(2)
‘‘હું તારા માથે એક ભયાનક બલાને ઘૂમતી જોઈ રહ્યો છું. એ બલા ગમે ત્યારે તારે માથે સવાર થઈ જશે અને પછી તારી માટી પલીત થઈ જશે. મારી વાત યાદ રાખજે, બચ્ચા !’’ બાબા ઓમકારનાથે જિગરને આવી ચેતવણી આપી હતી, એને આજે પાંચમો દિવસ હતો અને જિગરને અત્યારે કોઈ યુવતીના હસવાનો અવાજ સંભળાતો હતો અને એ યુવતી તેને કહેતી હતી કે, ‘...એ તેના માથા ઉપર બેઠી છે ! !’
‘તો શું ખરેખર બાબા ઓમકારનાથની વાત સાચી સાબિત થઈ હતી અને શું એ ભયાનક બલા અત્યારે ખરેખર તેના માથા પર સવાર થઈ ચૂકી હતી ? ! ?
‘પણ....પણ એ યુવતી તેને દેખાતી કયાં હતી ? !’
‘તું મને જોઈ નહિ શકે, જિગર !’ જિગરના માથા પરથી એ યુવતીનો અવાજ સંભળાયો, એટલે જિગરનો ભય બેવડાયો. શું એ અદૃશ્ય યુવતી તેના મનની વાત પણ જાણી શકતી હતી ? ! ?
‘...ક...કોણ છે, તું ? !’ જિગરે કંપતા અવાજે પૂછયું.
અદૃશ્ય યુવતીનો જવાબ સંભળાયો નહિ.
‘તુ...’ જિગરે હિંમત એકઠી કરતાં અદૃશ્ય યુવતીને પૂછયું : ‘...તું મને એ કહે, શું તું કોઈ મોટી જાદુગરની છે ? !’
જવાબ મળ્યો નહિ.
‘શું તું...,’ જિગરે પૂછયું : ‘...તું કોઈ પ્રેતાત્મા છે ?’
અદૃશ્ય યુવતીનો જવાબ સંભળાયો નહિ.
‘....શું તું ચુડેલ છે ? ! કોઈ..., કોઈ અલાબલા છે ? !’
અને આ વખતે અદૃશ્ય યુવતીનો ગંભીર અવાજ સંભળાયો : ‘જિગર ! હું કોઈપણ છું, તું એની પંચાતમાં પડ નહિ. બસ, તું એટલું યાદ રાખ કે, હું તારી હમદર્દ છું.’
‘હમદર્દ ? !’ જિગર બોલ્યો.
‘હા.’ અદૃશ્ય યુવતીનો
અવાજ
આવ્યો : ‘હવે તારું દર્દ એ મારું દર્દ છે. તારી તકલીફ એ મારી તકલીફ છે.’
‘મનેેે...!’ જિગર બોલી ઊઠયોઃ ‘...મને કોઈ તકલીફ નથી.’
‘જૂઠું ન બોલ.’ અદૃશ્ય યુવતીનો અવાજ આવ્યો : ‘મને તારી તકલીફની...’
‘મેં કહ્યું ને કે, મને કોઈ તકલીફ નથી.’ જિગર એકદમથી મોટા અવાજે બોલી ઊઠયો : ‘અસલમાંં અત્યારે તું જ મારા માટે એક મોટી તકલીફ છે. તું જ અત્યારે મને દર્દ પહોંચાડી રહી છે, મારું માથું ફાટી રહ્યું છે, મારું હૃદય જાણે બેસી રહ્યું છે. મને..મને લાગે છે કે, હમણાં હું ચકકર ખાઈને...’
