Ek Adhuri dasta - 8 in Gujarati Love Stories by Hukamsinh Jadeja books and stories PDF | એક અધૂરી દાસ્તાં... - 8

Featured Books
Categories
Share

એક અધૂરી દાસ્તાં... - 8

8.
એ દિવસો યાદ કરું છું તો આજેય આંખો ભરાઈ આવે છે અનુ. એ હોસ્પિટલની વાસ આજેય મગજમાં ઘુમેરાયા કરે છે. દરરોજ સવારે એક આશા જાગતી અને સૂરજ ચડે એમ નિરાશા ચડતી જતી. હું તારી જ પાસે બેસી રહેતો. તને જોઈ રહેતો. એ આશા સાથે કે તું હમણાં ઉઠશે, મારી સાથે વાત કરશે. પણ મારી એ પ્રતીક્ષા લંબાતી રહેતી... લંબાતી રહેતી...

તું બધું જ ભૂલી ચુકી હતી અનુ... તારી યાદદાસ્ત જતી રહી હતી... મારા માટે આ અસહ્ય હતું.

હું તારો હાથ પકડીને બેસી રહેતો. મારી વાત કદાચ તારા કાન સુધી ન પહોંચતી હોય પણ તું મને મહેસુસ કરી શકે એ માટે. તારા એ હાથમાં વહેતો પ્રવાહ મને સાવ અજાણ્યો લાગતો. તને ખોઈ દીધાની લાગણી દિવસે દિવસે પ્રબળ બનતી જતી હતી. મને લાગતું તું મારાથી દૂર જઈ રહી છે. આ લાગણી મને હચમચાવી દેતી હતી. હું મારી જાત સાથે દલીલ કરવાની ટાળતો રહેતો. કદાચ મન એવું કંઈ કહે જે મારાથી સહન ન થાય...

એ પ્રતીક્ષા બહુ વસમી હતી. એ રાહ બહુ લાંબી ચાલી. મારું હૃદય ચીરાતું હતું. દર્દ ગાઢ બનતું જતું હતું. હું અનિદ્રાનો ભોગ બન્યો હતો. ક્યારેક મને ભાન રહેતું નહીં. હું જોરજોરથી રડી પડતો. તારી બધી ફરિયાદો યાદ આવવા લાગતી. અને હું મારી જાતને કોસ્યા કરતો. તારામાં કોઈ ફેરફાર જણાતો નહીં. દિવસે દિવસે હું કમજોર પડવા લાગ્યો હતો. મારી આશાઓ તૂટવા લાગી હતી. બધું ઓગળીને એકાકાર થઇ જતું હતું. અને પછી એ જ આંસુ...

તને ઘરે લઇ આવ્યા પછી તારી મમ્મીએ આપણા વિશે ઘણું બધું કહ્યું હતું. એમણે જે વાતો કહી એના પરથી લાગતું હતું કે તેઓ આપણા પ્રેમને બરાબર સમજ્યા હતા. તારા જીવનની એક મહત્વની વાત પણ એમણે કહી હતી. એમણે કહ્યું હતું...
‘હું અનુરાધાની સગી મા નથી. આ વાત અનુ જાણતી હશે કે કેમ મને ખબર નથી. હું અને એની મા બંને જુડવા હતી. ચહેરો ખૂબ મળતો આવે. એની મમ્મીએ લવ મેરેજ કર્યા અને અમારી વચ્ચેના બધા સમ્બન્ધો કપાઈ ગયા. મારા લગ્ન પછી હું અનુની માને બેક વાર મળી હતી. અનુના જન્મ પછી હું મળી શકી નહોતી. પણ એના સમાચાર મળતા રહેતા. અનુના જન્મ સુધી તો એના મમ્મી પપ્પા વચ્ચે બધું બરાબર ચાલ્યું હતું. પછી બંનેએ ડિવોર્સ લઇ લીધા હતા. કદાચ આ જ ઘાવ એની મમ્મી જીરવી શકી નહીં.... છત પરથી કૂદી ગઈ... અનુ સાવ નાની હતી. મને બીજા દિવસે ખબર મળતા હું ગઈ હતી. મને જોઇને એ શાંત થઇ ગઈ હતી. એને લાગ્યું હશે હું એની મમ્મી છું. બસ, ત્યારથી એ મારી દીકરી બની ગઈ. મેં ક્યારેય એને વૈદેહીથી અલગ નથી સમજી. હું એની મા નહીં પણ માસી છું એ વાતની કદાચ એને ખબર નહીં હોય ! અને હશે તો પણ મને લાગ્યું નથી...

એણે જયારે તારી વાત કરી ત્યારે હું એને રોકી શકી નહીં. ખાસ તો એટલે કે એ મારી બહેનનો અંશ છે. મેં મારી બહેન ખોઈ એનો વસવસો હંમેશા રહ્યો છે. અનુરાધામાં મને મારી ખોવાયેલી બહેન મળી અને મેં એનો હાથ પકડી લીધો.

અવિનાશ હવે બધું તારા હાથમાં છે. કદાચ તું જ હવે અનુરાધાને પાછી લાવી શકે એમ છે. મેં તને જોયા જાણ્યા વગર મારી અનુરાધા સોંપી હતી. એને સાચવવાની જવાબદારી હવે તારા પર છે...’

તને એ અંધકાર... શૂન્યતામાંથી લાવવાની જવાબદારી મારા પર હતી. હું તને ખોવા નહોતો માંગતો. ક્યારેય નહીં. તને જોવા માત્રથી આંખો ભીંજાઈ જતી હતી. એક ડર હંમેશા પડઘાયા કરતો ભીતર ભીતર. તારી અધુરી હાજરીથી જાણે જીવન થંભી ગયું હોય એવું લાગ્યા કરતુ.

