Antim Ichha - 6 in Gujarati Love Stories by Hardik G Raval books and stories PDF | અંતિમ ઈચ્છા - 6

Featured Books
Categories
Share

અંતિમ ઈચ્છા - 6

હું અત્યારે અમદાવાદ શહેરના સૌથી ધનિક વ્યક્તિનાં ઘરમાં બેઠો છું. નામ એમનું અરવિંદ મહેતા, શહેરનાં જ નહીં પરંતુ દેશ વિદેશનાં સૌથી ઉચ્ચ બિઝનેસમેનની યાદીમાં એમનું નામ મોખરે. દેખાવે કર્નલ જેવો ચહેરો, કડક અવાજ, શરીરનો બાંધો પણ કોઈ સ્પોર્ટસ પર્સન જેવો મજબૂત. પહેલી નજરે કોઈ કહી જ ન શકે કે એ એક યુવતીના પિતા હશે.

અરવિંદ મહેતાની એકમાત્ર પુત્રી નિશા મહેતા, એ મારી સહાધ્યાયી અને મારી પ્રેમિકા. કોલેજ પૂર્ણ થતાં જ નિશાનાં આગ્રહવશ હું એના પિતાને મળવા અને અમારા સંબંધની જાણ કરવા, લગ્નની વાત કરવા એની સાથે અહીંયા આવ્યો હતો. આ મારા જીવનની સૌથી મોટી મુર્ખામી હતી. ખબર નહીં કયા ચોઘડિયામાં અમે અહીંયા આવવાનો આટલી ઉતાવળે નિર્ણય લીધો હશે ! એક તો આટલું મોટું ઘર જોઈને જ મારા હોશ ઉડી ગયા હતા, મારા ઘર જેવા દસથી વધુ ઘરો ભેગા કરીએ ત્યારે આ ઘર જેટલું મોટું બને. હું લઘુતાગ્રંથીમાં પીડાવા લાગ્યો હતો. મારા ભવિષ્યનાં સસુરજીને જોતા જ મારો અવાજ બેસી ગયો હતો. એમની સામેના સોફામાં આશરે ચાર ફૂટનાં અંતરે હું બેઠો હોવા છતાં મારો અવાજ તેમના સુધી પહોંચી શકતો ન હતો.

નિશાએ દસ મિનિટ પહેલા મારી એમને ઓળખાણ આપી હતી.

"ડેડ, આ હિરેન છે. અમે એમબીએમાં સાથે હતાં. તે મારો મિત્ર છે અને અમે...." નિશાથી પણ યોગ્ય શબ્દો ગોઠવાતા ન હતા, એને કદાચ પહેલી વખત આટલી નર્વસ થતા મેં જોયી હતી.

સસુરજી સહેજ પણ ચહેરા પર હાવભાવ દેખાડ્યા વગર સ્વસ્થતાથી નિશાની વાત સાંભળી હતી.

થોડો સમય એ ચૂપ રહ્યા, આખા હોલમાં શાંતિ છવાઈ ગઈ હતી. ચા લઈને આવેલ નોકરે જ્યારે ટ્રે ટેબલ પર મૂકી ત્યારે એ ટ્રે મુકવાનો અવાજ પણ એ નિરવ શાંતિમાં વધારે લાગ્યો. ચા લઈને આવનાર વ્યક્તિને નોકર કહેતા પણ વિચારવું પડે, કોઈ હોટેલનો મેનેજર હોય એમ ઈસ્ત્રી ટાઈટ નવા કપડાં, ટાઈ પહેરેલ એ વ્યક્તિને જોયાબાદ મને મારો એ દિવસનો પહેરવેશ ફિક્કો લાગ્યો. એ નોકરે પણ મારી સમક્ષ ગુસ્સાભરી નજરે જોયું, જાણે હું એની જગ્યાએ નોકરી માંગવા ન આવ્યો હોય !

આ દસ મિનિટ અમારા પ્રેમ સંબંધની પૂર્ણાહુતી કરવા પૂરતા હતા. હું મનમાં મને ગાળો આપી રહ્યો હતો. અહીંયા હકારાત્મક જવાબ મળવાની શક્યતા એટલી જ હતી જેટલી રણમાં મૃગજળ સુધી પહોંચવાની, જેટલી ભારતની ટીમની ફૂટબોલ વિશ્વકપ જીતવાની, જેટલી રાહુલ ગાંધીની વડાપ્રધાન બનવાની, જેટલી સચિનનો સો શતકનો રેકોર્ડ તૂટવાની.