‘...ઠીક છે.’ અદૃશ્ય યુવતીનો એક નિસાસો સંભળાયો અને પછી એનો અવાજ સંભળાયો : ‘મારા આગમનથી તું આટલો બધો પરેશાન થઈ ઊઠયો છે, એટલે અત્યારે હું ચાલી જાઉં છું. પણ હા, હું તારી પાસે ફરી પાછી આવીશ, જરૂર આવીશ !’ અને આ સાથે જ જિગરના માથા પરથી ફડ્..ફડ્..ફડ્નો કોઈ પંખીના ઊડી જવાનો અવાજ સંભળાયો, અને એ સાથે જ જિગરનું ગઈકાલ રાતથી ભારે થઈ ગયેલું માથું એકદમથી જ હળવુંફૂલ થઈ ગયું.
‘તો...તો શું એ અદૃશ્ય યુવતી ચાલી ગઈ હતી ?’ મનોમન વિચારતાં જિગર એ યુવતી તરફથી કોઈ અવાજ સંભળાય છે ? ! એ કળવા માટે કાન સરવા કરીને બેસી રહ્યો.
રૂમમાં ભયંકર શાંતિ છવાયેલી રહી.
પળ.., બે પળ.., પાંચ પળ...! કોઈ અવાજ સંભળાયો નહિ.
‘તું....’ જિગરે હળવેકથી પૂછયું : ‘...શું તું હજુ મારા માથે જ બેઠી છે કે, ચાલી ગઈ ?’
તેને અદૃશ્ય યુવતી તરફથી કોઈ જવાબ સંભળાયો નહિ.
‘આનો મતલબ એ કે, એ યુવતી ચાલી ગઈ.’ જિગરે વિચાર્યું અને નિરાંતનો શ્વાસ લેતાં પલંગ પર લેટયો, પણ ત્યાં જ તેને એ યુવતીના શબ્દો યાદ આવ્યા : ‘‘મારા આગમનથી તું આટલો બધો પરેશાન થઈ ઊઠયો છે, એટલે અત્યારે હું ચાલી જાઉં છું. પણ હા, હું તારી પાસે ફરી પાછી આવીશ, જરૂર આવીશ !’
અને જિગર પાછો પલંગ પર બેઠો થઈ ગયો. ‘...તો એ યુવતી.., એ પ્રેત-ચુડેલ, અલા-બલા, કોઈ અદૃશ્ય શક્તિ, કે એ જે કોઈ પણ હતી, એ પાછી આવવાની હતી ! અને એ પાછી આવે એટલે શી ખબર તેનું શુંય થશે ? !’ તે ઊભો થયો અને બેચેની સાથે રૂમમાં આમથી તેમ આંટા મારવા માંડયો. તેણેે બાબા ઓમકારનાથની ચેતવણી માની લેવાની જરૂર હતી. પણ તેને શી ખબર કે બાબા ઓમકારનાથ સાચું બોલી રહ્યા હતા ! તેને તો એમ જ હતું ને કે, બાબા ઓમકારનાથ કોઈ લેભાગુ સાધુ-બાવા-તાંત્રિક છે. અને બાબા ઓમકારનાથ તેની પાસે આવ્યા હતા પણ એ રીતના જ ને !
અને જિગરની નજર સામે ચાર દિવસ પહેલાંની બાબા ઓમકારનાથ સાથેની તેની વાત અને મુલાકાત તરવરી ઊઠી.
એ દિવસે સાંજ સરકી જઈ રહી હતી અને રાત આવી રહી હતી, બરાબર એવી જ પળે તે મોટરસાઈકલ પર ઑફિસેથી ઘર તરફ પાછો ફરી રહ્યો હતો. અને ત્યારે અચાનક જ એક મોટા ધડાકા સાથે તેની મોટરસાઈકલના ટાયરનું પંકચર પડયું હતું. તેણે મોટરસાઈકલ પર કન્ટ્રોલ કરી લેતાં મોટરસાઈકલ ઊભી રાખી દીધી હતી.
આસપાસના વાહનચાલકો તેની તરફ નજર નાખતા આગળ વધી ગયા હતા.
