kahi aag n lag jaaye - 5 in Gujarati Fiction Stories by Vijay Raval books and stories PDF | કહીં આગ ન લગ જાએ - 5

Featured Books
Categories
Share

કહીં આગ ન લગ જાએ - 5

પ્રકરણ- પાંચમું/૫



‘અર્જુન, મિહિરની આ શરતમાં તને કંઈ અજુગતું નથી લાગતું? માત્ર શરત જ અજુગતી લાગે છે કે વ્યક્તિ પણ? મિહિર વિશે તારો શું અંગત અભિપ્રાય છે? આઈ મીન કે કેવી વ્યક્તિ છે!'
‘એકદમ મિતભાષી. શાંત અને સૌમ્ય, સહજ સ્વભાવ. આપણે ચાર વાક્ય બોલીએ ત્યારે એ એક વાક્ય માંડ બોલે. ટેક્ષી ચલાવે છે. બસ આથી વધારે કોઈ જ પરિચય નથી, બટ આઈ થીંક કે તેનામાં કોઈ હિડન ટેલેન્ટ છે.’
‘પણ, અર્જુન તે પહેલી કહેવત તો સાંભળી છે ને કે... શાંત પાણી ખુબ ઊંડા હોય.’


‘હા, મીરાં પણ હું તો સકારાત્મક અભિગમના અર્થમાં કહું છું.’
‘પણ તેણે આ સ્ટોરી માટે...’ આટલું બોલીને મીરાં અટકી ગઇ. પછી બોલી,
‘અર્જુન, હવે એક સીરીયસ વાત કરું. ખાસ તો એ વાત માટે જ મેં તને બોલાવ્યો છે.’
‘હા, બોલ કંઈ વાત?’ અર્જુને પૂછ્યું.
‘જો અર્જુન, આપણાં બન્નેનાં રીલેશનની વાત અલગ છે. મેં સ્ક્રિપ્ટ લખી તારા માટે, તારા ભરોસે. સ્ક્રિપ્ટ લખતાં પહેલાં જયારે મેં તને પૂછ્યું કે આ માનસિક વ્યાયામ કોના માટે કરવાનો છે? ત્યારે તેં કહ્યું કે, ઇટ્સ એ બીગ સરપ્રાઈઝ!. પણ ગઈકાલે મેં તારા ગ્રુપની જે ઝાકળમાળ જોઈ, ત્યારે તો એમ થયું કે પેલા પોલિયો ની જાહેરાતની માફક ‘દો બુંદ ઝીંદગી કે’ ના નારાની માફક સરપ્રાઈઝનાં નામે જે રીતે તાળીઓની લુખ્ખી ચમચી ચટાડીને ઘર ભેગા કરી દીધા, ત્યારે જાણે કે એવું લાગ્યું કે માર ખાય વાંદરો અને માલ ખાય મદારી. મારી આ વાતમાં કંઈ ટપો પડ્યો કે ગયું બધું બાઉન્સ થઈને?’
થોડીવાર અર્જુન ચુપચાપ મીરાં સામે જોઇને હસતાં હસતાં બોલ્યો.
‘મને તો એમ કે તમે રાજપૂત ખાલી બળથી જ કામ લ્યો છો, કળથી કામ લેવાની કળા પહેલી વાર જોઈ.’ હસતાં હસતાં અર્જુન બોલ્યો.
‘અરે.. આવા તો પડદા પાછળના કંઇક નાટકો જોઈ લીધા, બેટા.’
ખુલ્લા વાળને બાંધતા મીરાં બોલી
‘મીરાં, હવે પહેલાં તું મારી વાત શાંતિથી સાંભળીશ?. વાર્તાની રોયલ્ટી વિશે મારે સમીર સાથે પહેલાંથી ફાઈનલ ડીશકશ થઇ ગઈ છે. પર શો દીઠ રાઈટરને ૩૫૦૦ રૂપિયા આપવાનું નક્કી થયું છે અને ૮ શો ના એડવાન્સ પેટે રૂપિયા ૨૮૦૦૦ નું પેમેન્ટ પણ રેડી છે યાર, તને અર્જુન પર ભરોશો નઈ કે...?
