Pagrav - 7 in Gujarati Moral Stories by Dr Riddhi Mehta books and stories PDF | પગરવ - 7

Featured Books
Categories
Share

પગરવ - 7

પગરવ

પ્રકરણ – ૭

સમર્થ પાસપોર્ટ સાઈઝનો ફોટો જોઈને મનમાં વિચારવા લાગ્યો, " આ તો નીરવ છે મારી સાથે સ્કુલમાં હતો એ...પણ સુહાની એને કેવી રીતે ઓળખતી હશે ?? કદાચ એ તો સુહાનીનાં મારા નજીક ન આવવાનું કારણ નહીં હોય ને ?? "

પછી એને થયું જે હોય તે...આમ પણ કોઈ પણ સંબંધ બંને બાજુ લાગણી હોય તો જ કંઈ થાય...બાકી તો જે મળે એમાં ખુશ રહેવાનું બીજું શું....?? પછી એને અચાનક યાદ આવ્યું કે એ કદાચ કોઈ કામ માટે નીકળી હોય અને કદાચ પર્સની જરૂર હશે તો ?? એની પાસે તો સુહાનીનો નંબર પણ નથી. એ ફટાફટ પાર્કિગમાં અને ગેટની બહાર પણ જોઈ આવ્યો પણ સુહાની ન દેખાઈ. કદાચ નીકળી ગઈ હશે...

એને થયું કોઈની પાસે નંબર તો હશે એનો પણ કોઈને પુછવાથી કોલેજમાં તો બીજી વાતો થઈ જાય. અચાનક એની નજર આજે જ રિશફલિગમાં નવી આવેલી એક છોકરી પર ગઈ છે આજે સુહાનીની બાજુમાં જ બેઠી હતી.

એણે ધીમેથી ઈશારો કરીને એને બહાર બોલાવી. એ છોકરીનો પહેલો દિવસ અને વળી આ રીતે કોઈ છોકરાએ બોલાવી હોવાથી એ થોડી ગભરાઈ આને અચકાઈ પણ ખરી...વળી એની કપડાંની સ્ટાઈલ પરથી લાગી રહ્યું છે કે એ કદાચ કોઈ મોટી સીટીમાંથી તો નહીં જ હોય.

છતાં એ બહાર આવીને સમર્થ પાસે થોડી અચકાઈને બોલી, " મને બોલાવી ?? શું થયું ?? "

સમર્થ : " સોરી...પણ ગભરાશો નહીં. મારે ખાલી થોડું પૂછવું હતું એટલે બોલાવ્યાં. તમારી બાજુમાં સુહાની સવારથી બેઠી હતી એ ક્યાં ગઈ અચાનક તમને ખ્યાલ છે કંઈ ?? "

એ છોકરી પહેલાં તો કંઈ બોલી નહીં. એટલે સમર્થે કહ્યું, " મારે બીજું કંઈ કામ નથી એનું પર્સ અહીં પડેલું મને મળ્યું છે...આથી પૂછું છું..."

એ છોકરી અચકાઈને બોલી, " એને કોઈનો ફોન આવ્યો હતો ને એવું બોલી હતી કંઈ કે , " અચાનક નાનાને શું થયું ?? ક્યાં લઈ જાવ છો એમને હું હમણાં જ આવું છું..." આટલું કહીને એ નીકળી ગઈ.

સમર્થ : " અરે એવું છે ?? તમે એને પહેલાંથી ઓળખો છો ?? મતલબ કે એ જે રીતે પહેલાં જ દિવસે સવારથી વાતો કરી રહ્યાં છો એ પરથી કહું છું..."

એ છોકરી બોલી, " હા.. હું આને સુહાની નાનપણમાં સાથે જ હતાં...પણ પછી તો એ બરોડા જ રહેવા આવી ગઈ. વેકેશનમાં અમે સાથે જ રહેતાં."