જિગરે પંકચર બનાવનારની દુકાન શોધવા માટે ચારે બાજુ નજર ફેરવી હતી, ત્યાં જ તેની નજર, સામેથી ઝડપી ચાલે તેની તરફ આવી આવી રહેલા એક સાધુબાબા પર પડી હતી.
છ-સવા છ ફૂટ ઊંચા-પહોળા એ સાધુબાબાએ ભગવા રંગનો ઝભ્ભો અને ભગવા રંગની ધોતી પહેરી હતી. એમણેે ગળામાં તેમજ બન્ને હાથમાં રૂદ્રાક્ષના મોટા-મોટા દાણાની માળા પહેરેલી હતી. એમના પહોળા કપાળ પર કંકુથી ‘ઓમ !’ લખાયેલું હતું. એમના તેજભર્યા ચહેરા પરની આંખો મોટી-મોટી હતી અને એમાંની મોટી-મોટી કાળી કીકીઓ તેની તરફ તકાયેલી હતી. એ કંઈક બબડતા તેની તરફ જ આવી રહ્યા હતા.
એ સાધુબાબા તેની નજીક આવીને ઊભા રહ્યા, ત્યારે જ તેને ખ્યાલ આવ્યો કે, એ સાધુબાબાની નજર તેના માથાના ઉપરના ભાગમાં તકાયેલી હતી.
‘‘શું છે, બાબા !’’ પૂછતાં તેણે માથા પર હાથ ફેરવ્યો હતો.
‘‘બલા છે, બચ્ચા !’’ સાધુબાબાએ તેના માથા પર તાકી રહેતાં કહ્યું હતું.
‘‘બલા...? !’’ તે બોલી ઊઠયો હતો : ‘કેવી બલા, બાબા ? !’’
‘‘...એ તને નહિ સમજાય, બચ્ચા, પણ...’’ તેના માથા પરથી નજર હટાવ્યા વિના સાધુબાબાએ કહ્યું હતું : ‘‘...મારે બલાને ભગાડી મૂકવા માટે કેટલીક વિધિ કરવી પડશે અને એમાં પાંચ હજાર રૂપિયા ખર્ચ થશે.’’
‘‘પાંચ હજાર રૂપિયા ? ! !’’
‘હા !’ સાધુબાબાએ કહ્યું : ‘તું મને પાંચ હજાર રૂપિયા આપી દે, અને પછી નિશ્ચિંત થઈ જા. પછી એ બલા કદી તારી આસપાસ નહિ ફરકે, કદી તને પરેશાન નહિ કરે.’
તે સાધુબાબા તરફ તાકી રહ્યો. તેને સાધુબાબાની વાત પર વિશ્વાસ બેઠો નહોતો. સાધુબાબા તેની પાસેથી પાંચ હજાર રૂપિયા પડાવી લેવા માટે જ તેને આમ બલાને નામે ગભરાવી રહ્યા હતા.
‘‘બાબા !’’ તેણે સાધુબાબાને એકદમથી ઘસીને ના પાડી દેવાને બદલે કહ્યું હતું : ‘‘મારી પાસે પાંચ હજાર રૂપિયા નથી.’’
‘‘જુઠું ન બોલ, બચ્ચા !’ સાધુબાબા મકકમ અવાજે બોલ્યા હતા : ‘‘મને ખબર છે, તારા ખિસ્સામાં એટલા રૂપિયા તો પડયા જ છે.’’
અને તે ચોંકી ઊઠયો હતો. તેના ખિસ્સામાં પહેલાંથી પાંચસો રૂપિયા હતા જ, અને આજે પગાર તારીખ હતી એટલે તેના ખિસ્સામાં પગારના બીજા સાત હજાર રૂપિયા સાંજે જ આવ્યા હતા. પણ આ વાતની આ સાધુબાબાને કયાંથી ખબર પડી ? !
