The Father in Gujarati Short Stories by Anshu Joshi books and stories PDF | બાપ (The father)

Featured Books
Categories
Share

બાપ (The father)

યુનિવર્સિટીની કેન્ટિનમાં રોશને બંને હાથમાં છથી સાત ચોકલેટ સાથે પ્રવેશ કર્યો. મિત્રવર્તુળ એક ટેબલ ઉપર તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યું હતું. રોશનને પ્રવેશતો જોતાં જ સુશાંતે બૂમ પાડી “ઓ મહાશય આ બાજુ પધારો“ રોશને એક ચોકલેટનું રેપર ખોલીને ખોલાય તેટલું મોં ખોલીને ચોકલેટ ખાધી તેને જોઇને નિકિતા બોલી ઉઠી “આ શું ગાંડપણ છે? “ રોશને જવાબ આપ્યો “જો હવે પાંચ મિનિટની વાર છે, પાંચ મિનિટ બાદ આપણા બધા ઉપર એમડી પિડિયાટ્રિશિયનનો સિક્કો વાગી જશે, પછી આખી જિંદગી બાળકોને આપણે એ જ સલાહ આપવાની છે કે બેટા ચોકલેટ નહીં ખાવાની, ચોકલેટ ખાવાથી દાંત ખરાબ થઈ જાય વગેરે વગેરે... એટલે આજે આપણે ખવાય એટલી ચોકલેટ ખાઈ લઇએને, યુ નો પેલી એક મહારાજની વાર્તા નથી? એક છોકરાને જમવાની સાથે ગોળ ખાવાની આદત હોય છે, તેની મા તેને એક સાધુ પાસે લઈ જાય છે સાધુબાવા તેની માને કહે છે કે એક મહિના પછી તમે મારી પાસે આવો ત્યારે હું તમારા બાળકને સલાહ આપીશ. પેલી બાઈ એક મહિના પછી સાધુ બાવા પાસે જાય છે ત્યારે સાધુ બાવા છોકરાને એટલું જ કહે છે કે બેટા જમતી વખતે સાથે ગોળ ન ખવાય તંદુરસ્તી બગડે. ત્યારે પેલી બાઈ સાધુબાવાને પૂછે છે કે આટલી અમથી સલાહ માટે તમે એક મહિનાનો સમય કેમ લીધો? ત્યારે બાવા કહે છે કે બેન અત્યાર સુધી હું પોતે જમતી વખતે ગોળ ખાતો હતો તો હું તમારા બાળકને આ સલાહ કેમ આપી શકું? એટલે એક મહિના સુધી મેં ગોળ ખાવાનું બંધ કર્યું અને હવે મેં તમારા બાળકને આ સલાહ આપી. આપણે પણ આજ પછી ચોકલેટ ખાવાની બંધ કરી દેવાની પણ એ પહેલા તો મોજમસ્તી કરી લઇએને?
રોશનની આ વાત સાંભળીને મિત્રોમાં હળવું હાસ્યનું મોજું ફરી વળ્યું નીલમે ટોન્ટ મારતા કહ્યું કે બાળકોને ઇન્જેક્શન લેવાનો પણ ડર લાગે છે અને તેઓ જલદી ઇન્જેક્શન લેવા તૈયાર થતાં નથી તો શું કોઈ બાળક ઇન્જેક્શન લેવાની ના પાડશે તો પહેલાં એની દેખતા તું ઇન્જેક્શન લઈશ? અને પછી કહીશ કે બેટા ઇન્જેક્શન લઈ લે? આ સાંભળીને મિત્રોમાં ખડખડાટ હાસ્યનું મોજું ફરી વળ્યું. એવામાં વિવેકે સુશાંતને પૂછ્યું શું છે મહાશય કેવી છે લગ્નની તૈયારી? અને નીલમ સામે જોતાં પૂછ્યું ક્યારે પરણો છો તમે બંને? સુશાંત કંઈ જવાબ આપે તે પહેલાં રોશન બોલી ઉઠ્યો વ્હોટ? તમે બંને પરણી જશો? નીલમ, તેં તો કંઇક લોકોના દિલ તોડી નાખ્યા, ડોક્ટર્સ થઈને તમે લગ્ન પણ કરશો? બહુ કહેવાય, સુશાંતે તરત જ જવાબ આપ્યો કેમ ડોક્ટર્સ લગ્ન ન કરી શકે? રોશને કહ્યું લગ્ન તો જરૂર કરી શકે પણ આપણી લાઇફ શું યાર ગમે ત્યારે અડધી રાતે ફોન આવે સાહેબ બેબીને તાવ આવ્યો છે કઈ દવા આપું? સુશાંતે જણાવ્યું કમ ઓન વી ચુઝ ધીસ પ્રોફેશન ઇટ્સ અ પાર્ટ ઓફ અવર લાઇફ, એના કારણે લગ્ન ન કરવા એવું કોણે કહ્યું? નીલમે પણ સુશાંતની વાતમાં સૂર પૂરાવ્યો અને કહ્યું હા યાર, આપણી પણ પર્સનલ લાઇફ હોય છે. આપણે પણ લગ્ન કરવાના હોય, આપણે પણ બાળકોને જન્મ આપીએ અને તેમને ઉછેરીને મોટા કરીએ.
