Katha Corona ni... in Gujarati Comedy stories by Anmol Anil Saraiya books and stories PDF | કથા કોરોનાની... - (હાસ્ય વાર્તા)

Featured Books
Categories
Share

કથા કોરોનાની... - (હાસ્ય વાર્તા)

"અરે યાર, કેમ છે, તું?"

અને મેં તેના માસ્ક પહેરેલા ચહેરા સામે ધ્યાનથી જોયું… અને કહ્યું :

"અરે મલય તું? હું તો તને ઓળખી જ ન શક્યો. કોલેજ છોડ્યા બાદ આપણે ત્રીસ વર્ષે મળ્યા, તો પણ તું ઓળખી ગયો..?"

"ઓળખું જ ને.. આપણે બાલમંદિરથી છેક છેલ્લે સુધી સાથે જ ભણ્યા હતા ને!"

"પણ આ માસ્કમાં ઓળખવું સહેલું નથી ને…?"

"એ તો ખરી વાત, પણ કહે છે ને, કે યારની સુગંધ તો હવામાંથી યે મળી જાય અને આજે સવારે જ મને તારી યાદ આવી હતી. એટલે વિચાર્યું હતું કે, તું જો મળી જાય તો મજા પડી જાય. અને એટલે જ આ બધાં જેન્ટસના બુરખામાં હું તને જ શોધતો હતો… અને તું મળી ગયો…"

"જેન્ટસ ના બુરખા? વાહ, શું શબ્દપ્રયોગ કર્યો છે?" કહેતાં કહેતાં મારાથી હસી પડાયું.

મને કહે : "એમાં શું છે? જેમ પહેલાના જમાનામાં સ્ત્રીઓ વડીલોની લાજ કાઢતી, તેમ આજે વિશ્વનો દરેક માણસ કોરોનાની લાજ કાઢે છે, જાણે કોરોના ઘૂસી જશે તો?"

"ચાઈના સે સો સો દેશો દૂરકી સરકારભી કહેતી હૈં કી 'માસ્ક પહેનલે બચ્ચા, વર્ના કોરોના આ જાયેગા… ઔર તુમ્હારે સાથ તુમ્હારે પરિવાર ઔર પૂરે ગાંવમેં ભી છા જાયેગા.!"

આમ બોલી બન્ને હસી પડ્યા.

પછી તેણે મારો હાથ પકડવા અને મને ભેંટવા તેનો હાથ લાંબો કર્યો, પણ મેં દૂર ખસીને તેને કહ્યું : "સોશ્યલ ડિસ્ટન્સિગ યાર, આ કંઈ આપણો કોલેજ કાળ નથી, કોરોના કાળ છે."

અને તે પણ અટકી ગયો.

મને થયું, આપણો પહેલાનો સમય પાછો આવશે કે નહીં?

હવે તો લાગે છે કે જેમ બી.સી. (બિફોર ક્રાઇસ્ટ) અને એ.ડી. (આફ્ટર ક્રાઇસ્ટ) થયું તેમ કદાચ હવેનો સમય બી.સી. (બિફોર કોરોના) અને એ.સી. (આફ્ટર કોરોના) બની જશે.

કેમ કે આ કોરોના તો દુનિયાના લગભગ બધા જ દેશોમાં ફેલાઈ ગયો છે.

અને ત્યારે મારા મનમાં ગૌતમ બુદ્ધ પ્રગટ થયાં.

મને પણ તેમની જેમ રસ્તે વિચરણ કરતાં કરતાં અનેક વિચારો ઘેરી વળ્યા.

મને થયું કે આ કોરોના પછી તો દુનિયાની હાલત બગડી ગઇ છે. હવે તો લોકોના દિલમાં માનવતા રહેશે કે નહીં?

ત્યાં જ મારી સામે એક બાઇક ઓવર સ્પિડે પસાર થયું. સામેના વાહનને બચાવવા તેણે એકાએક બ્રેક મારી અને તે સ્લીપ થઈ ગયું.

હું માનવતાની રૂએ દોડ્યો અને તેને ઉભો કરવા માટે મારો હાથ લંબાવ્યો.

તો તરતજ તેણે ચીસ પાડી : "ના ના ના… "

અને હું અટકી ગયો.