હવે તેને આ સાધુબાબા ઠગ હોવાનો વિશ્વાસ બેસી ગયો. નકકી આ સાધુબાબાએ કોઈક રીતના જાણી લીધું હતું કે, તેની પાસે આટલા રૂપિયા છે. અને એ તેની પાસેથી આવી બધી અલાબલાની ડરાવનારી વાતો કરીને તેના આ રૂપિયા ઠગી લેવા માંગતા હતા.
‘‘બાબા !’’ જિગર બોલ્યો : ‘‘ભલેને અત્યારે મારી પાસે ગમે તેટલા રૂપિયા હોય, પણ મારે તમને નથી આપવા ! મારે તમારી પાસે કઈ વિધિ નથી.....’’
‘‘...આ બાબા ઓમકારનાથની વાત નહિ માને અને જો વિધિ માટે રૂપિયા નહિ આપે તો તું ખૂબ જ પસ્તાઈશ !’’ બાબા ઓમકારનાથ બોલ્યા હતા : ‘‘...એકવાર બલા તારા માથે સવાર થઈ જશે પછી તું હેરાન-પરેશાન થઈ જઈશ.’’
‘ના ! મારે આ ઢોંગીબાબાની વાતથી ડરી-ગભરાઈને એને રૂપિયા આપી દેવાની જરૂર નથી.’ જિગરે મનોમન વિચાર્યું હતું, ત્યાં જ જિગરના કાને બાબા ઓમકારનાથનો અવાજ અફળાયો હતો : ‘આ બાબા ઓમકારનાથ ઢોંગી નથી અને જૂઠ્ઠો પણ નથી.’ બાબા ઓમકારનાથે તેના માથા પર એ જ રીતના તાકી રહેતાં કહ્યું હતું : ‘‘હું તારા માથે એક ભયાનક બલાને ઘૂમતી જોઈ રહ્યો છું. એ ગમે ત્યારે તારે માથે સવાર થઈ જશે. મારી વાત યાદ રાખજે, બચ્ચા !’’
અને જિગરે એ સાધુબાબા-બાબા ઓમકારનાથની વાતને સાંભળી ન સાંભળી કરી દીધી હતી અને મહેનતપૂર્વક પંકચરવાળી મોટરસાઈકલને ધકેલતો ત્યાંથી આગળ વધી ગયો હતો. પછી તેણે પાછું વળીને જોયું સુધ્ધાં નહોતું.
અને આજે...
જિગર ભૂતકાળમાંથી પાછો વર્તમાનમાં આવ્યો.
...આજે તેને એ સાધુબાબાની-બાબા ઓમકારનાથની વાત સાચી પડી હોય એવું લાગતું હતું !
તેને એક યુવતીનો અવાજ સંભળાયો હતો. એ યુવતી તેને દેખાતી નહોતી, પણ તે એ યુવતીનો અવાજ સાંભળી શકતો હતો. એ યુવતી પોતે કોણ હતી ? ! એ તેને કહેવા તૈયાર નહોતી, પણ એ યુવતી કોઈ ભયાનક અલાબલા-કોઈ ખતરનાક અદૃશ્ય શક્તિ હતી એ વાતમાં કોઈ બે મત નહોતા.
અને એ ભયાનક બલા-એ ખતરનાક અદૃશ્ય શક્તિ તેને કહીને ગઈ હતી કે, એ પાછી આવશે. જરૂર પાછી આવશે.
જિગરને ખૂબ જ અફસોસ થયો. એ વખતે તેણે બાબા ઓમકારનાથની વાત માની લેવાની જરૂર હતી અને એ વખતે એમને પાંચ હજાર રૂપિયા આપીને એ વિધિ કરાવી દેવાની જરૂર હતી. પણ તેને શી ખબર કે બાબા ઓમકારનાથ બિલકુલ સાચું બોલતા હતા ! કોઈનેય બાબા ઓમકારનાથની વાત સાચી લાગે એવી હતી જ કયાં ? !