રોશને થોડા અકળાયેલા મૂડ સાથે કહ્યું કમ ઓન ગાય્સ વી બિલોન્ગ ટુ અ મેડિકલ પ્રોફેશન, બાળકો પેદા કરવા ઇટ્સ અ બાયોલોજીકલ પ્રોસેસ નથિંગ એલ્સ, ઇચ એન્ડ એવરીબડી કેન બી અ ફાધર ઓર મધર. તેણે સુશાંતને કહ્યું તારે બાપ બનવું છે? સુશાંતે હકારમાં માથું ધૂણાવ્યું તેણે સુશાંતને નજીક બોલાવ્યો અને ધીમેથી તેના કાનમાં કહ્યું જસ્ટ સ્ટાર્ટ ટુ એન્જોય એન અનપ્રોટેક્ટેડ સેક્સ યુ વિલ બિકમ અ ફાધર. સુશાંત હસવા માંડ્યો અને કહે ના ભાઈ ના હજી તો એક કે બે વર્ષની વાર છે. નીલમને જાણવાની ઉત્કંઠા થઈ તેણે સુશાંતને પૂછ્યું શું બોલ્યો એ? સુશાંતે જવાબ આપવાનું ટાળ્યું પણ નીલમે તેની જીદ ચાલુ રાખી કંટાળીને સુશાંતે નીલમના કાનમાં વાત કહી નીલમ મજાક ભરેલા ગુસ્સાથી ઊભી થઈ અને રોશનને તેની હેન્ડ બેગથી મજાકભરી રીતે ફટકાર્યો અને બોલી સાલા નાલાયક તારા મગજમાં આવા ગંદા વિચારો જ આવે. એટલામાં કોન્વોકેશન સેરેમની માટે હોલમાં જવાનો બેલ વાગ્યો બધા ઊભા થઈને હોલમાં ગયા.
કોન્વોકેશન પૂરૂં થતાંની સાથે જ કોલેજના ક્લાર્ક બાબુભાઈએ જણાવ્યું કે રોશન, નીલમ, સુશાંત અને વિવેકને ડીન સાહેબે બોલાવ્યા છે. કોલેજ નજીકમાં જ હતી એટલે તમામ ડીનને મળવા માટે કેબિનમાં ગયા. ડીન ડો. મિશ્રાએ તમામને અભિનંદન આપતાં સમાચાર આપ્યા કે બેંગલોર ખાતે બે મહિના માટેનો પિડિયાટ્રિશિયનનો વર્કશોપ છે. જેમાં ડો. સક્સેના ખાસ હાજરી આપશે અને નિયોનેટલ સર્જરી તેમજ નિયોનેટલને લગતા કોમ્પિલકેટેડ કેસિસ માટેનો અભ્યાસ કરાવવામાં આવશે. મારી ઇચ્છા એવી છે કે તમે કોલેજના વિદ્યાર્થીઓ તેમાં ભાગ લેવા જાવ. નીલમ અને સુશાંતના લગ્ન હોવાને કારણે તેમણે આ વર્કશોપમાં જવાનો ઇનકાર કરી દીધો જ્યારે વિવેકને હાર્વડમાં એડમિશન મળી ગયું હોવાને કારણે તેણે પણ જવાની ના પાડી પણ રોશને જણાવ્યું કે તે જરૂરથી આ વર્કશોપમાં જશે.
ઘરમાં પ્રવેશતાની સાથે જ આતુરતાપૂર્વક રાહ જોઇ રહેલા ડોક્ટર મા-બાપ વિનય દિક્ષિત અને શીલા દિક્ષિતને રોશને ડિગ્રી બતાવતા કહ્યું મોમ એન્ડ ડેડ આઈ હેવ ફુલફિલ્ડ યોર ડ્રિમ નાઉ આઇ એમ ડોક્ટર, ડોક્ટર રોશન દિક્ષિત એમડી પિડિયાટ્રિશિયન. શીલાએ જણાવ્યું વ્હોટ ડુ યુ મિન બાય ફુલફિલ અવર ડ્રિમ? તારે ડોક્ટર નહોતું બનવું અને એ પણ ખાસ બાળકોના નિષ્ણાત? રોશને જણાવ્યું ના ચોક્કસ બનવું હતું પણ મમ્મા અત્યારે તને તો ખબર છે કે એમડીમાં એડમિશન લેવું કેટલી માથાકૂટવાળું કામ છે. અને એ પણ પિડિયાટ્રિશિયન બ્રાન્ચમાં એટલે દરેક મા-બાપ અને ખાસ કરીને ડોક્ટર મા-બાપનું એ સપનું હોય છે કે તેમનો છોકરો કે છોકરી એમડીમાં એડમિશન લે. વિનયે જણાવ્યું કે હવે રોશને ક્લિનિક સંભાળી લેવું જોઇએ. શીલાએ પણ તેમાં સૂર પૂરાવ્યો. પણ રોશને બેંગલોર ખાતે યોજાનારા વર્કશોપની વાત કરી તેણે જણાવ્યું કે તે વર્કશોપમાંથી આવીને ક્લિનિક જોઇન કરશે. મા-બાપે મંજૂરી આપી અને કંઈ કામ હોય તો વિક્રમ અંકલ અને સુનિતા આન્ટીને ત્યાં જવાની સલાહ આપી. રહેવા જમવાની વ્યલસ્થા વર્કશોપના ભાગરૂપે રોશનને મળી હતી છતાં પણ સમય મળશે તો જઇ આવીશ તેવા જવાબ સાથે રોશન બેંગલોર જવા ફ્લાઇટમાં રવાના થયો.