મેં કહ્યું : "શું થયું? હું તો તમને ઊભા થવા હાથ આપતો હતો?"

તો તેણે ખીજાઈને મને કહ્યું : "મને અડતાં નહીં, હું અકસ્માતથી મરવાનું પસંદ કરીશ, પણ કોરોનાથી નહીં. શી ખબર, તમને કે મને કોરોના હોય તો? ના બાપા ના… મને છોડી દો."

હું ત્યાંથી આગળ વધ્યો.

~ ~ ~ ~

"સ્મશાન યાત્રા"

ત્યાં એક સ્મશાન યાત્રા પસાર થઈ રહી હતી.

તેમાં એક જણ માણસોની ગણતરી કરી રહ્યો હતો.

જેવા વીસ લોકો થઈ ગયા કે તેણે બાકીના ને હાથ જોડીને કહ્યું : "હવે તમે ઘરે જાઓ. પૂરતી સંખ્યા થઈ છે, હવે નિકળી જાવ, નહીંતર બધાએ સ્મશાનગૃહને બદલે પોલીસ સ્ટેશન જવું પડશે અને બધાને બેસાડી પણ રાખશે અને વળી સ્મશાનયાત્રા વેરો પણ ઉઘરાવશે… માટે મહેરબાની કરો."

કહીને હાથ જોડે છે.

ત્યાં જ મોબાઈલ રણકે છે, તે ફોન ઉપાડે છે : "એલાવ કોણ બોલે છે? શું અવાજ ન ઓળખ્યો? અરે ભાઈ, અત્યારે ઉખાણા પૂછવાનો સમય છે? હું અત્યારે ઉત્તમચંદની સ્મશાનયાત્રામાં છું….

કોણ? ઉત્તમચંદના જમાઈ બોલો છો? શું સ્મશાને આવવું છે? પણ અત્યારે તો કોરમ પૂરૂ થઈ ગયું છે. હવે બીજી વખત આવજો. કેમ આવ્યા વગર નહીં ચાલે? તો પછી આવો. સીધા સ્મશાન પર જ આવજો. અને મને ફોન કરજો. હું બહાર આવી જાઉ, પછી જ અંદર જજો. જો બન્ને અંદર હશું તો સલવાઈ જશું. હા ભઈ, જમાઈને થોડી ના પડાશે. દિકરો બહાર ભલે જાય, પણ જમાઈ વિના નહીં ચાલે… હા, આવોને મારા બાપ!"

કહીને ફોન મૂકે છે.

મને થયું કે બી.સી.ના સમયમાં તો સ્મશાનયાત્રામાં જવું એ પૂણ્યનું કામ ગણાતું.

એમ કહેવાતું કે સારા પ્રસંગે ન જઈએ તો ચાલે, માઠા પ્રસંગે તો વિના આમંત્રણે જવું જોઈએ. અને કેટલાંક તો એવા સેવાભાવી હતાં કે કોઈ અજાણ્યાની સ્મશાયાત્રામાં સામેથી પહોંચી જતાં અને પૂણ્ય કમાતા.

પણ હવે એ દિવસો તો ગયાં.

~ ~ ~ ~

"મલ્ટિપ્લેક્સની માથાકૂટ"

હું થોડો આગળ વધ્યો તો ત્યાં એક સિનેમાગૃહ આવ્યું - મલ્ટિપ્લેક્સ…

ત્યાં ટિકિટ વિન્ડો પર એક કપલ માથાકૂટ કરી રહ્યું હતું.

હું તેમની વાત સાંભળવા નજીક ગયો.

તો તેમને લાસ્ટ કૉર્નર વાળી સાથે સીટ જોઇતી હતી.

પણ ટિકિટ ઈસ્યુ કરવા વાળો ના પાડતો હતો. તેનું કહેવું હતું કે સાથે બેસવા નહીં મળે.

અને આ લોકોની પણ જિદ હતી.

છેવટે ટિકિટ કલાર્કે કહ્યું : "હવે એ જમાનો ગયો. તમારે બી.સી.માં આવવાની જરૂર હતી."

"એટલે?"