પણ તેની સાથે સાચેસાચ એ વાત બની રહી હતી ! અને હવે એનાથી બચવા માટે કરવું શું ? ! બાબા ઓમકારનાથને તેણે પાંચ દિવસ પહેલાં જિંદગીમાં પહેલી વાર અને છેલ્લીવાર જોયા હતા. હવે એમને શોધવા કયાં ? !
જિગર આ સવાલોમાં અટવાતો રૂમમાં આમથી તેમ આંટા મારીને થાકયો. ‘તે જો આ રીતના વિચારતો રહેશે તો પાગલ બની જશે. તેણે આ બધાં વિચારોને દૂર રાખવા માટે ઘરની બહાર નીકળવું જોઈએ.’
અને તે બહાર નીકળ્યો. તે મોટરસાઈકલ પર સવાર થયો અને કયાં જવું છે એ કંઈ નકકી કર્યા વિના જ તેણે મોટરસાઈકલને હંકારી મૂકી.
થોડીક વાર સુધી તે આમથી તેમ મોટરસાઈકલ પર રખડતો રહ્યો.
તે એક મલ્ટીપ્લેક્ષ થિયેટર પાસેથી પસાર થયો, ત્યાં જ તેને થયું કે, મન-મગજને બીજે વાળવા માટે તેણે ફિલ્મ જોવા માટે બેસી જવું જોઈએ.
તેણે કાંડા ઘડિયાળમાં જોયું. સવા સાત વાગ્યા હતા. તેણે એક બાજુ મોટરસાઈકલ ઊભી રાખી.
ટિકિટબારી નજીક પહોંચીને તેણે જોયું. એક હિન્દી ઍકશન ફિલ્મ સાડા સાત વાગ્યે શરૂ થતી હતી.
તેણે એ ફિલ્મની ટિકિટ લીધી. પાર્કિંગમાં મોટરસાઈકલ પાર્ક કરી. તેણે ટિકિટ કપાવી અને થિયેટરના આગળના હૉલમાં દાખલ થયો.
તેનો શૉ શરૂ થવાને હજુ દસેક મિનિટની વાર હતી. હૉલમાં કેટલાંક પ્રેક્ષકો અંદર-અંદર વાતચીત કરતા બેઠા હતા.
જિગરે એક તરફ આવેલી કૅન્ટીનમાંથી ઠંડું પીણું લીધું અને ગટગટાવી ગયો. ધીમો ઓડકાર ખાતો તે ખૂણાની એક ખાલી ખુરશી તરફ આગળ વધી ગયો. તે ખુરશી પર બેઠો.
અત્યારે હવે તેને સારું લાગી રહ્યું હતું. તેણે હૉલમાં નજર ફેરવી. તેની નજર દરવાજા પર અટકી. ટિકિટ કપાવી રહેલા માણસ પર નજર પડતાં જ જિગરના ચહેરા પર અણગમો આવી જવાની સાથે જ તેનાથી મનોમન બોલાઈ ગયું, ‘અરે, યાર ! આ અહીં પણ આવી ગયો ? !’ અને તેણે તુરત જ પોતાનો ચહેરો નીચો કરી લીધો.
-એ માણસ જિગર સાથે ઓરમાયું વર્તન રાખતો કંપનીનો મેનેજર ધવન હતો.
અત્યારે ધવનને બદલે અરૂણ કે તેની કંપનીનો બીજો કોઈ સાથી કર્મચારી હોત તો જિગરે સામે ચાલીને એને બોલાવ્યો હોત. પણ ધવનથી તેણે ચહેરો છુપાવ્યો. ઑફિસમાં તે ધવન સામે જવાનું ટાળતો હતો, ત્યાં અત્યારે સામે ચાલીને એને બોલાવીને મૂડની પથારી કયાં ફેરવવી ? !