હસતાં હસતાં અર્જુન બોલ્યો.
‘તો હવે?’ મીરાંએ પૂછ્યું.
‘રાત્રે તને ડ્રોપ કર્યા પછી મારે સમીર જોડે બધી જ ચોખવટ થઇ ગઈ છે. હવે સમીર તને આજે એની ટાઈમ સામેથી જ કોલ કરશે. બોલ હવે કંઈ?'
' અલ્યા! તું શું અમને તારા જેવા સાવ લુખ્ખા સમજે છે એમ?'
‘ઓયે ..ત્રણ લાખની તો પેલી ઈમ્પોર્ટેડ ફટાકડી ખાલી અમથા શોખથી લટકાવીને ફરું છું, સમજ્યો ડાહ્યા!.’
હસતાં હસતાં અર્જુન બોલ્યો. ‘ ક્યારેય ફોડતાં તો જોઈ નથી તને.’
‘જે દિવસે ફૂટશે ને, તે દિવસે તને ઘરે બેઠાં ખબર પડી જશે. ચલ! હવે મને મોડું થઇ રહ્યું છે.’ મીરાં મજાકમાં બોલી.
‘અચ્છા, ચલ, હવે હું નીકળું અને સમીરનો કોલ ન આવે તો મને જાણ કરજે. ઓ.કે. બાય’ કહીને અર્જુનના રવાના થયાં પછી બધું જ કામ નીપટાવીને ફેશ થયા બાદ ઠીક ૧૨:૪૦ એ મિહિરને સેન્ડ કરેલાં એડ્રેસ પર નીકળવાની તૈયારીમાં હતીને ત્યાં જ આવેલો કોલ રીસીવ કરતાં બોલી,
‘હેલ્લો,’
‘હેલ્લો, મીરાંજી, સમીર બોલું છું, સમીર શાહ. અનુકુળતા હોય તો પાંચ મિનીટ આપો તો અગત્યની વાત કરી લઈએ.’
‘અરે સ્યોર હા.બોલો બોલો..’ ડાબા ખભાના ટેકે કાન પર ટેકવેલા મોબાઈલને હાથમાં લેતા મીરાં બોલી.
‘ગઈકાલે રાત્રે ખુબ મોડું થઇ ચુક્યું હતું, તેથી આપની જોડે સરખી વાત નથી થઇ શકી, એટલાં માટે જ કોલ કર્યો છે. ખાસ તો રાઈટરના પેમેન્ટ બાબતના ખુલાસા વિશે જ ચર્ચા કરવાની છે. મુખ્ય અગત્યની મુંઝવણએ છે કે પેમેન્ટ કોને આપવું? તમને કે મિહિરને?
અને બન્નેને આપવું તો કેટલું આપવું? હવે આ કન્ફયુઝન તમે જ ક્લીઅર કરી આપો તો ઠીક રહેશે.’
‘સમીરભાઈ આ ઇસ્યુ પર તમારે મિહિર જોડે કંઈ ડીશકશન થયું છે?’
મીરાંએ પૂછ્યું.
‘જી, ના.’ સમીરે જવાબ આપ્યો.
‘તો પ્લીઝ, હવે એક કામ કરો. આ ટોપીકને અહીં પૂર્ણવિરામ આપો. અને મને એ કહો કે પેમેન્ટ આપ ડીજીટલી ટ્રાન્સફર કરશો?’ મીરાંએ પૂછ્યું.
‘આપ જે રીતે કહો એમ.’ સમીરે જવાબ આપ્યો.
‘અચ્છા તો ઠીક છે. બાકીનું કન્વર્શેશન આપણે મેસેજીસથી કરીશું. ડન.’ મીરાંએ કહ્યું.
‘જી, ઠીક છે, હું આપના રીપ્લાયની વેઇટ કરું છું, થેંક યુ, બાય.’
‘બાય’ કહીને મીરાં, મિહિરને મળવા માટે નીકળી ગઈ.