"એટલે બિફોર કોરોના"

"પણ ભાઈ અમારા લગ્ન હમણાં થયા છે"

"તો હું શું કરૂં? તમે વહેલા લગ્ન કર્યા હોત તો મઝા માણવા મળત. હવે એ જમાનો ગયો."

મને થયું સાચી વાત છે, તારક મહેતાના ભિડેની જેમ હું પણ બોલી ઉઠ્યો : "હમારે જમાને મેં… તો..."

~ ~ ~ ~

"સવાલ સન્માનનો"

ત્યાંથી થોડો આગળ વધ્યો તો એક મેદાન આવ્યું.

ત્યાં એક મિનિસ્ટરની સન્માન સભા હતી.

મેદાનમાં એક એક મીટરના અંતરે એક એક ખુરસી રાખવામાં આવી હતી. મેદાન આખુ ભરચક હતું છતાં ખાલી લાગતું હતું. ત્રણે કૉર્નર પર ખુરશીની લાઈન મુજબ પોલીસ પણ સોશ્યલ ડિસ્ટન્સિંગ રાખીને સભાને કાબુમાં રાખી રહી હતી.

ત્યાં મિનિસ્ટરની સ્પીચ પૂરી થઈ અને બધા હારતોરા કરવા આવ્યા.

હું પણ જોવા ઉભો રહી ગયો.

ત્યાં જોયું તો મિનિસ્ટરની બાજુમાં મિનિસ્ટરનું માસ્ક પહેરેલું સ્ટેચ્યુ રાખવામાં આવેલું અને બધા તેને હાર પહેરાવતા હતા.

~ ~ ~ ~

"લગનની લિજ્જત"

લગ્ન એ એવો મહોત્સવ છે કે તે લોકોની જિંદગીમાં એક જ વખત આવે છે.

આ લગ્નમાં કોને કોને નિમંત્રણ આપવું તેની મહીના પહેલાથી ઘરમાં ચર્ચા થવા લાગે છે.

આગલા પ્રસંગમાં કોણ કોણ રહી ગયા, ત્યાંથી માંડીને શું શું ફિયાસ્કો થયો, તેની બધા પોત-પોતાની રીતે ફિલ્મ સ્ટોરીની રીતે વાર્તા કહેવા માંડે અને આ બધા પ્લાનીંગ ત્યારથી શરૂ થઈ લગ્ન પ્રસંગ સુધી ચાલતા હોય છે.

તેમ છતાંય કોઈ રહી ગયું હોય તો તે કાયમ સંભળાવે કે : "ગામ આખાને જાનમાં લઈ ગયા પણ અમને જ ભૂલી ગયા. જાનમાં તો ઠીક લગ્નમાં પણ ન બોલાવ્યા."

હવે તો સરકારે જ નક્કી કરી દીધું કે "લગ્નમાં ફક્ત પચાસ લોકો જ... "

તેથી કોઈને ન બોલાવવા હોય તો બહાનું કાઢી શકાય કે "અમારે તો તમને જાનમાં લઈ જ જવા હતા, પણ સરકારે આ પચાસ જણનો નિયમ કર્યોને, એટલે શું થાય?"

તેની સામે તે પણ કહેવા લાગે છે :

"અત્યારે ભલેને મલાવા કરે, પણ જ્યારે જાનમાં લઈ જવાની વાત આવશે, ત્યારે કહેશે… તમને જાનમાં લઈ જવાની તો ખૂબજ ઈચ્છા હતી, પણ શું થાય, લિસ્ટમાં તમારો નંબર એકાવનમો થયો. સોરી હો"

આમ કહીને મારા જેવા પાંચસોને ઉડાવી દેશે."

તેમ કહી તે હસ્યો.

ત્યાં મારો ભત્રીજો દોડતો આવ્યો અને મને કહે : "કાકા ચાલો જલ્દી, લગનમાં વિઘન આવ્યું છે."

"મેં પૂછ્યું કોના લગ્ન? કેવું વિઘ્ન?

મને કહે : "મારા મિત્રના બહેનના લગ્ન છે અને તેમાં રામાયણ અને મહાભારત બન્ને ચાલું થઈ ગયા છે… માટે ચાલો અને બધું ઠંડુ પાડો.

