શિયાળા ની ઢળતી સાંજ હતી, પવન ના સુસવાટા સાથે સૂરજ ધીમે ધીમે આથમી રહ્યો હતો. આ આથમતી સાંજ માં કોઈ ના અરમાનો પણ આથમી રહ્યા હતા.
સંજીવની વૃદ્ધાશ્રમ માં 73 વર્ષ ના 'યુવા વૃદ્ધ' એવા નારણદાસ ખીમજીભાઈ સંઘવી, ખૂબ જ આતુરતા થી કોઈ ની રાહ જોઈ રહ્યા હતા. હવે સાંજ પડી ગઈ હતી અને સાંજ નું વાળું જમવાનો સમય થઈ ગયો હતો, પરંતુ નારણદાસ ની ભૂખ મરી ગઈ હતી.
"નહીં આવે એ. ચાલો હવે જમી લ્યો." નારણદાસ ની સાથે રહેતા ભીખાભાઇ એ કહ્યું.
"ના મને વિશ્વાસ છે એ આવશે જ." નારણદાસે કહ્યું. એમના બોલવામાં ગજબ આત્મવિશ્વાસ છલકાતો હતો.
"જો આવું હોત એને તો સવારે જ આવી જાત. હવે શું આવે સાંજ ના સમયે." ભીખાભાઇ એ કહ્યું.
“પાછલા વર્ષે એણે મને પ્રોમિસ કર્યું હતું, કે એ જરૂર થી આવશે અને ખબર નહીં પણ કેમ મને એની વાત થી એ ક્યાંય ખોટું બોલતો હોઈ એવું ના દેખાયું.”
“અરે ભાઈ! આ લોકો આજકાલ ના યુવાઓ છે એ લોકો ને આવા પ્રોમિસ કરવા અને એ પછી એને તોડવા કંઈ નવી વાત નથી.” ભીખાભાઇ એ કહ્યું.
નારણદાસ ભીખાભાઇ ને સાંભળી તો રહ્યા હતા, પણ તેમનું સંપૂર્ણ ધ્યાન વૃદ્ધાશ્રમ ના ગેટ પર હતું. એમની આશા હજુ જીવંત હતી પણ જેમ જેમ સૂરજ આથમી રહ્યો હતો તેમ તેમ એમની આશા પણ તૂટી રહી હતી. છેવટે એ હાર માની ને જમવા ગયા. જમવામાં પણ એમનું મન ના લાગ્યું. જમતી વેળા એ ભીખાભાઇ એ કહ્યું, “કેમ? ના આવ્યો ને તારો દીકરો? તમને પહેલા જ કહ્યું હતું કે એ નહીં આવે પણ તમે મારી માનો તો ને!”
નારણદાસ કંઈ જ બોલ્યા વગર બસ સાંભળી રહ્યા. જમ્યા બાદ રોજ ની જેમ પોતાના વાસણ એમણે જાતે ઉટક્યાં. થોડી વાર પછી એ પોતાની પથારી એ સુવા પડ્યા. પથારી પડ્યા ભેગા એમને જૂની યાદો તાજા થવા લાગી. ધીમે ધીમે એમને પાછલા વર્ષ ની ઘટનાઓ યાદ આવવા લાગી અને એમનું ઓશીકું એમના અશ્રુઓ થી ભીંજાવા લાગ્યું.
