આભાર સૌનો! મારી કવિતાઓને આટલો બધો પ્રેમ આપવા બદલ અને મને હજુ પણ વધારે સારુ લખવા માટે પ્રોત્સાહન અને પ્રેરણા આપવા.
લાંબી કવિતા ગુજરાતી ભાષામાં લખવાનો આ મારો પ્રથમ પ્રયત્ન છે. આશા છે કે તમને આ કવિતા ગમશે અને તમે પોતાના પ્રતિભાવ જણાવશો.
કવિતા ક્યાં લખાઈ.....
બાળપણની વાતો આવી સંભળાઈ,
પ્રસંગો બાળપણના ગયા આંખે છવાઈ;
નિખાલસતાની થઈ પરખ ત્યાં ભાઈ!,
ને કલમથી ત્યાં ગઈ કવિતા લખાઈ......
શાળાના દિવસોની સુગંધ પ્રસરાઈ,
શિક્ષકની સોટી ત્યાં હાથે અનુભવાઈ;
મસ્તીની કિટ્ટા બુચ્ચાથી મિત્રતા સંધાઈ,
ને કલમથી ત્યાં ગઈ કવિતા લખાઈ......
માત-પિતાના રહ્યા સ્વપ્નો વણાઈ,
આશાને સપનાઓથી થઈ સગાઈ;
બાળકથી આશાઓ રાખી દેવાઈ,
ને કલમથી ત્યાં ગઈ કવિતા લખાઈ......
કોલેજની દુનિયામાં રહ્યું પગલું મુકાઈ,
રીત-ભાત કોલેજની જાણી લેવાઈ;
નિત-નવા સ્વપ્નો હવે રહ્યા વણાઈ,
ને કલમથી ત્યાં ગઈ કવિતા લખાઈ.....
અવનવા દોસ્તોથી ઓળખાણ બનાઈ,
મોજ-મસ્તીથી રહ્યુ સ્વાગત કરાઈ;
જીવનની નવી રીતની માળા પરોવાઈ,
ને કલમથી ત્યાં ગઈ કવિતા લખાઈ.....
યૌવનના બદલાવોની ઝલક જણાઈ,
વિચારોમાં મગજ-મન ગયું વંટોળાઈ;
નિત-નવા વિચારોના આક્રમણની નવાઈ,
ને કલમથી ત્યાં ગઈ કવિતા લખાઈ......
કેવો, ક્યારે ને કેમનો થશે? પ્રેમ હરજાઈ!,
આવા તે કાંઈક પ્રશ્નોની આફત આણાઈ!;
પ્રેમની એક નવી મનમાં દુનિયા વસાઈ,
ને કલમથી ત્યાં ગઈ કવિતા લખાઈ......
અનુભવ પહેલા પ્રેમનો ક્યાંથી જશે અંજાઈ?,
લાગણીનો દીવો આપમેળે જાશે પ્રગટાઈ!;
ખબર કેમની પડશે પ્રેમમાં જવાયું ખેંચાઈ?,
ને કલમથી ત્યાં ગઈ કવિતા લખાઈ......
પહેલી પહેલ કોની થશે? એ પ્રશ્ન રહ્યો પુછાઈ,
કેવી હશે એ ક્ષણ? તેની કલ્પના ગઈ કરાઈ;
આતુરતાથી આ ક્ષણોની રાહ રહી જોવાઈ,
ને કલમથી ત્યાં ગઈ કવિતા લખાઈ......
નયનમાં આવી ગયું કોઈ સંતાઈ,
ધડકનની પણ ક્ષણમાં ગતિ પલટાઈ;
ભાવનાઓ એના આવતા ભીંજાઈ,
ને કલમથી ત્યાં ગઈ કવિતા લખાઈ......
નિખાલસતાની એવી સુંગધ પ્રસરાઈ,
ઈશારાઓથી પ્રેમના રંગે ગઈ રંગાઈ,
ભોળા હૃદયના ભોળપળમાં ભોળવાઈ;
ને કલમથી ત્યાં ગઈ કવિતા લખાઈ......
પ્રેમગીતમાં રહી લાગણીઓ કહેવાઈ,
પ્રેમના રાગમાં ગયુ સંગીત પરોવાઈ;
પ્રેમના તાલમાં તાલબદ્ધ થઈ શરણાઈ,
ને કલમથી ત્યાં ગઈ કવિતા લખાઈ......
જીવનની ઘટમાળ પ્રગતિએ પ્રેરાઈ,
મુશ્કેલીનો સામનો કરવાની વારી આઈ;
થોડું આઘુ પાછું કરી જિંદગી સચવાઈ,
ને કલમથી ત્યાં ગઈ કવિતા લખાઈ.....
પ્રેમને અને વિરહ એકબીજાના સવાઈ,
વિરહની ક્ષણોને હૈયેથી આવકરાઈ;
વિરહમાં તપે પ્રેમીઓ એ પ્રેમની કઠણાઈ,
ને કલમથી ત્યાં ગઈ કવિતા લખાઈ.....