મેં પૂછ્યું : "શું થયું છે?"

મને કહે : "જાન આવી છે અને તેમાં પૂરા ૫૦ લોકો આવ્યાં છે.

હવે તેના જો પચાસ હોય તો આપણે શું કરવું? અને પાછા બધાને લગ્ન એટેન્ડ કરવા છે.

એટલીસ્ટ કન્યાના માતા પિતા અને ખુદ કન્યા તો લગ્નમાં જોઈએ કે નહીં? પણ કોઈ સમજવા જ તૈયાર નથી.

હવે તો લાગે છે કે લગ્ન પહેલાં જ તેના છુટાછેડા થઈ જશે."

મેં કહ્યું : "ચાલ, કંઈ રસ્તો કાઢીશું."

મને કહે : "એટલે જ તમારી પાસે આવ્યો છું."

અમે ત્યાં પહોંચ્યા. ત્યાં તો ધમાસાણ ચાલી રહ્યું હતું.

બધા એક બીજાને ઓળખ્યા વગર બૂમો પાડી રહ્યાં હતાં, પણ માસ્કને લીધે કોઈનો અવાજ સમજાતો નહોતો.

ફક્ત બધા બૂમ-બરાડા પાડીને ઝગડો કરતાં હોય તેવું લાગી રહ્યું હતું.

મને તો થયું કે તેમનો અવાજ જો બહાર જશે, તો પોલીસ પણ વગર આમંત્રણે આવી જશે.

મેં સૌપ્રથમ તો બધાને શાંત પાડ્યા.

પછી બન્ને વેવાઈને એક ખૂણામાં બેસાડીને પૂછ્યું કે મામલો શું છે?

કન્યાના પિતાએ કહ્યું :- "આ અમારા વેવાઈ જાન લઇને આવ્યાં છે. અને પૂરા પચાસ જાનૈયાઓને લાવ્યા છે."

ત્યારે વેવાઈ એ તેમને અધવચ્ચે રોકીને કહ્યું : "અમને બસ વાળાએ કહ્યું કે : "લગ્નમાં પચાસ જણ એલાઉડ છે, તેથી અમે પચાસ જાનૈયાઓને લાવ્યા. સોશ્યલ ડિસ્ટન્સિંગ માટે બસ પણ બે કરી. પણ અમને ખબર નહોતી કે બન્ને પક્ષોના થઈને કુલ પચાસ લોકોની મંજૂરી છે.

હવે આટલા દૂરથી લાવ્યા છીએ, તો હવે બધાને લગ્નની લિજ્જત માણવી છે. કોઈને પાછા નથી જવું, મેં કહ્યું કે : "જાવો, બસમાં ગામ જોઈ આવો, તો પણ કોઈ તૈયાર નથી."

તો પાછા કન્યાના પિતા ઉશ્કેરાઈને બોલ્યા : "તો શું અમારે લગ્નમાં જ ન આવવું? કન્યા ય ન આવે?તો કેમ લગ્ન થશે?"

મેં પહેલાં તો બન્નેને શાંત પાડ્યાં અને કહ્યું : "બહું પેચીદો પ્રશ્ન છે. જરા વિચારવું પડશે."

પછી વિચારીને પૂછ્યું : "જાનને ઉતારો ક્યાં આપ્યો છે?"

તો કહે : "આ જ વાડીમાં."

મેં કહ્યું : "નહીં ચાલે. તેમને સામેના ગેસ્ટહાઉસમાં ઉતારો આપી દો."

વેવાઈ કહે : "તેનાથી શો ફરક પડશે?"

મેં કહ્યું : "પડશે, હું કહું તેમ કરો."

એટલે અમે ત્રણેય ત્યાં ગેસ્ટહાઉસમાં જઈને બધા જાનૈયાઓના રૂમ અલગ અલગ નામે બુક કરાવી લીધા.

ત્યારબાદ બધાને વાડીમાંથી ત્યાં શિફ્ટ કરવાનું કહી દીધું.

પછી તેમને આજના કાર્યક્રમ વિશે પૂછ્યું, તો કહે : "આજે સાંજી છે."