એક વર્ષ પહેલાં,
સંજીવની વૃદ્ધાશ્રમ ના ગેટ પાસે એક ફોર વ્હીલર ગાડી આવીને ઉભી રહી. ગાડી માંથી એક ખૂબ જ યુવા અને કાંતિવાન યુવક બહારે નીકળ્યો અને સાથે સાથે ઘણી ભેટ સોગાદો જે એ પોતાની સાથે લાવ્યો હતો એ પણ એણે ગાડી માંથી ઉતાર્યા. તે એક એક કરીને વૃદ્ધાશ્રમ ના બધા વડીલો ને મળવા લાગ્યો અને તેમને ઓઢવા માટે ની શાલ દેવા લાગ્યો. ત્યાર બાદ તે વૃદ્ધાશ્રમ ના સંચાલક પાસે ગયો અને વાતચીત કરી. થોડીવાર પછી ત્યાં અમુક કેટરર્સ ના લોકો આવ્યા. તે લોકો ને જે મુજબ ની સૂચના આપવામાં આવેલી હતી એ મુજબ ની રસોઈ કરવા લાગ્યા. સંજીવની વૃદ્ધાશ્રમ માં 70 જેટલા વૃદ્ધો ને શરણ આપવામાં આવી હતી. કોઈ ને કોઈ કારણોસર વૃદ્ધાશ્રમ માં જીવન ની ઢળતી વેળાએ એ લોકો ને અહીં રહેવું પડતું હતું. તેમ છતાં તેઓ ખુશ હતા, પણ મન માં ક્યારેક તો ઘર ની યાદ તો આવે જ.
નારણદાસ એ યુવાન પાસે ગયા અને પૂછ્યું, “બેટા? આજે કંઈ ખાસ દિવસ છે કે શું?”
“હા અંકલ! આજે મારા પપ્પા નો જન્મ દિવસ છે.” એ યુવાને કહ્યું.
“વાહ બેટા! તારું નામ શું છે?”
“અનિકેત ચૌહાણ!”
“ખૂબ સરસ બેટા!”
થોડીક વાર ની મૌન પછી નારણદાસ બોલ્યા, “એક વાત કહું બેટા?”
“હા અંકલ બોલો ને!”
“તને જોઈને મને મારો દીકરો યાદ આવી ગયો. એ પણ તારા જેવો જ હતો. નાનપણ માં હું એને બગીચા માં રમવા લઈ જતો. એ પછી એક ચોકલેટ એને જરૂર થી જોઈ.”
“હા બધા નાના છોકરાઓ જિદ્દી જ હોઈ.” અનિકેતે કહ્યું.
“એ મને અને હું એને ખુબ જ પ્રેમ કરતા.” આ કહેતા સુધી માં નારણદાસ ના આંખ માં ઝળઝળિયાં આવી ગયા.
“તો એવું તે શું થયું કે એણે તમને વૃદ્ધાશ્રમ મોકલી દીધો?”
“ના બેટા, એણે મને નથી મોકલ્યો. એ તો મારી જાતે જ હું અહીં આવી ગયો.”
“કેમ?”
“મારા દીકરા ની માં તો એના જન્મ પછી થોડાક વર્ષો બાદ જ અવસાન પામી. મારા માટે બસ મારો દીકરો જ સહારો હતો, પણ 2 વર્ષ પહેલાં એને ખૂબ જ તાવ આવ્યો, અને હોસ્પિટલ માં સારવાર માટે લઈ જઈએ એ પહેલાં જ એ મૃત્યુ પામ્યો. એ પછી મારુ કોઈ ના રહ્યું. મારી તમામ સંપત્તિ આ સંસ્થા ને દાન કરી દીધી અને અહીં જ રહેવા લાગ્યો.” અનિકેત પણ નારણદાસ ની વાત સાંભળી ભાવુક થઈ ગયો.
“આજે એની યાદ એટલા માટે આવી કેમ કે એ પણ મારો જન્મદિવસ ખૂબ જ ધામધૂમ થી ઉજવતો અને યોગાનુયોગ આજે મારો જન્મદિવસ છે.” નારણદાસે કહ્યું.
“વાહ! શું વાત છે! આજે તમારો પણ જન્મદિવસ અને મારા પપ્પા નો પણ. તમારી સ્ટોરી સાંભળીને મને ખુબ જ દુઃખ થયું અંકલ પણ આ જ જિંદગી છે. બધું ભગવાન પર છે, એમાં આપણે કંઈ જ ના કરી શકીએ. મારા પપ્પા પણ પાછલા વર્ષે જ હાર્ટ અટેક થી મૃત્યુ પામ્યા. હવે મારી જિંદગી માં પણ કોઈ નથી. એટલે જ મારી ખુશી વહેંચવા તમારી લોકો વચ્ચે આવી ગયો.”