બેંગલોર રોશન માટે નવું શહેર તો નહતું. તેણે અનેક વખત બેંગલોરની અલપ-ઝલપ મુલાકાતો લધી હતી પરંતુ આ વખતે મુકામ જરા વધારે પડતો લાંબો હતો. બે મહિના રોકાવાનું હતું. બેંગલોરના સર્વિસ એપાર્ટમેન્ટમાં પહોંચતાં જ રસોઇયાએ રોશનને માઠાં સમાચાર આપ્યા કે તે પોતે આ શહેરમાં નવો છે અને નોકર રજા ઉપર ગયો છે એટલે રસોઈ માટેનો સામાન રોશને લાવી આપવો પડશે. રોશન પાસે હા પાડ્યા સિવાય છૂટકો નહોતો. તેણે હા પાડી. વર્કશોપનો પ્રથમ દિવસ સારી રીતે પસાર થયો હતો ઘણી નવી વાતો અને ટેકનિક જાણવા મળી હતી. વર્કશોપ પતાવીને રોશનને રસોઇનો સામાન લેવાનું યાદ આવ્યું અને તે એક વિશાળ મોલમાં પ્રવેશ્યો. તેણે રસોઈ માટેના સામાનની ખરીદી શરૂ કરી ચોખા, દાળ, ઘઉંનો તૈયાર લોટ વગેરે લીધું. એક રેકમાં ચાના પેકેટ ઉપર તેની નજર પડી તેણે પડીકું ઉપાડ્યું અને સામેના છેડેથી એક સ્ત્રીએ પણ તેની બાજુએ પડેલું પડીકું ઉપાડ્યું. બંનેની નજર મળી. રોશનને ચહેરો ખૂબ જ જાણીતો લાગ્યો. સ્ત્રી પણ તેને જોઇને ચકિત થઈ ઉઠી. તેણે સસ્મિત પૂછ્યું રોશન દિક્ષિત? રોશને હકારમાં માથું ધુણાવ્યું સ્ત્રીએ કહ્યું હું નિશા નિશા રાજપાલ, ઓહ આઈ એમ સોરી તે વખતે હું નિશા સલુજા હતી. રોશનને કશુંક યાદ આવ્યું. તે ચમકી ઉઠ્યો અને કહેવા લાગ્યો અરે હા એમ એસ હાઇસ્કુલ રાઇટ? નિશાએ હકારમાં માથું ધુણાવ્યું અને કહે એક્ઝેટલી. રોશન ટ્રોલી લઈને નિશા જે લાઇનમાં ઊભી હતી ત્યાં ગયો. તેણે પૂછ્યું તું બેંગલોરમાં શું કરે છે? નિશાએ જણાવ્યું મારા મેરેજ અહીં થયા છે. નિશા ખૂબ જ સુંદર આંખો અને શરીર સૈષ્ઠવ ધરાવતી અને રોશન કરતાં બે કે ત્રણ વર્ષ મોટી હતી. મુલાકાત દરમિયાન રોશને સ્કુલમાં ભણતાં અનેક વિદ્યાર્થીઓ વિશે સવાલો પૂછ્યા, પોતાના વિશે પણ જણાવ્યું. નિશાને જેટલા લોકો વિશે ખ્યાલ હતો તેની માહિતી તેણે રોશનને આપી. જતી વખતે રોશને નિશાનું કાર્ડ માગ્યું ત્યારે નિશાએ જણાવ્યું કે તે તો એક ગૃહિણી છે. તેની પાસે પોતાનું કાર્ડ ક્યાંથી હોય? નિશાએ અને રોશને એકબીજાના મોબાઇલ નંબરોની આપ-લે કરી અને છૂટા પડ્યા.
રાતે પથારીમાં સૂતી વખતે રોશનને નિશાના મળવાને કારણે શાળાજીવનના દિવસો યાદ આવી ગયા. આખી રાત તે એ દિવસોને યાદ કરતા રહ્યો અને સવાર ક્યાં પડી ગઈ તેનો ખ્યાલ ન આવ્યો. વર્કશોપ આગળ વધતો રહ્યો અને રોશનને તેના પ્રોફેશન અંગે વધુને વધુ જાણકારી મળતી રહી. એક દિવસ વર્કશોપમાંથી છૂટ્યા બાદ અચાનક જ નિશાનો ફોન આવ્યો. તેણે રોશનને ઘરે જમવા માટે આમંત્રણ આપ્યું. રોશને ઘરે રસોઇયાને ફોન કરીને જણાવી દીધું કે તે આજે નહીં જમે અને તેણે નિશાના ઘરે જવા માટે રિક્ષા કરી.
