સાધારણ રીતે હું સોશિઅલ છું અને મને લોકો સાથે વાતો કરવાનું ગમે છે. પણ આજકાલ કોઈ પણ ઓળખીતાનો ફોન આવે તો મને ગભરાટ થાય છે. આને કઈ તકલીફ હશે કે કોઈના માટે હોસ્પિટલ માં ખાટલાની જરૂર હશે? છેલ્લો પ્રશ્ન મને મૉટે ભાગે લાચાર બનાવી દે છે. સિનિયર ફેમિલી ડોક્ટર વિનોદ શાહે આ લાચારીને સરસ રીતે વાચા આપી છે કે આટલા દાયકાઓમાં કોઈને આપણે હોસ્પિટલમાં સારવાર ન અપાવી શકીયે એવું આજ પહેલા ક્યારે ય બન્યું નથી. કારણ એ છે કે હોસ્પિટલો ઉભરાય છે અને એમાં જગ્યા મેળવવી એ વિકટ પ્રશ્ન બની ગયો છે. અને જેને હેલ્થની કોઈ તકલીફ ન હોય તો એ ફોન પર આવો એકાદ સવાલ જરૂર પૂછે. 'પરિસ્થિતિ ગંભીર છે, નહીં ?' 'શું લાગે છે, ક્યારે પતશે?' પરિસ્થિતિ ગંભીર ચોક્કસ જ છે અને ક્યાં સુધી રહેવાની છે એ કોઈ કહી શકે એમ નથી!
બીજી એક સામાન્ય કોમેન્ટ એવી હોય છે કે 'એકલા ઘરે બેસી બેસીને કંટાળી ગયા એટલે થોડું બહાર જઈને લોકોને મળીયે તો સારું લાગે!' અને એટલે ઠેર ઠેર લોકો ટોળે વળીને ગપ્પા મારતા જોવા મળે છે! આ વાતનો જવાબ એક ડોક્ટર મિત્ર જે કોવીડ માટે દાખલ થયા છે એના શબ્દોમાં જ આપું - 'એટલું એકલું લાગે છે - કોઈ વાત કરવા વાળું પણ નથી. બધા ખાવા પીવાની સલાહ આપે છે પણ એટલી અશક્તિ લાગે છે કે પાણીની બોટલ પણ જાતે ખોલવાનું મન નથી થતું! ખરા સમયે આપણા પૈસા કે પાવર કંઈ કામ લાગતા નથી!' બીજા એક ડોક્ટર મિત્ર ના શબ્દો જે મનમાં ઘર કરી ગયા છે - 'ડર મરવાનો નથી - એકલા, સ્વજનોથી દૂર મરવાનો છે!' અને એટલે આ માધ્યમથી ફરી આ કહેવાની તક ઝડપું છું કે સાવધાની ચૂકશો નહીં!
આપનું સ્વાસ્થ્ય - આપના સવાલો - ની કોલમ જેમાં દરેક બીમારીમાં ઉદ્ભવતા, દર્દી અને સગાઓના મનના પ્રશ્નો વિષે ની વાત શરુ કરવાનું વિચાર્યું ત્યારે સ્વાભાવિક રીતે ઓગણીસ-વીસ નો જ વિચાર પહેલો આવ્યો! સન વીસવીસ ની ચીની કોવીડ -19 બીમારી આપણા તન-મન-ધન ને જયારે બરબાદ કરવા પર લાગેલી હોય ત્યારે એનાથી જ આરંભ કરાય ને! એક સ્પષ્ટતા કરી લઉ - આ બીમારી વિષે આપણે રોજ નવું શીખી રહ્યા છીએ એટલે આ માહિતી અત્યાર સુધી ખરી છે - કાલે એ બદલાઈ પણ શકે! તો આવો જાણીયે આ બીમારી માટે લોકોના સવાલોના જવાબ.
1. અત્યારે પરિસ્થિતિ આટલી બગડી છે એનું કારણ શું છે? અને મને આ ચેપ ક્યાંથી લાગ્યો?
લોકડાઉન દરમિયાન લોકો ફરજીયાત ઘરમાં હતા એટલે આ રોગ એટલો ફેલાયો નહીં. જેવું લોકડાઉન છૂટ્યું એટલે આપણે કોરોના પણ ગયો એમ માની પહેલાની જેમ બેફિકર જીવન જીવવા માંડ્યા અને બધા ભણેલા પાઠ - સામાજિક અંતર જાળવો, માસ્ક પહેરો અને વારંવાર હાથ ધોતા રહો - ભૂલાઈ ગયા. માર્કેટ અને ફેક્ટરીઓમાં જોઈતું શિસ્ત પળાયું નહીં અને આપણે બધા આ મુસીબતમાં આવી ગયા. હવે મોટા ભાગના કેસમાં એ જાણવું મુશ્કેલ થઇ ગયું છે કે એમને કોનો ચેપ લાગ્યો!
2. મને તો તાવ એક જ દિવસ આવેલો અને ખાંસી નથી તો કોરોના હોઈ શકે?