નારણદાસ પણ આ જાણીને સ્તબ્ધ થઈ ગયા. એક તરફ એક દીકરા એ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી હતી તો બીજી તરફ એક પિતા એ એના દીકરા નો સહારો ગુમાવ્યો હતો. યોગાનુયોગ બંને ની જિંદગી માં હવે કોઈ બીજું રહ્યું ન હતું.
“ચાલો અંકલ, હવે જાવ છું. સરખી રીત ના જમજો. આવતા વર્ષે પાછો આવીશ.” અનિકેતે કહ્યું.
“બેટા, એક વાત માનીશ મારી?”
“બોલો ને અંકલ!”
“સૌથી પહેલા તો તું મને અંકલ ના કે, હું તારા પપ્પા જેવો જ છું અને તું મારા દીકરા સમાન. આજ પછી તું મને પપ્પા કહી ને બોલાવજે. બીજું, ક્યારેય મને મળવાની ઈચ્છા થાય કે ના થાય પોતાના પપ્પા ના જન્મદિવસે મને મળવા જરૂર થી આવજે.”
“સારું અંકલ. પ્રોમિસ! હવે જાવ છું. આવતા વર્ષે પાકું આવીશ.” આટલું કહીને એ જતો રહ્યો.
વર્તમાન માં,
નારણદાસ વિચારી રહ્યા કે, કેવી થઈ ગઈ છે આ દુનિયા? કોઈ ની લાગણી થી આવી રમત રમાતી હશે? જો કે, મેં જ એને પોતાનો દીકરો માન્યો હતો. એણે તો મને કંઈ જ કહ્યું ના હતું. હું જ ખોટી લાગણીઓ માં તણાઈ ગયો. હવે સમજાયું કે જ્યારે સગા દીકરા-દીકરીઓ પોતાના માં-બાપ ને મૂકી જાય છે ત્યારે એ લોકો પર શું વીતતી હશે, તો આ ક્યાં મારો સગો દીકરો હતો?
આમ વિચારીને નારણદાસે પોતાનું મન મનાવી લીધું અને સુઈ ગયા. થોડાક દિવસો પછી વૃદ્ધાશ્રમ ના ગેટ પાસે એક ફોર વ્હીલર આવીને ઉભી રહી અને તેમાંથી 2 લોકો બહાર આવ્યા. નારણદાસે જોયું તો એ બીજું કોઈ નહીં પણ અનિકેત હતો અને તેની સાથે કોઈ મહિલા હતી.
“પપ્પા, આ મળો તમારી પુત્રવધૂ ને!” નારણદાસ ના આશ્ચર્ય વચ્ચે અનિકેત સૌથી પહેલા એમને મળ્યો અને એમને ‘પપ્પા’ કહીને સંબોધિત કર્યું. નારણદાસ ના ખુશી ની કોઈ સીમા ના રહી. અનિકેત ની પત્નીએ નારણદાસ ના આશીર્વાદ લીધા. નારણદાસે પછી પૂછ્યું,
“મારા જન્મદિવસે કેમ ના આવ્યો?”
“માફ કરી દેજો પપ્પા! મારા લગ્ન હતા અને એ પછી અમે બંને હનીમૂન માં ગયા હતા એટલે ના આવી શક્યા.”
નારણદાસ વિચારી રહ્યા, લગ્ન પહેલા જે રાજી ખુશી થી પોતાના પિતા નો જન્મદિવસ ઉજવતો એ લગ્ન પછી એના જન્મદિવસ ને મનાવ્યો જ નહીં? ખૈર, ખુશી ની વાત તો એ છે કે એ મને ખાસ મળવા આવ્યો. જોઈએ આ કેટલો સમય ટકે છે?
સત્ય ઘટના પરથી.
✍️ Anil Patel (Bunny)