ઓફ વ્હાઈટ કલરના સ્કીન ટાઈટ શોર્ટ જીન્સ ઉપર મરુન કલરના સ્લીવલેસ ટોપ સાથેના ડ્રેસમાં આવેલી મીરાં ગોલ્ડન જીમના પાર્કિંગમાં તેનું બુલેટ પાર્ક કરીને રેસ્ટોરેન્ટ તરફ જતી હતી ત્યાં જ જીમના મેઈન ગેઇટ પર ઊભેલા બ્લેક ટ્રાઉઝર પર લેટેસ્ટ ફેશનનું લાઈટગ્રીન કલરના ચેક્સની ડીઝાઇન વાળા હાલ્ફ સ્લીવશર્ટ અને બેથી ત્રણ દિવસ પહેલાં ઉગેલી દાઢીમાં એકદમ કૂલ લાગતાં મિહિર પર તેનું ધ્યાન જતાં, તેની પાસે જઈને ઉમળકાથી હાથ મિલાવતાં બોલી,
‘હાઈ, કેટલો સમય થયો આવ્યાને?’
‘જી, તમે એક વાગ્યાનો સમય આપ્યો હતો, એટલે જસ્ટ પાંચ મિનીટ પહેલાં જ આવ્યો છું.’
અંદર એન્ટર થઈને ધીમે ધીમે ચાલતાં ચાલતાં મીરાંએ કહ્યું.
‘આવો આપણે ત્યાં અંદર લાઈબ્રેરીની બેક સાઈડમાં સ્વિમિંગ પુલની નજીક લોન્જ છે, ત્યાં આરામથી બેસીએ. આપ આવ્યા છો જીમમાં આ પહેલાં ક્યારેય?’
‘જી, કયારેક કોઈને પીક-અપ, ડ્રોપ કરવાના હોય તો જ. અને એ પણ બહાર ગેટ સુધી જ જીમની અંદર ફર્સ્ટ ટાઈમ આવ્યો છું.’ મિહિર એ જવાબ આપ્યો.
ચાલતાં ચાલતાં લોન્જ સુધી પહોંચતા સુધીમાં, આધુનિક સગવડતાથી સજ્જ જીમ અને તેની ખાસિયતોથી મિહિરને વાકેફ કર્યો.
‘આવો, બેસો અહીં સોફા પર આરામથી. હું હમણાં આવી જસ્ટ પાંચ જ મીનીટમાં.’
એમ કહીને મીરાં જીમની ઓફિસની દિશા તરફ ગઈ. ત્યાંથી સમીર શાહ સાથે જરૂરી વાત કર્યા પછી મેસેજીસ સેન્ડ કરીને ત્યાંથી રેસ્ટોરેન્ટમાં થઈને પાંચથી સાત મિનીટમાં પરત ફરીને મિહિરની બાજુમાં ગોઠવાઈ જતાં બોલી,
‘હા, હવે બોલો પ્રભુ.’
‘પ્રભુ? આ વળી નવું સંબોધન કયાંથી સુજ્યું તમને?’
નવાઈ સાથે સ્મિત કરતાં મિહિરે પૂછ્યું.
‘હમ્મ્મ્મ...પેલું ગીત સાંભળીને.’ મિહિરના ચહેરા સામે જોઇને મીરાં બોલી.
‘કયું ગીત?’
‘હરી તારા નામ છે હજાર કયા નામે...સમથીંગ સમથીંગ...’
ધીમેથી હસતાં મીરાં બોલી.
‘ઓહ..! તમે પણ મને ક્યાંથી લઈને ક્યાં જોડી દયો છો.’
‘એનું ઠોસ કારણ છે મિહિર , કેમ કે મારી વિચારશક્તિ અને દ્રષ્ટિકોણથી વિચારીને જોઈ રહી છું, તમારું ગ્રે શેડ વાળું વ્યક્તિત્વ કોઈ એંગલથી મારી કલ્પનાચિત્રનાં ચોકઠાંમાં ફીટ નથી થતું એટલે, સમજ્યા?’ એવું મીરાં બોલી.
‘આપ કહે ઔર હમ ન સમજે ઐસે તો હાલત...’ આટલું બોલ્યા પછી હસતાં હસતાં મિહિર આગળ બોલ્યો.
‘મહદ્ અંશે તમે ક્યાં રહેવાનું પસંદ કરો, કલ્પનામાં કે વાસ્તવિકતામાં?'
મિહિરે પૂછ્યું.
‘એક એવી કલ્પના જે વાસ્તવિકમાં હોય.’ વારંવાર ચહેરા પર આવી જતાં ખુલ્લાં કેશને વ્યવસ્થિત કરતાં મીરાંએ જવાબ આપ્યો.
‘પણ, કયારેક વાસ્તવિકતા સામે કલ્પના વામણી સાબિત થાય એવું ન બને?' મિહિરે પૂછ્યું.
સતત બેથી પાંચ સેકંડ સુધી મિહિરની આંખોમાં જોયા પછી મીરાં બોલી,
‘એક ટેક્ષીચાલક, એક નિરાધાર અને નિ:સહાયના નિ:સ્વાર્થ સેવાભાવી સેવક, એક શાંત, સૌમ્ય, સહજ, મૃદુભાષી અને અંતર્મુખી સાહિત્યકાર! આ સિવાય કેટકેટલાં રૂપ છે તમારાં, એ જરા કહેશો મને પ્રભુ?’
‘ઓહ..માય ગોડ.. આટલું વિશાળ અને મેઘધનુષી કલ્પનાચિત્ર છે તમારું એમ? અરે.. એવું કશું જ નથી હું કોમનમેન છું.’ મિહિરે ઉદારતાથી કહ્યું.
‘અને હું એ કોમનમેનને જ અન્ડરએસ્ટીમેન્ટ કરીને ગોથુ ખાઈ ગઈ. અચ્છા, ચાલો હવે આપણે મુદ્દાની વાત પર આવીએ. તમે લોકલ સીટી ટુરના પર ડે નો કઈ રીતે ચાર્જ કરો છો? મીરાંએ પૂછ્યું.
‘ઇટ્સ ડીપેન્ડ ઓન સીટીંગ કેપેસીટી ઓફ વિહિકલ.’
માથામાં હાથ ફેરવતા મિહિરે જવાબ આપ્યો
‘પણ મેં આપને જે સેવન સીટરનું કહ્યું તેના માટેનો શું રેટ હશે?’
‘૩૫૦૦ રૂપિયા પ્રતિદિન.’ મિહિરે જવાબ આપ્યો.
‘મિહિર! પ્લીઝ, મને તમારો એકાઉન્ટ નંબર આપશો?’
‘પણ તેની અત્યારે શું જરૂર...?’
મિહિર વાક્ય પૂરું કરવા જાય એ પહેલાં મીરાં બોલી,
‘લીસન, મિહિર હું નાણાકીય બાબતમાં ખુબ જ પ્રેક્ટીકલ છું. એટલે જ મને તમારાં એ ૭૦ રૂપિયા માટે ગિલ્ટી ફીલ થઇ રહી હતી અને એ પછી તો તમે એ ૭૦ નાં ૭૦૦ અને ૭૦૦૦ કરતાં જ રહ્યાં. બટ નાઉ આઈ એમ રીયલી સીરીયસ ફોર ધીસ.’
‘અચ્છા ઠીક છે’ કહીને મિહિરએ એકાઉન્ટ નંબર આપ્યો.