સમર્થ બોલ્યો, : " તો તમારી પાસે એમનો નંબર હશે ને ?? "

એ છોકરી બોલી, " ના... ઘણાં સમયથી અમારો સંપર્ક નહોતો થયો... બધાં ભણવામાં પડી ગયાં હતાં. આજે જ મળ્યાં ને એ આવી રીતે નીકળી ગઈ..."

સમર્થ : " ઓકે...થેન્કયુ... હું સમર્થ...નાઈસ ટુ મીટ યુ..."

એ છોકરી પણ ધીમેથી બોલી, " હું પાયલ..વેલકમ..." કહીને એ ફટાફટ પોતાની બેન્ચ પાસે જઈને બેસી ગઈ.

આજે લેક્ચરર થોડાં મોડાં આવ્યાં બાકી આટલી વાત કરવાનો સમય ન મળત..‌.બધા ફટાફટ પોતાની જગ્યાએ ગોઠવાઈ ગયાં...

સમર્થનું ધ્યાન સુહાનીની ચિંતામાં જ આજે ખોવાયેલું છે...એ જાય તો પણ ક્યાં ?? એની પાસે નથી નંબર એનો કે નથી કોઈ ચોક્કસ એડ્રેસ...હવે રાહ જોવા સિવાય કોઈ વિકલ્પ નથી... કોલેજમાંથી મળી રહે પણ એક છોકરા તરીકે સુહાનીનો આવી રીતે નંબર મળવો બહું મુશ્કેલ હતો.

આખરે પરાણે લેક્ચર પૂરા કરીને એ પણ ફટાફટ બાઈક લઈને નીકળ્યો... ફટાફટ બાઈક ભાગી રહી છે ત્યાં જ કોઈ અજાણ્યા નંબર પરથી ફોન આવી રહ્યો છે.

સમર્થે ફોન ઉપાડ્યો. કોઈ જેન્ટસનો અવાજ છે. એમણે કહ્યું કે, " તમે કોઈ સુહાની નામની છોકરીને ઓળખો છો ?? એ શહેરમાં પ્રવેશવાના પહેલાંના ચાર રસ્તાની નજીક એક્ટિવામાં એક્સિડન્ટ થતાં બેભાન થઈને પડી હતી. એને નજીકની હોસ્પિટલમાં લાવવામાં આવી છે...પણ એમની પાસે કોઈ જ ઓળખકાર્ડ કે કંઈ નથી. આ તો આમને એક ચોપડામાં એક ચીટમાં સમર્થ લખેલો આપનો નંબર મળ્યો એટલે ફોન તમને ફોન કર્યો. ફોન છે પણ પડીને કે બંધ થઈ ગયો છે એ પણ શરું નથી થતો.

સમર્થે ફટાફટ એડ્રેસ માગ્યું બરાબર અને ફટાફટ બાઈક હંકારી મૂકી....એને યાદ આવ્યું કે એનું ડ્રાઈવિંગ લાયસન્સ, આઈડી કાર્ડ ને બધું જ તો પર્સમાં છે... પણ એકેયમાં ફોન નંબર નથી...હા પણ એ એડ્રેસ તો છે જ એ હવે યાદ આવ્યું.

થોડીવારમાં તો સમર્થ ઝડપથી હોસ્પિટલ પર પહોંચી ગયો. હજું સુહાની ભાનમાં નથી આવી...એણે ડૉક્ટરને થોડી પૂછપરછ કરીને વાત કરી.

ડૉક્ટરે કહ્યું, " ચિંતા જેવું નથી હમણાં ભાનમાં આવી જશે...લાગે છે કદાચ મનમાં કોઈ વધારે ચિંતા સાથે સાધન ચલાવવામાં પોતાનું બેલેન્સ ગુમાવ્યું હોય એવું લાગે છે. પણ સારું થયું કે કોઈ બીજાં સાધન સાથે નથી અથડાયું...નહીં તો ખબર નહીં શું થાત !! "

સમર્થ : " કદાચ એવું હશે...પણ કેટલીવારમાં ભાનમાં આવશે લગભગ ?? "

ડૉક્ટર : " હવે આવી તો જવું જોઈએ..‌" કહીને એ ત્યાંથી નીકળી ગયાં.

