teacher - 23 in Gujarati Fiction Stories by Davda Kishan books and stories PDF | ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 23

Featured Books
Categories
Share

ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 23

શિક્ષક એટલે એક એવો વ્યક્તિ કે જે પોતે તો યથા સ્થાન પર રહે છે પરંતુ પોતાના વિદ્યાર્થીઓને હંમેશા આગળ વધવા માટે પ્રોત્સાહન તેમજ પ્રેરણા આપે છે. શિક્ષકનું બીજું નામ એટલે જ પ્રેરણા. જીવનના દરેક તબક્કે અનેક મુશ્કેલીઓ આવે છે. શિક્ષક દ્વારા ચિંધાયેલા માર્ગ પર ચાલવાથી આ તમામ મુશ્કેલીઓને હરાવીને વિજય અવશ્ય મેળવી જ શકાય છે. આપણે સૌ ગુરુ પૂર્ણિમા ખૂબ જ ધામ ધૂમથી ઉજવીએ છીએ. અહીં પ્રશ્ન એ જ છે કે શું આપણામાં માત્ર આ એક જ દિવસ શિક્ષકો માટે માન, આદર, સમ્માન હોવું જોઇએ?

જવાબ છે ના. પણ હાલની તમામ પરિસ્થિતિઓ એવું જણાવે છે કે માણસ એક એવું સજીવ પ્રાણી છે જેના માટે શિક્ષકોને અથવા કોઈ પણ લોકોને માન આપવા માટે દિવસની ગણત્રી કરેલ છે. આનું જ એક ચોક્કસ ઉદાહરણ લઈએ તો કોઈ આધ્યાત્મિક તહેવાર પર જે તે ભગવાનનું કે વ્યક્તિનું (સંતોનું) માન વધી જાય છે. ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. આ દેશમાં બધાં ધર્મો વસે છે. બસ, ક્યાંક માનવ ધર્મ જ ખૂટતો હોય એવું ભારતનું દ્રશ્ય છે. શિવરાત્રિના દિવસે લોકોને અચાનક અને એમાં પણ ઓટોમેટિકલી શંકર ભગવાન પ્રત્યે જે માન, આદર અને ભાવ ઊપજી આવે છે, તે ખરેખર ગજબનો હોય છે.
જન્માષ્ટમી પર બધાને એક સાથે ભગવાન શ્રી કૃષ્ણ યાદ આવે છે.

અરે ભગવાનને યાદ કરવામાં પણ આજના માનવીએ દિવસો નક્કી કરી રાખ્યાં છે. તેમનાં જન્મદિવસ હોય કે કોઈ પાટોત્સવ હોય ત્યારે લોકોને અંદરથી ભક્તિનું ભૂત વળગે છે. શું આ જ સાચી ભક્તિ છે? એક દિવસીય આદર, ભાવુકતા, માન, સમ્માન અને પોતીકા પણું, આ મનુષ્યમાં રહેલ આ વૃત્તિને સાચી ભક્તિ કહી શકાય ખરું?

અહીં તો શિક્ષકની વાત થાય છે ત્યારે આપણી સાથે હંમેશા રહેનાર શિક્ષકને પણ આપણે સૌ ગણીને ત્રણ દિવસ માટે માન આપીએ છીએ. જેમાં શિક્ષક દિવસ, ગુરુ પૂર્ણિમા અને વસંત પંચમીનો સમાવેશ થાય છે. બાકીના બધા દિવસો આપણે કહીએ એમ શિક્ષકે કરવું જોઈએ. વાહ આજનો માનવી વાહ!

આપણી વાર્તા તરફ આગળ વધીએ.

નવમાં ધોરણનું પરિણામ આવી ગયું હતું. વેકેશન ચાલી રહ્યું હતું. આ વખતનું વેકેશન યાદગાર કેવી રીતે બનાવવું એની કોન્ફરન્સ કોલ પર વિદ્વાન બનેલાં વિદ્યાર્થીઓ ચર્ચા કરી રહ્યાં હતા. આ ચર્ચા હવે કોઈ સંસદની બેઠક માફક બની રહી હતી. ચર્ચાએ જોર પકડ્યું હતું. આ ચર્ચા વધારે જટિલ બનતી હતી. આ ચર્ચાના મંત્રીઓ એટલે એસ.વી.પી એકેડમીના ખ્યાતનામ મિત્રતાનું બિરુદ ધરાવતાં ચાર વિદ્યાર્થીઓ કે જેમાં ધારા, કિશન, દેવાંશી અને અક્ષરનો સમાવેશ થાય છે.

