***
સમય બહુ ધીમે ધીમે પસાર થઈ રહ્યો હતો. માનસીની આંખોમાં આંસુ હતા. હૃદય પર હાથ મૂકે ત્યાં ધબકારા એની વીતી ગયેલી યાદોને આખો સમક્ષ વધુ સ્પષ્ટ કરતા હતા. શ્વાસમાં પણ જાણે માનસી અંધકાર જ ભરી રહી હોય એવું લાગતું હતું. જીંદગીનો માર્ગ એકદમ ધૂંધળો દેખાતો હતો. થોડી થોડીવારે માનસીનો ભૂતકાળ એની સામે નૃત્ય કરીને આખોને આંજી નાખે એવું દ્રશ્ય ઉભું કરતો હતો. અને તરત જ એની આંખોમાંથી આંસુઓની ધાર અવિરત વહ્યા કરતી.
***
બે વર્ષ પછી એમની મોટી દીકરી માનસીનો જન્મ થયો એટલે ત્રણ લોકોનું ઘર હવે એક વધુ લક્ષ્મીના આવવા સાથે ચારનું થયું. મોહનભાઇ અને એમના બા ને પણ એમ થયું કે આ લક્ષ્મી કદાચ એમની વચ્ચે ખુશી લઈને આવશે, હવે એના પ્રેમમાં વધારો થશે પણ કદાચ એમનો અંદાજો તદ્દન ખોટો હતો.
ત્રણ ચાર મહિના સુધી તો સવિતાબેન એમના પિયરમાં જ રહ્યા. પછી ચાર મહિનાની માનસીને લઈને એ ઘરે આવ્યા. થોડા સમય તો બધું ઠીક ચાલ્યું પણ મોહનભાઇને એક વાતની બહુ નવાઈ લાગતી હતી કે પોતાની જ દીકરી હોવા છતાં સવિતાબેન જાણે એને દત્તક લીધી હોય એવી રીતે એની સાથે વર્તતા. મોહનભાઇ આખો દિવસ વાડીએ ગયા હોય અને જ્યારે સાંજે આવે ત્યારે માનસીને તેડી લેતા અને રમાડતા જ પણ એમ છતાં રાતે જ્યારે માનસી જાગી જાય અને રડે તો પણ સવિતાબેનની ઊંઘ ઊડતી નહીં. આ ઉંમરે માનસીને સૌથી વધારે જરૂર હતી તો માં ના ધાવણની અને એના માટે પણ મોહનભાઈને બિન્દાસ અને કોઈ પણ ચિંતા વગર સુતેલા સવિતાબેનને જગાડવા પડતા.
ક્યારેક ક્યારેક મોહનભાઇને વિચાર આવતો કે આ ચાર મહિના માનસીનો ઉછેર આ જ રીતે થયો હશે? માનસીને માં ની મમતા પુરી મળી હશે કે નહીં એના કરતાં પણ વધુ એને એ સવાલ સતાવતો હતો કે ભવિષ્યમાં મળશે કે નહીં કારણ કે હજી સુધી તો ચાર મહિનાનો સમય જ વીત્યો હતો અને બાકીની જીંદગી તો હવે કાઢવાની હતી. અને છેલ્લી વીતી ચુકેલી કેટલીક રાત પરથી તો એમના મનમાં માનસીના ઉછેર વિશે કેટકેટલાય સવાલો ઉદભવી રહ્યા હતા. એક બાપ તરીકે એ માનસીને જેટલી ખુશી આપી શકે એ આપવા મથતા. સાંજે પોતાની પાસે બેસાડીને એમને ખવડાવતા, એને તેડીને બહાર ફરતા, સુઈ જાય તો ઘોડિયામાં હીંચકો નાખતા અને રડે તો એને ખભા પર બેસાડીને આંટો મારતા.
આખો દિવસ તો મોહનભાઈ અને એમના બા વાડીએ ભાથું લઈને જતા રહેતા અને સવિતાબેન ઘરનું કામ કરતા અને માનસીને સાચવતા.
એક વખત મોહનભાઇને બપોરે ખ્યાલ આવ્યો કે આજે પાવડા ને કોદાળી ઘરેથી ગાડામાં નાખવાનું ભુલાઈ જ ગયું છે. બપોરે ખાઈને એણે એના બા ને કહ્યું કે તમે આય લાંબા થાવ ઘડીક ત્યાં લગીમાં હું ઘરથી બધું લેતો આવું.