નિશાના ઘરે પહોંચતાની સાથે જ નિશાએ તેને ઉમળકાભેર આવકાર્યો. નિશાનાં ઘરમાં નાના બાળકોનાં સુંદર મઝાના ફોટોગ્રાફ્સ હતા. નિશાએ જણાવ્યું કે તેના પતિ કામથી બહારગામ અવાર-નવાર જતા રહે છે. તે એક ફેશન ફોટોગ્રાફર છે. દિવાલ ઉપર આટલા બધાં બાળકોના ફોટા જોઇને રોશને પૂછ્યું આ તારા બાળકો છે? નિશા હસી પડી. તેણે જવાબ આપ્યો ના આ તો મારા પતિએ અમુક મોડલ બાળકોના ફોટા પાડ્યા છે. તેમને જે બચ્ચાનો ફોટો ગમે તેને એન્લાર્જ કરાવીને લેમિનેટ કરાવીને દિવવાલ ઉપર લટકાવી દે છે. રોશને નિશાને કેટલા બાળકો છે તે અંગે સવાલ કર્યો ત્યારે નિશા ભાંગી પડી અને તેણે જણાવ્યું કે તેને લગ્નજીવનના આઠ વર્ષ થવા છતાં પણ કોઈ જ બાળક નથી. રોશને નિશાને દિલસોજી આપી અને મેડિકલ સાયન્સનો માણસ હોવાને નાતે જણાવ્યું કે આ બધા નસીબના નહી શારીરિક ખેલ હોય છે. એક્સ ક્રોમોઝોમ, વાય ક્રોમોઝોમ વગેરે... વગેરે... પણ નિશાએ જ્યારે એક વાતનો ઘટસ્ફોટ કર્યો ત્યારે રોશન આભો જ બની ગયો. નિશાએ કબૂલાત કરી કે તે શાળાના સમયમાં રોશનને ખૂબ જ પ્રેમ કરતી હતી. પરંતુ બંનેની ઉંમરમાં તફાવત હોવાને કારણે તે રોશનને કશું જ કહી નહોતી શકી. રોશન ઊભો થઈને નિશાની પાસે ગયો અને તેણે નિશાને સમજાવવા માટેનો પ્રયાસ કર્યો. નિશા ચોધાર આંસુએ રડી રહી હતી. બંને વચ્ચેનું અંતર ઘટી ગયું હતું અને આ અંતર વધુને વધુ ઘટતું ગયું. શું થઈ ગયું એ વાતનો ખ્યાલ તો ખુદ નિશા અને રોશનને પણ ન આવ્યો. નિશાને મન આ તેને મળેલો એક મોટો સધિયારો હતો પણ રોશનને મન તો આ એક બાયોલોજીકલ પ્રોસેસ જ હતી. ફરી મળવાનાં વચન સાથે રોશન નિશાના ઘરેથી પોતાના સર્વિસ એપાર્ટમેન્ટ તરફ ગયો.
વર્કશોપની સાથે-સાથે હવે નિશા અને રોશનની મુલાકાતો પણ ચાલુ થઈ ગઈ. ક્યારેક નિશાને એમ લાગતું કે તેઓ મોટી ભૂલ કરી રહ્યા છે ત્યારે રોશન તેને બાયોલોજીકલ પ્રોસેસ સમજાવીને કે પછી ભૂખ લાગે ત્યારે ખાઈ લેવું જોઇએ તેવી વાતો જણાવીને સમજાવી લેતો. એકાદ વખત નિશાએ તેના પતિની હાજરી હતી ત્યારે પણ રોશનને બોલાવ્યો. રોશને તેના પતિ સાથે મુલાકાત કરી. તેનો પતિ નિખિલ સરળ અને સાલસ સ્વભાવનો માણસ હતો. નિખિલ અને રોશન વચ્ચે એક પરિચિત જેવા સંબંધો થયા પરંતુ નિખિલને બહારગામ જવાનું વધારે પડતું રહેતું હોવાને કારણે તેમની વચ્ચે માંડ એક કે બે જ મુલાકાત થઈ શકી હતી.
નિશા અને રોશનની મુલાકાતોનો સિલસિલો ચાલુ રહ્યો. આ દરમિયાન રોશન તેના ઘરની વાતો નિશાને કરતો. નિશા પણ તેના ઘરની વાતો રોશનને કરતી. તેના પિતા સાધારણ આવક ધરાવતાં હોવા છતાં પણ કેવી રીતે કુટુંબનું ગુજરાન ચલાવતા હતા. તેની સ્કુલ બાદ પિતાની બદલી બેંગલોરમાં થઈ હતી. તે પોતે ભણવામાં ખૂબ જ હોંશિયાર નહોતી એટલે તેનાં લગ્ન ઝડપથી કરાવી દીધા હતા. પરંતુ તેની નાની બહેન નૂપુર ભણવામાં હોંશિયાર હતી અને તે હાલમાં અમેરિકા ખાતે એમ એસ કરી રહી છે. વગેરે... વગેરે.... સમય ક્યાં પસાર થઈ ગયો તેનો ખ્યાલ ન આવ્યો. રોશનનો વર્કશોપ પૂરો થયો હતો. તેણે હવે અમદાવાદ પરત આવવાનું હતું. છેલ્લી મુલાકાત દરમિયાન તેણે નિશાને મળતાં રહેવાનું વચન આપ્યું અને તે અમદાવાદ રવાના થયો.
અમદાવાદ આવ્યા બાદ રોશન તેના પિતાના ક્લિનિકમાં જોડાઈ ગયો. મા-બાપ બંને ડોક્ટર હતા, પોતાનું ક્લિનિક હતું એટલે રોશને વધારે સંઘર્ષ કરવાનો નહોતો. બેંગલોરથી આવ્યે માંડ દસેક દિવસ થયા હશે તેમ છતાં પણ તેની પ્રેક્ટિસ ધીમે-ધીમે જામવા લાગી હતી. એક દિવસ ક્લિનિક ઉપરથી પરવારીને રોશન તેના રૂમમાં હેન્ડ્ઝ ફ્રી ભરાવીને ગીતો સાંભળતો હતો ત્યાં અચાનક જ નિશાનો ફોન આવ્યો. રોશને તેને જણાવ્યું કે તે નિશાને ખૂબ જ મિસ કરે છે. પરંતુ નિશાએ રોશનને જણાવ્યું કે તે પ્રેગનેન્ટ છે અને તે તેને મળવા માગે છે. રોશનને આશ્ચર્ય થયું. તેણે નિશાને મળવાનું વચન આપ્યું. આખી રાત આ વિમાસણમાં રોશન સૂઈ શક્યો નહીં. નિશાને શું કહેવું અને શું સમજાવવું તેના વિશે તે સતત વિચારતો રહ્યો.