મિહિરે જે એકાઉન્ટ નંબર આપ્યો, તેની જોડે બાકીની વિગત એડ કરીને મીરાંએ સમીરને મેસેજ મારફતે સેન્ડ કર્યા ત્યાં જ વેઈટરએ બન્નેને લેમન ટી સર્વ કરી, એટલે મીરાંએ પૂછ્યું.
‘તમને ફાવશે કે કંઈ ડીફરન્ટ ટ્રાય કરીએ.. ? સોરી! મેં તમને પૂછ્યા વગર જ ઓર્ડર કરી દીધો.’
‘ઇટ્સ ઓ.કે. આપણે કેટલાં વાગ્યે નીકળવાનું છે? મિહિરે પૂછ્યું.
‘હું તેમનાં મેસેજની જ વેઇટ કરું છું, બસ મેસેજ આવે એટલે નીકળીએ. હવે મેસેજ આવે ત્યાં સુધીમાં તમારો અસલી પરિચય આપો, ચાલો.’ મીરાંએ કહ્યું.
‘અરે.. અસલી એટલે શું? મારા નામ અને કામ બન્નેથી આપ પરિચિત છો જ. આથી વિશેષ મારો કોઈ જ પરિચય નથી.’ મિહિરે જવાબ આપ્યો.
‘પણ આઈ થીંક! કે તમે આ શહેરના તો નથી જ. ધેટ આઈ એમ શ્યોર.’
મીરાં બોલી.
પ્રત્યુતર આપતાં મિહિર બોલ્યો.
‘મીરાં જી, તેના જવાબમાં હું નિદા ફાજલીની ગઝલનો એક શેર કહીશ.
‘વક્ત કે સાથ હૈ મીટ્ટી કા સફર સદીયોંસે,
કિસકો માલૂમ કહાં કે હૈ કિધર કે હમ હૈ’
એ પછી થોડી ક્ષણો સુધી મિહિરની આંખોમાં જોયા પછી મીરાં બોલી,
‘ખુબ ટૂંકા સમયગાળાનાં આપણી વચ્ચેનાં વાર્તાલાપમાં, મને તમારી એક વાત સ્પર્શી ગઈ.’
‘કઈ વાત?’ મિહિરે પૂછ્યું.
‘તમારો જવાબ પેલી કહેવત જેવો હોય છે. સો સુનારકી ઔર એક લોહારકી. અને સામે વાળાની બોલતી બંધ. ક્યાંથી શીખ્યા? કોણે શીખવાડ્યું? કોણ છે તમારા ગુરુ? કોઈ પણ સિચ્યુએશનમાં તમારો ટોન, ભાષા પ્રત્યેની સભાનતા, અને સટીક પ્રત્યુતરમાં સાહિત્યની છાંટ અને...’
‘અને... ? કેમ અટકી ગયા?’ મિહિરે પૂછ્યું.
‘સાથે સાથે એક અનન્ય અભિવ્યક્તિની આભા બધું જ એટલું જ પરફેક્ટ પણ..’
ફરી મીરાં અટકી જઈને ફરી બોલી, ‘ આઈ એમ સોરી.’
‘કેમ વારંવાર અટકી જવું પડે છે? હોમવર્ક નથી કર્યું કે શું? આટલું બોલીને મિહિર હળવેકથી હસવાં લાગ્યો. ત્યાં જ તેના મોબાઈલમાં મેસેજ આવતાં ચેક કરવાં મોબાઈલ લઈને વાંચતા જ જાણે કે હાઈ વોલ્ટેજ ઇલેક્ટ્રિકનો કરંટ લાગ્યો હોય એવા ઝટકાની લાગણી સાથે બોલ્યો.
‘અરે... આ શું છે મીરાં જી? ’ આ.. આ.. આમણે આવું કેમ કર્યું ?’
‘શું થયું મિહિર?’ સાવ નિશ્ચિંત થઈને મીરાંએ પૂછ્યું.
‘અરે... પણ આ સમીર શાહએ મારા એકાઉન્ટમાં ૨૮૦૦૦ ની એમાઉન્ટ જમા કરાવી અને... આ તમે બીજા ૪૦૦૦ આ શું છે બધું?’
મિહિરના અતિ આશ્ચર્યચકિત ચહેરાના હાવભાવ જોઇને મીરાં બોલી,
‘કેમ મિ.મિહિર! તમે શું માનો છો કે સરપ્રાઈઝ આપતાં માત્ર તમને જ આવડે છે એમ?’
આટલું બોલી સોફા પરથી ઉભાં થઈને મિહિરની સામે ઊભા રહીને આગળ બોલી.
‘મિહિર, ગઈકાલે જે હજારો પ્રેક્ષકોની તાળીઓના ગડગડાટ વચ્ચે આદરપૂર્વક જે રીતે મને ઉછીની આબરૂનાં રૂપમાં સન્માનિત કરીને નવાજવામાં આવી, એ અનમોલ ઉપકારનાં ઋણની સામે આ રકમ સાવ મામૂલી છે. હું એ સેંકડો તાળીઓ જેવું તો તમારું અભિવાદન નહીં કરી શકું. પણ તમારી એક જબરદસ્ત ફેન તરીકે મારાં ભીતરના અદમ્ય ઉમળકાને ઉત્સાહ સાથે તમારાં નાટકને નહીં, પણ તમને વધાવવા માટે હું મારી જાતને નહીં રોકી શકું.’
આટલું બોલીને સ્હેજ ભીની આંખે મિહિર સામે જોયા કરીને મીરાં તાળી પાડતી રહી.

