અગીલાએ નિયાબીની નજીક જઈને કહ્યું, નિયાબી ખોજાલે પોતાની શક્તિઓ નો ઉપયોગ કરવા લાગ્યો છે. હવે આપણે કઈક કરવું પડશે.
નિયાબીએ માથું હલાવી હા કહ્યું.
બીજી તરફ ઓનીર, માતંગી અને ઝાબી બરાબર સૈનિકોના દાંત ખાટાં કરી રહ્યા હતા. યામનના લોકો પણ બરાબર લડી રહ્યા હતા. નાલીન પોતાના મહેલમાં આમતેમ આંટા મારી રહ્યો હતો. એનું મન ઉચાટમાં હતું. ઘણો સમય થયો પણ હજુ સુધી કોઈ સંદેશો આવ્યો નહોતો.
ત્યાં એક જાસૂસ દોડતો દોડતો આવ્યો ને બોલ્યો, રાજા નાલીન પ્રણામ.
નાલીન તરત જ બોલી પડ્યો, શુ સંદેશો લાવ્યા છો?
જાસૂસ: રાજા નાલીન સંદેશો સારો નથી. કંજની સાથે મળી યામનની પ્રજાએ બળવો કરી દીધો છે. એ બધા સેનાપતિ ખોજાલ સાથે લડી રહ્યા છે. આપણા સૈનિકોની ગણતરીની સરખામણીમાં સામે પક્ષે લોકો વધારે છે. યુદ્ધ જેવી સ્થિતિ થઈ ગઈ છે. પણ યુદ્ધનો કોઈ નિયમ ત્યાં દેખાતો નથી. લોકો સૈનિકોને મારી રહ્યા છે. જલ્દી કઈ નહિ કરીએ તો સમસ્યા ઉભી થઈ જશે.
આ સાંભળી નાલીન ગુસ્સે થઈ ગયો ને બબળવા લાગ્યો, રાંશજની વાત સાચી હતી. આ સમય નહોતો કંજ પર હુમલો કરવાનો. જલ્દી કઈ નહિ કરીએ તો.....એ આગળ બોલી ના શક્યો. એણે સૈનિકને બૂમ પાડી.
એક સૈનિક એની સામે આવી માથું નમાવી ઉભો રહ્યો.
નાલીન,: જલ્દીથી રાંશજ ને બોલાવો.
સૈનિક: જી. પછી દોડીને ત્યાંથી જતો રહ્યો. થોડીવારમાં રાંશજ નાલીન સામે આવી ઉભો રહી ગયો.
નાલીન: રાંશજ યામનની પ્રજાએ બળવો કરી દીધો છે. હાલત ખરાબ થઈ રહી છે.
રાંશજ: રાજા નાલીન મેં તમને કહ્યું હતું. પણ તમે મારી વાત પર ધ્યાન ના આપ્યું. યામનની પ્રજાને બસ એક મદદગારની જરૂર હતી. જે કંજના રૂપે એમને મળી ગયો છે. હવે આ લડાઈ નથી રોકાવાની.
નાલીન: તો કઈ નહિ. તમે બધા જ સૈનિકોને બળવો શાંત કરવા માટે મોકલી આપો. ને હવે હું જાતે ત્યાં જઈશ. હું પણ જોવું છું કે કેવી રીતે આ બળવો શાંત નથી થતો.
રાંશજ કઈ બોલ્યો નહિ. એતો ઈચ્છતો જ હતો કે નાલીન મહેલમાં થી બહાર નીકળે. એ માથું નમાવી ઉભો રહ્યો.
નાલીન: તૈયારીઓ કરો રાંશજ.
રાંશજ: જી રાજા નાલીન. પછી એ ત્યાંથી નીકળી ગયો.
અગીલા અમે નિયાબી ખોજાલની સામે ઉભી હતી. ખોજાલે બંનેની સામે જોયું પછી બોલ્યો, તમે ઈચ્છો તો તમારો જીવ બચાવી શકો છો. અહીં થી બહાર નીકળીને.
નિયાબી: તું અમારી ચિંતા ના કર. તું તારી ચિંતા કર.
ખોજાલ: તો તૈયાર થઈ જાવ. બચાવો તમારી જાતને.
નિયાબીએ અગીલા સામે જોયું ને બોલી, અગીલા જો આ અહીં રહીને લડશે તો ઘણું નુકસાન કરશે. આને અહીંથી બીજી જગ્યાએ લઈ જવો પડશે.
અગીલા: પણ કેવી રીતે? આ અહીંથી ખસે એવું લાગતું નથી.