આશરે તેરમી મિનિટે એ બોલ્યા " હિરેન દવે, પિતાનું નામ મહેશ દવે. રહેઠાણ નરોડા, અમદાવાદ. છેલ્લા બે મહિનામાં નોકરી માટે ત્રણ ઇન્ટરવ્યુ આપ્યા, ત્રણેયમાં નિષ્ફળ ખરું ને !"

હું નિશા સામે જોવા લાગ્યો, જાણે મારી આંખો એને કહી રહી હતી કે તે પહેલાં મને ન જણાવ્યું કે તારા પપ્પાએ મારી પાછળ જાસુસ છોડયા છે !

મારી આંખોમાં આશ્ચર્ય જોઈને તે સમજી ગયા, તે બોલ્યા "જે રીતે સીસીટીવીમાં જાણતા અજાણતા દરેક પ્રવૃત્તિ કેદ થતી હોય ને એ જ રીતે નિશાની અને તારી પ્રવૃત્તિ છેલ્લા બે મહિનાથી મારી નજરોમાં કેદ થઈ રહી છે. મારા જીવનમાં મારી પુત્રી સિવાય બીજું કોઈ નથી તો એટલું ધ્યાન રાખવાનો તો મારો હક્ક છે, બરોબર ને?"

મેં હકારમાં માથું ધુણાવ્યું. થોડો સમય ફરી સન્નાટો છવાયો. અમુક સમય બાદ હું ધીરા અવાજે અચકાતા બોલ્યો.

"સર, હું કદાચ તમારા કરતા વધારે પ્રેમ નિશાને નહીં કરતો હોઉં, પણ તમારા જેટલો તો પ્રેમ કરું છું. હું એના માટે ચાંદ તારા તોડવાની વાત નથી કરતો પણ તેની દરેક ઈચ્છા પૂર્ણ કરી શકવાનો પ્રયત્ન કરીશ. બેશક, હું તમારા જેટલું એને ખુશ નહીં રાખી શકું પણ મારી રીતે એને જીવનના અંતિમ શ્વાસ સુધી ખુશ રાખવાનો શ્રેષ્ઠ પ્રયત્ન કરીશ. પ્લીઝ એક તક આપો". મેં અમારા સંવાદને થોડો ઈમોશનલ ટચ આપવાનો પ્રયાસ કર્યો.

"તક !" એ આશ્વર્યભરી નજરે મારી સામે જોઈ રહ્યા. થોડું વિચારીને એ આગળ બોલ્યા.

"ઓકે, લેટમી ગીવ યુ એન ઓપર્ચ્યુનીટી. માની લે કે હું મરણ પથારીએ છું. મારી અંતિમ ઈચ્છા તારે પૂર્ણ કરવાની છે, તો તું કરશે ? જો તું મારી ઈચ્છા પૂર્ણ કરે તો હું તારા અને નિશાના લગ્ન વાજતે ગાજતે કરાવીશ"

"હું ! હું ચોક્કસપણે પ્રયત્ન કરી શકું"

"ઓકે, તો મારી અંતિમ ઈચ્છા છે કે મારે નરેન્દ્ર મોદી, સની લિયોની, ભગતસિંઘ, ચે ગુવેરા અને ગાંધીજીને પ્રત્યક્ષ મળવું છે". એ ચહેરા પર ચતુરાઈભર્યું હાસ્ય લાવી બોલ્યા.

"ડેડ, આ કઈ રીતે શક્ય છે? ચલો, તમારું નામ મોટું છે એટલે મોદીજી અને સની લિયોની તમને મળી પણ શકે, અથવા હિરેન કોઈપણ અન્ય રીતે તેઓને રાજી કરી શકે પણ જે જીવતું નથી એ વ્યક્તિ કઈ રીતે !" નિશા આટલું બોલી જ હતી ત્યાં જ અરવિંદ મહેતા એ તેને હાથનાં ઈશારા વડે અટકાવી.