બીજા દિવસે તે કામનું બહાનું કાઢીને બેંગલોર પહોંચ્યો. નિશાને મળ્યો. નિશાએ તેને જણાવ્યું તે પ્રેગનેન્ટ છે પરંતુ..... નિશા કંઇ પણ બોલે તે પહેલા રોશને તેને ચૂપ રહેવાનો ઇશારો કર્યો અને જણાવ્યું કે એક ભારતીય નારી તરીકે તેના મનમાં શું વિચારો ચાલી રહ્યા છે તેની તેને ખબર છે. તેમ છતાં પણ તેણે નિશાને એબોર્શન નહીં કરાવવાની સલાહ આપી. તેણે નિશાને સમજાવી કે લગ્નજીવનનાં આઠ વર્ષ બાદ તેનાં ઘરે પારણું બંધાઈ રહ્યું છે ત્યારે તેણે આવી મૂર્ખામી ન કરવી જોઇએ. કોઈ તેને પૂછશે નહીં કે આ બાળક કોનું છે, અને જો તે કહેશે તો તેની બદનામી થશે. રોશનને કશું જ નહીં થાય. માટે બંને જણાએ આ વાતને એક રહસ્ય રાખીને જીવન પસાર કરી લેવું જોઇએ. નિશાએ ફરીથી રોશનને કહેવાની કોશિશ કરી પણ તે એકનો બે ન થયો. નિશા સોફા ઉપર ફસડાઈ પડી અને રોશન જતો રહ્યો.
સમય ઝડપથી પસાર થઈ ગયો. એક તરફ રોશન જાણીતો બાળ રોગ નિષ્ણાત બની ગયો અને નિશાની ડ્યૂ ડેટ પણ આવી પહોંચી. રોશને નિશાને ફોન કર્યો કે તે તેની ડિલિવરી વખતે હાજર રહેશે અને તેનું બાળક સ્વસ્થ છે કે નહીં તેની તપાસ કરશે. ડિલિવરીના એક કે બે દિવસ પહેલા જ રોશન નિશાને ત્યાં પહોંચી ગયો. પણ નિશાને જસ્ટ હોસ્પિટલમાં લઈ ગયા હતા. તે સીધો હોસ્પિટલ પહોંચ્યો તો નિશાના માતા-પિતા વિહવળ હતાં તેની માતા ખૂબ જ ચિંતામાં હતી. એક તરફ અમેરિકાથી તેની બહેનના સતત ફોન આવતા રહેતા હતા. નિશાની મમ્મી તેની બહેનને કહેતી કે તે અત્યારે અહીં હોત તો સારું રહેત. બીજી તરફ નિખિલ બેબાકળો બનીને આંટા મારતો હતો. તેના ચહેરા ઉપર ખુશી અને ગભરામણ બંને હતાં. તે રોશનને મળ્યો અને રોશનને જણાવ્યું કે તે નિશા સાથે રહે તો સારું. રોશને નિશાના ડોક્ટરની મુલાકાત કરી. ડોક્ટરે જણાવ્યું કે બધું હેમખેમ પાર પડે તો વધારે સારું. રોશને પૂછ્યું કે શું પ્રોબ્લેમ છે? તો ડોક્ટરે જણાવ્યું કે પ્રોબ્લેમ કંઈ જ નથી બટ ઇટ્સ ટ્રિપ્લેટ, નિશાને ત્રણ બાળકો આવશે. રોશન પણ સ્તબ્ધ થઈ ગયો. અંતે સહુ સારાવાના થયાં નિશાએ ત્રણ સ્વસ્થ બાળકોને જન્મ આપ્યો. રોશન પણ ઉમળકાભેર નિશા, નિખિલ અને ત્રણ બાળકો માટે ગિફ્ટ્સ, રમકડાં અને કપડાં લઈ આવ્યો. જતી વખતે નિખિલ આઘોપાછો થયો ત્યારે રોશને નિશાને જણાવ્યું કે તે હવે તો રેગ્યુલર આવતો-જતો રહેશે. નિશાએ ફરી દલીલ કરવાની કોશિશ કરી ત્યારે રોશને ફરી તેને ચૂપ રહેવા જણાવ્યું. નિખિલે જતી વખતે રોશનને તેની ફી વિશે પૂછ્યું ત્યારે રોશને તે લેવાની ના પાડી દીધી. નિખિલ તેને મૂકવા માટે એરપોર્ટ સુધી ગયો અને તેણે રોશનનો ખાસ આભાર માન્યો.
હવે રોશન નિશાને રેગ્યુલર ફોન પણ કરતો. તેનાં બાળકોની કિકિયારીઓ સાંભળતો. નિશા સાથે તે ઓછી વાતો કરતો તેના કરતાં તેને બાળકોની કિકિયારીઓ સાંભળવાની વધુ મઝા આવતી. ક્યારેક નિખિલ ફોન ઉપાડે ત્યારે રોશન હળવી પણ ક્રૂર મઝાક પણ કરી લેતો કે બાળકો કોના જેવા લાગે છે? બીજી તરફ રોશનના માતા-પિતા તેને હવે લગ્ન કરી લેવા માટે સમજાવતાં હતાં. રોશને હા પાડી. વિનયે જણાવ્યું કે બેંગલોરમાં એક છોકરીનો બાયોડેટા વેબસાઇટ ઉપર જોયો છે. તે એમ એસ થયેલી છે. તારી શું ઇચ્છા છે? રોશને છોકરી જોવાની હા પાડી. વિક્રમ અંકલ અને સુનિતા આન્ટીને ત્યાં છોકરી જોવાનું નક્કી થયું. સહુ ત્યાં પહોંચ્યા. ઘણા સમયે વિનય અને વિક્રમ મળ્યા હતા. વાતો કરી. દરમિયાન વિક્રમે એમ પણ જણાવ્યું કે આજે તેનો જન્મદિવસ છે એટલે સાંજે પાર્ટીનું પણ આયોજન છે. વિનયે જણાવ્યું કે પણ સાંજે તો છોકરીવાળા જોવા આવવાના છે. ત્યારે વિક્રમે જણાવ્યું કે એ લોકો પણ ભલેને પાર્ટીનો આનંદ લે. તું એમને ફોન કરીને જણાવી દેજે. રોશનને વિક્રમ અંકલનું ઘર ખાલી-ખાલી લાગ્યું એટલે તેણે પૂછ્યું કે અંકલ તમારા બાળકો શું કરે છે? વિક્રમે નિરાશ વદને જવાબ આપ્યો કે તેને બાળકો નથી. સુનિતા પણ આ સાંભળીને થોડી ગંભીર બની ગઈ. વિનયે વાત વાળી લેતાં જણાવ્યું કે ચાલો હું મિ. સલુજાને ફોન કરી દઉં.