ચર્ચાના મુદ્દાઓ એટલાં ગંભીર હતાં કે મમ્મીનાં ત્રણ વાર આવકારવા છતાં કિશન આજે જમવા માટે ગયો નહોતો. ક્યારેય પણ પોતાની ભૂખ સાથે કોમ્પ્રોમાઇઝ ના કરતો કિશન આજ સંસદનો અધ્યક્ષ બનીને જમવા માટે થોડી વાર પછી આવશે એમ કહીને ખૂબ જ રસપ્રદ રીતે ભાગ લઈ રહ્યો હતો.

"આ વખતે આપણે એવું તે શું કરી શકીએ કે આપણું આ વેકેશન યાદગાર બને?" દેવાંશીએ આ ચર્ચા મૂકી.

"મારો વિચાર એવો છે કે આપણે પિકનિક પર જઈએ." ભાવિ લેખક કિશને ચર્ચામાં પોતાની હાજરી પુરાવતા કહ્યું.

"ના હો, પિકનિકમાં નથી જવું." ધારા બોલી.

"હા ધારા, કંઇક અલગ વિચારો યાર."

આ ચર્ચા આશરે વીસેક મિનિટ સુધી ચાલતી રહી. અંતે બીજા દિવસે સ્કૂલના શિક્ષકોનો સુજાવ લેવાનું નક્કી કરવામાં આવ્યું.

આ ચર્ચા સમાપ્ત થયા પછી કિશને રાત્રી ભોજન કર્યું. વેકેશનમાં નવી નવી વાનગીઓને કિશનનાં મુખમાં મુલાકાત લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થતું રહેતું. જાણે વિવિધ વાનગીઓ તેના મુખમાં પ્રવેશ લેવા માટે તડપી રહી હોય તેવું લાગી રહ્યું હતું. ક્યારેક દાબેલી, ક્યારેક મસાલા ઢોસા તો વળી ક્યારેક વિવિધ પંજાબી સબ્જી તેના મુખમાં પ્રવેશ મેળવી લેતી. ઘણી વખત ભાવતી વાનગી હોય તો તેના મુખ પર હાઉસ ફૂલનો બોર્ડ લાગી જતો.

ભૂમિ મેડમને જ્યારથી પોતાની દીકરી પાછી મળી છે ત્યારથી રોજ દેવાંશીને ભાવતું ભોજન બનાવી આપે. બંને એક બીજા સાથે ખૂબ જ ખુશ હતાં. ધારા અને અક્ષર પણ પોતાનું વેકેશન વાનગીમય રીતે વિતાવી રહ્યા હતા. વેકેશનમાં બધાના મમ્મીઓ વિવિધ ભોજનના રસાસ્વાદ કરાવતા.

નવા દિવસે બધાં લોકો ગ્રીન પાર્ક ગાર્ડનમાં મળ્યાં જેમાં શિક્ષકો પણ સમાવિષ્ટ હતાં. કદાચ આ સમયગાળા દરમિયાન એ શિક્ષકોને મિત્રો કહીને સબોધવું ઉચિત રહેશે.

"સર, કેમ છો?" નયને સરને પૂછ્યું.

"બસ, મજામાં હો, તમે બધાં કહો. આજ અમને અહીંયા મળવા બોલાવ્યા. પાછો ક્રિકેટ મેચ ગોઠવવાની ઈચ્છા છે કે શું?" પાર્થ સરે ખેલાડી બેટિંગ કરતો હોય તેવી એક્શન સાથે કહ્યું.

"હા સર, ચાલો ગોઠવો." દીપે સરને કહ્યું.

"ના દીપ, આ વખતે કંઇક નવું જ કરીએ." ઓમ દીપની વાતને નકારતાં બોલ્યો."

આવી ચર્ચા ઘણી વાર સુધી ચાલી. અંતે આ વેકેશનમાં વિવિધ જૂની રમતો રમવાનું નક્કી કરવામાં આવ્યું. શાળા દ્વારા વેકેશનમાં ખાસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું.