મોહનભાઇ ભુલાઈ ગયેલી વસ્તુ લેવા માટે વાડીએથી ઘરે પહોંચ્યાં અને જોયું તો ઘરનો દરવાજો બંધ હતો. કોઈ અવાજ નહોતો જાણે કોઈ ઘરમાં હોય જ નહીં એવું લાગ્યું. મોહનભાઇને આ થોડું અજીબ લાગ્યું. મેઈન દરવાજો ખોલીને ફળિયામાં આવ્યા ને જોયું તો અંદર જવા માટેની ગ્રીલ બંધ હતી. ગ્રીલ ખોલીને એ અંદર ગયા.
" સવિતા...ક્યાં સો?" સહજભાવે એ અંદર પ્રવેશ્યા.
અંદર જોયું તો માનસી રસોડાના બારણાં પાસે સૂતી હતી અને એની બાજુમાં ગરવું પડ્યું હતું. મોહનભાઇ આ દ્રશ્ય જોઈને એકદમ ચોકી ગયા. એકદમ શાંત અવસ્થામાં સુતેલી માનસીના મુખ પર ભોળપણ ભારોભાર છલકાતું હતું. કેટલીય વાર સુધી રડ્યા પછી અંતે થાકીને ગળું સુકાઈ ગયું હશે ત્યારે સુઈ ગઈ હશે એવું મોહનભાઈને લાગ્યું. એણે અંદર રૂમમાં જઈને સવિતાબેનને શોધ્યા પણ એ ક્યાંય મળ્યા નહી.
ફરી મોહનભાઇ ત્યાં આવ્યા અને એમણે માનસીને તેડીને ઘોડિયામાં સુવડાવી. એમને માનસીનો એ નિર્દોષ ચહેરો જોઈને આંખમાંથી આંસુની ધાર થઈ ગઈ. તરત જ એ સમજી ગયા કે માનસીને ભૂખ લાગી હશે પણ એને ખાવાનું મળ્યું નહીં હોય એટલે બિચારી ગોઠણભેરે ચાલીને એ રસોડામાં નીચે મુકેલા ગરવા સુધી પહોંચી ગઈ પણ એનું ઢાંકણું એનાથી ખુલ્યું નહીં હોય એટલે ત્યાં જ મૂકીને એ સુઈ ગઈ હશે.
એકબાજુ સવિતાબેન પરનો ગુસ્સો અને એકબાજુ દીકરીના વ્હાલમાં માંની ઉણપને સ્પષ્ટ જોઈ શકતો બાપ! એને શુ કરવું, ક્યાં જવું એ સમજાતું નહોતું. ઘોડિયાને હીંચકો નાખીને મોહનભાઇ સવિતાબેનને શોધવા માટે બહાર નીકળ્યા. આજુબાજુના એક બે ઘરમાં બપોર વચ્ચે પોતાની પત્ની વિશે પૂછવા નીકળે તો કેવું લાગે અને લોકો શુ વાત કરે એ સારી રીતે જાણતા હોવા છતાં એમનો ગુસ્સો અને દીકરીની ચિંતા એમને જાણે મજબૂર કરી રહી હતી.
" બપોર વસાળે ય હખ નથ... બાયડી ગોતવા નીકળ્યો સે.."
" ગઈ હશે કાંઈક કાળા હાથ કરવા..."
" ગામની વેંતરણ કરવાનો બોવ શોખ સે એને તો...આય ની ન્યા ને ન્યાની આય કરતી હશે..." બધા ઘરમાંથી સહન ના થાય એવા કડવા વેણ મોહનભાઇ સાંભળતા આવ્યા.
બે ત્રણ ઘરમાંથી મોહનભાઇ બહાર નીકળ્યા ત્યાં જ સામેથી સવિતાબેન આવતા દેખાયા. બે ત્રણ ઘરમાંથી આ કડવા વેણ સાંભળીને આવેલા મોહનભાઇના ગુસ્સાનો પાર નહોતો રહ્યો. રોજે મોહનભાઇ અને એમના બા ના ગયા પછી સવિતાબેન બીજાના ઘરે જ રખડવા નીકળી જતા હશે એવું આજ સુધી કોઈએ મોઢે નહોતું કહ્યું પણ લોકોની વાતોનો મર્મ કાઢતા મોહનભાઇને વધારે વાર લાગી નહીં.