સાંજે પાર્ટી જામી હતી. પાર્ટીમાં છોકરીવાળાઓની એન્ટ્રી થઈ ત્યારે રોશન સહુને જોઇને સ્તબ્ધ થઈ ગયો. સાથે નિશા પણ હતી. અને જે છોકરીને તે જોવાનો હતો તે બીજું કોઈ નહીં પણ નિશાની બહેન નૂપુર હતી.
નૂપુર અને રોશન વચ્ચેની ઔપચારિક મુલાકાત સાથે પાર્ટીની પણ શરૂઆત થઈ. વિક્રમે જણાવ્યું કે તેનાં મિત્ર વર્તુળમાંથી અમુક મિત્રો વિદેશ સ્થાયી થઈ ગયા છે અને એક કે બે લોકો ગુજરી ગયા હોવાથી પાર્ટીમાં જે છીએ તે આટલા જ લોકો છીએ. એટલે કે વિનય, શીલા, રોશન અને તે બંને જણા ઉપરાંત નિશા-નૂપુરનું ફેમિલી. નૂપુર અને રોશન વચ્ચેની ઔપચારિક મુલાકાત પૂરી થઈ. બધા વાતે વળગ્યા હતા. નિશાનાં ત્રણ બાળકો પૈકી એક તેની માતા પાસે હતું અને બાકીના બેને તે દૂર લઈ જઈને પ્લેટમાંથી ખવડાવી રહી હતી. બાળકો લગભગ સાત મહિનાના થઈ ગયાં હતાં. ભાખોડિયાં ભરીને ચાલતાં હતાં. નિશાને એકલી જોઇને રોશને લાભ લેવાની કોશિશ કરી તે નિશા પાસે ગયો અને પૂછ્યું કે નિખિલ કેમ નથી આવ્યો? તેણે બાળકોને રસીઓ અપાવી કે નહીં. નિખિલ ફરી બહારગામ હતો અને બાળકોની રસી અંગે નિશાએ હકારમાં જવાબ આપ્યો. તેણે ફરી રોશનને કંઇક કહેવા જણાવ્યું પણ રોશને જાણે ક્રૂર મજાક કરતો હોય તેમ જણાવ્યું કે હવે સમય પાકી ગયો છે. આપણે તારા અને મારા કુટુંબીજનોને જાણ કરી દેવી જોઇએ. એક ક્ષણ માટે નિશા ઉપર જાણે આભ તૂટી પડ્યું હોય તેવો અહેસાસ થયો ત્યારે રોશન હસવા માંડ્યો અને કહે કે હું એમ કહું છું કે આપણે આપણા કુટુંબીજનોને જણાવી દેવું જોઇએ કે આપણે સાથે સ્કુલમાં ભણતાં હતાં.
નિશા અને રોશનને જોઇને નૂપુર તેમની નજીક આવી. તેણે રોશનને જણાવ્યું કે નિશા તેની મોટી બહેન છે. રોશન ખડખડાટ હસવા લાગ્યો અને નૂપુરને કહે કે તને લાગતું નથી કે અમે જે રીતે વાતો કરી રહ્યા છીએ એ રીતે અમે એકબીજાને સારી રીતે ઓળખીએ છીએ. નૂપુરને નવાઈ લાગી તેણે પૂછ્યું કે કેવી રીતે? રોશને જણાવ્યું કે તે અને નિશા સાથે ક્કુલમાં ભણતાં હતાં. નૂપુરથી રહેવાયું નહીં અને તેણે દોડતા જઈને તેના માતા-પિતાને સમાચાર આપ્યા. નૂપુર ગઈ એટલે રોશને ફરી જણાવ્યું કે મને નૂપુર સાથે લગ્ન કરવામાં રસ છે. અને હું તેને લગ્ન માટે હા પાડવાનો છું. નિશાએ જણાવ્યું કે તે પહેલાં થોડી સ્પષ્ટતા કરી લેવી જોઇએ. ફરી રોશન અકળાયો અને ગુસ્સે થઈને કહેવા લાગ્યો દરેક વખતે શું તું પણ...પણ... કર્યા કરે છે. નિશા ચૂપ થઈ ગઈ. એટલામાં નૂપુર અને તેના માતા-પિતા આવ્યા. રોશન અને નિશા સાથે સ્કુલમાં ભણતા હતા તે અંગે તેમણે પૂછ્યું. વાતચીત થઈ. એટલામાં પાર્ટીમાં પંડિતજીની પણ એન્ટ્રી થઈ ત્યારે વિનયે નિશા-નૂપુરના માતા-પિતાને જણાવ્યું કે તેઓ ડોક્ટર હોવા છતાં પણ કુંડળીમાં માને છે અને જો કુંડળી મળશે તો જ વાત આગળ વધારવામાં આવશે. પંડિતજી બંનેની કુંડળી લઈને બેઠા. વિનય, વિક્રમ, મિ. સલુજા બધા વાતોએ વળગ્યા. પાંચ દસ મિનિટ બાદ પંડિતજીએ બંને કુંડળીઓને ગ્રીન સિગ્નલ આપી દીધું અને લગ્ન થઈ શકે છે તેમ જણાવ્યું. વિનય અને શીલાએ રોશનની ઇચ્છા પૂછી તેણે હકારમાં માથું ધૂણાવ્યું. મિ. સલુજાએ નૂપુરની ઇચ્છા પૂછી ત્યારે તેણે