કબડ્ડી, ખો ખો, આટિયા પાટિયા, નારગોલ, કુંડાળું, રસ્સા ખેંચ જેવી વિવિધ રમતો આ આયોજનમાં શામેલ હતી.

આ રમતો રમીને બધાં વિદ્યાર્થીઓને આનંદ આવી ગયો. જૂની રમતો વિશે વિદ્યાર્થીઓને જાણવા મળ્યું અને બાકીનું વેકેશન વિતાવવા માટે નવી રમતો મળી.

મિત્રો, એસ.વી.પી. એકેડમીના શિક્ષકો દ્વારા આવું સુંદર મજાનું આયોજન કરાયું હતું. આપ શિક્ષક મિત્રો પણ વેકેશનના સમયમાં કે રજાના દિવસોમાં આવું આયોજન કરી શકો છો. જે થી વિધાર્થીઓને આપના સમયની રમતનું ભાન થાય અને આજની આ ટેકનોલોજીના યુગમાં જીવતી પેઢીને જૂની અને શારીરિક કસરતો આપોઆપ થાય તેવી રમતોનો પરિચય થાય.
આવી રમતો દ્વારા વિદ્યાર્થીઓનો માનસિક વિકાસ, મનોરંજન, તેમજ શારીરિક વિકાસ પણ થશે.

આદર્શ શિક્ષક એ છે જે વિદ્યાર્થીનું સન્માન કરે છે. વિદ્યાર્થીમાં સમાજિક સભાનતા કેળવે છે. માયાળુ અને પ્રેમાળ હોય છે. દરેક વિદ્યાર્થી માટે સરખું માન ધરાવે છે. ભણવવા પ્રત્યે પ્રેમ ધરાવે છે. વિષયમાં તજજ્ઞ હોય છે. વિષયને રસમય શૈલીમાં રજુ કરવાની ક્ષમતા ધરવતો હોય છે. વિદ્યાર્થીઓ સાથે જીવંત સંપર્ક રાખવાની તેનામ ક્ષમતા છે. અને વિષયમાં વ્યવસાયિકતાને પ્રાધાન્ય આપે છે.

આદર્શ શિક્ષકને માટે જ્ઞાન તો આવશ્યક જ છે.પણ એ પૂરતું નથી. એ જ્ઞાન પચાવવા, સરળ બનાવવા, શિષ્યોના મનમાં ઉતારવા મહેનત કરવી જોઈએ, ઉદ્યમ કરવો જોઈએ, શ્રમ કરવો જોઈએ. જ્ઞાન ઉપરાંત કર્મ અનિવાર્ય છે. વર્ગમાં જતા પહેલા તેની તૈયારી કરવી જોઈએ, તાલીમ લેવી જોઈએ, પ્રયોગ કરવા જોઈએ, શિક્ષકે ભણાવતાં પણ શીખવું જોઈએ. જ્ઞાન અને કર્મનો મેળ થાય તો શિક્ષણ જામે. પરંતુ એ જ્ઞાન અને કર્મ પૂરતાં નથી. ત્રીજી જોઈએ છે ભક્તિ. ભક્તિ એ રાજમાર્ગ છે. તે ઘણાંખરાં માણસોનો ઉદ્ધાર કરાવે છે, તે જ્ઞાન અને કર્મની ખોટ પણ પુરી દે છે, તે મુક્તિનું દ્વાર અને સાધનાની કૂંચી છે. અને શિક્ષકને માટે ભક્તિ એટલે પ્રેમ, હૂંફ, ભાવના. ભાવના એટલે દરેક વિદ્યાર્થી માટે લાગણી, માન, કદર.

હું આ નવલ કથા લખી રહ્યો છું ત્યારે મારા મતે "નાની નાની વાતોમાં જીવનનું મહત્વ અને જીવન જીવવાની રીત શીખવી જાય એ સાચો શિક્ષક."

વેકેશન ધીરે ધીરે પૂર્ણ થતું હતું. દસમાં ધોરણની શરૂઆત થવાની હતી. નવા ધોરણમાં પહેલો દિવસ કેવો રહેશે?

આગળ જાણવા માટે વાંચતા રહો....

ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી

ig:- @author.dk15

FB:- Davda Kishan

eMail:- kishandavda91868@gmail.com