આજથી પચાસ વર્ષ પહેલા પોસ્ટકાર્ડ પર સિક્કો મરાતો - તાવ? મેલેરિયા હોઈ શકે - કલોરોક્વિન લો! અત્યારે કંઈક એવીજ હાલત છે. તાવ એક અગત્યનું ચિન્હ છે. ખાંસી, ગળામાં દુખાવો અને પેટની તકલીફ (દુખાવો અથવા ઝાડા થવા), શ્વાસ ચઢવો, સ્વાદ અને સૂંઘવાની શક્તિ જતી રહેવી અને ખૂબ અશક્તિ લાગવી એ અગત્યના ચિન્હો છે પણ કોઈ પણ અનિવાર્ય નથી - એટલે કોઈ પણ નવી શરુ થયેલી તકલીફમાં કોરોના નો વિચાર કરવો જરૂરી બની ગયું છે.
3. મને જરાક તાવ છે અને ગળામાં દુખે છે તો હું સીટી સ્કેન કરાવી લઉં? કોરોનાનો ટેસ્ટ ક્યારે કરાવવો?
છાતી અને ફેફસાનું એચઆરસીટી સ્કેન એ ખૂબ જ અગત્યની ટેસ્ટ બની ગયું છે નિદાન માટે અને તે પોઝિટિવ હોય તો કોરોનાનો ટેસ્ટ કરવાની પણ દર વખતે જરૂર પડતી નથી. પણ તકલીફ શરુ થયાના પહેલા ચાર-પાંચ દિવસમાં આ કરાવવું નહીં. ખાંસી અને શ્વાસ ન હોય તો પણ આ સીટી સ્કેન 5-8 દિવસમાં પોઝિટિવ આવવાની સૌથી વધુ શક્યતા છે - એટલે આ દિવસોમાં આ ટેસ્ટ કરાવવો. કોરોનાનો એન્ટિજન ટેસ્ટ બે રીતે થાય છે - સ્ટાન્ડર્ડ ટેસ્ટ અત્યારે દાખલ કરેલા દર્દીઓમાં જ કરવામાં આવે છે જયારે રેપિડ ટેસ્ટ એમનેમ પણ કરી શકાય છે. બેઉમાં નાકમાંથી નળી નાખીને સ્વોબ લેવામાં આવે છે. પોઝિટિવ આવે તો બીમારી ચોક્કસ પણ નેગેટિવ આવે તો કોરોના નથી એમ ન કહી શકાય એટલે તમારા ડોક્ટરની સલાહ મુજબ વર્તવું. હમણાં વોટ્સએપ પાર એન્ટીબોડી ટેસ્ટના મેસેજ ફરી રહ્યા છે પણ તેનો નિદાન માટે કોઈ રોલ નથી.
4. મારા પાડોશીને/ ઓફિસમાં કામ કરતાને / ઘરના એક વ્યક્તિને કોરોના છે તો અમે બચવા માટે શું કરીયે?
તમારે પણ આગામી અઠવાડિયા સુધી દરેક ચિન્હો માટે સજાગ રહેવું. આ તબક્કે કઈ પણ લેવાથી કોરોનાનો ચેપ લાગ્યો હશે તો નહીં જ થાય એવું નથી. પણ વિટામિન અને ઝિંક, અમુક આયુષની દવાઓ થી પ્રતિકારશક્તિ વધે છે એવું ઘણા લોકો મને છે અને સરકાર પણ કહે છે - એટલે એમાં માનતા હો તો કોરોનાની દવા તરીકે નહીં પણ ઇમ્યુનીટી બૂસ્ટર તરીકે એ લઇ શકાય. કઈંક આવોજ રોલ હાઇડ્રોક્સિકલોરોકવીન નો છે. એક સમયે આ દવા કોરોનાનો અકસીર ઈલાજ ગણાતી હતી - હવે તેના ફાયદા સામે પ્રશ્નચિહ્ન છે પણ એ લેવાથી કદાચ કોરોના થાય તો પણ એટલો ગંભીર રોગ ન થાય એવું હું પણ માનું છું એટલે એ લઇ શકાય.
5. કોરોના થયો એટલે હોસ્પિટલમાં દાખલ કરવા જ પડે?
એંસી ટકા દર્દીઓને બીમારી માઈલ્ડ હોય છે અને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડતી નથી. પણ એમણે પોતાના ઘરમાં આઇસોલેશન કરવાની જરૂર ચોક્કસ છે જેથી કરીને ઘરના બીજા સભ્યોને આ ચેપ ન લાગે. તમારી પાસે અલગ રૂમ અને અલાયદો બાથરૂમ ની સગવડ હોય તો આ સરળ છે. પણ ઘરે રહેતા દર્દીઓએ બ્લડ પ્રેશર અને શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ માપવું જરૂરી હોય છે. એને માટે જરૂરી પલ્સ ઓક્સિમીટર રાખવું હિતાવહ છે. તે સાથે કોઈ હોસ્પિટલના હોમ કેર પ્રોગ્રામમાં જોડાવું કે તમારા ડોક્ટર સાથે સંપર્કમાં રહેવું. જો ઓક્સિજન સેટચ્યુરેશન 93-94 થી ઓછું જ રહેતું હોય તો હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે છે. કોરોનના સમયમાં પેટ પર સૂવાની ટેવ પાડવી હિતાવહ છે. ઘરે રહેતા દર્દીઓએ પોતાના ટુવાલ, નેપકીન વગેરે અલગ રાખવા અને બીજા ઘરના સભ્યો સાથે ઓછામાં ઓછો સંપર્ક રાખવો - જયારે સંપર્કમાં આવો ત્યારે દર્દી માસ્ક અને ઘરના સભ્ય એન-95 માસ્ક પહેરે એ હિતાવહ છે. ઘરમાં એક જ બાથરૂમ હોય તો પહેલા ઘરના બીજા લોકો વાપરી લે પછી જ દર્દીએ વાપરવો અને પછી બરાબર બ્લીચિંગ પાવડર સોલ્યુશનથી સાફ કરી દેવો.