"ચૌદ દિવસ છે તારી પાસે, ચૌદ દિવસ. તું મારા નામનો, મારા પૈસાનો અને મારી પ્રતિષ્ઠાનો ઉપયોગ કરી શકે છે".

આ અશક્ય લાગતા ટાસ્કને લઈને હું ત્યાંથી નીકળ્યો. મરેલા વ્યક્તિને મળવાની ઈચ્છા પૂર્ણ ન જ થઈ શકે એ બાબતે હું ચોક્કસ હતો છતાંપણ મેં ઈન્ટરનેટ પર કોઈ રસ્તો મળે એમ માનીને પ્રયત્નો કર્યા. ઈન્ટરનેટ પર આ અંગેની ઘણી માહિતી ઉપલબ્ધ હતી. દેશનાં કોઈ ખૂણે કોઈ બની બેઠેલા ભુવા મરી ગયેલ વ્યક્તિની આત્મા પરત લાવતા અને વાતો કરાવતા, તો બીજી બાજુ કોઈ સ્વામીજી ગાંધીજીનો અવતાર હોવાનો દાવો કરતા, અન્ય એક વ્યક્તિ એની માનસિક તરંગોની શક્તિથી આવા મહાન લોકોને મળતો. કોઈ નજરબંધીથી (હિપ્નોટાઈઝ) ગમતા વ્યક્તિઓ સાથે મેળવી આપતા, વગેરે વગેરે ઘણા આવા રસ્તાઓ ઉપલબ્ધ હતાં. ઉફ્ફ, ભારત દેશના લોકોની માનસિકતા અને અંધશ્રદ્ધાઓ! મેં ભારતનાં લોકોના દાવા અને લિંકને ઇગ્નોર કર્યા. મેં વિદેશી લિંક તરફ મારી નજર માંડી.

વિદેશીઓ લિંક જોતા તેઓ થોડા વધુ એડવાન્સ લાગ્યા, તેઓની સાયન્ટિફીક લેબોરેટરીમાં ટાઈમ મશીનની વાતો કરતા, આ મશીન ચાલું અને સફળ હોવાનાં સાયન્ટિફિક દાવાઓ કરતા. એકસમયે મને ટાઇમમશીન વાળો ઓપ્સન યોગ્ય લાગ્યો, પરંતુ નિશાએ એને ફિક્શન વાતો કહી મારો ટાઇમમશીનનો ઉપયોગ કરવાની વાતોને રદિયો આપી દીધો. જો કે એ ટાઇમમશીનનો ઉપયોગ કરવા માટે અમારે અમેરિકા જવું પડે અને આ ચૌદ દિવસની અંદર મારો પાસપોર્ટ તૈયાર થાય અને વિઝા મળે તે શક્ય ન હતું. અને આમ પણ હું હદયનાં કોઈ ચોક્કસખૂણે એ પણ જાણતો હતો કે ટાઈમમશીન વાળી વાત પણ એક અમેરિકી અંધશ્રદ્ધા જ હતી.

મેં કંટાળીને નિશાને ફોન કર્યો. દુષ્કાળમાં જેમ વરસાદ આવે અને ખેડૂતોની આંખોમાં ઉત્સાહ આવે એવો જ ઉત્સાહ મારી આંખોમા નિશાની વાત સાંભળીને આવ્યો. નિશાએ જણાવ્યું કે એણે નરેન્દ્ર મોદી અને સની લિયોની સાથે એ દિવસે અલગ અલગ સમયે મિટિંગ ગોઠવી દીધી છે, એના પપ્પાના નામનાં કારણે આ વાત એના માટે રમત વાત હતી.

"નિશું, આ તારા પપ્પા સની લિયોનીને એકલા મળીને શું કરશે ? " મેં નિશા સાથે હળવી મજાક કરવાનો પ્રયત્ન કર્યો. જવાબમાં ફોન કટ થઈ ગયો. હું ઉપર આકાશ તરફ જોઈ મારી લાચારી પર હસ્યો. ખરાબ સમય હોય ત્યારે ઊંટ પર બેઠા હોય ત્યારે કૂતરું કરડી જાય એ સાંભળ્યું હતું પણ ખરાબ સમય હોય ત્યારે લોકોને મજાક પણ ન સમજાય ? એ અનુભવ્યું.