બપોરના ખરા તડકા વચ્ચે ક્યાંક ગરમીથી તો ક્યાંક ગુસ્સાથી મોહનભાઇનો ચહેરો લાલઘૂમ થઈ ગયો હતો. પહેલીવાર આજે પત્ની પ્રત્યેનો રોષ એના મુખ પર પછડાતો હતો. કપાળમાં પરસેવો વળી ગયો હતો. એક એક ડેલામાંથી ના સાંભળવાનું સાંભળીને એના કાન પાકી ગયા હતા. લોકોના કડવા શબ્દો મોહનભાઈએ એની મુઠ્ઠીમાં જાણે વાળીને રાખ્યા હતા અને હવે એમાં પણ પરસેવો વળી ગયો હતો. હાંફતા હાંફતા એ ગુસ્સામાં સવિતાબેનની નજીક ઝડપથી ચાલવા લાગ્યા.
કોઈ દિવસ નહીં અને આજે અચાનક મોહનભાઇને આ સમયે ઘરે આવેલા જોઈને સવિતાબેન પણ ચોંકી ગયા હતા. આટલા સમયથી એકબીજાને ઓળખવા છતાં પણ સવિતાબેન આજે મોહનભાઇ સામે આંખો મેળવી શકે એમ નહોતા. કોઈ અજાણ્યા માણસને અવગણી જેમ મોઢું ફેરવી જાય એવી સ્થિતી એમની હતી. સવિતાબેન જાણે દૂરથી જ ગભરાઈ ગયા હોય એવું લાગ્યું. સામે ગુસ્સામાં આવતા દેખાતા મોહનભાઇને જોઈને એ માંડ માંડ થુંક ગળા નીચે ઉતારી શકયા.
" ક્યાં ગુડાણી તી..?" મોહનભાઇએ નજીક આવીને એકદમ ગુસ્સામાં સવિતાબેનનું બાવડું પકડીને કહ્યું.
સવિતાબેન કશું બોલ્યા વિના ત્યાં જ ઉભા રહી ગયા. બપોર વચ્ચેનો સમય હતો. આસપાસ આ ધોમ તડકાને લીધે બધા લોકોએ પોતપોતને ઘરમાં કેદ કરી લીધા હતા એટલે રસ્તા પર કોઈની અવરજવર નહોતી. એમની નજર હજી પણ નીચે જ હતી. કાન ખુલ્લા હતા. શબ્દોની ખોટ પુરેપુરી સાલતી હતી. પગ ધ્રુજતા હતા. હૃદય બમણી ઝડપે ધડકવા લાગ્યું હતું અને એ સવિતાબેન સ્પષ્ટપણે અનુભવી રહ્યા હતા. કંઈક ખોટું કરતા પકડાઈ ગયાનો ભાવ એના મુખ પર સ્પષ્ટ દેખાઈ આવતો હતો પણ હવે એ વધારે છાનો રહી શકે એમ પણ નહોતો.
" તને પુસ્યું...હમભળાણું નઈ તને?" ફરી એકવાર વધારે ગુસ્સામાં એક હાથથી બન્ને ગાલની બોચી પકડીને એની આંખોમાં જોઈને મોહનભાએ કહ્યું.
"અ..આ...દૂધ લેવા ગઈ તી.." શબ્દોને જાણે રીતસરના ગોઠવતા હોય એમ સવિતાબેને કહ્યું. એમણે એના બન્ને હાથથી મોહનભાઈનો હાથ છોડાવવાનો પ્રયત્ન કર્યો. આજ સુધી પોતાના પતિનું આવું રૂપ એણે ક્યારેય નહોતું જોયું. સવિતાબેન હવે રીતસરના હાંફી રહ્યા હતા. આખા શરીરમાં જાણે કીડી-મંકોડા આમતેમ આંટા મારી રહ્યા હોય એવું લાગતું હતું.
" હવાર હાંજનું દનૈયુ ( રોજે કોઈ એકના ઘરે દૂધ લેવા જવાનું એક પ્રકારનું નામું) બંધાવેલું સે તોય પસી તારે હેની તાણ પડે સે.." મોહનભાઇ જાણતા હતા કે આ બધા બહાના છે એમ છતાં એ આજે દલીલ પર ઉતર્યા હતા.
" પણ..આજે ઢોળાઈ ગયું તું.." એક પછી એક બહાના ધરીને સાવીતાબેન જાણે આમાંથી છટકવાનો પ્રયત્ન કરતા હતા અને સાથે સાથે મોહનભાઇની સહનશક્તિ માપવાનો પ્રયાસ પણ. મોહનભાઇ રસોડામાં દૂધની તપેલી જોઈને આવ્યા હતા અને સારી રીતે જાણતા હતા કે સવિતાબેન ખોટું બોલી રહ્યા છે.