સમર્થ એનાં બેડ પાસે બેસીને સુહાનીનાં ભાનમાં આવવાની રાહ જોવા લાગ્યો. થોડીવાર પછી સુહાનીએ પડખું ફેરવ્યું અને આંખો ખોલી તો સામે સમર્થ બેઠેલો દેખાયો. એણે આજુબાજુ નજર કરીને પૂછ્યું, " હું ક્યાં છું ?? અને સમર્થ તું ?? મને ચક્કર આવી રહ્યાં હોય એવું કેમ લાગે છે ?? "

સમર્થે એને પોતાની બોટલમાંથી પાણી આપ્યું. અને કહ્યું, " તારો એક્સિડન્ટ થયો હતો. કેવું છે તને ?? ચક્કર વધારે આવે છે ??"

સુહાની : " ના બસ.. થોડાં થોડાં... સમર્થ તું મને ઘરે લઈ જાને ?? મારાં નાનાં...હવે..."

સમર્થ : " શું થયું ?? એમની તબિયત બગડી છે ?? "

સુહાની : " હા હાર્ટએટેક આવ્યો હતો પણ હોસ્પિટલ લઈ ગયાં પણ એ પહેલાં જ એ મૃત્યુ પામ્યાં..‌હું હોસ્પિટલ જતી હતી એ પહેલાં જ ફોન આવ્યો કે સીધી ઘરે આવી જા..." એ રડી પડી.

સમર્થે પોતાનો રૂમાલ લઈને એની આંખો લૂછી પછી બોલ્યો, " તું ચિંતા ન કર. હું તને ત્યાં મુકી જાઉં છું...એ ક્યાં રહે છે ?? "

સુહાની : " હું એમનાં ઘરે જ રહું છું..."

સમર્થ : " બરાબર... તું થોડીવાર રહે હું ડૉક્ટરને મળીને આવું પછી તને લઈ જઉં."

થોડીવારમાં સમર્થ થોડી દવાઓ અને બીલ પે કરીને આવી ગયો. ડૉક્ટર પણ એકવાર એને ચેક કરી ગયાં ને થોડું ડ્રેસિંગને પણ કરી દીધું...

એક્ટિવા ઘણું ડેમેજ થયું છે આથી સમર્થે કહ્યું, " તું મારી સાથે બાઈક પર ચાલ... હું તારું એક્ટિવા રિપેર માટે આપી દઈશ.."

સુહાની પહેલીવાર આજે કોઈ પરિવાર સિવાયની વ્યક્તિનાં બાઈક પર બેસી જેને એ મનોમન પસંદ કરવાં લાગી છે...પણ સમય પણ એવો છે કે એકબાજુ નાનાનું મૃત્યુ...ને એનો એક્સિડન્ટ...

સમર્થ : " તને ચક્કર આવે એવું લાગે તો કહેજે... પાછળ મને ખબર પણ નહીં પડે...તને એવું ન લાગે તો મારાં ખભા પર હાથ મૂકી દે.."

સુહાની ફક્ત "હમમમ" બોલી.

થોડીવારમાં જ ફટાફટ સુહાનીએ કહ્યાં મુજબ એનાં ઘર નજીક આવી ગયાં. સુહાની બોલી, " સમર્થ તું જા... હું અહીંથી જતી રહીશ... અહીં નજીક છે મારું ઘર...ઘરે બધાં આવેલાં હશે એટલે..."

સમર્થ : " સારું...આ તારું પર્સ અને દવા...ધ્યાન રાખજે તારું... બાય. "

સમર્થને સુહાનીને એનાં ઘર સુધી પણ એકલી મોકલતાં જીવ કચવાઈ રહ્યો છે. એ છેક સુધી સુહાની પહોંચી ત્યાં સુધી સાઈડમાં ઉભો રહ્યોને પછી નીકળી ગયો.