ચૌદ દિવસની મુદ્દત પુરી થવાને ત્રણ દિવસ બાકી હતા. મેં મારાથી શક્ય અશક્ય દરેક પ્રયત્નો કરી જોયા હતાં. હું અનેક લોકોને મળ્યો હતો, લોકોને મારા પર હસતા, મારી મજાક ઉડાવતા જોયા હતાં. મારા આ પ્રયત્નોના કારણે અને અમુક મિત્રોની દયાથી સોશિયલ મીડિયામાં પણ હું જાણીતું નામ અને મીમ મટિરિયલ બની ચુક્યો હતો. આ અંતિમ ઈચ્છા પૂર્ણ થઈ જ ન શકે, મેં માની લીધું હતું. એકસમયે એવો પણ વિચાર આવ્યો કે નિશાના પપ્પાએ અમારા લગ્ન ન થાય એ માટે જ આ અંતિમ ઈચ્છા વાળો તાયફો કર્યો હતો. વધુ બે દિવસ વીતી ગયા. આવતી કાલે મારે અરવિંદ મહેતાને એ પાંચ સેલિબ્રિટીને લઈને મળવાનું હતું અને હું પચાસ ટકા પણ સફળ થયો ન હતો. જેટલી સફળતા આ કાર્યમાં મળી હતી એ પણ એમના નામ અને નિશાને આભારી હતી.

હું નિષ્ફળ રહ્યો હતો, સદંતર નિષ્ફળ. મારી પાસે માત્ર ચોવીસ કલાક હતાં. આવતી કાલે દસ વાગ્યે મારે અરવિંદ મહેતાને મળવાનું હતું.

મેં મરતો માણસ જેમ જીવીત રહેવાનાં દરેક પ્રયત્નો કરે એ જ રીતે એક છેલ્લો પ્રયત્ન કરવા માટે ઈન્ટરનેટ ફેંદયું.

******************************************

બીજા દિવસે નિયત સમય કરતાં દસ મિનિટ પહેલા જઈને હું એ 'મોટા ઘર'માં જઈને બેઠો. મારા ચહેરા પર આત્મવિશ્વાસ જોવા મળતો હતો. મેં પેલા ટાઈવાળા નોકરને ઘરનાં જમાઈની અદામાં ચાનો ઓર્ડર આપ્યો. મારો આત્મવિશ્વાસ અને બદલાયેલા રૂપને જોઈને નિશું ગભરાઈ ગઈ, એને લાગ્યું કે મને અમારા જુદા થવાનો સદમો લાગ્યો છે અને મેં માનસિક સંતુલન ગુમાવી દીધું છે. તે બાઘી બનીને મને જોઈ રહી. અને પેલા ટાઈવાળાને હું કહું એમ કરવા ઈશારાથી કહ્યું. હવે મને મી.અરવિંદ મહેતાની રાહ હતી.

એ નિયત સમયે એમના રૂમમાંથી હોલમાં આવ્યા. એમને જોતાં જ બોલી ઉઠ્યો.

"પપ્પા, ગુડ મોર્નિંગ"

"પપ્પા!" એમણે આશ્ચર્યથી નિશા તરફ જોયું. નિશાએ હું કંઈ નથી જાણતી એ અદામાં બંને ખભાને ઉપરથી નીચેની તરફ કર્યા. હવે પાંચ આંખો મારી તરફ જોઈ રહી હતી, હા પાંચ આંખો, દૂર દૂરથી પેલો ટાઈવાળો પણ ત્રાંસી આંખે મારી તરફ ધ્યાન રાખી રહ્યો હતો.

તો તમે તૈયાર, તમારી છેલ્લી ઈચ્છા હું પૂર્ણ કરવા જઈ રહ્યો છું. મને નિશાએ અને એમના પપ્પાએ મુક આંખોએ સહમતી આપી.

"આવો રમેશભાઈ" હું ઉંચા અવાજે દરવાજા તરફ જોઈ બોલ્યો.

સાદો સફેદ ઝભ્ભો લેંઘો, કાળી ફ્રેમવાળા ચશ્માં, અને નીચી હાઈટ ધરાવતા રમેશભાઈ દરવાજામાંથી પ્રવેશ્યા.