મેં કહ્યું : "જુઓ, ચેકિંગ તો આવશે જ. એટલે કોઈ પણ નિયમનો ભંગ નહીં કરતાં. અને સમય પહેલાં જ કાર્યક્રમ નિપટાવી લેજો. અને ચેકિંગ વખતે સીસીટીવી ફૂટેજ લઈ જાય છે, એટલે ખાસ ધ્યાન રાખજો."

"અને હા," વરના પિતાને કહ્યું : "તમે લેડીઝ તથા જેન્ટસ થઈને કુલ દસ દસ જણાંને વારાફરતી આવે તેવી વ્યવસ્થા કરજો. જો જો તેમાં ભૂલ ન થાય. અને જે ગરબે રમી લે તે બાજુના હોલમાં જમીને ગેસ્ટહાઉસ ભેગા થઈ જાય. અને હા, રાસ પણ સિમ્પલ જ થશે, તેમાં પંચદાંડિયા કે હાથ પકડીને ફેરફુદરડી નહીં રમાય."

અને કન્યાના પિતાને પણ કહ્યું કે : "તમારે પણ દસ દસ જણાને જ મોબાઈલ કરીને બોલાવવા, અને કોઈ બહાર આવીને ઉભા ન રહે કે ચોવટ ન કરે તે પણ ધ્યાનમાં રાખજો."

"...અને કાલે?"

"અને કાલે લગ્નમાં શું કરીશું?" બન્ને વેવાઈ બોલી ઉઠ્યા.

"હા, હું એ જ કહું છું કે કાલે બેન્ડવાઝા વાળાના દસ જણા બાદ કરીને ચાલીસ જણા વરઘોડામાં આવશે અને તે પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખીને. રસ્તા પર કોઈ નાચવાનો આગ્રહ રાખતા નહીં.

અને જેવા વાડીના ગેઈટ ઉપર પહોંચે કે તેમાંથી વીસ લોકો છૂટા પડીને ચાલ્યાં જાય. તેથી વીસ જ લોકો અંદર જશે.

વેવાઈ કહે : "એ તો બરાબર છે, પણ બે મોટા પ્રોબ્લેમ છે."

મેં કહ્યું : "ક્યાં ક્યાં?"

તો કહે : "એક નાક ખેંચવાની વિધી અને બીજી હસ્તમેળાપની વિધી. તેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ કેમ જળવાશે?"

મેં કહ્યું : "એ તો છે જ, પણ તેનો રસ્તો તો કાઢવો જ પડશે ને?"

"નાક ખેંચ્યા વગર નહીં ચાલે?"

"ના, હો" કન્યાના પિતાએ કહ્યું : "વરની સાસુએ તો જીદ લીધી છે કે, હું વરનું નાક ન ખેંચૂ તો હું સાસુ શાની? એટલે નાક તો ખેંચાશે જ અને તેનો વિડીયો પણ ઊતરશે જ, ચાહે ગમે તે થાય!"

મેં કહ્યું : "આવી જીદ? ભલે ચાલો, પણ મારૂ કહ્યું માનવું પડશે."

"ભલે."

"એમ ભલે નહીં, બોલાવો વરની સાસુમાં ને." મેં કહ્યું.

"બોલાવું તો ખરો, પણ તેને શોધવી ક્યાં?"

"અરે, કેમ શોધવા જવું છે? મોબાઈલ મારોને?" તેમના વેવાઈએ કહ્યું.

"હા, એ તો ભૂલી ગયો"

તે મોબાઈલ પર ફોન કરે છે અને થોડી વારમાં વરની સાસુ આવે છે.

મેં તેમને કહ્યું : "જુઓ, તમારે જમાઈનું નાક ખેંચવું હોય તો દૂરથી અડ્યા વગર ખેંચવું પડશે."

"એટલે? અડ્યા વગર કેમ ખેંચાય?"

"અડ્યા વગર એટલે કે સિમ્બોલિક. તમે લેસર પેનથી લાઈટ ફેંકજો અને જો તે જમાઈના ખુલ્લા નાક ઉપર પડે તો તેને ખેંચાયેલું માનવું"

ભલે, તેમ તો તેમ, બીજુ શું…!"

કહીને વેવાણે પ્રસ્થાન કર્યું.