***************

બે ત્રણ દિવસ થયાં. સુહાની કોલેજ નહોતી આવતી. સમર્થને ખબર હોવાથી એણે પાયલને જણાવી દીધું જેથી લેક્ચરર એ આવે એટલે કંઇ કહે નહીં...કારણ કે આ એક એવી ગવર્નમેન્ટે કોલેજ છે જ્યાં અટેન્ડન્સનું પણ એટલું જ મહત્વ છે.

એક દિવસ કંટાળીને સમર્થ રૂમ પર બેઠો બેઠો લેપટોપમાં મુવી જોઈ રહ્યો છે. ત્યાં જ એક નંબર પરથી ફોન આવ્યો.

સમર્થે ફોન ઉપાડ્યો તો સામેથી સુહાનીનો અવાજ આવ્યો. સમર્થનાં ચહેરા પર એક સ્માઈલ આવી ગઈ.

સમર્થ : " કેવું છે તને ?? કંઈ તફલીક તો નથી ને ?? ઘરે બધું બરાબર ?? "

સુહાની : " હા સારું છે... અને એક્ટિવા પણ મળી ગયું..થેન્કયુ...બસ મમ્મીને લોકો બધાં અહીં આવેલા છે..."

સમર્થ : " હમમમ...એ લોકો અહીં નથી રહેતાં ?? "

સુહાની : " ના.." સુહાનીએ એ નાનપણથી અહીં જ રહે છે એની વાત કરી.

સમર્થ : " એકવાત પૂછું ?? કંઈ થયું છે ?? તમે ફોન કર્યો એટલે પૂછું છું ?? "

સુહાની : " તમને એવું લાગતું હશે ને કે હું તમને જરૂર પડે એટલે જ ફોન કરું છું..."

સમર્થ : " ના એવું નહીં...પણ મારો નંબર તમારી પાસે એક મહિનાથી છે..‌.ઘણા સમયથી તમે મારી સાથે વાત કરવાનું ટાળતાં હોય એવું લાગે છે મને. આજે અચાનક તમે મને ફોન કર્યો એટલે મને એવું લાગ્યું. "

સુહાની : " બસ આજે મને જરાં પણ મજા નથી આવતી. કંઈ ખબર નથી પડતી‌‌... શું કરું..."

સમર્થ : " શું થયું ?? અને ઘરે કોઈ છે નહીં ?? "

સુહાની : " બધાં નીચે બેઠાં છે મને મજા નહોતી આવતી એટલે હું સુવા માટે ઉપર આવી ગઈ."

સમર્થ (હસીને ) : " હવે મારી સાથે વાતો કરવા બેસી ગયાં ને.."

સુહાની : " સારું તારે વાત ન કરવી હોય તો કંઈ નહીં... હું મુકી દઉં..."

સમર્થ : " એવું નથી હું તો મજાક કરું છું બોલો હવે..."

સુહાની : " પહેલાં તો મને આ તમે કહેવાનું બંધ કરો.. અને હું તમને કંઈ પૂછવા ઈચ્છું છું તમને જે સાચું લાગતું હોય એ કહેજો..."

સમર્થ : " મને પણ તું જ કહેવાનું તો પછી..ઓકે...મારે પણ તને એક સવાલ પૂછવાનો છે..."

બંને જણાં એકબીજાને પહેલાં પૂછવા માટે ફોર્સ કરવા લાગ્યાં...

શું હશે સુહાની અને સમર્થનાં સવાલો ?? બંને પોતાનાં મનની વાત એકબીજાને કરી શકશે ખરાં ?? ક્યાં હશે એમની પ્રેમની સાચી મંઝિલ ?? જાણવા માટે વાંચતા રહો, પગરવ - ૮

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે