The butterfly effect
"It has been said that something as small as the flutter of a butterfly’s wings can ultimately cause a typhoon halfway around the world.” -CHAOS THEORY
પ્રોફેસર બોર્ડ પર કોઈ અઘરૂ સમીકરણ ઉકેલવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. તેમ કરવામાં તેઓ થોડી થોડી વારે બોર્ડ માં એક જગ્યા એ થી અલગથી ગણતરી કરતાં, તેનો જવાબ બોર્ડ ના બીજા ખૂણે રહેલા સમીકરણ માં મુકતા ,અને પછી પોતાના ચોક વડે ખરડાયેલા હાથથી જ ભૂંસી નાખતા. કુશળ વિદ્યાર્થી ઓ ને તેમાં ખૂબ રસ પડતો. તેઓ ને કોઈ અઘોરી આનંદ આવતો. મને વિજ્ઞાન પસંદ છે, પણ આટલુ અઘરું ગણિત નહિ . હું પ્રાર્થના કરી રહ્યો હતો કે “ જલ્દી દાખલો સોલ્વ થઈ જાય” . અમુક વિદ્યાર્થીઓ કંટાળીને છેવટે બેંચ પર માથું ટાકાવીને સુઈ ગયા હતા, જેમાના કેટલાક ખરેખર મીઠી નીંદ માણી રહ્યા હતા, મારો એક મિત્ર તો કહેતો કે “ આટલી મીઠી નીંદર તો એરકન્ડિશન મા પણ ન આવે જેટલી આ સર ના લેકચર માં આવે છે!”. અમુક લોકો ખૂબ ધીમા આવાજ થી અંદરોઅંદર વાતો કરી રહ્યા હતાં. હું કંટાળી ને આજુબાજુ જોઈ રહ્યો. એવામાં મારું ધ્યાન છેલ્લી બેન્ચ પર મારી બાજુના પાર્ટમાં બેઠેલી એક છોકરી પર પડ્યું. તેના ભૂખરા હળવા વાળ પંખાના પવનથી આમતેમ ઉડી રહ્યા હતા, પણ તેને તેની પરવા નહોતી. તે બેધ્યાનપણે પોતાના એક હાથ થી ક્યારેક વાળ સરખા કરતી રહેતી. તેના બીજા હાથમાં કોઈ બુક હતી જે તેણે બેન્ચ ની નીચે એવી રીતે રાખી હતી કે ફક્ત તે જ જોઈ શકે અને તેની ઘાટી પાંપણ વાળી આંજણ કરેલી આંખો એ બુક માં ખોવાયેલી હતી. આખા ક્લાસ અને પ્રોફેસર થી અળગી તે પોતાની દુનિયામાં વ્યસ્ત હતી. “વાહ!” હું મનમાં જ બોલ્યો. એ કટાક્ષ હતો કે વખાણ એ મને પણ ખબર નહોતી!
એક સ્પર્ધા હતી, વાર્તાલેખન. હંમેશા ની જેમ નોટિસ બોર્ડ પર નોટિસ ચીપકવવામાં આવી. નિયમો નો ઉલ્લેખ, છેલ્લી તારીખ. સ્પર્ધામાં ભાગ લેવા માટેના ફોર્મ લેવાનો આજે છેલ્લો દિવસ હતો . મારુ ધ્યાન ગયું હતું પરંતુ મારી કલ્પના જેટલી વિજ્ઞાન અને બ્રમ્હાન્ડ ના વિષય માં હતી એટલી કોઈ નિર્જીવ તદ્દન ઉપસાવી કાઢેલી વાર્તા ઘડવામાં હોય એવું મને નહોતું લાગતું. મને લાગ્યું આ મારા માટે નથી, આ એ લોકો માટે છે કે જેઓ વર્ગખંડ માં ચાલુ લેકચરે છેલ્લી બેન્ચ પર બેસીને પોતાનો સમય અમુક રોમાન્ટિક, ફિલોસોફીક, ફિકશન બુક્સ વાંચવામાં કાઢે છે તેમના માટે છે. જ્યારે મારા વિચારો હંમેશા એ વિચારવામાં ખર્ચાતા કે ' why? 'શા માટે કોઈ પણ વસ્તુ કોઈ અમુક રીતે વર્તે છે તો શા માટે. મને કારણો શોધવામાં વધારે રસ હતો. વૈજ્ઞાનિક કારણો, સનાતન સત્ય. છતાં માર્ક્સ હંમેશા એવરેજ જ આવતા! કદાચ મારો મોટા ભાગનો સમય વિચારવામાં જ પસાર થઈ જતો.
સમય બહુ નિર્દય વસ્તુ છે. થોડો પણ સમય બગાડવો મને પસન્દ નહોતું. અને તમારો સમય જો તમેં કોઈ ના વખાણ કે ઉતારી પાડવામાં ઉપયોગ કરી રહ્યા છો તો તમેં નર્ક માં છો. રમત હોય કે કોઈ સ્પર્ધા તેનો ઉદ્દેશ હંમેશા એક જ હોય કે જે શ્રેષ્ઠ હશે તેને ઇનામ મળશે. 'શા માટે બધાં એકસરખા નથી? 'હું હંમેશા મારી જાત ને આ સવાલ પૂછ્યા કરતો.
એ છોકરી જે હંમેશા સમય કરતાં વહેલી કલાસરૂમ માં પહોંચી જતી, છેલ્લી બેન્ચ પર બેસીને બુક્સ વાંચ્યા રાખતી. મેં ક્યાંરેય તેણી ને કોઈ સાથે વાત કરતા નહોતી જોઈ. તે આવીને પોતાનું વાંચવાનું ચાલુ કરે, બધા છૂટી જાય , છતાં તે એકલી બેસતી. જ્યારે કલાસરૂમ બંધ થાય ત્યારે જ બહાર નીકળે. મને લાગ્યું કે આ સ્પર્ધા તેના માટે છે.
***
તે નોટિસ બોર્ડ વાંચી રહી હતી, હું ગાર્ડનની બાજુમાં ઉભો રહીને તેણે જોઈ રહ્યો હતો. તેને પોતાનો મોબાઈલ કાઢ્યો અને નોટિસ બોર્ડ ના એક ઉપરના ખુણે મોબાઈલ રાખ્યો, એક ઝડપી પ્રકાશનો ઝબકારો થયો,તેણે ફોટો પાડ્યો અને ચાલતી થઈ ગઈ. એક ઘટ્ટ રાતાકાળા ટપકા વાળું પતંગિયું ગાર્ડન માંથી મારી પાસેથી પસાર થઈ ને નોટિસ બોર્ડ પર બેઠું. તેણી નું નામ તો નહોતી ખબર પણ તેને પણ લાલકાળા ટપકા વાળો ડ્રેસ પહેર્યો હતો! યોગાનુયોગ !! હું દોડતો નોટિસ બોર્ડ પાસે ગયો, અને તેણીએ ફોટા માં શું લીધું એ જોવાનો પ્રયત્ન કર્યો. ઉપરના ખૂણે વાર્તાલેખન ની એ નોટિસ હતી જે મને જરાય નહોતી ગમતી. મારા નજીક આવવાથી પતંગિયું ઉડીને જતું રહ્યું. કદાચ હું તેને પસંદ નહોતો!
મારા મગજ માંથી પેલું પતંગિયું હટવાનું નામ નહોતું લેતું. સાથે સાથેતેણીના ડ્રેસ નો કલર મારા મગજ માં કલ્પના ના રંગો ભરતો રહ્યો. છેક બીજા દિવસ સુધી વિચારો નો મારો ચાલતો રહ્યો.
****
બધા લેક્ચર પુરા કરીને હું ઝડપથી ઓફિસ માં ગયો, મારે પણ વાર્તા લખવી હતી. પેલા પતંગિયા પર.
“ફોર્મ લેવાની છેલ્લી તારીખ કાલે હતી અને ભરીને આપવાની છેલ્લી તારીખ કાલે છે.” ક્લાર્ક એ કર્કશ અવાજ માં કહ્યું. તેને ભૂતકાળ અને ભવિષ્યકાળ એક જ વાક્ય માં વણી લીધા અને મારા વર્તમાન અરમાનો પર પાણી ફેરવી દીધું.
