શાળાની એ છેલ્લી બેન્ચ.શબ્દ સાંભળતાં જ આંખો સામે તોફાન અને ધીંગામસ્તી કરતાં ટાબરિયાઓનું એક ચિત્ર ઉપસી આવે ! ખરેખર તો સાચું શાળા જીવન છેલ્લી બેન્ચ પર બેસતાં બાળકો જ જીવતા હોય છે. શાળા માંથી છૂટા પડ્યા પછી તેમની પાસે માર્કશીટમાં માર્ક્સ ભલે ઓછા હોય પણ યાદ રાખવા જેવી વાતો અઢળક હોય છે.જ્યારે પ્રથમ બેન્ચ વાળા પાસે ફક્ત માર્કશીટના માર્ક્સ જ હોય અને તે પણ તેને જીવનમાં કેટલા કામ લાગશે એ વિશે પણ શંકા-કુશંકા હોય.શાળાની દરેક બેન્ચની એક કહાની હોય છે. ના જાણે કેટકેટલા વિરલાઓ એ બેન્ચ પર બેસીને જીવનનું અતિ મૂલ્યવાન શિક્ષણ મેળવીને ગયા હશે..દરેક બેન્ચ તેની પાસે એક ભવ્ય ભૂતકાળ સમાવીને બેઠી હોય છે અને તે પણ જેમ જેમ પ્રથમ થી છેલ્લી બેન્ચ તરફ જઈએ તેમ તેમ વધુ ને વધુ રસપ્રદ થતો જાય છે.છેલ્લી બેન્ચે બેઠેલા વિદ્યાર્થીને ભલે વર્ગમાં બ્લેક બોર્ડ પર સાહેબ શું લખે છે તેની ખબર ના હોય, પણ આખી શાળામાં શું ચાલે છે એની પાક્કી ખબર હોય...ચાલુ ક્લાસે ધમાચકડી કરતા આ છેલ્લી બેન્ચ વાળા નાસ્તાનો આનંદ ઉઠાવે અને રીસેસના સમયમાં અવનવી રમતોની મજા માણે.શિક્ષકોની સૌથી વધુ ફટકાર મેળવનાર આ છેલ્લી બેન્ચ વાળા પોતાને એટલા તો પરિપક્વ બનાવી જ લે છે કે જ્યારે પણ જીવનમાં નાની મોટી ફટકારો આવે તો પણ હસતાં હસતાં એનો સામનો કરી શકે અને ક્યારેય એક પણ શિક્ષકના મોઢે અપશબ્દ ના સંભાળનાર પ્રથમ બેન્ચ વાળા કંપનીમાં ઉપરી અધિકારીઓના સામાન્ય ઠપકાથી પરેશાન થઈ જતા હોય છે.
છેલ્લી બેન્ચ વાળા વિદ્યાર્થીઓએ ભલે સૌથી વધુ ફટકાર મેળવી હોય પણ શાળા જીવનનો અસલી આનંદ શું હોય એ જાણવું હોય તો એ એમની પાસે જ સાંભળવા મળે. પરીક્ષાનું પરિણામ જે કઈ પણ આવે પરંતુ દરેક વાતે મોજમાં જ રહેતા હોય અને પ્રથમ બેન્ચ વાળાને 98% આવે તો પણ મોઢા પરથી માંખના ઉડતી હોય એવી ગમગીની છવાઈ જતી હોય છે..એમના દુઃખનું કારણ પૂછો તો કહે કે 2% ઓછા આવ્યા એટલે..! શાળા માંથી બહાર નીકળ્યા પછી આ છેલ્લી બેન્ચ વાળા જિંદગીના સફરમાં ઘણા આગળ નીકળી જતાં હોય છે કારણકે એ લોકો દરેક તકલીફમાં ' લડી લઈશું ' કે પછી ' જે થશે એ જોયું જાશે ' એવો અભિગમ રાખતાં હોય છે.છેલ્લી બેન્ચ માત્ર પુસ્તકીયું જ્ઞાન નહિ પરંતુ જીવન જીવવાનું શિક્ષણ આપી દેતી હોય છે.જ્યારે નિરાંતે મિત્રો પાસે બેઠા હોય ત્યારે તેમનો ખજાનો શાળા જીવનની રસપ્રદ અને મજાની વાતોથી ભરેલો હોય છે...
માઇક્રોસોફ્ટના સ્થાપક અને વિશ્વના ધનાઢય વ્યક્તિ બિલ ગેટ્સ કહેતાં કે, " મારા મિત્રોને મારા કરતાં ખુબ જ સારા માર્ક્સ આવતાં,આજે તેઓ એન્જિનિયર બનીને સારી એવી મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરે છે, જ્યારે હું એ કંપનીનો માલિક છું." ઘણા એમ વિચારે કે છેલ્લી બેન્ચ વાળા ડફોળ જ હોય પરંતુ એવું નથી હોતું. આલ્બર્ટ આઈન્સ્ટાઈનને પણ લોકો તેમના બાળપણમાં મંદબુદ્ધિ કહેતા હતા.જગતને ઇલેક્ટ્રિકબલ્બની ભેટ આપનાર અને પોતાની શોધો દ્વારા સમગ્ર વિશ્વને ઝગમાગાવનાર થોમસ આલ્વા એડિસનને પણ શાળા માંથી મંદબુદ્ધિનો બાળક કહીને કાઢી મૂકવામાં આવ્યો હતો.પરંતુ આ જ લોકોએ કંઇક અલગ કરી બતાવ્યું અને વિશ્વના ઇતિહાસમાં અમર થઈ ગયા...