"અને હસ્તમેળાપનું?

મેં કહ્યું : "એ થઈ જશે."

રાત્રે સાંજી અને બીજી સવારે વરઘોડાની રસમ પ્લાનીંગ મુજબ પૂરી થઈ.

હવે વરરાજાને પોંખવાની વિધીમાં અણવર એક મીટર દૂર ઉભો હતો.

તેથી વરરાજાએ પોતાના એક હાથમાં શ્રીફળ અને બીજા હાથમાં રૂમાલથી નાક દાબી રાખ્યું હતું.

હવે સાસુમાં દૂરથી તેને વિધિસર પોંખી રહ્યાં હતાં. અને વરરાજાએ પોતાના હાથથી નાકને ચપ્પટ પકડી રાખ્યું હતું.

તેમના સાસુએ રાફેલનો ઉપયોગ કર્યો અને તેમની છીંકણીની ડબ્બીને વરરાજા ઉપર ફેંકી.

વરરાજાએ રૂમાલ વાળો અધ્ધર કરીને તેનો કેચ કરી લીધો. પણ ત્યાં સુધીમાં તો સાસુજીએ લેસર લાઈટથી વરરાજાનું નાક પકડી લીધું અને તેનો વિડીયો પણ ઉતરી ગયો.

આમ આનંદમસ્તીથી લગ્નવિધિ આગળ વધવા લાગી અને હવે હસ્તમેળાપનો સમય થયો.

બધા મારી તરફ જોવા લાગ્યા.

મેં સલ્તનત-એ-હિન્દની જેમ બે તાળી પાડી, ત્યાં વરરાજાની સાળી એટલે કે કન્યાની બહેન તેના હાથમાં એક સાડી લઈને આવી.

મેં કહ્યું : "તું તેનો એક છેડો કન્યાના હાથમાં આપ અને બીજો વરરાજાને, અને તેમાં બેલ્ટની જેમ હાથમાં પહેરી શકાય તેવું નાકું સીવેલું હતું. મે તે બન્નેને કહ્યું કે, "તમે તેના નાકામાં હાથ મૂકીને તેને ટાઇટ બાંધી લો."

હવે વર-કન્યા વચ્ચે એક મીટરને બદલે છ મીટરનું ડિસ્ટન્સ થઈ ગયું.

પછી મહારાજે ફેરા ચાલુ કરાવ્યાં.

બન્નેને આવી રીતે સાડી પકડીને ફરતાં જોઈને કોઈ એ બુમ પણ પાડી,

"આ લગ્ન થાય છે કે કૌરવોની સભામાં ચીર હરણ થઈ રહ્યું છે અને શ્રી કૃષ્ણ તેના ચીર પૂરી રહ્યાં છે?"

બધા ચમકી ગયાં.

ત્યાં જ પોલીસની પધરામણી થઇ.

અને ઈન્સ્પેકટર સાહેબે કહ્યું : "ચાલો, કોના લગ્ન છે, બે બસ આવી છે. કેટલા જણા છો? બધા લાઈનમાં ઉભા રહી જાવ."

વર-કન્યા, ગોર મહારાજ, કેટરર્સ સ્ટાફ સહિત બધા એક લાઈનમાં ઉભા રહી ગયાં.

તેમની ગણતરી કરી તો પીસ્તાલીસ લોકો જ થયા.

ઈન્સ્પેકટરને નવાઈ લાગી, તે કહે : "આમ બને જ કેમ?"

તેની સાથેના ચાર પોલીસો આખી વાડી ચેક કરી આવ્યાં. પણ કોઈ ન મળ્યું.

તેથી મેં આગળ વધીને કહ્યું : "જુવો સાહેબ, અમે નિયમને માન આપીએ છીએ, અને એટલે જ અમારા વેવાઈ વીસ જાનૈયાઓને પણ બે બસમાં લાવ્યા."

"એ તો ઠીક" ઈન્સ્પેકટરે પૂછ્યું : "પણ અત્યારે હસ્તમેળાપમાં પિસ્તાલીસ જ જણા."

મેં જવાબ આપ્યો : "સાહેબ, અમને ખબર હતી કે તમે આવશો જ. અને સાહેબ તમે પાંચ તો આવો જ. એટલે આપના સહિત પણ પચાસથી ન વધવા જોઈએ… નિયમ તે નિયમ..!"