હું તેની મૂછ સામે જોઈ રહ્યો, મૂછ બંને કિનારીએ થી વાળીને વણી લેવામાં આવી હતી. તે પોતાને મર્દ સાબિત કરવાની બહુ યોગ્ય અને સરળ રીત હતી. મૂછ મર્દ નું પ્રતીક છે. તેની મૂછ ના વાળ પણ ખરાબ રીતે કાળા-ધોળા નું મિશ્રણ હતા. બુઢ્ઢા ની ઉમર થઈ રહી છે.
“ હજી સામું શુ જોવે છે?” તેણે ગુસ્સાથી કહ્યું. ક્લાર્ક ક્યારેક પોતાને પ્રિન્સીપાલ સમજી લેતા હોય છે. અને ગુસ્સો ફક્ત રોફ જમાવવા માટે હતો.
“પણ સર…” મે વિનંતીના સુરમાં કહ્યું પણ તેણે અડધેથી વાત કાપીને ગુસ્સાથી મારી સામે જોઇને કહ્યું,”તું જા હજુ એક વાર નોટિસ વાંચી લે, પછી મારી પાસે આવ, ચલ નીકળ”
છેલ્લા બે શબ્દો મને ખુચ્યા, હું ઝડપથી ક્લાર્ક ને ગાળો ભાંડતો બહાર નીકળ્યો અને ધબ… હું તેણી સાથે અથડાયો!
“ફક…” અયોગ્ય સ્થાને અયોગ્ય શબ્દ. હું માફી માગવા માટે બીજી કોઈ શબ્દ શોધી રહ્યો હતો, અને મારું મગજ હજી ક્લાર્ક પર નો ગુસ્સા ને પચાવવા મથતું હતું.
“માફ કરજો… મારું ધ્યાન ન હતું” તેણીએ કહ્યું તે નોટિસ બોર્ડ વાંચી રહી હતી કે મારો અને ક્લાર્ક નો ઝઘડો સાંભળી રહી હતી તે નક્કી ન કરી શક્યો.
મારા ચહેરા ના ભાવ માંથી ગુસ્સો ધીમે ધીમે ઓગળી રહ્યો હતો, અને હું તેના અવાજ નું એનાલિસિસ કરવામાં ખોવાયેલો એની સામે જ જોઈ રહ્યો. તેણે પીળું ટોપ પહેર્યું હતું.
“મારી પાસે એક વધારે ફોર્મ છે” તેણીએ ફોર્મ મારી તરફ લંબાવતા કહ્યું
“હેં!” હું હજુ શૂન્યાવકાશ મા જ તેની સામે જોઈ રહ્યો હતો “ઓહ…” હું સંમોહન માંથી બહાર આવ્યો.
“ તમારે જોઈતું હોય તો તમે રાખી શકો!”તેણે ફરીથી ફોર્મ લંબાવતા કહ્યું.
મેં ઝડપથી ફોર્મ તેના હાથ માંથી લઇ લીધું,
“ઓહ માફ કરજો” મને મારી તોછડાઈ ની ખબર પડી ખરેખર આમ તો ન જ લેવું જોઈએ “ તો તમે શું કરશો” ? મેં પૂછ્યું
“મેં પેહલા જ કહ્યું તેમ મારી પાસે વધારાનું છે” અને તેણે ચાલવાનું શરૂ કર્યું.
“ખૂબ ખૂબ આભાર” મેં ત્યાં જ ઉભા રહીને કંઇક અસમજ માં કહ્યું.
પણ તેને જવાબ આપવાની પરવા ન હતી.
‘why?’ હું વિચાર માં પડ્યો ‘ જો તે ઈચ્છે તો આ ફોર્મ ફાડીને કચરકપેટી માં ફેંકી શકતી હતી, અથવા તો તે તેને સળગાવી શકતી હતી, અથવા… આવી તો લગભગ અનંત શક્યતાઓ હતી. પરંતુ જે થવાનું હોય તે થઈને જ રહે છે. ભગવાન તારો આભાર’.
બહાર ગાર્ડન માં એક પતંગિયા ના ઝુંડ માં પીળું પતંગિયું અલગ તરી રહ્યું હતું!
અને મારા મનમાં હવે રંગબેરંગી વિચારો નું વાવાઝોડું ફૂંકાઈ રહ્યું હતું
મેં મન માં જ ક્લાર્ક ને એક મોટી ગાળ દીધી.
ભાગ 1 સમાપ્ત... CONTINUED...