વિચારીને જવાબ આપવા કહ્યું. બધાને થોડી નવાઈ તો લાગી. ત્યારે નૂપુરે રોશનને જણાવ્યું કે કુંડળી તો ઠીક છે પરંતુ આપણે તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા હોવાને કારણે આપણે આપણા શરીરની અમુક તપાસ કરાવવી જોઇએ અને તે બાદ લગ્ન કરવા જોઇએ. તેણે રોશનને તેના કરાવેલા તાજેતરનાં જ બધાં ટેસ્ટ આપ્યા, તમામ ટેસ્ટ નોર્મલ હતાં અને તેણે રોશનને પણ એચઆઈવી પોઝિટિવ, ફર્ટિલિટી ટેસ્ટ વગેરે કરવા માટે જણાવ્યું. નૂપુરે એમ પણ જણાવ્યું કે જો આ તમામ ટેસ્ટ નોર્મલ હશે તો તે લગ્ન માટે રાજી છે.
રોશન પણ મેડિકલ સાયન્સ સાથે સંકળાયેલો હોવાને કારણે તેને આ બાબત સામે કોઈ જ વાંધો નહોતો. તેણે સંમતિ દર્શાવી અને બીજા દિવસે ટેસ્ટ કરાવવા માટે ઉપડી ગયો. ટેસ્ટના રિપોર્ટ સાંજે આવશે તેવો જવાબ મળતા તે નિશાના ઘરે ગયો. ઘરમાં થોડો ફેરફાર થઈ ગયો હતો. દિવાલો ઉપર અન્ય બાળકોના ફોટાઓની જગ્યાએ નિશાના બાળકોના ફોટા હતા. નિશાના ત્રણેય બાળકો સૂઈ ગયા હતા. રોશન તેની પાસે ગયો ત્યારે નિશાએ ટકોર કરી કે બાળકો માંડ-માંડ સૂતા છે તેમને જગાડીશ નહીં. ખૂબ હેરાન કરે છે. રોશન નિશાની નજીક ગયો અને તેને અડવાની કોશિશ કરી. નિશાએ છણકો કરીને કહ્યું સ્ટોપ ઇટ. રોશને જણાવ્યું કે બાળકો થઈ ગયા એટલે ગરજ પૂરી થઈ કે શું? નિશા ફરીથી ગુસ્સે થઈને બોલી કે રોશન વાતને સમજવાની કોશિશ કર.... એટલામાં ડોરબેલ વાગી, નૂપુર આવી હતી. તેણે રોશનને પૂછ્યું કે તને નિશાના ઘર વિશે જાણકારી છે? ત્યારે રોશને જણાવ્યું કે તે માત્ર નિશાને જ નહીં પરંતુ નિખિલને પણ સારી રીતે ઓળખે છે. વાતોમાંને વાતોમાં સમય ક્યાં પસાર થઈ ગયો તેનો ખ્યાલ ન રહ્યો. અચાનક જ રોશનને યાદ આવ્યું કે તેણે તેના ટેસ્ટનો રિપોર્ટ લેવા માટે જવાનું છે. તે નિશાને ત્યાંથી નીકળીને લેબ ઉપર પહોંચ્યો. તેણે ટેસ્ટ માગ્યા. ટેસ્ટ હાથમાં આવ્યા એટલે તેણે જોયાં તેને ફાળ પડી, માથે આભ તૂટી પડ્યું હોવાનો અહેસાસ થયો. તેણે લેબ આસિસ્ટન્ટને પૂછ્યું. આ ટેસ્ટ.... લેબ આસિસ્ટન્ટે જણાવ્યું કે હા બરાબર છે. ઇટ્સ એઝોસ્પર્મિયા તમે ક્યારેય બાપ નહીં બની શકો. કારણ કે તમારા શરીરમાં શુક્રાણુઓ પેદા થતાં જ નથી. રોશનને ખૂબ જ ગુસ્સો આવ્યો તેણે ગુસ્સામાં કહ્યું કે આઈ એમ એમડી એન્ડ આઇ કેન અન્ડરસ્ટેન્ડ ધ રિપોર્ટ. તેને સંતોષ ન થયો એટલે તેણે અરજન્સીમાં તે જ ટેસ્ટ બીજી બે લેબોરેટરીમાં કરાવ્યા પણ રિપોર્ટમાં કોઈ જ ફેર ન પડ્યો. તમામ રિપોર્ટ લઈને તે સીધો નિશાને ત્યાં પહોંચ્યો અને તેને જાણ કરતાં પૂછ્યું કે આ બાળકો કોના છે? નિશાએ શાંતિથી તેને સમજાવ્યું કે આ નિખિલનાં બાળકો જ છે જેમનો જન્મ આઈવીએફ એટલે કે ટેસ્ટ ટ્યૂબ બેબી મારફતે થયો છે. નિશાએ એમ પણ જણાવ્યું કે તેણે અનેક વખત તેને સમજાવવાની કોશિશ કરી પણ તે તેની વાત જ સાંભળવા તૈયાર નહોતો. રોશને પ્રશ્ન કર્યો કે ત્રણ બાળકો? નિશાએ જણાવ્યું કે તેને લગ્નજીવનના આઠ વર્ષ બાદ પ્રેગનેન્સી રહી હતી તેથી તે અને તેના પતિ એબોર્શન કરાવવાનું કોઈ જ પ્રકારનું જોખમ લેવા માગતા નહોતા. રોશન ઉગ્ર અને વ્યથિત હૃદયે નિશાને ત્યાંથી નીકળી ગયો.