આમ રંગેચંગે એક પણ ફોલ્ટ વિના લગ્ન પૂરા થયા.


~ ~ ~ ~


"યે કોરોના કોરોના ક્યાં હૈં...

યે કોરોના?"

આજે સવારે ટીવી પર સમાચાર જોતા જોતા હું બબડ્યો..

"આ કોરોનાએ તો કહેર કરી છે. બધાને સંકજામાં લે છે. આખરે આ છે શું? આના સંશોધનમાં બધા દેશો પાછા પડ્યાં છે, અને આખી દુનિયાના વૈજ્ઞાનિકો પણ હજી સુધી કાંઈ કાંદો કાઢી નથી શક્યા."

આ સાંભળી મારો પુત્ર બોલ્યો :

" પપ્પા, આ કોરોના બીજુ કંઈ નથી, ફ્કત એક ગેઈમ છે."

"ગેઈમ છે?" મેં આશ્ચર્યથી પૂછ્યું.

મને કહે : "હા"

મેં પૂછ્યું : "શું ચાઈનાવાળા ગેઈમ રમે છે, એવી? કંઈ ગેઈમ છે? પબ્જી?"

તો મને કહે : "ના પપ્પા, હું તમે બધા જ રમ્યા છીએ, તે ગેઈમ છે."

હું તો આશ્ચર્યથી ઉભો થઈ ગયો.

"શું કહે છે, બેટા? એવી તે કંઈ ગેઈમ છે?"

તો મને કહે : "પપ્પા, નાનપણમાં "સાંકળી સાત તાળી" રમ્યા છોને, તમેય?

મેં પૂછ્યું: "તેનું શું છે?"

તે મને કહે : "પપ્પા, આ રમતમાં એક જણ બધાને આઉટ કરવા નીકળે અને પછી જેને તે ટચ કરે, તે પોઝિટિવ થઈ જાય અને તે પણ તેની સાથે જોડાઈને બીજાને ટચ કરવા લાગે. આવી રીતે બધા, બીજા બાકી રહેલાને આઉટ કરે અને તેને પોતાની સાથે જોડે…"

મે કહ્યું : "વાત તો તારી સાચી છે, પણ આનો અંત ક્યારે આવશે?"

તો મને કહે : "પપ્પા, જ્યારે બધા જ આઉટ થઈ જશે ત્યારે. જો દુનિયાનો એક પણ માણસ અનટચ રહેશે, ત્યાં સુધી આ રમત ચાલુ જ રહેશે. પણ જ્યારે બધા જ આઉટ થઈ જશે કે તરત જ ગેઈમ ખતમ."

મને થયું કે : વાત તો સાચી લાગે છે. કેમ કે…

એક સમય "શીતળા"નો રોગ પણ જાન લેવા હતો. કોઈનો પણ જન્મ થાય એટલે તે એક વખત તો શીતળા થાય જ. અને તેની એક લિમિટ હતી કે પાંચ કે સાત દિવસે તેની સાયકલ પૂરી થઈ જાય. પછી તેને નવડાવી શુધ્ધ કરી માતાજીને નમાવી આવતાં.

અને હા, પછી તે જીંદગીમાં પાછો ક્યારેય નથી થતો. કેમ કે તેનાથી ઈમ્યુનિટી વધી જાય છે."

વળી હવે તેને પણ વૈજ્ઞાનિકોએ તેની રસી શોધીને કાબુમાં લઈ લીધો છે.

મને લાગે છે આવું કંઇક કોરોનાનું હશે અને થશે…

તમને શું લાગે છે?

(આ આખી વાર્તા કાલ્પનિક છે, તેથી કોઈએ બંધ બેસતી પાઘડી પહેરી માથા ન પછાડવા… )

© ~ અનિલ બી સરૈયા "અનમોલ"

ટોપણ માધવજી કાગદી

ટોપણ ચોક,

જામનગર - ૩૬૧૦૦૧

મો : ૯૮૨૪૨૩૪૨૦૪

ઈમેઈલ : anilsaraiyaanmol@gmail.com