અને તેણે આંખના ખૂણેથી જોયું તો મેનેજર ધવન ‘ટૉઇલેટ-બાથરૂમ’ તરફ ચાલ્યો જઈ રહ્યો હતો.
જિગરે રાહતનો શ્વાસ લીધો.
શૉ શરૂ થવાને તૈયારી હતી એટલે એકસાથે વીસ-પચીસ પ્રેક્ષકોનો રેલો ટિકિટ કપાવીને અંદર આવ્યો.
‘ધવન આવે એ પહેલાં જ થિયેટરનો દરવાજો ખૂલે તો અંદર જઈને મારી સીટ પર બેસી જાઉં.’ જિગરે વિચાર્યું, ત્યાં જ થિયેટરનો દરવાજો ખુલ્યો. હજુ હમણાં જ હૉલમાં દાખલ થયેલા અને ઊભેલા તેમ જ અગાઉથી સીટ પર બેઠેલા પ્રેક્ષકો ઊભા થયા અને થિયેટરના દરવાજા તરફ આગળ વધી ગયા.
‘બસ, હવે જલદીથી અંદર સીટ પર જઈને બેસી જાઉં.’ વિચારતાં જિગર ઊભો થવા ગયો, ત્યાં જ તેના કાને જાણે કોઈ પંખીની પાંખોનો ફડફડાટ સંભળાયો અને બીજી જ પળે તેના માથે જાણે એ પંખીની ભાલા જેવી અણીદાર ચાંચ ભોંકાઈ ! ! !
દૃ દૃ દૃ
જિગર ઊભો થયો. તેણે જોયું તો ઊભેલા અને બેઠેલા પ્રેક્ષકોમાંથી મોટાભાગના પ્રેક્ષકો થિયેટરમાં દાખલ થઈ ગયા હતા. હવે હૉલમાં ફકત કૅન્ટીનબૉય જ હતો અને એ પણ પૉપકોર્ન બનાવવાના કામમાં પરોવાયેલો હતો.
જિગર લાંબા પગલાં ભરતાં આગળ વધ્યો..., .....ટૉઈલેટ તરફ આગળ વધ્યો.
તે ટૉઈલેટના મેઈન દરવાજા પાસે પહોંચ્યો. તે દરવાજો ધકેલીને અંદર દાખલ થયો, તેની પીઠ પાછળ દરવાજો પાછો બંધ થયો. એ જ પળે જમણી બાજુના પહેલા બાથરૂમનો દરવાજો ખુલ્યો અને મેનેજર ધવન બહાર નીકળ્યો. ધવનની નજર જિગર પર પડી અને એણે પૂછયું : ‘ઓહ, જિગર ! તો તું પણ ફિલ્મ જોવા આવ્યો છે ?’
‘ના !’ જિગર હળવેકથી બોલ્યો : ‘હું ફિલ્મ જોવા નથી આવ્યો !’
ધવન ખડખડાટ હસી પડયો. વૉશબેસિનમાં હાથ ધોતાં એે બોલ્યો : ‘તો ભલા માણસ, તું શું અહીં ફકત ટૉઈલેટ કરવા જ આવ્યો છે ? !’
‘ના...,’ જિગર મેનેજર ધવનની બિલકુલ નજીક પહોંચ્યો : ‘હું તારું ખૂન કરવા આવ્યો છું !’ અને જિગરે પલક ઝપકતાં જ પોતાના બન્ને હાથે ધવનનું ગળું પકડી લીધું.
ધવનની આંખોમાં આશ્ચર્ય અને આંચકાના ભાવ આવ્યા અને એ પોતાના ગળા પરથી જિગરના હાથ હટાવવા ગયો, પણ ત્યાં જ જિગરે ધવનનું ગળું એવી રીતના ભીંસ્યું કે ધવનનો શ્વાસ રૂંધાવા માંડયો........
( વધુ આવતા અંકે )