આશાના એક તંતુમાં પણ કેટલી તાકાત હોય છે એ હું સમજવા લાગ્યો હતો. એક આશા મેં ટકાવી રાખી હતી. તારા અહેસાસને મેં મારી અંદર જીવતો રાખ્યો હતો. હું તારું નામ લઈને જીવવા લાગ્યો હતો. મારાથી જે થઇ ન શક્યું એ હું કરવા લાગ્યો હતો. આપણા ઓલા અહેસાસના બંધનથી હું તને બાંધવા માંગતો હતો. મારી જાતને એક વાત મેં વારંવાર કહી હતી...હું અનુને મારાથી દૂર જવા દેવા નથી માંગતો.

હું તને મારા ઘરે લઇ આવ્યો હતો. મમ્મી પપ્પાને મેં બધું જ કહી દીધું હતું. મને સાંભળ્યા પછી એમનો કોઈ વિરોધ હતો નહીં. એકના એક દીકરાની ખુશી માટે તેઓ બધું કરવા તૈયાર હતા. મને આનંદ એ વાતનો હતો કે તેઓ મારા પ્રેમને સમજી શક્યા હતા. નહીતર એક લાશ જેમ જીવતી સ્ત્રીને ચાહવાનું કોઈ માતા-પિતા ન કહી શકે. તેઓએ મારી ભાવના સમજી હતી. મારી ખુશી બેવડાઈ હતી. તું મારા ઘરે આવવાની હતી. તું હવે મારી સાથે રહેવાની હતી.

તારી આવવાની ખુશીમાં મેં અને મમ્મીએ આખો ઘર સજાવ્યો હતો. તારી મનપસંદ રંગબેરંગી કેન્ડલથી. મારી બાજુનો જ રૂમ તારા માટે પસંદ કરાયો હતો. હું તારા બનાવેલા ચિત્રો પણ સાથે લઇ આવ્યો હતો. એ ચિત્રો તારા રૂમની દીવાલો પર લટકાવ્યા હતા. મમ્મીએ મીઠાઈ પણ બનાવી હતી જે ખાતા હું પાછળથી રડી પડ્યો હતો.

મેં તારા કમરામાં નજર ફેરવી હતી. ચિત્રો, આપણા બંનેની અલગ અલગ જગ્યાએ, પ્રેમભરી ક્ષણો કેદ કરેલી સેલ્ફીઓ, વ્હાઈટ રેડ બલુન્સ, કેન્ડલ્સ, થોડા પુસ્તકો, જે હું તને વાંચીને સંભળાવવાનો હતો, ફૂલદાનીમાં પ્લાસ્ટીકના ફૂલો, કલરફૂલ વોલ બધું જ એકદમ સુંદર લાગી રહ્યું હતું. અચાનક મારી નજર બેડ પર પડી અને મારી આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યા હતા. અનુ, તું આ રીતે આવશે એવી કલ્પનાએ નહોતી કરી.

હું ફરીથી તારી સાથેના દિવસો સ્મરવા લાગ્યો હતો. તું કેટલી ખુશ રહેતી હતી. હંમેશા જાણે ઉડતી રહેતી હતી. તારી હાજરી મને ભરી દેતી હતી. ક્યારેક તું બોલતી અને હું તને જોઈ રહેતો. પહેલીવાર જ તું મારી સાથે ટકરાઈ હતી ત્યારે જ હું તારા તરફ ખેંચાયો હતો. તારામાં કંઈક હતું જે મને ગમ્યું હતું. સાચું કહું તો બીજા દિવસે તારાથી વાત થઇ શકે એ માટે જ મેં ‘પ્રિયજન’ વાંચી કાઢી હતી. તને મળ્યા પછી પહેલીવાર એવું કંઈક અનુભવ્યું હતું જે કહી શકાય એમ નથી.

એ છોકરી આજેય મારા સ્મરણમાં એમને એમ સચવાઈ રહી છે. તું ધીમેથી બોલતી જાણે કોઈને ખલેલ પહોંચાડવા માંગતી ન હોય. ગુસ્સામાં હોય ત્યારે તારો ચહેરો લાલ લાલ થઇ જતો. અને બે ત્રણ વાર સાદ કરીએ ત્યારે માંડ અર્ધું વાક્ય બોલે. તું સાથે હોય ત્યારે જાણે એક દુનિયા મારી સાથે શ્વસતી હોય એવું લાગતું.
મને ખબર છે તું મને ખૂબ ચાહતી હતી. તે એવું અનેકવાર કહ્યુંય હતું. તું મારો હાથ પકડીને મારી સાથે ચાલતી ત્યારે જાણે બધું જ મળી ગયું હોય એવું લાગતું.
‘તને ફાવશે મારી સાથે અનુ ?’
‘હા.કેમ નહીં.’
‘તું જીવી શકીશ ને મારી સાથે ?’
‘હમમ...’
‘તું મને એટલું શા માટે ચાહે છે અનુ ?’
‘બસ, ચાહું છું...’
તું મારો હાથ પકડીને ચાલતી ત્યારે ધીમું સંગીત જેવું હાસ્ય તારા ચહેરા પર પથરાયેલું રહેતું. તારી વાતો સાંભળવી ગમતી અને હું તારી વાતોમાં ખોવાઈ જતો. માના પેટમાં બાળક આવે એમ તું મારી જિંદગીમાં આવી હતી. મને સ્વીકાર્યો હતો. સંભાળ્યો હતો. સન્માન્યો હતો.
(ક્રમશઃ)