અચનાક પળવારમાં આવી ગયેલા અનેસ્પેક્ટેડ સરપ્રાઈઝ અને વાર્તાલાપના વિષય પરિવર્તનની સાથે સાથે મીરાંના સંવાદમાં આવેલા સ્હેજ લાગણી સભર કંપન ભર્યા સ્વરથી અસમંજસ ભરી પરિસ્થિતિની અનુભૂતિ કરી રહેલાં મિહિરે માંડ માંડ ખુદની મનોસ્થિતિ સંભાળતા કહ્યું,
‘નાઉ આઈ એમ સ્પીચલેસ! તમારી આ અપ્રતિમ પ્રતિભાવનો હું શું જવાબ આપું?’
મિહિરના સવાલ સામે મીરાંએ જીન્સના બેક પોકેટમાંથી તેનો મોબાઈલ કાઢીને જોઈતી વિગત સર્ચ કર્યા પછી મોબાઈલ મિહિરના હાથમાં આપતાં બોલી,
‘આ જુઓ.’
મીરાંએ સર્ચ કરીને આપેલી વિગતને જોયા બાદ મીરાંની સામે જોતો રહ્યો એટલે મીરાં બોલી.
‘તમામ સોશીયલ મીડિયા અને પર્સનલ બન્ને થઈને મોર ધેન ૩૦૦ મેસેજીસ છે. ગઈકાલે નાટકનો શૉ પત્યા પછીના. આ સૌને મારાં... સોરી તમારાં એ ઉત્કૃષ્ઠ નાટ્યલેખન અને તેનાં સર્જન દરમિયાન વિશેના અનુભવ જાણવાની આતુરતાપૂર્વક ઉત્કંઠા છે. હવે બોલો, આ મેસેજીસના જેન્યુન, આઈ મીન ગળે ઉતરે એવાં રીપ્લાઈ કોણ આપશે? તમે કે હું? તમે સૌએ સરપ્રાઈઝ આપવાના શૂરાતનથી પ્રેરાઈને જે રીતે મને સન્માનિત કરીને છાપે ચડાવી છે, એટલે સ્વાભાવિક રીતે પ્રથમ દાર્શનિક દ્રષ્ટિએ જોતા તેના માટે હું જ ઉત્તર દાયિત્વ ધરાવું છું, પણ એ પહેલાં, રાઈટર સાહેબ મને તો કંઇક ઉત્તર આપવા મહેરબાની કરશો ને?' ગંભીર થઇ ગયેલા મિહિરના ચહેરાને જોઇને મીરાં ખડખડાટ હસવાં લાગી.