હજુ એ લોકો કઈ વિચારે ને કઈક કરે એ પહેલા ખોજાલ બોલ્યો, સાવધાન. પછી એણે પોતાના હાથ આગળ કરી એ લોકો પર કઈક ફેંક્યું. અગીલા નિયાબીને પકડી આખુ ગોળ ચક્કર ફરી ગઈ. ને માંડ માંડ બંનેએ સ્થિરતા જાળવી પોતાને સંભાળ્યા.
ખોજાલ એ બંનેને જોઈ હસવા લાગ્યો. ત્યાં કંજ એ લોકોની પાસે આવી ગયો.
કંજ: તમે લોકો બરાબર છો?
અગીલા અને નિયાબીએ એની સામે જોઈ હકારમાં માથું હલાવ્યું. ત્યાં આવજો વધવા લાગ્યા. જોર જોરથી બુમો પાડવાનો અવાજ આવી રહ્યો હતો. બધાની નજર અવાજની દિશામાં ગઈ. તો દૂરથી ધૂળની ડમરીઓ ઊડતી દેખાઈ રહી હતી. ત્યાં ઓનીર એ લોકો પાસે આવ્યો ને બોલ્યો, લાગે છે કે નાલીન પોતાની બધી સેના લઈ આવી રહ્યો છે.
નિયાબી: હા એવું જ લાગી રહ્યું છે. કંજ તું અને માતંગી યામનના લોકોને અહીં થી બહાર લઈ જાવ. અમે લોકો આ લોકોને સંભાળી લઈશું.
કંજ: પણ હવે તો સેના વધી રહી છે. જો અમે બધાને અહીંથી લઈ જઈશું તો આપણે હારી જઈશું. તમે ચાર જણ આ લોકો સામે નહિ ટકી શકો. હું અહીં જ રહીશ.
ઓનીર જોરથી બોલ્યો, કંજ એ અમે જોઈ લઈશું. તું આ લોકોને લઈને અહીંથી જા.
કંજ: ના હું નહીં જાવ. હું તમને લોકોને આમ છોડી ના શકુ.
ત્યાં માતંગી દોડીને આવી. એ હાંફી રહી હતી. એણે બધાની સામે જોઈ કહ્યું, સેના બહુ મોટી લાગે છે. આપણે નિર્દોષ લોકોના જીવ જોખમમાં ના મૂકી શકીએ. આપણે કઈ કરવું પડશે.
ઓનીર: હા માતંગી તું અને કંજ લોકોને અહીંથી દૂર લઈ જાવ. અમે લોકો અહીં જોઈ લઈશું.
કંજ ફરી બોલ્યો, હું નથી જવાનો.
માતંગી કંજ પાસે ગઈને એનો હાથ પકડી બોલી, ચાલ કંજ આપણી પાસે સમય નથી. સેના નજીક આવી રહી છે. ચાલ.
કંજે ઝટકો મારી હાથ છોડાવતા કહ્યું, માતંગી આ લોકો આટલી મોટી સેના સામે કેવી રીતે લડશે? હું આ લોકોને જાણી જોઈને મોતના મોંમાં ના નાંખી શકુ.
માતંગીએ કંજના ખભે હાથ મુક્તા કહ્યું, કંજ તું આ લોકોને હજુ પુરેપુરા ઓળખતો નથી. આ ચારમાં થી બે પણ અહીં ઉભા હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી. એમની પાસે એટલી તાકાત છે કે એ લોકો લડી શકે. અત્યારે તું અહીંથી ચાલ. થોડીવારમાં તને બધું સમજાઈ જશે. એટલું બોલી માતંગી કંજનો હાથ પકડી ચાલવા લાગી.
કંજ ના ના કહેતો રહ્યો પણ માતંગી માની નહિ. કંજ હજુ નિયાબી, ઓનીર, અગીલા અને ઝાબીની બીજી શક્તિઓ વિશે જાણતો નહોતો. એટલે એની ચિંતા કરવી યોગ્ય હતી. પણ અત્યારે કોઈની પાસે એને બધું સમજાવવાનો સમય નહોતો.
ઝાબી: ઓનીર અહીં ઉભા રહીશું તો ઘણા નિર્દોષો પણ ભોગ બનશે. એટલે આપણે બાજુના ખુલ્લા મેદાનમાં જતા રહીએ. લોકો પણ બચી જશે અને નુકસાન પણ ઓછું થશે.