ઘણા વર્ષો પહેલા ઇંગ્લેન્ડની ધી કિંગ્સ નામની એક સ્કૂલમાં હેનરી સ્ટોક્સ નામના શિક્ષક ભણાવી રહ્યા હતા.બધા વિદ્યાર્થીઓ ભણવામાં તલ્લીન હતા ત્યારે શિક્ષકનું ધ્યાન છેલ્લી બેન્ચ પર બેઠેલા એક વિદ્યાર્થી તરફ ગયું, જે બારી માંથી બહાર ડોકિયા કરી રહ્યો હતો. શિક્ષકને ગુસ્સો આવ્યો અને ઠપકો આપતાં હોય એમ પૂછ્યું કે ' " શું તાકી રહ્યો છે બારી ની બહાર.? " વિદ્યાર્થી બોલ્યો કે,” આ હળવા રૂ જેવા વાદળો આટલું બધું પાણી ભરીને કેવી રીતે દોડી શકતા હશે? “ શિક્ષકે તો પરિપક્વતા દાખવી તેને બેસાડી દીધો પણ વિદ્યાર્થીઓ હવે તેને મંદબુદ્ધિ કહીને ચીડવવા લાગ્યા.બળવાખોર, ગુસ્સાવાળો સ્વભાવ અને ભણવામાં બેદરકાર હોવાના લીધે તેને શાળા માંથી કાઢી મૂકવામાં આવ્યો પણ તેના શિક્ષક હેનરી સ્ટોક્સની ભલામણ ને લીધે તેને પાછો ફરીથી શાળાએ લેવામાં આવ્યો. શિક્ષકે તેને બીજા વિદ્યાર્થીઓને મારઝૂડથી નહિ પણ પોતાના અભ્યાસમાં શ્રેષ્ઠ પ્રદર્શનથી જવાબ આપવાની રીત શીખવી. બસ પછી તો ભણવામાં પણ તેનો ગ્રાફ ઊંચે ને ઊંચે ચડતો જ ગયો..શાળામાં સારું ભણીને કોલેજમાં પ્રવેશ મેળવ્યો.ત્યાં તે પોતાના સિનિયર વિદ્યાર્થીઓના કપડાં ધોઈ તેમજ નોકર બનીને પોતાનું ગુજરાન ચલાવતો અને ભણતો. પરંતુ તેના જીવનમાં એક વળાંક આવે છે. ઇંગ્લેન્ડમાં તે જ અરસામાં ભયંકર પ્લેગ ફાટી નીકળે છે અને ઠેર ઠેર લોકડાઉન લાગુ થઈ જાય છે.કોલેજમાં અનિશ્ચિત કાળ સુધી રજાઓ જાહેર થઈ જાય છે..આમ જ લોકડાઉનના સમયમાં તે એક દિવસ બગીચામાં બેઠો હતો.તેવામાં તેણે એક ઝાડ પરથી સફરજન નીચે પડતાં જોયું.તેને થયું કે આ સફરજન નીચે જ કેમ પડ્યું? કેમ ઉપર ના ગયું? કેમ આમ તેમ ના ફંગોળાયું અને સીધું નીચે જ પડ્યું? પૃથ્વી પાસે એવું તો કયું આકર્ષણ બળ છે કે તે સફરજનને પોતાની તરફ ખેંચે છે.? બસ આ જ બધા સવાલો માંથી જન્મ થાય છે એક અદભૂત વૈજ્ઞાનિક નો ,કે જે શોધ કરે છે ગુરુત્વાકર્ષણની. આજે વિજ્ઞાનમાં જેટલો પણ વિકાસ થયો હોય, વિજ્ઞાને અંતરિક્ષક્ષેત્રે જેટલી પણ નોંધપાત્ર શોધો કરી હોય તે બધાનો શ્રેય જાય છે ગુરુત્વાકર્ષણને..અને તે શોધ કરનાર મહાન વૈજ્ઞાનિક એટલે સર આઇઝેક ન્યુટન. ગુરુત્વાકર્ષણની શોધે તે સમયે વિજ્ઞાનની દિશા બદલી નાખી અને તેના પરિણામે વિજ્ઞાનનો વિકાસ જે હદે થયો છે તે આપણે સૌ આજે પણ જોઈ અને અનુભવી શકીએ છીએ...
છેલ્લી બેન્ચના વિદ્યાર્થી હોવું એટલે જરૂરી નથી કે બધા વૈજ્ઞાનિક જ બને તથા એમ પણ નથી કે તેઓ જીવનમાં કંઈ જ કરી ન શકે.દરેક બાળક એક ખાસ પ્રતિભા સાથે જન્મે છે.જરૂર છે તે પ્રતિભાને ઓળખવાની અને તેને યોગ્ય દિશામાં વાળવાની.ન્યુટનને હેનરી સ્ટોક્સ જેવા ગુરુ મળ્યા કે જેમને તેની પ્રતિભાને ઓળખી અને તેને ફરીથી શાળામાં પ્રવેશ અપાવી તેને યોગ્ય દિશામાં વાળ્યો.જો જીવનનાં તે પડાવમાં ન્યુટનને યોગ્ય દિશા ના મળી હોત તો તે કદાચ આજે અવિસ્મરણીય વૈજ્ઞાનિક તરીકે પ્રતિષ્ઠિત ના થયા હોત.કહેવાય છે કે પ્રથમ બેન્ચ વાળા ત્યાં સુધી જ હોશિયાર હોય છે જ્યાં સુધી છેલ્લી બેન્ચ વાળા સ્પર્ધામાં ઉતરતાં નથી.
પાર્થ પ્રજાપતિ
( વિચારોનું વિશ્લેષણ )