‘પણ, આ આટલી રકમ શા માટે?’ અર્જુન અને સમીરભાઈને ..'
ફરી વચ્ચેથી જ મિહિરનું વાક્ય કાપતાં મીરાં બોલી,
‘હવે આ નાટકની વાર્તાના ટોપીકને લઈને આપણા બન્ને વચ્ચે કોઈ જ નથી મિ. મિહિર. હવે બધા અંતિમ નિર્ણય મારા જ હશે, કારણ કે તમે રાજીખુશીથી સરપ્રાઈઝનો લ્હાવો લેવા મને ઓન પેપર રાઈટર ઘોષિત કરી દીધી છે. ચાલો હવે મારી રોયલ્ટી તમે આપો.’
‘આપ્યું. તમને જે જોઈએ એ.’ હવે મિહિર બિન્ધાસ્ત થઈને બોલ્યો.
‘પણ,પૂરી વાત સાંભળ્યા વગર જ?’ મીરાંએ પૂછ્યું.
‘કારણ કે, મને ખાત્રી છે કે મારી ક્ષમતાની સીમાથી તમે વાકેફ છો.’ કોન્ફિડેન્સ સાથે મિહિર બોલ્યો
‘તો.. મને તમારી એક સાંજ જોઈએ છે, બોલો છે મંજુર? એ પણ એટલા માટે કે ગઈકાલે સૌની વચ્ચે તમે જ કહ્યું હતું કે, આ વાર્તાના કોપીરાઈટ મારા નામે શા માટે કર્યા તેનો જવાબ આપ ફક્ત મને જ આપશો. યાદ છે કે ભૂલી ગયા?'
મિહિરનો જવાબ સાંભળવા મીરાંએ આતુરતાથી પૂછ્યું.
થોડીવાર સુધી, ચુપચાપ વિચારાધીન મિહિરને જોઇને આશ્ચર્ય સાથે મીરાંએ ફરી પૂછ્યું,
‘ઓ લેખક મહાશય! ક્યાં ખોવાઈ ગયા ? શું થયું? મને તો એવું લાગે છે કે જાણે મેં તમારું રાજપાટ માંગી લીધું હોય.’
સ્હેજ નરમાઇશ ભર્યા સ્વરમાં મિહિર બોલ્યો.
‘જી, એવી કોઈ વાત નથી.’
‘તો જે છે એ વાત કહોને, સોરી, મિહિર આઈ થીંક કે હું તમને ડીસ્ટર્બ કરી રહી છું. ફોરગેટ ઈટ. ચલો હવે આપણે નીકળીશું?' સ્હેજ નિરાશ થતાં મીરાં બોલી.