ઘણા લોકો પાસે આવી અલાયદી સગવડ હોતી નથી કે ઘરમાં રહીને અલગ રહેવું મુશ્કેલ હોય છે; તો એવા દર્દીઓ માટે હોટેલ-હોસ્પિટલ સેવાનો લાભ લઇ શકાય. અત્યારે સુરતમાં જીંજર અને સેલિબ્રેશન હોટેલમાં આવી સગવડ ઉપલબ્ધ છે. તે સાથે ઘણી જ્ઞાતિઓએ પોતાના લોકો માટે વાડી જેવું રાખી આવી સુવિધા ઉપલબ્ધ કરી છે.
6. આઇસોલેશન, ક્વારન્ટાઇન અને રિવર્સ ક્વારન્ટાઇન શું છે?
દર્દીને બીજા લોકોથી અલગ રાખવા એ આઇસોલેશન।. દર્દીના સંપર્કમાં આવેલા હજુ સુધી તકલીફ વગરના લોકોને બહાર હાર્ટ ફરતા અટકાવવા એ ક્વારન્ટાઇન! કોઈ પણ તકલીફ વગરના કે દર્દીના સંપર્કમાં ન હોય પણ જે લોકો પોતાની વધુ ઉમર (સાઠ થી વધુ) કે અન્ય બીમારીઓ - ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, હૃદય, કિડની કે ફેફસાની બીમારી, કેન્સર વગેરેને કારણે હાઈ રિસ્ક ગણાય છે એવા બધાને બહાર ફરતા અટકાવવા અને બને તો એક રૂમમાં જ રાખવા જેથી એમને ચેપ ન લાગે એ રિવર્સ ક્વારન્ટાઇન કહેવાય.
7. દવાઓ અને વેક્સિનની શું પરિસ્થિતિ છે?
આપણી બહુ માનેલી હાઇડ્રોક્સિકલોરોકવીન દવા તેના ફાયદા પુરવાર કરી શકી નથી પણ શરૂઆતની બીમારીમાં હજુ પણ તેને મારા સહિત ઘણા ડોક્ટરો વાપરવાનું પસંદ કરે છે કારણકે અત્યારે હુ ની વિશ્વસનિયતા તળિયે બેઠી છે. માઈલ્ડ બીમારી માટે બીજી દવા છે ફેવીપીરાવીર જે વહેલી શરુ કરી શકાય તો ફાયદાકારક છે પણ તેની કિંમત વધારે છે. રેમડેસિવીર પણ વાઇરસ ની સામે કામ કરે છે પણ એની અસરકારકતા ઓછી છે, કિંમત વધારે છે અને આસાનીથી મળતી નથી. બહુચર્ચિત ટોસીલીઝુમેબ, સ્ટેરોઈડ ક્લોટ ઓગાળવાની દવાઓ, પ્લાઝમા વગેરે અમુક ચોક્કસ સમયે જ વાપરવાની હોય છે અને એ તમારા ડોક્ટરને નક્કી કરવા દો.
વેક્સીન જુદા જુદા લોકો તરફથી તૈયાર થઇ રહી છે એવા સમાચાર આવતા રહે છે અને આપણે આશા રાખીયે કે સાચા હોય પણ અત્યારે એમ લાગે છે કે બધા સુધી પહોંચતા તો હજુ થોડા મહિના રાહ જોવી પડશે!
8. તો છેલ્લે આ બધાનું નિષ્કર્ષ શું?
હજુ પણ કોવીડ -19 માં prevention is better than cure એ એટલું જ સાચું છે. ત્રણ મુખ્ય મંત્રો - સોશ્યિલ ડિસ્ટર્ન્સિંગ રાખવાનું, માસ્ક પહેરવાનું અને હાથ ધોવાનું - ભૂલશો નહીં. તો આપના પ્રભુ આપને કોવિડ -19 થી દૂર રાખે. માસ્ક ની વાતો લખવા કરતા દર્શાવવાની હોય છે - મેં એક પ્રશ્નોત્તરીના ફેસબુક લાઈવ કાર્યક્રમમાં જવાબ આપ્યા હતા તેની લિંક આપું છું - https://www.youtube.com/watch?v=TLdtlvVKM3s.