આખી રાત તે સૂઈ શક્યો નહીં. મોડી રાતે શીલા તેના રૂમમાં આવી. રોશને માને તમામ વાત કહી અને મન હળવું કરીને ચોધાર આંસુએ રડી પડ્યો. બીજા દિવસે નૂપુરને રિપોર્ટ બતાવ્યો. નૂપુરને પણ આઘાત લાગ્યો તેણે એક દિવસ રોશનને રોકાઈ જવા જણાવ્યું અને પછીથી જવાબ આપવા માટે કહ્યું.
બીજા દિવસે મિ. સલુજાનો ફોન આવ્યો અને તેણે રોશનને સપરિવાર બોલાવ્યા. રોશનનો પરિવાર ત્યાં પહોંચ્યો તો આશ્ચર્ય વચ્ચે ત્યાં પાર્ટી જેવું વાતાવરણ હતું. જોકે રોશન મૂડમાં તો નહોતો જ. આ વખતે ઘરે નિખિલ પણ હાજર હતો અને જોગાનુજોગ નિખિલ અને રોશને એકદમ સરખા જ રંગના અને ડિઝાઇનનાં શર્ટ પહેર્યાં હતાં. નિશાનાં બે બાળકો ફર્શ ઉપર રમી રહ્યા હતા. એકને નિશા તેડીને ઊભી હતી. તે બાળકને નિખિલ તરફ ઇશારો કરીને બોલતા શીખવાડતી હતી. તે કહેતી હતી જો બેટા કોણ છે? ડેડી, બોલો ડે...ડી. નિખિલ રોશન પાસે આવ્યો અને નાના બાળકની જેમ સરખા શર્ટ બદલ સેમ પિન્ચ કહ્યું. રોશન મૂડ વિના હસ્યો. એટલામાં મિ. સલુજા આવ્યા અને સાથે નૂપુર પણ આવી. મિ. સલુજાએ જણાવ્યું કે નૂપુર કંઇક કહેવા માગે છે. નૂપુરે જણાવ્યું કે રોશન બાપ નહીં બની શકે તેમ છતાં પણ તે તેની સાથે લગ્ન કરવા તૈયાર છે. તેણે રોશનને બોલાવ્યો અને જણાવ્યું કે રોશન મારે તારી સાથે થોડી વાત કરવી છે. રોશને નૂપુરને સમજાવી કે આવો નિર્ણય શા માટે? નૂપુરે ઘણાં એવાં ઉદાહરણો આપ્યાં કે જેઓ બાળક વિના જીવી રહ્યા હોય. તેમણે વિક્રમ અંકલનું પણ ઉદાહરણ આપ્યું. નૂપુરે જણાવ્યું કે ઘણા લોકોને ખ્યાલ જ નથી હોતો કે તેઓ જીવનમાં મા-બાપ બની શકશે કે નહીં. આજે બાળક આવશે કે કાલે તેની રાહ જોતા-જોતા જીવન પસાર કરી દે છે. તેના કરતાં તો આપણે સારું છે કે આપણને ખ્યાલ તો છે કે આપણે મા-બાપ બની જ નથી શકવાના. અને આમ પણ બાળકને દત્તક લઈને પણ મા-બાપ બની જ શકાય છે. નિશાને ત્રણ બાળકો છે. એક તો આપણને દત્તક આપશેને? એટલામાં નિશા આવે છે. નૂપુર આંખમાં આંસુ સાથે નિશાને એક બાળક દત્તક આપવાની રજૂઆત કરે છે. નિશા કહે છે કે તું તો નાની બહેન છે એક શું જોઇએ તો બે બાળકો દત્તક લે જે. પણ નૂપુર એક જ બાળક માગે છે. એવામાં નિશાનું એક ટાબરિયું ભાખોડિયા ભરતાં ભરતાં રોશન પાસે આવે છે તેનો પગને પકડીને ઊભું થાય છે અને કાલી ભાષામાં બોલે છે ડે..ડી, ડે...ડી નૂપુર વહાલથી બાળકને ઉંચકી લે છે અને નિશાને કહે છે કે અમે આ બાળકને દત્તક લઈશું. નિશા હા પાડે છે. નૂપુર બાળકને તેડીને તેના માતા-પિતા તરફ જાય છે.
નિશા અને રોશન એકલા પડે છે ત્યારે રોશન કબૂલ કરે છે કે અત્યાર સુધી તે એમ માનતો હતો કે તેણે નિશાને મા બનાવી છે પરંતુ હકીકત જરા જુદી જ છે ખરેખર તો નિશાએ તેને બાપ બનાવ્યો છે. મિ. સલુજા જોરથી નૂપુર અને રોશનની સગાઈની જાહેરાત કરે છે અને તમામ લોકો તેમની તરફ જાય છે.