબ ખુશ હતા.
આ વાતને લગભગ અઠવાડિયા જેટલો સમય વીતી ગયો એ પછી રેવાંશ ના પિતાનો વૈદેહીના પિતા પર ફોન આવ્યો અને એમણે કહ્યું, “અમારા રેવાંશને તમારી વૈદેહી પસંદ પડી છે. જો વૈદેહીને પણ રેવાંશ પસંદ પડ્યો હોય તો આપણે વાતને આગળ વધારીએ.”
“મારી દીકરીને પણ રેવાંશ પસંદ પડ્યો છે.” વૈદેહીના પિતાએ કહ્યું,
“તો તો તમે બધાં સહપરિવાર અમારા ઘરે પધારો કારણ કે, રહેવાનું તો વૈદેહી એ અમારા ઘરમાં જ છે માટે એનું અમારું ઘર જોવું બહુ જ જરૂરી છે. તમને જયારે અનુકુળ હોય ત્યારે તમે સહપરિવાર અમારા ઘરે પધારો.”
“હા, સારું. અમે ફોન કરીને તમને જણાવીશું અને ચોક્કસ આવીશું.”
આ વાતના બે અઠવાડિયા પછી વૈદેહીના પરિવારે રેવાંશ ના ઘરે જવાનું નક્કી કર્યું.
શું વૈદેહીને રેવાંશનું ઘર પસંદ પડશે? કેવી રહેશે વૈદેહી અને રેવાંશની બીજી મુલાકાત? એની વાત આવતા અંકે....