સંસાર સાગરમાં પ્રેમના માનની લડાઈ,
નાત-જાતના ભેદની જાળ રઈ ફેંકાઈ,
અમીર ગરીબના હવે દાવા રહ્યા ઠોકાઈ,
ને કલમથી ત્યાં ગઈ કવિતા લખાઈ.....
મોભા, માન, આબરૂ ની આલી દુહાઈ,
સમાજના ડરની છબીઓ સેવાઈ;
લોક લાજ હાટુ પ્રેમની બલી મંગાઈ,
ને કલમથી ત્યાં ગઈ કવિતા લખાઈ.....
પ્રેમીઓની અમરતાની કહાનીઓ ગવાઈ,
પ્રેમને કાજ સદીઓથી પ્રેમી લડે હરખાઈ;
તોડી બધી જંજાળ જીતી પ્રેમની સચ્ચાઈ,
ને કલમથી ત્યાં ગઈ કવિતા લખાઈ.....
લગન વેળાની હવે જુએ રાહ જમાઈ,
લગ્નના તેડાની સૌને પત્રિકા મોકલાવાઈ;
આનંદના ક્ષણો જાશે મિલનમાં ફેરવાઈ,
ને કલમથી ત્યાં ગઈ કવિતા લખાઈ.....
મન-આત્માના એક હોવાની સાક્ષી પુરાઈ,
જન્મો જન્મ માટે પ્રેમીઓ ગયા બંધાઈ;
આત્માથી એક એ પ્રેમની સમાધિ ગણાઈ,
ને કલમથી ત્યાં ગઈ કવિતા લખાઈ.....
પ્રેમીઓના જીવનની ઘટમાળ બદલાઈ,
પ્રેમી યુગલમાં ગયા પતિ-પત્ની જડાઈ;
મીઠડા આ સંબંધની આપે સૌ બધાઈ,
ને કલમથી ત્યાં ગઈ કવિતા લખાઈ.....
ચિંતાની રેખાઓ કપાળ પર દોરાઈ,
આર્થિક કટોકટીની સ્થિતિ સર્જાઈ;
પ્રેમીના સાથ થી પણ, હિંમત બંધાઈ,
ને કલમથી ત્યાં ગઈ કવિતા લખાઈ.....
ખીલતા જોયું ફૂલ ને આશા ઉભરાઈ,
સ્વર્ગની અપ્સરા જાણે ઉતરી આઈ;
જોમ જુસ્સાથી ગયા વિચાર બદલાઈ,
ને કલમથી ત્યાં ગઈ કવિતા લખાઈ.....
અનુભવની લાગણીઓ રહી છલકાઈ,
જીવતા શીખ્યાની ગુંજો સંભળાઈ;
વેદના ને ખુશી રહ્યા શબ્દોમાં વણાઈ,
ને કલમથી ત્યાં ગઈ કવિતા લખાઈ.....
વય ને અનુભવ નો અંદાજ રયો કેવાઈ,
પણ હૃદયની લાગણીઓ શાને અવગણાઈ?;
એટલું કહેતા હૃદયની વેદના સંભડાઇ,
ને કલમથી ત્યાં ગઈ કવિતા લખાઈ.....
ઢળતી આંખોને જીવનની કિંમત સમજાઈ,
એટલે મૃત્યુ શૈયા પર રહી સલાહ દેવાઈ;
જીવી જાણો જીવન મળ્યું એકવાર ભાઈ!,
ને કલમથી ત્યાં ગઈ કવિતા લખાઈ.....
જીવન અમોલ એની કિંમત ક્યાં ગણાઈ?,
કિંમત ગણી બતાવે એવી રીત ન રચાઈ;
કિંમતી આ અનુભવ બોલે, માથે લે ભાઈ!,
ને કલમથી ત્યાં ગઈ કવિતા લખાઈ.....
કલ્પનાઓ ને હકીકતનો સંગમ છે ભાઈ!,
લાગણીનો શબ્દોથી ગુંથેલો હાર કવિતા ગણાઈ!;
મૃત્યુને અમરતાના શબ્દોની જરૂર જણાઈ,
ને કલમથી ત્યાં ગઈ કવિતા લખાઈ.....
- દિલવાળી કુડી
આશા છે કે મારો આ કવિતાનો ઉદ્દેશ્ય સફળ થાય. જે સંદેશ લોકો સુધી પહોંચાડવો છે તે લોકો સુધી પહોંચે. જીવનની કિંમત આંકી નથી શકાતી પણ, તે એક જ વાર મળે છે અને તેથી જ જીવન અમૂલ્ય છે. જીવનને જીવી જાણો. કોઈ પણ સંજોગોને લડત આપો હાર ન માનો. જીવન જીવવુ ને વિતાવવું આ વચ્ચેનો ભેદ બવ મોટો છે તેથી જ કહુ છુ કે, "જીવન જીવતા શીખો વિતાવતા નહિ".....
અંતે મારી કવિતાની બે પંક્તિઓથી પુરુ કરીશ કે,
"જીવનની કિંમત ને જાણી તો લો,
એક જ વાર મળે છે માણી તો લો....."
આભાર.....