" સટાક..." મોહનભાઇએ એક તમાચો ચોડી દીધો. ગુસ્સામાં મોહનભાઇનો હાથ ઉપડી ગયો. આજ પહેલા કોઈ દિવસ કોઈ સ્ત્રી પર એણે હાથ નહોતો ઉપાડ્યો પણ આજે ગાલ પર સુકાઈ ગયેલા આંસુઓ સાથે ઊંઘી ગયેલી પોતાની એકની એક દીકરીને જોઈને એ મજબુર થઈ ગયા હતા. માનસીને આવી રીતે જોઈને એનું રોમે રોમ દ્રવી ઉઠ્યું હતું. પોતાની સગી દીકરીનું આવું દ્રશ્ય જોઈને આજે એક બાપને જાણે કોઈએ ખેંચીને તમાચો માર્યો હોય એવી અનુભૂતિ થઇ હતી. આજ સુધી બધું જતું કરતા આવેલા મોહનભાઇ આજે ફેંસલો કરી લેવાના મૂડમાં હતા.
સવિતાબેન ગાલ પર હાથ મુકીને એમ જ ઉભા રહ્યાં. સામે જવાબ આપવા એમની પાસે જાણે કંઈ બચ્યું જ નહોતું. પોતાની ભૂલને લીધે આજે બધું જ સાંભળવું પડે એમ હતું.
" ઘોડાઠોકીની...તારા ધણી હામે ખોટું બોલે સો..ભાન નથી પડતી..ઓલી સોકરી ન્યા ઘરમાં ભૂખી મરી જાહે અને તું ગામમાં પંસાત કરેસ..."
પગ નીચેથી જમીન સરકી જાય એટલી હદ સુધી વાત પહોંચી ગઈ હતી પણ સવિતાબેનની આંખોમાં કહેવાનું પણ આંસુ નહોતું કે પછી નહીં એના મુખ પર કોઈ અપરાધભાવ. હજી પણ એ નીચું માથું ઘાલીને એમ જ ઉભા હતા. પડી ગયેલુ મોઢું લઈને જાણે એ પોતાની ભૂલ સ્વીકારી રહ્યા હોય એમ લાગતું હતું.
" હવે મારુ મોઢું હું જોવેસ...ઘર ભેગીની થા.." આટલું કહીને મોહનભાઇ ત્યાં શેરીના એક ઘરની દીવાલ પાસે છાયો હતો ત્યાં જ બેસી ગયા. આખોમાં ભભૂકી ઉઠેલો રોષ હજી પણ આંસુરૂપે બહાર નીકળી રહ્યો હતો અને મનમાં ચડી ગયેલી ગરમી હજી પણ શમવાનું નામ નહોતી લેતી. એમનું હૃદય હજી પણ જોરજોરથી ધડકતું હતું. ક્યાંક આ હાથ સામે જોતા જ એક સ્ત્રીજાત પર પહેલીવાર હાથ ઉપાડ્યાનો અપરાધભાવ પોતે પણ અનુભવી રહ્યા હતા પણ આ પરિસ્થિતિ સામે એ લાચાર હતા.
સવિતાબેન ઝડપથી ઘર તરફ ચાલવા લાગ્યા. એણે એક વખત પણ પાછળ ફરીને મોહનભાઇ આવે છે કે નહીં એ જોવાની પણ તસ્દી લીધી નહીં. મોહનભાઇ એને જતા જોઈ રહ્યા અને વિચારતા રહ્યા કે આ બધું રોજે ચાલતું હશે?
કોઈ માં પોતાની દીકરી પ્રત્યે આટલી બેદરકાર કઇ રીતે હોઈ શકે? મારી દીકરી માટે માં ની મમતા એક મહોરું બનીને જ રહી જશે કે શું? શું દીકરી માટે માં ના હૃદયમાં આટલી પણ જગ્યા ના હોઈ શકે? મારા નસીબમાં એક બાપ તરીકે દીકરીના આવા જ દિવસો જોવાના લખ્યા હશે? અને આટલા સવાલો વચ્ચે ફરીવાર મોહનભાઇની આંખોનો એકબાજુનો ખૂણો ભીનો થઈ ગયો.
જલ્દીથી આગળના ભાગ સાથે મળીશું...આપના અમૂલ્ય પ્રતિભાવની આશા સાથે જય શ્રીકૃષ્ણ...