"તમે આમને નહીં ઓળખતા હોય, આ રમેશભાઈ છે. કોઈ મોટું નામ નથી પણ એમનું કામ બહુ મોટું છે. રમેશભાઈ વરસોથી દેશનાં ખૂણે ખૂણે જઈ અનેક લોકોનાં સહયોગ માટે સરકાર સામે લડત લડી રહ્યા છે. એ કોઈપણ જાતની હિંસા વગર માણસોની જરૂરીયાત સમજી સત્યના સહારે લોકોને મદદ કરી રહ્યા છે. કેટ કેટલા ડંડા એમણે પોતાના શરીર પર ખાધા છે, ચાર વખત જેલમાં જઈ આવ્યા છે. ભૂખ હળતાળો કરી છે, અમુક આંદોલનો સંકેલવા માટે મળતી મોટી રકમ પણ ઠુકરાવી ચુક્યા છે. એકવખત તો તમારી કંપનીની મહારાષ્ટ્રની બ્રાન્ચ સામે પણ એમણે લડત લડી છે. જ્યાં તમેં ખુદે જઈ મામલો નિપટાવ્યો હતો, યાદ છે? તમને આમનો ખ્યાલ નહીં જ હોય, ખરું ને?" છેલ્લું વાક્ય હું કટાક્ષમાં બોલ્યો.

"દેશનાં ભવ્ય ભૂતકાળ સામે આ વર્તમાનની તમારે મન શું કિંમત! આ મારા મહાત્મા છે " મેં આગળ ધપાવ્યું.

"લીઝા અંદર આવો તો" મેં વળી દરવાજા તરફ જોઈને કહ્યું. લાલ ચટાક ટૂંકો ડ્રેસ પહેરેલી, હોઠ પર લાલ કલરની હેવી શેડની લિપસ્ટિક લગાડેલી યુવતી અંદર આવી.

"આમને ઓળખો છો? તમને તો આની જરૂર પડી જ નહીં હોય, બરોબર ?". આ લીઝા છે. મોટા ધનિક વ્યક્તિઓની સની લિયોની. એ પોતાનાં શરીરની સાથે સાથે પોતાનો આત્મા પણ રોજ રાત્રે વેંચે છે. કારણ ખબર છે? આ અઠયાવીસ વરસની યુવતી એક તમારા જેવા જ કોઈ ધનિકના બાળકની માતા બની ચુકી છે અને હવે તે તે બાળક સમજણું થાય ત્યાં સુધીમાં પૂરતું કમાઈ બહુ દૂર જતી રહેવા માંગે છે. બાળકને ભણાવી ગણાવી મોટો માણસ બનાવવા માંગે છે. આ બધામાંથી છૂટવા માંગે છે. તમને શું લાગે છે મી.મહેતા આપણે એને એનો ભૂતકાળ ભૂલવા દઈશું? સનીને ભૂલવા દઈએ છીએ? ".

હોલમાં સન્નાટ્ટો છવાયો હતો. આ વખતે મી.મહેતાનું ગળું સુકાઈ ગયું હતું.

"બાબા હવે તમે આવોતો" હું એટલું બોલ્યો ત્યાં જ એક કાળી દાઢીધારી, પીળા શર્ટના કોલર ઉંચા અને બટન ખુલ્લાં રાખેલ બીડી પીતો યુવાન આવ્યો.

"આ વ્યક્તિ દાદા છે, દાદાગીરી અને ગુંડાગરદી એનું કામ, પરંતુ તે પણ સત્ય તરફ રહીને અસત્ય વિરૂદ્ધ લડે છે. બાબાનું વલણ અને વિચારધારા સમજો તો ચે ગુવેરાને મળતી આવે છે. કોઈપણ રીતે એ પોતાની લડત જીતવા માંગે છે અને એમાં હિંસાથી, પોતાની વાત કબૂલ કરાવવા માટે કોઈનો જીવ લેતા પણ એ ગભરાતો નથી. કદાચ એણે ચે ગુવેરાનું નામ પણ નહીં સાંભળ્યું હોય પણ એની જીવનકથા સમજો તો તમે ઘણી સમાનતા અનુભવશો, સાંભળવી છે એની આખી જીવની? તમને લાગશે એક ગુંડા સાથે ચે ની સરખામણી પણ ચે તો એક પ્રતીક છે યુવાનોની આદર્શોની લડાઈનું".

