આત્મશ્રધ્ધા
આપણો જીવ જ વિશેષ રૂપે શ્વાસ લે છે. વિશ્વાસથી જીવે છે, શ્રદ્ધાપૂર્વક રહે છે તેને આત્મવિશ્વાસ કહે છે. આત્મવિશ્વાસ એટલે પોતાની જાત પર ભરોસો. જો તમને તમારા પર ભરોસો નહિ હોય તો દુનિયાની કોઈ તાકાત તમને સફળતા સુધી નહિ પહોંચાડી શકે. જો તમે તમારી જાત પર વિશ્વાસ રાખશો તો ગમે તેવી મુશ્કેલીમાંથી માર્ગ શોધી શકશો. જીંદગીમાં એક લક્ષ હોવો જરૂરી છે અને આ લક્ષ માટે નિરંતર પ્રયાસ કરો જ્યારે એ લક્ષને મેળવી લેશો ત્યારે તમારો આત્મવિશ્વાસ ખુબજ વધી જશે.. ઇમર્શનના મતે “આત્મવિશ્વાસ સફળતાનું સૌથી મોટુ રહસ્ય છે. “
જીવનમાં વિજયી થવા માટે, સફળ થવા માટે હથિયારોની નહી પરંતુ આત્મવિશ્વાસની જરૂર પડે છે. મોહનદાસ કરમચંદ ગાંધી એ આત્મવિશ્વાસના બળે જ અંગ્રેજી હકુમતના પાયા હચમચાવી નાખ્યાં, જેની પાસે આત્મવિશ્વાસ ન હોય તો એ જીવનની મુશ્કેલીઓ, આર્થિક સંકટો, રોજબરોજ આવતા પ્રશ્નો સામે ટકી શકાય નથી. પૈસા નહી પણ આત્મવિશ્વાસ એ માણસની મોટામાં મોટી મૂડી છે. સ્વામી વિવેકાનંદના મતે “જેને પોતાની જાતમાં વિશ્વાસ નથી એને ઈશ્વરમાં પણ વિશ્વાસ નહી હોય “.
આત્મવિશ્વાસ જીવનનો અભિન્ન અંગ છે. જીવનમાં દરેક ક્ષણે મુશ્કેલીઓ આવતી હોય છે. આવા સમયે માણસ પોતાના આત્મવિશ્વાસનાં બળે જ અડીખમ ઉભો રહે છે. આત્મવિશ્વાસ ક્યાંય મળતો નથી એ તો આપણી અંદર જાતે જ કેળવવું પડે છે. પોતાની જાતને બીજા કરતાં ક્યારેય પણ ઉતરતા નહીં સમજવાના. જે કામમાં બીક લાગે તે કામ વારંવાર કરવાથી આત્મવિશ્વાસ વધે છે. માણસનાં મોટાભાગે આત્મવિશ્વાસ ન હોવાનું કારણ એની અજ્ઞાનતા હોય છે, જ્યાં સુધી તમને તમારી જાત પર વિશ્વાસ નહીં હોય ત્યાં સુધી તમે કોઈના પર વિશ્વાસ મૂકી નહીં શકો. ઈમર્સનનાં મતે “હીરોવાદનો અર્થ આત્મવિશ્વાસ છે, આત્મવિશ્વાસ ન હોય તો માણસ ઝીરો છે. “
વેદ, પુરાણ, ધર્મશાસ્ત્રો અને મહાન પુરુષોનાં અનુભવોનું એક માત્ર તારણ છે કે વ્યક્તિને શારિરીક, માનસિક, આર્થિક ગમે તેવી મુશ્કેલી હશે પરંતુ જો પોતાની જાત ઉપર વિશ્વાસ હોય તો ગમે તેવી વિપરિત પરિસ્થિતિમાં પણ તે સફળતાનાં શિખરો સર કરી શકે છે. જો વ્યક્તિ આત્મવિશ્વાસથી ભરપૂર હોય તો અનેક મુશ્કેલીઓ માંથી પણ પાર ઉતરે છે, પરંતુ આત્મવિશ્વાસનો અભાવ હોયતો તો તે સફળ થતો નથી. જો સંજોગોવસાત સફળતા મળી જાય તો પણ તે ક્ષણિક હોય છે. રામકૃષ્ણ પરમહંસનાં મતે “આત્મવિશ્વાસ જીવન છે, આત્મવિશ્વાસ ન હોવુમૃત્યુ છે “.
વિપરિત પરિસ્થિતિઓ સામેલડવા કુદરતે દરેકને ક્ષમતા આપીજ છે તેનો ઉપયોગ કરવો એ આત્મવિશ્વાસ . દરેક સફળતા વ્યક્તિના આત્મવિશ્વાસ પર નિર્ભર છે. ન્યુટને જ્યારે સફરજનને નીચે પડતા જોયું ત્યારે તેની પાછળ તમામ પ્રયત્નો અને તાકાત લગાડી દીધી અને અંત સુધી આશાને ડગવા ન દીધી અને અંતે વિશ્વને ગુરુત્વાકર્ષણ બળનો નિયમ આપ્યો. દરેક કાર્યને સફળ બનાવવા જરૂર છે પોતાના પર આત્મવિશ્વાસની અને કાર્ય પ્રત્યેની આશા અને ધગશની. ટોલ્સરોયનાં મતે “વિશ્વાસજ જીવનનું ચાલકબળ છે. “
વ્યક્તિએ પોતાની જાતમાં આત્મવિશ્વાસ જગાડવો પડે છે. આત્મવિશ્વાસ જગાડવા સતત વિચારવું કે હું દરેક કાર્ય કરવા સમર્થ છુ અને સંસારની સૌથી મહત્વપૂર્ણ અને અજોડ વ્યક્તિ છું. આત્મવિશ્વાસને પુરુષાર્થ સાથે જોડી દો આટલે સર્વોત્તમ મળેજ છે. મહાન હેલન કેલર અંધ અને બહેરા હતા પરંતુ પુરા આત્મવિશ્વાસથી પરિશ્રમ કરીને તેમણે આર્ટ્સની ડિગ્રી મેળવી. આત્મવિશ્વાસ સફળતાનાં દ્વારની ચાવી છે જે ખુલતા આપણાં જીવનનાં દરેક કાર્ય પૂર્ણ થાય છે. પોતાની જાત પર, પોતાના આત્મા પર, અંદરનાં અવાજ પર વિશ્વાસ એટલે જ આત્મવિશ્વાસ. લોકમાન્ય તિલકનાં મતે “ જયાં સુધી તમે જાતે પ્રયત્ન અને પુરુષાર્થ ન કરો ત્યાં સુધી સફળતાની ચાવી તમારા હાથમાં આવતીજ નથી. “
મહાન કાર્યની સૌ પ્રથમ જરૂરિયાત આત્મવિશ્વાસ છે. આત્મવિશ્વાસ સફળતાનું રહસ્ય છે. જો તમે તમારી જાત પર વિશ્વાસ રાખશો તો બીજા લોકો પણ આપોઆપ તમારાં પર વિશ્વાસ રાખશે. છલોછલ આત્મવિશ્વાસની વાત આવે ત્યારે હર્ષ બ્રહ્મભટની પંક્તિ યાદ આવે છે કે. .....
અમે રાખમાંથી બેઠાં થવાના,
જલાવો તમે તો યે જીવી જવાના
જીંદગીમાં આત્મવિશ્વાસનું ચાર્જર હંમેશા સાથેજ રાખવાનું અને જીંદગીમાં સફળતાનું ચાર્જિંગ કરતાં રહેવાનું.