‘અરે.. હા હું પણ એ જ વિચારતો હતો કે તમારાં ગેસ્ટ ક્યાં છે? તમને નથી લાગતું કે વિલંબ થઇ રહ્યો છે?’

‘હા.. હા .. હા ..’ હસતાં હસતાં મીરાં આગળ બોલી.
‘એ ગેસ્ટ પણ તમારાં નાટકની જેમ રાતોરાત ઊભા કરેલા કાલ્પનિક પાત્રો જ હતાં.’
‘એટલે.. ? હું કંઈ સમજ્યો નહી.’ કુતુહલ સાથે મિહિર બોલ્યો.
‘જો હું તમને રાત્રે એમ કહેત કે મારે તમને મળવું છે તો તમારો એઝ ઓલ્વેઝ વોઈસ રેકોર્ડેડ રીપ્લાઈ આવત કે ‘હું પછી કહીશ.’ એટલા માટે મારે આ તરકટ કરવું પડ્યું, સમજ્યા હવે?’
‘ઓહહ!.. અરે સાવ એવું પણ નથી. પણ, તમે આવું કેમ કર્યું? '
આટલું બોલતાં મિહિર થોડો શરમાયો પણ ખરો.

‘જુઓ મિહિર, ગમતીલાં હોવા છતાં પણ વારંવાર અલ્પવિરામમાં અટવાતા, રહસ્યમય રીલેશનમાં હું સમયનો વ્યર્થ વ્યય નથી કરતી. એ બધું સૌદાબાજીમાં અનિવાર્ય છે. તંદુરસ્ત સંબંધમાં નહી. તમે ખરેખર એક રીસ્પેક્ટેડ પર્સન છો. સાવ નહીંવત કહી શકાય એટલાં ટૂંકા સમયગાળામાં તમારી વાણી, વર્તન અને વિચારધારાથી હું આંશિક પ્રભાવિત પણ થઇ છું. તમારાં વ્યક્તિત્વની છબીમાં હું મારી પ્રકૃતિને અનુકુળ એક દિલદાર દોસ્તની ઝાંખી જોઈ રહી છું. પણ...મને ખ્યાલ નથી આવી રહ્યો કે...સ્વભાવગત કે અજાણતાં તમે તમારાં એક નક્કી કરેલાં ક્રાઈટ એરિયાના કોચલામાંથી બહાર નથી જ નીકળતા. તેમ છતાં એક વાત પૂછી શકું?'

ગઈકાલ રાતથી મિહિરના અલગ અલગ પાસાઓની વિસંગતતા વિશે લઈને તેની ભીતરમાં ભભૂકતો લાવારસ, અંતે મીરાં ઠાલવીને જ રહી.

‘જી પૂછો.’ હળવેકથી મિહિર બોલ્યો.

‘તમે નિસ્વાર્થ સેવાભાવી છો, એટલે એ તો પાક્કું કે તમે પ્રોફેશનલ કે પ્રેક્ટીકલ તો નથી જ. પૈસો, પ્રસિદ્ધિ કે પ્રસંશા પણ સ્હેજે તમારા વ્યક્તિત્વને વિચલિત કે સ્પર્શી નથી શકતા. અને તમારું સૌથી હકારત્મક હુકમના પાના જેવું પાસું છે, તમારા વાક્ચાતુર્યમાં શબ્દશાસ્ત્રના વૈભવમાં સાદગીનો શણગાર. મુઠ્ઠી બંધ કરી દેવાથી હથેળીમાં દાબી રાખેલા સુગંધને કેદ ન કરી શકાય, મિ.મિહિર ઝવેરી. હવે મારે કશું જ નથી પૂછવું. બસ એટલું યાદ રાખજો મારી એક સાંજ તમારા પર ઉધાર છે. આઈ થીંક કે મેં આપનો કાફી સમય લઇ લીધો છે. હવે તમે આજ્ઞાની સંજ્ઞા આપો તો આપણે હવે છુટ્ટા પડીએ.’