"આટલું કાફી છે તમારા માટે ?, મી. મહેતા" બહાર મારી પાસે મોદીજી સમકક્ષ વિચારધારા ધરાવતા અને દેશ માટે યુવાનીમાં ભગતસિંઘની જેમ જીવ આપવા તૈયાર વ્યક્તિઓ પણ હાજર જ છે" હું ચૂપ થયો. ટેબલ પર પડેલ ઠંડુ પાણી પીધું.

"મને ખબર છે કે તમે પણ એ વાતથી વાકેફ જ હતા કે મૃત વ્યક્તિઓને હું નથી લાવી શકવાનો, તમે પણ કદાચ એ વ્યક્તિઓના નામને બહાને હું એમને સમજુ, એમની વિચારધારા સમજુ એવી માન્યતા ધરાવતા હશો પણ તમને ખબર છે છેલ્લા ચૌદ દિવસથી હું ઓલમોસ્ટ ભૂખ્યો રહીને આ વાતનો ઉકેલ લાવવા મથી રહ્યો હતો. ઈન્ટરનેટના માધ્યમથી દુનિયાનાં ખૂણે ખૂણે ફરી આ વાતનો નિવેડો લાવવા મથ્યો અને અંતે હું નિષ્ફળતાના ભયે પડી ભાંગ્યો, છેલ્લા ઘણા દિવસો રૂમમાં પુરાઈ રહ્યો, સ્વભાવ પણ ચીડિયો થઈ ગયો પણ મેં ફક્ત અને ફક્ત નિશા માટે હાર ન માની. હું આજે અહીંયા આ લોકોને લઈને આવ્યો, મારી વાત કરવાની ઢબમાં તમે ગુસ્સો અનુભવ્યો એમાં માત્ર નિશાને ગુમાવવાનો ભય છુપાયો હતો, મી.મહેતા".

"આપણે ભૂતકાળમાં અને ભવિષ્યમાં જ કેમ રહેવા માંગીએ છીએ? વર્તમાનમાં આપણું થોડું પણ ધ્યાન નથી. હું સહમત છું ભૂતકાળમાં મહાન માણસો થઈ ગયા, તેઓની અલગ અલગ વિચારધારાઓથી એ લોકો પોતાના દેશ માટે જીવ્યા પરંતુ વર્તમાનમાં પણ મેં અગાઉ કહ્યું તેમ ભૂતકાળના આ મહાન માણસોનાં નામ ન જાણનાર પણ તેમની સમાન વિચારધારા ધરાવતા હોય છે, પણ આપણી નજર એ તરફ જતી જ નથી. તમે મને આવા માણસોને શોધવા કેમ ન કહ્યું ? અત્યારે કદાચ હું તમે સોંપેલ કાર્ય પૂર્ણ કરવા નિષ્ફળ ગયો એટલે આવું વિચારું છું એવું લાગી શકે, આપણે વ્યક્તિઓની વિચારધારાને બદલે વ્યક્તિઓથી કેમ પ્રભાવિત થઈએ છીએ? ....હું" મી. મહેતાએ મને બોલતા અટકાવ્યો.

ફરી સનાટ્ટો......

"તારો મળવાનો અને કાર્યનો સમય પૂર્ણ થયો છે" એટલું બોલી સમયના પાબંધ મી.મહેતા અધ્ધવચેથી જ ઉભા થઈને ઓફીસે જવા નીકળ્યા.

દરવાજે પહોંચીને પાછું વળીને એ બોલ્યા "હું તમારા લગ્ન માટે તારા પપ્પાને મળવા ક્યારે આવું એ નિશાને તારા પપ્પા સાથે વાત કરી જણાવી દેજે, અને હા મને પણ સમજાય છે કે મૃત વ્યક્તિને ન મળી શકાય !" એમ કહી એમણે ડાબી આંખ લુચ્ચાઈથી મીંચી.

હું રાહતભર્યા શ્વાસે એમના ગયા પછી નિશાને જઈને ભેટી પડ્યો.

~ સમાપ્ત~