નિયાબી: હા બરાબર છે. ચાલો એ યોગ્ય રહેશે. પછી એ લોકો સાથે જ ખુલ્લા મેદાન તરફ દોડ્યા.
એ લોકોને આમ દોડતા જોઈ ખોજાલ સમજ્યો કે આ લોકો ડરીને ભાગી રહ્યા છે. એટલે એ જોરથી બોલ્યો, ઓ ડરપોકો ક્યાં જાવ છો? બસ આટલી જ હિંમત હતી? હજુ તો શરૂઆત છે?
આ સાંભળી અગીલા ઉભી રહી ગઈ ને કટાક્ષમાં બોલી, ભાગી નથી રહ્યા. અહીં જગ્યા થોડી ઓછી છે આટલા બધા સૈનિકો માટે. એટલે ખુલ્લા મેદાનમાં જઈ રહ્યા છીએ. તું પણ આવી જા. ત્યાં તારી હિંમત જોઈ લઈશું. પછી એ દોડવા લાગી.
આ સાંભળી ખોજાલની આંખો લાલચોળ થઈ ગઈ. એણે જોરથી બૂમ પાડી અને એ લોકોની પાછળ ગયો.
થોડી જ વારમાં એ લોકો બધા એક મોટા ખુલ્લા મેદાનમાં હતા. એક બાજુ અગીલા, ઝાબી, ઓનીર અને નિયાબી હતા. તો બીજી બાજુ ખોજાલ ઉભો હતો. ધીરે ધીરે ખોજાલની પાછળ સૈનિકોની સંખ્યા વધવા લાગી. નાલીન પણ ત્યાં આવી ગયો.
પોતાની સામે માત્ર ચાર જણને ઉભેલા જોઈ નાલીન નવાઈ પામ્યો. એણે કટાક્ષ કરતા ખોજાલ ને પૂછ્યું, સેનાપતિ ખોજાલ મને જે સંદેશો મળ્યો એ ખોટો હતો કે પછી મારી આંખોમાં કોઈ સમસ્યા છે? મને તો યામનના લોકોએ બળવો કર્યો છે એવો સંદેશો મળ્યો હતો. પણ આ શુ? આ તો ચાર નાના છોકરાઓ છે અહીં. બીજા ભાગી ગયા?
નાલીનની વાત સાંભળી ઓનીર, નિયાબી, ઝાબી અને અગીલા એક બીજા સામે જોઈ સ્મિત કરવા લાગ્યા.
ખોજાલ નાલીન ની બાજુમાં આવી બોલ્યો, ના એવું નથી રાજા નાલીન. પણ આ લોકોને પોતાની ઉપર જરા વધુ વિશ્વાસ છે. એટલે લોકોને મૂકીને અહીં ભાગી આવ્યા છે. આટલું બોલી એ જોર જોર થી હસવા લાગ્યો. ને નાલીન પણ એની વાત સાંભળી અટહાસ્ય કરવા લાગ્યો.
એ બંને ને આમ હસતા જોઈ ઝાબી, અગીલા, ઓનીર અને નિયાબી પણ જોર જોરથી હસવા લાગ્યા. એ લોકોને હસતા જોઈ નાલીન અને ખોજાલ એકદમ ચૂપ થઈ ગયા.
નાલીન: સેનાપતિ લાગે છે કે આટલા બધા સૈનિકોને જોઈ આ લોકોનું માનસિક સંતુલન બગડવા લાગ્યું છે. એટલે આમ જોર જોરથી હસી રહ્યા છે.
ખોજાલ: હા મને પણ એવું જ લાગે છે. પણ રાજા નાલીન આ લોકોને હવે વધુ ડરાવવાની જરૂર નથી. આ ચાર લોકો માટે આટલી મોટી સેનાની શુ જરૂર છે? આ લોકો માટે તો મારી વરુસેના જ યોગ્ય છે. મારા વરુઓ એક એક નું શરીર કોચી કોચી ને ફાડી ફાડી ને ખાસે ને ત્યારે મજા આવશે. ને લોકોને પણ ખબર પડશે કે રાજની સામે થવાનું શુ પરિણામ આવે છે.
નાલીન હસતા હસતા બોલ્યો, હા એ બરાબર છે સેનાપતિ ખોજાલ. સૈનિકોને તકલીફ આપવાની કોઈ જરૂર નથી. બોલાવો તમારી વરુસેનાને. જોઈએ શુ હાલ થાય છે આમના?
ખોજાલ હસતા હસતા કોટવાલને પોતાના વરુઓને લઈ આવવાનો આદેશ આપ્યો.
ક્રમશ....................