મીરાંએ ખુબ જ સારી રીતે દરેક દિશાએથી સુસંસ્કૃત શબ્દાવલીની ફટકાબાજીથી મિહિરને ટટોલવામાં કંઈ જ બાકી નહતું રાખ્યું. છતાં પણ મિહિર અંદરથી ટસ કે મસ ન થતાં મીરાંને અત્યંત આશ્ચર્ય સાથે થોડી ગ્લાનિની લાગણીનો પણ અહેસાસ થયો.

અંતે મક્કમતાથી મિહિર સાથે હાથ મીલાવીને તેની આંખમાં આંખ પરોવીને સપૂર્ણ રીતે સ્વસ્થ થઈને બોલી.
‘થેંક યુ સો મચ મિહિર. અને હા, તમને આટલો સમય નાહક મારી જોડે એંગેજ રાખ્યા તેની કિમત મેં આપને ચૂકવી દીધી છે. ફોર યોર કાઈન્ડ ઇન્ફોર્મેશન.સી યુ બાય.’
મણ એકની નિરાશા અને નારાજગીના ભાવ સાથે એક હળવો નિસાસો નાંખીને
છેક પાર્કિંગ સુધી ચાલતાં ચાલતાં, પહોચતાં સુધીમાં મીરાંએ એક વાર પણ પાછળ ફરીને જોવાની તસ્દી ન લીધી, કે ન તો જતાં સુધીમાં મિહિરે મીરાંના અંતિમ સંવાદના અંતે કોઈ પ્રત્યુતર કે કોઈ પ્રતિભાવ આપ્યો.

બાઈક પર બેસીને બાઈક સ્ટાર્ટ કરવાં માટે ચાવી શોધતા મીરાં, જીન્સનાં પોકેટ ફંફોસવા લાગી. પણ પછી અચનાક ઝબકરો થતાં તેને ખ્યાલ આવ્યો કે શાયદ ચાવી ત્યાં સોફા પર જ ભૂલી ગઈ છે. એટલે જેવું તેણે બાઈક પરથી ઉતરીને જોયું, તો પીઠ પાછળથી આવી રહેલો મિહિર તેની નજીક આવતાં થોડીવાર મીરાંની આંખોમાં જોઈને બોલ્યો,

‘એક વર્ષ,બે મહિના અને ૧૩ દિવસ પછી આજે પહેલીવાર આ શહેરમાં કોઈએ મિહિર ઝવેરીના અપ્રત્યક્ષ સજ્જડ બંધ મનોબળને, તેણે તેની મક્કમતાથી દસ્તક મારીને, તેનાં સૈધાંતિક મૂલ્યોના મૂળીયાને હચમચાવવાની કામયાબ કોશિષ કરી છે. તમે તમારી જાતને નારાજગીના અધિકારી સાબિત કરીને પળવારમાં મારા અનુઠા વિચારધારાની અભેદ કિલ્લાબંધીની વાડને ઢાળી દીધી.
હવે લો આ ચાવી અને મારો કિક તમારાં ફટફટિયાની, સાથે સાથે આપણી ફ્રેન્ડશીપને પણ. અને હવે એ ઉધારી સાંજની તિથી તમે મને નક્કી કરીને કહેજો.’

એકી શ્વાસે આટલું બોલીને, આનંદિત ચહેરા પર એક સસ્નેહ સ્મિત લાવીને મીરાં સાથે હાથ મિલાવ્યા બાદ, દૂર જઈને હાથ હલાવતો મિહિર રવાના થઇ જતા ક્યાંય સુધી મીરાં તેને જોતી રહ્યા પછી, બમણાં જોશ અને હોંશથી બુલેટને કિક મારીને ઘર તરફ આવવા રવાના થઇ.



-વધુ આવતાં રવિવારે...